logo

બી. એડ્.ના પ્રશિક્ષણાર્થીઓના પ્રાયોગિક પાઠોનું ચિંતનાત્મક અધ્યાપન: એક અભ્યાસ

સારાંશ

બી. એડ્.ના પ્રશિક્ષણાર્થીઓ બી. એડ્.માં અભ્યાસ કરે ત્યારે તેમણે પ્રોયગિક પાઠો આપવાના હોય છે. પ્રાયોગિક પાઠ આપતા પૂર્વે, પાઠ આપે તે દરમિયાન અને પાઠ પૂર્ણ થયા બાદ શું ચિંતન કરે છે? તે જાણવા અધ્યેતાએ પ્રસ્તુત વિષય પર સંશોધન હાથ ધરવાનું નક્કી કર્યુ હતું. સંશોધનનો મુખ્ય હેતુ બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓના પ્રાયોગિક પાઠોના ચિંતનાત્મક અધ્યાપન અંગે જાણકારી મેળવવાનો હતો. પ્રસ્તુત સંશોધન માટે સર્વેક્ષણ પધ્ધતિનો ઉપયોગ કર્યો હતો. સંશોધન માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન છ શિક્ષણ મહાવિદ્યાલયોના ૬૦૦ પ્રશિક્ષણાર્થીઓને નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઉપકરણ તરીકે પ્રશ્નાવલિનો માહિતી એકત્રીકરણ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. માહિતી પૃથક્કરણ અને તારણોની વિગતે ચર્ચા સંશોધન પેપરમાં કરવામાં આવી છે.

પ્રસ્તાવના

શિક્ષણની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રવર્તમાન સમયમાં આ પ્રક્રિયાને ગુણવત્તાસભર બનાવવી જરૂરી છે. શિક્ષણની આ પ્રક્રિયાની ગુણવત્તાનો આધાર શિક્ષકની ગુણવત્તા પર રહેલો છે, અને શિક્ષકની ગુણવત્તાનો આધાર તેના પ્રશિક્ષણ કાર્યક્રમની ગુણવત્તા ઉપર રહે છે. પ્રશિક્ષણ કોલેજોમાં પ્રશિક્ષણાર્થીઓએ પ્રાયોગિક પાઠો આપવાના હોય છે. પ્રશિક્ષણાર્થીઓને અપાતા પ્રાયોગિક પાઠમાં અનુભવની યથાર્થતાને પ્રશિક્ષણાર્થી સ્વયં ચિંતનાત્મક અભિગમ દ્વારા ઓળખી શકે પણ આ ત્યારે જ શકય બને જ્યારે પ્રશિક્ષણાર્થી પોતે સમસ્યા અનુભવતા હોય અને તેના મનમા પ્રશ્ન ઉદ્‍ભવતા હોય.
અધ્યેતા શિક્ષણ મહાવિદ્યાલયમાં વ્યાખ્યાતા છે. જેથી તેમને લાગ્યું કે શું પ્રશિક્ષણાર્થીઓ પ્રાયોગિક પાઠની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વૈચારિક પ્રક્રિયામાંથી પસાર થાય છે. પોતાના એકમના અધ્યાપન આયોજનની પૂર્વે શું તે પર્યાપ્ત ચિંતન કરે છે? અધ્યાપન દરમિયાન સાથોસાથ ચિંતન પ્રક્રિયા ચાલુ રહે છે? અધ્યાપન સમાપન પછી પણ તેને અનુસંધાને ચિંતન કરે છે? ત્રણ તબક્કાના ચિંતન કરે છે? એ જાણવા માટે અધ્યેતાએ પ્રસ્તુત વિષયની પસંદગી કરી હતી.

સંશોધનના હેતુઓ

પ્રસ્તુત સંશોધન નીચેના હેતુઓ સંદર્ભમાં હાથ ધરવામાં આવ્યો હતો.

  1. બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓના એકમના સંદર્ભમાં થતાં ચિંતન અંગે જાણકારી મેળવવી.
  2. બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓનું અધ્યાપન પૂર્વે થતાં ચિંતન અંગે જાણકારી મેળવવી.
  3. બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓનું અધ્યાપન દરમિયાન થતાં ચિંતન અંગે જાણકારી મેળવવી.
  4. બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓનું અધ્યાપન બાદ થતાં ચિંતન અંગે જાણકારી મેળવવી.
સંશોધન પધ્ધતિ

પ્રસ્તુત સંશોધનમાં અધ્યેતાએ પ્રશિક્ષણાર્થીઓની પ્રાયોગિક પાઠો અંગેના ચિંતનાત્મક અધ્યયનનો અભ્યાસ કરવાનો હોવાથી સર્વેક્ષણ પધ્ધતિનાં સંશોધન પધ્ધતિ તરીકે ઉપયોગ કર્યો હતો.

વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી

પ્રસ્તુત સંશોધનમાં ૩૨ શિક્ષણ મહાવિદ્યાલયોમાંથી ૧૮.૭૫ % નમૂના પ્રમાણે કુલ છ શિક્ષણ મહાવિદ્યાલયો યાદચ્છિક પધ્ધતિએ પસંદગી કરવામાં આવી હતી. આમ, નમૂના તરીકે છ શિક્ષણ મહાવિદ્યાલયોના વર્ષ ૨૦૦૯-૧૦ના સર્વે પ્રશિક્ષણાર્થીઓને અર્થાત કુલ ૬૦૦ પ્રશિક્ષણાર્થીઓ નમૂનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.

ઉપકરણોની પસંદગી અને સંચરના

પ્રસ્તુત સંશોધનમાં અધ્યેતાએ માહિતી એકત્રીકરણ માટે બે પ્રકારના સ્વરચિત ઉપકરણોની પસંદગી કરી હતી.

  1. બંધ પ્રશ્નાવલિ
  2. મુક્ત જવાબી પ્રશ્નાવલિ
બંધ પ્રશ્નાવલિમાં ચાર વિભાગો પાડી ૬૭ પ્રશ્નોની રચના કરી હતી. મુક્ત જવાબી પ્રશ્નાવલિમાં દસ મુક્ત જવાબી પ્રશ્નો મુકવામાં આવ્યા હતા.

માહિતી પૃથક્કરણની રીત

અધ્યેતાએ તૈયાર કરેલ બંધ પ્રશ્નાવલિની પ્રશિક્ષણાર્થીઓએ દર્શાવેલ હા/ના ના ઉત્તરોને આધારે દરેક પ્રશ્નની આવૃત્તિ પરથી તેની ટકાવારી શોધવામાં આવી હતી. ઉપરાંત મુક્ત જવાબી પ્રશ્નાવલિનું તરેહ સ્વરૂપે પૃથક્કરણની ગુણાત્મક પધ્ધતિએ પૃથક્કરણ કરવામાં આવ્યુ હતું.

સંશોધનના તારણો
  1. પ્રશિક્ષણાર્થીઓ પોતાની પસંદગીના એકમ વખતે વિષયવસ્તુ અંગે વિચાર કરી સારું શિક્ષણકાર્ય કરાવી શકે છે.
  2. ક્યા વિષયપ્રવેશ દ્વારા વિદ્યાર્થી શીખવવાની પરિસ્થિતિમાં આવશે એ અંગે ચિંતન કરે છે.
  3. પાઠ દરમિયાન વિષયવસ્તુ ક્રમિક રીતે રજુ થાય તેમજ સરળ ઉદાહરણ, સુદ્ઢકોનો ઉપયોગ કરે છે.
  4. પાઠ આયોજન મુજબ પાઠની ક્રમિકતા, પધ્ધતિનો ઉપયોગ કરે છે.
  5. પાઠના અંતે આયોજન મુજબ પાઠ આપ્યાનો સંતોષ અનુભવે છે.

સંદર્ભ સૂચિ::

  1. અંધારિયા, રવિન્દ્ર. (૨૦૦૫). ચિંતનાત્મક શિક્ષણસિધ્ધાંત અને વ્યવહાર.અમદાવાદઃ યુનિવર્સીટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
  2. ઉચાટ, ડી.એ. (૨૦૦૬). ગુણાત્મક સંશોધન (પ્રથમ આવૃત્તિ). રાજકોટ: શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી.
  3. ભોગાયત ચંદ્રકાંત. (૨૦૦૩). અધ્યાપન પ્રયોજીત મનોવિજ્ઞાન. અમદાવાદ :પાર્શ્વ પબ્લિકેશન.
  4. શાહ ડી. બી. (૨૦૦૯). શૈક્ષણિકસંશોધન (દિશાદર્શન). અમદાવાદ : પ્રમુખ પ્રકાશન.
  5. Kanawala, S. C. (2003). Gujarat Journal of Psychology, 5, January-March 2005. Ahmedabad : Gujarat Academy of Psychology.
  6. Pollard Andrew, Janet Collins, Mandy Maddoclr, Neil Simco, Sue Swapfield, Jo Warin and Paul Warwick (2006). Reflective teaching (2nd Edition). London : Viva Continuum.

*************************************************** 

હેતલ જે. પટેલ
(એમ. એ., એમ.એડ્., એમ.ફિલ)
આસિસ્ટન્ટ પ્રોફેસર,
શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન,
વેસુ, ભરથાણા, સુરત.
(મો.) ૯૭૨૫૯૬૩૬૨૨.
ઈ- મેઈલ - patelhetal733@yahoo.com

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us