logo

ધોરણ-૯ના ગુજરાતી વિષયનાં પાઠયપુસ્તકમાં રજૂ થયેલાં કાવ્યોનો સઘન અભ્યાસ


સારસંક્ષેપ

દુનિયાની કોઇપણ ભાષાના સાહિત્ય સર્જનના પ્રારંભે પદ્ય સ્વરૂપ જોવા મળે છે. સાહિત્યને માફક આવે એવું વાહન પદ્ય છે. કવિતા શિક્ષણ એ સાહસયુક્ત કાર્ય છે. શાળામાં અપાતું કાવ્યશિક્ષણ અસંતોષ બની રહે છે, જેથી વિદ્યાર્થીઓ કવિતાથી વિમુખ બને છે. આથી વિદ્યાર્થીઓને કાવ્યનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવું જરૂરી છે. આ પ્રકારની પ્રતિતી અધ્યેતાને થતી રહી છે. જેથી કાવ્યના વિશ્ર્લેષણને રસપ્રદ અને સરળ બનાવવાના ઉપાય વિચારી શકાય એવી પ્રેરણાથી કાવ્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનું નક્કી કરી અધ્યેતાએ પ્રસ્તુત વિષય પર સંશોધન હાથ ધરવાનું નક્કી કર્યું હતું. સંશોધનનો મુખ્ય હેતુ ધોરણ-૯ના ગુજરાતી વિષયનાં પાઠયપુસ્તકમાં સમાયેલા કાવ્યોનો સઘન અભ્યાસ કરી શિક્ષકોના અભિપ્રાયો મેળવવાનો હતો. પ્રસ્તુત સંશોધન માટે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. સંશોધન માટે સુરત શહેરની ૧૦૦ શિક્ષકો નમૂના તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં. ઉપકરણ તરીકે સંશોધન ઉપરકણ અને માહિતી એકત્રીકરણનાં ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માહિતી પૃથક્કરણ અને તારણોની વિગતે ચર્ચા સંશોધન પેપરમાં કરવામાં આવી છે.

પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્ય તેના ઉગમકાળથી આજ સુધી જોઇએ તો મોટાં બે વિભાગોમાં વર્ગીકૃત થઇ શકે તેવું છે. મધ્યકાળનું ગુજરાતી સાહિત્ય અને અર્વાચીનકાળનું ગુજરાતી સાહિત્ય. દુનિયાની કોઇપણ ભાષાના સાહિત્ય સર્જનના પ્રારંભે પદ્ય સ્વરૂપ જોવા મળે છે. સાહિત્યને માફક આવે તેવું વાહન પદ્ય છે. ગદ્ય સમજવાનું કામ કરે છે. જયારે પદ્ય અનુભવાવે છે. કવિતા શી રીતે શીખવવી એ અણ ઉકેલ કોયડો રહ્યો છે. એ ભારે સાહસયુક્ત કાર્ય છે. શાળાઓમાં થતું સરેરાશ કવિતા શિક્ષણ અસંતોષજનક બની રહે છે. શિક્ષક કવિતા શીખવે છે. તેમાની કેટલેક અંશે સમજ કાચી હોય શકે છે. આવું કવિતા શિક્ષણ વિદ્યાર્થીઓને કવિતાથી વિમુખ બનાવે. આથી વિદ્યાર્થીઓને કાવ્યનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપવું જરૂરી છે. એ પ્રકારની પ્રતીતિ અધ્યેતાને થતી રહી છે. આ ઉપરાંત અધ્યેતા વિધાર્થીકાળ દરમ્યાનથી જ ગુજરાતી વિષય પ્રત્યે વિશેષ રસ ધરાવે છે. અધ્યેતા ગુજરાતી વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પણ સતત જોડાયેલાં હતાં. ગુજરાતી વિષયમાં ગદ્ય અને પદ્ય એમ બે વિભાગમાંથી અધ્યેતા પદ્ય વિભાગમાં પહેલેથી જ ખૂબ જ રસ ધરાવે છે. તેથી કાવ્યના વિશ્ર્લેષણને રસપ્રદ અને સરળ બનાવવાનો ઉપાય વિચારી શકાય એવી પ્રેરણાથી કાવ્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનું નક્કી કરીને અધ્યેતાએ પ્રસ્તુત વિષય પસંદ કર્યો.

સંશોધનના હેતુઓ

  1. ધોરણ-૯ના ગુજરાતી વિષયનાં પાઠ્યપુસ્તકમાં સમાયેલાં કાવ્યોનો સઘન અભ્યાસ કરવો.
  2. નમૂનામાં સમાવેશ થયેલ પ્રાપ્ત સામાન્ય માહિતીનું પૃથક્કરણ કરવું.
  3. પ્રત્યેક કાવ્યોના સઘન અભ્યાસનું મૂલ્યાંકન કરવું.
  4. કાવ્યોના વિશ્ર્લેષણ સંદર્ભે શિક્ષકોના અભિપ્રાયોનું અર્થઘટન કરી તારણો પ્રાપ્ત કરવા.
  5. કાવ્યોના વિશ્ર્લેષ્ણ સંદર્ભે શિક્ષકોના મુક્ત જવાબોનું ગુણાત્મક પૃથક્કરણ કરી તારણો પ્રાપ્ત કરવા.
સંશોધન પદ્ધતિ

પ્રસ્તુત સંશોધનમાં કાવ્યોનો સઘન અભ્યાસ કરવાનો હોવાથી સંખ્યાત્મક અને ગુણાત્મક સર્વેક્ષણ પદ્ધતિનો સંશોધન પધ્ધતિ તરીકે ઉપયોગ કર્યો હતો.

વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી

પ્રસ્તુત સંશોધન માટે સુરત શહેરના ૬ જૂથમાં વહેંચાયેલી કુલ-૪૦૪ શાળાઓમાંથી ૨૪.૭૫% નમૂના પ્રમાણે કુલ-૧૦૦ શાળાઓની યાદચ્છિક પદ્ધતિએ પસંદગી કરી, પ્રત્યેક શાળામાંથી ધોરણ-૯ના ગુજરાતી વિષય ભણાવનારા કુલ શિક્ષકોમાંથી શાળાવાર માત્ર બે-બે શિક્ષકોની આકસ્મિક રીતે પસંદગી કરવામાં આવી. આમ, ૧૦૦ શાળામાંથી કુલ-૨૦૦ શિક્ષકોનો સહેતુક નમૂનો પસંદ કરવામાં આવ્યો.

ઉપકરણોની પસંદગી અને સંરચના

પ્રસ્તુત સંશોધનમાં અધ્યેતાએ બે પ્રકારના સ્વરચિત ઉપકરણોની પસંદગી કરી હતી.

  1. સંશોધન ઉપકરણ
  2. માહિતી એકત્રીકરણનાં ઉપકરણો
  3. ૧. સંશોધન ઉપકરણ :
    સંશોધન ઉપકરણ તરીકે અધ્યેતાએ ધોરણ-૯ના વીસે – વીસ કાવ્યોનો સઘન અભ્યાસ મુદ્રિત સ્વરૂપે સ્વમેળે તૈયાર કર્યો હતો.
    ૨. માહિતી એકત્રીકરણનાં ઉપકરણો :
    અધ્યેતાએ માહિતી એકત્રીકરણ માટે ત્રણ પ્રકારનાં સ્વરચિત ઉપકરણોની પસંદગી કરી હતી.
    ૨.૧ બંધ પ્રશ્નાવલિ
    ૨.૨ અભિપ્રાયાવલિ
    ૨.૩ મુક્ત જવાબી પ્રશ્નાવલિ
માહિતી પૃથક્કરણની રીત

અધ્યેતાએ તૈયાર કરેલ બંધ પ્રશ્નાવલિની શિક્ષકોએ દર્શાવેલા ઉત્તરોને આધારે દરેક પ્રશ્નની આવૃત્તિ પરથી તેની ટકાવારી શોધવામાં આવી હતી. અભિપ્રાયાવલિમાં શિક્ષકોએ દર્શાવેલા અભિપ્રાયોના આધારે દરેક વિધાનની આવૃત્તિ પરથી કાઇ વર્ગ મૂલ્ય શોધવામાં આવ્યું. સરેરાશ ભારાંક અને અગ્રતાક્ર્મ પણ આપવામાં આવ્યા. ઉપરાંત મુક્ત જવાબી પ્રશ્નાવલિનું તરેહ સ્વરૂપે પૃથક્કરણની ગુણાત્મક પધ્ધતિએ પૃથક્કરણ કરવામાં આવ્યું.

સંશોધનના તારણો

  1. માધ્યમિક શાળાનાં ગુજરાતી વિષયના શિક્ષકોમાંથી ૬ માસથી ૫ વર્ષ સુધીના શૈક્ષણિક અનુભવ ધરાવનાર શિક્ષકોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.
  2. ગુજરાતી વિષયના શિક્ષકો દ્વારા કાવ્યોના સઘન અભ્યાસનાં મૂલ્યાંકનને આધારે કાવ્યોમાં કવિના પરિચય, સાહિત્ય પ્રકાર, શબ્દાર્થો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગના અર્થો, શબ્દ-સમૂહ માટે એક શબ્દ, સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ, નિપાત, સમાસ, અલંકાર, સંધિ, એકવચન, બહુવચન, કર્તરિ-કર્મણિ પ્રયોગ, છંદ, લિંગ, વિભક્તિ-પ્રત્યય, તેમજ કાવ્યોમાં મૂલ્યો અને ભાવાર્થની સમજૂતી વ્યવસ્થિત રીતે અપાય છે.
  3. કાવ્યોના સઘન અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ કાવ્યમાં રહેલાં વ્યાકરણનું ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવી શકે અને સમજપૂર્વક વાચન કરી શકે છે.
  4. કાવ્યનું આવું વિશ્ર્લેષણ શિક્ષકોને ભણાવવા માટેની તૈયારી કરવામાં અને વિષય વસ્તુની ઊંડી સમજ કેળવવા ઉપયોગી થાય છે.
  5. વિદ્યાર્થીઓની આવી રીતે તૈયારી કરાવવામાં આવે તો દરેક વિદ્યાર્થી ભણવામાં રસ દાખવશે એ ચોક્કસ છે.
  6. કાવ્યનાં સઘન અભ્યાસ દ્વારા કાવ્યનું સંકુલ દર્શન કરી શકાય છે.

સંદર્ભ::

  1. ઉચાટ, ડી. એ. જોષી, એચ. ઓ. અને દોંગા, એન. એસ. (૨૦૦૨). ગુણાત્મક સંશોધન રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,
  2. ખીમાણી, રાજેન્દ્ર, (૨૦૦૬). સાર્થ ગુજરાતી જોડણીકોશ. અમદાવાદ : ગુજરાત વિધાપીઠ.
  3. નવનીત, (૨૦૦૫).ધોરણ-૯ની ગુજરાતી નવનીત. અમદાવાદ : નવનીત પબ્લિકેશન (ઇન્ડિયા) લિમિટેડ.
  4. પટેલ, પોપટલાલ જે.(૨૦૦૫). ધોરણ-૯ની ગુજરાતી વ્યાકરણ અને લેખન. ગાંધીનગર : ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ “વિધાયન” સેકટર-૧૦-એ.
  5. પટેલ, મોહનભાઇ, પટેલ, પોપટલાલ, ચૌધરી, અમૃત, નાવડિયા, કાંતિલાલ, શુક્લ, ઉષાબહેન. (૨૦૦૫). ગુજરાતીનું ધોરણ-૯નું પાઠયપુસ્તક. ગાંધીનગર : ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ. “વિધાયન” સેકટર-૧૦-એ.
  6. રાવલ, નટુભાઇ વી. (n.d.). ગુજરાતીનું વિષયવસ્તુ (વ્યાકરણ અને લેખન સહિત). અમદાવાદ : નીરવ પ્રકાશન.
  7. શાહ, ડી.બી.(૨૦૦૪). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજય.

*************************************************** 

પ્રા. હેતલ જે.પટેલ
(M. A, M. Ed. M. Phil)
આસિસ્ટન્ટ પ્રોફેસર,
શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન,
વેસુ, ભરથાણા, સુરત.
મો. નં. ૯૭૨૫૯-૬૩૬૨૨
Email – patelhetal733@yahoo.com

ડૉ. દીપિક। બી. શ।હ
પ્રોફ઼ેસર,
શિક્ષણ વિભાગ,વી. ન. દ. ગુ. યુનિવસિૅટી,
સુરત- ૩૯૫૦૦૭.
મો. નં. ૯૮૯૮૦૭૨૨૯૧.
Email – dipi_shah@yahoo.com

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us