logo

સાહિત્ય અને સમાજવિજ્ઞાનો: એક આંતરવિદ્યાકિય અભિગમ

એક અપ્રગટ પરંતુ વાસ્તવિક બાબત એવી છે કે, જ્યારે કોઇ પ્રાદેશિક સાહિત્યની વાત કરતાં હોઇએ ત્યારે સ્વાભાવિકપણે સ્વીકારવું પડે કે એ સાહિત્ય કોઇ ચોક્કસ પ્રદેશ અને તેની પ્રજાના સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક બાબતો સાથે વણાયેલું હોય. આ વિચાર રજૂ કરતાં જ એક આંતરવિધાકીય અભિગમની સ્પષ્ટતા થાય કારણ કે આ સૈદ્ધાંતિક બાબતને સમાજશાસ્ત્રીય, માનવશાસ્ત્રીય કે અન્ય સમાજ વૈજ્ઞાનિક શાખાઓના સંદર્ભમાં સમજી શકાય. શરૂઆતમાં જ જણાવ્યા મુજબ ‘અપ્રગટ પરંતુ વાસ્તવિક બાબત’ એટલે કે મોટાભાગના સાહિત્યો એક ચોક્કસ માળખાને રજૂ કરે છે, અને આ માળખું એટલે સામાજીક વ્યવસ્થા કે તેમાં ઘટતી ઘટનાઓ. આ સાથે કાલ્પનીક બાબતોને પણ આ માળખામાં સ્થાન આપવું અનિવાર્ય બને છે કારણ કે તાત્વિક દ્રષ્ટિએ જોઇએ (આમ તો તત્વ “શું છે” એનું પ્રગટીકરણ કરે છે) લેખકના વિચારોમાં અગર કલ્પનાઓ આકાર પામે તો પણ તે કલ્પનાઓ વાસ્તવિક ઘટનાઓનાં સંદર્ભમાં અથવા તો ચોક્કસ કે સમગ્ર સામાજીક માળખાનાં સંદર્ભમાં જ હશે. અહીં પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે કેવી રીતે કલ્પનાઓને અને વાસ્તવિકતાઓને મેળ બેસે? સહજ વાસ્તવવાદી કે વ્યવહારુ બનીએ તો આ પ્રશ્નનો ઉત્તર મળે, કે કોઇ પણ ઘટના ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જ્યારે તેના ઘટવા/બનવા માટેનો અવકાશ હોય અને તેને ચોક્કસ વાતાવારણ મળે, જે સામાજિક વ્યવસ્થા પૂરુ પાડે છે. હવે સમઝવા જેવી વાત એટલી જ છે કે કોઇપણ સાહિત્યને ઓપ આપનાર સાહિત્યકાર ચોક્કસ સમાજ કે સમાજ વ્યવસ્થાનો હિસ્સો છે અને એ સમાજમાં બનતી દરેક ઘટનાઓ સાહિત્યકારના વિચારો ઉપર આગવી છાપ પાડે છે અને એવુ પણ બનવા સંભવ છે કે કોઇ ચોક્કસ ઘટનાઓનાં પરીણામે જ એક સાહિત્યકારનું કે તેના વિચારજગતનું સર્જન થયું હોય. સંભાવનાઓ કોઇપણ હોય, પરંતુ જે કાંઇપણ સાહિત્ય જગતનું સર્જન છે એ ચોક્કસ સામાજીક માળખાને અનુસરે છે. સમાજશાસ્ત્રમાં અને અન્ય સામાજિક વિજ્ઞાનોમાં “સામાજીકરણ”ની વ્યાખ્યા પ્રયોજવામાં આવી છે. અગર આ વ્યાખ્યાનું વિવરણ કરીએ તો સમઝાય કે વ્યક્તિના કોઇપણ વર્તન વ્યવહાર પાછળ તેના સામાજીકરણ દરમ્યાન થયેલ કેળવણી ભાગ ભજવે છે અને આ સામાજીકરણ કુટુંબ, શાળા, પડોશીજૂથો, મિત્રજૂથો અને આસપાસના જૂથો કે મંડળો દ્વારા જાણ્યે અજાણ્યે થતી આંતરક્રિયા દ્વારા થાય છે. વ્યક્તિનું ઘડતર સામાજીકરણ દ્વારા થાય છે અને અનેક આંતરક્રિયાઓ અને ઘટનાઓની સાક્ષીમાં વ્યક્તિનું માનસ આકાર પામે છે. આમ એક ચોક્કસ માળખાંમાં વ્યક્તિ ઘડાય છે અને આખરે જ્યારે તે કાગળ કલમનો ઉપયોગ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની આસપાસનાં વાતાવરણની અસર દેખાય છે. જે અનુભવો વ્યક્તિને તેના જીવન દરમ્યાન થયા હશે, અંતરમન ને સ્પર્શે તેવી ઘટનાઓને તેણે જોઇ હશે, અને આખરે જે સ્વરૂપે તેને ગ્રહણ કરી હશે તે જ તેના લખાણોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છત્તી થશે. અગર કોઇ કવિ કે લેખકની કલ્પના પાછળ પણ વાસ્તવીક જગતની ઘટનાઓ કે અનુભવોની છાપ હશે. એક સામાન્ય ઉદાહરણ દ્વારા આ સિદ્ધાંતનુ સમર્થન કરીશ કે દલિત સાહિત્ય તરફ દ્રષ્ટિકોણ કરીએ તો, દલિત સાહિત્યકાર જ્યારે કોઇ કૃતિની રચના કરશે ત્યારે તેમાં પદદલિતોની વેદના સંવેદનાઓ છત્તી થશે, કેમ કે સામાજિક બહિષ્કાર શું કહેવાય? તેનો પ્રત્યક્ષ અનુભવ તે સર્જક દ્વારા થયેલો છે અને તેનાથી વિશેષ એ વેદનાઓને કોણ વર્ણવી શકે?

અંગ્રેજી સાહિત્યમાં પ્રસિદ્ધીપામેલુ એક પુસ્તક જેનું નામ છે “અંકલ ટોમસ કેબિન” (Uncle Tom’s Cabin). સમગ્ર પુસ્તક આફ્રિકાના નિગ્રો લોકો ઉપર ગુજારવામાં આવેલા અત્યાચારોને ટોમ નામના વ્યક્તિત્વને કેન્દ્રમાં મૂકીને દર્શાવવામાં આવ્યા છે. ૧૭મી અને ૧૮મી સદીમાં ઉત્તર અમેરીકા બ્રિટીશ શાસનના નેજા હેઠળ હતું. આ સમયે આફ્રિકાના પશ્વિમ તટમાંથી નીગ્રો લોકોને ગુલામ તરીકે દક્ષિણ અમેરીકામાં વેચી દેવામાં આવતા. ૧૭૭૬માં અમેરીકા સ્વતંત્ર થયું ત્યારબાદ સમગ્ર ખંડના બે ભાગ પડ્યા ૧) ઉત્તર અમેરીકા અને ૨) દક્ષિણ અમેરીકા. ઉત્તર અમેરીકાએ ગુલામીપ્રથાનો સ્વીકાર ના કર્યો જ્યારે દક્ષિણ અમેરીકા એમ માનતુ રહ્યુ કે ગુલામીપ્રથા ખેતી અને વેપાર માટે અનિવાર્ય છે. જો કે ઉત્તર અમેરીકાના નાગરીકોએ હંમેશાથી ગુલામીપ્રથાનો વિરોધ કર્યો અને ઘણૉ મોટો સંઘર્ષ પણ થયો. પુસ્તકના લેખક શ્રીમતી બિચર સ્ટોવ પણ તે સંઘર્ષમાં સક્રિય હતા અને આ પુસ્તક પણ આ સંઘર્ષના ભાગ રૂપે છે. પુસ્તકના પાત્રો અને ઘટનાઓ વાસ્તવીક છે. અને અગાઉ જોયું તેમ ‘ટોમ’ નામના પાત્રને કેન્દ્રમાં રાખીને નિગ્રોલોકો ઉપર કેવી રીતે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતાં તે દર્શાવ્યું છે. જો કે, ૧૮૬૧માં ઉત્તર અને દક્ષિણ અમેરીકાનું એક રાષ્ટ્રમાં વિલીનીકરણ થયું ત્યારે આ પ્રથાની નાબૂદી કરવામાં આવી. પરંતુ અહીં તો વાત એ છે કે એ પુસ્તકનાં લેખકે ખૂબ સ્પષ્ટરીતે નવલકથાનું પ્રગટીકરણ્ કર્યું તેનું કારણ તેઓ એક ચોક્કસ ઘટનાના સાક્ષી હતા, તેઓ ખૂદ એક ચોક્કસ સમાજમાંથી આવતા હતા, ગુલામીનું દર્દ, વેદના, અપમાનનો સ્વમાં અનુભવ કર્યો હતો, અને આ જ કારણ હતું કે તેઓ ગુલામીમાં સબડતા લોકોની દુ:ખદાયક પરીસ્થિતીને નવલકથાના રૂપમાં રજૂ કરી શક્યા. આમ, વ્યવહારું દ્રષ્ટિકોણ સૂચવે છે કે જે વ્યક્તિ જે સમાજવ્યવસ્થામાંથી આવે છે તેની અસર વ્યક્તિની માનસિકતા ઉપર વત્તા ઓછા પ્રમાણમાં ચોક્કસપણે હોય છે અને આ સામાજીક સાંસ્કૃતિક બાબતો તેના શબ્દોમાં જોઇ શકાય છે. ટૂંકમાં કહીએ તો કોઇપણ સાહિત્યનું સર્જન થાય એના પાયામાં તો સમાજ અને તેનો સંદર્ભ જ રહેવાનો કારણ માત્ર એટલું જ છે કે જે ઘટનાઓ બનશે એ પણ ચોક્ક્સ સામાજીક વ્યવસ્થામાં, જે કાંઇ પણ લખાશે એ પણ સામાજીકવ્યવસ્થાના દાયરામાં અને જે લખનાર હશે એ પણ ચોક્કસ સામાજીકવ્યવસ્થાનો હિસ્સો હશે. એટલે અગર ભાષા – સાહિત્યનાં સર્જનને એક ચોક્કસ આકાર આપવામાં આવે તો સામાજિક વિજ્ઞાનોને ધ્યાનમાં લઇને આંતરવિધાકિય(Interdisciplinary) અભ્યાસો કરી શકાય.

અહીં આંતરવિધાકિય અભિગમને વાચકવર્ગ ઉપર મારી મચડીને બંધબેસતુ કરવાની વાત નથી. પરંતુ ઊંડાણપૂર્વકનો વિચાર અને વાચકની કોઠાસૂઝ આ બાબતને સ્પષ્ટ કરશે કે સાહિત્યકાર જે સર્જન કરે છે તે મૂળતો તેના મનના આંતરજગતમા પડેલી પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવોની છાપ છે જેને તે અનેક રસોના મિશ્રણ અને સાહિત્યીક શબ્દાવલી દ્વારા રજૂ કરે છે.

ભાષા સાહિત્ય અને ભાષાકિય સંરચનાવાદ:

સાહિત્ય અને સમાજવિજ્ઞાનોનો સૈદ્ધાંતિક સમન્વય કરવાનો અહિયાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમાજશાસ્ત્રમાં અને સમાજવિજ્ઞાનોમાં સંરચનાવાદનો સરળ સિદ્ધાંત છે જે એક ચોક્ક્સ વ્યવસ્થાનો (રચના,માળખું, ઢાંચો – અધિરચના) નિર્દેશ કરે છે. કોઇ ચોક્ક્સ શૈક્ષણિક સંસ્થાનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે તેને એક માળખા કે ઢાંચામાં તૈયાર કરવામાં આવે છે. “સંરચના” શબ્દનો ઉપયોગ સૌથી વધું શરીરરચના વિજ્ઞાનમાં થયો ત્યારબાદ રાજનીતીશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રમાં થયો. ગીન્સબર્ગ નામના સમાજવિજ્ઞાનીના મતે “સમૂહ, સમિતિઓ અને સંસ્થાઓના પ્રકારો તેમજ તે બધાનો સંકુલ જેના દ્વારા સમાજનું નિર્માણ થાય છે. તેની સાથે સામાજિક સંરચનાનું અધ્યયન સંબંધિત છે”. આ સિદ્ધાંતની સમજ ખૂબ જ સરળ છે પરંતુ ખૂબ જ વિસ્તૃત છે કારણ કે અનેક વિજ્ઞાનોમાં આ સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. અહીં મુદ્દો ભાષાકિય સંરચનાવાદ અને ભાષા સાહિત્યનો સંબંધ સ્પષ્ટ કરવાનો છે. વાસ્તવિક્તા એવી છે કે સંરચનાવાદના મૂળ ભાષાવિજ્ઞાનમાં રહેલા છે. સંરચનાવાદની માફક ભાષાકિય સંરચનાવાદ પણ એક ચોક્ક્સ ભાષાકિય માળખાને સ્પષ્ટ કરે છે. સંકેત, પ્રતિકો, ધ્વની, શબ્દો, વાણી વગેરે ભાષાની પાયાની જરૂરીયાત છે અને કોઇપણ ભાષાનું અસ્તિત્વ અને તેની રચના આ બાબતો ઉપર જ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, શબ્દ એ સાધન છે અને પરીસ્થિતી કે ઘટનાઓનું અન્ય સમક્ષ સ્પષ્ટીકરણ એ સાધ્ય છે. કોમ્યુટર, સ્પીકર અને ગીત આ ત્રણ સાધનોને કેન્દ્રમાં રાખીએ તો પૂર્ણ વાક્ય બનશે ‘કોમ્યુટમાં સ્પીકર ચાલુ કરીને ગીત વગાડો’. અગર આ ત્રણેય સાધનોને કેન્દ્રમાં રાખીને જરૂરીયાત અને પરિસ્થિતી મુજબ જુદા જુદા વાક્યોની રચના કરી શકાય. આ બાબત તાર્કિક નથી પરંતુ સ્વભાવિક છે કારણ કે આગળ જોયું તેમ સામાજીકરણની પ્રક્રિયાના ભાગરૂપે વ્યક્તિ આ બધું શીખતો જ હોય છે. વાક્યોની રચના તાર્કિક પણ હોઇ શકે અને અતાર્કિક પણ હોઇ શકે, પરંતુ એ બાબત જુદી જુદી પરીસ્થિતી, ઘટનાઓ અને તેના સંપર્કમાં આવનાર વ્યક્તિઓની ઉપર આધાર રાખે છે. ભાષાકિય સંરચનામાં ‘સંકેતો’ની પણ વાત કરવામાં આવી છે, જો કે સંકેતોના પરીપ્રેક્ષ્યમાં ઉત્તમ કે સરલ તાર્કિક કોઠાસૂઝ અને તેના અર્થઘટનની ક્ષમતાની જરૂર રહે છે જે સમાજવિજ્ઞાનીઓતો કેળવે જ છે પરંતુ સાહિત્યકારો દ્વારા પણ જાણ્યે અજાણ્યે કેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્ત્રીએ પહેરેલ પગમાં ઘુંઘરુ અને નર્તકીનો પહેરવેશ સ્પષ્ટ કરે છે કે તે નૃત્યાંગના છે, તેવી જ રીતે ગળામાં પહેરેલે રુદ્રાક્ષની માળા શિવપંથીઓની વિશેષતા બતાવે છે. વળી આપણે જાણીએ છીએ કે લાલ રંગ એ ખતરાની નિશાની છે, વૈશ્વક સમાજે તેને ખતરાની નિશાની તરીકે સ્વીકાર કર્યો. ટ્રાફિકના નિયમોમાં પણ લાલરંગનું એક મહત્વ છે કે લાલ લાઇટ થાય એટલે થોભવુ અને લીલી થાય એટલે આગળ વધવું. સમાજવિજ્ઞાનો આ નિયમનું અર્થઘટન ધોરણભંગ કે ધોરણ અનુરૂપતાના સંદર્ભમાં કરશે. જેમ કે, આ નિયમને કોઇ ના સ્વીકારે તો ધોરણભંગ થયું અને અરાજકતા કે આંધાધૂંધી ફેલાય એટલે આવા નિયમો હોવા જોઇએ. જ્યારે સાહિત્યકારો તેને એક આગવા સાહિત્યીક દ્રષ્ટિકોણથી જોવે, અથવા તો તેના અનુસંધાનમાં બનેલી ઘટનાને સાહિત્યીક ઓપ આપે. ભાષાશાસ્ત્રમાં વધું એક બાબત એવી છે કે વાક્યોની ક્રમબદ્ધતા અથવા એકબિજા સાથેનું જોડાણ. એટલે કે કોઇ શબ્દો કે સંકેતો મર્યાદિત અર્થ ધરાવતા અને સ્વતંત્ર નથી હોતા પરંતુ એકબિજા સાથે સંબંધિત હોય છે. જેમ કે, અગાઉ જોયું તેમ લાલ લાઇટ થી થોભવાનો સંકેત હોય તો લીલી લાઇટથી આગલ વધવાનો પણ સંકેત છે. એટલે અગર થોભવાનો સંકેત હોય તો આગલ વધવાનો પણ છે. તેવી જ રીતે ભાષાકિય આંટીઘુંટીને જોતા, સમગ્રત: અંધકાર છવાય એટલે આપણે તેને ‘રાત્રી’ કહીએ છીએ અને અજવાળું થાય તેને આપણે ‘દિવસ’ કહીએ છીએ. અહીં એ સ્પષ્ટ થાય છે કે ‘રાત્રી છે’ એટલે આપણે એવું કહીએ છીએ કે દિવસ નથી. અને ‘દિવસ છે’ એવુ આપણે એટલે કહીએ છીએ કે ‘રાત્રી નથી’ આ જ બાબતને આપણે એમ પણ કહી શકીએ કે અંધકાર અને પ્રકાશને રાત્રી અને દિવસ શબ્દો દ્વારા વ્યક્ત કરી બતાવ્યું છે. જો દિવસ શબ્દનો ઉપયોગ જ ના થયો હોત કે અસ્તિત્વમાં જ ના હોત તો રાત્રી શબ્દ પણ અસ્તિત્વમાં ના હોત. દિવસ છે એટલે રાત્રી છે અને રાત્રી છે એટલે દિવસ છે એમ પણ કહી શકાય. આ છે ભાષાકિય સંરચના અને તેની આંટીઘૂંટી, કે એક જ બાબતને અનેક રીતે રજૂ કરી શકાય છે. સમાજ વિજ્ઞાનોમાં આનું જેટલુ મહત્વ છે તેટલું જ સાહિત્યમાં પણ છે. સાહિત્ય અને સમાજ વિજ્ઞાનોમાં ભેદ માત્ર રજૂઆતનો છે. વળી, સમાજ વિજ્ઞાનો ક્યારેક “શું છે” એનું સ્પષ્ટિકરણ કરે છે જ્યારે સાહિત્ય “શું હોવું જોઇએ” એવી નૈતિક વાતો કરે છે. તેમ છત્તાં અનેક રજૂઆતોમાં “શું છે અને શું હોવું જોઇએ” બન્ને બાબતોનું એકબિજામાં વિલિનીકરણ થઇ જાય છે. એટલે બન્ને વિજ્ઞાનો આંતરસંબંધિત તો છે જ એવુ સ્પષ્ટ થાય છે.

ભાષાકિય સંરચનાવાદ એક એવો સિદ્ધાંત છે જે ભાષા સાહિત્ય અને સમાજવિજ્ઞાનોને એક તાંતણે બાંધે છે. આ બે શાખાઓનું નિરીક્ષણતો એક જ છે, જેમ કે સમાજ, સમાજવ્યવસ્થા, ભૂતકાળ કે વર્તમાનની ઘટનાઓ અને તેનું અર્થઘટન, પરંતુ તેની રજૂઆત અલગ છે. સાહિત્યનાં સંદર્ભમાં માત્ર એક બાબત અલગ પડે છે જે મુજબ સાહિત્યકારની કલ્પના પરંતુ તે કલ્પના પણ સમાજ બહારની તો નથી જ. ઉદાહરણ તરીકે કોઇ નવલકથા પ્રેમ આધારીત હોય તો તે પણ મૂળઘટનાઓ તો સમાજમાં બનતી પ્રેમ સંબંધિત ઘટનાઓને જ છત્તી કરશે. એટલે ભલે કોઇ સાહિત્યકારની કલ્પના પણ હોય પરંતુ તેનો સંદર્ભ વાસ્તવિક જ હશે. આમ, સાહિત્ય અને સમાજવિજ્ઞાનો બન્નેનું અભ્યાસક્ષેત્ર વિશાળ હોવા છત્તાં એક ઢાંચામાં મૂકીને તેમના આંતરસંબંધો સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આંતરવિદ્યાકીય અભિગમથી સંશોધનક્ષેત્રે ખેડાણ કરી શકવાની સંભાવનાઓને સ્પષ્ટ કરી છે.

સંદર્ભસૂચિ::

  1. જોષી વિધુતભાઇ, ૧૯૯૭, “પારિભાષિક કોશ – સમાજશાસ્ત્ર”, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણબોર્ડ, અમદાવાદ.
  2. પરમાર વાય એ, ૨૦૦૯, “રચનાતંત્રવાદ, અનુરચનાતંત્રવાદ અને અનુ – આધુનિક ચિંતકો”, પોપ્યુલર પ્રકાશન, સુરત.
  3. રાવત હરીકૃષ્ણ, ૨૦૦૯, “સામાજશાસ્ત્ર વિશ્વકોષ”, રાવત પ્રકાશન, જયપુર.
  4. સોલંકી દેવજી, ૨૦૧૨, “ સાહિત્ય અને માનવશાસ્ત્રનો સંબંધ – અસ્તિના પરીપ્રેક્ષ્યમાં”, સાહિત્ય સેતુ, વર્ષ – ૨, અંક ૧. (http://sahityasetu.co.in/issue7/devjisolanki.html) મેળવેલ તા. ૧૧માર્ચ,૨૦૧૨)
  5. Introduction to Literature: Marxism. Michael Delahoyde. http://www.wsu.edu/~delahoyd/marxist.crit.html. (Access on 10th March, 2012).
  6. Wallace Ruth & Wolf Alison, 2008, “Contemporary Sociological Theory – Expanding the Classical Tradition”, Pearson – Prentice Hall, Delhi.
  7. Stowe Harriet B, 2004, “ Uncle Tom’s Cabin”, Martin A.S (Ed.), Oxford, India.

*************************************************** 

ઋષિરાજ બી. ઉપાધ્યાય,
ડી,૩, સત્કાર ફ્લેટ,
કે.કે.નગર રોડ, ઘાટલોડિયા,
અમદાવાદ – ૩૮૦૦૬૧.
ફોન નં: ૦૮૪૦૧૬૨૮૦૦૧

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us