logo

મલ્ટીબ્રાન્ડ રીટેલમાં ૫૧% વિદેશી મુડી રોકાણના ફાયદા અને ગેરફાયદા

ભારતના નબળા વડા પ્રધાન તરીકેની છાપ મેળવી ચૂકેલા ડો. મનમોહનસિંહે અચાનક મજબૂત નિર્ણયો લેવા માંડયા છે. વડા પ્રધાન ડો. મનમોહનસિંહે પોતાની બીજી મુદતમાં આર્થિક ઉદારીકરણનો દોર આગળ ધપાવતા મલ્ટિબ્રાન્ડ રીટેલ ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણને છૂટ આપી દીધી છે. સરકારે 14 નવેમ્બર, 2011 ના રોજ મલ્ટિબ્રાન્ડ ક્ષેત્રે 51 ટકા જ્યારે સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા રોકાણ વિદેશી મૂડીરોકાણકારો માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી હતી, પરંતુ વિપક્ષ તથા તૃણમૂલ કોંગ્રેસના વિરોધને કારણે તેનો અમલ મોકૂફ રખાયો હતો.

હવે સરકારે કોઇ પણ પક્ષની પરવા કર્યા વગર મલ્ટીબ્રાન્ડ રીટેલ ક્ષેત્રે 51 ટકા FDI ને મંજૂરી આપી દીધી છે. મલ્ટીબ્રાન્ડ રીટેલ ક્ષેત્રે FDI ને મંજૂરી મળતા વૈશ્વિક રિટેલ કંપનીઓ જેવી કે વોલમાર્ટ, ટેસ્કો તથા કેફોર્ડ વગેરે ભારતમાં પોતાના સ્ટોર ખોલી શકશે. આવી કંપનીઓ ભારતીય કંપનીઓના સહયોગથી સ્ટોર ખોલી શકશે તેમજ ભારતના ગ્રાહકોને સીધું વેચાણ કરી શકશે. આવી કંપનીઓની ભાગીદારી 51 ટકા રહેશે. મલ્ટીબ્રાન્ડ રીટેલ ઉપરાંત સરકારે ઉડ્ડયન તેમજ પ્રસારણ ક્ષેત્રે પણ FDI ને મંજૂરી આપી હતી. સરકારે ઉડ્ડયન ક્ષેત્રે 49 ટકા તથા પ્રસારણ ક્ષેત્રે 74 ટકા વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપી હતી.

મહત્વના નિર્ણયો

  1. જે તે રાજયોમાં મલ્ટીબ્રાન્ડ રીટેઇલ સ્ટોર ખોલવાની અંતિમ મંજૂરી રાજ્ય સરકારશ્રી તરફથી મેળવવાની રહેશે. જે તે રાજ્ય સરકારનો નિર્ણય અંતિમ ગણાશે.
  2. તેમના સ્ટોર્સ ફકત એવા શહેરોમાં સ્થાપી શકાશે કે જેની વસ્તી 10 લાખથી વધુ હોય. હાલમાં ભારતમાં એવા 53 શહેરો છે. ગ્રામ્ય ક્ષેત્રમાં વેચાણ કરવાની મંજૂરી તેમને આપેલ નથી.
  3. મલ્ટીબ્રાન્ડ રીટેઇલરોએ તેમની ખરીદીના 30 ટકા નાના કદના એવા સ્થાનિક એકમો (Local Small Enterprises) કે જેમનું પ્લાન્ટ અને મશીનરીમાં કુલ રોકાણ 5 કરોડથી ઓછું હોય તેમની પાસેથી ખરીદી કરવી ફરજિયાત છે.
  4. મલ્ટીબ્રાન્ડ રીટેઇલમાં સીધા વિદેશી મૂડીરોકાણ (F.D.I) ની 51% છૂટ આપવી.
  5. તેમાંથી ઓછામાં ઓછા 50% બેક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ જરૂરી. બેક-એન્ડમાં કોલ્ડ ચેઇન, સ્ટોરેજ, વેયર હાઉસિંગ, પ્રોસેસિંગ, પેકેજિંગનો સમાવેશ, પરંતુ જમીનનું ભાડું કે તેની કિંમત, ફ્રન્ટ એન્ડ વેચાણના ખર્ચનો બેક એન્ડ ખર્ચ કે રોકાણમાં સમાવેશ નહીં કરી શકાય.
  6. સિંગલ બ્રાન્ડ રિટેઇલમાં સીધા વિદેશી મૂડીરોકાણ (F.D.I) ની 100% છૂટ આપવી.
  7. ઓછામાં ઓછું 100 મિલિયન ડોલરનું કંપની દીઠ રોકાણ જરૂરી.
  8. કૃષક ઉત્પાદનોની ખરીદી કરવાનો પહેલો અધિકાર સરકારશ્રીનો રહેશે.
ફાયદા

મલ્ટીબ્રાન્ડ રીટેઇલનાં ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણ આવવાથી કૃષિક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવાનો પર્યાપ્ત અવસર પ્રાપ્ત થશે. અત્યાર સુધી કૃષિ ઉત્પાદનો માટેનાં સંગઠિત બજારનો અભાવ હતો. હાલમાં સરકાર G.D.P ના 4 ટકાથી પણ ઓછા રૂપિયા કૃષિ પર ખર્ચ કરી રહી છે.

વિદેશી મૂડીરોકાણથી વોલમાર્ટ, ટેસ્કો, કેફોર્ડ જેવી કંપનીઓ જથ્થાબંધ નાણાં ભારતીય અર્થવ્યવસ્થામાં રોકાણ કરશે. તેઓ માર્કેટ યાર્ડ કે એજન્ટો પાસેથી નહિ, પરંતુ સીધા ખેડૂતો પાસેથી કૃષિ ઉત્પાદનોની ખરીદી કરશે, જેથી ખેડૂતોને પણ પોતાના ઉત્પાદનોની પૂરતી આવક મળી રહેશે.

એજન્ટ વ્યવસ્થા નાબૂદ થશે. ઉપરાંત ગ્રાહકોને પણ તુલનાત્મક રીતે ઉત્પાદનો સસ્તી કિંમતે મળી રહેશે. વળી વધુ કંપનીઓ વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ સર્જાવાથી ગ્રાહકોને પસંદગી માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે અને ઓછી કિંમતે ઉચ્ચ ગુણવતા વાળા ઉત્પાદનો પ્રાપ્ત થશે. ઉપંરાત આ કંપનીઓ ખેડૂતો સાથે કોન્ટ્રાકટ ફાર્મિગ અને કોર્પોરેટ ફાર્મિગ જેવા મોડેલ દ્રારા વૈજ્ઞાનિક ધોરણો ખેતી ને પ્રોત્સાહન આપશે.

જેથી ગ્રામ્ય ક્ષેત્રમાં ક્રેડિટ માર્કેટનો વિકાસ થશે અને ખેડૂતો બેંકો પાસેથી લોન મેળવી શકશે ઉપરાંત બેક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ખાનગી રોકાણ વધવાથી કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસિંગ, પ્રોસેસિંગ અને પેકેજિંગ ની સુવિધાઓ વધશે અને ખાધ્ય પદાર્થોને સડતા અટકાવી શકાશે અને લાંબા સમય સુધી સચવાઇ રહેશે અને ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં પણ રોજગારીની નવી તકોનું સર્જન થશે.

રીટેઇલ ક્ષેત્રમાં આવતા 3 વર્ષમાં 3 મિલિયન રોજગારીનું સર્જન થવાની શકયતા છે.આવતા 5 વર્ષમાં ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ થવાનું અંદાજ છે. આંતરીક બજારોમાં આ નાંણાનો પ્રવાહ વધવાથી દ્રીઅંકી ફુગાવો કાબૂમા આવશે, જેથી મોંઘવારી ઘટશે. ઉપરાંત હાલમાં સ્થાનિક મોટા રિટેઇલરો ફ્યુચર ગ્રૂપ, ટાટા, રિલાયન્સને વિદેશી રોકાણ પ્રાપ્ત કરવાની તક વધશે. સરકારની શરતી મંજૂરી (30% ખરીદી નાના કદના એકમો પાસેથી ફરજિયાત કરવી)ના કારણે નાના કદના એકમોને પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.

ગેરફાયદા

દેશના 400 બિલિયન ડોલરનું માર્કેટ કે જે ભારતમાં અસંગઠિત ક્ષેત્રની આજીવિકાની કરોડરજ્જુ સમાન છે તેને વિદેશી કંપનીઓના હાથોમાં સોંપવું દેશ માટે અત્યંત ઘાતક સિધ્ધ થઇ શકે તેમ છે. દુનિયાભરના દેશોનો અનુભવ છે કે સંગઠિત રિટેઇલના પ્રવેશ બાદ અમેરિકા, યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયા દરેક દેશોમાં નાના દુકાનદારો લગભગ સમાપ્ત થઇ ગયા છે. સરકારશ્રીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP) ના મતાનુસાર આ કંપનીઓના રોકાણથી સપ્લાય ચેઇન, કોલ્ડ સ્ટોરેજ, વેયર હાઉસની સુવિધાઓ વધશે, પરંતુ સરકારે 12 વર્ષ પહેલાં જ કોલ્ડ સ્ટોરેજના ક્ષેત્રોમાં વિદેશી રોકાણની છૂટ આપેલી જ છે. તેમ છતાં હજુ સુધી વધારે પ્રગતિ થઇ નથી. કોલ્ડ સ્ટોરેજમાં સરકાર પોતે રોકાણ કરતી નથી અને વિદેશી રોકાણકારોને છૂટ આપીને નાના દુકાનદારોને નુકસાન પહોંચાડી રહી છે. કિંમતો ઉપર નિયંત્રણ આવવાનો સરકારનો તર્ક ખોટો પુરવાર થયો છે. અને કાળા બજાર તેમજ સટ્ટાખોરીને સર્મથન મળ્યુ છે. હાલમાં ભારતીય બજારમાં માલસામાનનું ઉત્પાદનથી માંડીને ગ્રાહકો સુધી માલ પહોંચાડવાની કમગીરી ઘણા તબક્કાઓ માંથી પસાર થાય છે આથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે છે જયારે સંગઠિત ક્ષેત્રમાં વિતરણ પધ્ધતિ જુદી હોવાથી રોજગારી ઘટશે. આ કંપનીઓ પાણીના ભાવે કૃષિ ઉત્પાદનો ખરીદશે તે સમયે ખેડૂતો આ કંપાનીઓને પોતાના કૃષિ ઉત્પાદનો વેચવા માટે મજબૂર થશે કારણ કે તેમની પાસે કોઇ વિકલ્પ હશે નહિ.

ઉપસંહાર

દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ મલ્ટીબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ રિટેઇલની આ નીતિના ફાયદા અને ગેરફાયદા રહેવાના જ. પરંતુ તેને વધુ શરતો સાથે ભારતીય વાતાવરણને અનુરૂપ મંજૂરી આપવામાં આવે તો તેનો પૂર્ણ લાભ ઉઠાવી શકાય તેમ છે.

*************************************************** 

હેતલ એન. પરમાર
અધ્યાપક સહાયક
શ્રી કે.કા શસ્ત્રી કોર્મસ કોલજ
મણિનગર (પૂર્વ) અમદાવાદ

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us