logo

પ્રજ્ઞા: પ્રવૃતિ આધારિત અધ્યયન અભિગમ


સારાંશ

‘પ્રજ્ઞા’ અભિગમ એ નિમ્નપ્રાથમિક કક્ષાએ અમલી બનેલ પ્રવૃતિલક્ષી અધ્યયન અભિગમ છે. જેમાં શીખવાના કુલ અભ્યાસક્રમને કુલ ૧૯ માઈલ સ્ટોનમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા જોડીને રજૂ કરવામાં આવ્યો છે. કુલ ‘૬’ જૂથોમાં બાળક અધ્યયન કરતાં આગળ વધે છે અને શિક્ષકની ભૂમિકા ઘટતી જાય તથા સ્વપ્રયત્ને શીખવાની સંભાવનાઓ વધતી જાય છે. સંપૂર્ણ પ્રવૃત્તિ આધારિત પ્રજ્ઞા અભિગમમાં મૂલ્યાંકન જૂથકાર્યના દરેક તબક્કે થતું હોવાથી છમાસિક કે વાર્ષિક મૂલ્યાંકનને કોઈ અવકાશ નથી. પ્રજ્ઞા વર્ગ નિશ્ચિત સમયના તાસો, વાર્ષિક પરીક્ષાઓ, ચોક-બોર્ડ, દફ્તર, ઘંટ અને ચોક-ટોક જેવી શિક્ષણ પદ્ધતિઑ વગરનો હોય, એક અલગ તરાહ ઊભી કરે છે.બાળકની રચનાત્મકતાને પોષક અને પ્રવૃત્તિ પર આધારિત આ અભિગમ સંપૂર્ણ રીતે વિદ્યાર્થીકેંદ્રી છે. તેથી તે અપવ્યય અને સ્થગિતતાના પ્રમાણને ઘટાડી શકશે. નિમ્નપ્રાથમિક સ્તરે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓની પિછાણી શકાય તેમને રચનાત્મક માર્ગે વાળી શકાય, હાથની કેળવણી પામી વિદ્યાર્થી યોગ્ય દિશામાં આગળ વધે તો એક સમૃદ્ધ માનવસંપત્તિ નિર્માણ કરવાનું શ્રેય શિક્ષણના ફાળે જાય.ભ।વિભારતના નિર્માણ માટે પ્રવૃત્તિ આધારિત આ નવીન અભિગમ સાર્વત્રિક સ્વીકાર્ય બને એવી શુભેછાઓ પાઠવીએ અને તે માટે ઘટતું કરીએ.....

પ્રસ્તાવના

સર્વશિક્ષાઅભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાં શિક્ષણના સાર્વત્રિકરણ માટે સધન કાર્યક્રમો અને પ્રકલ્પો હાથ ધરાય રહ્યા છે. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણને અપવ્યય અને સ્થગિતતાનો મુદ્દો શીધો જ સ્પર્શે છે અને વાસ્તવિક રીતે અપવ્યય અને સ્થગિતતાના ગ્રાફને નીચો લાવી વિદ્યાર્થીઓની રસ, રૂચિને પોષે તથા તેની આંતરિક શક્તિઓને ખીલવાનું સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડે તેવું પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આવકાર્ય, અપેક્ષિત અને પ્રવર્તમાન સ્પર્ધાત્મક સમયની માંગ છે.

ઉપરોક્ત બાબતને ઉપકારક એવો નિમ્નપ્રાથમિક કક્ષાએ પ્રારંભીક તબક્કે અમલી બનેલો નવીન પ્રવૃત્તિલક્ષી અધ્યયન અભિગમ એટલે પ્રજ્ઞા (પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન).

પ્રજ્ઞા અભિગમનો હેતુ હરિફાઇના યુગમાં ગોખણપટ્ટી વાળા જ્ઞાનથી ફક્ત પરિણામ પત્રક પર હોંશિયાર દેખાતો વિદ્યાર્થી સંકલ્પના સ્પષ્ટીકરણ દ્વારા સ્વશિક્ષણની દિશામાં આગળ વધે અને પોતાની રચનાત્મકતાને ખિલવતો થાય તે કરવાનો છે.

સર્વશિક્ષા અભિયાન મિશન, ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ, યુનિસેફ, માર્ગદર્શક ટીમ અને સ્ટેટ કોર ટીમ દ્વારા સધન પ્રયાસો થકી કાર્યરત પ્રવૃત્તિ આધારિત આ નવીન અભિગમ જ્ઞાનની નવી ક્ષિતિજો ને ઉઘાડવા અને માનવ સંસાધનના ખરા નિર્માણ થકી ભાવિ ભારત ના નવા કિર્તિમાનો પ્રસ્થાપિત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેમાં બેમત નથી.

પ્રજ્ઞા અભિગમ શું છે?

પ્રજ્ઞા એ ‘પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન’ નું ટૂંકાક્ષરી નામ છે. નામ જ સૂચવે છે કે અહીં સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પ્રવૃત્તિ આધારિત છે. વર્ગના સમગ્ર બાળકોને કેન્દ્રમાં રાખી, તેમની વૈયક્તિક ભિન્નતાને ધ્યાનમાં લઈ તેમની ક્ષમતા – ગતિને આધારે શિક્ષણ આપવાની વ્યવસ્થાને ઉપકારક નીવડે તેવો અભિગમ એટલે ‘પ્રજ્ઞા’.

પ્રજ્ઞા અભિગમ પરંપરાગત પદ્ધતિથી તદ્દન ભિન્ન છે. અહીં વર્ગખંડ છે પણ પાટલીઓ નથી, કાળું પાટિયું નથી, સમયે સમયે બેલ વાગતા નથી. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સામગ્રીઓ લાવવાની નથી અને પરંપરાગત બેઠક વ્યવસ્થા પણ નથી. મૂલ્યાંકન છમાસિક કે વાર્ષિક પરીક્ષાઓ નથી, રૂપ નથી થતું પણ નિશ્ચિત કરેલ જુથ કાર્ય પુરૂ થતાં વિદ્યાર્થી સ્વયં તેનું મૂલ્યાંકન કરે તેવી વ્યવસ્થા છે. અહીં પરંપરાગત શિક્ષણ કરતાં પ્રજ્ઞા અભિગમ તદ્દન ભિન્ન રીતે ઉપસી આવે છે. ટૂંકમાં કહી શકાય કે અહીં મૂલ્યાંકન “ભારવિનાનું છે.

‘પ્રજ્ઞા’ અભિગમ શરૂઆતના તબક્કે એટલે કે જૂન-૨૦૧૦માં ‘ધોરણ-૧, ૨’ માં (બંને વર્ગો એક સાથે) અસ્તિત્વમાં આવ્યો અને કુલ ચાર ધોરણ સુધી છે. ધોરણ- ૧ અને ૨ ના પ્રથમ વર્ગમાં કુલ અભ્યાસક્રમને નીચેના વિભાગો અંતર્ગત સાંકળી લેવામાં આવ્યો છે.

[૧] પર્યાવરણ
[૨] ગુજરાતી
[૩] ગણિત અને સપ્તરંગી પ્રવૃત્તિઓ
ઉપરોક્ત વિષયોના અભ્યાસક્રમ ને શીખવા માટે કુલ ૧૯ માઈલસ્ટોન નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત દરેક માઈલ સ્ટોનમાં કુલ ‘૫’ મુખ્ય મુદ્દા અને દરેક મુદ્દાના પાંચ પેટા મુદ્દા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિથી શીખવાની વ્યવસ્થા રાખવામા આવી છે.

સૌપ્રથમ વિદ્યાર્થીની પ્રોફાઇલ તૈયાર થયા બાદ તેનો પોર્ટફોલિયો તૈયાર થાય છે અને ટી.એલ.એમ. ના મધ્યમથી તે પોતાના 0 થી આગળ વધતાં માઈલસ્ટોન પ્રમાણેના કાર્ડના માધાયાંથી પ્રવૃત્તિ દ્વારા શિખતા આગળ વધે છે.

પ્રજ્ઞા વર્ગ અંતર્ગત વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા અગાઉ કરેલ ઉલ્લેખ મુજબ પરંપરાગત નથી. તે નીચે મુજબના ૬ જૂથોમાં શીખતા-શીખતા આગળ વધશે....

gr1

ઉપરોક્ત દરેક જૂથમાં કાર્ય કરવા વિદ્યાર્થીઓને વ્યક્તિગત છાબડીઓ આપવામાં આવી છે અને અલગ અલગ સમૂહછાબ ની ઓળખ માટે પક્ષીઓના ચિત્રો આપવામાં આવ્યા છે. જેમકે, સુરખાબ, કાળોકોશી, મોર, હોલો, ચકલી.....

ટૂંકમાં પ્રજ્ઞા અભિગમ સંપૂર્ણત: પ્રવૃત્તિ આધારિત એવો બાળકને સ્વયં શીખવા પ્રેરતો નવીન અભિગમ છે. જેમાં શિક્ષકની ભૂમિકા જૂથમાં આગળ વધતાં વિદ્યાર્થી માટે ઑછી થતી જાય. બીજા તબક્કે સાથી જૂથ અધ્યયન કરતાં આગળ વધી સ્વઅધ્યયન અને સ્વમૂલ્યાંકન દ્વારા શીખવાની એક સાઇકલ પૂરી કરે છે. આગળ વધતાં કુલ ૧૯ માઈલસ્ટોન એક વર્ષ કરતાં ઓછા સમયમાં પૂર્ણ કરતાં તેને આગળના વર્ગમાં પણ મોકલી શકાય.

પ્રજ્ઞા અભિગમ શા માટે?

પ્રજ્ઞા અભિગમ પરંપરાગત શિક્ષણ પ્રણાલીથી ભિન્ન, શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવનાર એક નવીન અભિગમ છે.

પ્રજ્ઞા અભિગમ દ્વારા....

  1. પ્રત્યેક બાળકને પોતાની ગતિ મુજબ શિક્ષણ મેળવવાની તક મળે.
  2. ભાર વગરના પ્રવૃત્તિલક્ષી, આનંદદાયી શિક્ષણની તક પ્રાપ્ત થાય.
  3. બાળકો જરૂરી શૈક્ષણિક સિદ્ધિનું મૂલ્યાંકન કરે.
  4. પોતાના કાર્ય અને સાધન સામગ્રી તથા પદ્ધત્તિઑ નું સ્વમૂલ્યાંકન કરે તથા સુધારણા કરવાની ક્ષમતા કેળવે.
  5. બહુસ્તરીય શિક્ષણ માટેની સામગ્રી નિર્માણ કરે તથા તેનો ઉપયોગ કરવાની ક્ષમતા મેળવે.
  6. બાળકો એક બીજાના સહયોગથી શિક્ષણ મેળવે.
  7. વિશેષ જરૂરિયાત વાળા બાળકોને શીખવાની સમાન તક મળે.
  8. બાળકની પ્રત્યેક તબક્કે થતી પ્રગતિથી વાલી, શિક્ષક અને બાળક પોતે પણ માહિતગાર રહે.
પ્રજ્ઞા અભિગમના અગત્યના તબક્કા:

પ્રજ્ઞા અભિગમમાં શીખવાની એક સળંગ પ્રક્રિયા ઘણી બધી નાની નાની પ્રવૃત્તિઓ અને વિભાગોમાં વિભાજિત છે. જે અંતર્ગત કેટલાક તબક્કાઓ....

વિદ્યાર્થી કેવી રીતે શીખે છે?

બાળક શાળા પ્રવેશ પૂર્વે સ્થાનિક પર્યાવરણમાંથી ઘણા પૂર્વાનુભવો લઈ આવે છે. તે શું શું શિખીને આવે તેની શિક્ષકે નોંધ કરવાની હોય છે. વિદ્યાર્થી કયા માધ્યમથી વધુ સારુ શીખી શકે તે જોવાનું અને તેવું માધ્યમ પૂરું પાડવાનું મહત્વનું કામ શિક્ષકનું છે.

વિદ્યાર્થી કયા માધ્યમથી વધુ સારું શીખશે તે જાણવા નીચે મુજબની કેટલીક પ્રવૃત્તિઑ હાથ ધરવામાં આવે છે.

દા.ત.
  • જુદી જુદી વસ્તુઓને એક એક ઇન્દ્રિયો દ્વારા ઓળખ કરાવવી.
  • દિવાલ પર ચાર્ટ લટકાવી પેન કે સ્કેચ પેન વડે લખવું.
  • વાર્તા કરવી
  • વર્તુળના પરિઘને શુત્ર અને સાધન વડે શોધવો.
ટૂંકમાં વિવિધ પ્રવૃત્તિઑના અનુભવો પૂરા પડ્યા બાદ શિક્ષક એ અનુભવશે કે વિદ્યાર્થી...

  • અનુભવ દ્વારા
  • અનુકરણથી
  • સાથી મિત્રો પાસેથી
  • ઇન્દ્રિઓ દ્વારા
  • સાધન સામગ્રી કે
  • હરીફાઈથી શીખે છે
બાળમનોવિજ્ઞાન:

પ્રજ્ઞા અભિગમ અંતર્ગત અભ્યાસક્રમ સંબંધિત પ્રવૃત્તિઑ સાથે બાળમનોવિજ્ઞાનને ખૂબ સારી રીતે વણી લેવામાં આવ્યું છે. પ્રજ્ઞા શિક્ષકની તાલીમ દરમિયાન શિક્ષકને બાળમનોવિજ્ઞાનના ઉપયોગ અંગે ખૂબ સારી રીતે તૈયાર કરવામાં આવે છે. પ્રજ્ઞા અભિગમ અંતર્ગત બાળક સાથેના વ્યવહારમાં નીચે મુજબની કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રખવાનું સૂચવાયું છે.

    બાળક્ના વ્યક્તિત્વનો સંપૂર્ણ સ્વીકાર
  • બાળકને સન્માન
  • પ્રસન્ન શિક્ષક
  • આત્મીય વ્યવહાર
  • પ્રોત્સાહક શબ્દપ્રયોગ
  • બાળકને અભિવ્યક્તિની તક
  • બાળક શીખવામાં ઓછો કે વધુ સમય લઈ શકે તે સ્વીકારવું.
ઉપરોક્ત શિવાય પ્રજ્ઞા અભિગમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ, જૂથકાર્ય, સહપાઠી શિક્ષણ, વિદ્યાર્થીના કાર્યનું પ્રદર્શન, બેઠક વ્યવસ્થા, ભૌતિક સુવિધા, પ્રજ્ઞા સામગ્રી, વિદ્યાર્થી પ્રગતિમાપાન અને સપ્તરંગી પ્રવૃત્તિઑ/સર્વાંગી વિકાશની પ્રવૃત્તિઓ જેવા તબક્કાઓ અતિ મહત્વના છે. જે પરંપરાગત અભિગમથી પ્રજ્ઞા ને તદ્દન ભિન્ન ઓળખ આપે છે.

સમાપન:

પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો આ નવીન અભિગમ ગુજરાતમાં આ રીતે પ્રથમવાર શરૂ થયો છે. તેના અમલીકરણ સંબંધી પ્રત્યાયનની મર્યાદાને લીધે કે શિક્ષકની અસ્પષ્ટતાને લીધે ખામી રહેવાની શક્યતાને નકારી ના શકાય. એમ છતાં પણ આ અભિગમ પરંપરાગત “પેન, પાટી ને સોટી” થી વિપરીત અને “એજ્યુકેશન મિન્સ ટુ ડ્રો આઉટ” ની શિક્ષણની ખરી વ્યાખ્યાને સાકરિત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરશે તે નિ:શંક છે.

વાલીઓને જૂની માનસિકતામાંથી બહાર લાવવા પ્રજ્ઞા અભિગમ અંતર્ગત “કૉમ્યુનિટી મોબિલાઇઝેશન” ના માધ્યમથી તેમણે પ્રજ્ઞા અભિગમના હેતુઓ અને ભાવિ પરિણામોથી માહિતગાર કરી વિશ્વાશમાં લેવાનો સતત પ્રયાસ “એસ.એમ.સી.” મિટિંગ દ્વારા થાય છે. પ્રવૃત્તિ આધારિત આ અભિગમનું નિમ્નપ્રાથમિક કક્ષાએ સાર્વત્રિકરણ થાય અને રચનાત્મક, નવીન વિચારશરણી વાળો અને સંકલ્પનાને ખરા અર્થમાં પામેલો બહોળો વિદ્યાર્થી વર્ગ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ સાથે વિરામ લઈએ.

*************************************************** 

પ્રા. જીજ્ઞેશ જે. રાઠોડ
શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સંચાલિત બી. એડ. કોલેજ,
ઘોડદોડ રોડ, સુરત,
સંપર્ક સુત્ર : ૯૦૩૩૫ ૬૫૫૮૬
ઈ-મેલ આઈડી : jigneshr6009@gmail.com

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us