ઉત્તર ગુજરાતના ડુંગરી ગરાસિયા આદિવાસીઓમાં કલા-પ્રવૃત્તિનું સાતત્ય અને પરિવર્તન
સાર-સંક્ષેપ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશ્વવિખ્યાત છે. ગુજરાતના 28 જેટલા આદિવાસી સમુદાયો રાજ્યની પૂર્વપટ્ટીમાં આવેલા 11 જિલ્લાઓમાં વસવાટ કરે છે. જેની વસ્તીનું પ્રમાણ 76,00,000 જેટલું છે. જે રાજ્યની કુલ વસતિના લગભગ 15 જેટલું થાય છે. આદિવાસીઓ કલાપ્રિય છે. વિવિધ આદિવાસી સમુદાયો કલાત્મક વસ્તુઓનું નિર્માણ કરીને પોતાની પ્રાકૃતિક અને આધ્યાત્મિક ભાવનાઓની અભિવ્યક્તિ કરે છે. અનેક આદિવાસીઓ પોતાની કલાને પ્રદર્શિત કરે છે. ગાયન, વાદન અને નર્તનનો સંગમ અને તેનો અદભુત સમન્વય તેમનાં જીવનમાં જોવા મળે છે. વિવિધ માંગલિક પ્રસંગોની ઉજવણીમાં આ તમામ બાબતો દૃષ્ટિગોચર થાય છે. આદિવાસી સમુદાયોના લોકગીતો, લોકસંગીત, લોકનૃત્ય, લોકકથા, લોકવાદ્યો દેશભરમાં જાણીતા છે. આદિવાસી પ્રજા મોટા ભાગે દિવાળી, હોળી જેવા અવસરો પર તહેવારોની ઉજવણીમાં ખેતરમાં કામ કરતાં, મેળામાં આવતાં જતાં, કે પછી ટ્રકમાં બેસીને મજૂરી કરવા જાય ત્યારે તેઓ સ્વયંભૂ ગીતો ગાય છે. આવા ગીતોની મસ્તીમાં પોતાનો થાક અને દુઃખ ભૂલી જાય છે. અનેક તહેવારોની ઉજવણી તેઓ નાચગાન કરીને કરતા હોય છે. પ્રસ્તુત અભ્યાસ લેખ કેટલાંક ક્ષેત્રનિરીક્ષણો અને ગૌણ-માહિતી પર આધારિત છે. ઉત્તર ગુજરાતના ડુંગરી ગરાસિયા આદિવાસીઓની કલા-પ્રવૃત્તિઓ અંગે ઊંડાણપૂર્વકનું વૈજ્ઞાનિક સંશોધન થયેલ નથી. પ્રસ્તુત અભ્યાસલેખ પાંચ (5) વિભાગમાં વહેંચવામાં આવેલ છે. જેમાં પ્રસ્તાવના,
ગુજરાત રાજ્યમાં જુદા-જુદા ભૌગોલિક ક્ષેત્રોમાં આદિવાસીઓ વસવાટ કરી રહ્યાં છે. સામાન્ય રીતે અરવલ્લીની ગિરિમાળાઓમાં, સહ્યાદ્રીના પર્વતો, સાપુતારાના ગિરિમથકો, જૂનાગઢનો ‘નેસ’ વિસ્તાર, ડાંગ, અંબાજી અને દાંતાના ડુંગરોમાં આદિવાસીઓ વસવાટ કરી રહ્યાં છે. આમ છતાં પ્રસ્તુત અભ્યાસ લેખ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ડુંગરી ગરાસિયા આદિવાસીઓને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. કલા એક એવી સાર્વત્રિક સામાજિક ઘટના છે કે જે માનવસમાજના ઉદભવકાળથી જ અસ્તિત્વમાં આવી હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે આદિવાસી કલામાં ઉપયોગિતાનું તત્વ જોવા મળે છે. હકીકતમાં જોઈએ તો કલા એ સંસ્કૃતિનો જ એક ભાગ છે. ડુંગરી ગરાસિયા આદિવાસીઓનું જીવન પણ દૂર એવા ડુંગરાળ વિસ્તારોમાં અને જંગલોની ટેકરીઓ સાથે સંકળાયેલું છે. તેથી તેમની કલામાં પ્રકૃતિના તત્વો, સૌંદર્યલક્ષી વન્ય પશુ-પક્ષીઓના તત્વો વિશેષ પ્રમાણમાં સ્થાપિત થઈ ચુક્યાં છે. ડુંગરી ગરાસિયા આદિવાસીઓમાં પણ પોતાની કક્ષા મુજબની આગવી કલા અસ્તિત્વમાં છે. દા.ત. ભીંતચિત્ર, સંગીતકલા, નૃત્યકલા, માટીકામ, વાંસકામ, મૌખિક સાહિત્ય વગેરે ડુંગરી ગરાસિયા આદિવાસીઓની આગવી ઓળખ છે.
જુદા જુદા વિદ્વાનોએ પોત-પોતાના મંતવ્યો અનુસાર કલાની વ્યાખ્યાઓ આપેલી છે, જેમાંની કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ છે. બિલ્સ અને હોઈઝર કહે છે કે, “કળા એક પ્રવૃત્તિ હોવા ઉપરાંત તેનું વ્યવહારિક અને ઉપયોગલક્ષી મહત્વ એટલું જ છે, તેમજ તે કળાકાર અને કળાના દર્શક, શ્રોતા કે સહયોગીઓને એક પ્રકારનો સંતોષ પ્રદાન કરે છે. કળાનું સૌંદર્યપૂર્ણ તત્વ જ તેને સંસ્કૃતિના બીજા તત્વોથી જુદા પાડે છે.” According to Nityanand Das, “Art is an emblem of spiritual and natural feelings combined together. One aspect of it is the pleasure of creating beautiful forms as well as pleasure of contemplating them.” વેરિયર એલ્વિન આદિવાસી કળા વિશે લખે છે કે, “There is a very little art for art’s sake in a tribal village.” ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ડુંગરી ગરાસિયા આદિવાસી જાતિમાં કલા પ્રવૃત્તિઓના વિવિધ સ્વરૂપો દૃષ્ટિગોચર થાય છે. જેમાં અબાલવૃદ્ધ સૌ સહભાગી બને છે. તેમાં યુવાન-યુવતીઓ વધુ ઓતપ્રોત થતા હોવાનું જાણવા મળે છે. આવી વિવિધ કલા-પ્રવૃત્તિઓ તેમના સામાન્ય જનજીવનમાં વણાઈ ગયેલી હોય છે. પ્રસ્તુત લેખમાં ડુંગરી ગરાસિયા આદિવાસીઓની સંગીત અને નૃત્યકલા, ભીંતચિત્ર કલા તેમજ તેમના લોકગીતનું ટૂંકમાં વર્ણન કરેલ છે. વર્તમાન સમયમાં ડુંગરી ગરાસિયા આદિવાસીઓમાં સંગીત-નૃત્ય, લોકગીતમાં આંતરિક અને બાહ્ય પરિબળોથી તેમની કલા પ્રવૃત્તિઓમાં કેટલાક નવા-નવા તત્વો ઉમેરાતા જાય છે. છતાંય તેમની કલા-પ્રવૃત્તિઓનું સાતત્ય 21મી સદીમાં જોઈ શકાય છે. ‘કલા’ એટલે શું?રંગ, રેખા, આકૃતિ, તાલ, શબ્દ વગેરે સ્વરૂપમાં માનવીની પ્રવૃત્તિઓની થતી અભિવ્યક્તને ‘કલા’ કહે છે. શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ તેમના ગ્રંથ ‘આપણો વારસોને વૈભવ’માં યોગ્ય જ લખે છે કે, ‘‘મનમાં જે ભાવો જાગે, તેને શબ્દોમાં મૂકવા સહેલા છે, રંગ અને રેખામાં ઊતારવા અઘરા છે અને પાષાણમાં કંડારવા તો તેથી યે અઘરા છે.’’ ‘જિજ્ઞાસુ’ નામના લેખક કહે છે તે તદ્દન સાચું છે કે, ‘‘કલા એ નવરાશની ડાળી ઉપર વિકસતું પુષ્પ છે.’’ ‘કલા’ એ શબ્દ સંસ્કૃતના ‘કલ’ ધાતુ પરથી બન્યો છે. એનો અર્થ ‘જાણવું’ અથવા ‘સૌંદર્યાત્મક અભિવ્યક્તિ’ એવો થાય છે. કલા એ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. પ્રજાની સર્જનાત્મક શક્તિ, સૃષ્ટિના રંગ, રૂપ અને આકારનો અદભુત સમન્વય કલામાં જોવા મળે છે. જીવનના વિવિધ પ્રસંગોમાંથી આદર્શ શોધવા કવિ કવિતાની રચના કરે છે. ગીત ગાય છે. રંગબેરંગી ચિત્રો ઉપસાવે છે. વિશ્વના પ્રત્યેક સમાજમાં કલાની અભિવ્યક્તિ કોઈ ને કોઈ સ્વરૂપે થતી હોય છે. વાણી, ગીત, સંગીત, ચિત્ર, નૃત્ય, શિલ્પ, અભિનય વગેરે દ્વારા કલા વ્યક્ત થાય છે. જે માનવજીવનની સાહજિક આંતરસ્ફૂરણા છે. ‘કલા’ ઉપર રચાયેલા શાસ્ત્રોમાં પણ 14 વિદ્યા અને 64 કલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આની ઉપર વિદ્વતાભર્યા ગ્રંથોની રચના થઈ છે. વિવિધ સંસ્કૃતિઓમાં વસ્તુઓ, રહેઠાણો, શરીરને અલંકૃત કરવાના અર્થમાં કલા જોવા મળે છે. તેની શૈલી અલગ અલગ હોય છે. માનવી પોતાની હૃદયની ભાવનાઓ રંગો, રેખા, શબ્દ, ધ્વનિ અને હાવભાવને વિવિધ રીતે વ્યક્ત કર્યા કરે છે. આ તમામ બાબતોમાંથી વિવિધ કલાઓનો ઉદભવ થયો છે, થાય છે અને થતો રહેશે. રઆદિવાસી સમુદાયોની કલાઓ નિર્દોષ, અણીશુદ્ધ અને સ્વાભાવિક છે. તેમની કલામાં સૌંદર્ય ઉપરાંત આધ્યાત્મિક અનુભવો અને ધાર્મિક વિચારોનો આવિર્ભાવ સવિશેષ થાય છે. કલાત્મક સાધનોને અનુરૂપ કલાના સ્વરૂપો વિકસ્યા છે. આદિવાસી લોકો કાષ્ટ, પાષાણ, માટી, ધાતુઓ, પક્ષીના પીંછાં, પશુના તંતુઓ વગેરેનો ઉપયોગ કરીને કલાત્મક કલાકૃતિઓ, ભૌમિતિક આકૃતિઓ તેમજ પ્રતિકાત્મક આકૃતિઓ સર્જે છે. રઆદિવાસીઓની કલામાં ઉપયોગિતા, સામાજિક મહત્ત્વ, સાંકેતિક અને યથાર્થવાદ જેવા વિશિષ્ટ તત્ત્વો જોવા મળે છે. તેમની કલા-શૈલીમાં સરળતા અને જટિલ બાબતોનો સમન્વય જોવા મળે છે. મૂર્તિ અને ચિત્રકલાનું પ્રચલન આદિવાસી સમાજમાં વ્યાપકપણે વ્યક્ત થતું હોય છે. આદિવાસીઓ પથ્થર અને લાકડાનો ઉપયોગ કરીને તેમાંથી કલાત્મક મૂર્તિઓ બનાવે છે. લાકડા અને ધાતુનાં વાસણો ઉપર નક્શીકામ, કોતરણીકામ અને ચિત્રકામ કરે છે. રઉત્સવો અને પર્વોની ઉજવણી સભ્ય સમાજ તેમજ આદિવાસી સમાજમાં પ્રાચીન યુગથી ચાલી આવી છે. મોટાભાગના ઉત્સવો ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતો સાથે સંબંધ ધરાવે છે. વિવિધ સામાજિક સાંસ્કૃતિક પ્રસંગોમાં પૂજાપાઠ, સમૂહગાન, સમૂહનૃત્ય, સમૂહભોજન વગેરેનું આયોજન આદિવાસીઓ કરતા હોય છે. આની પાછળ સામૂહિક પ્રતિનિધિત્વની ભાવના તેમજ એકાત્મતા જેવા સામાજિક ગુણો દૃષ્ટિગોચર થાય છે. જે સમુદાયો વધારે ઉત્સવો મનાવે તે વધારે ગૌરવપૂર્ણ ગણાય છે. રઉત્સવોની ઉજવણીમાં પરંપરાગત ચિત્રકલા જોવા મળે છે. બહુધા આવાં ચિત્રો ઘરની દીવાલો અને ઘરના આંગણામાં દોરે છે. આ ચિત્રકલાનો સંબંધ ધાર્મિક પૌરાણિક બાબતો સાથે રહેલો છે. દેવની માનતા માની હોય તો દેવને અર્પણ કરવા માટે લાકડા કે માટીની મૂર્તિઓ બનાવે છે. લગ્ન જેવા પ્રસંગે ભૂત, પ્રેત, ચૂડેલ, ડાકણ વગેરેની આકૃતિઓ દોરીને તેના પ્રભાવમાંથી બચવાનો પ્રયત્ન કરે છે. કેટલાક આદિવાસી સમુદાયો રોગમુક્તિ માટે, જમીનનું ઉત્પાદન વધારવા અને આવા બીજા દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ચિત્રોનું નિર્માણ કરે છે. જેની પાછળનો હેતુ સામાજિક અને ધાર્મિક બન્ને હોય છે. ફર્રાંસ, બોઆઝ, ફોજે, લેવી સ્ટ્રોસ જેવા વિદ્વાન માનવશાસ્ત્રીઓએ આદિવાસી સમુદાયનો અભ્યાસ કરીને કલાનો અર્થ સમજાવ્યો છે. આવા વિદ્વાનોના અભ્યાસ પરથી ફલિત થયું છે કે, આદિવાસીઓ વિવિધ પર્વો અને ઉત્સવો પોતાની સંસ્કૃતિ અને સંસ્કારને અનુરૂપ વિવિધ રીતે ઉજવે છે. તેમાં વિભિન્ન મહોરાઓનો ઉપયોગ પણ કરે છે. આમાંથી જ તેમની કલાના વિવિધ સ્વરૂપો સર્જાય છે, તેમજ વિભિન્ન શૈલીનો સમન્વય પણ નિહાળવા મળે છે. નૂતન વિચારોની અભિવ્યક્તિ આમાંથી જ સર્જાય છે. નૃત્ય કલાઃ આદિવાસીઓ સંગીત, નૃત્ય દ્વારા આનંદ, ઉલ્લાસ અને અંતરની ભાવોર્મિઓની અભિવ્યક્તિ કરે છે. તહેવારો, મેળાઓ, ઉત્સવો અને ધાર્મિક પ્રસંગોએ તેઓ સંગીત અને નૃત્યને મહત્તા અર્પે છે. તેમની સંગીત કલામાં તાલ, સૂર અને વાદ્યતંત્રનો અદભૂત સમન્વય જોવા મળે છે. આદિવાસી સમૂહનૃત્યો અનેક પ્રસંગોએ કરવામાં આવે છે. જેમ કે ભૂતપ્રેત કાઢવા, શિકારમાં સફળતા મળી હોય ત્યારે, દેવી-દેવતાને ખુશ કરવા, પશુબલિ આપવા સમયે, લગ્ન, મૃત્યુ, તહેવારો આમ અનેક પ્રસંગે જુદી જુદી આદિવાસી પ્રજાઓ પોતપોતાના રીતરિવાજ મુજબ નૃત્ય કરે છે.. ઑસ્ટ્રોલિયા અને મેક્સિકોના કેટલાક આદિવાસીઓ જ્યારે વરસાદ નથી પડતો, ત્યારે જમીન પર મોટા મોટા કૂદકા મારી નૃત્ય કરે છે અને તેઓ માને છે કે આમ કરવાથી વરસાદ આવશે.. આંધ્રના આદિવાસીઓનું સિદી અને ચેન્યુ નૃત્ય, આસામના આદિવાસીઓનું નાગા, લુશાઈ અને નોંગક્રીમ નૃત્ય, ઓરિસ્સાનું જદૂર અને કર્મ નૃત્ય, મધ્યપ્રદેશના આદિવાસીઓનું કર્મ અને લંગી નૃત્ય વિશિષ્ટ હોય છે.. નૃત્ય કરતી વખતે એકબીજાની કમ્મરમાં હાથ ભેરવવા, ખભા પર હાથ રાખીને, કમ્મર પર હાથ રાખીને, વર્તુળ રચી અથવા સામસામે બે કતારમાં નૃત્ય કરવામાં આવે છે. નૃત્ય સમયે ચિચિયારીઓ મારી, કૂદકા મારે છે. આભૂષણો, પીંછાં, મહોરાં અને ભાતભાતની વેશભૂષા ધારણ કરે છે. શરીરના જુદા-જુદા ભાગો ઉપર ચિત્રામણ કરાવે છે. હાથમાં ભાલા, તીરકામઠાં, લાકડી વગેરે પણ ધારણ કરે છે. ગુજરાતના આદિવાસીઓનું “ગોળગધેડા” નૃત્ય પણ મહત્ત્વનું છે. ડુંગરી ગરાસિયા સ્ત્રીઓ લેઝીમ સાથે નૃત્ય કરે છે, જે એટલું બધું તાલબદ્ધ હોય છે કે, આપણે તેને જોતા જ રહી જઈએ !. આદિવાસી ભીંતચિત્રકલા (ફ્રેસ્કો-પેઈન્ટીંગ્સ): આદિવાસી પ્રજાએ પોતાની ધાર્મિક અને વ્યાવહારિક પરંપરાને અનુસરીને અનેક કલાઓને જીવંત રાખી છે. ભીંતચિત્રકલા પણ પ્રાચીન સમયથી ચાલી આવી છે. ભીંતના અસ્તિત્વની સાથે જ ભીંતચિત્રોનું અસ્તિત્વ જોડાયેલું છે. ગુજરાતના આદિવાસીઓનું જીવન આવાં ચિત્રો સાથે આલેખાયેલું છે. ગુપ્તયુગમાં આ કળાનો વિકાસ થયો. માનવીએ પોતાની કલા ભાવના વ્યક્ત કરવા ગુફાઓમાં ચિત્રાંકન કર્યા છે. ચિત્રકલાનો ઉદભવ ગુફામાં થયો છે. ભીંતચિત્રો તરફ નજર નાંખીએ તો દેશમાં રાજાઓનું સામ્રાજ્ય હતું તે સમયથી અસ્તિત્વ ધરાવે છે. અજંતાના ભીંતચિત્રો કલાની દૃષ્ટિએ સર્વોત્તમ છે. જેનો સમય ઈ.સ.પૂર્વે બીજીથી સાતમી સદીનો ગણાય છે. ત્યારબાદ આ પ્રણાલિ ઈલોરાની ગુફાઓમાં જળવાઈ રહી છે. આઠમીથી દસમી સદીમાં જૈન ગુફાઓમાં વિવિધ પ્રકારના ભીંતચિત્રો જોવા મળે છે. આના પછીના સમયમાં તાડપત્ર, ભોજપત્ર, કપડાં, પોથીચિત્ર અને કાગળના ચિત્રો અસ્તિત્વમાં આવ્યાં. આની અનેક પ્રતો ગુજરાતના જૈનભંડારો ભોજપત્રો અને તાડપત્રો આચાર્ય હેમચંદ્રાચાર્ય લાયબ્રેરી, પાટણ, મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (જિ.ગાંધીનગર) અને એલ.ડી.સ્કૂલ ઑફ ઈન્ડોલૉજી, અમદાવાદ તેમજ બી.જે.ઈન્સ્ટિટ્યુટ ઑફ લર્નિંગ એન્ડ રિસર્ચ, અમદાવાદમાં ઉપલબ્ધ છે અને જૈનેતર પોથીઓમાં પણ છે. ગુજરાતમાં જિનાલયો, દેવાલયો, હવેલીઓ, રહેઠાણો અને મહેલોમાં ભીંતચિત્રોની પરિપાટીની શરૂઆત થઈ છે. ભીંતચિત્રોનું વિષયવસ્તુ સામાન્ય રીતે ધાર્મિક, પૌરાણિક અને માનવજીવનને લગતું હોય છે. આ કલા આદિવાસી સંસ્કૃતિની પરંપરામાં વિવિધ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તેનો ઉપયોગ વિવિધ પ્રસંગોમાં થાય છે. ગુજરાતના આદિવાસીઓની તળપદી કળાનો નિખાર ભીંતચિત્રોમાં જોઈ શકાય છે. આદિવાસી સમુદાયમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગમાં શ્રી ગણેશજી અને ગોત્રજને ઘરની ભીંત ઉપર આલેખીને પૂજન કરવામાં આવે છે. તહેવારોમાં જોઈએ તો નાગપાંચમના દિવસે પાણિયારે નાગદેવતાનું જોડું, બચ્ચાં તથા પારણું દોરીને પૂજા કરે છે. શીતળા સાતમના દિવસે શીતળાને દોરીને પૂજા કરે છે. ગણેશચોથના દિવસે રિદ્ધિ-સિદ્ધિ અને શુભ-લાભ લખીને વર્તુળ કરે છે. તેની નીચે હારમાં બે-ત્રણ કે ચાર-પાંચ ચાંદલા કરે છે. શંકુ આકારનું યંત્ર બનાવીને પૂજા કરે છે. દિવાળી જેવા પર્વમાં ઘર આંપણે રંગોળી પૂરે છે. લક્ષ્મી પગલાં પાડે છે. આદિવાસીઓ જે કંઈ ચીતરે છે તેમાં પોતાની ભાવનાની અભિવ્યક્તિ, આંતરસૂઝ અને પરંપરાગત કલા-કૌશલ્ય જોવા મળે છે. એમના ચિત્રોમાં જોએલી, જાણેલી અને માણેલી વસ્તુઓને પ્રતીકરૂપે પલટાવીને સરળ આકારમાં રેખાંકનો દ્વારા વ્યક્ત થાય છે અને તેમાં ભાવનાની અભિવ્યક્તિ થાય છે. ભીલ લોકો પોતાના ઝૂંપડાની દિવાલો પર લીંપણ કરીને પોતાની સુઝ, આવડત અને કલ્પના પ્રમાણે ચિત્રો દોરે છે. વિવિધ દેવી-દેવતાઓ, ચંદ્ર, સૂર્ય અને તારાઓ ઉપરાંત વૃક્ષો, વેલાઓ, લતાઓ, પર્ણો, પુષ્પો વગેરેનું આલેખન કરે છે. પ્રાકૃતિક સંજ્ઞાઓનો તેમાં સવિશેષ ઉપયોગ કરે છે. સાબરકાંઠા જિલ્લાના ડુંગરી ગરાસિયા આદિવાસીઓમાં સંગીત અને નૃત્યકલા સામાજિક અને ધાર્મિક ઉત્સવોમાં વિવિધ સ્વરૂપે જોવા મળે છે. દા.ત. ડુંગરી ગરાસિયા આદિવાસીઓમાં લગ્ન પ્રસંગનું “મોરીયા નૃત્ય” ખૂબ જ પ્રચલિત છે. હોળી, જન્માષ્ટમી, અખાત્રીજ, દિવાસો જેવા તહેવારોમાં તેમજ લોકમેળાઓમાં પ્રચલિત લોકસંગીત અને લોકનૃત્ય અદભૂત છે. તેમના લોકસંગીત અને લોકનૃત્યમાં અનેક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, ઢોલ-નગારાં, મોરલી, તુમડી, તંબૂરો, થાળી, લેજીમ, મંજીરા, ખંજરી, હાર્મોનિયમ વગેરેની સમન્વયકારી તાલબદ્ધતા દ્વારા મનોરંજન મેળવે છે. જૂની પેઢીના મોટાભાગના ડુંગરી ગરાસિયા સ્ત્રી-પુરૂષો સંગીતકલા અને નૃત્યકલામાં નિપુણ હોય છે. એટલું જ નહિ કેટલાંક ધાર્મિક તહેવારોમાં બિન-આદિવાસી સ્ત્રી-પુરુષો પણ તેમની સાથે સહભાગી બની સમૂહનૃત્ય કરી આનંદ મેળવતા હોય છે. દા.ત. હોળીના પંદર દિવસ પહેલાં તેઓ ઢોલ-કુંડી દ્વારા દ્વારા નૃત્ય કરી કલાકો સુધી મન મૂકીને નાચે છે. બદલાતા સમય અને સંજોગોને કારણે નવી પેઢીનાં સંગીત અને નૃત્યમાં બદલાવ આવી રહ્યો છે. ડુંગરી ગરાસિયા આદિવાસીઓમાં લગ્નપ્રસંગે ગોત્રજનું ચિત્ર દોરી તેની પૂજાવિધિ કરવામાં આવે છે. ગોત્રજ એટલે તેમના કુળદેવતા / કુળદેવી. ડુંગરી ગરાસિયા આદિવાસીઓ તેમના કાચા મકાનોમાં લીંપણની વિવિધ ડિઝાઈન (માટીકામ) ચીતરે છે. તેઓ બેસતા વર્ષની સવારે ચારથી પાંચ વાગ્યાના સુમારે તેમના પાલતુ પ્રાણીઓના શિંગડાઓને લાલ-લીલા રંગથી રંગે છે અને તેમની ચામડી ઉપર વિવિધ ડિઝાઈનો દોરે છે. તેમજ પાલતું ઢોરના ગળામાં રંગ-બેરંગી ડિઝાઈનવાળી માળા પહેરાવે છે. જે ગામના દરજી પાસે આવી માળા બનાવડાવે છે. વર્તમાન સમયમાં તૈયાર માળાઓ લાવીને ઢોરના ગળામાં બાંધે છે. ઉત્તર ગુજરાતના ડુંગરી ગરાસિયા આદિવાસીઓમાં તેમની આગવી બોલીમાં લોકગીતો ગવાય છે. જે પેઢી દર પેઢી વારસા સ્વરૂપે આવા લોકગીતો ચાલ્યા આવે છે. કેટલાંક લોકગીતો સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ ગવાય છે. દા.ત. હાલરડાં, ભજન, લગ્નગીતો, ફટાણા, શૌર્યગીતો, મેળાગીતો, પ્રણયગીતો વગેરેમાં સ્થાનિક સામાજિક સાંસ્કૃતિક બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે. આવા લોકગીતો સ્ત્રી-પુરુષો ભેગા મળીને પણ ગાય છે. ક્યારેક સ્ત્રી-પુરુષો અલગ-અલગ ટુકડીઓમાં આવા ગીતો ગાય છે. આજે બદલાતા પરંપરાગત લોકગીતોમાં ફિલ્મીગીતોના લય સાંભળવા મળે છે. આજના યુવકોમાં કોન્ડલીયો રીમિક્સના ગીતો પ્રચલિત છે. ઉપસંહારઃ ઉત્તર ગુજરાતના ડુંગરી ગરાસિયા આદિવાસીઓનું કલા પ્રવૃત્તિઓમાં આગવું અને વિશિષ્ટ સ્થાન છે. તેમાં સંગીત અને નૃત્ય, ભીંતચિત્ર અને લોકગીતોનો એ ક ભવ્ય વારસો ધરાવતા હતા. પરંતુ આધુનિક સમયમાં સ્થળાંતર અને સભ્ય સમાજના સંપર્કને કારણે નવી પેઢીના ગરાસિયા યુવક-યુવતીઓમાં તેમનો ભવ્ય કલાત્મક વારસો લુપ્ત થયો જણાય છે. છતાંય આજે પરિવર્તિત સ્વરૂપે કલાત્મક વારસો ટકી રહ્યો છે. અગત્યના સંદર્ભ પુસ્તકોઃ
***************************************************
ડૉ.બાબુલાલ ચુનીલાલ પંચાલ |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. | Powered By :Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |