logo

શિક્ષણમાં પ્રશ્નો અને પડકારો - Issue and Challenges in Education



પ્રસ્તાવના:

૨૧મી સદી એ વિકાસની સદી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની સદી છે. વિશ્વના મોટા ભાગના દેશો વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. દુનિયાના દરેક દેશો પોતાના ભવિષ્યને મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. વિકસિત, વિકાસશીલ કે પછાત એમ દરેક દેશ પોતાની પ્રજાની સુખાકારી વધારવા માટે વિવિધ પગલાઓ લઇ રહ્યા છે. તેમના વિકાસની પાછળ સખત પરિશ્રમ અને શિક્ષણ રહેલું છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ભારતને ઇ.સ. ૨૦૨૦ માં વિશ્વની મહાસત્તા બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. તેમના આ સ્વપ્નને સાકાર કરવામાં સૌથી મહત્વની ભૂમિકા શિક્ષણ જ ભજવી શકે તેમ છે. આ બાબતમાં ભારતની સ્થિતિ કેવી છે તે વિચારવા જેવું છે. વર્તમાન સમયમાં શિક્ષણની દશા અને દિશા વિશે વિચારવાનો સમય પાકી ગયો છે.

શિક્ષણમાં પ્રશ્નો અને પડકારો:

આપણી વર્તમાન શિક્ષણ વ્યવસ્થાની સામે કેટલાક પ્રશ્નો ઉદભવ્યા છે. કેટલાક પડકારો પણ ઉભા થયા છે. આપણા નેતાઓ અને શિક્ષણવિદો આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે પ્રયત્નો તો કરી રહ્યા છે, પરંતુ તેમના પ્રયત્નો સફળ નથી થઇ રહ્યા. અને તેની પાછળનું મુખ્ય કારણ આપણી શિક્ષણનીતિમાં રહેલી નબળાઇઓ અને અધૂરપ છે. જયારે આપણી શિક્ષણનીતિ અને શિક્ષણ વ્યવસ્થા નિષ્ફળ જાય, તેની સામે પ્રશ્નો ઉભા થાય ત્યારે ચિંતન કરવાની જરૂર પડે છે. આપણા શિક્ષણની સામે ઉભા થયેલા કેટલાક મુખ્ય પડકારો નીચે મુજબ છે:

  1. યુવા વર્ગનો અસંતોષ:

    આજની શિક્ષણ વ્યવસ્થાની સામેનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તે દેશના યુવા વર્ગને સંપૂર્ણ સંતોષ આપી શક્યું નથી. આજની યુવા પેઢીને વર્તમાન શિક્ષણમાં જરાયે વિશ્વાસ રહ્યો નથી. શિક્ષકો તેમના મર્યાદિત જ્ઞાન અને શીખવવાની પધ્ધતિના કારણે યુવાધનને સંતોષ આપવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે. તેમના જ્ઞાનનું સ્તર અને શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓની શક્તિ અને આવડતને યોગ્ય માર્ગે વાળવામાં તદ્દન અસહાય લાગી રહ્યા છે.

  2. શિક્ષણનો મુખ્ય હેતુ જ્ઞાનપ્રાપ્તિ છે, ડિગ્રી નહિ:

    આજના યુગમાં શિક્ષણનો મુખ્ય હેતુ મરી પરવાર્યો છે. શિક્ષણ જ્ઞાનપ્રાપ્તિ માટે છે. શિક્ષણનો મુખ્ય હેતુ જ નવું જ્ઞાન મેળવવાનો છે. જ્ઞાન મેળવીને તેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. પરંતુ હવે તો વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી મેળવવા માટે જ શાળા કોલેજોમાં જાય છે. ગમે તે રીતે ડિગ્રી પ્રાપ્ત કરી લેવી એ જ આજના યુગના વિદ્યાર્થીઓનું ધ્યેય છે. આજની શિક્ષણ વ્યવસ્થામાં માર્ક્સને મહત્વ છે, વિદ્યાર્થીમાં રહેલી આવડત, સામર્થ્ય, વિશિષ્ટ ગુણને નહીં. પરિણામે શિક્ષણ માત્ર પરીક્ષાલક્ષી બની ગયું છે. તેમનું જ્ઞાન માત્ર પુસ્તકીયું જ્ઞાન બની ગયું છે. અને આપણા શિક્ષકો પણ તેમને આ જ પ્રકારનો રસ્તો બતાવે છે. તેઓ માત્ર તેમનો અભ્યાસક્રમ સમયસર પૂરો કરી દેવામાં માને છે.

  3. બેરોજગારી:

    કેટલાક શિક્ષણવિદો એવું માને છે કે બેરોજગારીનો પ્રશ્ન આજની શિક્ષણ વ્યવસ્થા સામેનો સૌથી મોટો પડકાર છે. આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ ઘણું બધું છે. આપણી કોલેજો એવી ફેક્ટરીઓ બની રહી છે. કે જેમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં બેકારો ઉત્પન્ન થઇ રહ્યા છે. સ્નાતક કે અનુસ્નાતક બન્યા પછી આ વિદ્યાર્થીઓને ક્યાં સમાવવા તે દેશની સરકાર માટે પણ પેચીદો પ્રશ્ન બન્યો છે.

  4. શિક્ષકોમાં સભાનતાનો અભાવ:

    આપણા મોટા ભાગના અધ્યાપકોમાં અધ્યાપન કાર્ય પ્રત્યે જોઇએ તેટલી સભાનતા નથી જોવા મળતી. તેમની અધ્યાપન પધ્ધતિઓમાં આધુનિકતાની અછત વર્તાય રહી છે. અને તેમને તેમાં રસ પણ નથી. શિક્ષણ એક એવો વ્યવસાય છે કે જેમાં શિક્ષકે દિવસે ને દિવસે પોતાના જ્ઞાનને હીરાની જેમ પોલીશ કરીને ચમકાવવું પડે છે. અને આ એક વ્યવસાય હોવાને લીધે અધ્યાપન પધ્ધતિઓમાં અપડેટ ફરજિયાત છે. આ એક વ્યવસાયની જરૂરિયાત છે. પરંતુ આપણા મોટા ભાગના શિક્ષકો એટલા જડ થઇ ગયા છે કે તેઓ પોતાની જાતને બદલવા માટે તૈયાર જ નથી. સમયસર અભ્યાસક્રમ પૂરો કરીને તેઓ પોતાની જાતને બુદ્ધિજીવી અને મહાન સમજે છે. પરિણામે તેની અનેક આડઅસરો ઉપજે છે, જે પૈકી એક આપણો હવે પછીનો ચર્ચાનો મુદ્દો છે.

  5. શિસ્તનો પ્રશ્ન:

    શિક્ષકો વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને યોગ્ય રીતે જ્ઞાન અને માર્ગદર્શન ન આપી શક્તા હોય તો તેના પ્રત્યાઘાત રૂપે સામેથી વિદ્યાર્થીઓમાં ગેરશિસ્તનો જન્મ થાય છે. વર્ગખંડોમાં અને વર્ગખંડોની બહાર તોફાન થવાના કારણો પૈકીનું એક કારણ આ જ છે. આ ઉપરાંત શિસ્તનો પ્રશ્ન આપણા કહેવાતા નેતાઓ અને સામાજીક કાર્યકર્તાઓને પણ આભારી છે, કે જેઓ સમયે સમયે પોતાના અંગત સ્વાર્થ ખાતર યુવાનોને ઉશ્કેરીને હડતાળો પડાવે છે અને તોફાનો કરાવે છે. આપણા નેતાઓ પણ યુવાધનને પોતાની વોટબેંક સમજીને તેમનો મનફાવે તેમ ઉપયોગ કરે છે. અને આ રીતે કોલેજોમાં ગંદા રાજકારણનો પ્રવેશ થાય છે. અને કોલેજકાળથી જ યુવાનોને ચૂંટણીના કાવાદાવાઓ અને દાવપેચો શીખવવામાં આવે છે.

  6. શિક્ષણમાં ખાનગીકરણ:

    આજે મોટાભાગની ખાનગી કોલેજોમાં શિક્ષણનો રીતસર વેપાર થાય છે. આવું બનવા પાછળનું મુખ્ય કારણ ખાનગી કોલેજોના માલિકો-સંચાલકોની નબળી માનસિકતા છે. તેઓ શાળા-કોલેજોને તેમની ફેક્ટરી, આચાર્યોને તેમના મેનેજરો, શિક્ષકોને તેમના કામદારો તથા વિદ્યાર્થીઓને તેમના ગ્રાહકો સમજે છે. તેઓ આ ક્ષેત્રમાં માત્ર ને માત્ર કમાણી કરવા માટે જ પ્રવેશ્યા હોય છે. અને શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયને ધંધો ગણે છે. પરિણામે ખાનગી કોલેજો ડિગ્રી અને માર્ક્સ ખૂબ ઊંચા ભાવે વેચે છે. ખૂબ મહેનત કરીને સ્વબળે આગળ આવનારા વિદ્યાર્થીને પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાની તકલીફ પડે છે, અને પૈસાદાર અને વગદાર મા-બાપના સંતાનો ઊંચુ ડોનેશન આપીને સરળતાથી પ્રવેશ મેળવી લે છે.

  7. મોંઘવારી અને ગરીબી:

    આજનું શિક્ષણ ખૂબ જ મોઘું બન્યું છે. નર્સરીથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી મા-બાપોએ પોતાના સંતાનો પાછળ અતિશય ખર્ચો કરવો પડે છે. શાળા-કોલેજો તેમના વિદ્યાર્થીઓ પાસેથી અનેક પ્રકારની ફી ઉઘરાવતા હોય છે. અને વર્ષોવર્ષ તેમાં સતત વધારો થતો રહે છે. પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકતા નથી. ડોક્ટર, વકીલ, કે સી.એ. બનવા પાછળ કેટલો મોટો ખર્ચો કરવો પડે છે. અભ્યાસ દરમિયાન ડોનેશન, શિક્ષણ ફી, ટ્યુશન ખર્ચ વગેરે પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરિણામે તેઓ ભવિષ્યમાં ડોક્ટર બનીને આ પૈસા પોતાના દર્દીઓ પાસેથી અને વકિલ બનીને પોતાના અસીલો પાસેથી ખંખેરે છે. ટૂંકમાં આ બધાનું પરિણામ અંતે તો સમાજે જ ભોગવવું પડે છે.

  8. સરકારની નીતિ:

    આપણી કેન્દ્ર અને રાજ્ય સરકારો શાળા-કોલેજોને તેમની પ્રયોગશાળાઓ સમજીને તેમાં મનફાવે તેવા પ્રયોગો કરતી રહે છે. જેવી સરકાર બદલાય તેવી જ આપણી શિક્ષણનીતિમાં પણ બદલાવ આવી જાય છે. આપણા નેતાઓ વિદેશોનું આંધળું અનુકરણ કરવામાં માને છે. પરિણામે આપણે ‘સેમેસ્ટર સિસ્ટમ’નો ભાગ અને ભોગ બનવું પડે છે, કે જેની ખામીઓ અને મર્યાદાઓ આંગળીના વેઢે પણ ન ગણાય એટલી છે. અને તેના નબળા પરિણામો આજના વિદ્યાર્થીઓએ સહન કરવાના થાય છે. શિક્ષણ ક્ષેત્રને પૂરતા પ્રમાણમાં ભંડોળ પણ ફાળવવામાં આવતું નથી. આપણા દેશની સરકારી શાળા-કોલેજોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. કેટલાંક રાજ્યોમાં તો વળી ‘ફિક્સ વેતનપ્રથા’ લાગુ પાડવામાં આવી છે. કે જ્યાં શાળાઓમાં શિક્ષકોને માસિક રૂ. ૫,૦૦૦ કે તેથી પણ ઓછો પગાર તથા કોલેજના અધ્યાપકોને માસિક રૂ. ૭,૫૦૦ અને રૂ. ૧૬,૫૦૦ જેવા તદ્દન નજીવા પગારધોરણે નોકરીમાં રાખવામાં આવે છે. અને તે પણ પાંચ વર્ષના કરાર ઉપર. પાંચ વર્ષ પૂરા થયા પછી તેમની નોકરી ‘સંતોષકારક’ જણાય તો તેમને કાયમી નિમણુંક અપાય છે. હવે જે શિક્ષકોને પોતાનું ભવિષ્ય શું છે તે જ ખબર નથી તેઓ અન્યનું ભવિષ્ય કેવી રીતે બનાવશે? આપણી સરકારોને એ પણ ખબર નથી કે તેઓ કેટલા અગત્યના ક્ષેત્ર સાથે ચેડાં કરી રહ્યા છે.

ઉપસંહાર:
ઉપર જણાવેલા પ્રશ્નો કંઇ રાતોરાત નથી ઉભા થયા, પરંતુ લાંબા ગાળાથી ચાલી આવેલા છે. આપણે ભૂતકાળમાં ડોકિયું કરશું તો જણાશે કે આ એજ ભારત દેશ છે કે જ્યાં પ્રાચીનકાળમાં અનેક વિશ્વપ્રસિધ્ધ શિક્ષણસંસ્થાઓ અસ્તિત્વમાં હતી જેમાં વિશ્વના ખૂણેખૂણાથી લોકો શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવતા હતા. અનેક મહત્વની શોધખોળો આપણા દેશમાં થઇ હતી. જેનો ભૂતકાળ આટલો ભવ્ય હોય તે મહાન દેશની વર્તમાન સમયમાં આવી દશા કેમ? તે અંગે મનોમંથન કરવાનો સમય પાકી ચૂક્યો છે. આપણી શિક્ષણનીતિ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઘરમૂળથી પરિવર્તન કરવાની જરૂર જણાઇ રહી છે.

સંદર્ભ :

  1. Higher Education in India: Issue,concerns and new Directions Http://www.ugc.ac.in/pub/heindia.pdf
  2. AJandhyala B.G.Tilak, Absence of Policy and Perspective in Higher Education, Economic and Political Weekly,vol. No. 39, No.21 (22, May,2004) Http://www.epw.org.in/epw/upload/articles/7650.pdf


*************************************************** 

Manojkumar T. Rathod,
Asst. Professor (Commerce with Accountancy)
Silvassa College.

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us