આધુનિકોત્તર 'ખંડેર' વાર્તામાં પ્રગટેલી જનપદની કરુણાંતિકા
'શબ્દસૃષ્ટિ'ના ઓકટો.-નવે. ૨૦૦૮ના રજતપર્વ દીપોત્સવી ગદ્યવિશેષાંકમાં સમાવાયેલી (પૃ.૧૨૨ થી પૃ.૧૨૭) રમેશ ત્રિવેદીની 'ખંડેર' વાર્તા આસ્વાદ્ય છે; એટલું જ નહીં માનવીય મૂલ્યોની અસરકારક રીતે આવશ્યકતા પણ સિદ્ધ કરી આપે છે. પારંપરિક વારસો અને કુટુંબને ત્યજીને અમેરિકા(ભૌતિકતા) તરફ ઘેલછાપૂર્વક દોટ કાઢતાં નવયુવાનોની હાલત અને એના કુટુંબની કરુણતા અહીં સર્જકે સાંગોપાંગ કરૂણરસમાં વણી લીધી છે, કહો કે ગૂંથી લીધી છે. અહીં કથા તો એક ગામની, એક ખેડૂત કુટુંબની છે, પણ એની સાથે સર્જકે સર્વની(ભૌતિકતા તરફ આંધળી દોટ મુકતા સર્વની) લાગણીને જ વાચા આપી છે. સહોપસ્થિતિની ટેકનિક અને સાક્ષી કથક દ્વારા ગ્રામભૂમિની કરૂણ- દારૂણ સ્થિતિ ઉપજાવવામાં કથક-સર્જક સબળ-સફળ પૂરવાર થયાં છે એમ કહેવામાં મને એક ભાવક તરીકે અતિશયોક્તિ લાગતી નથી. વાર્તાનો પ્રારંભ જ ભાવકને આઘાત આપનાર દૃશ્ય કંઇક અઘટિત ઘટ્યાનો સંકેત આપી દે છે. પ્રારંભમાં જ કથકને જાણે અપશુકન થાય છે- "ફળિયામાં પગ મૂક્યો ને કૂતરું ભસ્યું. આ અપશુકન કે આઘાત આપનારી કુદરતી પ્રતિક્રિયા કથકને આગળ વધતો- મિત્ર ચીનુના ઘર તરફ વધતો અટકાવતી નથી, કેમકે કથક પોતે જ જ્ઞાત છે; જે ઘટના ઘટી ગઈ તેનાથી. એ જોઈ-કલ્પી શકે છે આવનારા ભવિષ્યને. કૂતરાનાં ભસવા અને કાગડાના કા..કા.. પછી ફરી 'તડકીલો સૂનકાર' જ પથરાઈ જવાનો એ પણ જાણે છે. પોતાના આગમનથી જાણે ચીનુના(ચીનુ વિનાના) ઘરમાં- કુટુંબમાં પણ આ જ સ્થિતિ થવાની છે એનો જાણે આ આછો પડછાયો માત્ર છે. સર્જકે પોતાની વર્ણનશક્તિ દ્વારા જ જાણે-અજાણે વાર્તાના પડળ ખોલી નાખ્યાં છે. વર્ણનથી વિખેરાતાં જતાં ગામડાંનું વરવું વાસ્તવ તાદૃશ્ય કરવામાં આવ્યું છે : "થોડાંક જ વરસોમાં જાણે ગામ- ફળિયું બધું જ સાવ બદલાઈ ગયાં હતાં ! માટીનાં કાચાં મકાનો, મકાનોની પછીતો, વાડા, ઊગી નીકળેલા આકડા, ખડઝાંખરાં. ચોમાસામાં ક્યાંક ક્યાંક બેસી ગયેલાં મકાનોનાં ભેંકાર લાગતાં ખંડેરો જોવા મળતાં હતાં ત્યાં હવે તો ઈંટ – સિમેન્ટનાં પાકાં મેડીબંધ મકાનો ઊભાં હતાં ! મોટાં ભાગનાં મકાનો અવાવરું ને બારણે કાટ ખાધેલાં તાળાં ઝૂલી રહ્યાં હતાં. ને ક્યાંક વળી ઓસરીઓમાં ઢળેલા ખાટલા શાંત-સુસ્ત મૌન. ગમાણમાં બાંધેલી ભેસો, ગાયોનું ભાંભરી ઊઠવું ને પેલું સામે ઊભું તે ચીનુનું મેડીબંધ મકાન. રંગ કરેલી જાળી, બારણું. બારીએ ટીંગાતી જળકૂંડી અને બારણાની ફ્રેમમાં નેજવે ઝૂલતી પ્રતીક્ષા લઈને ચિત્રવત્ ઊભેલાં જોવા મળતાં સમજુકાકી – ચીનુની બા." ('શબ્દસૃષ્ટિ', ઓકટો.-નવે. ૨૦૦૮ પૃ.૧૨૨) અહીં જાણે ચીનુની બા રાહ જોઇને જ ઊભાં છે, કથકની(?). એ રાહ જોઇને ઊભાં છે કોઈપણની. કારણ ગામની દશા જોતાં જ ગામનો ખાલીપો સ્પષ્ટ થઇ જાય છે. વધુમાં આવા ઉનાળાના બપોરી તડકામાં કૂતરું ભસ્યું છે, એટલે સહજ જ કોઈ રોજનું પરિચિત વ્યક્તિ નહીં હોય એવું સમજુકાકીને સમજાય ગયેલું. તદુપરાંત તેમને રાહ છે પોતાના દીકરાની, દીકરાના ખબરઅંતરની ! જાણે વર્ષોથી દીકરાની રાહ જોવાના કારણે જ કદાચ એની આંખોને પણ અસર થઇ છે. એટલે જ એ કથકની સામે "ચૂંચળી આંખો કરીને" તાકી રહે છે. કથક જોઈ લે છે કે કાકી એકદમ લેવાઈ ગયાં છે. સમજુકાકીના વૃધત્વને કારણે ખરબચડાં થઈ ગયેલ ટેરવાંના સ્પર્શમાં કથકની સાથે સર્જકે પણ તેની ઇન્દ્રિય અનુભૂતિને વ્યક્ત કરી છે. સમજુકાકીની ભાષામાં તળપદી બોલીનો રણકો સંભળાય છે, અહીં સર્જકે ભાષા- તળપદી વાણીનો, એની સઘળી શક્તિઓ સમેત પ્રયોગ કર્યો છે. એ જ વાણીમાં સમજુકાકીની વેદના પણ વણાયેલી જોઈ શકાય છે. સમજુકાકીનાં મુખમાં મૂકાયેલાં કેટલાક ઉદગારો જોઈએ તો જ એ સમજાશે : "એ...આય ભૈ, આય ! બઉ દા'ડે કાકી હોંભારી હોં કે !'...'ભૈ, હવે તો મજા ને સજા એ બધુંય... પણ તું અંદર હેંડને પે'લાં..." ('શબ્દસૃષ્ટિ', ઓકટો.-નવે. ૨૦૦૮ પૃ.૧૨૨) અહીં સમજુકાકીની આંતર વેદના હલબલાવી મૂકે છે. પોતાનું એકનું એક સંતાન- દીકરો અમેરિકા જવાના મોહમાં ઘરના સભ્યો, મા-બાપનો વિચાર કર્યા વિના, એનું પાછલી ઉંમરમાં કોણ ધ્યાન રાખશે એની પરવા કર્યા વિના ગયો છે. અમેરિકા જવાની જીદ કરી એટલે એના લગ્ન પણ ઉતાવળે કરવા પડેલા. એ લગ્નમાં ઘર સારું લગાડવા, ધામધૂમથી લગ્ન કરવા અને દીકરાને એની જીદ પૂરી કરવા અમેરિકા જવાના ખર્ચને પહોંચી વળવા ચીનુના બાપુજીએ પોતાની જમીન વેચેલી. શું કરે મા-બાપ ? એકનું એક સંતાન ખરુંને ! દીકરાના જવાથી એના બાપની માનસિકતા ઉપર પણ અસર થઇ છે. એક એક અક્ષર ગણીને બોલવાવાળા દામુકાકા અમેરિકા અને અમેરિકાના લગાવવાળાને ભાંડવાનું શરૂ કર્યા પછી કડવાશની પણ પરવા કરતા નથી. દમુકાકાના જ શબ્દોમાં અમેરિકાનું ખેંચાણ અને ગામની હાલત જોઈએ તો - ગોંમ તો ભૈ, એનું એ જ છ હોં ! શિયાળાની રાતે એક હારો ખોંખારો ખાવ તોય આ ભાગોળેથી પે...લી ભાગોળે જતો સંભળાય... ન હવ તો ગોમની આથમણી પા અમેરિકાવાળાઓએય ઈમની સોસાયટી... મું તો ભૈ, એં... હગવાય ના જઉં હોં એ બાજુ... કે'છ ક : એક એક બંગલામાં દશ દશ લાખનોં તો બાથરૂમ... ઈમના ડોહાઓ બધાં ધૂળ ખૈ ખૈ ન મરી જયા... ને આ જોન, હાળાઓને આરાસપોણ વગર તો... જાજરૂંય..." "...ગોંમ મોં તો હવ જ્યોં ને ત્યોં ઘૈડિયાં જ હોમે ભટકાય હોં ક... સી ખબર આ તો માતાજીનો શરાપ કે'વાય ક પછી આશરવાદ !?... મારો કોતીનો ઘેર ઘેર આ રોગ લાગુ પડ્યો છ હોં... એં...નાકમોં તો લેંટ લબડતું હોય ને આ સહેજ બોલતાં શીખ્યો તો કે 'અમેરિકા જવું છે'..." ('શબ્દસૃષ્ટિ', ઓકટો.-નવે. ૨૦૦૮ પૃ.૧૨૫)
આમ અમેરિકાની- ભૌતિકતાની તરફ જાણે આજનો યુવા વર્ગ કંઇ પણ, કોઈનું પણ વિચાર્યા વિના રઘવાયાની જેમ આંધળી દોટ મૂકી રહ્યો છે, અને પરિણામે ગામડાં પોતાની અસલિયત અને જીવંતતા ગુમાવી રહ્યાં છે- ગુમાવી છે. અમેરિકા તરફ હડી કાઢી ચાલ્યાં ગયેલાં એકના એક સંતાનોની ગેરહાજરીમાં એના મા-બાપના શબ પણ સડે છે એવી સ્થિતિ આ ગામની છે. સમજુકાકી કહે છે એમ હવે "આ ગોમમાં તો ઢોરને ઢહેડનાર તો મળી રહે પણ મોણહની દશા તો ભૈ, એથીય બઉ ભૂંડી થઇ છ હોં..." અમેરિકા જવાની લાયમાં ને લાયમાં ક્યારેક કોઈ યુવાન લેભાગુ એજન્ટોનો-એજન્સીઓનો શિકાર બને છે. પૈસાની સાથે સાથે જીવ પણ ગુમાવે છે. સર્જકે સ્વપ્નની પ્રયુક્તિથી વાર્તાને અંતભાગે થતું લંબાણ જાણે સંકોરી લીધું છે, કલાકસબ દાખવ્યો છે. એક તરફ દમુકાકાનું સ્વપ્ન એના મનનો ઉભરો ઠાલવવામાં ઉપયુક્ત થયું છે. જાણે એમાં જ એની અમેરિકા અને અમેરિકાવાળા તરફની સૂગ-નફરત સહજતાથી પ્રગટી છે. માણસની પૈસા પાછળની લાગણીવિહીન ભાગદોડ જાણે આ જુના જમાનાના(જીવંત) માણસને ગમતી નથી. એટલે જ એને આવા માણસો નફ્ફટો લાગે છે. તો બીજી તરફ કથકને આવેલ સ્વપ્નમાં ચીનુના ભૂખ-તરસ, વલવલાટ અને લોહીલુહાણ... કથકને આવેલ સ્વપ્ન સંકેત કરી દે છે ચીનુના અંતનો. હવે જાણે ગામની સાથે સાથે ચીનુનું ઘર પણ ભવિષ્યમાં કોઈ ખંડેરમાં ફેરવાઈ જશે. અને સર્જકે એટલે જ ચીનુના ઘરના નવા રૂપને બરાબર ચિત્રિત કર્યું છે કેમકે એનું(ઘરનું) ભવિષ્ય પણ ચીનુ જેવું જ થવાનું. ચીનુના લગ્નની આડ વાત અહી પરિસ્થિતિ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી જાય છે. વાતને વળ આપવાનું પોતાને ભાગે આવેલું કાર્ય એ સફળ રીતે પાર પાડે છે. તો બીજી વાત ઘરની પાછળ રહેતો ડોસો અને એનું મૃત્યુ પણ ખંડેર જેવા ગામના વાસ્તવને નિરૂપવામાં તીક્ષ્ણ હથિયારના ઘા જેવું કામ આપે છે. આમ, રમેશ ત્રિવેદી 'ખંડેર' સર્જવામાં વાર્તાકાર તરીકે સફળ થયાં છે. એટલું કહી શકાય કે વાર્તાનું લક્ષ્ય ભલે ગમે તે હોય પરંતુ તેને પ્રગટાવતી વસ્તુ સર્જકે જે પસંદ કરી છે તેને નિરૂપવામાં સર્જક જાણે સોળે કળાએ ખીલી ઊઠે છે. અને એ જ કારણે 'ખંડેર' પણ નોખો નિખાર પામે છે. આમ, અમેરિકા તરફની દોટ એ વાર્તાની સીધી દેખાય આવતી વાત છે તો ચીનુની અમેરિકા તરફની ઘેલછાભરી દોટમાં આધુનિક માનવીની ભૌતિક સુખોની લાલસા પ્રગટ થાય છે. સંદર્ભ :
*************************************************** ભરત એમ. મકવાણા |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |