logo

સંવેદનાઓના વેલબૂટ્ટા ગૂંથતી વાર્તાઓની બાંધણીઃ સમગ્રલક્ષી અભ્યાસ

બિન્દુ ભટ્ટને આપણે મુખ્યત્વે નવલકથાકાર તરીકે ઓળખીએ છીએ. ‘મીરા યાજ્ઞિકની ડાયરી’ અને ‘અખેપાતર’ બંને કથાઓએ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરેલું છે. બિન્દુબેન બંડખોર નારીવાદી આલેખન કરતાં નથી. એમની નાયિકાઓ જિંદગીનો સંઘર્ષ એટલી જ મજબૂતાઈથી કરીને સમોવડાપણું સિદ્ધ કરે છે. ક્યારેક વેદનાઓને ઝીરવવામાં, પરિસ્થિતિઓને અનુકૂળ થવામાં જે શક્તિઓ ખર્ચે છે તે આશ્ચર્ય પમાડે તેવી છે. ઘરેલું બાબતો, સર્વિસ કરતી સ્ત્રીઓની આસપાસનું વાતાવરણ એને કેવા નાનાં નાનાં સંઘર્ષમાં ઘસેડતી રહે છે- તે મોટાભાગની વાર્તાઓને જિવન્ત બનાવનારું બળ બની રહે છે. કશાય સ્થાપન માટે કે એવા કોઈ વૈચારિક સત્યને સ્થાપિત કરવા લખાયેલી વાર્તાઓ નથી. મોટાભાગે પરંપરાગત વાર્તાપ્રયુક્તિઓના આધારે ચાલતી આ વાર્તાઓમાં સૂક્ષ્મ સંવેદનો, ઘટનાઓ, વિસ્તારોના વર્ણનો, પાત્રોના મનોભાવો આલેખવા તરફનું વલણ જોવા મળે છે. અંત મોટાભાગે વાચકચિત્તને કશાક વિચારવમળ બાજુ લઈ જનારો હોય તે પ્રકારનો આલેખવામાં આવ્યો છે. કેટલીક વાર્તાઓ વિશે થોડી વિગતે વાત કરીશ. કેટલાકના વિશેષોને ટૂંકમાં જણાવવાનો પ્રયત્ન રહેશે.

‘દહેશત’ વાર્તા એના વિશિષ્ટ કથાનક, રજૂઆત અને નાયિકા વર્ષાના મનોભાવને લઇને આગવી છાપ છોડનારી બની છે. નાયિકા વર્ષાના ચિત્તને અહીં આલેખવામાં આવ્યું છે. એ પોતે અવઢવમાં છે કે એના સસરા રસિકલાલનું વર્તન ખરેખર કયા પ્રકારનું છે ? વર્ષાની સગાઇ થઇ ત્યારથી જ વર્ષાને એના ભાવિ સસરાના ખુલ્લા માનસ અને રસિક સ્વભાવનો આછો ખ્યાલ પિતા અને સસરા વચ્ચેની વાતચીતમાંથી આવી ગયેલો. રસિકલાલે વર્ષાના પિતાને કહેલું- ‘શું તમેય વેવાઇ...ભાઇ આપણને તો ન પ્રેમમાં પડવાની તક મળી કે ન સગાઇ પછી જલસા કરવાની ! આજકાલ છોકરાઓ બધી રીતે તૈયાર ! છૂટથી હરવા-ફરવા દો, એકબીજાં ને ઓળખવા દો !

અત્યારથી લગ્નની બેડીમાં બાંધવાની શી ઉતાવળ છે ?’ આવા ફ્રેન્ક સસરા મેળવીને કોણ ખુશ ના થાય ?- વર્ષા ખુશ હતી પણ એની ખુશી લગ્ના બજા દિવસે જ સવારે કંઇક આશંકામાં પલટાઇ ગઇ. જ્યારે સસરાને ચા આપવા ગઇ ને સસરાએ કહ્યું- ‘શું વર્ષારાણી માજામાં ને ? મેં રાત્રે જ રસિકા(સાસુ)ને કહી દીધું હતું કે છોકરાઓને ઉજાગરા અને આરામ બંને કરવા દેજે. રોજની જેમ પાંચ વાગ્યામાં કામે વળગી ન પડતી. બધું બરાબર છે ને ?’  રસિકલાલના આવા શબ્દો, ગાંધીનગરમાં ભાડાના ઘરમાં એમના દ્વારા થતાં વર્ષા આસપાસના આંટાફેરા વર્ષા માટે અકળાવનારાં નીવડે છે. હદ તો ત્યારે આવે છે જ્યારે વર્ષાના આંતરવસ્ત્રો સાથે ચેડા કરતાં રસિકલાલની હરકત વર્ષાના ધ્યાનમાં આવી જાય છે. વર્ષા એક બાજુ છંછેડાયેલી છે પણ પતિ અને સાસુ માટે આ બાબતની જાણકારી કેવા ભૂકંપ સર્જનારાં નીવડે ? તે વિચારે વર્ષા કોઇ પગલાં લેતા ગભરાય છે પણ જાતે જ નીવેડો લાવવાની નિર્ણયશક્તિ ધરાવે છે. સસરાને લ્યૂના પર બ્લડ ટેસ્ટ માટે લઇ જતી વેળાએ એ સસરા સાથે ચોખવટ કરી લેવાના મૂડમાં છે પણ એકલા પડેલા રસિકલાલ કોઇ અજુગતું વર્તન કરતાં નથી. વર્ષા રસિકલાલને ચોખ્ખું સંભળાવી દે છે- ‘જુઓ, રસિકલાલ બેસો. આજે તમને પપ્પા કહેતાં, મારી જીભ કપાઇ જાય છે. હું તમારી એકેએક હરકત જાણું છું. તમારા ઇશારા સમજું છું. તમે મારી અંગત વસ્તુઓ ફેંદો છો, કપડાં સાથે ગંદા ચાળા કરો છો, મારી પાસે હવે એના નક્કર પુરાવા છે. આજે હું નિમિષને કહી દેવાની છું બસ હવે મારાથી સહન નહીં થાય.. તમે ટૂંકમાં સમજી જાઓ. આ ઘરમાં કાં તો હું રહીશ કાં તમે...’ - આ હતો એમનો છેલ્લો સંવાદ. 

રસિકલાલ સાણંદ ગયાને ચોવીસ કલાક પણ ન થયાં ત્યાં એટેક આવ્યાના સમાચાર આવ્યા ને વર્ષા એમની પાસે પહોંચે તે પહેલા તો નિમેષનો ફોન પણ ‘પપ્પા ઇઝ નો મોર...’- બધાં રહસ્ય લઇને રસિકલાલ જતાં રહ્યાં પરલોક. છેલ્લે વર્ષાની જેમ ભાવક પણ નક્કી ન કરી શકે કે આ છૂટકારો છે કે પછી....!

આખીએ વાર્તા સરળ કથન પદ્ધતિએ કહેવાઇ છે. રસિકલાલનું વર્તન એમના વાક્યો અને વર્ષા દ્વારા નોંધાયેલી ક્રિયાઓમાંથી પ્રગટ થાય છે. વર્ષાને દહેશત છે, દહેશત ઘૂંટાય તેવા નાનાં નાનાં રોજિંદા પ્રસંગો પણ છે તે રસિકલાલનું ફ્રેન્ક માનસનું પરિણામ છે કે એમના રસિક સ્વભાવનું પરિણામ એ નથી વર્ષા નક્કી કરી શકતી કે નથી ભાવક નક્કી કરી શકતો. આ સ્થિતિ જ વાર્તાને કલાત્મકતા બક્ષે છે. આત્મકથનાત્મક શૈલી હોવા છતાં કશાય પક્ષ લીધા વિનાનું આલેખન વાર્તાને કલાકૃતિ બનાવે છે. રસિકલાલનું લકવાગ્રસ્ત શરીર, એમની જીવનશૈલી આ વાર્તાને જિવન્ત બનાવનારાં પરિબળ બને છે. 

જે વાર્તાના શીર્ષક પરથી આ વાર્તાસંગ્રહને નામ આપવામાં આવ્યું છે તે ‘બાંધણી’માં વર્તમાન સમયે બદલાઇ રહેલું સ્ત્રી માનસ સરસ રીતે આલેખાયું છે. રૂઢિઓ જાળવવા અને રૂઢિઓથી ઉપર ઊઠવામાં પડતી માનસિક મુશ્કેલીઓ આ વાર્તાને ઘેરો રંગ આપે છે. સુધા- સુધાના સાસુ અને કામવાળી ચંચળ આસપાસ ગૂંથાતી વાર્તામાં બાંધણીને સુહાગના પ્રતીક તરીકેના વિવિધ પરિમાણો સાથે પ્રગટાવવામાં આવી છે. સુધાનો પતિ વત્સલ હવે દુનીયામાં નથી. પણ એના સાસુ વહુના પડખે ઊભા છે આ વિયોગના દુઃખને મનમાં ધરબી દઇને. સર્વિસ કરતી સુધાને રંગબેરંગી સાડીઓ પહેરાવવામાં એમની ખુશી છે. વાર-તહેવારે વત્સલની યાદ ઘેરી ન બને તેની કાળજી રાખતા સાસુ અને બીજી બાજુ વ્યાપક એવા ભારતીય માનસના પ્રતિનિધી લેખે કામવાળી ચંચળને બરાબર આલેખવામાં આવી છે. એ સુધા માટે લાવવામાં આવેલી સાડી જોઇ સ્વભાવિક જ બોલી ઊઠે છે- ‘હેં બા, ભાભીને આ રંગ પેરાય ?’ તો એની સામે સાસુનો જવાબ સરસ છે- ‘મેર મૂઇ, આવા પાણા પડતા નો મૂકતી હો તો ! મને ઇ કે કે ધણી હોય ઇ હારું કે ધણીનો પ્રેમ ? છતે ધણીએ-’ 

આખી વાર્તા આ વાક્યોના અર્થસંકેતોને વિસ્તારનારી છે. ચંચળનો પતિ દારૂડિયો છે, મારઝૂડ કરનારો અને કશીએ જવાબદારી ન નીભાવનારાં પતિથી તરછોડાયેલી ચંચળ પિયરમાં રહીને છોકરાં મોટા કરવા ઘર ઘરના કામ કરે છે પણ એને એક વાતનો આનંદ છે, એ છે- ‘આમ તો તમારી વાત હાચી પણ દિલપાના બાપાએ મને પેરવા-ઓઢવા જોગી તો રાખી સે..!’- પતિની હયાતીને જ સૌભાગ્ય માનતી સ્ત્રી, પતિના પ્રેમને મનમાં સેવતી અને પતિની મા સાથે જ બાકીની જિંદગી પસાર કરવા મથતી સુધા, પુત્રના અવસાનને ઝીલી લઇને પુત્રવધુને આનંદમાં રાખવા મથતી સાસુ- આ સ્ત્રીના અદભુત રૂપો ભારતીય નારીની વિશિષ્ટ સમજદારી, સમર્પણભાવ, સૂક્ષ્મ સંવેદનશીલતાને ઉજાગર કરે છે. વાર્તામાં આલેખાયેલ પોપટપરાનું બારીકાઇભર્યું વર્ણન લેખિકાની નીરીક્ષણક્ષમતા અને સંવેદનપટુતાને પ્રગટ કરે છે. સ્ત્રીની નજરે ઝીલાયેલું ઘરેલું વિશ્વ, સામાજિક માન્યતાઓનું વિશ્વ અને તેનાથી સર્જાતા આગવા ભાવવિશ્વો અહીં સરસ રીતે આલેખાયાં છે. 

‘મંગળસૂત્ર’ વાર્તામાં બેટીના જન્મ વિશે આપણાં સમાજમાં કેવા પ્રતિભાવ છે તેનું એક પરિમાણ આલેખાયું છે. ઉત્તર ભારતના નાનકડાં ગામમાં ઠાકુરના ખોળીએ જન્મેલી પુષ્પા માટે સામાજિક રૂઢિઓમાંથી નીકળવું અઘરું જ નહીં પણ અશક્ય લાગતું કામ હતું. પતિ હરપાલ કમાવવા માટે અમદાવાદની મીલમાં જોડાયો એટલે એની સાથે પુષ્પા પણ અમદાવાદ આવી ગઈ. હરપાલને પોતે ઊંચા ખાનદાનનો હોવાનો ખોટો ગર્વ, પુત્રની લ્હાયમાં એક પછી એક પેદા થતી દિકરીઓ, આર્થિક ભીંસ, પુષ્પા ધીમે ધીમે ઘરનું પુરું કરવા કામ જવા લાગે છે- પણ પતિની જો-હુકમી તો એવીને એવી જ રહે છે- આર્થિક, કૌટુંબિક, મજૂરીની જગ્યાએથી થતાં દબાણ, દિકરીઓના ભવિષ્યની ચિન્તા, પતિની કુટેવો ને અભરખાઓ વચ્ચે પીલાતી પુષ્પાને આ વાર્તામાં અસરકારક રીતે આલેખવામાં આવી છે. વાર્તાના અંતે એ દાંત ભીડીને એની દિકરીને કહે છે- ‘હવેથી તું પણ મારી સાથે સાળ પર આવજે’ આ વાક્યમાં એનો બળવો સૂચવાય છે. એ હવે પતિની જોહુકમીને નહીં ચલાવી લે તેવો સંકેત મળે છે. 

‘પોયણા’ આ સંગ્રહમાં અનોખી વાર્તા છે. દસમા-બારમા ધોરણમાં અભ્યાસ કરતાં કિશોર-કિશોરીની હલકી-ફૂલકી વાર્તામાં ટિન-એજના જાતિય આવેગને કલાત્મકરૂપે આકારિત કરવામાં આવ્યાં છે. આખીએ વાર્તા ફ્લેશબેકની પદ્ધતિએ આલેખાઇ છે. ચૌદ વર્ષથી શિક્ષક એવા રાજેશને દર વર્ષે નવા સત્રની શરૂઆતમાં દસમા ધોરણમાં આવેલી છોકરીઓમાં પમ્મીને શોધવાના ધખારા ઉપડે - તે સાથે આ વાર્તાનો આરંભ થાય છે. રાજેશ જ્યારે બારમાની પરીક્ષા આપવા શહેરમાં રહેતી મોટી બહેનના ઘરે રહેવા ગયેલો ત્યારના મકાનમાલિકની દસમા ધોરણમાં ભણતી કન્યા પમ્મી વચ્ચે પાંગરેલ કાચો-પાકો સંબંધ અહીં સરસ રીતે આલેખાયો છે. એકબાજુ પમ્મી ખરેખર ચૂલબૂલી, યમ્મી, નટખટ છોકરી છે, પોતાના મનમાં જે આવે તે કહી દેવામાં અચકાતી નથી. રાજેશના મતે એને શહેરી છોકરીના આવા નખરાં ગમતા નથી પણ એનામાં રહેલ કોઇ ખેંચાણ એને છોડે તેમ પણ નથી. એ મીઠી કશ્મકશ આ વાર્તામાં આલેખાઇ છે. કિશોર વયનો રાજેશ ગામડામાં રહેલો, ત્યાં દસ વર્ષના થયા પછી છોકરી-છોકરાઓની દુનિયા સાવ ફંટાઇ જતી હોય તેવા વાતાવરણમાં ઉછરેલો. મિત્ર મનુ સાથે ગામના નાનકડાં તળાવમાં પોયણાં તોડવાની માંડ હિમત કરેલી પણ જેવો એ તળાવની વચ્ચે, કાદવમાં થઇ પોયણાંની નજીક પહોંચે છે ત્યાં જ કશીક બીક, કશીક નર્વસનેસ ઘેરી વળે છે- એ પ્રસંગ આ વાર્તાને પછીથી જ્યારે પરીક્ષા વખતે રાત્રે બંને વાંચતા હોય છે ત્યારે પમ્મીની ઉશ્કેરણીથી ઉશ્કેરાઇને ખાટલામાં એને આલંગી તો લે છે પણ છેલ્લી ઘડીએ કશીક નર્વસનેસ એને ઘેરી વળે છે ! આ વાર્તા એકપરિમાણીય લાગે, એમાં ખાસ કશુ નીપજતું ન જણાય પણ કિશોયવયના માનસમાં જન્મતા આવેગો, એ આવેગોની સાથો સાથ મનમાં ચાલતા સંચલનોની આછી ઝલક વાર્તાને સમૃદ્ધ બનાવે છે. પમ્મી રાજેશના જ નહીં દરેક ભાવકના ચિત્તમાં અંકિત થઇ જાય તેવી મજાની રીતે આલેખાઇ છે. પોયણા તોડવાનો પ્રસંગ પછીથી કશાય વિશિષ્ટ મનોસંચલનને આલેખવાની દિશામાં ન જવાના કારણે વેડફાતો અનુભવાય છે. 

‘આંતરસેવો’ વાર્તા મારી દૃષ્ટિએ શ્રેષ્ઠ રચના તરીકે ઉપસી આવે છે એમાં ઝિલાયેલા ભાવવિશ્વથી. નારીવાદી વલણ કરતાંય નારીની દૃષ્ટિએ જીવાતા જીવનને આલેખતાં બિન્દુબેન આગવી દિશા કંડારી રહ્યાં છે. કુટુંબ, કુટુંબમાં સ્ત્રીઓ-સ્ત્રીઓ વચ્ચેના લાગણીમય સંબંધો, એમની વચ્ચેની સીમાઓ ને એમના સંવેદનોને આલેખવામાં બિન્દુ ભટ્ટ અલગ ઉપસી આવે છે. આંતરસેવો વાર્તામાં સીધી ઘટના તો એટલી જ છે કે હમણાં જ મરણ પામેલાં સાસુના કપડા-લત્તા કે એવી વસ્તુઓ શહેરના એક સત્કર્મ ટ્રસ્ટને દાન આપી દેવાથી જરૂરિયાતવાળા લોકો સુધી એ વસ્તુઓ પહોંચે ને એ રીતે સેવાનું એક કામ થાય. પણ વાર્તા નાયિકા લતા એના સાસુની એવી વસ્તુઓ અલગ કાઢવા બપોરે નવરી થઈને બેસે છે. સાસુના કબાટની ચાવી શોધવા મથે છે તે સાથે જ ચિત્તમાં ખૂલે છે સાસુનું એક આખું ભાવ-વિશ્વ. ચિત્તમાં જૂનાં પ્રસંગો, સંવાદો ઉભરતા જાય છે, નાની-મોટી, નકામી-કામની વસ્તુઓ, જૂની સાડીઓ, બ્લાઉઝ, આર્થિક સ્થિતી નબળી હતી ત્યારે એમણે કરેલ સંઘર્ષની સાહેદી પૂરતી વસ્તુઓ, સસરા સાથેના એમના સંબંધોની આછેરી લકીર ઉપસાવતા પ્રસંગો, બધા સાથેના હુંફાળા સંબંધો ઉપરાન્ત આગવું રચેલું વિશ્વ એમાંથી અદભુત રીતે આલેખાતું જાય છે. જોઇએ- ‘તારાબહેન(સાસુ)નું કંઇ ખાસ અંગત ? ખચકાટ અને ઉત્સુકતા સાથે લતાએ ખોખું ખોલ્યું. રંગીન બ્લાઉઝની થપ્પી હતી. આ રીતે ? લતાએ એક બ્લાઉઝ ઉખાળ્યું. એ બ્લાઉઝ હતું, છતાં ન હતું. એની બાયો ખભામાંથી કાપીને ઓટી લીધી હતી. ગળુ પણ આગળ પાછળ નીચું ઉતારવા માટે કાપ્યું હતું. આ તો બ્રેસિયર હતી, હોમ મેઇડ. એ ઝીણી ઝીણી પટ્ટીઓમાં નાનકડાં ગામમાં કરિયાણાનો ધંધો કરતાં પતિની સીમિત આવકમાં ઘર-વહેવાર ચલાવતી ગૃહિણીની કોઠાસૂઝને મહેનત પણ ઓટાયેલી હતી. વતન અને શહેરમાં દીકરા માટે ઘરના પાયામાં શું શું નહીં ટિપાયું હોય.!’  આ વાર્તા અંદર વિસ્તરે છે, તારાબહેન અને લતા વચ્ચેના સંબંધોની ગૂંથણી જે નાજૂકાઇથી આલેખાઇ છે તે આ વાર્તાનો મુખ્ય વિશેષ છે. 

‘અભિનંદન’ પણ આ સંગ્રહની નોંધપાત્ર વાર્તા છે. જૂનવાણી અને એકઢાળી જિંદગી જીવતી પત્નીથી ક્રમશઃ એનો પતિ મનથી દૂર થતો જાય છે અને ઑફિસમાં સહઅધિકારી એવી પદ્મા મહેતા સાથે મનથી જોડાતો જાય છે. પત્ની રમાબેન પણ કશાય વિરોધ વિના જાણે આ સંબંધને સ્વીકારી લે છે પણ પુત્રવધુ આવ્યા પછી – ‘લોકો શું કહેશે..?’ નો પ્રશ્ન મહત્વનો બની રહે છે. આરંભથી જ છૂટાછેડાની વાત મુકાઈ છે- પણ પદ્મા માટે આખીએ વાત હવે કશાક પસ્તાવા તરફ દોરી જતી હોય છે.
  
‘તાવણી’ અને ‘જાગતું પડ’- એ બે વાર્તાઓ એમની અન્ય વાર્તાઓથી સાવ જૂદી પડે છે. નરભેરામ ગોર અને બાળકી વિજુ- કાળના વિભિન્ન બિન્દુ પર ઊભેલા આ પાત્રો વચ્ચેના સંવાદો- જેમાં સ્વભાવિક જ સાતત્ય તૂટતું રહે- તે રીતે ગામ, ગામના દરબાર પુરુષો અને ગામમાં બનતી ઘટનાઓ અવળ-સવળ ઘૂટાઈને  વ્યાપક ચિત્ર આલેખી આપે છે. તો બીજી વાર્તામાં નાયિકા સીમમાં ભૂલી પડી છે, એકલી છે એટલે સ્વભાવિક જ અજાણ્યા તરફ આશંકાનો ભાવ જન્મે- બાબુભાઈનો સથવારો આવા જ ભાવોથી સભર છે- વિસ્તરણ ખાસ્સું છે. નાયિકાના ચિત્તમાં ચાલતા અંદેશા અને સામે આકારિત થતો જતો પુરૂષ- બંને સાવ અલગ છે. માનવના આ રૂપોને સરસ રીતે ઝીલવામાં આવ્યાં છે. પણ પ્રસ્તાર બંને વાર્તામાં ખાસ્સો થવાના લીધે ટૂંકી વાર્તામાં અનિવાર્ય એવી લક્ષ્યગામી ગતિ અવરોધાતી અનુભવાય છે. 

‘નિરસન’ વાર્તાનું કથાનક વિશિષ્ટ છે. નાયિકા સુરેન્દ્રનગરમાં અને પતિ શેખર જૂનાગઢમાં નોકરીના કારણે અલગ અલગ રહેવાનું થયું છે. એમને એક બાળક પણ છે અને બંને વચ્ચે ઉષ્માપૂર્ણ પ્રેમ પણ છે. પણ ક્રમશઃ એમાં બદલાવ આવે છે. પતિ પાસે પીએ.ડી. કરતી વિદ્યાર્થીની અપર્ણા છે. નાયિકા ચિન્તિત છે. થોડી ઘણી શંકા પણ જાય છે કે અન્ય સ્ત્રીના પ્રેમમાં તો એ નહીં હોય ને ? પણ વાર્તા જાણીતા રસ્તેથી ફંટાઈ જાય છે ને પતિ જૂનાગઢની ભૂમિ જેના માટે ખ્યાત છે એ વૈરાગ્ય તરફ વળતો અનુભવે છે...નાયિકાની માનસિક અવસ્થાનું આલેખન આ વાર્તાને વિશિષ્ટ બનાવે છે. 

‘આડા હાથે મુકાયેલું ગીત’ અત્યંત સભાનરીતે લખાયેલી વાર્તા છે. ‘આડા હાથે મુકાયેલું ગીત’ વાર્તા પ્રમાણમાં ફિલ્મી જણાય. સુજાતા અને વિશ્વાસ- સુખી જીવન જીવે છે પણ એમાં વર્ષોના પડળોએ એકધારાપણું લાવી દીધું છે. ખાસ કરીને સુજાતાએ તો પોતાનું વ્યક્તિત્વ જ સાવ વિશ્વાસના વિચારો પ્રમાણે જીવવામાં ઓગાળી દીધું છે. ખાસ્સા વર્ષો પછી નૈનિતાલમાં આવેલી સ્કુલ વખતની મિત્ર માલતી એની સાથે જૂની યાદો લઈને આવે છે ને સુજાતાને ગાવાનો શોખ હતો એ યાદ કરાવે છે- એનાથી જે ચૈતસિક વમળો સર્જાય છે તે આ વાર્તામાં આલેખાયાં છે. ‘પગેરું’ સરેરાશ વાર્તા છે. 

‘ઉંબર વચ્ચે’ વાર્તાની નાયિકાના શરીર પર વિસ્તરતાં ડાઘ એ વાર્તાનું ચાલકબળ છે. બહુ લાઘવથી પણ અસરકારક રીતે એ વાતને આલેખવામાં આવી છે. જોઈએ- વીસ વર્ષ પહેલાં તેજસે કહેલું.  ‘ઋજુ મેં તો તારી આંખો જોઈને જ તને પસંદ કરી હતી. મોટી મોટી કાળી આંખો અને લાંબી પાંપણો. અજબ મદભરી સ્વપ્નિલ આંખો’ ગયા વર્ષે ઋજુએ બેડરૂમમાંથી નાઈટલેમ્પ કાઢી નાંખ્યો છે. બને ત્યાં સુધી તેજસ સૂઈ જાય પછી જ ઊંઘે છે. દિવસે સૂવે તો પણ સાડીનો છેડો મોં પર ઓઢીને. કોઈના દેખતા અરીસામાં જોતી નથી. સફેદ પોપચાં ને સફેદ પાંપણો જોતાં એને સસલાની આંખો અચૂક યાદ આવી જાય છે.-(પૃ.104) 

વિસ્તરતા ડાઘ સાથે સિમિત બનતું જતું ઋજુનું વિશ્વ આ વાર્તાને સંવેદનગર્ભ બનાવે છે. દિકરીનું ગોઠવાય તે માટે પિતાની મથામણો અને મા ઋજુ ધીમે ધીમે સમાજ, ઘર અને ખાસ કરીને પુત્રીના સંબંધમાંય ક્યાંય આડી ન આવવા માટે જે રીતે મથે છે એ કલાત્મક રીતે આલેખાયું છે. આ વાર્તાનું વિશ્વ એ રીતે ગંભીર અને ભાવક ચિત્ત પર ઘેરી છાપ છોડનારું છે. બીજા કોઈ ન હોય ત્યારે પોતાની જ જાત સાથે મથતી ઋજુના હ્ય્દયની સ્થિતિ આપણી સામે અસરકારક રીતે વણાતી આવી છે. 

આ વાર્તાઓના કથાનકો, રચનાપ્રયુક્તિ અને ભાષાપોત પ્રમાણમાં જાણીતા લાગે અથવા તો એવા વિશિષ્ટ કે સાવ અનોખા ન લાગે પણ આ વાર્તાઓને કલાત્મકતા બક્ષે છે એમાં આલેખાયેલ સંવેદનવિશ્વ. સ્ત્રીની દૃષ્ટિએ સંબંધો, સ્ત્રીની દૃષ્ટિએ સામાજિક સંબંધો, પરિસ્થિતિઓ પ્રતિ જોવાની એની દૃષ્ટિ, ઘરેલુ અને સાવ નગણ્ય લાગતી વસ્તુઓ સાથે સ્ત્રીચિત્ત કઈ રીતે જોડાયેલું હોય છે- તેનું આલેખન આ વાર્તાઓને નાવિન્ય આપે છે. બીજો વિશેષ છે સ્થળ-કાળનું વિશિષ્ટ આલેખન. બિન્દુબેનની વાર્તાઓમાં મને એ તત્ત્વ મજબૂતાઈથી આલેખાયેલું લાગ્યું. કદાચ એ નવલકથા લખવાથી ટેવાયેલા છે. એટલે પ્રમાણમાં નિરાંતવું જણાય તે રીતે આલેખન કરે છે. તેમ છતાં કોઈ વાર્તાઓ અતિ લાંબા ફલક પર નથી. પાનાઓ અને કદની દૃષ્ટિએ તો આ વાર્તાઓ સંપૂર્ણપણે ટૂંકી વાર્તા જ બને છે પણ એની અંદર રજૂ કરવા ધારેલું ભાવવિશ્વ વિસ્તૃત હોય છે. ‘મંગળસૂત્ર’ કે ‘બાંધણી’  કે ‘જાગતું પડ’ જેવી વાર્તાઓમાં એક કરતાં વધારે કેન્દ્ર રચાવાની શક્યતાઓ ઊભી થતી અનુભવાય છે. એ ભાવક ચિત્તને ટૂંકી વાર્તા કરતાં કંઈક વધારેનો અનુભવ કરાવે છે. જો કે, છેલ્લા બે-એક દાયકાઓમાં સર્જાયેલી વાર્તાઓની આ લાક્ષણિકતા પણ બનતી જાય છે. તીવ્ર કથાવેગ પ્રમાણમાં મંદ બનેલો જણાય છે તે આવા વર્ણનો, એકાધિક સંવેદનોનું આલેખનને પરિણામે આ પ્રકારની વાર્તાઓ સર્જાતી હોવાનું સમજાય છે.

*************************************************** 

ડૉ. નરેશ શુક્લ,
53/એ, હરિનગર સોસાયટી,
મુ.પો. વાવોલ. જિ.ગાંધીનગર-382016,

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us