logo

નાનાસાહેબ પેશ્વાનું અવસાન:



• નાનાસાહેબ પેશ્વાનું અવસાન:

આધુનિક રાષ્ટ્રવાદ નો સૌપ્રથમ ઉદભવ યુરોપમાં થયેલો જોવા મળે છે. નવજાગૃતિ ધર્મસુધારાણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઈટાલી અને જર્મનીના એકીકરણ વગેરે પરીબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ઉદભવ અને ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં યુરોપીય પ્રજાઓમાં આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાશનની નીતિ રીતિને પરિણામે રાષ્ટ્રવાદનો ઉદભવ થયો હતો. ઈ.સ. ૧૮૫૭ ને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય તરીકે ગણવામાં આવે છે.

• ૧૮૫૭ નો વિપ્લવ:

ઈ.સ. ૧૮૫૭ ના વિપ્લવ ની શરૂઆત મેરઠથી થઇ હતી. આ વિપ્લવમાં નાનાસાહેબ પેશ્વા, રાણીલક્ષ્મીબાઈ, આઝીમુલ્લાખાન, અવધના નવાબ વાજીદ અલીશાહ, રંગો બાપુજી ગુપ્તે અને તાત્યા ટોપે જેવા હિંદુ અને મુસલમાન નેતાઓએ બહાદુરશાહ ઝફરના નેતૃત્વ નીચે વિધિવત સ્વાતત્ર્ય સગ્રામ માટે તૈયાર થયા હતા1. પરંતુ બ્રિટીશ સરકારની ચડિયાતી તાકાત અને ૧૮૫૭ ના વિપ્લવના નેતાઓના યોગ્ય સંગઠન અને સંચાલનના અભાવના કારણે બળવો નિષ્ફળ ગયો હતો. આ બળવાના મુખ્ય નાયક કહી શકાય એવા નાનાસાહેબ પેશ્વાના તથા અન્ય નેતાઓને પકડવા તેના પર બ્રિટીશ સરકારે ઇનામ જાહેર કર્યું હતું. આથી આ નેતાઓ પોતાનું શેષ જીવન છુપા વેશે વ્યતીત કરતા હતા2. તેમાં નાનાસાહેબ પેશ્વાનાં અવશાન અંગે ઇતિહાસકારોમાં અનેક મતમતાંતરો છે. જેમાં નાનાસાહેબ પેશ્વાના અવશાન અંગે ચાર સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે.

(૧) નેપાળ (૨) ઉત્તરપ્રદેશનું નૈમિષારણ્ય
(૩) શિહોર - ભાવનગર(૪) રાજકોટનું મોરબી3.

• નાનાસાહેબ પેશ્વાનું અવસાન:

(૧) નેપાળ

ઉત્તરપ્રદેશના સ્પીકર શ્રી એ.જી.ખેર ઈ.સ.૧૯૫૩ માં નાના સાહેબ પેશ્વાના પૌત્ર તરીકે દાવો કરનાર શ્રી બજીરફ ઉર્ફે સુરજપ્રતાપ માલ્યા હતા અને નાના સાહેબના સેનાપતી નાઝીમુલ્લાખાન ની ડાયરી નો હિન્દી અનુવાદ કરાવ્યો હતો. ડાયરીમાં એવો ઉલ્લેખ છે કે નેપાળમાં રાજાનું જે શબ મળ્યું હતું તે શબ નાના સાહેબ પેશ્વાનું નહિ પણ નાના સાહેબ પેશ્વાનાં નોકરનું હતું અને એ શબને જોઈને બ્રિટીશ સરકારે માની લીધું કે નાના સાહેબ પેશ્વાનું અવસાન નેપાળમાં થયુ છે4.

(૨) ઉત્તરપ્રદેશ

પોતાના જીવનના પાછલા વર્ષોમાં તે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જીલ્લ્લામાં આવેલા અને તેને ત્રણ સંતાન હતા તથા નાના સાહેબ પોતે ૧૦૭ વર્ષની વયે ઈ.સ. ૧૯૨૬માં સીતાપુર જીલ્લાના નૈમીષારણ્યમાં ગોમતી નદીના કિનારે મૃત્યુ પામ્યા હતા5.

(૩) શિહોર – ભાવનગર

“SAURSHTRA UNIVERSITY HISTIRICAL RESEARCH SOCIETY”ના વડા શ્રી હરીકાંત શુક્લએ નાના સાહેબના અવશાન અંગે શીહોરને લક્ષમાં રાખી સંશોધન કરેલ તથા કેટલાક પુરાવા આપેલ. પરંતુ ત્યારના ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતા પણ ભાવનગરના જ હતા6 આથી તેમને તેનો ટેકો હતો અને તે શિહોર નું મહત્વ અને ગૌરવ વધે તે માટે પ્રયત્ન કરેલ. આ ઉપરાંત શ્રી શુક્લએ મોરબીમાં પણ આવેલા પરંતુ તેમણે મોરબીમાં પુરાવાઓ અને દસ્તાવેજો પ્રત્યે કોઈ ખાસ રસ દાખવેલ નહિ. ઈ.સ.૧૯૫૭ માં નાના સાહેબ પેશ્વાના અવશાન બાબતે શહેરીજનોએ એક સમિતિ પણ બનાવી હતી. પરંતુ ત્યારે આ સમિતિ પણ શ્રી શુક્લના શિહોર તરફના લગાવ (રસ) ના કારણે સંશોધન માં ખાસ કોઈ વિશેષ ફાળો આપી શકી ન હતી7.

શ્રી શુક્લ મોરબી આવેલા અને નગરશેઠ વિક્રમ શેઠ ને મળેલ પરંતુ નગરશેઠ તેમજ મોરબીના ઠાકોર લખધીરજી એ પણ આ બાબત પ્રત્યે રસ કે કાર્યની ગંભીરતા લીધા વગર વિચારપૂર્વક ઉતારો આપેલા નહિ. આથી શ્રી શુક્લએ પોતાના સંશોધનમાં નાના સાહેબ પેશ્વાના અવશાન સ્થળ શિહોર બતાવ્યું.8.

શિહોરના દાવા મુજબ શિહોરમાં રહેતા શ્રી યોગેન્દ્ર નામક સાધુ તેજ નાના સાહેબ પેશ્વા હતા. અંતે પૂરવાઓ રૂપે પૂજાની સામગ્રી, માળા, જનોઈ, નેપાળી, સિક્કો વગેરે જોવા મળે છે9.

ઈ.સ. ૧૮૫૭ ના કેટલાક ક્રાંતિકારીઓ બ્રિટીશ સરકારના જુલમથી ભાગીને સૌરાષ્ટ્ર તરફ આવેલ તેઓ ભાવનગર, મોરબી, શિહોર કે પાલનપુરમાં સાધુ વેશે પોતાનું શેષ જીવન જીવતા હતા. એ સમયે એક બીજી રમુજી ઘટના એ પણ હતી કે કોઈપણ સાધુનું મૃત્યુ થાય તો જાહેર થતું કે તે નાના સાહેબ પેશ્વા હતા. આમ નાના સાહેબ પેશ્વા પોતાની જાતને જાહેર થવા દે ખરા! વડી સરકારે જેના પર ૧,૦૦,૦૦૦ રૂપિયાનું ઇનામ રાખ્યું હોય તે આવી રીતે જાહેર કરે ખરા10! પોતાની જાતને આથી કહી શકાય કે તે નાના સાહેબ નહિ પરંતુ તે નાના સાહેબના સેનાપતિ કે તેનો કોઈ સાગરીત હશે. સાથે સાથે બીજો એક તાર્કિક પુરાવો એ છે કે શિહોર નજીક સોનગઢમાં બ્રિટીશ સરકારનું થાણું હતું. આમ નાના સાહેબ બ્રિટીશ સરકારના થાણા પાસે રહે ખરા અને તે પણ આવા સાધુ કે જે દાન, દક્ષિણાથી ખુબજ પ્રખ્યાત બનેલ11.

(૪) મોરબી

હવે મોરબીમાં નાના સાહેબ તે સમયમાં મોરબીના પત્રકાર શ્રી મહોપાધ્યાય શ્રી શંકરલાલ શાસ્ત્રીને ત્યાં રહેતા હતા તે ત્યાં કેવી રીતે આવ્યા તે બાબતમાં પણ મતભેદ છે. કોઈ કહે કે તે વૈદ સાધુ તરીકે તે શેઠના પત્નીને અનાયાસે મળી ગયા તો કોઈ કહે છે કે વાઘજી ઠાકોરે તેમને ત્યાં મોકલેલ પરંતુ વૈદ તરીકેનો પુરાવો વધુ મજબુત જોવા મળે છે અને તે માટે શેઠના ચોપડે દવા મંગાવ્યાના ઉલ્લેખ જોવા મળે છે. વાળી તે સમયમાં નગરશેઠ ચોપડામાં સાધુ કે પરદેશી સાધુ એવો ઉલ્લેખ જોવા મળે છે12. જે ઘણું બધું કહી જાય છે. વળી તે સમયની પૂજા એ પોતાની પ્રાદેશિક ભાષા સિવાયની ભાષા બોલનારને પરદેશી જ ગણતી હતી અને આ સાધુ પણ મરાઠી અને હિન્દી બોલતો હતો. આ ઉપરાંત આ પરદેશી સાધુ નો ખોરાક, રહેઠાણ, બાંધો, ઊંચાઈ વગેરેનું મોરબીના નગરવાસીઓએ કરેલ વર્ણન પણ નાના સાહેબ પેશ્વાના જીવનને મળતું આવે છે13.

તેમજ પાનચંદ નામના નગરશેઠે આપેલ નિવેદન મુજબ કે હું મારા પિતા સાથે મોરબીમાં આવેલ હાટકેશ્વર મંદિરે જતો હતો ત્યારે સાધુ વેશે રહેલ “નાના“ અમને બાળકોને “સાકાર અને ગુલાલ“ દરરોજ પ્રસાદી રૂપે આપતા હતા14. તેમજ આવી કેટલીય ચમત્કારિક વાતો મોરબીના વૃધ્ધજનો નાના સાહેબ વિશે કરતા રહે છે.

નાના સાહેબ જે જગ્યાએ રહેતા હતા ત્યાં એ ઓરડામાં નાના ફલાન્વીશ, તાત્યા ટોપે, અવધની બેગમ, બહાદુરશાહના પેઈન્ટીંગ તેમજ મરાઠી યુગના અનેક ચિત્રો જોવા મળે છે. ત્યાં જે નગરશેઠ હતા તે જૈન હતા તેના ઘરમાં મરાઠી યુગનું ચિત્રકામ સંભવી શકે નહિ. આમ એ સાધુ નાના સાહેબ પેશ્વા હોઈ શકે કે જેમણે મરાઠી યુગના એ પેઇન્ટિંગ તૈયાર કરાવ્યા હતા. આ પેઈન્ટીંગ હાલમાં પણ મોજુદ છે અને આ બધાની નોંધ પુરાતત્વ ખાતા માં નોંધાયેલ છે15. તેમણે આ ચિત્રોના ફોટાઓ પણ લીધેલ છે. આ બધું દર્શાવે છે કે નાના સાહેબ આ નગરશેઠ ત્યાં રહેતા હતા. આ ઉપરાંત ત્રણ વૃધ્ધજનોએ તો કોર્ટમાં નાના સાહેબનું મોરબીમાં અસ્તિત્વ જાહેર કરતી એફીડેવીટ પણ આપેલ છે જે આ મુજબ છે:

(૧) મોરબીના વૃધ્ધજન શ્રી પીતાંબર દયાશંકર દવેની એફિડેવિટ તા. ૨૯/૦૯/૧૯૫૫ ના રોજ ડો. મનુભાઈ દફ્તારીના સાક્ષીએ કોર્ટમાં લીધેલ છે કે જેનો રેવન્યુ સ્ટેમ્પ નંબર અનુક્રમ ૬૬ તા. ૨૬/૦૯/૧૯૫૫ નો છે. આ એફિડેવિટમાં તેઓએ સંપૂર્ણ નિવેદન આપેલ છે કે તેણે નાના સાહેબને મોરબીમાં સાધુ વેશે જોયેલ16.

(૨) બીજી એફિડેવિટ શ્રી ભવાન નથુ ઠક્કરની છે કે જેનો સ્ટેમ્પ નંબર અનુક્રમ નંબર ૧૧૦/૧ તા. ૦૪/૧૦/૧૯૫૫ નો છે અને એફિડેવિટ લીધાની તા. ૧૧/૧૦/૧૯૫૫ અને સાક્ષી મનુભાઈ દફતરી છે17.

(૩) ત્રીજી એફિડેવિટ મૂળશંકર નથુભાઈ આચાર્યની છે કે જેનો સ્ટેમ્પ નંબર ૬૫ તા. ૨૬/૦૯/૧૯૫૫ ની છે અને સાક્ષી મનુભાઈ દફતરી છે18. આમ આ એફિડેવિટ પણ એક નક્કર પુરાવા જ ગણાય છે અને તે નાના સાહેબ ના મૃત્યુ પર ઘણો જ પ્રકાશ પડે છે અને તે ગમે તે ઇતિહાસવિદ જોઈ શેકે છે.

વળી એક વાત એ પણ બહાર આવેલ છે કે નાનાસાહેબ મૃત્યુ વેળાએ હીરાથી ભરેલી ગુપ્તી નગરશેઠને આપેલી હતી અને કહેલું હતું કે “આ લાકડી ઠાકોર વાઘને આપજો.” બાદમાં પેશ્વાના મૃત્યુ પછી નગરશેઠે આ લાકડી (ગુપ્તી) મહારાજને આપેલી કે જેમાંથી અઢળક ઝવેરાત નીકળ્યું હતું19. હવે શું આ લાકડીમાંથી ખરેખર ઝવેરાત જ હતું ? તે પ્રશ્ન અંગે તપાસીએ.

ઠાકોર રવાજીરાજનાં કૈલાશવાસ પામ્યા ત્યારે મોરબી સ્ટેટની આર્થિક પરિસ્થિતી સારી ન હતી. તેમાં ઠાકોર વાઘનો રાજ્યાભિષેક થયો અને તેમણે મોરબીના વિકાસમાં અઢળક ધન ખર્ચ કરેલ20 એ ધન ક્યાંથી આવ્યું ? આથી કહી શકાય કે એ પેશ્વાની ગુપ્તીમાંથી આ અઢળક ધન મળ્યું હતું અને આટલું અઢળક ધન તે સમયે પેશ્વા અને નિઝામ પાસે જ હતું. ૧૮૫૭ ના બળવામાંથી ભાગી છુટેલ ત્યારે તેમેણે પોતાના શેષ જીવન માટે આ ગુપ્તીમાંજ ઝવેરાત ભરી દીધેલ જેથી કોઈને શંકા પડે જ નહિ અને રાજના નોકરો પણ રાજ રહસ્ય વિશે કઈ જ કહેતા નથી અને જો મોરબી રાજ્ય પાસે અઢળક ધન છે તે પેશ્વાનું ન હોય તો મોરબી રાજ્ય પાસે “અગ્નિમણી” નામનો કીમતી અને અમૂલ્ય હીરો ક્યાંથી આવ્યો. આ અગ્નિમણી હીરો પેશ્વા કે નિઝામ જેવા અતિ સમૃધ્ધ રાજવીઓ પાસેજ રહેતા હતા21.

મોરબીના મહારાજા મહેન્દ્રસીહજી જયારે આ અગ્નિમણીને વેચવા ઈચ્છયું ત્યારે ભારતમાં તેનું મૂલ્યાંકન થઇ શક્યું નહિ. ફળસ્વરૂપ તેઓ અમેરિકા ગયા ત્યાં પણ તે વેચી શકાયો નહિ. આખરે અગ્નિમણી ના ટુકડા કરી નાખવામાં આવ્યા22 અને ત્યારબાદ તે વેચી શકાયો. આ પુરાવો જગજાહેર છે. તેમજ શિહોરમાં નેપાળી સિક્કાની વાત અજુગતી છે. સૌરાષ્ટ્રમાં બધાજ બળવાખોરો નાના સાહેબ ન હોઈ શકે. આમ નેપાળી સિકકા એટલું સાબિતી આપે છે કે બળવાખોરોએ નેપાળથી સૌરાષ્ટ્રમાં આવેલા આથી નાના સાહેબ નેપાળમાં મૃત્યુ પામેલ નથી23.

મોરબીના શહેરીજનોના નિવેદન મુજબ ઠાકોર વાઘને નાનાસાહેબની બાતમી હતી પરંતુ તેઓએ અંગ્રેજોના ડરને કારણે સ્વાભાવિક રીતેજ આ માહિતી છુપાવી હતી, નાના સાહેબ જયારે મોરબીમાં સાધુ જીવન વ્યતીત કરી રહ્યા હતા ત્યારે મોરબીના કેટલાક શહેરી જનોને તેમની સુશ્રુશાનો લાભ મળેલ. તેઓમાંના એકને બગથાલાવાસી નરભેરામ કે જેમના પૌત્ર કાલિદાસ પંડિત ગુજરાતના અજોડ વ્યાખ્યાન કર્તા અને સોરઠી સાહિત્યકાર હતા. આ નરભેરામભાઈ કહેતા કે “નાના સાહેબ કોઈવાર રાત્રે ઝબકીને જાગી ઉઠતા અને મારો ... મારો ... એમ પોકારી ઉઠતા. વળી કોઈ વેળા અંગ્રજ સરકારના કોઈ સમાચાર સાંભળી સાધુ વેશે રહેલા નાનાસાહેબ એકદમ લાલ થઇ જતા24. આ બધું બતાવે છે કે તે સાધુને રાત્રે ઊંઘમાં પણ ભૂતકાળની લડાઈઓનું સ્વપ્ન આવતું હતું. આમ આ સાધુ એ નાના સાહેબ પેશ્વા જ હોઈ શકે અને તેજ અંગ્રેજોની વાત સાંભળી લાલપીળો થાય. આમ જયારે આ પેશ્વાનું મોરબીમાં અવશાન થયું ત્યારે જુદા જુદા સ્થળોથી સાધુઓ ભંડારો કરવા પણ આવેલ છે જે અતિ પ્રચલિત બનાવે છે. ઘણી વેળાએ જુદા જુદા સ્થળોએથી સાધુઓ પેશ્વાને મળવા આવતા ત્યારે “નાના સાહેબ ઉર્ફે સાધુ” તેઓ નમ્ર ભાવે કહેતા “ હું દઈને રાજી થાઉં છું, લઈને નહિ.” જે પેશ્વાનું વિધાન પણ તેના રાજવીપણું જ સાબિત કરે છે25.

લીવોર્નીર કૃત “PROCTED STATES OF INDIA” માં ઈ.સ. ૧૮૫૭ નાં બળવાખોરોમાં એક નીયાઝમહંમદ વિષે ઉલ્લેખ છે કે જેને જુનાગઢના નવાબે આશ્રય આપી26 પછી અંગ્રેજ સરકારની ચેતવણીથી કાઢી મુકેલ તે નિયાઝમહંમદનો ઉલ્લખ પણ આ મોરબીના નગરશેઠના ચોપડામાંથી નીકળે છે અને વૈદ (પરદેશી) સાધુના ખાતા માંથી તેમને અમુક રકમ અપાયેલ નો ઉલ્લેખ જોવા મળે છે. આમ આ પરદેશી (વૈદ) સાધુ એ નાના સાહેબ હતા કે જેણે ૧૮૫૭ નાં બળવાખોર નિયાઝમહંમદને મદદ કરેલી27.

મોરબીના નગરશેઠના જે ચોપડામાં નાના સાહેબનું નામ પરદેશી સન્યાસી લખાયેલ છે. તેમાં મૃત્યુનો ખર્ચ અને અંતિમ ક્રિયાનું ખર્ચ પણ નોધાયેલ છે. આ ચોપડો આજે પણ મોજુદ છે અને ગુજરાત રાજ્યના પુરાતત્વ અધિક્ષકને આ સાબિતીઓ પણ બતાવેલ છે કે જયારે તેઓ આ પ્રશ્ન મળે ખાસ મોરબી આવેલા. હવે આ ખર્ચ પરથી કોઇપણ સામાન્ય માનવી એમ કહી શકે કે આ ખર્ચ અંક સામાન્ય સાધુ માટે ન હોઈ શકે. આ ચોપડામાં નાના સાહેબની મૃત્યુ તારીખ છે28.

સંવત ૧૯૪૨ ના ફાગણીવદ છઠ્ઠ ને ગુરુવાર અને તારીખ ૨૫/૦૩/૧૮૮૬29.

વળી આ ચોપડામાં “પાંચ કફન“ નો ઉલ્લેખ છે. આ પાંચ સોડો જે મૃત્યુ વેળા દફન પર ઓઢાડાય છે. તે માત્ર રાજવીનેજ ઓઢાડી શકાય, આમ આદમીને નહિ. આ ચોપડામાં નાના સાહેબને માટે સાત સોડાનો ખર્ચ ઉપલબ્ધ છે30. કહેવાનો તાત્પર્ય એ કે મારનાર પરદેશી સાધુ તે માત્ર સન્યાસી જ નહિ પરંતુ ૧૮૫૭ નો રીંગ લીડર વિપ્લવવાદી નાના સાહેબ પેશ્વા પોતે જ હતા. હવે મૃત્યુ દિને ખર્ચ થયેલ પૈસાના મૂલ્યની આપણે તુલના જોઈએ. આ મૂલ્ય ઈ.સ. ૧૮૮૬ નું છે.

રૂ.આના વિગત
૬૯૦૦ઘી, ઘઉં, ગોળ, અડદ, ખીચડી, શાક, છાણા, મસાલા વિગેરે...
૧૩૧૧દક્ષિણા
૬૯ ૦૪ નિશાન ખર્ચ
૫૧ ૧૦ પાંજરાપોળ, ઢોર, ગાય, ઘોડા, લાકડા વિગેરે...
૨૦૩ ૦૯ કુલ ખર્ચ31

હવે આ રકમનનો તે સમયે સામાન્ય માણસ પાછળ ખર્ચ થયો હોય નહિ. આમ જો આ ખર્ચને આજના મૂલ્ય સાથે સરખાવામાં આવે તો તે મૂલ્ય કેટલું થાય તેની સાચી માહિતી મળે અને ચોપડામાં આગળ જોતા માલુમ પડે કે તા. ૦૩/૦૪/૧૯૮૬ ના રોજ બ્રાહ્મણોની ચોર્યાસી પણ કરેલી. આમ આ ચોર્યાસી પણ નાના સાહેબની મૃત્યુ વેળાની ઈચ્છા હતી કે “મારી અંતિમ ક્રિયા રાજ રસમ પ્રમાણે કરજો.” અને તેને અનુસંધાનમાં જ કરાયેલ32.

હાલ નાના સાહેબની સમાધી શંકર આશ્રમવાળા ઉદ્યાનમાં જે અનેક નાની મોટી દેરીઓ અને મંદિરો છે ત્યાં જે “ઘનેશ્વર મહાદેવ” નામની દેરી રેલ્વે લાઈનની બાજુમાં છે. તેજ સમાધી પેશ્વાની છે. હવે આ સમાધી નાના સાહેબની જ છે તેની સાબિતી જોઈએ.

(૧) મોરબી વિભાગમાં એ વાત પ્રચલિત છે કે આ સમાધી નાના સાહેબની છે33.

(૨) હાલમાં જ્યાં આ દેરી છે તે બાગમાં વર્ષો પૂર્વે સાધુઓનું શ્મશાન હતું અને તેથી નાના સાહેબ સાધુવેશે તેની સમાધી અહી જ હોય એ સ્વાભાવિક જ છે34.

(૩) ગુજરાત રાજ્યના પુરાતત્વ અધીક્ષક જયારે આ દેરીના સંશોધનની ઉપલક્ષમાં અહી આવ્યા ત્યારે તે દેરીના પ્રાચીનતત્વ વિશે ખુબ અભ્યાસ કરેલ અને આજુબાજુની દેરીઓનું પણ નિરિક્ષણ કરેલ કે જે ઘણી જ પ્રાચીન માલુમ પડેલ હતી. પુરાતત્વ ખાતાની આ મુલાકાત તેમના રેકર્ડમાં મોજુદ છે કે જે એક આધારરૂપ સાધન છે35.

(૪) આ દેરીનું નામ “ઘનેશ્વર મહાદેવ” પણ અર્થ સૂચક છે કે જે બતાવે છે કે આ દેરી ઘનેશ્વર એટલે કોઈ ધનિકની છે. પેશ્વા સીવાય બીજો ધનિક કોણ હોઈ શકે36.

(૫) “આ દેરી નાના સાહેબની જ છે.” એવું એક જાહેર નિવેદન સૌરાષ્ટ્રાધરાના ખ્યાતનામ આખ્યાનકાર અને સોરઠી સાહિત્યકાર શ્રી કાલિદાસ પંડિતે આપેલ છે કે જેની “True Copy” સ્મૃતિ મંદરમાં ઉપલબ્ધ છે.

ઉપરોક્ત આધાર પુરાવા નાના સાહેબના મોરબીમાં અસ્તિત્વની સાબિતી એ કઈ નાની સુની વાત તો ન જ કહેવાય. આમ આ સર્વ બાબતો, સાબિતીઓ, પ્રચલિત કથનો, આનુંમાનીક તાર્કિક અને સાંયોગિક પૂરાવાઓ પરથી હું આપ સર્વે ઈતિહાસવિદો, વિવેચકો વગેરેને આ બાબત પર વિચારવિમર્શ કરી નાનાસાહેબ પેશ્વાનું મૃત્યુ મોરબીમાં થયું હતું એવું જાહેર કરી ભારત વર્ષના ઈતિહાસની એક મોટી સેવા કરવાનું સુચન કરું છું.

સંદર્ભ:

  1. ડો. દેસાઈ શાંતિલાલ મ., સૌરાષ્ટ્રનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત યુનિવર્સીટી ગ્રંથનિર્માણ બોર્ડ, પૃષ્ઠ – ૧૯.
  2. એજન પૃષ્ઠ – ૩૦-૩૧
  3. નાના નાં મૃત્યુ સ્થળ, મણીમંદિર, મોરબી, પૃષ્ઠ – ૧ – ૨
  4. ડો. આર. ટી. સાવલીયા, ડો. મકરંદ મહેતા, ૧૮૫૭: કેટલાક પ્રવાહો, ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન – અમદાવાદ, પૃષ્ઠ – ૪૦
  5. નાના નાં મૃત્યુ સ્થળ, પૂર્વોક્ત પૃષ્ઠ – ૧-૨
  6. અમૃતવેલ અમરેલી માહિતી નિયામક કચેરી, ગાંધીનગર પૃષ્ઠ
  7. નાના નાં મૃત્યુ સ્થળ, પૂર્વોક્ત પૃષ્ઠ – ૨-૩
  8. એજન – ૩
  9. પૂર્વોક્ત પૃષ્ઠ – ૪૦
  10. નાના નાં મૃત્યુ સ્થળ, પૂર્વોક્ત પૃષ્ઠ – ૪
  11. પૂર્વોક્ત પૃષ્ઠ – ૪૦
  12. પૂર્વોક્ત પૃષ્ઠ – ૪૦
  13. મોરબી નાના સાહેબ પેશ્વાના મૃત્યુ સ્થળ – સ્મૃતિ મંદિર, પૃષ્ઠ – ૮
  14. એજન – ૯
  15. એજન – ૯
  16. એજન – ૧૦
  17. એજન – ૧૦
  18. એજન – ૧૦
  19. એજન – ૧૦
  20. ભટ્ટ હરિશંકર માધવજી, શ્રી લખધીરયુગ (પ્રથમ ભાગ) પૃષ્ઠ ૧૦ – ૧૧
  21. મોરબી – નાના સાહેબ પેશ્વાના મૃત્યુ સ્થળ, પુર્વાકન ગ્રંથ, પૃષ્ઠ ૧૨
  22. મોરબી – નાના સાહેબ પેશ્વાના મૃત્યુ સ્થળ, પુર્વાકન ગ્રંથ, પૃષ્ઠ ૧૨ - ૧૩
  23. ડો.આર. ટી.સાવલીયા, ડો. મકરંદ મહેતા, પુર્વાક્ન ગ્રંથ, પૃષ્ઠ – ૪૦
  24. મોરબી – નાના સાહેબ પેશ્વાના મૃત્યુ સ્થળ, પુર્વાકન ગ્રંથ, પૃષ્ઠ ૧૪
  25. રૂબરૂ મુલાકાત, શંકર આશ્રમ પુજારીજી, તા.૨૦-૧૧-૨૦૧૧, રવિવાર સાંજે ૦૬:૩૦ કલાકે
  26. મોરબી – નાના સાહેબ પેશ્વાના મૃત્યુ સ્થળ, પુર્વાકન ગ્રંથ, પૃષ્ઠ ૧૨ - ૧૩
  27. એજન – ૧૫
  28. એજન – ૧૬ – ૧૭
  29. દેસાઈ શંભુપ્રસાદ હરિપ્રસાદ, સૌરાષ્ટ્રનો ઇતિહાસ – જુનાગઢ ૧૯૬૮ પૃષ્ઠ – ૨૮
  30. મોરબી – નાના સાહેબ પેશ્વાના મૃત્યુ સ્થળ, પુર્વાકન ગ્રંથ, પૃષ્ઠ ૧૭
  31. એજન – ૧૮
  32. મોરબી સહાયક સાથી ૧૯૯૯ – ૨૦૦૦
  33. મોરબી નગરપાલિકા વિહંગાવલોકન, નગરપાલિકા કચેરી, મોરબી પૃષ્ઠ – ૮
  34. મોરબી – નાના સાહેબ પેશ્વાના મૃત્યુ સ્થળ, પુર્વાકન ગ્રંથ, પૃષ્ઠ ૧૯
  35. દવે મહેન્દ્ર, અસ્મિતા મોરબી, પૃષ્ઠ – ૭૪
  36. રૂબરૂ મુલાકાત, તા.૨૦-૧૧-૨૦૧૧ નાં રોજ હેમતભાઈ માણેક, ગ્રીન ચોક, મોરબી.


*************************************************** 

બાંટવા અરશી ડી.
પ્રાથમિક શિક્ષક
શ્રી લાયન્સનગર પ્રાથમિક શાળા, મોરબી-૨


Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us