logo

ચોર્યાસી તાલુકાની માધ્યમિક શાળાઓના શિક્ષકો અને શિક્ષિકાઓના કાર્યસંતોષનો તુલનાત્મક અભ્યાસ

સારાંશ

કોઈપણ કાર્યમાંથી વ્યક્તિને જો સંતોષ પ્રાપ્ત થાય તો તે કાર્ય ગુણવત્તાસભર બને છે. શિક્ષકોએ ભારતના ભાવિને ઘડનારા છે. જો ભારતના ભાવિને ગુણવત્તાપુર્ણ બનાવવું હોય તો શિક્ષકોમાં કાર્યસંતોષ હોવો જરૂરી છે. આથી અધ્યેતાએ શિક્ષકોના વ્યાવસાયિક સંતોષ અંગેના અભિપ્રાયો કેવા છે? વ્યવસાયની સલામતી અને સેવાના નિયમો અંગેના અભિપ્રાયો કેવા છે? વગેરે જાણવા પ્રસ્તુત વિષય પર અભ્યાસ હાથ ધરવાનું નક્કી ર્ક્યું હતું. અભ્યાસનો મુખ્ય હેતુ ચોર્યાસી તાલુકાની માધ્યમિક શાળાઓના શિક્ષકો અને શિક્ષિકાઓના કાર્યસંતોષનો તુલનાત્મક અભ્યાસનો હતો. પ્રસ્તુત અભ્યાસ માટે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. અભ્યાસ માટે ચોર્યાસી તાલુકાની માધ્યમિક શાળાઓના ૨૫૨ શિક્ષકો પસંદ કરવામાં આવ્યા હતા. અભ્યાસ માટે ઉપકરણ તરીકે પ્રશ્નાવલિ અને અભિપ્રાયવલિનો માહિતી એકત્રીકરણ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. માહિતી પૃથક્કરણ અને તારણોની વિગતે ચર્ચા સંશોધન પેપરમાં કરવામાં આવી છે

પ્રસ્તાવના

ગુણવત્તા સુધારણાનું બીજું નામ એટલે કાર્યસંતોષ. જે કાર્યથી સંતોષ મળતો હોય તે કામ ગુણવત્તાપુર્ણ હોય છે. કાર્યસંતોષ (Job Satisfaction) શબ્દ વિશાળ પરિમાણ સાથે સંકળાયેલો શબ્દ છે. જ્યાં જ્યાં વ્યવસાય (Job) હોય ત્યાં ત્યાં સંતોષ (Satisfaction) નો પ્રશ્ન ઉદ્‍ભવે જ છે. શિક્ષણ એ વ્યવસાય છે. વળી આ વ્યવસાયમાં વ્યક્તિ જીવતા માનવસમુહો સાથે સંકળાયેલ છે. જો વ્યક્તિને પોતાને પોતાના કામનો સંતોષ ન મળે તો અન્યને કે સામેના વ્યક્તિને સંતોષ ક્યાંથી અને કેવી રીતે મળે? ૨૧ મી સદીમાં સમાજની શિક્ષણ અને શિક્ષક પાસે ધણી અપેક્ષાઓ છે. શિક્ષક તેના વ્યવસાય દ્વારા ચોક્કસ પ્રકારના મૂલ્યો કે અસર ઉભી કરે છે. એ તેના કાર્યનું પરિણામ છે. આ બધા પરિણામોથી તેને સંતોષ મળે છે. આમ, કાર્યસંતોષ એ વ્યવસાયનો પ્રાણ છે. જો વ્યક્તિ કાર્ય કરે અને સંતોષ ન મળે તો વ્યવસાય નિષ્પ્રાણ બની જવા સંભવ છે. આમ કાર્ય સંતોષ અને તે પણ શિક્ષકના વ્યવસાયમાં ખૂબ જરૂરી છે. આથી શિક્ષકો અને શિક્ષિકાઓ વ્યાવસાયિક સંતોષ અંગે શું અભિપ્રાયો ધરાવે છે? તે જાણવા માટે માધ્યમિક શાળાના શિક્ષકોના વ્યાવસાયિક સંતોષ અંગે અભ્યાસ હાથ ધરવાનું ઉચિત લાગ્યું.

હેતુઓ

  1. ચોર્યાસી તાલુકાની માધ્યમિક શાળાઓના સ્ત્રી અને પુરૂષ શિક્ષકોના વ્યવસાય અંગેના કાર્યસંતોષનો તુલનાત્મક અભ્યાસ કરવો.
  2. ચોર્યાસી તાલુકાની માધ્યમિક શાળાઓના સ્ત્રી અને પુરૂષ શિક્ષકોના વેતન સંબંધી તથા બઢતીની તકો સંબંધી સંતોષનો તુલનાત્મક અભ્યાસ કરવો.
  3. માધ્યમિક શાળાઓના સ્ત્રી અને પુરૂષ શિક્ષકોનો વ્યવસાયની સલામતી અને સેવાના નિયમો અંગેના કાર્યસંતોષનો તુલનાત્મક અભ્યાસ કરવો.
  4. માધ્યમિક શાળાઓના સ્ત્રી અને પુરૂષ શિક્ષકોનો શાળા પરિવારના સહકાર તથા આચાર્યના વ્યવહાર અંગેના કાર્યસંતોષનો તુલનાત્મક અભ્યાસ કરવો.
  5. માધ્યમિક શાળાઓના સ્ત્રી અને પુરૂષ શિક્ષકોનો અભ્યાસક્રમ અને વર્ગખંડ અધ્યાપન અંગેના કાર્યસંતોષનો તુલનાત્મક અભ્યાસ કરવો.
સંશોધન પદ્ધતિ

પ્રસ્તુત અભ્યાસ માટે સર્વેક્ષણ પદ્ધતિ પસંદ કરવામાં આવી હતી.

વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી

પ્રસ્તુત અભ્યાસ માટે વ્યાપવિશ્વ ચોર્યાસી તાલુકાની માધ્યમિક શાળાઓના તમામ સ્ત્રી અને પુરૂષ શિક્ષકોનું બનેલું હતું. જેમાંથી ૪૨ શાળાની યાદચ્છિક નમૂના પદ્ધતિથી પસંદ કર્યા બાદ તે શાળાઓમાંથી કુલ ૨૫૨ શિક્ષકો પૈકી ૧૨૬ સ્ત્રી શિક્ષિકાઓ અને ૧૨૬ પુરૂષ શિક્ષકોને સહેતુક નમૂના પદ્ધતિથી પસંદ કરવામાં આવ્યા હતા.

ઉપકરણ

પ્રસ્તુત અભ્યાસ માટે માહિતી એકત્રીત કરવા વિષયને અનુરૂપ બે ઉપકરણોનો વિનિયોગ કરેલ હતો.
  1. કાર્યસંતોષ પ્રશ્નાવલિ (પ્રમાણિત ઉપકરણ) રચયિતા : પ્રમોદકુમાર અને ડી. એન. મુથા
  2. અભિપ્રાયવલિ (સ્વરચિત ઉપકરણ)
માહિતી પૃથક્કરણની રીત

પ્રશ્નાવલિ પર શિક્ષકોએ આપેલા પ્રતિચારોના પૃથક્કરણ માટે ટકાવારી શોધવામાં આવી હતી. જ્યારે અભિપ્રાયવલી પર આપેલા પ્રતિચારોના પૃથક્કરણ માટે સરેરાશ ભારાંક શોધી અગ્રતાક્રમ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ વિકલ્પો પર આવૃત્તિ પ્રાપ્ત થઈ તેનો કાઈવર્ગ શોધી વિધાનની સાર્થકતા શોધવામાં આવી હતી.

અભ્યાસના તારણો
  1. ચોર્યાસી તાલુકાની માધ્યમિક શાળાઓના સ્ત્રી અને પુરૂષ શિક્ષકોને ભણાવવામાં આનંદ આવે છે.
  2. સ્ત્રી અને પુરૂષ શિક્ષકોને સારા કાર્યનું ફળ મળતું નથી.
  3. ચોર્યાસી તાલુકાની માધ્યમિક શાળાઓના શિક્ષકો તેમને મળતા પગારથી સંતુષ્ટ છે. જેમાં સ્ત્રી શિક્ષકો પુરૂષ શિક્ષકો કરતા વધુ સંતુષ્ટ જણાયા.
  4. ચોર્યાસી તાલુકાની માધ્યમિક શાળાના શિક્ષકોને વ્યવસાયમાં મળતી બઢતીથી સંતોષ હતો.
  5. ચોર્યાસી તાલુકાની માધ્યમિક શાળાના શિક્ષકોને આજના સેવા સંબંધી નિયમોથી સંતોષ નથી. જેમાં પુરૂષોનો અસંતોષ સ્ત્રી કરતા વધારે હતો.
  6. ચોર્યાસી તાલુકાની માધ્યમિક શાળાના શિક્ષકોને લાગે છે કે તેમની સંસ્થા શિક્ષકોન્મુખ છે. જેમાં સ્ત્રી શિક્ષકો પુરૂષ શિક્ષકો કરતા વધુ સમંત હતા.
  7. માધ્યમિક શાળાના કર્મચારીઓ પારિવારિક ભાવના ધરાવે છે. જેમાં સમંતિ તરફ સ્ત્રી શિક્ષક કરતાં પુરૂષ શિક્ષકો ઓછા હતા.
  8. શાળાની દરેક પ્રવૃત્તિમાં આચાર્યનું માર્ગદર્શન મળે છે. જેમાં સમંતિમાં સ્ત્રી કરતાં પુરૂષ શિક્ષકો ઓછા હતા.
  9. વિઘાર્થીની વયકક્ષાને અનુરૂપ અભ્યાસક્રમની રચના થતી નથી. જેમાં સમંતિમાં સ્ત્રી શિક્ષકો કરતાં પુરૂષ શિક્ષકો વધુ છે.
  10. શાળામાં શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરે છે. જેમાં સ્ત્રી શિક્ષકો પુરૂષ શિક્ષકો કરતાં વધુ સમંત હતા.

સંદર્ભ સૂચિ::

  1. અગ્રવાલ જે. સી. (૧૯૯૧). શૈક્ષણિકસંશોધન. નવી દિલ્હી: આર્ય બુક ડેપો.
  2. ઉચાટ, ડી. એ., જોષી, એચ. ઓ., દોંગા, એન. એસ. અને અંબાસણા. એ. (૧૯૯૮).
  3. સંશોધનનુંઅહેવાલલેખનશીરીતેકરશો? રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત.
  4. ઉચાટ, ડી. એ. (૨૦૦૦). સંશોધનનીવિશિષ્ટપદ્ધતિ. રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,ગુજરાત.
  5. જરારે, વિ. (૧૯૯૫). શોધપદ્ધતિ. જયપુર : એ. વી. ડી. પબ્લિસર્સ, રાજસ્થાન.
  6. શાહ, ડી. બી. (૨૦૦૪). શૈક્ષણિકસંશોધન. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,ગુજરાત રાજ્ય.
  7. Allen V. D. (1996). Understanding Educational Research.New York: Mc Graw Hill.
  8. Kothari R. C. (1988). Research Methodology. New Delhi: Wiley Eastern Ltd.

*************************************************** 

દેવાંગના એ. પટેલ
(M. Com, M. Ed., M. Phil)
આસિસ્ટન્ટ પ્રોફેસર,
શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન, વેસુ, ભરથાણા, સુરત.
Email: devangna_p@yahoo.com
(મો.) ૯૭૨૭૭ ૦૭૧૧૧

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us