logo

વેદો અને પુરાણોમાં સૂર્ય

ભાસ્કર, રવિ, મિત્ર, ભાનુ, ખગાય, પુષ્ણ, મારિચ, આદિત્ય, સાવિત્રે, આર્કા, હિરણ્યગર્ભાય વગેરે બહુનામો ધરાવતા સૂર્ય ચરાચર જગતના પ્રત્યક્ષ દેવ છે. ભારતમાં દરેક મહિનાઓને સુદ અને વદ પક્ષ એમ બે ભાગોમાં વિભાજીત છે. તેવી જ રીતે વર્ષને પણ ઉત્તરાયણ અને દક્ષિણાયન એવા બે ભાગમાં વિભાજીત કરેલ છે. અને તેમાં ખગોળીય ઘટના સાથે તેનો સીધો સંબંધ જોઈ શકાય છે. એમાં જ પૃથ્વીના અયનવૃત્તોની વિશિષ્ટતા પણ છે. મકરસંક્રાંતિ શબ્દમાં તેનો હાર્દ અભિપ્રેત છે. સૂર્ય આ સમયે મકર રાશિમાં પ્રવેશે છે તો ઉત્તરઅયન તરફ પ્રયાન પણ કરે છે તેથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. અને હિંદુ ધર્મમાં તેને એક પર્વ તરીકે, ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વનું પગેરુ શોધવા બેસીએ તો તેનાં મૂળ છેક વેદો અને પુરાણોમાં જોવા મળે છે. હિંદુ ધર્મના મોટા ભાગના તહેવારો હિંદુ માસ, તિથિ વાર પ્રમાણે આવે છે. જ્યારે આ એક તહેવારમાં અંગ્રેજી મહિનાની 14મી જાન્યુઆરીની અસર સ્પષ્ટ જોઈ શકાય છે. તેનું કારણ આગળ આપણે જોઈ ગયા તે એ કે તે એક ખગોળીય ઘટના હોવાને કારણે આમ બને છે તે સ્પષ્ટ છે.

ભગવાન સૂર્યનો શાપ પામેલા પોતાના પુત્ર શનિ અને પત્નિ છાયા દરિદ્ર બન્યાં અને તેમણે દરિદ્રતાને કારણે તલ દ્વારા ભગવાન સૂર્યની પૂજા કરી અનુકંપા મેળવી હતી. તેથી આ તહેવારમાં તલ, ગોળ દ્વારા સૂર્યની પૂજા કરવાનો અને ખોરાકમાં તેની વાનગીઓ ખાવાનો મહિમા પણ છે. પણ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટીએ આ સમયે તે સ્વાસ્થ્ય વર્ધક અને અનેક પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. પ્રાચીન સમયમાં પણ તેની મહત્તા હતી અને આજે પણ તલ,ગોળ, મગફળી વગેરેની મહત્તા લોકોમાં જોવા મળે છે. જે શીતપ્રકોપ સામે રક્ષણ પુરૂ પાડે છે. દાનનો મહિમા પણ ખુબ જોવા મળે છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ દિવસે પતંગ ઉડાડવામાં આવે છે. જાપાન, વિયેતનામ, ચીન, મલેશિયા, ઈંડોનેશિયા, થાઈલેંડ વગેરે દેશોમાં પણ આ પર્વ ઊજવાય છે. પણ આજે આપણે સૂર્યની એક ઐતિહાસિક દ્રષ્ટીએ વાત કરવી છે.

વેદો, પુરાણો, મહાકાવ્યો વગેરેમાં સૂર્ય વિશે અનેક દિલચસ્પ માહિતી જોવા મળે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ સૂર્ય અને ઉત્તરાયણ વિશે મહિમા ગાયો છે. જેની આરાધનાથી પુનર્જન્મ માંથી મુક્તિ મળે છે.[1] તેવી જ રીતે મહાભારત તથા ભાગવત પુરાણ અનુસાર આ સમય પિતામહ ભિષ્મે દેહત્યાગ કર્યો હોવાના ઉલ્લેખો જોવા મળે છે. વિષ્ણુધર્મ સુત્રમાં પણ પિતૃતર્પણ અને સ્વાસ્થ્ય વર્ધક દેવ તરીકે સૂર્યનો મહિમા જોવા મળે છે.

ભારતિય પ્રાચીન પરંપરાથી આરંભીને આજ પર્યંતના સાહિત્યનો પર્યાવલોચન કરવામાં આવે તો તેમાં સૂર્ય દેવતા વિશિષ્ટ સ્થાન ભોગવે છે. વેદોથી લઈ તમામ ગ્રંથોમાં સૂર્યનું દેવતાતરીકેનું ગૌરવ પ્રતિપાદીત કરવામાં આવ્યું છે. વૈદિક સંસ્કૃતિમાં યુગયુગાંતરથી લોકો સૂર્ય દેવતાની સ્તુતિ આરાધના, ઊપાસના કરતા આવ્યા છે. આ રીતે સૂર્ય ભારત વર્ષના પરમ આરાધ્ય દેવતા છે. સૂર્યની ઊપાસના, વ્રત વગેરેનું પ્રચલન પુરાતન કાળથી છે. હિંદુ સંસ્કૃતિના બધી શ્રેણીના લોકો પોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર સૂર્યની આરાધના, નમન, પૂજન, સ્તવન વગેરે કરે છે. સૂર્યનમસ્કારતો લોકોનુ રોજનું કર્મ થઈ ગયુ છે. તેનાથી સ્વાસ્થ્ય, શક્તિ અને આરોગ્યને લાભ થાય છે. આમ આદીકાળથી ભારતીય જીવનમાં સૂર્યોપાસનાનું મહત્વનુ સ્થાન છે.

માર્કંડેયપુરાણમાં સૂર્યની ઉત્પત્તિ વિશે કહ્યુ છે:

निष्प्रभेऽस्मिन् निरालोके सर्वतस्तमसावृते ।
बृहदण्डमभूदेकमक्षरं कारणं परम् ।। (98-21)[2]

અર્થાત્ પહેલા આ સંપૂર્ણ લોક પ્રકશહીન હતો. ચારે તરફ ઘોર અંધકાર ઘેરાયેલો હતો. તે સમયે એક બૃહત્ અંડપ્રગટ થયો. તે અંડ અવિનાશી તથા પરમ કારણરૂપ છે.

અંડ ભેદ પછી સૂર્યનાસાત મૂર્તિરૂપોનો પ્રાદુર્ભાવ થયો. તે જ તેજ માંથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ એમ ચાર વેદોનો આવિર્ભાવ થયો. આ બધાના મૂળ આદિમાં હોવાને કારણે આદિત્ય કહેવાયો. આમ માર્કંડેયપુરાણ અનુસાર સૂર્યના ત્રણ રૂપોનો પરીચય પ્રાપ્ત થાય છે. એક આકાશમાંનો મહાન તેજપૂંજ, બીજો અદિતીનો પૂત્ર, ત્રીજો તે જે વેદ, પુરાણ વગેરે સમસ્ત શાસ્ત્રોનો પ્રતિપાદ્ય ત્રિગુણાત્મિકા પ્રકૃતિનો અધિશ્વર, સમગ્ર વિશ્વ પ્રપંચનું અધિષ્ઠાન, પરાત્પર, શુદ્ધ, શાશ્વત, સચ્ચિદાનંદ બ્રહ્મ છે.

ઋગ્વેદમાં અત્પૂર્ણ સૂર્યને એક સૂક્ત સમર્પિત છે, “कsत: षोकशोपनिषदानुष्टभमप्तणसौर्य विषशडीवानगत्स्य: प्राब्रवीद्रशम्याधाश्च: तिस्त्रो महापडत्कयो महाबहती च इति” (ઋ.૧.૧૯૧) શૌનક ઋષિએ કહ્યું છે કે વિષ નિવારણ માટે આ સૂક્તના મંત્રોના જપથી વિષ આગળ વધતું નથી.[3] શતપત બ્રાહ્મણમાં – “सूर्यो चै सर्वेषा देवानामात्मा “[4] તરીકે વર્ણવ્યા છે.

વૈદિક દેવોમાં સૂર્યને પ્રમુખ રૂપમાં માન્યતા મળેલ છે. એમનું દેવત્વ ચારે વેદોમાં પ્રાપ્ત છે. દ્વાદશ આદિત્યોમાં પણ સૂર્ય એક છે. વિરાટ પુરૂષના નેત્રોથી સૂર્યની ઉત્પત્તિ બતાવી છે. એ જ કારણે સૂર્યને દરેક જીવના કર્મોના દ્રષ્ટા કહી વિવેચન કરવામાંઆવ્યું છે. સૂર્ય વગર કોઈનું જીવીત રહેવું અશક્ય છે, આથી સૂર્યની પ્રતિષ્ઠા સર્વાત્મા રૂપે છે. અથર્વવેદમાં સૂર્યની સ્તુતિ કેટલાય બિજા નામોથી કરવામાં આવી છે. જેમ કે- બ્રઘ્ન,વામ, શુક્ર, સવિતા વગેરે. દરેકને પોતાના કર્મ અને એના ફળમાં ટકાવી રાખવાને કારણે સૂર્યને બ્રઘ્ન કહે છે. જગતનો પાલક હોવાથી સૂર્યને વામ કહેવામાં આવે છે. દીપ્તિમાન હોવાથી સૂર્યનું નામ શુક્ર છે. તેવી જ રીતે બધાના પ્રેરક હોવાથી સૂર્ય સવિતા છે. પોતાના ઋગ્વેદ ભાષ્યમાં આચાર્ય સાયણે ઉદયથી પૂર્વ સૂર્યને સવિતા કહ્યો છે. સવિતા બધા દેવોના જનક છે. સૂર્યની પુત્રી સૂર્યા છે, આ તથ્ય આ પ્રમાણે દર્શાવ્યું છે.સૂર્યાને સવિતાની પુત્રી પણ કહી છે. તેથી તેનું નામ સાવિત્રી પણ છે. ઐતરેય બ્રાહ્મણમાં સાવિત્રી પ્રજાપતિની પુત્રી બતાવેલ છે. સાવિત્રી- સોમ અથવા અશ્વિનીકુમારોની પત્નિ પણ છે. આ પ્રકારે સૂર્યદેવ ખરેખર અગ્નિ તત્વના આકાશિય સ્વરૂપ છે. તેઓ વિશ્વ વિધાનના સંરક્ષક છે, એથી જ એમનું ચક્ર નિયમિત અને સાર્વભૌમિક નિયમોનું અનુગામી છે. સૂર્ય અગ્નિ અને મિત્રાવરુણ સાથે વિશેષ સંબંધ ધરાવે છે.[5]

વૈદિક દેવતાઓમાં ઈંદ્રનું સ્થાન દેવતા તરીકે પ્રધાન રહ્યું. આર.સી. મજુમદાર An Advance History of India માં નોંધે છે તેમ “વરુણ સાથે ઘનીષ્ઠ રુપથી સબંધીત દેવતા મિત્ર છે. જે સૂર્યની હિત કારીણી શક્તિનું રૂપ છે. આ બન્ને એ વર્ગમાં છે જેને આદિત્ય કહે છે. આ લોકના બિજામુખ્ય દેવતા છે.- સૂર્ય, સાવતૃ, પૂષણ, વિષ્ણુ, ઉરુત્રમ, અશ્વિન અથવા નાસત્ય અને ઉષા. કદાચ સવાર સંજના તારા આગળ જતાં ચિકિત્સાના દેવ માનવામાં આવ્યા.”[6] ઉત્તરકાલીન પૌરાણિક કથાઓમાં વિષ્ણુ. રુદ્ર (શિવ) ઉલ્લેખીત છે. પણ બ્રહ્મા વિશે સ્પષ્ટતા નથી તેમ છતાં તેમના પુર્વગામી દેવોમાં વિધાતૃ, હિરણ્યગર્ભ, પ્રજાપતિ અને બ્રહ્મનસ્પતિનો ઉલ્લેખ મળે છે. વૈદિક કથાઓમાં મુખ્યત્વે પુરૂષ તત્વની મહત્તા એક મુખ્ય લક્ષણછે. આજોતાં વૈદિક સભ્યતા સિંધુ સભ્યતાથી ભિન્ન છે. કેમ કે સિંધુ સભ્યતામાં માતૃદેવીનું સ્થાન પુરૂષ સમકક્ષ હતું.

સૌરપરિવારમાં સૂર્ય એકલો એવો છે જે આકાશ અને પૃથ્વી જલ વસુંધરાને પ્રજ્વલિત રાખે છે. અને તેથી જ જગતના પ્રત્યક્ષદેવ હોવાથી જગતના આરાધ્યદેવ છે. અથર્વવેદ અને ઋગ્વેદમાં સૂર્યના સંબંધમાં કહેવામાં આવેલી વાતો આજે પણ સદીઓ પછી પણ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષમાં પણ સ્વિકાર્ય છે. ભગવાન સૂર્ય ચરાચર જગતના પ્રત્યક્ષ દેવ છે. અન્યકોઈ પણ દેવતાની સ્થીતીમાં તેમની પ્રત્યક્ષતામાં સંદેહ હોઈ શકે છે. પણ સૂર્યની સત્તામાં કોઈને પણ કોઈ સંદેહ નથી. સૂર્ય સંપૂર્ણ સૌર મંડળમાં કેંદ્રબિંદુ જ નહી પરંતુ સંપૂર્ણ સૃષ્ટિના દ્રષ્ટા છે. આ જ કાઋણ છે કે ભારત ઉપરાંત જુદાજુદા દેશોમાં તથા સંસ્કૃતિઓમાં સૂર્ય એ મહત્વનું સ્થાન સહજ રીતે પ્રાપ્ત કર્યું છે. સૃષ્ટિને સંચાલિત કરનારી શક્તિ તરીકે સૂર્યની ઉપાસના વૈદિક કાળથી જ જોવા મળે છે. પ્રત્યેક પ્રાંતોમાં વિવિધ સ્થળોમાં સૂર્યમંદિર વિદ્યમાન છે.

સૂર્ય સંબંધિત અનેક કથાઓ પ્રચલિત છે. જેમ કે શિવ પુરાણમાં તારકાસુરનો અંત આણવા કુમાર કાર્તિકેયે પ્રસ્થાન કર્યુ ત્યારે માતા પાર્વતી પુત્રના વિજય માટે સૂર્યદેવનું નિર્જલાવ્રત રાખ્યું હતું. વિજય પછી તેમણે સૂર્યને અર્દ્ય આપી નિષ્ઠાપૂર્વક સૂર્યની પૂજા કરી વ્રત છોડ્યું હતું.

ઉત્તર વૈદિક કાળમાં પ્રાચીન દેવતાઓનો પ્રભાવ ઓછો થતો ગયો. વિશેષ કરીને હવે અથર્વવેદમાં વરુણની શ્રેષ્ઠતા તથા પૃથ્વીને માતાનો દરજ્જો દર્શાવતા મંત્રો મળે છે. સાથે પ્રજાપતિએ એક દેવતા તરીકે બધા દેવોમાં પ્રધાનતા મેળવી. આ જ દેવ અને તેમની મહત્તા આગળ જતાં ભાગવત સંપ્રદાયમાં જોવા મળી જેમાં હવે વરુણનું સ્થાન વિષ્ણુએ ઝડપથી લીધુ અને સ્વર્ગીય દેવોમાં વિશેષ મહિમા ધરાવનાર દેવ બન્યા. તેવી જ રીતે રુદ્ર માંથી શિવ અને શૈવ સંપ્રદાયમાં જોવા મળી. ગુપ્ત તથા ઉત્તર ગુપ્તકાલમાં શૈવ તથા વૈષ્ણવ ધર્મની સાથે વિભિન્ન દેવતાઓની ભક્તિભાવના કરવામાં આવતી હતી. તેમાં સૂર્યનો પણ સમાવેશ થતો હતો. પ્રતિહાર રાષ્ટ્રકૂટ કાલની સંસ્કૃતિમાં આદિત્ય ભક્ત રાજાઓ હતા. શંક્રાચાર્યચરિતમાં સૌરસંપ્રદાયનો ઉલ્લેખ છે.

પ્રતિહાર રાષ્ટ્રકૂટના શાસન સમયે કેટલાય સૂર્યમંદિરો બંધાયાઅને સૂર્ય પ્રતિમાઓ કંડારાઈ. એલોરાના શૈલ ગૃહોમાં સૂર્યની પ્રતિમાઓ જોવા મળે છે. ગુજરાતમાં ભરુચ જીલ્લામાં જયાદિત્યનું મંદિર હતું. સૌરાષ્ટ્રમાં તરુણાદિત્યનું ઉપરાંત વિસાવાડા, સુત્રાપાડા, થાણ, કિંદરખેડા ઈત્યાદી સ્થળોએ પ્રાચીન સૂર્યમંદિરો છે જે આ કાલમાં બંધાયેલાં લાગે છે. રાજસ્થાન, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પણ આ કાલના સૂર્ય મંદિરો આવેલાં છે, એમાં ઓસિયા (રાજસ્થાન)નું સૂર્યમંદિર નોંધપાત્ર છે. કાશ્મીરમાં માર્તંડ મંદિર બંધાયું. ખજૂરાહોમાં પણ એક સૂર્યમંદિર બંધાવ્યું હતું. સૂર્યપૂજાનો પ્રચાર બંગાળ અને ઓરિસ્સામાં પણ થયો હતો. ઉત્તર ભારતમાં શકદ્વીપના મગ લોકોની વસતી હતી અને સૂર્યની પ્રતિમાના વિધાનમાં સૂર્યના ઈરાની સ્વરૂપની અસર પ્રવર્તતી.[7] ડૉ. હરિપ્રસાદ ગં.શાસ્ત્રી એ નોધ્યું છે તેમ “શૈવ, વૈષ્ણવ, શક્તિ અને સૌર સંપ્રદાયના અનુયાયીઓ પોતપોતાના ઈષ્ટદેવને સર્વોત્કૃષ્ટ માનતા અને સાથે વસતા. તેમની વચ્ચે ભેદ વધતો ગયો તો સાથે આરાધ્યદેવોના સંયુક્ત સ્વરૂપ યોજાયા અને એ રીતે સમન્વય પણ સધાતો ગયો. આથી કેટલાક પ્રાચીન સૂર્ય મંદિરોનું સમય જતાં શિવાલયો કે વિષ્ણુ મંદિરોમાં પરિવર્તન થયેલું માલુમ પડે છે.”[8]

આમ ઋગ્વેદમાં અત્પૃણ સૂર્યનું વિવરણ મળે છે. જેમાં જળ જળબૂટીના અર્થમાં છે. એમના જનકના રૂપમાં વિષ્ણુ, ઈંદ્ર, વરુણ તથા સોમ જોવા મળે છે. તો તેમની સમકક્ષ સૂર્યને પણ મુખ્ય દેવતાના રૂપમાં માન્યતા મળેલી છે. અથર્વવેદમાં સૂર્યોપનિષદમાં સૂર્ય અને આત્માની અભિન્નતાનું પ્રતિપાદન છે. તો સાથે સૂર્યની સ્તુતિ, બ્રહ્મત્વનું કેંદ્ર, તેની પ્રાર્થના, મંત્રો અને જપનું મહત્વ દર્શાવ્યું છે. આમ અથર્વવેદમાં પણ સૂર્યને બિજા દેવોની સમકક્ષ મુખ્ય દેવતા તરીકેનું પ્રમુખ સ્થાન જોવા મળે છે. માર્કંડેયપુરાણમાં સૂર્યના ત્રણ રૂપોનો ઉલ્લેખમાં તેજપુંજ, અદિતિપુત્ર, સચ્ચિદાનંદબ્રહ્મ તરીકે છે. આમ ચરાચર જગતના પ્રત્યક્ષ દેવ તેરીકેનો સૂર્યનો મહિમા વેદો, પુરાણો, ઉપનિષદોથી શરૂ કરી આજ પર્યંત હિન્દુ ધર્મની સાથે વિશ્વમાં અનેક દેશોમાં સૂર્યની આરાધના, પૂજા, સ્તુતિ થતી આવી છે અને થતી રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

સંદર્ભસૂચી::

  1. શ્રીમદ્ ભદવદ્ ગીતા, (શ્લોક ૨૪-૨૫)
  2. માર્કંડેયપુરાણ એક અધ્યયન, ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી,૧૯૬૧, પૃ. ૫૨
  3. ઋગ્વેદ, (૧.૧૯૧)
  4. શતપથ બ્રાહ્મણ, (૧૪.૩.૨.૯)
  5. પંડિત શ્રી રામશર્મા આચાર્ય, અથર્વવેદ સંહિતા, પરિશિષ્ટ-૨, યુગ નિર્માણ યોજના વિસ્તાર ટ્રસ્ટ ગાયત્રી તપોભૂમિ, મથુરા, ૨૦૦૯, પૃ. ૩૧
  6. આર.સી. મજુમદાર અને અન્ય,
  7. ડૉ. હરિપ્રસાદ ગં.શાસ્ત્રી, પ્રાચીન ભારત ભાગ-૨, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૮૪, પૃ. ૭૩
  8. એજન, પૃ. ૭૪

*************************************************** 

પ્રા. મનોજકુમાર એલ.ચૌધરી
પ્રા. અશોકભાઈ બી. વાઘરી
(ઈતિહાસ વિભાગ)
સરકારી વિનયન કૉલેજ, અમીરગઢ.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us