logo

ભારતીય નારીનું સ્વરૂપ


ભારતીય સમાજમાં નારી ત્યાગ અને તપસ્યાની જાજલ્યમાન વિભૂતિ છે. ભારતીય સંસ્કૃતિમાં નારી ગૌરવવંતી રહી છે. સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રી પાત્રોનું નિરૂપણ ખૂબજ ઉદાત્ત રીતે થયું છે. ભારતીય સંસ્કૃતિમાં નારીને નરની અર્ધાઙ્ગિની કહી છે. શતપથબ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે કે- સ્ત્રી પુરુષનું અડધું અંગ છે. જ્યાં સુધી પુરુષ સ્ત્રીને મેળવી શકતો નથી ત્યાં સુધી અધુરો છે.૧ ભવિષ્યપુરાણના સાતમા અધ્યાયમાં કહ્યું છે-

पुमानर्द्धपुमांस्तावद्यावद्भार्या न विन्दति ।

અર્થાત્ પુરુષનું શરીર ત્યાં સુધી પૂર્ણતા ધારણ નથી કરતું, જ્યાં સુધી તેનું અડધું અંગ નારી આવીને ભરતી નથી. ધર્મશાસ્ત્રોએ તો સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા આપી છે કે- જે ઘરમાં સ્ત્રીઓનો સત્કાર થાય છે, પૂજા થાય છે ત્યાં જ સ્વર્ગ રહેલું છે.

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता: ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:॥२

સમાજમાં નારી મુખ્યત્વે ત્રણ સ્વરૂપમાં રહેલી છે. (૧) કન્યા સ્વરૂપે (૨) પત્ની સ્વરૂપે (૩) માતા સ્વરૂપે. આ ત્રણેય અવસ્થાઓમાં તેની રક્ષા, માન-મર્યાદા તથા પ્રતિષ્ઠાનું અને રક્ષણનું પવિત્ર કાર્ય ‘પુરુષ’ પર રહેલું છે.

(૧) કન્યા સ્વરૂપમાં નારી :-

કન્યાસ્વરૂપા નારીનું ચિત્રણ સંસ્કૃત સાહિત્યના કવિઓ એ પોતાની કૃતિઓમાં સુંદર રીતે કર્યુ છે. કાલિદાસે આર્યકન્યાના આદર્શને ‘પાર્વતી’ના રૂપમાં અભિવ્યક્ત કર્યો છે. કાલિદાસે ‘કુમારસંભવ’માં પાર્વતીના કન્યા સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે- वसन्तपुष्पाभरणं वहन्ती । તથા પ્રાત:કાળના સૂર્યના જેવા રંગનું લાલ વસ્ત્ર ધારણ કરતી, પુષ્કળ પુષ્પોના ગુચ્છોથી નમેલી, કોમળ પલ્લવોવાળી હાલતી લતા જેવી દેખાતી હતી.૩ ‘અભિજ્ઞાનશાકુંતલ’ના પ્રથમ અંકમાં કન્યાસ્વરૂપા શકુંતલા અને સખીઓને જોતાં જ દુષ્યંત કહે છે- अहो, मधुरमासां दर्शनम् । શકુંતલાનું વર્ણન કરતાં કહે છે –‘અધર કુંપળ જેવો લાલ છે, બે હાથ કોમળ ડાળખી જેવા છે,અને ફુલ જેવું આકર્ષક યૌવન અંગે અંગમાં ખીલ્યું છે.૪ કાલિદાસ કન્યાને પરાયું ધન માને છે.अर्थो हि कन्या परकीय एव ।૫ ભવભૂતિ પણ કાલિદાસની જેમ નારીને કન્યા તરીકે વર્ણવતાં તેને પારકું ધન માને છે. જેમ કે,

कन्यारत्नमयोनिजन्मा भवतामास्ते वयं चार्थिनो
रत्नं चेत्क्वचिदस्ति तत्परिणमत्यस्मासु शक्रादपि ।
कन्यायाच्च परार्थतैव हि मता तस्या: प्रदानादहं
बन्धुर्वो भविता पुलस्त्यपुलहप्रसष्ठाच्च संबन्धिन: ॥૬

ભવભૂતિની કન્યા માલતી અત્યંત સુશીલ છે. તે સઘળા દુ:ખોને સહન કરવા સમર્થ છે; પરંતુ માતા-પિતાનું દુ:ખ તે સહન કરી શકતી નથી. ‘માલતીમાધવ’ના બીજા અંકમાં ‘गुणा: पूजास्थानं गुणिषु न च लिङग़ं न च वय:।વગેરે પંક્તિ દ્વારા ભવભૂતિની સ્ત્રી સન્માનની ભાવના પ્રગટ થાય છે.

(૨) પત્ની સ્વરૂપમાં નારી:-

સંસ્કૃત કવિઓએ પત્નીરૂપમાં નારીનું સુંદર ચિત્રણ કર્યું છે. વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ અને ભવભૂતિ આ મહાન કવિઓએ પત્નીસ્વરૂપા નારીની રૂપછટાનું વર્ણન સુંદર ભાષામાં કર્યું છે. ભગવતી જનકનંદિનીના શીલ સૌંદર્યની જ્યોત્સના કઇ વ્યક્તિને શાંતિ પ્રદાન નથી કરતી. જાનકીનું ચરિત્ર ભારતીય પત્નીઓના મહાન આદર્શનું પ્રતીક છે.

‘ ઉત્તરરામચરિત ’ માં રાજા જનક પણ કૌશલ્યાને દશરથ રાજાના ઘરની લક્ષ્મી બતાવે છે.૭ ભવભૂતિએ નારીના પત્ની સ્વરૂપને ખૂબજ ઉમદા રીતે વર્ણવ્યું છે. તે प्रियगृहिणीं गृहस्य च शोभा । છે. તેનું આ સ્વરૂપ મનોરમ તથા ઉજ્જ્વલ છે. વળી પતિને માટે આનંદદાયિની છે. જેમ કે,’ઉત્તરરામચરિત’માં કહ્યું છે કે- આ મારા ઘરમાં લક્ષ્મી છે, આંખની અમૃત શલાકા છે શરીર પર તેનો આ સ્પર્શ ચંદનના ગાઢ લેપ જેવો છે, ગળા ઉપર વિંટળાયેલો આ હાથ શીતળ અને કોમળ મોતીની માળા છે. એનું શું ગમી જાય તેવું નથી સિવાય કે અત્યંત અસહ્ય વિરહ.૮

ભવભૂતિ નારીનું મહત્વ બતાવતાં કહે છે કે ‘પત્નીવગર સમગ્ર સંસાર જીર્ણ અરણ્ય જેવો બની જાય છે. તે નિરસ અને સાર વગરનો બની જાય છે. જેમ કે, ‘ઉત્તરરામચરિત’ માં રામ કહે છે - હવે જગત પલટાઇ ગયું. રામનું જીવવાનું પ્રયોજન હવે આજે પુરુ થયું –शून्यमधुना जीर्णारण्यं जगत् । असार: संसार:। कष्टप्रायं शरीरम्। अशरणोऽस्मि । હું શું કરું ? શો ઉપાય ? ‘ઉત્તરરામચરિત’ માં કવિ કહે છે. –‘પત્ની મૃત્યુ પામતાં જગત વેરાન-વગડા જેવું બની જાય છે અને પછી હ્રદય જાણે કે બળતા કુશકના ઢગલામાં રંધાય છે.’ જેમ કે,

जगज्जीर्णारण्यं भवति हि कलत्रे ह्युपरमे ।
कुकूलानां राशौ तदनु ह्रदयं पच्यत इव ॥૯

આમ પત્ની વગર સંસાર અધૂરો છે, જીવન શૂન્ય છે તેમ કહી ગૃહસ્થાશ્રમ પર કવિએ ભાર મૂક્યો છે. કવિ કહે છે ‘ખરેખર તો પત્ની પતિનું જીવન છે, તેનું બીજું હ્રદય છે. તે પતિના નેત્રોની ચાંદની છે અને શરીર માટે અમૃત છે’.૧૦ ‘માલતીમાધવ’માં કવિના કહેવા પ્રમાણે પતિ અને પત્ની પરસ્પર મિત્ર, બંધુ અને સંપત્તિ છે. જેમ કે,

प्रेयो मित्रं, बन्धुता वा समग्रा सर्वे कामा: शेवधिर्जीवितं वा।
स्त्रीणांभर्ता, धर्मदाराच्च पुंसामित्यन्योन्यं वत्सयोर्ज्ञातमस्तु ॥૧૧

અહીં દામ્પત્ય જીવનના ઊંચા આદર્શની સાથેસાથે જીવનની ઉદાત્ત કલ્પના રજુ થયેલી જોવા મળે છે. ગૃહસ્થ જીવનમાં પ્રેમતત્ત્વની સાધના દર્શાવવામાં આવી છે. ભવભૂતિ પત્નીસ્વરૂપા પ્રેમતત્ત્વનું વર્ણન કરતાં કહે છે- ‘જે સુખમાં અને દુ:ખમાં અદ્વૈત છે, બધી જ અવસ્થાઓમાં સાથે રહે છે જ્યાં હ્રદયનો વિસામો છે. જેનો રસ વૃધ્ધાવસ્થાને પણ હરી શકતો નથી. સમય જતાં આવરણો દૂર થતાં જે પરિપકવ થઇ સ્નેહના અર્ક રૂપે સ્થિર થાય છે તે વિરલ કલ્યાણ કોઇ સદ્ભાગીને જ મહામુશ્કેલીએ પ્રાપ્ત થાય છે.૧૨

‘રધુવંશ’માં કાલિદાસે નારીને ઘરમાં પત્ની તરીકેનું સઘળું સન્માન આપ્યું છે.
गृहिणी सचिव: सखी मिथ: प्रियशिष्या ललिते कलाविधौ ॥

(૩) માતા સ્વરૂપમાં નારી :-

માતૃ સ્વરૂપ વિશે શ્રુતી, સ્મૃતિ અને પુરાણ વગરેમાં ખૂબ જ લખાયેલું છે. તૈતિરીય ઉપનિષદમાં તો मातृदेवो भव:। (તૈતિરીય ઉપ.-૧/૧૧) કહી દેવની કોટીમાં માતાનું સ્થાન મુકેલું છે. ભારતીય સંસ્કૃતિમાં માતાને સ્વર્ગથી પણ મહાન કહેતાં કહ્યું છે.
जननी जन्मभूमिच्च स्गर्गादपि गरीयसी।

માતા અરુન્ધતી જગતની સ્ત્રીઓ માટે પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપી અમર થઇ ગઇ. માતા કુંતી પાંડવોને ક્ષત્રિય ધર્મ અને પ્રજાપાલન કરવાનો ઉપદેશ અને આશીર્વાદ આપી અમર થયા. માતા કૌશલ્યાનો મર્યાદા પુરુષોત્તમ પ્રત્યેનો પ્રેમ જોઇ શકાય છે. માતાના સ્વરૂપમાં રહેલી નારી પોતાના સંતાનો પ્રત્યે કરુણામયી છે. વળી,તે ડગલે ને પગલે પોતાના સંતાનોની ચિંતા કરે છે. ઉત્તરરામચરિત’ માં ભગવતી પૃથિવી સીતાના સુખ અને કલ્યાણ મા સદા ચિંતિત છે. કૌશલ્યા અને અરુન્ધતી બાળકોના કલ્યાણ માટે હમેશા પરોવાયેલી રહે છે.

‘રઘુવંશ’માં માતા પૃથિવી સીતાના ત્યાગ વિશે શંકાશીલ છે. જેમ કે, - ઇક્ષ્વાકુવંશમાં જન્મેલ આર્ય (જેવા સદાચારી) આચરણવાળો (તારો) પતિ તને એકદમ કેવી રીતે છોડી દે? એ પ્રમાણે શંકિત બનેલી માતા પૃથિવીએ તેને (સિતાને) ત્યારે પ્રવેશ ન આપ્યો.૧૩

ભારતીય સંસ્કૃતિમાં માનવીય માતાની જેમ દેવમાતા પણ પૂજનીય છે. પરબ્રહ્મરૂપિણી જગતજનની શ્રીદુર્ગાદેવી જ વિશ્વની પરમારાધ્યા અમ્બા છે. આ જગદમ્બા સમસ્ત પ્રાણીઓના માતૃસ્વરૂપે રહેલા છે. માનવ તો શું દેવતા પણ વારંવાર તેમને નમસ્કાર કરે છે. જેમ કે,

या देवी सर्वभूतेषु मातृरुपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ॥

પાદટીપ :-

  1. अर्धो ह वा एष आत्मनो यज्जाया ।.... શતપથ બ્રાહ્મણ -૫/૨/૧/૧૦
  2. મનુસ્મૃતિ -૩/૫૬
  3. કુમારસંભવ- ૩/૫૪
  4. अधर: किसलयराग: कोमलविटपानुकारिणौ बाहू ।
    कुसुममिव लोभनीयं यौवनभङ्गेषु संनद्धम् ॥ અભિજ્ઞાનશાકુન્તલ-૧/૨૧
  5. અભિજ્ઞાનશાકુન્તલ-૪/૨૨
  6. મહાવીરચરિત‌‌ ‌‌‌- ૧/૩૦
  7. आसीदियं दशरथस्य गृहे यथा श्री:
    श्रीरेवं वा किमुपमानपदेन सैषा ॥ ઉત્તરરામચરિત -૪/૬
  8. ઉત્તરરામચરિત -૧/૩૮
  9. ઉત્તરરામચરિત -૬/૩૮
  10. त्वं जीवितं त्वमसि मे ह्रदयं द्वितीयं
    त्वं कौमुदी नयनयोरमृतं त्वमङ्गे । ઉત્તરરામચરિત -૩/૨૬
  11. માલતીમાધવ- ૬/૧૮
  12. ઉત્તરરામચરિત -૧/૩૯
  13. इक्ष्वाकुवंशप्रभव: कथं त्वां त्यजेदकस्मात्पतिरार्यवृत्त: ।
    इति क्षिति:संशयितेव तस्यै ददौ प्रवेशं जननी न तावत् ॥ रघुवंशम् – ૧૪/૫૫

સંદર્ભગ્રંથ :-

  1. महाविरचरितम् । आचार्य श्री रामचन्द्र मिश्र, चौखम्बा विद्याभवन वाराणसी १,
  2. उत्तररामचरितम् ।- સંપાદકો: પ્રા. પી. સી. દવે અને વગેરે, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ-૧ પ્રથમ આવૃતિ-૧૯૯૨-૯૩
  3. मालतीमाधवम् । સંપાદકો: પ્રા. પી. સી. દવે અને વગેરે, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ-૧ બીજી આવૃતિ-૧૯૯૦-૯૧
  4. अभिज्ञानशाकुन्तलम् । સંપાદકો: ડૉ. શાન્તિકુમાર પંડ્યા, પ્રો. અંબાલાલ પ્રજાપતિ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, ચોથી આવૃતિ-૨૦૦૪
  5. रघुवंशम् । (સર્ગ-૧૪)- પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.
  6. मनुस्मृति । સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, ૭ મી આવૃતિ-૨૦૦૧
  7. कुमारसंभवम् । સંપાદકો: પ્રા. સુરેશ જ. દવે અને વગેરે, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ-૧, અદ્યતન આવૃતિ-૨૦૦૮-૯

*************************************************** 

ડૉ. દીપકકુમાર પ્રભાશંકર જોષી
એમ.એન.કોલેજ, વિસનગર

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us