logo

સ્વનિર્ભર શિક્ષણ મહાવિધાલયોના અધ્યાપકોને નવવિચારના અમલીકરણ સંદર્ભે મૂંઝવતા પ્રશ્નો – એક અભ્યાસ

સારાંશ

શિક્ષણક્ષેત્રમાં જયારથી સ્વનિર્ભર સંસ્થાઓનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારથી સંચાલક મંડળોનું પ્રભુત્વ શિક્ષણક્ષેત્રને ડહોળાવી રહ્યું હોવાનું છેલ્લા કેટલાંક વર્ષોથી શિક્ષકો તથા અધ્યાપકો અનુભવી રહ્યા છે. પરિણામે, પરિવર્તનશીલ પ્રવર્તમાન યુગમાં નવવિચારોનું અમલીકરણ કરવું કઠિન બની ગયું છે. તેવા સંજોગોમાં નવવિચારોના અમલીકરણ માટે સ્વનિર્ભર શિક્ષણ મહાવિઘાલયોનાં અધ્યાપકો કઇ કઇ સમસ્યાઓ અનુભવી રહ્યા છે તે જાણવા માટે અધ્યેતાએ અભ્યાસ હાથ ધર્યો હતો.

અધ્યેતાનો અભ્યાસનો મુખ્યહેતુ સ્વનિર્ભર શિક્ષણ મહાવિઘાલયોનાં અધ્યાપકોને નવવિચારના અમલીકરણ સંદર્ભે મૂંઝવતા પ્રશ્નો જાણવાનો હતો. હેતુની સિધ્ધિ અર્થે અધ્યેતાએ સુરત જિલ્લાની સ્વનિર્ભર શિક્ષણ મહાવિઘાલયોનાં વ્યાપવિશ્વમાંથી સુરત શહેરની છ શિક્ષણ મહાવિઘાલયો સહેતુક નમૂના પસંદગીની પદ્ધતિએ નમૂના તરીકે પસંદ કરી હતી તેમજ નમૂનામાં પસંદ કરાયેલી મહાવિઘાલયોનાં અધ્યાપકોની નમૂનાપાત્ર તરીકે પસંદગી કરીને તેમની પાસેથી માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી. અધ્યેતાએ માહિતી પ્રાપ્ત કરવા માટે ઉપકરણ તરીકે અભિપ્રાયાવલિની પસંદગી કરી હતી. અભિપ્રાયાવલિમાં વિભાગ ‘અ’ અંતર્ગત કુલ ૩૦ વિધાનો અને વિભાગ ’બ’ અંર્તગત બે મુક્ત જવાબી પ્રશ્નોને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. અધ્યાપકો પાસેથી પ્રાપ્ત થયેલ માહિતીનું સંખ્યાત્મક રીતે ટકાવારી અને કાઇ – વર્ગ શોધીને અને મુક્ત પ્રતિચારોનું ગુણાત્મક પૃથક્કરણ કરવામાં આવ્યું હતું.
પૃથક્કકરણને આધારે તારણો પ્રાપ્ત થયા હતા જેને વિગતે આ પેપરમાં આપ્યા છે.

પ્રસ્તાવના

શિક્ષણક્ષેત્રમાં જયારથી સ્વનિર્ભર સંસ્થાઓનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારથી સંચાલક મંડળોનું પ્રભુત્વ શિક્ષણક્ષેત્રને ડહોળાવી રહ્યું હોવાનું છેલ્લા કેટલાંક વર્ષોથી શિક્ષકો તથા અધ્યાપકો અનુભવી રહ્યા છે.પરિણામે, પરિવર્તનશીલ પ્રવર્તમાન યુગમાં નવવિચારોનું અમલીકરણ કરવું કઠિન બની ગયું છે. તેવા સંજોગોમાં નવવિચારોના અમલીકરણ માટે સ્વનિર્ભર શિક્ષણ મહાવિઘાલયોનાં અધ્યાપકો કઇ કઇ સમસ્યાઓ અનુભવી રહ્યા છે તે જાણવા માટે અધ્યેતાએ પ્રસ્તુત અભ્યાસ હાથ ધર્યો હતો.

અભ્યાસના હેતુઓ
પ્રસ્તુત અભ્યાસ નીચેના હેતુઓ સર હાથ ધરાયો હતો.

  1. સ્વનિર્ભર્ શિક્ષણ મહાવિઘાલયોના અધ્યાપકોને નવવિચારના અમલીકરણ સંદર્ભે મૂંઝવતા પ્રશ્નો જાણવા.
  2. સ્વનિર્ભર શિક્ષણ મહાવિઘાલયોના અધ્યાપકોને નવવિચારના અમલીકરણ સંદર્ભે મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ અંગેના સૂચનો પ્રાપ્ત કરવા.
અભ્યાસના પ્રશ્નો
પ્રસ્તુત અભ્યાસના હેતુ આધારિત પ્રશ્નો નીચે મુજબ હતા:

  1. સ્વનિર્ભર શિક્ષણ મહાવિઘાલયોના અધ્યાપકોને નવવિચારના અમલીકરણ સંદર્ભે કઇ કઇ મૂંઝવણો અનુભવે છે ?
  2. સ્વનિર્ભર શિક્ષણ મહાવિઘાલયોના અધ્યાપકોને નવવિચારના અમલીકરણ સંદર્ભે મૂંઝવતા પ્રશ્નોના કયા કયા ઉકેલ સૂચવે છે ?
અભ્યાસનું મહત્વ
પ્રસ્તુત અભ્યાસનું મહત્વ નીચે મુજબ દર્શાવેલ છે.
  1. પ્રસ્તુત અભ્યાસ દ્વારા અધ્યાપકોના નવવિચારોના અમલીકરણ સંદર્ભે મૂંઝવતા પ્રશ્નો જાણી શકાશે.
  2. પ્રસ્તુત અભ્યાસ દ્વારા નવવિચારોના અમલીકરણ સંદર્ભે મૂંઝવતા પ્રશ્નોના સંભવિત ઉકેલો સૂચવી શકાશે.
  3. પ્રસ્તુત અભ્યાસ અન્ય પ્રશિક્ષણ કોલેજના અધ્યાપકોને નવવિચારોના અમલીકરણ સંદર્ભે સહાયરૂપ નીવડશે.
  4. પ્રસ્તુત અભ્યાસ આ પ્રકારના અભ્યાસો હાથ ધરનારને દિશાસૂચકરૂપ નીવડશે.
  5. પ્રસ્તુત અભ્યાસ દ્વારા સંચાલક મંડળ તેમજ આચાર્યોને પણ નવી દિશા ચીંધી શકાશે.
અભ્યાસની મર્યાદા
પ્રસ્તુત અભ્યાસને નીચે મુજબ મર્યાદિત કરવામાં આવ્યો હતો.
  1. પ્રસ્તુત અભ્યાસ સ્વનિર્ભર શિક્ષણ મહાવિઘાલયો પૂરતો મર્યાદિત હતો.
  2. પ્રસ્તુત અભ્યાસ સુરત શહેરની શિક્ષણ મહાવિઘાલયો પૂરતો સીમિત કરાયો હતો.
  3. પ્રસ્તુત અભ્યાસ સંબંધિત માહિતી પ્રાપ્ત કરવા માટે ઉપકરણ તરીકે માત્ર અભિપ્રાયાવલિ અને મુક્ત જવાબી પ્રશ્નોની પસંદગી કરવામાં આવી હતી.
  4. પ્રસ્તુત અભ્યાસ માત્ર સર્વેક્ષણ પદ્ધતિએ જ હાથ ધરવામાં આવ્યો હતો.
અભ્યાસ – પદ્ધતિ
શિક્ષણ મહાવિઘાલયોના અધ્યાપકોને નવવિચારોના અમલીકરણ સંદર્ભે મૂંઝવતા પ્રશ્નો સંબંધિત માહિતી પ્રાપ્ત કરવા માટે અધ્યેતાએ સર્વેક્ષણ પદ્ધતિએ જ અભ્યાસ હાથ ધર્યો હતો.

વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી :

સુરત જિલ્લાની સ્વનિર્ભર શિક્ષણ મહાવિઘાલયો પ્રસ્તુત અભ્યાસનું વ્યાપવિશ્વ બન્યું હતું. પરંતુ સમગ્ર વ્યાપવિશ્વનો અભ્યાસ ન થઇ શકતાં નમૂના પસંદગીની વિવિધ પદ્ધતિઓ પૈકી અધ્યેતાએ સહેતુક નમૂના પસંદગીની પદ્ધતિએ સુરત શહેરની પાંચ સ્વનિર્ભર શિક્ષણ મહાવિઘાલયોની નમૂના તરીકે પસંદગી કરી હતી.

ઉપકરણ પસંદગી

પ્રસ્તુત અભ્યાસ માટે હેતુ સંબંધિત માહિતી પ્રાપ્ત કરવા માટે અધ્યેતાએ સંપૂર્ણ સંમત, અંશત:, સંમત, તટસ્થ, અંશત: અસંમત તથા સંપૂર્ણ અસંમત એમ પાંચ બિંદુવાળી અભિપ્રાયાવલિની રચના કરી હતી. અભિપ્રાયાવલિને અંતે બે મુક્ત જવાબી પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

માહિતી એકત્રીકરણની રીત

પ્રસ્તુત અભ્યાસ સંબંધિત માહિતી એકત્રિત કરવા માટે અધ્યેતાએ સૌ પ્રથમ શિક્ષણ મહાવિઘાલયોના આચાર્યનો સંપર્ક સાધીને મંજૂરી મેળવ્યા બાદ પ્રતિનિધિઓ દ્વારા કુલ ૪૨ અભિપ્રાયાવલિઓ અધ્યાપકોને આપવામાં આવી હતી. તેમાંથી માત્ર ૩૫ અભિપ્રાયાવલિઓ સંપૂર્ણ ભરીને પરત કરવામાં આવી હતી. અધ્યાપકો પાસેથી અભિપ્રાયાવલિ દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી.

માહિતી પૃથક્કરણની રીત

પ્રસ્તુત અભ્યાસ સંબંધિત પ્રાપ્ત થયેલી માહિતીનું સંખ્યાત્મક તેમજ ગુણાત્મક પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. જેમાં સાંખ્યિક માહિતીની ટકાવારી અને કાઇ – વર્ગ શોધવામાં આવ્યા હતા, જયારે મુક્ત પ્રતિચારોની આવૃત્તિ મેળવી ગુણાત્મક પૃથક્કરણ કરવામાં આવ્યું હતું.

અભ્યાસનાં તારણો
પૃથક્કરણના આધારે નીચે મુજબનાં તારણો પ્રાપ્ત થયાં હતા :
  1. નવવિચારોના અમલીકરણ સંદર્ભે અધ્યાપકોને સંચાલક મંડળનો સહકાર સાંપડતો ન હતો.
  2. નવવિચારોના અમલીકરણ સંદર્ભે અધ્યાપકોને ભૌતિક સુવિધાઓ અને શૈક્ષણિક સાધનસામગ્રીનો અભાવ જણાતો હતો.
  3. કર્મચારીઓમાં સંગઠનનો અભાવ જણાતો હતો. તદ્ઉપરાંત અભ્યાસક્રમ સમયની સરખામણીમાં વધુ જણાતો હતો
  4. નવવિચારોના અમલીકરણ સંદર્ભે અધ્યાપકો તરફથી સંચાલક મંડળે સંસ્થાના વિકાસ તથા તાલીમાર્થીઓના વિકાસ માટે જરૂરી એવી સુવિધા તથા પ્રવૃત્તિ માટે નાણાંકીય છૂટ આપવી જોઇએ.
  5. તેમજ સંસ્થાના દરેક માનવધન સહકારની ભાવના કેળવી તંદુરસ્ત માનવસંબંધો સ્થાપીને શૈક્ષણિક અને નાંણાંકીય આયોજન કરવું જોઇએ. તદ્ઉપરાંત તાલીમનો સમયગાળો વધારવા માટેનાં સૂચનો પ્રાપ્ત થયા હતા.

સંદર્ભ સૂચિ::

  1. ઉચાટ, ડી.એ. (૧૯૯૮). સંશોધન અહેવાલ લેખન શી રીતે કરશો ? રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત રાજય.
  2. દેસાઇ, એચ.જી.,અને દેસાઇ, કે. જી.(૧૯૭૭). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૬ઠ્ઠી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ , ગુજરાત રાજય.
  3. શાહ, ડી. બી. (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન.. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ , ગુજરાત રાજય.
  4. શાહ, વિમલ પી. (૧૯૯૮). સંશોધન અહેવાલ લેખન., અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.

*************************************************** 

ગોય‍‍‍।ણી મુકેશ ર।મજીભ।ઈ
આસિસ્ટન્ટ પ્રોફ઼ેસર,
આર. વી. પટેલ કૉલેજ ઓફ઼ કૉમસૅ,
અમરોલી, સુરત,
(મો.) 9724847568.
Email: mukeshgoyani@yahoo.com

લ।ઠિય। ઘનશ્યામભાઇ મનજીભાઇ
મદદનીશ શિક્ષક,
બલ્ધા ડી. વી. પિઠય।ડીવ।લ।
માધ્યમિક શ।ળ।, સુરત,
(મો.)9228471180
Email: gmlathiya@gmail.com

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us