logo

પ્રાચીન ભારતમાં સ્ત્રી સશક્તિકરણ

૨૧મી સદી મોટેભાગે જ્ઞાન. વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આધુનિક યુગમાં આવેલી સામાજિક ચેતના ને કારણે આજે સામાજિક સંકુચિતતા ઘણા ક્ષેત્રોમાં દુર થઇ છે. જો કે આજે પણ કેટલાક પ્રશ્ન વધારે અગત્યના છે. ૨૧મી સદીમાં સ્ત્રી સશકિતકરણનો પ્રશ્ન જ ઘણું કહી જાય છે. આખરે સ્ત્રી સશકિતકરણની જરુર ત્યારે જ પડે જ્યારે સ્ત્રીઓ અશક્ત હોય , તો શું તે અશક્ત છે ? અને છે તો તેનું કારણ શું ? આ ખ્યાલની વિસ્તૃત સમજ મેળવવી અગત્યની છે.

સ્ત્રી સશકિતકરણનો ખ્યાલ

સ્ત્રી સશકિતકરણ અંગે વિદ્વાનોમાં વિભિન્ન મત પ્રવર્તે છે. સ્ત્રી સશકિતકરણનો સામાન્ય અર્થ “ સ્ત્રીને તેની નબળી સ્થિતિમાંથી સશક્ત સ્થિતિ તરફ લઇ જવું એ છે” કારણ કે ભારતમાં સામાજિક ,આર્થિક ,જાતિગત વગેરે બાબતે વિભિન્નતા જોવા મળે છે. તેથી કોઇ એક સ્ત્રીનો પ્રશ્ન એ અન્ય કોઇ સ્ત્રીનો પ્રશ્ન ન પણ હોઇ શકે . આ બાબતે પ્રાચીનભારતમાં સ્ત્રી સશકિતકરણની સ્થિતિ કેવી હશે તેના માટે પુરાવાઓ ચકાસી શકાય .

પ્રાચીનભારતમાં સ્ત્રી સશકિતકરણ

પ્રાચીનભારતમાં સ્ત્રી સશકિતકરણ અંગે પુરાવા અલ્પ પ્રમાણમાં મળે છે પરંતુ જો પ્રાપ્ય પુરાવાને વ્યવસ્થિત રીતે ચકાસવામાં આવે તો ચોકકસ કેટલીક માહિતી આપણે મેળવી શકીએ છીએ .ખાસ કરીને પ્રાચીન ભારતની સાહિત્યિક સામગ્રી આ બાબતે વધુ ઉપયોગી બને છે.

પાષાણયુગ

સ્ત્રીઓ અંગેની પ્રાચીનત્તમ પુરાવામાં માનવ ઉત્ક્રાંતિના સમયે તેની વસ્તુ સંગ્રહકર્તા તરીકેની સ્થિતિ અગત્યની છે . આ સમય સ્ત્રીનો ગુહિણી તરીકેનો પ્રારંભિક તબક્કો કહી શકાય .ઉપરાંત ખેતીના પ્રારંભ અંગે ‘ પાગલ દીકરીનો સિધ્ધાંત’ મળે છે. ખરા અર્થમાં સ્ત્રી વિના ગ્રુહસ્થજીવનની કલ્પના પાંગળી છે. અલબત્ત આજના સમયમાં આર્થિક અવલોકનને કારણે સ્ત્રીને ગુહિણી તરીકે માન આપવામાં આવતું નથી.પરંતુ માનવ ઉત્ક્રાંતિના તબક્કામાં સ્થાયીજીવનનો પ્રારંભ કરવામાં મહિલાઓનું યોગદાન મહામૂલુ હતુ જે નોંધનીય છે.

સિંધુખીણની સંસ્ક્રુતિના અવશષો ( ઇ.પુ ૨૫૦૦ લગ.- ઇ.પુ ૧૮૦૦ લગ.)

જે સંસ્ક્રુતિ તેમના પર્યાવરણ માટે જાગ્રત હોઇ તે સમાજ સ્ત્રીઓ પ્રત્યે વ્યવહારીક હશે એવુ આપણે માની શકીએ છીએ. સિંધુખીણના અવશેષોમાં સ્ત્રી અંગે પણ પુરાવા મળ્યા છે. ઘણા અભ્યાસુઓ સિંધુ સમાજને માતૃવંશીય માને છે. સિંધુખીણના ઉત્ખલનમાં નારી સબંધી કેટલીક મૂર્તિઓ મળી આવી છે જે દેવી પૂંજા કે પ્રજનન શક્તિના કારણે દેવી પૂંજાતી હોય એમ માની શકાય. અલબત્ત સિંધુખીણના અવશેષોનો અભ્યાસ હજુ ચાલુ હોય સ્ત્રીના વિકાસ અંગે આપણે વધુ માહિતિ મેળવી શકીશુ. જો કે સિંધુ સમાજમાં કહેવાતા ઉચ્ચ અને સામાન્ય બન્ને પ્રકારનું જીવન વ્યતિત કરતી સ્ત્રીઓ હતી એવું અવશેષોથી જણાય છે. સિંધુખીણના અવશેષો વધુ અભ્યાસ આપણને નવા અવલોકનો તરફ લઇ જશે.

વૈદિક યુગ ( ઇ.પુ ૧૫૦૦ લગ.- ઇ.પુ ૧૦૦૦ લગ.) પ્રાચીન ભારત માં સ્ત્રી સશક્તિકરણ અંગે સૌથી વધુ પુરાવા વૈદિક યુગના સાહિત્યક લખાણમાંથી મળે છે . પ્રાપ્ત માહિતી મુજબ તે સમય સ્ત્રીનું કાર્ય માત્ર જન્મ દેનારી કે ધર સંભાળનારી મહિલા પુરતું જન હતું. પરંતુ તે પુરુષો સમકક્ષ હકો ભોગવતી હતી. જે સ્ત્રીના ઉપનયન ધારણ કરવાના અધિકાર પરથી ખ્યાલ આવે છે . મહર્ષિ પતંજલી અને કાત્યાયનના મુજબ વૈદિકયુગમાં શિક્ષિત હતી .અપાલા ,ધોષા, ગાર્ગી, ઇન્દ્રાણી, સાવિત્રી, અત્રેયી, જેવી નારીઓ વિદુશી તેમજ શિક્ષિત નારી તરીકે સમાજમાં સ્થાન શોભાવતી હતી. કેટલાક કિસ્સામાં પિતાના જગ્યાએ પુત્ર કે પુત્રીના નામને પાછળ માતાનું નામ લખવામાં આવતું. દા.ત સત્યકામ જાબાલ નામમાં ‘જબાલા’ એ માતાનું નામ છે . સ્ત્રી તે સમયે ‘ગૃહસ્વામિની’ તરીકે ઓળખાતી. ખાસ કરીને યજ્ઞોનાં કાર્યોમાં મહિલાઓ અગ્રેસર ભાગ લેતી. લાગ્નિક પુરાવામાં ઐતિરીય બ્રાહ્મણગ્રંથમાં પુત્રીના લગ્નને દુખદાયી માનવામાં આવતું. સ્ત્રી વિના અધુરો માનવામાં આવતો હતો. સામાન્ય રીતે સ્ત્રી કુંટુંબને સોંપવામાં આવતી હતી. નિયોગ પધ્ધતિનો ઉલ્લેખ મળે છે. પરંતુ સતીપ્રથાનો ઉલ્લેખ મળતો નથી.

આમ આ પુરાવા આપણને આર્ય વિસ્તારની (ખાસ કરીને સપ્તસિંધુ પ્રદેશ ) સ્ત્રીની સ્થિતિ વિશે કેટલીક માહિતી પુરી પાડે છે .પરંતુ આ ઉપરાંત આ સમયે ભારતમાં અન્ય પ્રજા પણ હતી. જે માહિતી મળે છે તે ચોક્કસ વર્ગની સ્ત્રીઓ વિશે જ મળે છે . પરંતુ જે કંઇ માહિતી મળે છે તે વૈદિક યુગનાં સમય મુજબ સંતોષકારક છે.

ઉત્તરવૈદિક યુગ ( ઇ.પુ ૧૦૦૦ લગ.- ઇ.પુ ૫૦૦ લગ.)

વૈદિકયુગની સરખામણીમાં ઉત્તરવૈદિક યુગમાં સ્ત્રીઓની સ્થિતિમાં આમૂલ પરીવર્તન આવ્યં હતું. અથર્વવેદના ઉલ્લેખ પ્રમાણે સ્ત્રીના જન્મને દુખદાયી માનવામાં આવતું . મૈત્રાયણી સંહિતા પ્રમાણે સ્ત્રીની સરખામણી મદિરા સાથે કરવામાં આવી હતી. મહિલાઓનો ઉપનયન અધિકાર ધટતો ગયો .રામાયણ- મહાભારત કાળના ઉલ્લેખ પ્રમાણે અયોધ્યામાં સીતા ગેરહાજરીમાં રામ સીતાની મૂર્તિ સાથે રાખી યજ્ઞ કરે છે જે યજ્ઞના કાર્યમાં સ્ત્રીની અનિવાર્ય ઉપસ્થિતિ સૂચવે છે.ઉપરાંત દશરથના યુધ્ધમાં કૈકેયી ની ઉપસ્થિતિ સ્ત્રીની મહત્તા સૂચવે છે. મહર્ષિ ભવભૂતિના મુજબ આત્રેયી વાલ્મિકી આશ્રમમાં વેદાંતની શિક્ષા લવ-કુશ સાથે લીધી હતી.આમ ભારતના ઇતિહાસમાં મહિલાઓની સ્થિતિ સબંધે હંમેશા ઉતાર-ચઢાવ આવતો રહ્યો છે.

મોર્યયુગ (ઇ.પૂ ૩૨૨ –ઇ.પૂ ૧૮૪ લગભગ. )

આ યુગમાં સ્ત્રીઓનુ સ્થાન ભારતની અન્ય સમકાલીન સંસ્કૃતિઓના પ્રમાણમાં આદરપૂર્ણ હતુ. સ્ત્રી પત્નિ તરીકે ‘ગૃહસ્વામિની’ કહેવાતી. કહેવાતા ઉચ્ચ અને ગરીબવર્ગ સિવાય સામાન્ય રીતે એકપત્નિત્વનું ચલણ હતું. સ્ત્રીઓ લગ્ન કર્યા વિના પણ જીવન ગુજારતી હતી. આવી સ્ત્રીઓ ‘જરત્કુમારી’ તરીકે ઓળખાતી. સંતતિ માટે લગ્ન આવશ્યક મનાતુ અપરણિત સ્ત્રીઓના બાળકો ‘કામીન’ તરીકે ઓળખાતા હતા. સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકતી હતી. અષ્ટાધ્યાયીમાં જણાવ્યા પ્રમાણે કેટલીક સ્ત્રીઓ ‘આચાર્યા’ હતી. પરુષની જેમ સ્ત્રીઓ સન્યાસ લઇ શકતી. આવી સ્ત્રીઓ ‘કુમારશ્રવણા’ તરીકે ઓળખાતી હતી. કૌટિલ્ય અને મેગેસ્થિનિઝના મુજબ સ્ત્રીઓ અંગરક્ષક તરીકે અને ગણિકાઓ ગુપ્તચર તરીકે પણ કાર્ય કરતી.

ગુપ્તયુગ (ઇ.પૂ ૩૨૨ –ઇ.પૂ ૧૮૪ લગભગ. )

ગુપ્તયુગને ભારતના ઇતિહાસમાં ‘સુર્વણયુગ’ તરીકે ઓળખવામાં આવે છે.અને તે સ્ત્રીઓના હકો માટે પણ અગત્યનો હતો. આ બાબતને ટેકો આપતા કેટલાક પુરાવા પણ છે. જેમકે ગુપ્ત યુગની રાજકુમારી પ્રભાવતી ગુપ્તાએ લાબાં સમય સુધી રાજ્ય વહીવટ ક્યો હતો. અજંતાના ગૂફા ચિત્રોમાં સ્ત્રીઓને સ્વતંત્ર વિહાર કરતી દર્શાવાયી છે. ગુપ્તયુગમાં શિક્ષણના વિકાસને કારણે સ્ત્રીઓના શિક્ષણમાં પણ વૃધ્ધિ થઇ હતી. આ ઉપરાંત શાતકર્ણી રાજાઓ પોતાના નામ સાથે તેમની માતાનું નામ લખાવતા હતા. દા.ત ગોમતીપુત્ર શાતકર્ણી

વિદેશમાં રોમના પતનની ગુપ્ત યુગ પર પણ અસર થઇ ધીમે ધીમે વિનગરીકરણની અસર હેઠળ ભારતમાં સંસ્કૃતિઓનુ નિર્માણ થયુ હતુ .આ પરિવર્તને મહિલાઓના જીવન પર આમુલ અસર જન્માવી હતી.બદલાતા ભારતમાં મહિલાઓની સ્થિતિમાં પર ઉતારચઢાવ આવ્યો હતો. પ્રાચિન ભારતમાં સ્ત્રીસશક્તિકરણનો અભ્યાસ કરતાં જણાય છે કે મહિલાઓની સ્થિતિ હમેંશા સ્થિર રહી નથી. નવાઇની વાત તો એ છે કે ભારતમાં સ્ત્રીને કદી ખેડુત તરીકેનો દરજ્જો મળ્યો નથી. જ્યારે ખેતીની શરુઆત સાથે મહિલાઓને સબંધી સિધ્ધાંત મળે છે. ઉપરાંત ખેતીના વિકાસમાં સ્ત્રીઓનો બહુમુલ્ય ફાળો છે.જે કઇ પુરાવા મળે છે તે ચોક્કસ વર્ગની અને રાજાશાહી કુટુંબની મહિલાઓ વિશે મળે છે. આર્થિક અસમાનતાની જેમ મહિલાઓની સ્થિતિ પણ સ્વાભાવિક રીતે સમાન ન હતી. જો કે પ્રાચીન ભારતમાં મહિલાઓની સ્થિતિ સમજવી જટિલ છે.આટલા નાના શોધપત્રમાં પ્રાચિન ભારતમાં સ્ત્રીશક્તિકરણને પ્રસ્તુત કરવું અઘરું છે. આજે સ્ત્રીઓ વિશેના વિવિધ અભ્યાસ માટે પ્રાચિનભારતમાં મહિલાઓની સ્થિતિ અંગે ડોકિયુ કરવુ અનિવાર્ય છે.

*************************************************** 

પ્રા.ઉર્વિક પટેલ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,
કાછલ, તા.મહુવા જિ.સુરત.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us