logo

શિક્ષણમાં સ્નાતકના પ્રશિક્ષણાર્થીઓ માટે પ્રોજેકટ પદ્ધતિ અંગેના પ્રશિક્ષણ કાર્યક્ર્મની રચના અને અજમાયશ


સારાંશ

શિક્ષક-પ્રશિક્ષણ સંસ્થાઓમાં શિક્ષક બનવા માટેની તાલીમ આપવામાં આવે છે. શિક્ષક માટે જરૂરી તમામ કાર્યો તાલીમાર્થીઓ પાસે કરાવવામાં આવે છે. તેમ છતાં કેટલીક બાબતોમાં જયાં પ્રાયોગિક ધોરણે કાર્ય થઇ શકે ત્યાં પણ સૈદ્ધાંતિક માહિતીનું ભારણ આપવામાં આવે છે. કેટલાંક કાર્ય યંત્રવત રીતે કરવામાં આવે છે જેના પરિણામે ઘણી બધી સમસ્યાઓનું નિર્માણ થાય છે. પ્રસ્તુત મુદ્દાઓને ધ્યાનમાં લઇ સંશોધકે શિક્ષક-પ્રશિક્ષણ સંસ્થાઓમાં કરવામાં આવતી પ્રશિક્ષણની પ્રક્રિયામાં નાવીન્યકરણ લાવવાનો પ્રયાસ કર્યો. અનુભવ દ્વારા સાબિત થયું કે પ્રોજેકટ કાર્યને જો પ્રોજેકટ પદ્ધતિના સોપાનો આધારિત બનાવવામાં આવે તો અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા ઘણી જ અસરકારક બને છે. જેના પરિણામે તાલીમાર્થીઓમાં સર્જનાત્મકશક્તિ, અભિનયકલા, અર્થઘટનશક્તિ, તર્કશક્તિમાં વધારો થાય છે. વળી, પ્રસ્તુત સંશોધનના પરિણામો ચકાસતાં જોવા મળ્યું કે, પ્રોજેકટ પદ્ધતિના સોપાનો દ્ગારા પ્રોજેકટ કાર્ય બનાવવામાં શિક્ષણ પદ્ધતિની સાર્થક અસર જોવા મળે છે. જયારે જાતીયતા અને સિદ્ધિકક્ષાની કોઇ અસર થતી નથી તેમજ, તેમની શિક્ષણ પદ્ધતિ સાથેની આંતરક્રિયાની પણ કોઇ સાર્થક અસર થતી નથી. પરંતુ શિક્ષણ પદ્ધતિ અને પ્રવાહની સાર્થક અસર જોવા મળે છે.

પ્રસ્તાવના

૧૯મી સદીના પ્રારંભકાળે ભારત દેશમાં શિક્ષકો માટેની તાલીમ આપવાની શરૂઆત થઇ ચૂકી હતી. જેને આપણે સાંપ્રત સમયમાં શિક્ષક પ્રશિક્ષણની તાલીમ તરીકે ઓળખીએ છીએ.શિક્ષક-પ્રશિક્ષણ કાર્યક્રમ દરમિયાન શિક્ષકને એક સુસજ્જ શિક્ષક બનાવવા માટે વિવિધ કૌશલ્યો, પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, વિવિધ સાધનોનું નિર્માણ કરવું તથા આ સાધનોની મદદથી પોતાનું શિક્ષણકાર્ય કઇ રીતે નાવીન્યસભર બનાવવું વગેરે અંગે સૈદ્ધાંતિક માહિતી નહીં પરંતુ સ્વાનુભવ મેળવવાના પ્રયોગ અને અવલોકન અર્થે આવા કાર્યો કરાવવામાં આવે છે.પ્રોજેકટ પદ્ધતિ દ્વારા શિક્ષણમાં ક્રિયા દ્વારા શિક્ષણ અને અનુભવ દ્વારા શિક્ષણ આપવાનો મુખ્ય હેતુ રહેલો છે. વિધાર્થીઓ કોઇ ચોક્કસ, મુદ્દા સંદર્ભે તેના કારણો જાણી તેના ઉકેલ માર્ગો જાતે શોધે તેવા પ્રકારની આ પદ્ધતિ છે. જેમાં વિધાર્થી અનુભવ દ્વારા શિક્ષણ મેળવે છે. સાથે સાથે સમૂહમાં કઇ રીતે કાર્યો કરી શકાય તેની વિભાવના સારી રીતે સ્વાનુભવે સમજી શકે છે. આ ઉપરાંત વિધાર્થીઓ પોતાના વિચારો અન્ય સમક્ષ કઇ રીતે વ્યકત કરી શકે તથા અન્યના વિચારોનો સ્વીકાર કરવા જેવી બાબતો પણ પ્રોજેકટ પદ્ધતિ દ્વારા સમજી શકે છે.

સંશોધનના હેતુઓ

પ્રસ્તુત સંશોધનના હેતુઓ નીચે મુજબ છે.

  1. ચારેય કોલેજના પ્રશિક્ષણાર્થીઓના બુદ્ધિઆંકોને સહચલ તરીકે લઇને વાસ્તવિક પ્રોજેકટ પદ્ધતિ દ્વારા પ્રશિક્ષણ મેળવતાં પ્રશિક્ષણાર્થીઓ, વીસીડી શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા પ્રશિક્ષણ મેળવતાં પ્રશિક્ષણાર્થીઓ અને પરંપરાગત શિક્ષણ પદ્ધતિ દ્વારા પ્રશિક્ષણ મેળવતાં પ્રશિક્ષાર્થીઓની ઉત્તર કસોટીની સુધારેલી સરાસરીઓની તુલના કરવી.
  2. બુદ્ધિઆંકને સહચલ તરીકે લેતાં ચારેય કોલેજના પ્રાયોગિક (વીસીડી) જૂથનાં પ્રશિક્ષણાર્થીઓના ઉત્તર કસોટીની સુધારેલી સરાસરીઓની તુલના કરવી.
  3. બુદ્ધિઆંકને સહચલ તરીકે લેતાં પ્રોજેકટ પદ્ધતિ એકમ પરની ઉત્તર કસોટીની સુધારેલી સરાસરી પર શિક્ષણ પદ્ધતિ, જાતીયતા અને તેની આતંરક્રિયાની અસર તપાસવી.
  4. બુદ્ધિઆંકોને સહચલ તરીકે લેતાં પ્રોજેકટ પદ્ધતિ એકમ પરની ઉત્તર કસોટીની સુધારેલી સરાસરી પર શિક્ષણ પદ્ધતિ, પ્રવાહ અને તેની આંતરક્રિયાની અસર તપાસવી.
  5. બુદ્ધિઆંકોને સહચલ તરીકે લેતાં પ્રોજેકટ પદ્ધતિ એકમ પરની ઉત્તર કસોટીની સુધારેલી સરાસરી પર શિક્ષણ પદ્ધતિ, સિદ્ધિકક્ષા અને તેની આંતરક્રિયાની અસર તપાસવી.
  6. ચારેય કોલેજના વાસ્તવિક પ્રોજેકટ પદ્ધતિ દ્વારા પ્રશિક્ષણ મેળવતાં પ્રશિક્ષણાર્થીઓ, વીસીડી શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા પ્રશિક્ષણ મેળવતાં પ્રશિક્ષણાર્થીઓ અને પરંપરાગત શિક્ષણ પદ્ધતિ દ્વારા પ્રશિક્ષણ મેળવતાં પ્રશિક્ષણાર્થીઓમાં પ્રોજેકટ અંગેની રૂપરેખાના સરાસરી પ્રાપ્તાંકોની તુલના કરવી.
સંશોધનની ઉત્કલ્પનાઓ

પ્રસ્તુત સંશોધન માટે નીચે મુજબની ઉત્કલ્પનાઓ રચવામાં આવી હતી.
  1. ચારેય કોલેજના પ્રશિક્ષણાર્થીઓના બુદ્ધિઆંકને સહચલ તરીકે લઇને વાસ્તવિક પ્રોજેકટ પદ્ધતિ દ્વારા પ્રશિક્ષણ મેળવતાં પ્રશિક્ષણાર્થીઓ, વીસીડી શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા પ્રશિક્ષણ મેળવતાં પ્રશિક્ષણાર્થીઓ અને પરંપરાગત શિક્ષણ પદ્ધતિ દ્વારા પ્રશિક્ષણ મેળવતાં પ્રશિક્ષણાર્થીઓની ઉત્તર કસોટીની સુધારેલી સરાસરીઓ વચ્ચે કોઇ અર્થસૂચક તફાવત નહીં હોય.
  2. બુદ્ધિઆંકોને સહચલ તરીકે લેતાં ચારેય કોલેજના પ્રયોગિક (વીસીડી) જૂથના પ્રશિક્ષણાર્થીઓના ઉત્તર કસોટીની સુધારેલી સરાસરીઓ વચ્ચે કોઇ અર્થસૂચક તફાવત નહીં હોય.
  3. બુદ્ધિઆંકને સહચલ તરીકે લેતાં પ્રોજેકટ એકમ પરની ઉત્તર કસોટીની સુધારેલી સરાસરી પર
    • શિક્ષણ પદ્ધતિની કોઇ અર્થસૂચક અસર નહીં હોય,
    • જાતીયતાની કોઇ અર્થસૂચક અસર નહીં હોય,
    • શિક્ષણ પદ્ધતિ અને જાતીયતાની આંતરક્રિયાની કોઇ અર્થસૂચક અસર નહીં હોય.
  4. બુદ્ધિઆંકોને સહચલ તરીકે લેતા પ્રોજેકટ પદ્ધતિ એકમ પરની ઉત્તર કસોટીની સુધારેલી સરાસરી પર
    • શિક્ષણ પદ્ધતિની કોઇ અર્થસૂચક અસર નહીં હોય,
    • પ્રવાહની કોઇ અર્થસૂચક અસર નહીં હોય,
    • શિક્ષણ પદ્ધતિ અને પ્રવાહની આંતરક્રિયાની કોઇ અર્થસૂચક અસર નહીં હોય.
  5. બુદ્ધિઆંકોને સહચલ તરીકે લેતા પ્રોજેકટ પદ્ધતિ એકમ પરની ઉત્તર કસોટીની સુધારેલી સરાસરી પર
    • શિક્ષણ પદ્ધતિની કોઇ અર્થસૂચક અસર નહીંં હોય,
    • સિદ્ધિકક્ષાની કોઇ અર્થસૂચક અસર નહી હોય,
    • શિક્ષણ પદ્ધતિ અને સિદ્ધિકક્ષાની આંતરક્રિયાની કોઇ અર્થસૂચક અસર નહીં હોય.
  6. ચારેય કોલેજના વાસ્તવિક પ્રોજેકટ પદ્ધતિ દ્વારા પ્રશિક્ષણ, વીસીડી શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા પ્રશિક્ષણ અને પરંપરાગત શિક્ષણ પદ્ધતિ દ્વારા પ્રશિક્ષણ મેળવતાં પ્રશિક્ષણાર્થીઓના પ્રોજેકટ અંગેની રૂપરેખાના સરાસરી પ્રાપ્તાંકો વચ્ચે કોઇ અર્થસૂચક તફાવત નહીં હોય.
વ્યાપવિશ્વ અને નમૂનાની પસંદગી

પ્રસ્તુત સંશોધન માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન ૧૫ બી.એડ્. કોલેજોમાં અભ્યાસ કરતાં પ્રશિક્ષણાર્થીઓ સંશોધન માટેનું વ્યાપવિશ્વ હતું. જેમાંથી પ્રસ્તુત સંશોધન માટે નમૂનાની પસંદગી બે તબક્કા માટે કરવામાં આવી હતી.

  • વાસ્તવિક પ્રોજેકટ પદ્ધતિ દ્વારા પ્રશિક્ષણ માટેના મુખ્ય પ્રયોગનો નમૂનો:


  • વાસ્તવિક પ્રયોગના નમૂના માટે હાથવગા સહેતુક નમૂના તરીકે નારણ લાલા બી.એડ્ કોલેજ, નવસારીને પસંદ કરવામાં આવી હતી. આ કોલેજમાં વર્ષ ૨૦૦૬-૦૭માં અભ્યાસ કરતાં પ્રશિક્ષણાર્થીઓમાંથી ૧૮ પ્રશિક્ષણાર્થીઓને નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

  • વીસીડી શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા પ્રશિક્ષણ માટેના મુખ્ય પ્રયોગનો નમૂનો:


  • સંશોધકે વાસ્તવિક પ્રોજેકટ પદ્ધતિ દ્વારા આપેલ પ્રશિક્ષણનું જીવંત વિડીયો રેકોર્ડિંગ કરાવ્યું હતું. વિડીયો રેકોર્ડિંગનું સંપાદન કાર્ય કરાવ્યા બાદ વીસીડી શૈક્ષણિક કાર્યક્રમની રચના કરી હતી. મુખ્ય પ્રયોગ માટે સંશોધક દ્વારા વ્યાપવિશ્વમાંથી યાદચ્છિક નમૂના પસંદગીની પદ્ધતિમાંથી લોટરી પદ્ધતિ દ્વારા ચાર બી.એડ્. કોલેજોને નમૂના તરીકે પસંદ કરવામાં આવી.

    નમૂના માટે પસંદ પામેલ ચાર બી.એડ્ કોલેજોના પ્રશિક્ષણાર્થીઓને પ્રાયોગિક (વીસીડી) જૂથ અને નિયંત્રિત જૂથમાં વહેચવા માટે યાદચ્છિક વહેચણીની રીતે પ્રશિક્ષણાર્થીઓની બી.એડ્. પદ્ધતિઓને ધ્યાનમાં રાખી જૂથો પાડવામાં આવ્યા હતા. આમ, અંતિમ નમૂના તરીકે પસંદ પામેલ ચાર બી.એડ્. કોલેજના કુલ ૧૭૫ પ્રશિક્ષણાર્થીઓને પ્રાયોગિક (વીસીડી) જૂથ અને કુલ ૧૭૫ પ્રશિક્ષણાર્થીઓને નિયંત્રિત જૂથ માટે એમ કુલ ૩૫૦ પ્રશિક્ષણાર્થીઓને નમૂનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.

ઉપકરણોની પસંદગી અને રચના

પ્રસ્તુત સંશોધન માટે બે પ્રકારના ઉપકરણોની રચના કરવાનું પસંદ કર્યું હતું.
  1. સંશોધક દ્વારા સ્વરચિત ઉપકરણો:
    • સામાન્ય માહિતી પત્રક
    • લક્ષ્યકસોટી
    • અભિપ્રાયાવલિ
    • પ્રોજેકટ કાર્યની રૂપરેખાના મૂલ્યાંકન પત્રક
  2. પ્રમાણિત ઉપકરણ (બુદ્ધિમાપન માટે)

  3. કે.જી.દેસાઇ શાબ્દિક – અશાબ્દિક સમૂહ બુદ્ધિ કસોટી (૧૯૯૨)
  4. સંશોધન પ્રયોગ માટેના ઉપકરણો:

  5. પ્રસ્તુત સંશોધનના વાસ્તવિક પ્રયોગનો હેતુ પ્રશિક્ષણાર્થીઓને સ્વાનુભવે શિક્ષણ આપવાનો હતો. પરિણામે સમગ્ર વાસ્તવિક પ્રયોગ દરમિયાન પ્રશિક્ષણાર્થીઓએ ટેપ-ટ્રાન્સપરન્સી કાર્યક્રમ, નાટકના સંવાદની સ્ક્રિપ્ટ, પ્રશ્નોની રચના, કમ્પ્યુટર સી.ડી. કાર્યક્રમ, ચિત્ર-ટેપ કાર્યક્ર્મ, ચાર્ટ-ટેપ કાર્યક્રમ જેવા ઉપકરણો પ્રયોગ દરમિયાન સંશોઘકે પોતે જ જૂથમાં પ્રયોગ દરમિયાન તૈયાર કરવાના હતા,

સંશોધનની યોજના

પ્રાયોગિક સંશોધનની અનેક યોજનાઓ પૈકી પ્રસ્તુત સંશોધન માટે માત્ર ઉત્તર કસોટી નિયંત્રિત જૂથ યોજનાને અનુસરવામાં આવી હતી. જેને નીચે મુજબ ચાર્ટમાં દર્શાવી છે.

માત્ર ઉત્તર કસોટી નિયંત્રિત જૂથ યોજના
પ્રાયોગિક જૂથ (સંખ્યા ૧૭૫) નિયંત્રિત જૂથ (સંખ્યા ૧૭૫)

દેસાઇ શાબ્દિક અશાબ્દિક સમૂહ બુદ્ધિકસોટી (સમય ૪૦ મિનિટ)

દેસાઇ શાબ્દિક અશાબ્દિક સમૂહ બુદ્ધિકસોટી (સમય ૪૦ મિનિટ)
વીસીડી શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા પ્રશિક્ષણ (સમય ૬૦ મિનિટ) પરંપરાગત શિક્ષણપદ્ધતિ દ્વારા પ્રશિક્ષણ (સમય ૬૦ મિનિટ)

પસંદગીના વિષય પર પ્રોજેકટ કાર્યની રૂપરેખા

(સમય ૯૦ મિનિટ)

પસંદગીના વિષય પર પ્રોજેકટ કાર્યની રૂપરેખા

(સમય ૯૦ મિનિટ)



અંકશાસ્ત્રીય પૃથક્કરણની પદ્ધતિ

પ્રસ્તુત સંશોધનમાં માહિતીનું પૃથક્કરણ કરવા માટે સંશોધનના હેતુઓ અને ઉત્કલ્પનાઓને ધ્યાનમાં રાખીને અંકશાસ્ત્રીય પ્રયુક્તિ નક્કી કરવામાં આવી હતી. જેમાં સહવિચરણ પૃથક્કરણ, ૩x૨, ૩x૩ આવયવિક સહવિચરણ પૃથક્કરણ, એકમાર્ગીય વિચરણ પૃથક્કરણ તથા સમાન સંભવ દ્વારા કાઇવર્ગ મૂલ્ય ગણવામાં આવ્યું હતું.

તારણો

  1. ચારેય કોલેજના પ્રશિક્ષણાર્થીઓના બુદ્ધિઆંકોને સહચલ તરીકે લઇ વાસ્તવિક જૂથ, પ્રાયોગિક (વીસીડી) જૂથ અને નિયંત્રિત જૂથના પ્રશિક્ષણાર્થીઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની તુલના કરતાં જણાય છે કે, ચારેય કોલેજો સંદર્ભે પ્રશિક્ષણાર્થીઓ પ્રોજેકટ પદ્ધતિ એકમ વિશે વાસ્તવિક રીતે આપેલ પ્રશિક્ષણ એ વીસીડી શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા પ્રશિક્ષણ કરતાં વઘારે અસરકારક હતું.
  2. ચારેય કોલેજના પ્રાયોગિક (વીસીડી) જૂથના પ્રશિક્ષણાર્થીઓના બુદ્ધિઆંકને સહચલ તરીકે લઇ પ્રાયોગિક (વીસીડી) જૂથના પ્રશિક્ષણાર્થીઓના ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની તુલના કરતાં જણાય છે કે,પ્રોજેકટ પદ્ધતિ એકમ વિશેના વીસીડી શૈક્ષણિક કાર્યક્રમ દ્વારા આપેલ પ્રશિક્ષણ માટે ચારેય કોલેજના પ્રાયોગિક (વીસીડી) જૂથો વચ્ચે તફાવત જોવા મળે છે.
  3. બુદ્ધિઆંકોને સહચલ તરીકે લેતા ઉત્તર કસોટીના પ્રાપ્તાંકો ઉપર શિક્ષણ પદ્ધતિ, જાતીયતા અને તેઓ વચ્ચેની આંતરક્રિયાની થતી અસર તપાસતાં જણાય છે કે, ઉત્તર કસોટી પરના પ્રાપ્તાંકો પર શિક્ષણ પદ્ધતિની સાર્થક અસર થાય છે, જ્યારે જાતીયતાની કોઇ સાર્થક અસર થતી નથી તથા શિક્ષણ પદ્ધતિ અને જાતીયતાની આંતરક્રિયાની કોઇ સાર્થક અસર થતી નથી.
  4. બુદ્ધિઆંકોને સહચલ તરીકે લેતા ઉત્તર કસોટીના પ્રાપ્તાંકો ઉપર શિક્ષણ પદ્ધતિ, પ્રવાહ અને તેઓ વચ્ચેની આંતરક્રિયાની થતી અસર તપાસતાં જણાય છે કે, ઉત્તર કસોટી પરના પ્રાપ્તાંકો પર શિક્ષણ પદ્ધતિની સાર્થક અસર થાય છે, પ્રવાહની પણ અસર જોવા મળે છે, જ્યારે શિક્ષણ પદ્ધતિ અને પ્રવાહની આંતરક્રિયાની કોઇ સાર્થક અસર થતી નથી.
  5. બુદ્ધિઆંકોને સહચલ તરીકે લેતા ઉત્તર કસોટીના પ્રાપ્તાંકો ઉપર શિક્ષણ પદ્ધતિ, સિદ્ધિકક્ષા અને તેઓ વચ્ચેની આંતરક્રિયાની થતી અસર તપાસતાં જણાય છે કે, ઉત્તર કસોટી પરના પ્રાપ્તાંકો પર શિક્ષણ પદ્ધતિની સાર્થક અસર થાય છે, જ્યારે સિદ્ધિકક્ષાની કોઇ સાર્થક અસર થતી નથી તથા શિક્ષણ પદ્ધતિ અને સિદ્ધિકક્ષાની આંતરક્રિયાની પણ કોઇ સાર્થક અસર થતી નથી.
  6. ચારેય કોલેજના પ્રશિક્ષણાર્થીઓના વાસ્તવિક જૂથ, પ્રાયોગિક (વીસીડી) જૂથ અને નિયંત્રિત જૂથના પ્રોજેકટ અંગેની રૂપરેખા પરના પ્રાપ્તાંકોની તુલના કરતાં જણાય છે કે, નિયંત્રિત જૂથ કરતાં વાસ્તવિક જૂથ અને વાસ્તવિક જૂથ અને પ્રાયોગિક જૂથ કરતાં પ્રાયોગિક જૂથના પ્રશિક્ષણાર્થીની પ્રોજેકટ કાર્યની રૂપરેખાની રચના સંદર્ભે સિદ્ધિ સૌથી ઊંચી છે.

સંદર્ભો::

  1. ઉચાટ ડી.એ (૧૯૯૨). વિચરણ પૃથક્કરણ. રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
  2. પારેખ, બી.યુ. અને ત્રિવેદી, એમ.ડી. (૧૯૯૪). શિક્ષણમાં આંકડાશાસ્ત્ર. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.
  3. શાહ, ડી.બી. (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.
  4. Best. J.W. (1990). Research in Education. New Delhi: Prentice Hall of India Ltd.
  5. Sidney Siegel & N. John (1988). Non-Parametric Statistics. Singapore: McGraw Hill Book Company.

*************************************************** 

ડૉ. દીપિકા બી. શાહ
પ્રોફેસર, શિક્ષણ વિભાગ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
સુરત.

ડૉ. રાકેશ એન. પટેલ
ઇન્ચાર્જ આચાર્ય,
નારણ લાલા ઇન્સ્ટીટયૂટ ઑફ ટીચર એજ્યુકેશન,
નવસારી.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us