વૈશ્વિક અર્થતંત્રના ઢાંચાને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો અભિગમ
સુખ પતંગિયા જેવું છે તેની પાછળ દોડશો તો હાથમાં નહિં આવે પણ હ્રદયને ફૂલ જેવું સુંદર સુગંધી રાખશો તો હળવેથી આવીને ખભા પર બેસી જશે. તેમ પર્યાવરણની કાળજી નહીં રાખીએ તો વિકાસ પણ આપણી પાસે નહીં આવે પરંતુ જો પર્યાવરણની કાળજી રાખીશું તો અવશ્ય વિકાસ અને વૃધ્ધિ નામનું પતંગિયું આપણી પર આવીને બેસશે.
નહિતર આપણે મધમાખી જેવો વ્યવહાર પર્યાવરણ સાથે કરવો જોઇએ જેનાથી પોતાની જરૂરિયાત પણ પૂર્ણ થાય અને બીજા માટે પણ તેમાંથી કયાંક બચત કરીએ. જેનાથી ભાવિ પેઢી યોગ્ય રીતે જીવન જીવી શકે. પરંતુ વિચાર આવે છે કે, “આપણે લાભ ઉઠાવી લો, પાછળની પેઢીનું જે થવાનું હશે તે થશે.” ટકાઉ વિકાસનો ખ્યાલ જતો કર્યો અને પર્યાવરણ દશા માનવીની જરૂરિયાત પૂર્ણ કરતાં બગડતી રહી છે. પરંતુ પૃથ્વીને બચાવવી હોય તો પર્યાવરણને બચાવવું પડશે.
માનવીની ભૌતિક આર્થિક વિકાસની ગાંડી ભૂખ અને ભૌતિક સંપત્તિમાં આળોટવાની ઘેલછાને કારણે પૃથ્વી ઉપરનું પર્યાવરણ ખળભળી ઉઠ્યું છે. સમગ્ર વિશ્વમાં જબરદસ્ત પર્યાવરણીય અસમતુલા ઉભી થઇ છે. એકધારા વધતા જતા મોટા ઉદ્યોગોના મહાકાય જંગલો માટે કુદરતી જંગલોનો નાશ થઇ રહ્યો છે. વિશ્વભરમાં કુદરતી જંગલો અને વર્ષા આધારિત જંગલોનાં વિસ્તારોમાં ૪૫ થી ૬૦ ટકા જેટલો ઘટાડો થઇ રહ્યો છે, પૃથ્વી ઉપરથી હરિયાળીનું હનન થઇ જવાને કારણે એક બાજુથી વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતા ઉભી થઇ છે તો બીજી બાજુથી વૈશ્વિક તાપમાન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. ભારતમાં ઋતુચક્ર વેરવિખેર થઇ ગયું છે. ઉગ્ર તાપમાનને કારણે હિમાલયની હિમશિલાઓ ઓગળી રહી છે અને તેના વધતા જળપ્રવાહથી દરિયાની જળસપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉદ્યોગોમાંથી કાર્બન છોડાતો જાય છે. તેમજ વાહનો પણ નિરંતર કાર્બન છોડતા રહે છે. તેને કારણે વાયુ પ્રદૂષિત થઇ ગયો છે અને માનવજાતના સ્વાસ્થ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થયો છે. ઉદ્યોગો દ્વારા ઠલવાતા કચરા અને રસાયણોને કારણે પાણી પ્રદૂષિત થઇ રહ્યું છે. માનવજાતના સ્વાસ્થ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થયો છે.ઉદ્યોગો દ્વારા ઠલવાતા કચરા અને રસાયણોને કારણે પાણી પ્રદૂષિત થઇ ગયું છે.
આમ, માનવીની વધતી જતી દરેક લાલચને કારણે પૃથ્વીના પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે. માનવી અને કુદરત વચ્ચેનો નાતો લગભગ તૂટી ગયો છે. માનવી કુદરતથી દૂર જતો રહ્યો છે અને કુદરત માનવીથી રૂઠી રહી છે. પૃથ્વીનો ગ્રહ અત્યારે ખતરામાં આવી ગયો છે. વૈજ્ઞાનિકો હવે ગંભીરતાથી પૃથ્વીના પ્રલયની ચેતવણી આપવા લાગ્યા છે. આ વિષય પરિસ્થિતિનો રેલો વિશ્વના બધા જ દેશોના પગ નીચે આવવા લાગ્યો છે ત્યારે બધા દેશો સફાળા જાગી ઉઠીને બેબાકળા બની ગયા છે. પર્યાવરણ બચશે તો જ પૃથ્વી બચશે અને પૃથ્વી બચશે તો જ આપણે બચીશું. એ વાસ્તવિકતાનું ભાન હવે વિશ્વના વિકસિત અને અવિકસિત બધા દેશોને થઇ ગયું છે. પરિણામે હવે બધાને પ્રકૃતિ ઉપર પ્રેમ કરો અને કુદરત તરફ પાછા વળોનું સત્ય સમજાઇ ગયું છે. આ સમજણમાંથી હરિયાળા અર્થતંત્રનો એક નવો અને અભિનવ ખ્યાલ વૈશ્વિક સ્તરે સાકારિત થઇ રહ્યો છે. હવે બધાં દેશો હરિયાળા અર્થતંત્રની હિમાયત કરવા લાગ્યા છે.
હરિયાળા અર્થતંત્રનો ખ્યાલ હજુ તાજેતરમાં જ વૈશ્વિક આર્થિક વાતાવરણમાં વહેતો થયેલો હોવાથી તેના અર્થ અને સ્વરૂપ વિષે હજુ ચોક્કસ સ્પષ્ટતા ઉભી થઇ નથી. હરિયાળું અર્થતંત્ર એટલે “જેમાં બધા જ આર્થિક વ્યવહારો ઉર્જાના એવા વૈકલ્પિક સ્ત્રોત વડે થતાં હોય કે જે નફાને અનુકૂળ હોવાને બદલે પર્યાવરણને વધુ અનુકૂળ હોય.”
આમ, ટકાઉ વિકાસના ખ્યાલમાં ભાવિ પેઢીની જરૂરિયાત સંતોષી શકે તેવી રીતે કુદરતી સંપત્તિ(પર્યાવરણ)નો ઉપયોગ કરવાનો છે. આમ, બન્ને ખ્યાલ પર્યાવરણને બચાવવાનો અને ભાવિ પેઢી ઉપયોગ કરી શકે તેના માટે બનાવ્યા છે. બધા જ ક્ષેત્રો જે માત્ર નફાના હેતુથી ચાલતા હોય તે ધ્યેય બદલીને પર્યાવરણ બચાવવાનો મુખ્ય હેતુ અને નફાનો હેતુ ગૌણ હેતુથી કામ કરવાનો છે.
નફાના હેતુને અપનાવવાથી પર્યાવરણને નુકસાન જાય છે. અને તેની સીધી અસર માનવ-જીવન, પશુ-પંખીઓ તેમજ વાતાવરણ પર પડે છે. માટે તેનાથી ચેતી જઇને વૈશ્વિક અર્થતંત્રના ઢાંચાને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો અભિગમ ઉપક્રમે છે. પર્યાવરણને બચાવવા માટે હરિયાળા અર્થતંત્રની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે:
- ઔદ્યોગિક કે અન્ય કોઇ પણ પ્રકારના બાંધકામ તેમજ ખોદકામ માટે જંગલોને કાપવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ મુકવો.
- ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રમાં ઉત્પાદન પ્રક્રિયાને પરિણામે ચીમનીઓના ધુમાડા દ્વારા થતા કાર્બનના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી રીતે ઉત્પાદન પ્રક્રિયામાં નવા સંશોધન દ્વારા પરિવર્તન લાવવું.
- વધુને વધુ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ યુદ્ધ ધોરણે હાથ ધરીને પ્રત્યેક દેશમાં કુદરતી જંગલોનો વિસ્તાર વ્યાપક પ્રમાણમાં વધારવો.
- વાહનોમાં પેટ્રોલ ડીઝલના બળતણથી ઉત્પન્ન થતા કાર્બનનું પ્રમાણ અસરકારક રીતે ઘટાડવા માટે વાહનોના ઇંધનમાં કાર્બન ઉત્પન્ન કરતા તેલના સ્થાને વૈકલ્પિક ઇંધનનો ઉપયોગ શક્ય બને તેવી રીતે વાહનોની તંત્ર વ્યવસ્થા અને ડીઝાઇનમાં સંશોધન કરવા.
- કાગળ ઉદ્યોગમાં સૌથી વધારે લાકડું વપરાય છે. અને તેની કારણે મોટા પ્રમાણમાં વૃક્ષોનું વિચ્છેદન થાય છે. તેથી તમામ પ્રકારના વહીવટી કામોમાં કાગળનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે માટે ઇલેક્ટ્રોનિક્સ વ્યવસ્થા દ્વારા જ વહીવટ કરવાની વ્યવસ્થા ઉભી કરીને કાગળ-વિહીન વહીવટનું એક નવું માળખું ઉભુ કરવું.
- સામાજિક વનીકરણ દ્વારા શહેરો તેમજ ગામડાના નાગરિક વિસ્તારને વૃક્ષોથી સમૃધ્ધ લીલોછમ બનાવી દેવો. વન વિસ્તારોમાં કુટુંબદીઠ ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરીને તેની સંભાળ લેવાનું લક્ષ્યાંક રાખવું.
- ક્રુડ તેલના સ્થાને વૈકલ્પિક ઇંધનનો ઉપયોગ શક્ય બનાવવા માટે સંશોધનો અગ્રીમતાના ધોરણે હાથ ધરવા.
- ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા દ્વારા થતુ જળ પ્રદૂષણ તેમજ વાયુ પ્રદૂષણ અટકાવવા માટે ઔદ્યોગિક એકમોને પોતાની ઉત્પાદન વ્યવસ્થા પર્યાવરણને અનુકૂળ ન રહે તેવા પ્રકારની કાનૂની વ્યવસ્થા ઉભી કરીનેઉદ્યોગોચલાવવા માટેની અનિવાર્ય પૂર્વશરત તરીકે તેનોકડક અમલ કરવો.
- નદીમાં ગરમ પાણી છોડવા પર ઉદ્યોગોને કડક સજા આપવી.
- દરીયામાં ઓઇલનું પરીવહન કરતા વાહનો પર તકેદારી રાખવી જોઇએ.
- જીવનમાં સાદગી તથા પ્રાકૃતિક જીવન પર વધારે આધાર રાખવો. જેનાથી ઉદ્યોગોની ઓછી જરૂર પડે.
- ગાંધીજીના વિચારો સમગ્ર દુનિયામાં સમજવવા જોઇએ.
પર્યાવરણનું રક્ષણ હવે માનવ જાતના કલ્યાણ માટે અસ્તિત્વનો પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે વિશ્વના બધા જ દેશો અતિ વિકસિત ઔદ્યોગિક આ હરીયાળા અર્થતંત્રના અભિયાનમાં ફળદાયી સહયોગ આપે તે ખાસ અપેક્ષિત છે. પર્યાવરણના જતનની ચિંતા કરવા માટે અવારનવાર વૈશ્વિક સંમેલનોનું આયોજન થાય છે. પરંતુ તેમાં સધાયેલી સમજૂતીઓનું વિકસિત દેશો તેની નફાલક્ષી સ્વાર્થ પ્રેરિત નીતિને કારણે પ્રામાણિકતા પૂર્વકપાલન કરતા નથી.
હરીયાળા અર્થતંત્રનો ખ્યાલ ભવિષ્યના સ્થિર આર્થિક વિકાસ માટે અનિવાર્ય આવશ્યકતા બની ગયો છે. ભારત પાસે બુધ્ધિશાળી અને એન્જીનીયર કક્ષાના લોકોનું વિશ્વમાં ત્રીજા નંબરનું વિશાળ જૂથ છે. અને વિદેશી રોકાણકારો હવે પર્યાવરણ-લક્ષી આર્થિક પ્રવૃત્તિમાં મૂડી રોકાણ કરવાનું આકર્ષણ ધરાવતા થયા છે. ત્યારે ભારતે તે તકનો પુરેપુરો ઉપયોગ કરી લેવો જોઇએ. અત્યારથી જ ટૂંકાગાળાની આર્થિક વિટંબણાઓને પાર કરીને ભવિષ્યનું આર્થિક મહાસત્તા બનવા માટે પણ હરીયાળુ અર્થતંત્ર અનિવાર્ય બનશે.
***************************************************
કે. આર. મકવાણા
સરકારી વાણિજ્ય કોલેજ,
સેક્ટર-15, ગાંધીનગર
&
પટેલ મનીષ એમ.
સરકારી વાણિજ્ય કોલેજ,
સેક્ટર-15, ગાંધીનગર. |