ભારતીય અર્થતંત્ર અને કૃષિક્ષેત્ર
ભારતીય અર્થતંત્રમાં કૃષિ એ સૌથી મોટું અને મહત્વનું ક્ષેત્ર છે. કૃષિક્ષેત્ર ભારતના અર્થકારણની કરોડરજ્જુ છે અને દેશની આર્થિક આબાદીનું એક અગત્યનું નિર્ણાયક પરિબળ છે. આર્થિક આયોજનના છ દાયકા બાદ તથા ઔદ્યોગિકક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી હોવા છતાં પણ કૃષિ આપણાં સમગ્ર અર્થતંત્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે. કૃષિપેદાશનાં ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. રોજગારીની દ્રષ્ટીએ, ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટીએ, નિકાસ-કમાણીની દ્રષ્ટીએ, ભાવસ્થિરતાની દ્રષ્ટિએ, કુલ ઘરેલું પેદાશમાં ફાળાની દ્રષ્ટીએ કે કોઇપણ દ્રષ્ટીએ વિચારીએ તો આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે કૃષિક્ષેત્ર આપણાં અર્થતંત્રનું મધ્યવર્તી બિંદુ છે.
કુલ ઘરેલું પેદાશ (G.D.P) માં કૃષિક્ષેત્રનો હિસ્સો :
તાજેતરના વર્ષોમાં ભારતની કુલ ઘરેલું પેદાશમાં કૃષિક્ષેત્રનો સાપેક્ષ હિસ્સો ઘટવા પામ્યો છે. 1950-'51 માં ભારતની કુલ ઘરેલું પેદાશમાં કૃષિક્ષેત્રનો હિસ્સો લગભગ 55.40% હતો જે 2012-'13 માં ઘટીને 13.7% જેટલો થવા પામ્યો હતો. પરંતુ તેમ છતાં આ ઘટેલો હિસ્સો પણ મહત્વનો ગણાય છે. કારણકે કૃષિ વિકાસ દરમાં આવતાં ફેરફારો એ સમગ્ર આર્થિક વિકાસના દર પર મહત્વની અસર નિપજાવે છે. કુલ ઘરેલું પેદાશ(G.D.P)માં કૃષિક્ષેત્રનાં યોગદાનમાં ઘટાડો થવા છતાં હજી આ ક્ષેત્ર સૌથી મોટું આર્થિકક્ષેત્ર છે. સામાન્ય રીતે જોતાં કુલ ઘરેલું પેદાશમાં કૃષિક્ષેત્રનાં ફાળાને આર્થિક વિકાસના એક નિર્દેશક તરીકે ગણવામાં આવે છે. આર્થિક વિકાસના સિદ્ધાંત અનુસાર અર્થતંત્રનો જેમજેમ વિકાસ થાય છે તેમતેમ જે તે દેશની કુલ ઘરેલું પેદાશમાં કૃષિક્ષેત્રનાં સાપેક્ષ ફાળામાં ઘટાડો થાય છે. જયારે ઉદ્યોગક્ષેત્ર અને સેવાક્ષેત્રના સાપેક્ષ ફાળામાં વધારો થાય છે. આ દ્રષ્ટીએ જોતાં આપણી કુલ ઘરેલું પેદાશમાં કૃષિક્ષેત્રનો સાપેક્ષ હિસ્સો વિશ્વના વિકસિત દેશોની તુલનામાં હજુ પણ ઘણો ઊંચો કહેવાય. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં તેમની કુલ ઘરેલું પેદાશમાં કૃષિક્ષેત્રનો ફાળો લગભગ 2% જેટલો અંદાજાય છે, જયારે જર્મનીમાં તે 1% અને ઓસ્ટ્રેલિયામાં તે લગભગ 3% જેટલો જણાયો છે, બીજી તરફ ભારતમાં હજુ પણ તે 13.7% જેટલો છે જે આપણા અર્થતંત્રમાં કૃષિના મહત્વનો નિર્દેશ કરે છે. કૃષિક્ષેત્ર એ ભારતીય અર્થતંત્રનું ઊર્જાનું સ્ત્રોત છે તથા આર્થિક વિકાસ માટેનું એન્જિન છે. આપણી કુલ ઘરેલું પેદાશમાં કૃષિક્ષેત્રનાં સાપેક્ષ રીતે ઘટતાં જતાં હિસ્સાને લીધે આપણે એવું માની લેવાની ભૂલ કરવી જોઈએ નહીં કે આપણું અર્થતંત્ર હવે કૃષિક્ષેત્ર પર પરાવલંબી નથી.
ભારતમાં કૃષિક્ષેત્રનો G.D.P. માં હિસ્સો (%)માં
વર્ષ |
G.D.P.માં હિસ્સો (%)માં |
1950-'51 |
55.40 |
1980-'81 |
40 |
1990-'91 |
30.90 |
2000-'01 |
27 |
2010-'11 |
14 |
2012-'13 |
13.7 |
સ્ત્રોત : યોજના 31 ડિસેમ્બર,2011
Economic Survey: 2012-'13
મુખ્ય પાકોની હેકટરદીઠ ઉપજ
(હેકટરદીઠ ઉપજ કિલોગ્રામ/ટનમાં)
ક્રમ નં. |
પાક |
1950-'51 |
1990-'91 |
2011-'12 |
1. |
ઘઉં |
655 |
2,281 |
3,140 |
2. |
ચોખા |
668 |
1,740 |
2,372 |
3. |
કઠોળ |
441 |
578 |
694 |
4. |
તેલીબિયાં |
481 |
771 |
1,135 |
5. |
કપાસ |
88 |
225 |
491 |
6. |
શણ |
1,040 |
1,833 |
2,283 |
7. |
શેરડી |
33 |
65 |
70 |
Economic Survey: 2012-'13, Page A-19,Table-1.14
અદ્યતન ટેકનોલોજીના ઉપયોગને લીધે કૃષિ ઉત્પાદનમાં અને તેમાંય ખાસ કરીને અનાજના ઉત્પાદનમાં ગણનાપાત્ર વધારો થયેલ છે. અનાજના ઉત્પાદનમાં થયેલા આ જંગી વધારાને લીધે આપણે અનાજનો પૂરતો અનામત જથ્થો ઊભો કરી શક્યા છીએ. માર્ચ, 2013નાં અંતે “ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા” પાસે અનાજનો લગભગ 823 લાખ ટન જેટલો વિક્રમી અનામત જથ્થો હતો. આ જથ્થો અનાજના વધતાં જતાં ભાવોને અંકુશિત રાખવામાં તથા સરકારની અન્ન સુરક્ષા યોજનાના અમલ માટે ખૂબ જ સહાયભૂત થઈ પડે એમ છે.
મોટા પ્રમાણમાં રોજગારી પૂરું પાડનારું ક્ષેત્ર:
રોજગારીની દ્રષ્ટીએ પણ આપણા અર્થતંત્રમાં કૃષિક્ષેત્ર અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. 1951માં કૃષિક્ષેત્રે આજીવિકા મેળવનાર વસ્તીનું પ્રમાણ 69.90% હતું. જે 1997માં 61% થયું હતું. અત્યારે પણ કૃષિક્ષેત્ર ભારતની લગભગ 55% થી 60% જેટલી વસ્તીને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી પૂરી પડે છે. કૃષિક્ષેત્ર હજુ પણ દેશની મોટાભાગની વસ્તી માટે આજીવિકાનું સાધન છે. છેલ્લા કેટલાંય વર્ષોથી વસ્તીની વ્યવસાયલક્ષી વહેંચણીમાં કોઈ મૂળભૂત પરિવર્તન આવ્યું હોય તેમ જણાતું નથી. આ બાબત આર્થિક વિકાસની પ્રક્રિયા સાથે સુસંગત નથી. કારણ કે અર્થતંત્રનો જેમ-જેમ વિકાસ થાય છે તેમતેમ કૃષિક્ષેત્રે રોકાયેલી વસ્તીનો સાપેક્ષ હિસ્સો ઘટતો જાય છે અને ઉદ્યોગક્ષેત્ર તથા સેવાક્ષેત્રમાં રોકાયેલી વસ્તીની સાપેક્ષ ટકાવારીમાં વધારો થાય છે અમેરિકા, ઈગ્લેન્ડ, જર્મની જેવા વિકસિત દેશોમાં કૃષિક્ષેત્રે રોકાયેલી વસ્તીનું પ્રમાણ 2% થી 3% જેટલું હોય છે. ફ્રાન્સમાં આ પ્રમાણ 4%, જાપાનમાં 5% અને ઓસ્ટ્રેલિયામાં તે લગભગ 7% જેટલું અંદાજાયું છે. જયારે ભારતમાં હજુ તે 55% થી 60% જેટલું જણાય છે.
વધતી જતી વસ્તીને અનાજ પૂરું પાડવા માટે:
માનવી માટે અનાજ એ કાર્યકારી મૂડી છે અને તે તેને સમયસર પૂરતાં પ્રમાણમાં અને પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ થવી જોઈએ. તેથી વધતી જતી વસ્તીની સાથે અનાજની માંગમાં થતી વૃદ્ધિનાં સંદર્ભમાં વિચારવું પડે.
અનાજની માંગમાં થતો વાર્ષિક વૃદ્ધિદર નીચે પ્રમાણેનાં સૂત્રથી વ્યક્ત કરી શકાય.
D=P+(yed)Y
જ્યાં, D= અનાજની માંગમાં વૃદ્ધિદર
P= વસ્તીવૃદ્ધિનો દર
yed= અનાજની માંગની ઊંચી આવક સાપેક્ષતા
Y=માથાદીઠ આવકનો વૃદ્ધિદર
ભારતમાં અનાજની માંગની આવક સાપેક્ષતા લગભગ 0.6 અથવા તેથી વધુ અંદાજાય છે, જેનો અર્થ એ છે કે માથાદીઠ આવકની વૃદ્ધિનો 60% કે તેથી વધુ હિસ્સો અનાજ પાછળ ખર્ચાય છે, બીજી તરફ વિકસિત દેશોમાં અનાજની માંગની આવક સાપેક્ષતા 0.2 અને 0.3 જેટલી જણાઈ છે આમ, અનાજના ઉત્પાદનમાં જો પૂરતો વધારો થાય નહી, તો અનાજના ભાવો ઊંચા જશે જે અંતે અર્થતંત્રમાં ફુગાવાજન્ય પરિબળોને મજબૂત બનાવશે તથા અનાજનું ઘરેલું ઉત્પાદન જો ઓછું હશે તો વિદેશોમાંથી અનાજની આયાત કરવાની ફરજ પડશે. જેને લીધે દેશની વિદેશી હૂંડિયામણની અનામતો અને લેણદેણની તુલાની પરિસ્થિતિ ઉપર ભારે દબાણ આવશે. આથી એ અત્યંત આવશ્યક છે કે દેશના કૃષિક્ષેત્રે અનાજની તમામ જરૂરિયાત પૂરી પાડવી જોઈએ.
ઉદ્યોગોને કાચોમાલ પૂરો પાડવા માટે :
કૃષિક્ષેત્ર દેશના અનેક મોટા ઉદ્યોગોને કાચોમાલ પૂરો પડે છે જેવા કે, સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, વનસ્પતિ ઉદ્યોગ, બગીચા ઉદ્યોગો વગેરે તેમના કાચામાલના પુરવઠા માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે એ જ રીતે ફૂડ પ્રોસેસિંગનાં તમામ ઉદ્યોગો કૃષિક્ષેત્ર પર આધાર રાખે છે. આમ, આ ઉદ્યોગોનો વિકાસ અને વૃદ્ધિ કૃષિક્ષેત્રના વિકાસ સાથે સંકળાયેલ છે.
આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં કૃષિક્ષેત્રની ભૂમિકા:
એક અંદાજ મુજબ અનાજનો વેપાર તથા અન્ય કૃષિપેદાશોનો વેપાર દેશના કુલ આંતરિક વેપારમાં લગભગ 20% થી 25% સુધીનો હિસ્સો ધરાવે છે આ વેપારમાં ઘણી મોટી સંખ્યામાં લોકો કામ કરતાં જણાય છે અને વિશેષ કરીને ભારે કામકાજની મોસમમાં તો કૃષિપેદાશોનાં બજારો અનેકવિધ પ્રવૃતિઓથી ધમધમી ઊઠે છે અને તેમાં કરોડોનો વેપાર થાય છે.
એ જ રીતે ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં કૃષિ અને અન્ય સંબંધિત પેદાશોની નિકાસોમાં તાજેતરના વર્ષોમાં વધારો થઈ રહ્યો છે અને 2012-'13 માં આપણી કુલ નિકાસોમાં કૃષિપેદાશોનો હિસ્સો લગભગ 14% જેટલો હતો. આમાં જો કૃષિ આધારિત પેદાશોની નિકાસો ઉમેરીએ તો આ ટકાવારી વધુ ઊંચી જાય એમ છે. વધુમાં કૃષિક્ષેત્રની નિકાસ કમાણીનું વિશેષ મહત્વ એ રીતે પણ રહેલું છે કે આ ક્ષેત્રની બધી જ કમાણી બિનકૃષિ વિકાસલક્ષી આયાતો માટે ઉપલબ્ધ થઈ રહે છે કારણકે કૃષિક્ષેત્રને આયાતી ઉપકરણોની પ્રમાણમાં ઓછી જરૂરીયાત રહે છે. દેશની કુલ આયાતોમાં કૃષિપેદાશોની આયાતનો હિસ્સો લગભગ 10% જેટલો અંદાજાયો છે. આ આયાતોમાં મુખ્યત્વે ટેક્ષટાઈલ ફાઈબર, રાસાયણિક ખાતરો, ખાદ્યતેલો વગેરેની આયાતોનો સમાવેશ થાય છે.
અન્ય ક્ષેત્રો પર વિકાસલક્ષી અસરો:
કૃષિક્ષેત્રનો વિકાસ અર્થતંત્રના અન્ય ક્ષેત્રના વિકાસને મોટો વેગ આપે છે. આ ક્ષેત્રોમાં વાહન અને સંદેશાવ્યવહાર, સિંચાઈ અને ઊર્જા, બાંધકામ ઉદ્યોગ, બેન્કિંગ અને વીમા ક્ષેત્ર વગેરેનો સમાવેશ થાય છે એ જ રીતે કૃષિ વિકાસને લીધે રાસાયણિક ખાતર ઉદ્યોગ, જંતુનાશક દવાઓનો ઉદ્યોગ, કૃષિ યંત્રસામગ્રીનો ઉદ્યોગ વગેરે પર ખૂબ જ સાનુકૂળ અસરો પડે છે. અને આ ઉદ્યોગોના વિકાસને વેગ મળે છે. આમ, કૃષિક્ષેત્ર અર્થતંત્રના અન્ય ક્ષેત્રોનાં વિકાસ માટે સહાયભૂત છે અને બદલામાં આ ક્ષેત્રોનો વિકાસ કૃષિ વિકાસને મદદરૂપ થાય છે અને એ વિકાસને વેગવંત બનાવે છે.
કેન્દ્રીય અને રાજ્યોના અંદાજપત્રો પરની અસરો :
કૃષિક્ષેત્રની સમૃદ્ધિ અથવા અવદશા કેન્દ્રસરકાર તથા રાજ્યસરકારોના અંદાજપત્રકીય પરિસ્થિતિ પર પણ પડતી હોય છે. જેમ કે કૃષિક્ષેત્રે પરિસ્થિતિ સાનુકૂળ હોય તો ગ્રામ્ય વસ્તીની ખરીદશક્તિમાં વધારો થાય છે જેને પરિણામે અનેક પ્રકારની વપરાશી ચીજવસ્તુઓની માંગમાં વધારો થવા પામે છે. આને લીધે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળે છે જે રોજગારી અને આવકવૃદ્ધિમાં પરિણમે છે એટલું જ નહિ કેન્દ્રસરકારની આબકારી જકાત અને અન્ય વેરાઓની આવકમાં પણ વધારો લાવે છે એ જ રીતે રાજ્યસરકારોને પણ જમીન મહેસૂલ, સિંચાઈ વેરા, મૂલ્યવર્ધિત વેરા વગેરેમાંથી વધુને વધુ આવક પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે દેશનાં જુદાં જુદાં રાજ્યો વચ્ચે કૃષિપેદાશોની કમાણીમાં પણ વધારો થાય છે. ટૂંકમાં, કૃષિ સમૃદ્ધિ અર્થતંત્રના લગભગ દરેક ક્ષેત્ર પર અત્યંત સાનુકૂળ અસરો નિપજાવે છે.
બીજી તરફ જયારે કૃષિ ક્ષેત્રે પાક નિષ્ફળ જતાં અર્થતંત્રનાં તમામ ક્ષેત્રો પર વિપરીત અસરો પડતી હોય છે આવા સમયે કેન્દ્ર તથા રાજ્યોના કરની આવકમાં ઘટાડો થાય છે. તથા રેલવેની આવક પણ ઘટવા પામે છે. વધુમાં જમીન મહેસૂલ અને અન્ય વેરાઓની વસૂલાત મુલતવી રાખવી પડે છે અને બીજી બાજુ, રાજ્યસરકારોએ દુષ્કાળ પીડિત લોકોને સહાય કરવા માટે રાહતકાર્યો શરૂ કરવાં પડે છે જે રાજ્યોની અંદાજપત્રકીય પરિસ્થિતિ પર ભારે દબાણ લાવે છે.
કૃષિ વિકાસ એ આર્થિક વિકાસ માટેની પૂર્વશરત છે:
ભારતીય આયોજનના અનુભવ પરથી જણાયું છે કે કૃષિ વિકાસનો ઊંચો દર સમગ્ર આર્થિક વિકાસના ઊંચા દરમાં પરિણમે છે બીજી તરફ કૃષિ વિકાસનો સ્થગિત દર અથવા નીચો દર સમગ્ર આર્થિક વિકાસદર પર પ્રતિકૂળ અસર જન્માવે છે. વિશ્વના અનેક દેશોનો અનુભવ પણ એમ જણાવે છે કે કૃષિ વિકાસના ઊંચા દરે એ દેશોના ઝડપી આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. બ્રિટન, અમેરિકા, રશિયા, જાપાન જેવા દેશોના ઝડપી આર્થિક વિકાસમાં કૃષિ વિકાસની ભૂમિકા નોંધપાત્ર રહી હતી. ભારતમાં પણ આપણને એ અનુભવ થયો છે કે એકંદરે જોતાં કૃષિની દ્રષ્ટીએ સારા વર્ષોમાં આર્થિક વિકાસનો દર સ્થગિત અથવા ઘટવા પામ્યો છે.
ભારતમાં 20મી સદીના ઉત્તરાર્ધમાં સિત્તેર અને એંસીનાં દસકામાં કૃષિ વિકાસદરમાં નોંધપાત્ર વધારો નોંધાયા બાદ જુલાઈ 1991થી શરૂ થયેલા આર્થિક સુધારણા કાર્યક્રમના આરંભ બાદ કૃષિ વિકાસદરમાં ઓટ આવવા માંડી. 1981-'91નાં દસકામાં કૃષિ વિકાસનો સરેરાશ વાર્ષિક દર 3.9% જેટલો હતો જયારે 1992-'02 નાં દસકામાં તે ઘટીને 1.8% જેટલો થઈ જવા પામ્યો હતો. નવમી યોજના (1997-'02)માં તે 2.6% જેટલો રહ્યો હતો જે દસમી (2002-'07) અને અગિયારમી (2007-'12) યોજનામાં અનુક્રમે 2.3% અને 3.2% જેટલો રહ્યો હતો. બારમી (2012-'17) યોજનામાં કૃષિ વિકાસદરનો સરેરાશ વાર્ષિક લક્ષ્યાંક 4.0% જેટલો નિર્ધારિત કરવામાં આવ્યો છે. આમ, કૃષિનો સંગીન વિકાસ દેશનાં ઝડપી આર્થિક વિકાસ માટે એક પૂર્વશરત બની રહ્યો છે.
સંદર્ભ
- www.ibef.org
- Economic Survey: 2012-'13
- Reserve bank of India Bulletin : May, 2013
- સ્ત્રોત : યોજના 31 ડિસેમ્બર,2011
- ભારતીયઅર્થતંત્ર – પોપ્યુલર પ્રકાશન,
“Agricultural Economics” by Reddy
- જોષી મહેશ પી. (2007) “કૃષિ અર્થશાસ્ત્ર” ક્રિએટીવ પ્રકાશન
***************************************************
Miss. Jignasha R. Vaghela
Assistant professor,
Department of Economics
Arts, Science & Commerce College, Pilvai.
jignasha_vaghela@yahoo.in
|