logo

કોમ્યુનિકેશન ........સંદેશા વ્યવહારનું સચોટ માધ્યમ


સારાંશ

કબૂતરથી કમ્પ્યુટર સુધીના અનેક કોમ્યુનિકેશનના માધ્યમો સમયની સાથે આવ્યા અને બદલાયા.....આજના ઝડપી કોમ્યુનિકેશનના સાધનોએ વિરહની વેદનાને ઓગાળી ટેન્શનના તાપને ઓછા કરી વિશ્વને એકદમ નાનકડું બનાવી આપણી સમક્ષ આજે મૂકી દીધું છે. આજે આપણી પાસે અનેક પ્રકારના કોમ્યુનિકેશનના સાધનો છે, જેવા કે ટેલિફોન, મોબાઇલ ફોન, રેડિયો, ઇન્ટરનેટ, ટેલેવિઝન વગેરે...... આદિકાળથી આધુનિક કાળ સુધી કોમ્યુનિકેશનના ઘણા માધ્યમો અસ્તિત્વમાં આવ્યા. જેવા કે ચહેરાના હાવભાવ, સાઇન લેંગ્વેજ, ભાષા, લેખન કળા, પોસ્ટ સેવા, ટેલિફોન કે ટેલિગ્રાફ, મોબાઇલ ફોન કે સેલફોન, ટેલેવિઝન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ. આમ કોમ્યુનિકેશનના માધ્યમમા સતત પરિવર્તન આવતું રહ્યું છે. જેનું વિહંગાવલોકન કરીએ. પ્રસ્તુત છે હેલો હાયની આ દુનિયાની સફર.

પ્રસ્તાવના

ટેલિફોનની રિંગ વાગે, ને આપણે પહોંચી જઈએ છીએ તે રીસીવ કરવા કોઈ પણ જાતના અચરજ વગર આપણે કેટલું સહજતાથી ‘હેલ્લો’ કહીને ફોન પર વાત શરૂ કરી દઈએ છીએ. પરંતુ જરા વિચાર્યું છે કે ટેલિફોન ન હતા ત્યારે આપણે કઈ રીતે કોમ્યુનિકેશન કરતાં હતા ? આજે જે કોમ્યુનિકેશનના સાધનો છે, જેવા કે ટેલિફોન મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, ટેલિવિઝન, રેડિયો......... વગેરે અગાઉ તો ન હોતા જ. એ વાત તો સૌ જાણે જ છે, તો પછી કોમ્યુનિકેશન કેવી રીતે થતું ? દૂર અંતરે બે વ્યક્તિઓ વચ્ચેના કોમ્યુનિકેશનની વાત તો પછીથી આવી. શું પહેલા ભાષા હતી ? માણસ પોતાની સામે જ ઊભેલી વ્યક્તિને પોતાના મનની વાત કે કોઈ માહિતિ કઈ રીતે પહોંચાડતો ? આજે આપણે સેલફોન અને ઇન્ટરનેટનું સામ્રાજ્ય કોમ્યુનિકેશન ક્ષેત્રમા જોઈએ છે તે ઘણા પરિવર્તનોને અંતે આવેલું પરિણામ છે તો શરૂઆત કરીએ આદિકાળથી........

ચહેરાના હાવભાવ :-

જેમાં આદિમાનવ પોતાની લાગણીઓ કે માહિતી સામી વ્યક્તિને જણાવવા ચહેરાના હાવભાવનો ઉપયોગ કરતો. સીધી ભાષામાં સમજવુ હોય તો તમે ક્યારેક તો નાના બાળક સાથે રમ્યા હશો કે જ્યારે તે હજી બોલતા પણ ન શીખ્યો હોય તમે તેની સાથે રમતી વખતે ચહેરા પર આનંદના કે ગુસ્સાના ભાવો લાવો છો અને તે બાળક કે જેને હજી ભાષાનું જ્ઞાન નથી. તે તરત સમજી જાય છે અને આપણા ભાવ પ્રમાણે અનુક્રમે સ્મિત કરે છે કે ચુપ થઈ જાય છે તેવી રીતે આદિ માનવ પણ ચહેરાના હાવભાવથી કોમ્યુનિકેશન કરતો.

સાઇન લેંગ્વેજ :-

કોમ્યુનિકેશનમા સાઇન લેંગ્વેજના આવવાથી પરવર્તન આવ્યું અને પથ્થર કે રેતીમાં ચિત્રો દોરીને તે પોતાની લાગણી વ્યક્ત કરતો થયો. પરંતુ તેની એક મર્યાદા હતી સામી વ્યક્તિ જો દ્રષ્ટિ સીમાથી દૂર હોય તો તે સામી વ્યક્તિને પોતાનો સંદેશો કેવી રીતે પહોંચાડી શકે ? એટલે કોમ્યુનિકેશનમા સાઇન લેંગ્વેજના આવવાથી પરિવર્તન આવ્યું. જેમ કે ધુમાડો, મોટેથી ચીસ પાડવી કે અમુક પ્રકારના અવાજ ખતરાની નિશાની ગણાતી. પરંતુ આ સાઇન લેંગ્વેજ પહેલેથી જ નક્કી કરવી પડતી.

ભાષાનો ઉદભવ અને લેખન કળા :-

કોમ્યુનિકેશનમાં પાયારૂપે પરિવર્તન લાવવામાં ભાષાનો ઉદભવનો અને લેખનકળાનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ભાષાનો વિકાસ થતા દૂત મૌખિક સંદેશો લઈ જતો. જરા યાદ કરો. મહાભારતમા પાંડવોના શાંતિદૂત તરીકે શ્રીકૃષ્ણ કૌરવો પાસે જાય છે. સંદેશાવાહક વ્યક્તિ પગપાળા સફર કરતો અને ત્યાર પછી તેમાં પરિવર્તન આવતા સફરમાં ઘોડાનો ઉપયોગ થવા લાગ્યો. લેખનકળાનો ઉદભવ થયો અને કોમ્યુનિકેશનમા વધુ એક પરિવર્તન આવ્યું. સંદેશ તામ્રપત્ર કે કપડાં પર લખવામાં આવતો અને સંદેશાવાહક જ્યાં સંદેશ પહોંચાડવાનો હોય ત્યાં ઘોડા પર જતો. તમને “ મૈંને પ્યાર કિયા ” ફિલ્મનું પેલું ગીત તો યાદ હશે જ “પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી સાજનકો દે આ કબૂતર જા જા.........” તે ફિલ્મના સમયે અચરજ પમાડે તેવો લાગ્યો હોય. પરંતુ કબૂતર દ્વારા સંદેશ મોકલવાની પધ્ધતિ વર્ષો જુની છે.

પોસ્ટ સેવા :-

આજે દેશભરમાં જ નહીં દુનિયાભરમાં પોસ્ટલ સેવા ઉપલબ્ધ છે. તમારે ફક્ત પોસ્ટકાર્ડ લખવાનો અને પોસ્ટબોક્સમાં નાખી દેવાનો આજે તમે એક શહેરમાંથી બીજા શહેરમાં, રાજ્યમાંથી બીજા રાજ્યમાં તેમજ એક દેશમાંથી બીજા દેશમાં પોસ્ટ મોકલી શકો છો અરજંટ સંદેશ મોકલવા માટે ટેલિગ્રામની સુવિધા હતી કુરિયર સર્વિસ અને આંગડિયા દ્વારા બહારગામ મોકલવાની વસ્તુ સહેલાઈથી પહોંચાડી શકાય છે. ઉપરાંત મનીઓર્ડર દ્વારા પૈસા બહારગામ રહેતા સ્વજનને પહોંચાડવાનું કામ સરળ બન્યું છે. માણસ વિચારતો જ હશે કે સંદેશો મોકલવા માટે પોસ્ટસેવા આવી એટલે હાશ........ થઈ.

ટેલિફોન કે ટેલિગ્રાફ :-

કોઇપણ માણસ સમયની બરબાદી વગર ક્ષણ વારમાં જે ફેક્સ દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની સુવિધા આવી અને ફેક્સને કારણે સંદેશ પહોંચાડવાનું કામ એ રમતની વાત થઈ ગઈ. તમે જ વિચારી શકો છો કે સંદેશ પહોંચાડવા માટેની ક્યાં એ ૪-૫ દિવસ ઠકવી નાંખનારી મુસાફરી અને ક્યાં આ સ્વિચ દબાવતા જ સંદેશ ક્ષણ વારમાં જ પહોંચાડવાની સુવિધા ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ લાઇન ૧૮૫૧ મા બ્રિટન ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે શરૂ કરવામાં આવી સને ૧૮૫૪ મા ટેલિગ્રાફની સુવિધા લોકો માટે પણ શરૂ થઈ. ત્યાર બાદ બે ટેલિફોન કંપનીઓ -ધ ઓરિએંટલ ટેલિફોન કંપની અને ધ એંગ્લો – ઈંડિયન ટેલિફોન કંપનીએ ભારતમાં ટેલિફોન એક્સ્ચેંજની સ્થાપના કરી. તે વખતે તમારે એક્સ્ચેંજમા જે નંબર લગાડવો હોય તે જણાવવો પડે અને તે એક્સ્ચેંજમાંથી નંબર લગાવીને આપવામાં આવતો. ત્યાર પછી તેમાં પરિવર્તન આવ્યું કે તમે એસ.ટી.ડી અને આઇ.એસ.ડી ની સુવિધા લૅન્ડલાઇન પર સીધી હોય તો ઘરબેઠા જ એસ.ટી.ડી અને આઇ.એસ.ડી કોલ્સ કરી શકો. અરે શરૂઆતમાં તો ટેલિફોનના મોડેલ ભારતમાં આવ્યા અને આજે જે મોડેલ આવે છે તેમાં પણ કેટલું પરિવર્તન આવ્યું છે. શરૂઆતમાં રિશીવરના બે છેડા એક કાને અને એક મો પાસે ધરીને તમારે વાત કરવી પડતી ત્યાર પછી કાળા કલરના ગોળ ડાયલવાળા ટેલિફોન આવ્યા ત્યારબાદ સ્વિચ પ્રેસ કરવાના ચોરસ મોડલ આવ્યા ત્યારબાદ કોડલેસ ફોન અને પછી પેજર.

મોબાઇલ ફોન કે સેલફોન :-

આજે મોબાઇલ ફોન કે સેલફોન આજના લોકોની ફક્ત જરૂરિયાત નહીં પણ તેમના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. માણસ દુનિયાના કોઈ પણ ખૂણે હોય, તેનો સંપર્ક કરી શકાય છે, દેશમાં અને પરદેશમાં કોલ્સ કરવા એ તો ચપટી વગાડવાનું કામ છે મોબાઇલ ફોને તો કોમ્યુનિકેશનની નવી જ ભાષા વિકસાવી છે મિસ કોલ ની “મિસ કોલ કરજે ને એટલે હું સમજી જઈશ.....” આવી ઘણી ભાષા છે મોબાઇલના “મિસ કોલ” ની. આજે મોટી મોટી બીઝનેસ ડીલ પણ મોબાઇલ પર ચપટી વગાડતા થતી હોય છે. બિઝનેશ મેન હોય કે નોકરિયાત માણસ. રિક્ષાવાળો હોય કે ઘરકામ કરતી કામવાળી બાઈ, આજે દરેક વ્યક્તિ પાસે મોબાઇલ ફોન પહોંચી ગયા છે.

રેડિયો :-

રેડિયો એ કોમ્યુનિકેશનનું એક સાધન છે જે સામાન્ય વ્યક્તિથી માંડી પૈસાદાર વ્યક્તિ પાસે હોય છે પહેલાના જમાનામા રેડિયો કાને ધરીને ક્રિકેટ મેચની કોમેંટરી લોકો ટોળે વળીને સાંભળતાં, સમાચાર સાંભળતાં એવા દ્રશ્યો ઘણી વાર જોવા મળતા. શરૂઆતમાં રેડિયો એટલે આકાશવાણી અને વિવિધભારતી જ, પરંતુ આજે તેના સ્વરૂપોમાં પરિવર્તન આવ્યું આજે આકાશવાણી ઉપરાંત ઘણા રેડિયો સ્ટેશનો ઊભા થયા છે. આજે જ્યાં જુઓ ત્યાં જુઓ ત્યાં ઘર હોય, ઓફિસ હોય, કાર હોય કે ટુ વ્હીલર પર હોય એફ.એમ. પર ગીતો સાંભળતા લોકો ચોક્કસ દેખાશે. વર્લ્ડ સ્પેસ જેવા રેડિયો સ્ટેશન ૭૦ જેટલી ચેનલ્સ ઓફર કરે છે જેમાં દરેક પ્રકારના ગીતો, ભજનો, ક્લાસિકલ ગીતો વગેરેની ચેનલ્સ ઉપલબ્ધ છે.

ટેલિવિઝન :-

લગભગ અઢી-ત્રણ દાયકા પહલા ટેલિવિઝને પગપેસારો કરવાની શરૂઆત જ કરી હતી. ત્યારે દરેક ઘરમાં ટેલિવિઝન હોવુ એ આશ્ચર્ય અને સ્ટેટસની વાત હતી અને જેના ઘરમાં ટેલિવિઝન હોય ત્યાં આસપાસના બધા ટોળે વળીને જોવા બેસતા અને આજે દરેકે દરેક ઘરમાં ટેલિવિઝન તો હોય જ છે. પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા અને આજે બ્લેક એન્ડ વ્હાઇટનો જમાનો ગયો અને રંગીન ટીવીનો જમાનો આવ્યો. આપણા વડીલોને આપણે ઘણીવાર એવું કહેતા સાંભળ્યા છે કે અમારા જમાનામાં તો આવું ન હતું કે આ બધી ખરાબ અસર ટેલિવિઝનના કારણે પડે છે. પરંતુ જરા વિચારો તે જમાનામાં ટેલિવિઝન જ ક્યાં હતું કે દુનિયાના ક્યા ખૂણે શું ચાલે છે તેની ખબર પડે ? આજે કોઈ પણ ખબર હોય તમને ટીવી પરથી તરત જાણવા મળી જાય છે.

કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ :-

આપણે હમણાં જ વાત કરી ગયા કે ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનમાં ટેલિવિઝન, રેડિયો, ટેલિફોન આવ્યા એ મહત્વના પાયારૂપ પરિવર્તનો હતા. પરંતુ મોડર્ન યુગમાં તો જાણે એના વિષે વાત કરવી એ જૂના જમાનની વાત કરવા સમાન છે અરે હા, કારણ કે હજી સૌથી મહત્વનું પરિવર્તન આવવાનું બાકી હતું. આજે ૪-૫ વર્ષના બાળકને પણ તમે કોમ્પ્યુટર પર ગેમ્સ રમતા જુઓ છો કારણ એ જ કે કોમ્પ્યુટર મોડર્ન કોમ્યુનિકેશન નું અભિન્ન અંગ બની ગયું છે. આ કોમ્પ્યુટરે આપણને ઇન્ટરનેટની સુવિધા આપી અને આપણે આપણો પત્ર ઈ-મેલ દ્વારા આ જ દેશમાં કે વિદેશમાં રહેતા સ્વજનને ૫-૧૦ મિનટમાં જ પહોંચાડી શકીએ છીએ ઇન્ટરનેટ કોમ્યુનિકેશનનું સૌથી મહત્વનું અને આગવુ પરિવર્તન કે જેનાથી સમગ્ર વિશ્વ જાણે નાનકડા કોમ્પ્યુટરમાં જ સમાઇ ગયું છે તમારા સ્વજન સાથે તમે ઇન્ટરનેટ પર ચેટિંગ (એટલે કે વાતચીત) કરી શકો છો. અરે સ્વજનને છોડો, ફેસબુક પર તમે કોઇપણ અજાણી વ્યક્તિ સાથે પણ વાત કરી ફ્રેન્ડ બનાવી શકો છો. અગાઉ જ્યારે પત્રવ્યવહાર વધુ ચાલતો ત્યારે લોકોના પેનફ્રેન્ડ બનતા હતા અને આજે ઇન્ટરનેટ ફ્રેન્ડ બને છે. અને ક્યારેક તે ફક્ત ફ્રેન્ડ નહીં પણ ફ્રેન્ડથી વિશેષ પણ બની જાય છે અને ક્યારેક તો તે લગ્નમાં પણ પરિણમે છે ઇન્ટરનેટ દ્વારા ધર્મ, જાતિ, દેશ બધા જ બંધનો તૂટયા છે અને જાણે વિશ્વ ઇન્ટરનેટના સૂત્રથી બંધાઈ ગયું છે. ઈ-મેલ દ્વારા ફક્ત સંદેશ નહીં પણ ફોટોગ્રાફ પણ પહોંચાડી શકાય છે. પરંતુ જાણે વ્યક્તિને ફક્ત ઈ-મેલ અને ચેટિંગથી ખુશી ન મળી અને તેને વેબકેમની શોધ કરી. આ કેમેરો ચેટિંગ કરતી વખતે તમારા કોમ્પ્યુટર સામે રાખો અને સામી વ્યક્તિ જાણે તમે તેની સામે જ ઊભા રહીને વાતો કરો છે એવું લાગે એ રીતે ઇન્ટરનેટ પર તમને જોઈ શકે છે.

સમાપન

કોમ્યુનિકેશનમાં પરિવર્તન એ પ્રગતિનું સૂચક છે તે દર્શાવે છે કે આપણે દુનિયાને ઝડપથી પોતાની મુઠ્ઠીમાં કે કદાચ એક નાનકડા કોમ્પ્યુટરમાં કે મોબાઇલ ફોનના મેસેજમાં સમાવી લેવા તૈયાર છીએ. તો ચાલો આપણે પણ આ નવા પરિવર્તનને આવકારીએ, અપનાવીએ પણ હા, તેના ગુલામ બની જવા જેટલું પરિવર્તન માણસને કેટલું શોભે ? તે વિચારવાનું રહ્યું.

સંદર્ભ::

  1. પરમાર, પી. શિક્ષણમાં માહિતિ અને પ્રત્યાયાન, પ્રોધોગિકી, અક્ષર પબ્લિકેશન, અમદાવાદ
  2. રાવલ, એન. શૈક્ષણિક પ્રોધોગિકી, નિરવ પ્રકાશન, અમદાવાદ
  3. પટેલ, એમ. દર્પણ પૂર્તિ, ગુજરાતમિત્ર

*************************************************** 

શિશિર જી. ટંડેલ
ઇન્ચાર્જ આચાર્ય
શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સંચાલિત બી.એડ.કૉલેજ,
ઘોડદોડ રોડ, સુરત
મોબાઇલ નં :- ૯૯૦૪૩ ૫૧૭૩૫
ઈમેલ :- shishir.tandel@yahoo.com

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us