logo

‘ખરી પડેલો ટહુકો’ - નવા જીવનની દીક્ષા આપતી નવલકથા

[‘ખરી પડેલો ટહુકો’ લેખકઃ વર્ષા અડાલજા, પ્રકાશકઃ આર.આર.શેઠની કંપની, અમદાવાદ – ૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ ૧૯૮૩] ‘ખરી પડેલો ટહુકો’ નવલકથામાં વર્ષા અડાલજાએ પોતાને જે પ્રત્યક્ષ અનુભવ થયો છે તેને વાચા આપી છે. લેખિકાએ નવલકથાની પ્રસ્તાવનામાં જ પોતે જે બાળક તથા તેની માતાની સ્થિતિ જોઇ તે વિશે લખતા કહે છેઃ ‘‘ઘણા દિવસો સુધી લાળ ગળતો બાળકનો ચહેરો અને માની એ આંખો હું ભૂલી ન શકી.’’ આ સંવેદના લેખિકાને ‘ખરી પડેલો ટહુકો’ લખવા પ્રેરે છે.

લેખિકા વર્લી પર આવેલી વિશાળ ચિલ્ડ્રન્સ ઓર્થોપેડિક હોસ્પીટલમાં જાય છે. જયાં નીલાબહેન ચિનોઇ ત્યાંના બાળકો વચ્ચે વાત્સ્યલ્યથી કામ કરે છે. લેખિકા તેમની સાથે હોસ્પીટલના દરેક વોર્ડમાં ફરે છે. અહીં બાળકો જ બાળકો. જાતજાતના રોગ અને વિકૃતિથી પીડાતા, મેન્ટલ રીર્ટાર્ડેશન, પોલીયો, સેરીબ્રલ પાલ્સી કંઇ કેટલા નામ. ઘણાં બાળકો દૂર દૂરથી આવે. એમને મા-બાપ વિના એકલા અહીં જ રહેવું પડે અને ઘણી માતાઓ એમના વ્યાધિગ્રસ્ત બાળકોને લઇ રોજ આવે - વર્ષો સુધી. કયો બોજ વધુ લાગતો હશે, શરીરનો કે મનનો એ નકકી કરવું કઠણ. લેખિકા લખેછેઃ ‘‘પછી તો આ હોસ્પીટલમાં જ બાળકો સાથે મેં થોડા દિવસો ગાળ્યા. કોળિયો લઇ મોમાં મૂકવાની નાની સરખી ક્રિયા શીખવા પાછળ કેટલા દિવસો એમને લાગતા. સવારથી મોંડી બપોર સુધી પરસાળમાં બાંકડાઓ પર બેસી રહેતી માતાઓ સાથે હું વાતો કરતી. પોતાના સંતાનોની આમ નિરર્થક વહી જતી જિંદગી, અને એ વ્યથાના પોતાની જિંદગી પર પડતા ઓછાયા વિષે, મા ધીમે ધીમે હૃદય ખોલીને મને કહેવા લાગતી. ત્યાં કંઈ કેટલી આંસુભરી કથાઓ, મૌન ધારણ કરીને છુપાયેલી મેં જોઇ.’’

અહીં આ કથાઓને લેખિકાએ વાચા આપી છે. આ કથા વાંચતા આપણું હૃદય ભીંજાય જાય છે, આંખ ભરાઇ આવે છે, તે એ પેલી માતાઓના જ આસું.

વાર્તામાં મુખ્ય નાયિકા વૃંદા છે અને તેની આસપાસ કથા ગુંથાઇ છે. તે ઘરમાં પતિ અને એક દીકરો હોવા છતાં એકલી છે. પોતે બધાની હયાતી હોવા છતાં એકલતા અનુભવે છે. આ એકલતા દૂર કરવા માટે સાંજે દરિયા કિનારે જાય છે. ત્યાં વૃંદા નમતી સાંજની ઉદાસી એક હલકા નિશ્વાસની જેમ ફેલાતી અનુભવે છે.

વૃંદાએ પોતે પંખીની જેમ એક એક સળી ગોઠવી ઘર બનાવ્યું હતું. એના ખોબા જેવડા ગામડાની બહાર એણે ભાગ્યે જ પગ મૂકયો હતો, અને આજે એ મુંબઇની બજારોમાં અનંત અને રમા સાથે ફરતી હતી. આમ પોતાનો ભૂતકાળ યાદ કરતી દરિયા કિનારેથી ઘર તરફ ચાલતી હતી. જાણે ભૂતકાળમાં ઘડી ઘડી ખૂંપી જતાં મનને બહાર કાઢતાં સ્મરણોની ઢગલી થઇ જતી હતી.

ઘર આમ તો સાવ નાનું અને જૂના મકાનમાં હતું. લાંબી ચાલીની હારબંધ ઓરડાઓમાંની એક ઓરડી. પણ તોયે ઘર. કેટલી માયા હતી એની Ị અનંતનું અને એનું. ચાલતા ચાલતા તે રસ્તા પર આવે છે. અચાનક જ એને ચકકર આવે છે. ક્ષણભર આંખોમાં ઘટ્ટ અંધારું ફેલાઇ જાય છે. જાણે આ ક્ષણમાં સ્થિર થયેલી એ ન હતી પણ સમયની તૂટેલી સાંકળના છેડાને પકડી રાખી એ અવકાશમાં ભટકતી હતી. એક અંધારી ક્ષણ ખોડંગાતી પસાર થતી તે અનુભવે છે.

અનંત અને સચિન બહાર ગયા છે. તેથી વૃંદા ઘરમાં એકલી છે. ચાલીવાળું ઘર છોડીને તે મોટા બંગલામાં રહેવા આવી છે. પોતાના ઘરમાં પોતે પોતાને એકલી અનુભવે છે. તેને પોતાના ભૂતકાળમાં પાડાશી સાવિત્રીબહેન અને પ્રવિણભાઇએ એની કેટલી કાળજી લીધી હતી તે યાદ આવે છે. તે સાંજનો શાંત દરિયો અત્યારે ઘવાયેલા જંગલી જાનવરની જેમ વિફરીને ઘૂરકતો, દરિયાનો લોઢ એની છાતી ઉીછાળતો અનુભવે છે. ગગનચૂંબી ઇમારતના ઓગણીસમાં માળના એરકન્ડિશન્ડ બેડરૂમમાં એકલતાથી એ ભીંસાય છે. ચારે તરફથી બધું બંધ કરીને, ઠંડી થઇ ગયેલી ચેતના સાથે જાણે માર્ગમાં પડેલા શબ - આવા કુત્સિત વિચારથી એ થથરી ઉીઠે છે.

અનંત જયારે બહારગામ જતો, ત્યારે એ બંધ બારીઓ ખોલી નાખે છે અને શીતળતામાં થીજી ગયેલી જિંદગી ફરી સળવળી ઉીઠતી અનુભવે છે. પોતાની તબિયત નરમગરમ રહેતી હોવાથી પોતાની બાને પત્ર લખે છે. પવન આવવાથી પત્ર ઉીડી જાય છે, તેને લઇ ફરી એ ટેબલ પર બેસે છે અને ભીના કાગળ પર પ્રસરી જતી શાહીની જેમ સ્મૃતિ રેલાતી અનુભવે છે અને પોતાના ભૂતકાળમાં સરી પડે છે તથા કાચની કરચ ઉીંડે ઉીતરી ગઇ હોય એમ ઝીણી ચિસ પાડીને તે ચમકી ઉીઠે છે. પોતે પોતાને જાણે સમયની બહાર નીકળી ગયેલી અનુભવે છે.

ઘણા સમય પછી તે પોતાના જૂના પાડોશી સાવિત્રીબેન અને પ્રવિણભાઇને મળવા આવે છે. આ બધાને મળે એ પતિ અનંતને ગમતું નથી. અનંત માટે જાણે ગરીબી એક ચેપી રોગ હતો. ભૂતકાળનો એટલો ટુકડો જીવનમાંથી જાણે કાપીને અનંતે ફેંકી દીધો હતો. પણ વૃંદાને માટે એનું બાળપણ, એનું ધૂળીયું ગામ, અહીંની જિંદગી - સઘળું જ ટીપે ટીપે એની અંદર ઝમીને સંચિત થયું હતું. ભીતર વહેતા પાતાળ ઝરણાંનો કલકલ નિનાદ એ સાંભળી શકતી હતી. અહીંયા એ જે પામી હતી તે કયાંયથી મળ્યું ન હતું. પોતે તો અહીંથી ચાલી ગઇ હતી, પણ એનો એક અંશ અહીં જ હતો. અતીતની ક્ષણોના ઢગલામાંથી એ એવી ક્ષણ શોધવા માગતી હતી કે તેની પર આંગળી મૂકીને કહી શકે કે આ ક્ષણથી અનંતને ખોઇ દેવાની પ્રક્રિયા શરુ થઇ ગઇ હતી. પરંતુ એ અશકય હતું.

પહેલું ઘર, પહેલો પ્રેમ, પહેલું બાળક એ વાત જ જુદી હતી. પોતાના બાળક સચિનને એક સંતાનવિહોણાં દંપતિએ પારકા બાળકને પોતાનું માની પ્રેમ ન્યોછાવર કર્યો હતો, અને એમને અનંત ગમાર- ફાલતું પાડોશીઓ તરીકે ઓળખાવતો હતો. અહીંથી વૃંદા ડોકટરને ત્યાં જવા નીકળે છે. એ ભૂતકાળમાંથી વર્તમાનમાં જઇ રહી હતી, જયાંથી એ ફરી કદી ભૂતકાળના લીલેરા વનમાં જઇ શકવાની ન હતી.

ડોકટર વૃંદાને જોતા જ કહે છે કે ‘તું મા બનવાની છે.’ આ સાંભળી વૃંદા ધૃસકે ધૃસકે રડી પડે છે. જાણે એની અંદર આકાર લઇ રહેલા ગર્ભે ધકકો મારીને એનાં આંસું વહાવી દીધા અને હવે એ ખાલી થઇ ગઇ હતી. બીજી વખત મા બનવાનો ઉમળકો તેને ન હતો. તેને આ બાળક જોઇતું ન હતું. અનંતે તેને સચિન વખતે કહ્યું હતું કે ‘‘આ આપણું પહેલું અને છેલ્લું બાળક. તું કેટલી હેરાન થાય છે. ફરી કદી આવી ભૂલ નહીં જ થાય’’ અને છતાં એને બીજું બાળક આવવાનું હતું. વૃક્ષોની લીલેરી ઘટામાં કુંપળની જેમ ફૂટેલો પ્રેમ, અનંતનો એ સ્પર્શ, મૌન સહચર, એના ગાઢ પ્રણયનો ઉદ્રેક...સઘળું ધીમે ધીમે તપ્ત જળની જેમ વરાળ બની ઉીડી જતું વૃંદા અનુભવે છે. અનંત એક પછી એક દુન્યવી સફળતાના પગથિયાં ચડતો તેમ તેમ એ પાછળ પડતી જાય(ગઇ) છે. તેમ છતાં એ અનંતને ફરી પામવા પ્રયત્નો કરતી રહેતી. અરીસામાં પોતાને એ અસુંદર દેખે છે. માંદી જ જુએ છે.

વૃંદા ગર્ભવતી છે અને આવા સમયે અનંત તેની પાસે નથી તેથી તે વૃંદાને સહજતાથી સોરી કહે છે અને તેને માટે એક સરસ પ્રેઝન્ટ લાવવાનું કહે છે. અનંત માને છે કે એના ન હોવાપણાનો સૂનકાર ચિજવસ્તુઓથી ભરી દઇ શકાય છે. અનંત વૃંદાની સ્થિતિ જાણ્યા પછી વૃંદાને પૂછે છે કે તારે શું જોઇએ છે. પરંતુ વૃંદા પોતાની શારીરિક તકલીફને કારણે બીજું બાળક નથી ઇચ્છતી. તેના આસું માત્ર શારીરિક વેદનાના આંસુ ન્હોતા. વૃંદા પોતાની અને અનંત વચ્ચેનો સેતુ તૂટી ગયેલો અનુભવે છે. અનંત માને છે કે જીવનમાં પૈસા જ સર્વસ્વ છે, જયારે વૃંદા આ વાતની વિરોધી છે. તે ઇચ્છે છે કે જેટલું છે એટલું શાંતિથી ભોગવી સાથે જીવીએ. ધાર્યું હતું કે કશુંક પામ્યાના સંતોષ વડે આગ બુઝવા આવી હશે. પણ ના, આગ વધુ ભડકતી હતી. વાસનાના ઇંધણ સતત હોમાતાં અનુભવે છે.

સચિન બાર વર્ષનો થયો હતો અને આટલા વર્ષો પછી વૃંદા ફરીથી મા બનવાની હતી. વૃંદાને થતું પિતા-પુત્રની એક આગવી દુનિયા હતી. જેમાં એનો પ્રવેશ નિષિધ્ધ હતો. સચિન એટલે જાણે દર્પણમાં અનંતનું પ્રતિબિંબ. સંતુબાઇની દીકરી પુષ્પા પોતાની નાની દીકરી ચંદનને લઇને વૃંદાને ત્યાં આવી છે. વૃંદાને આ નાનકડી બાળકીની માયા લાગે છે. ચંદને એના જીવનને કશોક નવો અર્થ આપ્યો હતો. નાની સરખી ચંદને ચમત્કાર કર્યો હતો. વૃંદાને આવનારું બાળક હવે જોઇએ છે. તેના શરીરના અણુએ અણુમાં એક પ્રબળ ઝંખના જાગે છે.

વૃંદા થોડા દિવસો માટે પિયર પોતાની બા પાસે જાય છે. વૃંદાની સ્થિતિ જોઇને તેને બા કહે છેઃ ‘‘વૃંદા, મને તો લક્ષ્મીજીના પગલાં કળાય છે.’’ આ સાંભળી વૃંદાનું રોમેરોમ ખંજરીની જેમ રણઝણી ઉીઠે છે. વૃંદા પહેલા ખોળાની દીકરી હતી. પિતાજી તેને લક્ષ્મી માનતા હતા. તેને ખૂબ લાડપ્યાર કરતાં હતા. તેને ભણાવવા માંગતા હતા. તેને સરસ્વેતિ બનાવવા માંગતા પણ તેના લગ્ન સખી રમાના માસિયાઇ ભાઇ અનંત સાથે થાય છે. અનંત વૃંદાને ભણાવે છે. પણ સરસ્વતિનો અંશ તેનામાં આવ્યો ન્હોતો. એ ભણી હતી, પણ એ ભણતરે એના ગ્રામ્યપણાં પર ઓપ ચડાવી એને આધુનિક ફેશનેબલ સ્ત્રી બનાવી હતી. અનંત અને સચિનની તીવ્ર યાદ આવે છે ત્યારે તેને સમજાય છે કે અહીં એના મૂળ નથી. એ તો ઉીડી આવી છે ખરેલા પાંદડાની જેમ. સ્ત્રી એટલે જીવનના એક લાંબા પુલ પરથી પસાર થતી મુસાફર. આંબાપીપળી રમતું શૈશવ તો કયારનુંય વૃક્ષોની ઘટામાંથી પીળું પાન બની ખરી પડેલું અનુભવે છે.

વેણ ઉપડતા તેને દવાખાનામાં દાખલ કરવા મા લઇને જાય છે અને તેને કૂખે લક્ષ્મી અવતરે છે. ઝાકળનો બનેલો સુકુમાર, પારદર્શક ચહેરો અને કાળા રેશમી વાળ જોઇ વૃંદા હરખાય છે.

વૃંદા દવાખાનેથી ઘરે આવ્યા પછી બા ચાલી જાય છે. વૃંદા નર્સને રજા આપે છે. સચિન શ્યામાને ખૂબ રમાડે છે. વૃંદા એક ઉીંડા પ્રગાઢ તૃપ્ત ભાવથી શ્યામાને ચૂમી લે છે. તેને લાગે છે કે વિખરાતા કુટુંબ જીવનને પ્રેમની સાંકળથી શ્યામાએ ફરી જકડી લીધું છે. શ્યામાના જન્મથી વૃંદા ખૂબ ખુશ હતી, પરંતુ જયારે એ જાણે છે કે શ્યામા મેન્ટલી રિટાયર્ડ છે ત્યારે તેને ખૂબ આઘાત લાગે છે. પારણામાં સૂતી શ્યામાને જોઇ વૃંદા છાતીફાટ રૂદન કરે છે. વૃંદા શ્યામાને ધારી ધારીને જુએ છે. શ્યામા ખુલ્લી આંખે પોતાની મા વૃંદાને તાકી રહે છે, પણ એમાં જનેતાની પરિચિતતાનો અણસાર દેખાતો નથી કે ન એના અંગોમાં તોફાન હતું, ન ઉછાળ, કાળમીંઢ શીલાની જેમ પડી રહેલી શ્યામા ભાવવિહીન ચહેરે કાચની લખોટી જેવી નિર્જીવ આંખે પોતાની માને તાકી રહે છે. જેથી વૃંદા ખૂબ દુઃખી થાય છે. આવી ક્ષણે વૃંદાને અનંતની ખૂબ જરૂર છે, પરંતુ તે આજે હાજર નથી. વૃંદા આખી રાત મીણબત્તીની જેમ સતત સળગતી રહે છે-પીગળતી રહે છે.

વૃંદા સાવિત્રીબેહેનની સાથે હેન્ડીકેપ્ટ હોસ્પીટલમાં શ્યામાને બતાવવા જાય છે. ‘‘લાંબી પરસાળમાં નાની મોટી ઉંમરના બાળકો ચારે તરફ દેખાય છે. શરીરનું સમતોલપણું ન જાળવી શકતાં, લબડતા, ધ્રુજતા બાળકો, ફાંગી આંખે ને ખેંચાયેલા હોઠમાંથી સતત ટપકતી લાળવાળા, પોલિયોથી નિર્જીવ, દુર્બળ હાથપગવાળા, પગે પ્લાસ્ટર મારેલા ને ઘસડતાં જતા બાળકો’’ – વિષાદેગ્રાસી લીધેલા એમના ચહેરાઓ અને કોઇ અકળ નિયતિના કાષ્ઠપૂતળાઓ જેવા આ બાળકોને જોઇ વૃંદા ગભરાઇ જાય છે. તેને નાસી જવાનું મન થાય છે, પણ સાવિત્રીબહેનના સહકારથી તેનામાં શકિત સીંચાય છે.

ડૉ. શ્રીવાસ્તવ વૃંદાને આશ્વાસન આપતા કહે છેઃ ‘‘માતાની ઉીંડી મમતા, દિવસ રાતનો અથાક પરિશ્રમ, એનો ત્યાગ, ચાકરીએ, સઘળાએ, પેલા લાકડાના ટુકડા પર સંજીવની છાંટી હોય એમ પ્રાણ પુરતાં મેં નજરે જોયા છે... આ કળીયુગમાં પણ ઈશ્વર ચમત્કાર સર્જે છે, જો તમારી પ્રાર્થનામાં આરત હોય તો. તમારો પ્રેમ તમારી પુત્રીને નવજીવન આપશે, પણ સાથે તમે પણ નવજીવન પામશો. એ વાત કદાચ તમને આજે નહીં સમજાય.’’

શ્યામાની શારીરિક સ્થિતિને કારણે વૃંદા સચિનને તથા અનંતને સમય આપી શકતી નથી. તેને કાને સચિનના શબ્દો પડે છેઃ ‘‘પપ્પા, આ મમ્મીને શું થઇ ગયું છે ? સાચું કહું ? તમે જાઓ છો પછી મને ગમતું નથી. ’’શ્યામાની સ્થિતિથી વૃંદા વ્યથિત છે. તે માનતી હતી કે એના વિખરાતા જતા સંબંધોને શ્યામા એક કડી બની ફરી જોડી આપશે.’’ પણ વૃંદાની આ આશા ઠગારી નીવડે છે.

વૃંદાએ શ્યામા માટે ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. નેનેની અપોઇન્ટમેન્ટ લીધી છે તે જ દિવસે અનંતે પાર્ટી રાખી છે અને આ પાર્ટીમાં તેને અનિચ્છાથએ પણ જવું પડે છે. એને થાય છે કે ઘણા સમયથી એ મને-કમને આવો અભિનય કરતી આવી છે. અનંત એનાથી ખુશ રહેતો નથી. આખરે કયાં સુધી આમ જ જીવવાનું હતું ? આ બેસ્વાદ, હેતુવિહીન જીવનનો અર્થ શો હતો ? શ્યામાનો ચહેરો, એને તાકી રહેલી ભોળી નજર - યાદ આવતા એ વિચલિત થાય છે.

પાર્ટીમાંથી ઘરે આવ્યા પછી અનંત વૃંદા પર ગુસ્સે થાય છે. તેથી વૃંદા સમસમી જાય છે. આજનું એનું બેહુદુ વર્તન નશામાં હતું એમ માની અનંતને તે માફ કરી દે તો પણ આજે એ સત્ય પારખી શકી હતી કે અનંત એનાથી જોજનો દૂર નીકળી ગયો હતો, અને એની નજીક લઇ જાય એવી કડી એ શોધી શકી ન હતી.

હોસ્પિટલના પી.ટી. ખંડમાં વૃંદાને લલિતાબેન મળે છે. તે પોતાના દિકરા ચિરાગની વાત વૃંદાને કરે છે. વર્ષોની મહેનત બાદ ચિરાગ થોડું ચાલતો-બોલતો થયો છે તે સાંભળી વૃંદાને સધિયારો મળે છે પણ વૃંદા જાણે છે કે ચિરાગ લલિતાબહેનનો નહીં પણ તેમની નણંદનો દીકરો છે ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થાય છે. તેમ છતાં લલિતાબેનનો પ્રેમ અને ચાકરી સગી મા જેવાં જ હતાં.

મંજુ ને સરોજ, ભારતી ને ખુરશીદ, બધી ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અહીં નોકરી કરે છે. બાળકોની મન દઇને સેવા કરે છે. એમનામાં ધીરજ અને સહિષ્ણુતા છે. કપડાના બટન બંધ કરવાની કે પાણી પીતાં શીખવવાની એકાદ નાની ક્રિયા શીખવતા મહિનાઓ નીકળી જતા. આમ, પ્રેમ કેટકેટલે સ્વરૂપે પ્રકાશે છે તે જોઇ શકાય છે.

શ્યામાનો જન્મદિવસ આવીને ચાલ્યો જાય છે. ન ઘરમાં એનો કશો ઉલ્લેખ થાય છે, ન એની પાર્ટી થઇ. તેથી વૃંદા ભારતીના કહેવાથી બેત્રણ બહુ જ ગરીબ બાળકોને સાધનો આપવા માટે પાંચ હજાર આપે છે. જયારે અનંતને ખબર પડે છે ત્યારે તે ખૂબ જ ગુસ્સો કરે છે. પણ ચર્ચાઓ અને દલીલો કરવાનું વૃંદાએ કયારનું છોડી દીધું છે. એમાંથી ઝરતી કડવાશ પાછળથી ભીનાં સળગતાં લાકડાંની જેમ ઘરમાં ધૂંધવાયેલી રહેતી.

અનંત ત્રીજા બેડરૂમમાં જુદો સુએ છે. ધીમે ધીમે એના કપડાં, એની વસ્તુઓ પણ ત્યાં ગોઠવાઇ જાય છે. કયારેક તો આખો દિવસ અનંતને મળવાનું જ થતું નથી. ઓફિસથી સાંજે એ સીધો ડીનર કે ડ્રિંકસ પર જાય છે. એ રાત્રે કયારે પાછો આવે છે એય જાણતી નથી. હા, રાત્રે બારણા ઉઘાડ-બંધ થવાનો અવાજ એ સૂતા સૂતા કયારેક સાંભળે છે. પણ એની પીધેલી સ્થિતિ એ જોઇ શક્તી નથી. તેથી તે પાસે જઇ શકતી નથી.

જયારે અનંત એને પ્રેમથી છાતી સરસી ચાંપી દેતો, વૃંદાના હૃદયમાં ધબકાર બનીને ધબકતો ત્યારે વૃંદાએ તેને કહ્યું હતું: ‘‘અનંત તમે કયારેક કયારેક ડ્રીંકસ લો છો તે મને ગમતું નથી.’’ પરંતુ હવે અનંતને કયાં કશું કહી શકાય એમ છે ? એણે કૃધ્ધતાથી કહી દીધું છે- ‘‘ તને બહારની દુનિયામાં શું ચાલે છે એની ખબર જ કયાં છે ? તેં મને કદી કંપની આપી છે ? અરે મેડમ, દારૂના ગ્લાસ પર તો લાખોના સોદા થાય છે. તને હોસ્પિટલ સિવાય બીજા કશાની પડી છે ?’’

પરંતુ હોસ્પિટલ પોતે જ એક નિરાળી દુનિયા છે એની અનંતને કયાં કશી ખબર છે ? પરુ નીગળતા ભીંગડા ઉીખડી ગયેલા માનવસંબંધોના જખમની વેદના એને કયાં સ્પર્શી છે ? અહીં જુદા જુદા સ્તરની, વર્ગની, ધર્મની માતાઓને એ રોજ મળે છે. પરંતુ બધા એક જ વેદનાના તંતુથી બંધાયેલા છે-પોતાના સંતાનના જીવનનું નિરર્થકપણે વહી જવું, એના માટે કરવો પડતો પરિશ્રમ અને અનંતનો પરિતાપ.

ચિરાગ ને લલિતાબેન ભાગ્યશાળી છે. તેમને ઘરમાં બધાનો સહકાર છે. શૈલીની મા પોલિયોથી પિડાતી દીકરીની રાત-દિવસ ચાકરી કરે છે. સંયુકત કુટુંબના મહેણાં-ટોણાં સતત સાંભળે છે. લૂખું, ઠંડુ ખાઇ લે છે – છેક પૂણીની જેમ એનું શરીર કંતાઇ જાય છે. વિષ્ણુની મા વિધવા છે. તેને વિષ્ણુ સાથે પાંચ બાળકો છે. બધું વેચીને ઝૂંપડપટ્ટી જેવી એક ઓરડીમાં રહે છે. દેવીના પિતા બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે. કારણ કે બુદ્ધિહીન વિકૃત દીકરીની ચાકરીને લીધેએ પતિને શરીરથી સંતોષી શક્તી નથી કે નથી એને વધુ સમય આપી શક્તી. સુધીર જેમ - જેમ મોટો થતો જાય છે તેમ - તેમ એની શારીરિક ભૂખ ઉીઘડતી જાય છે. કોઇ સ્ત્રી જોતા એને વળગી પડે છે, શરીરના અમુક ભાગોને સ્પર્શે છે, કયારેક તો એની મા ને જ... ઓહ ! કેટલા પ્રશ્નો ? કેટલી વેદના ? કેટલાં નિરર્થક આંસુઓનું વહી જવું ?

વૃંદાને આ વિશ્વ ખૂબ વિશાળ લાગે છે. કોચલું ભાગીને પહેલી જ વાર દિવસનો પ્રકાશ જુએ છે. પતિના જીવનના મધ્યબિંદુમાંથી એ ધીમે ધીમે હડસેલાઇ રહેતી અનુભવે છે. એ દુઃખનું શલ્ય એને પીડતું રહે છે અને હવે ? એ જુએ છે આ વિશ્વમાં, કેટલી વેદના છે ?.... વિશ્વયુદ્ધમાં અનાથ થયેલા બાળકો અને જુલ્મોનો ભોગ બનેલી સ્ત્રીઓનું ક્રંદન ધરતીકંપ અને પૂરમાં લાખો જિંદગીઓનું કાળજાં કંપાવનારું મોત...

એ સ્ત્રી છે. જનેતા પ્રસૂતિની વેદના એણે ભોગવી છે ને એ પીડામાંય સુખ છે. કારણ કે એમાં સર્જન છે. બાળકનો જન્મ. પણ આ એનો જન્મ છે પુનર્જન્મ. એને સાંભરે છે ડોકટરે કહ્યું હતું- ‘‘શ્યામાના નવજીવન સાથે તમને પણ નવજીવન મળશે.’’ સચિન એના પિતાના પગલામાં પગ મૂકે છે. સચિન તેજસ્વિ અને પ્રખર એના ધંધાની ધુરા હાથમાં લઇ, એના નામને વધુ ઉજ્જવળ બનાવનારો. ઉીંચો, સોહામણો, થનગનતા અશ્વની જેમ સદા ઉત્સાહ - આકાંક્ષાથી ભરપૂર. જાણે દર્પણમાં અનંતનું જ પ્રતિબિંબ એ.

આજે સચિનની પાર્ટી હોવાથી ઘરમાં મહેમાનો આવવાના હતા. માંસાહારી વાનગીઓ બહારથી આવવાની હતી. પણ થોડી ઘણી ઘરમાં સાદી વાનગીઓ બનાવવા સચિને મા - વૃંદાને કહ્યું હતું. બસ, તેની સાથે એટલી જ વાતચિત વૃંદાને થાય છે- ‘‘શું આ ઘરમાં વ્યવસ્થા કરવા પૂરતો જ મારો ઉપયોગ છે ?’’

સંતુ કહેતી હતી કે સાહેબ સાથે કોઇ બાઇ હતી. આ જાણી વૃંદાને આઘાત લાગે છે. ઘૂંટણમાં સખત જખમ થયો હોય એમ એ પગ ઘસડતી પોતાના ખંડમાં જાય છે. તેને થાય છે નિર્દોષ, અસહાય બાળકને એ સદાય છાતીએ જ જકડી રાખશે, પણ પોતાના સુખ અને સલામતી માટે એ પાછી નહીં ફરે ? પતિને ફરી પામવા પણ નહીં.

શ્યામાની સ્થિતિને કારણે વૃંદા અનંતની સાથે કંડલા જઇ શક્તી નથી. અનંતને પોતાના સ્ટેટસની પડી છે. એવું વૃંદા અનંતને કહે છે, ત્યારે તે વૃંદાને કહે છેઃ ‘‘સાંભળી લો મેડમ, તમે જે મોજમજા કરો છો, જે આલીશાન ઘરમાં રહો છો, એ બધું પૈસાને લીધે જ છે. નહીં તો તું હજી ગામના કૂવે પાણી ભરતી હોત અને ધૂળ ફાકતી હોત. પણ તેં કદી મારી કદર કરી છે.’’ અનંતના રોષની દાહકતા તેને બાળતી રહે છે. ધરતીકંપથી આજે એની ભ્રમણાનો મહેલ જમીનદોસ્ત થઇ ગયો હતો અને એકાએક એને સ્પષ્ટ થઇ ગયું હતું કે અનંત એનાથી ઘણે દૂર નીકળી ગયો હતો અને શ્યામાને લઇ એ થંભી ગઇ હતી. હવે એ અનંત અને સચિનની પાછળ કદી દોડી શકે એમ ન હતી. આ સ્વયં પ્રકાશિત સત્ય હતું અને હર સત્યની જેમ એ જલદ હતું. પણ એને એક અભણ સાદી સીધી ગૃહીણી - લલિતાબેને ચીંધ્યો છે પ્રેમનો માર્ગ અને એમાં જ વિશ્વાસ મૂકીને એ ચાલી રહી છે.

વૃંદા રીમાન્ડહોમ અને ઝૂંપડપટ્ટીમાં જઇને બાળકોની જે સ્થિતિ જુએ છે તે તેને અસહ્ય થઇ પડે છે. એને થાય છે કે એ કશુંક આપવા ગઇ હતી, પણ એ ઘણું બધું લઇને પાછી ફરે છે. એ અનુભવે છે કે કોચલાથી સુરક્ષિત ફળની જેમ એ પોતાનામાં સમાઇને પડી હતી અને કોઇ અદૃશ્ય હાથાએ હવે એકી ધડાકા સાથે એનું કોચલું તોડી નાખ્યું હતું.

બાના મૃત્યુના સમાચારવાળો કાગળ વૃંદાને મળે છે. બાના મૃત્યુથી વૃંદાને મળતી હૂંફ હવે નથી. કાગળમાં લખાયેલા એ થોડા શબ્દોએ એના મનમાં ભયાનક સૂનકાર પેદા કરી દીધો હતો. સ્મૃતિના સ્વચ્છ દર્પણમાં બાનો ચહેરો જોઇ એ અત્યંત વ્યાકુળ થઇ જાય છે. તે સચિનને એક ટૂંકો પત્ર લખી જલદીથી પિયર જવા નીકળી જાય છે. જતાં જતાં ઘરમાં ચારે તરફ નજર ફેરવે છે. તેને કશું જ જોડે લઇ જવાની ઇચ્છા થતી નથી, ન સ્મૃતિઓ, ન સામાન. સંસાર ખાલી હાથે જ માંડયો હતો ને હવે એ ખાલી હાથે જ જાય છે. એને ઘર સાથે બાંધી રાખે એવું તો આ ઘરમાં કશું જ ન હતું.

આજે તે એક સ્ત્રી તરીકે, માતા તરીકે બાને સમજી શકી છે ત્યારે જ બા ચાલી જાય છે. જે ક્ષણે વ્યકિતને પામીએ, એ જ ક્ષણે એને ગુમાવી દઇએ, એ વેદનાની શૂળ ઉીંડી ઉીતરી જતી વૃંદા અનુભવે છે. વૃંદાને અહીં રોકી શકે એવું કોઇ બંધન નથી. હાથ પર ઉીગી ગયેલી છઠ્ઠી આંગળીની જેમ તે અનંતના સંસારમાં જ છે, છતાં વેગળી. ઘેઘૂર વડલાની વડવાઇઓ ધીમે ધીમે જમીનમાં ઉીતરી પોતાના મૂળિયા નાખી, પોતે જ એક જુદું વૃક્ષ બની જાય છે તેમ વૃંદા આજે અનંતના સંસારનો એક ભાગ હોવા છતાં એક જુદું વૃક્ષ બની જાય છે.

‘ ખરી પડેલો ટહુકો’ એક માનસિક રીતે વિકલાંગ બાળકી અને માતાના નાજુક સંબંધોનું આલેખન છે. પોતાના સંસારમાં જ હંમેશાં પરોવાયેલી રહેતી સ્ત્રીના જીવનમાં મેન્ટલી રિટાર્ડેડ દીકરીનો પ્રવેશ થાય છે. તેની ટ્રીટમેન્ટ નિમિત્તે ઘર બહાર નીકળતી એ સ્ત્રીને પહેલી વાર આ વિશાળ દુનિયાનો, જુદા જુદા લોકો અને તેમના જાતજાતના દુઃખદર્દનો પરિચય થાય છે. ધીમે ધીમે તે પોતાની સાંકળી અને બંધિયાર દુનિયામાંથી એ બહાર નીકળી જાય છે. એને પાંખો ફૂટે છે. તમામ સંબંધોને એ નવી દૃષ્ટિએ મૂલવે છે. એક નાનકડી મેન્ટલ રિટાર્ડેડ દીકરી જાણે એને નવા જીવનની દીક્ષા આપે છે.

*************************************************** 

ડો. શિવાંગી પંડયા,
૧૦૦૦/૧, સેકટર-ર/ડી,
ગાંધીનગર-૩૮ર૦૦૭,

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us