ચીન – ભારત – જાપાન વચ્ચે ત્રિપક્ષી વ્યાપારની ૨૦૧૩ ની સંભાવના.
ચીન-જાપાનના સંબંધોની સરખામણીએ ભારત-જાપાનના સંબંધો અને વેપાર પર રાજકીય ઘર્ષણની ભાગ્યે જ અસર થઇ છે. ભારતે જયારે અપવાદ રૂપે અણુપરીક્ષણ કર્યુ ત્યારે જાપાને વિરોધ દર્શાવ્યો હતો પરંતુ વાસ્તવમાં ઘણા વર્ષોથી જાપાન ભારતનું એક વિશ્વાસુ વેપારી ભાગીદાર પુરવાર થઇ ચૂકયુ છે.તેથી આવા સમયે ચીનમાં જાપાન વિરોધી ઘણા પ્રદર્શનો થયા છે. જે ભારત અને જાપાન વચ્ચેના વેપારી સંબંધો માટે ઉપયોગી પુરવાર થઇ શકે છે.
છેલ્લા એક દાયકામાં જાપાન અને ચીન વચ્ચેના વેપારી સંબંધો ઘણા ઘેરા બન્યા છે. જાપાની રોકાણકારો માટે ચીન ૨૦૦૦ થી ફેવરીટ દેશ રહયો છે. જાપાને ચીન ખાતે ૨૦૦૦ ના વર્ષ ૯૩૫૦ લાખ ડૉલરનું રોકાણ કર્યુ હતું જે ૨૦૧૧ માં વધીને ૧,૨૬,૪૯૦ લાખ ડૉલર થઇ ગયું છે. જોકે હવે લેહમાન બ્રધર્સનો ઝાટકો અને ચીનમાં ફાટી નીકળેલ જાપાન વિરોધી પ્રદશનને કારણે ચીન ખાતેના જાપાની રોકાણોનો પ્રવાહ ધીમો પડયો છે. વર્તમાન સંજોગોમાં જાપાનનો રોકાણ પ્રવાહ ચીનના બદલે ભારત તરફ વળી શકે છે.
એશીયાના આ બે મહાન રાષ્ટ્રો વચ્ચે છેલ્લા થોડા દિવસોથી એવું શીત યુધ્ધ ચાલી રહયુ છે કે જાપાની કંપનીઓ હવે ચીનને અલવિદા કહી ભારતમાં રોકાણ કરવાની યોજનાઓ બનાવવા લાગી છે. તાજેતરમાં જ ભારતે એફડીઆઇમાં અનેક નીતિ વિષયક જાહેરાત કરી મલ્ટી બ્રાન્ડ રીટેલને આકર્ષવા પ્રયત્નો શરૂ કર્યા છે ત્યારે અનેક જાપાની કંપનીઓની ભારતમાં ઇન્કવાયરી આવવા લાગી છે.
સેન્કાકુ અને દિઆઓયુ ટાપુનાં મુદ્દે ચીન અને જાપાન વચ્ચે ઉદ્દભવેલ વિવાદ અને ચીનની પ્રજામાં જોવા મળતો રોશ અને જાપાન વિરોધી દેખાવો કોઇ નવી વાત નથી. ૨૦૦૫ માં જાપાનમાં પાઠયપુસ્તકોમાં યુધ્ધ – ગુનેગારો વિશે છપાયું તેની સામે ચીનમાં જાપાન વિરોધી ઘણા દેખાવો થયા હતા. ચીન અને જાપાનના સંબંધો હંમેશા નાજુક રહયા છે. પૂર્વીય ચીની સમુદ્રમાં આવેલા ખાલી ટાપુઓના મુદ્દે બન્ને દેશો વચ્ચે સીમા વિવાદ થતો જ રહે છે. ચીનમાં ૧૯૩૭ માં નાનજીગમાં થયેલ કત્લેઆમ હજુ પણ લોકો ભૂલી શકયા નથી. ૧૯૭૮ માં ચીનમાં આર્થિક સુધારાની શરૂઆત થતી હતી ત્યારે જાપાને ચીનને વિકાસ માટે ભંડોળો આપ્યા હતા. ચીનના ડેન્ગ ઝીઆઓપીંગે જાપાનનાં અકીઓ મોરીટાને ચીનમાં રોકાણ કરવા વિનંતી કરી ત્યારે સોની, ટોયોટા, હોન્ડા અને પેનાસોનિકે ચીનમાં જંગી રોકાણ કર્યા હતા.
ચીનના નિકાસ બજારોમાં પ્રથમ નંબરે યુરોપિયન યુનિયન, બીજા નંબરે અમેરીકા, ત્રીજા નંબરે હોંગકોંગ ત્યાર બાદ ચોથા નંબરે જાપાન આવે છે. ચીનના માલસામાનની કુલ નિકાસમાંથી ૭.૭ ટકા જાપાનમાં જાય છે. તે જ રીતે ચીન દ્રારા થતી મર્ચન્ડાઇઝ ઇમ્પોર્ટમાં જાપાનનો હિસ્સો ૧૨.૭ ટકાનો છે. બીજી બાજુ જાપાનની આયાત – નિકાસમાં ચીનનો મોટો હિસ્સો છે. નિકાસમાં ૧૯.૪ અને આયાતમાં ૨૨.૧ ટકાનો હિસ્સો છે. ૨૦૧૦ માં ચીન અને જાપાન વચ્ચેનો દ્રિપક્ષી વેપાર ૩૦૦૦ કરોડ ડૉલર જેટલો હતો.
પણ હવે જાપાની રોકાણકારો રોકાણ માટેનો નિર્ણય લેતી વખતે ચીન અને ભારતને સરખાવવા લાગ્યા છે. જાપાન-ચીન અને ભારતમાં વ્યાપારી ત્રિકોણમાં ઘણી સમાનતા અને ઘણો વિરોધાભાસ પણ છે. સમાનતા જોઇએ તો ભારત અને જાપાન બન્નેની ભૂતકાળમાં ચીન સાથે દુશ્મનાવટ રહી છે. તેમ જ રાજકીય સંબધો એટલા સારા ન હોવા છતા બંન્ને દેશોનો મોટો વ્યાપારી ભાગીદાર દેશ ચીન જ છે. ૨૦૧૧-૧૨ માં ભારતનાં વિશ્વ વ્યાપારમાં ચીનનો હિસ્સો ૯.૫ ટકાનો રહયો છે. ૨૦૧૧ ના કેલેન્ડર વર્ષમાં જાપાનના વૈશ્વિક વ્યાપારમાં ચીનનો હિસ્સો ૨૯.૩ ટકાનો હતો. વિરોધાભાસમાં જોઇએ તો ચીન સામ્યવાદી દેશ છે જયારે ભારત અને જાપાન લોકશાહી દેશો છે. બીજો વિરોધાભાસ વસ્તીના ઉંમરની દ્રષ્ટિએ જૂથોનો છે. એક બાળકની નીતિના કારણે ચીનની વસ્તી ઝડપથી ઘરડી થવા લાગી છે. પરિણામે ત્યાં કામ કરી શકે તેવી વસ્તીનું પ્રમાણ ઘટી રહયું છે જે ભારતમાં વધી રહયું છે. ત્રીજો વિરોધાભાસ નિકાસ નિર્ભરતાનો છે. ચીન અને જાપાન નિકાસ પર વધુ નિર્ભર છે જયારે ભારતનો આર્થિક વિકાસ પ્રમાણમાં એટલો નિકાસ આધારિત નથી.
રોકાણકારો માટે ચીનનું આકર્ષણ ઘટતું જવા પાછળ ઘણા કરણો જવાબદાર છે. ચીનમાં વધતા જતા ફુગાવાના કારણે પગાર અને વેતન દર વધતા ઉત્પાદન ખર્ચ વધતાં ચીન હવે ઉત્પાદન બેઝ તરીકે કરકસરપૂર્ણ રહયું નથી. એક જ બાળકની નીતિને કારણે ચીનની વસ્તી ઝડપથી ઘરડી થવા લાગી છે અને કામ કરી શકે તેવી વસ્તીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. સરકારી માલિકીનાં સાહસો અને ખાનગી ક્ષેત્રનાં રોકાણો વચ્ચેની ગેપ દિવસેને દિવસે વધતો જાય છે આથી ચીનમાં રોકાણ કરવું કે નહિ તે જાપાન માટે એક પ્રશ્ન છે.
ભારતમાં રોકાણ કરનાર દેશોમાં ૨૦૦૮-૦૯ માં જાપાન નવમાં ક્મે હતું જે ૨૦૧૧-૧૨ માં ચોથા ક્રમે આવી ગયુ છે. ભારતમાં મોટા પ્રમાણમાં વર્કીગ પોપ્યુલેશન અને ઘણા કુશળ કર્મચારીઓ હોવાથી સારી રીતે વિદેશી રોકાણકારોને આકર્શી શકાય તેમ છે. અંદાજે ૯૦ અબજ ડોલરોનાં ખર્ચે બનાવનાર સૂચિત દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરમાં જાપાનનું ટેકનીકલ અને નાણાકીય રોકાણ આવ્યું છે. મલ્ટીબ્રાન્ડ રિટેલમાં ભારતે ૫૧ ટકા એફડીઆઇની છુટ આપી તેનો લાભ લેવા પણ જાપાનના રિટેલરો ઉત્સાહી છે. જાપાનની સેવન – ઇલેવન અને લોસાન જેવી ચેઇનો પણ ભારતમાં આવવા ઉત્સાહી છે. લોસાને તો ભારતમાં કામે રખાય તે પહેલા કર્મચારીઓને તાલીમ આપવા સિંગાપોર ખાતે તાલીમ કેંન્દ્ર સ્થાપવાની યોજના પણ તૈયાર કરી છે. મલ્ટીબ્રાન્ડ અને સીંગલ બ્રાન્ડમાં એફડીઆઇ રોકાણ માટે મૂકાયેલ શરતો પાછળથી હળવી બનાવવાની વાતો પણ ચાલવા લાગી છે. સીંગલ બ્રાન્ડમાં આવી શરતો હળવી પણ કરાઇ છે. હાલ કુલ રોકાણમાંથી ૫૦ ટકા બેક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં કરવાની અને ૩૦ ટકા લોકલ આઉટસોર્સીગની શરતો પાછળથી હળવી કરવાની સંભાવના છે. જો આવુ થાય તો જાપાની રિટેલરો ચીન છોડીને ભારત તરફ આવે તેવી સંભાવના છે. આમ, ચીન અને જાપાનના સંબંધો બગડે તો તેનો લાભ ભારતને જ થવાનો છે બસ જરૂર છે ભારતે તે તક ને ઝડપી લઇને લાભ લઇ લેવો !
***************************************************
હેતલ પરમાર
અધ્યાપક સહાયક
કે.કા.શાસ્ત્રી કોમર્સ કોલેજ,
મણિનગર(પૂર્વ),અમદાવાદ
|