logo

આરોગ્યની દ્રષ્ટીએ ગુજરાતની સ્થિતિ

Abstract:

1978ના અલ્મા-અતા કોન્ફરન્સથી વિકાસશીલ દેશોમાં આરોગ્યને મૂળભૂત માનવ અધિકાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તથા આરોગ્ય અને પોષણનો મૂળભૂત રાષ્ટ્રીય જવાબદારી તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. ભારતીય સમવાયી પદ્ધતિમાં આરોગ્ય રાજ્ય સરકારોની જવાબદારી છે. જો કે કેટલાક મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય કાર્યક્રમો માટે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ગુજરાત એ આર્થિક દ્રષ્ટિએ વિકસિત રાજ્ય છે અને વિકાસની સાથોસાથ સમાજમાં સુખાકારી વધે તે જરૂરી છે. વર્તમાનસમયમાં ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ અને આરોગ્યની સમસ્યાઓના સંદર્ભમાં ગુજરાત સરકારની આરોગ્યનીતિઓ અને કાર્યક્રમોની આ સંશોધનલેખમાં ચર્ચા કરવામાં આવેલ છે.

પ્રસ્તાવના:

ગુજરાતીમાં કહેવત છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા.” માનવીએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહી રોગ-પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. સ્વાસ્થ્યની ખરી કિંમત તો તેની ગેરહાજરીમાં જ સમજાય. માનવ અસ્તિત્વ માટે સ્વાસ્થ્ય અને તેની જાળવણી ખાસ મહત્વની છે.

Health શબ્દ એ જૂના જર્મન અને એન્ગલો સેક્સન (Saxon) શબ્દ ‘Hale’ પરથી ઊતરી આવેલ છે. જેનો અર્થ ‘Wholeness’- ‘સમગ્ર’, ‘સ્વસ્થ્ય’ અને ‘પવિત્ર’ એવો થાય છે. ગ્રીક વૈદ્ય ગેલનના મતે, ‘સ્વાસ્થ્ય કે સ્વસ્થતા ત્યારે જ ઉદ્દભવે છે જયારે શરીરના ગરમ, ઠંડા, સૂકા, ભીના અંગભૂત તત્વો વચ્ચે સમતુલન સધાય છે. સ્વાસ્થ્યને આરોગ્ય કે તંદુરસ્તી પણ કહે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO) એ 1946માં રજૂ કરેલ વ્યાખ્યા મુજબ “સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક આધ્યાત્મિક ક્ષેમકુશળતા (સુખાકારી)ની સંપૂર્ણ અવસ્થા અને ફક્ત રોગોની ગેરહાજરી કે દૌર્બલ્ય નહીં.” આરોગ્યની આ વ્યાખ્યાનો હેતુ આરોગ્ય એ માત્ર રોગોની ગેરહાજરી જ નહીં પરંતુ આરોગ્યની ક્ષેમકુશળતાની સિદ્ધિ છે એ સમજાવવાનો છે. આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ મહત્વનું છે.

ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓ એ વસ્તીવૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એઈડ્ઝ જેવા નવા ઉભરતા રોગો, વ્યવસાયિક રોગો, માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતમાં વર્તમાનસમયમાં 121.02 કરોડ વસ્તી છે. તેથી ભારતમાં ઘણાં રાજ્યોમાં વસ્તીવૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચા પ્રજોત્પત્તિ દરને ઘટાડવું એ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે. મલેરિયા, ક્ષય, પાણીજન્ય રોગો, શ્વસન રોગો અને કુપોષણ જેવા રોગોએ વસ્તી માટે મુશ્કેલી ઊભી કરી છે જેમ કે, મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી. ખાસ કરીને કેટલાક પોષક તત્વોની ખામી જેવા કે મૂળભૂત ખનીજો, કેટલાક વિટામીનો અને પ્રોટીન એ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. વર્તમાનમાં એઈડ્ઝ જેવી કેટલીક નવી આરોગ્ય સમસ્યાઓ, પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્દભવ રોજિંદા જીવનમાં નવા પડકારો છે. વધતા શહેરીકરણે ગાઢ વસવાટો નવી આરોગ્ય સુવિધાઓ માટે સમસ્યાઓ ઊભી કરી છે. આ નવા પડકારો ઝીલવા માટે અગાઉની આરોગ્ય કાર્યસૂચીમાં વધારે ધ્યાન અને ફેરફારો જરૂરી છે.

આરોગ્યનું મહત્વ :

સારું આરોગ્ય એ વૈશ્વિક જીવનરીતિઓ તરફ લઈ જાય છે(1995,UNDP) એટલે જ ભારતમાં એક કહેવત પ્રચલિત છે કે “Health is Wealth” એટલે કે “સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે.”

1978માં અલ્મા-અતા કોન્ફરન્સ ખાતે WHOના જનરલ ડાયરેક્ટર અને યુનિસેફના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરે સંયુક્ત અહેવાલમાં જણાવ્યું હતું કે,....સામાજિક અને આર્થિક વિકાસની મુખ્ય ધારાઓમાં આરોગ્ય પદ્ધતિઓ વારંવાર બધાને આરોગ્ય સંભાળ માટે પ્રતિબંધિત કરે છે, તેમ છતાં ઔદ્યોગિકરણ અને પર્યાવરણમાં ઈરાદાપૂર્વકના ફેરફારોએ આરોગ્ય સમસ્યાઓ ઊભી કરી છે. જેનું કાયમી નિયંત્રણ તબીબી સારવારથી જ દૂર થઈ શકે છે. આ ધ્યાનમાં રાખીને જ આ સંશોધનલેખમાં ગુજરાતમાં આરોગ્યની સ્થિતિની ચર્ચા કરેલ છે.

આરોગ્ય ત્રણ રીતે મહત્વપૂર્ણ છે;

(1) તે સ્વાભાવિક રીતે મહત્વ ધરાવે છે.
(2) તે વ્યક્તિગત અને સામાજિક સ્તરે મહત્વનું સાધન છે અને
(3) તે લોકોમાં સશક્તિકરણ પ્રોત્સાહન આપે છે.
આંતરિક સૂઝ મુજબ આરોગ્ય મહત્વપૂર્ણ છે, કારણ કે તે મનુષ્યની સુખાકારી પ્રત્યક્ષ રીતે માપે છે. તે જીવનની પરિપૂર્ણતા છે. તંદુરસ્ત હોવું એ પોતાના માટે મૂલ્યવાન સિદ્ધિ છે. “મૂળભૂત જરૂરીયાતોના અભિગમ” માં આરોગ્યને ખોરાક, કપડા, આશ્રય (રહેઠાણ) અને શિક્ષણની જેમ જ પાયાની જરૂરિયાત તરીકે ગણવામાં આવ્યું છે. પાયાની જરૂરિયાતોની પરિપૂર્ણતા એ જીવન જીવવા માટે સૌથી મહત્વની છે. સારું આરોગ્ય આંતર-વ્યક્તિત્વ લાભ હોઈ શકે છે. વિકૃત મનોદશાની ઘણી બાહ્ય અસરો થતી હોય છે. મોટાભાગે સ્ત્રી જ એ વ્યક્તિ છે, જે સામાજિક રીતે પિતૃપ્રધાન કુટુંબમાં બિમાર વ્યક્તિની જવાબદારી લેવા બંધાયેલી છે. બીજા અર્થમાં કહીએ તો સારું આરોગ્ય આર્થિક તર્ક હોય છે કેમ કે, માનવ એ આર્થિક વિકાસ માટેનું સંશાધન છે. સારું આરોગ્ય સરકાર અને કુટુંબોમાં તબીબી ખર્ચામાં ઘટાડો કરે છે. જાહેરક્ષેત્રનો આરોગ્ય સુરક્ષા પરનો વધારે ખર્ચ ઘરગથ્થું કુટુંબોનો નિરોગી આરોગ્ય માટે ઓછો ખર્ચ રજૂ કરે છે.

બિમારીવાળું આરોગ્ય દૈનિક આવક પર જીવતા ગરીબ પરિવારો માટે આવકના નુકશાન સ્વરૂપ હોઈ શકે છે. જે આવા કુટુંબોને ભૂખમરા અને કુપોષણ તરફ લઈ જાય છે અને પરિવારના દેવાના બોજમાં વધારો કરે છે તથા અંતમાં તેઓની સંપત્તિના વેચાણમાં પરિણમે છે. સામાન્ય રીતે સુધારો કે વધારો શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો કરે છે. સ્વસ્થ શ્રમિક વધારે કાર્યક્ષમતાપૂર્વક કામ કરી શકે છે અને કુટુંબની આવક તેમજ કુલ રાષ્ટ્રીય પેદાશ (GNP)માં વધારો કરે છે.

વસ્તીની સારી આરોગ્ય પરિસ્થિતિ મૃત્યુદરમાં ઘટાડો અને અપેક્ષિત સરેરાશ આયુષ્યમાં વધારો લાવે છે. તેમજ શિશુ અને બાળ-મૃત્યુદરમાં પણ ઘટાડો લાવે છે. આરોગ્યની સારી સુવિધાઓને લીધે પ્રજોત્પત્તિ દરમાં ઘટાડો થયો છે જે વસ્તી વૃદ્ધિદરમાં ઘટાડા તરફ લઈ જાય છે. આમ, સારી આરોગ્ય પરિસ્થિતિ ટકાઉ વિકાસ માટે આવશ્યક વસ્તીવધારાના દર તરફ વસ્તી સંક્રમણને લઈ જાય છે. તેથી આરોગ્ય એ વ્યક્તિગત અને સામાજિક સ્તરે અનેક મહત્વની ભૂમિકા ભજવે છે.

બાળકોના કિસ્સામાં સારું આરોગ્ય શાળામાં વધુ હાજરી અને જ્ઞાન પ્રાપ્તિમાં વધારો કરે છે. જે ભવિષ્યની પેઢીઓ માટે ઉચ્ચ સ્તરની સારી આવક આપતી નોકરીમાં પરિણમી ઘણાં મોટા લાભો અપાવે છે. બીજી બાજુ બાળકોમાં પોષણની ઉણપ બદલી ના શકાય તેવી લાંબાગાળાની અસમર્થતા તરફ દોરી જાય છે જેમ કે, અંધત્વ, જ્ઞાનાત્મક વિધેયોમાં ઘટાડો, માનસિક વિકલાંગતા, વગેરે.

આમ, સારું આરોગ્ય સારા જીવનમાં પરિણમે છે. આરોગ્ય એ મહત્વનું છે કારણ કે તે, સારું જીવન છે નહીં કે સારું જીવવા માટે કે ઉપયોગીતા માટેનું સાધન.

આરોગ્ય સ્થિતિને અસર કરતા પરિબળો :

આરોગ્ય પરિસ્થિતિ એ ઘણાં બધાં પરિબળોનું પરિણામ છે જેમ કે,

  • ગરીબી, ખાદ્ય સુરક્ષા, ખોરાકની કિંમત અને કુપોષણ.
  • પર્યાવરણીય પ્રદૂષણ અને જીવન ધોરણ ગુણવત્તામાં ઘટાડો.
  • વ્યવસાયિક આરોગ્ય સમસ્યાઓ.
  • પ્રજનન ક્ષમતાને લગતી આરોગ્ય સમસ્યાઓ.
  • કૌટુંબિક અર્થતંત્ર અને વેતનો.
  • માથાદીઠ આવક, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ દ્વારા રજૂ થયેલ આર્થિક વિકાસ.
  • સામાજિક વિકાસ, ખાસ કરીને સાક્ષરતા દર.
  • ખાનગી આરોગ્ય સંભાળ પદ્ધતિની કિંમતો.
  • જાહેર આરોગ્ય સંભાળ : પ્રજનન પદ્ધતિઓ
આર્થિક અને પર્યાવરણીય ફેરફારો સમાજમાં ખાદ્ય સુરક્ષા, આરોગ્ય અને આહારને અસર કરે છે. જયારે પોષણ સ્થિતિ સંપૂર્ણ આરોગ્ય પરિસ્થિતિ, સંભવિત કામ કરવાની શક્તિ અને સમગ્ર લોકોના કોઇપણ જૂથના સંભવિત આર્થિક વિકાસ પર અસર કરે છે.

ગુજરાતમાં આરોગ્યની પરિસ્થિતિ:

ગુજરાત એ ભારતનું આર્થિક રીતે વિકસિત રાજ્ય છે. ગુજરાતની કુલ વસ્તી વર્ષ 2011 મુજબ 6.03 કરોડ છે. ગુજરાતની વસ્તીમાં વર્તમાન દસકા (2001-2011)માં છેલ્લા દસકા (1991-2001)ની તુલનામાં 19.17% વધારો થયેલ છે. વર્ષ 2010-11માં માથાદીઠ આવક ભારતમાં અને ગુજરાતમાં અનુક્રમે રૂ.54,151 અને રૂ.78,802 હતી. જયારે વર્ષ 2011-12માં માથાદીઠ આવક ભારતમાં અને ગુજરાતમાં અનુક્રમે રૂ.61,564 અને રૂ.89,668 છે જે આર્થિક રીતે ગુજરાતની સારી પરિસ્થિતિ રજૂ કરે છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં સાક્ષરતા દર 79.31 છે અને પુરુષોમાં તે 87.23 અને સ્ત્રીઓમાં 70.73 છે. આમ, ભારતના સાક્ષરતા દર 74.04ની તુલનામાં ગુજરાતમાં સાક્ષરતા દરનું પ્રમાણ વધારે છે. આ સંશોધનલેખમાં ગુજરાતની ઉપરોક્ત સ્થિતિના સંદર્ભમાં વર્તમાનમાં ગુજરાતની આરોગ્યની પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવેલ છે. જેના માટે આરોગ્યની સ્થિતિના નિર્દેશકોનો ઉપયોગ કરેલ છે.


ગુજરાત અને ભારતમાં આરોગ્યની સ્થિતિ


આરોગ્યની સ્થિતિના નિર્દેશકો

ગુજરાત

ભારત

2001

2011

2001

2011

(1) કુલ જન્મદર
(1,000ની વસ્તીએ)

24.9

22.6

25.4

21.0

(2) કુલ મૃત્યુદર
(1,000ની વસ્તીએ)

7.8

6.9

8.4

7.5

(3) માતૃત્વ મૃત્યુદર
(1,000ની વસ્તીએ)

3.89
(in1992-93)

14.8

4.58
(in1992-93)

21.2
(in2009-10)

(4) બાળ મૃત્યુદર
(1,000ની વસ્તીએ)

60

50

66

47.57
(in 2010)

(5) શિશુ મૃત્યુદર
(1,000ની વસ્તીએ)
(5 વર્ષથી ઓછી વયના)

85.1
(in 1998)

44

94.9
(in 1998)

62.70

(6) સરેરાશ અપેક્ષિત આયુષ્ય (LEB)

62.15

64

62.87

66.8

(7) કુલ પ્રજોત્પત્તિ દર

3.0

2.5

3.2

2.62

 

(1) કુલ જન્મદર :

જન્મદર એટલે દર 1,000ની વસ્તીએ વર્ષ દરમ્યાન થતાં જન્મ. ગુજરાતમાં વર્ષ 2011માં વર્ષ 2001ની તુલનામાં જન્મદરમાં 10.44% જેટલો ઘટાડો નોંધાયો છે. જયારે આ જ સમય દરમ્યાન ભારતમાં જન્મદરમાં 17.32% જેટલો ઘટાડો થયો છે. ગુજરાતમાં ભારતની તુલનામાં જન્મદરમાં થયેલો ઘટાડો ઓછો છે. ગુજરાત અને ભારતમાં જન્મદરમાં થયેલો ઘટાડો વસ્તી નિયંત્રણના પ્રયાસોને આભારી છે. તથા સાક્ષરતા દરમાં થયેલા વધારાને પરિણામે વસ્તી નિયંત્રણની નીતિ કેટલાંક અંશે સફળ થઈ રહેલી દેખાય છે.

(2) કુલ મૃત્યુદર :

મૃત્યુદર એટલે દર 1,000ની વસ્તીએ વર્ષ દરમ્યાન થતાં મૃત્યુ. ગુજરાતમાં અને ભારતમાં વર્ષ 20૦1ની તુલનામાં વર્ષ 2011 દરમ્યાન કુલ મૃત્યુદરમાં અનુક્રમે 11.53% અને 10.71% ઘટાડો થયેલો જોવા મળ્યો છે. ગુજરાતમાં ભારતના સંદર્ભમાં મૃત્યુદરમાં થોડો વધારે ઘટાડો થયેલો જોવા મળ્યો છે. ગુજરાતમાં આરોગ્યની સુવિધાઓમાં થયેલા વધારા અને સામાજિક–આર્થિક વિકાસના કારણે મૃત્યુદર ઘટ્યો છે. તેમ છતાં મૃત્યુદરમાં જોઈએ એટલો સંતોષકારક ઘટાડો થયો નથી.

(3) માતૃત્વ મૃત્યુદર:

માતૃત્વ મૃત્યુદર એટલે દર એક લાખ જીવંત બાળકોના જન્મદીઠ 15 થી 49 વયની પ્રસૂતા સ્ત્રીઓનાં મૃત્યુનું પ્રમાણ. ભારતમાં વર્ષ 1992-9૩ની તુલનામાં 2009-10માં માતૃત્વ મૃત્યુદરમાં 364.19% વધારો થયો છે. ગુજરાતમાં માતૃત્વ મૃત્યુદરમાં વર્ષ 1992-93ની તુલનામાં વર્ષ 2011 દરમ્યાન 280.46% વધારો થયો છે. જે રજૂ કરે છે કે ગુજરાતમાં માતૃત્વ મૃત્યુદરમાં ઘટાડો કરી શકાયો નથી. માતૃત્વ મૃત્યુદરમાં થયેલા વધારાના જડ-મૂળમાં સ્ત્રીઓમાં પોષણની ખામી, આરોગ્યની અપૂરતી સુવિધાઓ અને માહિતી જવાબદાર છે. વર્તમાનસમયમાં ગુજરાતમાં 55.3% જેટલી સ્ત્રીઓ એનેમિયા(પાંડુરોગ)થી પીડાય છે. હોસ્પિટલમાં ડીલીવરીનું પ્રમાણ માત્ર 56.5% છે અને સલામત ડીલીવરીનું પ્રમાણ માત્ર 62.1% જ જોવા મળ્યું છે. ગુજરાતમાં માતૃત્વ મૃત્યુદર વધારે છે. જયારે કેરળમાં સૌથી ઓછો છે. ગુજરાતનો ક્રમ છઠ્ઠો આવે છે. જે રજૂ કરે છે કે આર્થિક રીતે વિકસિત એવું ગુજરાત આરોગ્યની ક્ષેત્રે ઘણું પાછળ છે.

(4) બાળ મૃત્યુદર:

બાળ મૃત્યુદર 1,000 બાળકોના જીવંત જન્મે એક વર્ષની વયથી નીચેની વયના બાળકોના મૃત્યુનું પ્રમાણ માપે છે. ‘સંયુક્ત રાષ્ટ્રો’ (UN)ની સામાન્ય સભાએ 21મી સદીના આરંભે નક્કી કરેલા સહશતાબ્દી લક્ષ્યાંકોમાં 2015 સુધીમાં બાળ મૃત્યુદર 28 કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારત તેનાથી હજુ ઘણું પાછળ છે તે સ્પષ્ટપણે દેખાય છે. ભારતમાં વર્ષ 2001ની તુલનામાં વર્ષ 2010માં બાળ મૃત્યુદરમાં 27.9% ઘટાડો થયો છે. જયારે ગુજરાતમાં વર્ષ 2001ની તુલનામાં વર્ષ 2011માં માત્ર 16.60% જ ઘટાડો થયો છે. દર વર્ષે ગુજરાત સરકાર આરોગ્ય પાછળ 2,000 કરોડ રૂ. તથા મા અને બાળકો પાછળ 400 કરોડ રૂ. ખર્ચે છે. કેન્દ્ર સરકાર તરફથી પણ આ સંદર્ભે ઘણી સહાય કરવામાં આવે છે. તેમ છતાં બાળ મૃત્યુદર અને માતૃત્વ મૃત્યુદર જોઈએ તેટલો ઘટાડી શકાયો નથી.

(5) શિશુ મૃત્યુદર:

શિશુ મૃત્યુદરમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુનું પ્રમાણ કેટલું છે તે માપવામાં આવે છે. તેમાં દર 1,000 બાળકોના જીવંત જન્મે જે બાળક તેની 5મી જન્મજ્યંતિ જોતું નથી એટલે કે 4વર્ષ પૂરાં કરે તે પહેલાં જ મૃત્યુ પામે છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. ભારતમાં અને ગુજરાતમાં વર્ષ 1998ની તુલનામાં વર્ષ 2011માં શિશુ મૃત્યુદરમાં અનુક્રમે 33.93% અને 48.29% ઘટાડો નોંધાયો છે એટલે કે ગુજરાતમાં શિશુ મૃત્યુદર પર કાબૂ મેળવવાના પ્રયત્નો કેટલાંક અંશે સફળ થયેલા માલુમ પડે છે.

(6) સરેરાશ અપેક્ષિત આયુષ્ય (LEB):

સરેરાશ આયુષ્યને એક જ વર્ષમાં જન્મેલા લોકો સરેરાશ કેટલાં વર્ષ જીવે છે તેને આધારે માપવામાં આવે છે.1950-51માં ભારતમાં સરેરાશ આયુષ્ય માત્ર 32.1વર્ષ હતું અને તે પછી તે સતત વધતું જ ગયું છે. 2001માં તે ભારતમાં 62.87વર્ષ અને ગુજરાતમાં 62.15વર્ષ થયું હતું. જે વધીને વર્ષ 2011માં ભારતમાં અને ગુજરાતમાં અનુક્રમે 66.8વર્ષ અને 64.4વર્ષ થયું છે. એટલે કે 10 વર્ષના ગાળામાં સરેરાશ અપેક્ષિત આયુષ્યમાં ભારતમાં 6.25% અને ગુજરાતમાં 3.62% જેટલો વધારો થયો છે આમ, પહેલા લોકો લાંબું જીવતા હતા એવી સામાન્ય ધારણા તદ્દન ખોટી છે એવું આ આંકડા પરથી સાબિત થાય છે. આરોગ્યની સુવિધાઓમાં થયેલા વધારાને કારણે સરેરાશ અપેક્ષિત આયુષ્ય દર વધ્યો છે તેમ છતાં આ વધારો સંતોષકારક નથી.

(7) કુલ પ્રજોત્પત્તિ દર:

કુલ પ્રજોત્પત્તિ દર એટલે કોઈ સ્ત્રી તેના સમગ્ર પ્રજનનકાળ દરમ્યાન સરેરાશ જેટલા બાળકોને જન્મ આપે છે તે. આ દર દેશમાં વસ્તીમાં કેવા ફેરફારો થશે તેનો અંદાજ આપે છે. જો એક સ્ત્રી બે બાળકોને જન્મ આપે તો તેને બદલી દર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એ દરે વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. જો કુલ પ્રજોત્પત્તિ દર બે થી વધારે હોય તો તેનો અર્થ એ થાય છે કે વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે દેશની વસ્તીની સરેરાશ ઉંમર ઘટી રહી છે. જો કુલ પ્રજોત્પત્તિ દર બે થી ઓછો હોય તો તેનો અર્થ એ છે કે દેશમાં વૃદ્ધોનું પ્રમાણ વધી રહ્યું છે.

2001માં ભારતમાં અને ગુજરાતમાં પ્રજોત્પત્તિ દર અનુક્રમે 3.2 અને 3.0 હતો. જે 2011માં ઘટીને અનુક્રમે 2.62 અને 2.5 થયો છે. જે દર્શાવે છે કે આ દરમાં ભારતમાં 13.82% અને ગુજરાતમાં 16.66% જેટલો ઘટાડો થયો છે. જે રજૂ કરે છે કે ગુજરાતમાં વસ્તીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં નિરક્ષર મહિલાઓમાં સાક્ષર મહિલાઓની તુલનામાં કુલ પ્રજોત્પત્તિ દર વધારે છે. જે દર્શાવે છે કે જો મહિલાઓમાં સાક્ષરતા દર વધે તો તેમનો પ્રજોત્પત્તિ દર ઘટે છે. ગુજરાતમાં મહિલાઓમાં સાક્ષરતા દર 70.73 છે જે અગાઉના વર્ષોની તુલનામાં વધ્યો છે અને હજુ પણ વધે તેવી શક્યતા છે. શિક્ષણના પ્રમાણમાં થયેલા વધારાને લીધે લોકોની વિચારસરણીમાં સારા સુધારા થયાં છે. જેને લીધે કુટુંબોમાં ‘ઓછા બાળ જય ગોપાળ’ ની વિચારસરણીને અનુસરીને ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’ વાળી સ્થિતિ જોવા મળી રહી છે.

ગુજરાતમાં પોષણની સ્થિતિ:

ગુજરાત સરકારે અઢી વર્ષમાં રૂ.1000 કરોડથી વધુ ખર્ચ કુપોષણના નામે કર્યો છે. ફોર્ટીફાઈટ આટો, ન્યુટ્રીશનના પ્રિમિક્ષ પેકેટો બનાવડાવ્યા છે તથા મહિલા અને બાળ કલ્યાણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા લગભગ રૂ.120 કરોડથી વધુનો ખર્ચ માત્ર જનજાગૃતિ પાછળ કરવામાં આવ્યો છે. તેમ છતાં ગુજરાતમાં ગરીબ પરિવારના 12.59લાખ બાળકો કુપોષણનો શિકાર છે. રાજ્યમાં કુપોષણથી પીડાતા 58,31,837 બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ છે. દેશના પ્રમાણમાં ગુજરાતમાં 55% મહિલાઓ અને 80% બાળકો વર્તમાનમાં કુપોષણથી પીડાય છે. ગુજરાતમાં બાળકના જન્મ બાદ પહેલા એક કલાકમાં સ્તનપાન કરાવનાર મહિલાઓની સંખ્યા 50% થી પણ ઓછી નોંધાઈ છે. જયારે 56% બાળકોમાં યોગ્ય પ્રમાણમાં પ્રોટીન અને કેલરીનો અભાવ જોવા મળ્યો છે તથા 56% બાળકોમાં વિટામીન ‘A’ ની ઉણપ હોવાનું સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. 6માસ થી 3વર્ષના 20,43,210 બાળકોમાંથી 13,09,454 ને જ ફોર્ટીફાઈટ આટો મળ્યો છે. 3 થી 6વર્ષના 17,49,409 નોંધાયેલા બાળકોમાંથી 12,97,556ને જ પોષણક્ષમ આહાર મળ્યો છે. કુપોષણથી પીડાતી 12,29,055 ગરીબ કિશોરીઓમાંથી માત્ર 8,00,540ને જ ન્યુટ્રીશન પેકેટો મળ્યાં છે.18લાખ મહિલાઓ અને બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડી શકાયો નથી. એટલે કે 58.31લાખમાંથી 40.29 લાખ લાભાર્થીઓને જ ફોર્ટીફાઈટ આટો, ન્યુટ્રીશન કેન્ડી, સુખડી, શીરો અને ઉપમાના પ્રિમિક્ષ પેકેટો પહોંચાડી શકાયા છે. રાજ્યમાં 5વર્ષ સુધીના 45% બાળકોનું વજન ઓછું છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ દ્વારા પ્રસિદ્ધ કોફી ટેબલ બુક્સ, મિશન ન્યુટ્રીશનના ફિયાસ્કા થયાં છે. સરકારના પ્રયત્નો દર્શાવતા દાવાઓ, પ્રેઝેન્ટેશન વચ્ચે પણ ગુજરાતના 26 પૈકી 13 જિલ્લાઓમાં 6મહિના થી લઈને 5વર્ષ સુધીના બાળકો કુપોષણનો શિકાર છે.

ગુજરાતમાં કુપોષણના શિકાર બાળકોની સ્થિતિ


જિલ્લો

કુલ બાળકો

કુપોષિત બાળકો

જિલ્લો

કુલ બાળકો

કુપોષિત બાળકો

અમદાવાદ

2.91 લાખ

90,939

મહેસાણા

1.35 લાખ

22,547

અમરેલી

1.48 લાખ

35,096

પાટણ

1 લાખ

42,514

બનાસકાંઠા

2.60 લાખ

1.03 લાખ

પંચમહાલ

2.15 લાખ

81,852

વડોદરા

2.18 લાખ

83,498

દાહોદ

2.66 લાખ

99,548

ભરૂચ

1.03 લાખ

42,554

રાજકોટ

1.79 લાખ

52,076

નર્મદા

50,360

23,599

સુરેન્દ્રનગર

1.20 લાખ

45,625

ભાવનગર

2.34 લાખ

72,857

ગાંધીનગર

82,187

31,004

ડાંગ

32,585

15,544

ખેડા

1.86 લાખ

46,903

જામનગર

1.50 લાખ

33,876

આણંદ

1.70 લાખ

34,161

જુનાગઢ

2.06 લાખ

27,127

વલસાડ

1.21 લાખ

40,296

પોરબંદર

37,953

3,074

નવસારી

69,758

20,648

કચ્છ

1.60 લાખ

43,749

તાપી

55,621

23,312

 

આમ, ગુજરાત સર્વ ક્ષેત્રે અગ્રેસર હોવા છતાં આરોગ્યની સ્થિતિમાં ઘણું પાછળ છે. સૌથી વધુ આર્થિક વૃદ્ધિદર ધરાવતાં ગુજરાતમાં કુપોષણનો દર ઊંચો છે. ગુજરાતની સ્થિતિ ઓછા વિકસિત રાજ્યો એવા ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આસામ કરતાં પણ નબળી છે. કુપોષણક્ષેત્રે ગુજરાતની સ્થિતિ ઉત્તરોત્તર કથળતી જઈ રહી છે.

ગુજરાતમાં હોસ્પિટલની આંકડાકીય માહિતી:

ગુજરાતમાં આરોગ્યની સંસ્થાઓ તેમના તાલુકા અને જિલ્લા કક્ષાએ લોકોના આરોગ્ય બચાવ-રક્ષણ માટેના લક્ષ્ય સુધી પહોંચવા સતત પ્રયત્ન કરી રહી છે. અહીં દર્દીઓને નિષ્ણાંત ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની મદદથી કાળજીપૂર્વક સારવાર આપવામાં આવે છે. ગુજરાતમાં 5વર્ષ દરમ્યાનની આંકડાકીય માહિતી અને તેમની કામગીરી નીચેના ટેબલમાં દર્શાવેલ છે.

ક્રમ

બાબત

2007-08

2008-09

2009-10

2010-11

2011-12

1

કુલ હોસ્પિટલની સંખ્યા

59

59

63

63

62

2

કુલ પથારીઓની સંખ્યા

6648

6648

6972

6972

7936

3

ચકાસાયેલા O.P.Dદર્દીઓ
(દૈનિક સરેરાશ)

24242

23293

23380

24416

23755

4

ચકાસાયેલા I.P.D. દર્દીઓ
(દૈનિક સરેરાશ)

4393

4485

4554

4991

5235

5

મોટા ઓપરેશનોની સંખ્યા

73272

79816

87649

98131

95574

6

નાના ઓપરેશનોની સંખ્યા

83158

92310

97776

104687

93763

7

X-rays ની સંખ્યા

292739

351661

364412

382046

359525

8

લેવામાં આવેલ ECGની સંખ્યા

44831

52695

63112

68157

68396

9

લેબોરેટરી ટેસ્ટ 

3743418

4581759

5155537

5526588

5890477

10

લોહી ચઢાવ્યું
(Blood Transfusion)

20980

24372

27203

27238

21960

11

તબીબી કાનૂની કેસો

71472

82074

872002

85523

90096

12

પોસ્ટમોર્ટમની સંખ્યા

6916

7430

7528

8111

8505

13

એમ્બ્યુલન્સ કોલ એટેન્ડ

29706

37675

41061

40225

41882

14

સોનોગ્રાફી ટેસ્ટ

52628

58867

65830

66233

69345

15

ડીલીવરી

28026

38084

41295

41787

45406

 

ગુજરાતમાં થયેલ આરોગ્યલક્ષી કામગીરી:

(1) ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા: ગુજરાતમાં EMRIના સહયોગથી તત્કાલીન તબીબી સેવાઓ પૂરી પાડવા માટે 108-ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવેલ છે. હાલમાં 108-એમ્બ્યુલન્સની સંખ્યા વધારે વિસ્તૃત કરવામાં આવી રહી છે. આશરે 607 જેટલી 108-એમ્બ્યુલન્સ ગુજરાતમાં તત્કાલીન તબીબી સેવાઓ પૂરી પાડી રહી છે.

(2) સલામત માતૃત્વ માટે થયેલ કામગીરી: ગુજરાતમાં સલામત માતૃત્વ માટે મમતા અભિયાન સુદ્રઢ કરવામાં આવ્યું છે. જેમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કામદારો સહિત તમામ વિસ્તારો આવરી લેવામાં આવ્યાં છે. મમતા અભિયાનમાં સગર્ભા બહેનોની પૂર્વ તપાસ, પૂર્વ પ્રસૂતિ તપાસ કરવામાં આવે છે. તેમજ ધનૂર વિરોધી રસી આપવામાં આવે છે. તથા સગર્ભા અને ધાત્રી માતાઓને આયોડીનયુક્ત મીઠું તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે. સગર્ભા બહેનોને કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય તો તેમનું વહેલું નિદાન કરી સલામત પ્રસૂતિ માટે સંદર્ભ સેવા પૂરી પાડવામાં આવે છે.

(3) સંસ્થાકીય પ્રસૂતિની માત્રા વધારવા માટે ગુજરાતમાં વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે જેમ કે, કોમ્પ્રીહેન્સીવ ઈમરજન્સી ઓબસ્ટેરટીક કેસ અને ઈમરજન્સી ઓપરેશન કેરની તાલીમ, લાઈફ સેવિંગ્સ સ્કીલ, એનેસ્થેસિયા ઈન પ્રેગનન્સીની તાલીમ તબીબો/પેરા મેડિકલ સ્ટાફને આપવામાં આવી છે.

(4) બાળ સંભાળ માટે થયેલ કામગીરી:

  • નવજાત શિશુ અને બાળકોની યોગ્ય સારવાર અને નિદાન માટે ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઈલ્ડ હુડ ઈલનેશ (E.M.N.I.C.) પ્રોટોકોલનો અમલ 18 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યો છે.
  • બાળરોગ નિષ્ણાંતની અછતને પહોંચી વળવા હાલમાં કામ કરતાં રાજ્યસેવાના તબીબી અધિકારીશ્રીઓને ઈમરજન્સી ન્યુ બોર્ન કેરની 4 માસની સર્ટીફીકેટ તાલીમ વડોદરા-જામનગર મેડિકલ કોલેજમાં આપવામાં આવી રહી છે.
  • હોસ્પિટલો અને રેફરલ યુનિટોમાં નવજાત શિશુ સારવાર ઉપલબ્ધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  • 1 થી 5 વર્ષના બાળકોને સંપૂર્ણ રસીકરણ, વિટામીન-A આપવાની કાર્યવાહી કરવામાં આવી છે.
  • મમતા અભિયાન અને સંકલિત બાળ વિકાસ યોજનાના આંગણવાડી બહેનોના સહયોગથી કુપોષણવાળા બાળકોનું નિદાન કરી યોગ્ય આહાર અને લોહતત્વ જેવા માઈક્રો ન્યુટ્રીઅન્ટ આપવામાં આવે છે.
  • કુપોષણવાળા બાળકોની સારવાર માટે પછાત વિસ્તારોમાં 14 ચાઈલ્ડ ડેવલપમેન્ટ એન્ડ ન્યુટ્રીશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યાં છે.
  • નવજાત શિશુની સારવાર માટે બાળ સખા યોજનાનું આયોજન કરવામાં આવેલ છે.
(5) એનેમીયાથી બાળકો અને મહિલાઓને રક્ષણ આપવા માટે એનેમિયા પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે.
(6) હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર બિમારી ધરાવતાં બાળકોને સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલમાં વિના મૂલ્યે સઘન સારવાર આપવામાં આવે છે.
(7) મોબાઈલ હેલ્થ યુનિટ મારફતે અગરિયા વિસ્તારમાં મોતિયાના ઓપરેશનો કરી આપવામાં આવે છે.
(8) બાલસખા, ચિરંજીવી સ્કીમ, નિરોગી બાળ વર્ષ, મમતા કીટ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે.
(9) તાજેતરમાં જ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે – ‘મુખ્યમંત્રી અમૃતમ મા યોજના’ શરૂ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા પશ્ચિમના દેશોની જેમ હવે ગુજરાતમાં પણ સરકારી ખર્ચે હેલ્થકાર્ડ દ્વારા મફત તબીબી સેવાઓ ઉપલબ્ધ બનશે. રૂ. 200 કરોડની આ યોજનામાં ગરીબમાં ગરીબ કુટુંબ અને માતા-બાળકને ગંભીરમાં ગંભીર રોગમાં 2 લાખ સુધીની તબીબી સારવારનો, દવાઓનો ખર્ચો સરકાર પોતે ઉપાડશે. આ માટે પ્રત્યેક ગરીબ પરિવારના નાગરિકોને ખાસ હેલ્થકાર્ડ આપવામાં આવશે. રાજ્યના તમામ સરકારી દવાખાનાઓમાં જીવનરક્ષણ દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહેશે. આ માટે ‘ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન’ની રચના કરવામાં આવી છે.
(10) ક્ષય રોગ : ગુજરાતમાં W.H.O. દ્વારા R.N.T.C.P.-સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિવારણ કેન્દ્ર અંતર્ગત દર્દીની ગળફાની તપાસ, X-rays સારવાર વગેરે મફત કરી આપવામાં આવે છે. તથા ડોટ્સ દ્વારા સારવાર આપવામાં આવે છે. જે ડોટ્સ પ્રોવાઈડર દ્વારા સીધા નિરીક્ષણ હેઠળની સારવાર છે.
(11) મલેરિયા: ગુજરાતમાં મલેરિયાના નિવારણ માટે N.V.B.D.C.P.-રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અમલમાં છે. જેની સારવાર કોઇપણ સરકારી દવાખાનામાં મફત આપવામાં આવે છે.
(12) થેલેસેમિયા : ગુજરાતમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા સગર્ભા મહિલાઓને થેલેસેમિયાની મફત સારવાર આપવામાં આવે છે.
(13) એઈડ્ઝ (HIV) : ગુજરાતમાં એઈડ્ઝ કંટ્રોલ પ્રોગ્રામ I.C.T.C.P.-સંકલિત સમજણ તપાસ કાઉન્સીલીંગ કાર્યક્રમ દ્વારા એઈડ્ઝની મફત સારવાર આપવામાં આવે છે.
(14) રક્તપિત્ત : ગુજરાતમાં લેપ્રોસ્કોપી કંટ્રોલ પ્રોગ્રામ દ્વારા રક્તપિત્તની મફત સારવાર આપવામાં આવે છે.
(15) રસીકરણ : ગુજરાતમાં સગર્ભા મહિલાઓને ધનૂરની રસી, બાળકોને પોલીયો, બી.સી.જી., ત્રિગુણી રસી, વિટામીન-A માટેની રસી, ઓરીની રસી વગેરે જેવી રસી સરકારી દવાખાનાઓમાં મફત આપવામાં આવે છે.

ઉપસંહાર :

ગુજરાતમાં આરોગ્ય પાછળનું માથાદીઠ ખર્ચ રૂ.270 છે. એની સામે બીજા રાજ્યો જેવા કે મિઝોરમમાં રૂ.1611, સિક્કીમમાં રૂ.1446, ગોવામાં રૂ.1149, હિમાચલપ્રદેશમાં રૂ.884, આસામમાં રૂ.471, કેરળમાં રૂ.454, છત્તીસગઢમાં રૂ.371, ઝારખંડમાં રૂ.328, ઉત્તરપ્રદેશમાં રૂ.293 જેટલું માથાદીઠ આરોગ્ય ખર્ચ છે. આર્થિક રીતે વિકસિત અને ઊંચી માથાદીઠ આવકના સંદર્ભમાં આરોગ્ય પાછળનું માથાદીઠ ખર્ચ ગુજરાતમાં ખૂબ જ ઓછું છે. જેમ જેમ વસ્તીનું પ્રમાણ વધતું જાય તેમ તેમ મેડિકલ સેવાઓની વધુને વધુ જરૂરિયાત રહેતી હોય છે. તેથી વધુ ડોકટરો, નર્સો, હોસ્પિટલોની ગુજરાતમાં હજુ જરૂરિયાત છે આ ક્ષેત્રે માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા જાળવવી આવશ્યક છે. ભારતમાં આરોગ્ય સેવાઓ ક્ષેત્રે ગુજરાતનો ફાળો મહત્વનો છે તેમ છતાં હાલની પરિસ્થિતિ ગુજરાતનું આરોગ્ય ક્ષેત્રે નબળું ચિત્ર રજૂ કરે છે. જેથી ગુજરાત સરકારે આરોગ્ય પાછળ વધારે ધ્યાન આપવું જરૂરી બની રહે છે. ગુજરાતે જો આર્થિક વિકાસની સાથે સુખાકારીમાં પહેલો નંબર મેળવવો હોય, તો ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવો જોઈએ. જેણે વિકાસ કરવો છે તેણે હંમેશા અસંતોષી બનવું જોઈએ “સંતોષી તે સદા સુખી” તે કહેવત સામાજિક મૂર્ખાઈનું પ્રદર્શન છે.

સંદર્ભ સૂચિઃ-

    1. The Encyclopedia of Health Care Management BY E-STREAMS
    2. Organizational Ethics in Health Care: Principles, Cases, and Practical Solutions - Research Journal of Social and Life Sciences, ISSN 0973-3914, Vol.-12-I, Year-06, June, 2012
    3. 1-Apr-2011 Health for all: a view from below a study of a primary health centre as an instrument of the national health policy- Rama Devi, P Naidu, Ratna
    4. Technology, Health Care, and Management in the Hospital of the Future
    5. The Well-Managed Health Care Organization
    6. Web Helps:
      -www.health issues in Gujarat
      -Health & Nutrition - Wikipedia, the free encyclopedia
    7. Sources: (1) Sample Registration System, Bulletins 1991, 2011-2012 ભારત સરકાર
      (2) ભારતની વસ્તી ગણતરી, 2011
      (3) ગુજરાતનો સામાજિક-આર્થિક સર્વે, 2010-11
      (4)Source: Health and Family Welfare Department
      Note: Data given by the health department of Government of Gujarat.
    8. ‘Gujarat where growth is for all’- Government of Gujarat, At the Annual Plan Discussion, in the planning commission, New Delhi.- 18 June, 2013
    9. Newspapers
      a). Gujarat’s health indicators troubling: Narendra Modi – Times of India dated September 1, 2012
      b). 2 & 3 September, 2012, Sandesh newspapers in Gujarat.
    10. Maternal Healthcare Financing: Gujarat’s Chiranjeevi Scheme and Its Beneficiaries
      Indian Institute of Management, Vastrapur, Ahmedabad 380 015, India and Maternal Health Division, Department of Health, Government of Gujarat, India

    *************************************************** 

    Miss. Jignasha R. Vaghela
    Assistant professor,
    Department of Economics
    Arts, Science & Commerce College, Pilvai.
    jignasha_vaghela@yahoo.in

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us