logo

ઉપનિષદ્ કાળમાં સ્ત્રીઓનું સ્થાન

પ્રાચીન કાળથી જ ઉપનિષદો સ્ત્રીઓની સભ્યતા અને સંસ્કૃતિ ઉપર પ્રકાશ પાડતાં રહેલાં છે. વૈદિક યુગમાં મંત્રદ્રષ્ટા સ્ત્રીઓ પણ જોવા મળે છે. વેદોમાં સ્ત્રીઓએ રચેલા મંત્રો મળી આવે છે. વૈદિક સાહિત્યમાં સ્ત્રીઓનુ પ્રદાન સારું એવું રહ્યું છે. આધ્યાત્મિકતાની બાબતમાં મૈત્રેયી, ગાર્ગી, જબાલા વગેરે બ્રહ્મવાદિની સ્ત્રીઓએ દાર્શનિક પુરુષોને વાદ-વિવાદમાં પરાસ્ત  કરેલા છે. વાત્સલ્ય, પ્રેમ, કરુણા, દયા, ધર્મ વગેરે ગુણો સ્ત્રીઓમાં પુરુષ કરતાં વિશેષ જોવા મળે છે. સ્ત્રીઓની પૂજા એટલે નિર્માણ અને પોષણશક્તિનું સન્માન. કોમળતા, સરળતા, સહનશીલતા વગેરે ગુણોનો સત્કાર. આથી જ મનુસ્મૃતિકારે યોગ્ય જ કહ્યું છે-यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः [1] અહીં સ્મૃતિકારે સ્ત્રીઓને જે દરજ્જો આપ્યો છે તે જોતાં કહી શકાય કે મહિલાઓ સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ અંગ છે. આથી કોઇપણ સમાજની પ્રગતિ અને મૂલ્યાંકનનું માપદંડ પરથી કહી શકાય કે તે સમાજમાં મહિલાઓની સ્થિતિ અને ભૂમિકા કેવી છે? ઉપનિષદ્ કાળમાં નારીને પુરુષની સમાન શિક્ષા, ધર્મ, રાજનીતિ, સંપત્તિ, ઉત્તરાધિકારી વગેરે અધિકાર પ્રાપ્ત હતા. 

ભારતવાસિયોમાં સ્ત્રી પ્રત્યે સંપૂર્ણ આદર્શ જોવા મળે છે, જેમકે- વિદ્યાનો આદર્શ સરસ્વતીમાં , ધનનો આદર્શ લક્ષ્મીમાં, પરાક્રમનો આદર્શ દુર્ગામાં, સૌંદર્યનો આદર્શ રતિમાં અને પવિત્રતાનો આદર્શ ગંગામાં જોવા મળે છે.

ઉપનિષદ્ કાળમાં સ્ત્રીઓનું સ્થાન ઘરમાં તેમજ સમાજમાં ખૂંબ ઊંચું હતું. બૃહદારણ્યક ઉપનિષદના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે કે- श्रीर्ह वा एषा स्त्रीणां। [2] અર્થાત્ આ પત્ની  સ્ત્રીઓમાં લક્ષ્મી રૂપે છે.  ભગવદ્ગીતામાં પણ સ્ત્રીને લક્ષ્મીસ્વરૂપ કહેવામાં આવી છે -कीर्तिः श्रीर्वाक् च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा । [3] અર્થાત્ સ્ત્રીમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુધ્ધિ, ધીરજ અને ક્ષમા હું છું. આનાથી વધારે સ્ત્રીઓનું સન્માન શું હોઇ શકે ? અહીં સ્ત્રીને લક્ષ્મીરૂપે ગણવામાં આવી છે, પરંતુ જયાં સુધી એ પોતાના ધર્મને પાળતાં પતિપરાયણ રહે ત્યાં સુધી જ સમાજમાં એને લક્ષ્મીરૂપે ગણી છે. પતિપરાયણ ન હોય એવી સ્ત્રીઓને તો નિંદતાં બૃહદારણ્યક ઉપનિષદ્ માં શ્રુતિ કહે છે કે- “ જો સ્ત્રી એના પતિની કામના પૂરી ન કરે તો તેણે તેને વસ્ત્ર કે અલંકારથી વશ કરી લેવી , આમ કરતાંય તે જો એની કામના પૂર્ણ ન કરે તો લાકડી કે હાથ વડે જરા ઠઠારી તેનું અતિક્રમણ કરવું.[4] ” જો કે ઉપનિષદ્ કાળમાં આવી સ્ત્રીઓ ભાગ્યે જ જોવા મળતી , કારણ કે પ્રાચીન કાળમાં સ્ત્રીઓનું ગૌરવ હતું પવિત્રતા, દૃઢતા અને સંયમતા એ સ્ત્રીઓના ખાસ ગુણો હતા. મોટા ભાગની સ્ત્રીઓ પતિપરાયણ રહી ઊંચા ભાવને સેવતી. અને તેના પ્રત્યે એનો પતિ પણ પ્રેમથી સંપૂર્ણ ભાવભર્યો જ રહેતો. 

ઉપનિષદોમાં સ્ત્રીઓનું બહુમાન પણ થયેલું જોવા મળે છે. ગૃહસ્થ ધર્મના પાલનમાં સ્ત્રીઓની પ્રધાનતા માનવામાં આવતી હતી. તે સમયે મકાનને ઘર નહિ પણ ગૃહિણીને જ ઘર માનવામાં આવતું હતું. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીના તેમજ છાન્દોગ્ય ઉપનિષદમાં ઉષસ્તિ ચાક્રાયણ અને તેની યુવાન પત્નીના સુંદર ગૃહસ્થાશ્રમનાં દર્શન થાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં બીજા અને ચોથા અધ્યાયમાં યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીનો બે વખત સંવાદ આવે છે. [5] યાજ્ઞવલ્ક્યને મૈત્રેયી અને  કાત્યાયની નામની બે ધર્મપત્નીઓ હતી. આ બંનેમાં મૈત્રેયીને બ્રહ્મજ્ઞાનમાં રસ હતો, જ્યારે કાત્યાયની સાધારણ સ્ત્રીને યોગ્ય બુધ્ધિવાળી હતી. યાજ્ઞવલ્ક્ય જ્યારે ગૃહસ્થાશ્રમ છોડી વનમાં જવાનો વિચાર કરે છે ત્યારે તેઓ કહે છે: હે મૈત્રેયી હવે હું આ ગૃહસ્થાશ્રમ છોડીને અહીંથી ચાલ્યો જવાનો છું માટે જે કંઇ મારી મિલ્કત છે તે તારી અને કાત્યાયની વચ્ચે વહેંચી આપું.  આ સાંભળી મૈત્રેયી કહે છે કે હે ભગવન્ ! ધનથી ભરેલી આ પૃથ્વી મને મળે તો હું એના વડે અમર બનું ખરી ? येनाहं नामृता स्यां किमहं तेन कुर्यां यदेव भगवान्वेद तदेव मे ब्रूहीति। [6] અર્થાત્ જેના વડે હું અમર ન થઇ શકું તે લઇને હું શું કરું ? અમર બનવાની જે રીત તમે જાણતો હો તે મને કહો. આમ વૈભવમાં વૈરાગ્યવાળી મૈત્રેયીએ બ્રહ્મજ્ઞાનના ઉપદેશની માગણી કરી ત્યારે યાજ્ઞવલ્ક્ય તેને પ્રેમના ઉમળકાથી કહે છે કે, તું મને પ્રિય તો હતી જ અને વળી હવે વધારે પ્રિય થઇ છે. હવે હું તને આત્મતત્વનું વિવેચન કરીને સમજાવું છું. આમ કહી યાજ્ઞવલ્ક્યે મૈત્રેયીને આત્મતત્વનો સુંદર ઉપદેશ આપ્યો. ખરેખર જે સ્ત્રી પોતાના પતિના સુખે સુખી તથા દુઃખે દુઃખી થાય છે તે જ “નારી” શબ્દને સાર્થક કરે છે.

સ્ત્રીઓમાં સંગ્રહ કરી રાખવાનો ઉત્તમ ગુણ છે એની પ્રતીતિ આપણને છાન્દોગ્યોપનિષદના પ્રથમ અધ્યાયમાં થાય છે.[7] હીમના તોફાનથી પડેલા દુષ્કાળને લીધે પોતાની યુવાન પત્ની સાથે ક્ષુધાર્ત થઇ ઋષિ ઉષસ્તિ ગામે-ગામ ભટકે છે. કોઇક મહાવત તેમને સડી ગયેલા અડદ આપે છે. તે અડદ તેઓ થોડાક ખાઇને પોતાની યુવાન પત્નીને આપે છે. પરંતુ તેની પત્નીએ એ અડદ રાખી મૂક્યા, કારણ કે એ પહેલાં જ એને ભિક્ષા મળી હતી. બીજા દિવસે જ્યારે તેના પતિએ ભોજનની કામના કરી ત્યારે અડદ જ તેને ખાવા કામ આવ્યા.

આમ  ઉપનિષદ્ કાળમાં પોતાના પતિને માટે પોતાના જીવનનું સર્વસ્વ અર્પણ કરી દેનાર આવી સ્ત્રીઓ પણ જોવા મળે છે. ગરીબાઇના વિકટ દુઃખમાં પણ સહનશીલતાની મૂર્તિરૂપ પતિપરાયણ 'પત્ની' પતિની સેવામાં જ પોતાના ધર્મનો ઉત્કર્ષ માને છે. આવી પતિપરાયણ, ગુણવાળી સ્ત્રીઓનું સન્માન વિદ્વાનોની સભામાં હંમેશ થતું.

સ્ત્રીઓનો સાહસભર્યો સ્વભાવ પણ ઉપનિષદોમાં જોવા મળે છે. બૃહદારણ્યકોપનિષદમાં ગાર્ગિએ અતિપ્રશ્ર્ન પૂછીને તેનો સાહસભર્યો સ્વભાવ બતાવ્યો છ.[8] વચક્નુની પુત્રી ગાર્ગિ જનકરાજાના દરબારમાં યાજ્ઞવલ્ક્યને અનેક પ્રશ્ર્નો પૂછે છે, ન પૂછવા જેવો પ્રશ્ન પણ પૂછી નાખે છે,તે કહે છે કે- कस्मिन्नु खलु ब्रह्मलोका ओताश्र्च प्रोताश्र्चेति [9] ...અર્થાત્ બ્રહ્મલોક તાણાવાણાની જેમ શામાં વણાઇ ગયેલ છે ? ત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું કે- गार्गि माऽतिप्राक्षीर्मा ते मूर्धा व्यपतदनतिप्रश्र्न्यां वै देवतामतिपृच्छस .[10].. અર્થાત્  હે ગાર્ગિ ! હવે વધારે પડતા પ્રશ્ન ન પૂછીશ, નહિતો તારું માથુ ઊડીને નીચે પડશે. યાજ્ઞવલ્ક્યની આ ધમકી સાંભળીને ગાર્ગિ થોડીવાર માટે તો શાંત થઇ ગઇ, પરંતુ થોડીવાર પછી બીજા બે સવાલ પૂછવાની છૂટ લે છે. ગાર્ગિના આ બે સવાલો કેવા છે તેનું સુંદર વર્ણન કરતાં શ્રુતિ કહે છે કે, હે યાજ્ઞવલ્ક્ય ! જેમ કાશી અથવા વિદેહના કોઇ લડવૈયાનો પુત્ર ધનુષ ચડાવીને દુશ્મનને વિંધનારાં બે બાણ હાથમાં લઇને સામો ઊભો રહે, તેમ બે સવાલ લઇને હું તમારી સામે ઊભી છું.આ બે સવાલોના સંતોષકારક જવાબો મળતાં તે પોતાની હાર સ્વીકારતાં કહે છે કે હે પૂજ્ય બ્રાહ્મણો ! તમે આ યાજ્ઞવલ્ક્યને નમસ્કાર કરીને ચાલ્યા જાઓ. તમારામાંથી કોઇપણ બ્રહ્મ વિશેની ચર્ચામાં  યાજ્ઞવલ્ક્યને જીતી નહિ શકે. 

અહીં રાજા જનકના યજ્ઞના અવસર પર આયોજિત દાર્શનિક શાસ્ત્રાર્થમાં ગાર્ગિના પ્રશ્નો એટલા દુરૂહ હતા, કઠિન અને સૂક્ષ્મ હતા કે યાજ્ઞવલ્ક્યે સાર્વજનિક સ્થળ પર ઉત્તર આપવાની ના પાડી દીધી. આથી એ સ્પષ્ટ થાય છે કે ગાર્ગિ ન્યાયશાસ્ત્ર અને દાર્શિનક શાસ્ત્રમાં નિષ્ણાત હતી. 

સત્યનો નિખાલસપણે થતો આવો સ્વીકાર ઉપનિષદ્ કાળની સ્ત્રીઓમાં સ્પષ્ટ દેખાય છે. યાજ્ઞવલ્ક્ય જેવા મહાન બ્રહ્મર્ષિને પણ ગાર્ગિ વિદ્વત્તાનું પ્રમાણ આપે છે. અને તે પણ બરાબર કસોટીએ ચડાવ્યા પછી. આના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે તે કાળમાં સ્ત્રીઓની કેટલી પ્રતિષ્ડા હશે. ગાર્ગિ જેવી બ્રહ્મચારિણી સ્ત્રીઓ બ્રહ્મની સાધના કરતી હતી, યજ્ઞ અને સ્વાધ્યાયની પણ અધિકારિણી હતી. અધ્યાત્મવિચારનો જેટલો અધિકાર પુરુષોમાં હતો, તેટલો જ અધિકાર સ્ત્રીઓમાં પણ હતો.

છાન્દોગ્યોપનિષદના ચોથા અધ્યાયમાં પુત્ર સત્યકામ અને માતા જબાલાનો સંવાદ આવે છે. જબાલા પોતાના ગોત્રથી અજાણ છે. જ્યારે  સત્યકામ પોતાની માતા જબાલાને કહે છે કે હું બ્રહ્મચર્યપૂર્વક ગુરુના આશ્રમમાં નિવાસ કરીને અભ્યાસ કરવા માગું છું, આથી મારું ગોત્ર કયું છે તે કહો.આના પ્રત્યુત્તરમાં જબાલા કહે છે કે હું આપણા ગોત્રને જાણતી નથી, કારણકે – बह्वहं चरन्ती परिचारिणी यौवने त्वामलभे  साहमेतन्न वेद यद्गोत्रस्त्वमसि.[11]... અર્થાત્ પતિના ઘરે મહેમાન વગેરેની સેવાચાકરીમાં હું જોડાયેલી રહેતી, આથી પરિચર્યામાં ચિત્ત લાગેલું રહેવાથી ગોત્ર વગેરે યાદ રાખવામાં મારું મન ન હતું. વળી એ સમયે તારા પિતા મૃત્યુ પામ્યા  ત્યારે યુવાવસ્થામાં જ મેં તને પ્રાપ્ત કર્યો હતો, તેથી મને એ વાતની કશી જ ખબર નથી કે તું કયા ગોત્રનો છે. પરંતુ- जबाला तु नामाहमस्मि सत्यकामो नाम त्वमसि स सत्यकाम एव जाबालो ब्रुवीथा । [12]  અર્થાત્ હું જબાલા નામવાળી છું અને તું સત્યકામ નામવાળો છે, આથી જો આચાર્ય તને પૂછે તો તું એમજ કહી દેજે કે ' હું સત્યકામ જાબાલ છું.' આમ અહીં માતા જબાલા પુત્રના ગોત્રથી અજાણ હોવાથી તેની પાછળ પોતાનું નામ લગાડવા માટે કહે છે. આપણો સમાજ પિતૃપ્રધાન છે એટલે અત્યારે આપણે જોઇએ છીએ કે પુત્રની પાછળ પિતાનું નામ લગાડવામાં આવે છે, પરંતુ ઉપનિષદ્ કાળમાં ક્યારેક સત્યકામની જેમ પુત્રની પાછળ માતાનું નામ પણ લગાડાયેલું જોવા મળે છે. આમ અહીં જબાલામાં રહેલી ખુમારી અને તેનું સ્વાભિમાન જોવા મળે છે. જબાલા જેવી નિડર, સાહસિક અને સ્પષ્ટ વક્તા સ્ત્રીઓને જોયા પછી એટલું તો સ્પષ્ટ થાય છે કે સુસ્થિર સમાજ વ્યવસ્થા ઊભી કરવા માટે સ્ત્રીઓએ ઘણીબધી મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય સંસ્કૃતિની સભ્યતા અને સંસ્કૃતિના નિર્માણ તથા વિકાસમાં નારીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 

સમાજની આવી સુસ્થિર વ્યવસ્થા જોઇને જ છાન્દોગ્યોપનિષદમાં રાજા અશ્વપતિ કહે છે કે “ મારા રાજ્યમાં કોઇ ચોર નથી, મદ્ય પીનાર નથી, અવિદ્વાન નથી, કોઇ સ્વચ્છંદી નથી, તો સ્વચ્છંદીની એવી સ્ત્રીતો હોય જ ક્યાંથી ? અર્થાત્ તે સમયે કોઇ દુરાચારિણી સ્ત્રી હોવાનો પણ સંભવ નથી.[13] ”

આમ ઉપનિષદોમાં સ્ત્રીઓનો સદા સમાદર જોઇ શકાય છે. શતપથ બ્રાહ્મણનું કથન છે કે -“પત્ની વગર પુરુષ સ્વર્ગ પામી શકતો નથી.” આથી જ સ્વર્ગાદિની કામનાથી કરવામાં આવતા યજ્ઞમાં પત્નીની ઉપસ્થિતિ અત્યંત આવશ્યક માનવામાં આવે છે. ઉપનિષદોના અનુશિલનથી એ જાણવા મળે છે કે ઉપનિષદ્ કાળમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન અને ઉદારતાનો ભાવ હતો. સ્ત્રી એ ઘરની રાણી છે, ઘરની કીર્તિ છે અને ઘરની લક્ષ્મી છે, આ ઉપનિષદોનો આદર્શ છે અને હંમેશા રહેવો જોઇએ.

ભારતમાં સ્ત્રી જીવનના આદર્શનો આરંભ અને અંત માતૃત્વથી જ થાય છે. જ્યારે પશ્ચિમની સંસ્કૃતિમાં સ્ત્રી એ ફક્ત પત્ની જ છે. ત્યાં પત્નીના રૂપમાં જ સ્ત્રી તરફ ભાવ રાખવામાં આવે છે, પરંતુ સ્ત્રી એ તો પ્રેમનો આદર છે, તે પરિવારનું શાસન કરે છે અને તેના પર અધિકાર રાખે છે. વિદુરનીતિમાં કહ્યું છે કે -पूजनीया महाभागाः पुण्याश्र्च गृहदीप्तयः। स्त्रियः श्रियो गृहस्योक्तास्तस्माद् रक्ष्या विशेषतः।। [14] અર્થાત્ ઘરમાં સ્ત્રી પૂજનીયા, મહાલક્ષ્મી સ્વરૂપ, પુણ્યશાળી અને ઘરને પ્રકાશિત કરવાવાળી હોય છે. સ્ત્રીઓ એ ઘરની લક્ષ્મી છે. તેથી વિશેષ રીતે તેને રક્ષવી જોઇએ. સમાજમાં સ્ત્રીનો પૂર્ણ આદર હોવો જોઇએ. જ્યાં સ્ત્રીઓ આનંદિત હોય છે તે કૂળની વૃધ્ધિ થાય છે.

1.  मनुस्मृतिः,3/56, चौखम्बा संस्कृत संस्थान वाराणसी,पंचम् संस्करण,विक्रम संवत-2054.

2.  बृहदारण्यकोपनिषद्, 6/4/6, गीताप्रेस गोरखपुर,सातवॉं संस्करण,वि.सं.2052.

3. श्रीमद्भगवद्गीता, 10/34, गीताप्रेस गोरखपुर,चौबीसवॉं संस्करण, वि.सं.2060.

4. बृहदारण्यकोपनिषद्, 6/4/6.

5. बृहदारण्यकोपनिषद्, 2/4 ; 4/5.

6. बृहदारण्यकोपनिषद्, 2/4/3.

7. छान्दोग्योपनिषद्, 1/10, गीताप्रेस गोरखपुर, आठवॉं संस्करण,वि.सं.2052.

8. बृहदारण्यकोपनिषद्, 3/6.

9. बृहदारण्यकोपनिषद्, 3/6/1.

10. તદેવ.

11. छान्दोग्योपनिषद्, 4/4/2.

12. તદેવ.

13. छान्दोग्योपनिषद्, 5/11/5.

14.  विदुरनीतिः, 6/11, चौखम्बा सुरभारती प्रकाशन, वाराणसी, प्रथम संस्करण,1995.

*************************************************** 

પ્રો.ડૉ.દિનેશ આર.માછી
સરકારી વિનયન કોલેજ શહેરા.
 

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us