અમૃતા : અસ્તિત્વની આંતરખોજ
રઘુવીર ચૌધરી સ્વાતંત્ર્યોત્તરયુગના નોંધપાત્ર સર્જક-વિવેચક છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે એમણે કવિતા, નાટકો, વાર્તાઓ, લઘુ નવલકથા, નવલકથા, વિવેચન અને સંપાદનક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. એમની પાસેથી કથાક્ષેત્રે વિવિધ પ્રકારની કથાઓ જેવી કે, વ્યંગ્ય કથા, હાસ્ય કથા, વિચાર કથા, સામાજિક કથા, પૌરાણિક કથા, ઐતિહાસિક કથા, મનોવૈજ્ઞાનિક કથા પ્રાપ્ત થાય છે. એમણે ‘ગોકુલ’ ‘મથુરા’ ‘દ્વારિકા’ જેવી પૌરાણિક કથાત્રયી લખી છે, તો ‘રુદ્રમહાલય’ અને ‘સોમતીર્થ’ જેવી ઐતિહાસિક નવલકથા સર્જી છે. ધૂમકેતુ, ચુનીલાલ મડિયા અને કનૈયાલાલ મુનશીની નવલકથાઓને આધારે ભીમદેવ અને ચૌલાદેવીની સામગ્રી લઇ ‘સોમતીર્થ’ નવલકથા લખી છે. આ નવલકથામા એમણે ‘સદાશિવ’ નામના કાલ્પનિક પાત્રનું સર્જન પણ કર્યુ છે. ૧૯૬૦ પછી સ્થાપિત થયેલી કૉલેજો, વર્તમાન શિક્ષણ પદ્ધતિ અને સંસ્થાપક મંડળો પર કટાક્ષ કરવા માટે એમણે ‘એકલવ્ય’ નવલકથા આપી છે.
રઘુવીર ચૌધરીનો પહેલો કાવ્યસંગ્રહ છે ‘તમસા’. ‘તમસા’ કાવ્યસંગ્રહની કવિતાઓમાં ગ્રામચેતના અને નગરજીવન વચ્ચેનો આંતરદ્વન્દ્વ ચાલતો અનુભવાય છે. લેખકે ‘અશોકવન’ અને ‘ઝૂલતામિનારા’ જેવા લાંબા નાટકો આપ્યા છે, તો એમની પાસેથી અમીર ખુશરોના કથાનકને લઇ ‘સિકંદર સાની’ નાટક પણ મળ્યું છે. ‘સહરાની ભવ્યતા’ અને ‘તિલક કરે રઘુવીર ૧-૨’મા એમણે સમકાલીન સર્જકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં જીવન વિશે રેખાચિત્રો લખ્યા છે. ‘ગુજરાતી નવલકથા’ નામે અધ્યયન ગ્રંથ તેમજ દર્શક, પન્નાલાલ પટેલ અને જયંતિદલાલ વિશે પણ અધ્યયન ગ્રંથો આપ્યા છે.
ઇ.સ.૧૯૬૬માં પ્રગટ થયેલી અમૃતા નવલકથા એ રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કૃતિ છે. ‘અમૃતા’ નવલકથા લેખકે માત્ર ૨૭ વર્ષની ઉંમરે લખી હતી. આ કૃતિમાં એમણે ત્રણ પાત્રો વચ્ચેનાં પ્રેમના અસ્તિત્વનું – પ્રણયત્રિકોણનું આલેખન કર્યુ છે. ‘અમૃતા’ નવલકથા એકબીજાનાં પ્રણયસંબંધથી જોડાયેલા ત્રણ પ્રેમીઓની – એક સ્ત્રીની અને બે પુરુષની – પ્રણયત્રિકોણયુક્ત પ્રણયકથા છે. અમૃતા, અનિકેત અને ઉદયન – આ ત્રણ પાત્રોની આજુબાજુ જ અમૃતા નવલકથાનું કથાવસ્તુ ઘડાયેલું છે. ત્રણેય પાત્રો શિક્ષિત, યુવાન અને બુદ્ધિમાન છે. અમૃતા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરે છે, ત્યારે ઉદયન અને અનિકેત એને અભિનંદન આપવા આવે છે, ત્યાંથી આ કથાનો આરંભ થાય છે. આ ત્રણેય પાત્રોમાં સ્વભાવગત ભિન્નતા રહેલી છે.
અમૃતા શિક્ષિત તેમજ સમજુ સ્ત્રી છે. એના હ્રદયમાં અનિકેત પ્રત્યે પ્રેમભાવ છે, પરંતું ઉદયનને છોડવો એ એની કસોટીરૂપ છે. બન્નેમાંથી કોની પસંદગી કરવી એના માટે એને સ્વતંત્ર પસંદગીનો અધિકાર જોઇએ છે. આ અધિકાર મેળવવા તો એ ગૃહત્યાગ કરે છે. એ ઉદયનને એકવાર કહે છે પણ ખરી કે, “તુ મને એકાએક અપનાવી લે તો મારી પસંદગીનું શું ?” આમ કહેનાર અમૃતાને આખરે સમજાય છે કે એને સ્વતંત્રતાની નહી, સાચા પ્રેમની જરૂરત છે. એ કહે છે, “મારે સ્વાતંત્ર્ય નથી જોઇતું, સંવાદિતા જોઇએ છે, સ્નેહ જોઇએ છે.” અંતે આ વાત સમજાતા તે ઘરે પરત ફરે છે. અમૃતાને મતે માણસ પોતાની જાતને જ ઓળખી શકતો નથી તો અન્યને તો કેવી રીતે ઓળખી શકે? એથી બીજાને ઓળખવા કરતા જાતે જ અનુભવ લેવામાં માને છે.
ઉદયન અઠંગ અસ્તિત્વવાદી છે. ઇશ્વરમાં માનતો નથી. પોતાની જાત પર ખૂબ અભિમાન છે. ઉદયને અમૃતાનાં વિકાસમાં ખૂબ અગત્યનો ફાળો આપ્યો હોવાથી અમૃતા પ્રત્યે એને પ્રેમની લાગણી જન્મે છે. એ એવું ઇચ્છે છે કે, અમૃતા સ્વયં સમજશક્તિથી એના પ્રેમનો સ્વીકાર કરે. પરંતું બને છે એવું કે ઉદયનનો મિત્ર અનિકેત – જેનો પરિચય ખુદ ઉદયને અમૃતા સાથે કરાવ્યો હતો તે – સમય જતાં અમૃતાનાં હ્રદયમા વસી જાય છે. અહી અમૃતા પુરુષ પસંદગીની બાબતમાં દ્વિધા અનુભવે છે. કથાનાં પૂર્વાર્ધમાં એ અનિકેત પ્રત્યે વિશેષ હ્રદય-રાગ ધરાવે છે. અમૃતા અને અનિકેતમા નિતાંત મુગ્ધતા છે, જ્યારે ઉદયનમા મુગ્ધતાનો અભાવ વર્તાય છે. એટલે જ અનિકેતને અમૃતા ચાહે છે એ વાતની ખબર પડતા ઉદયન અકળાઇ ઊઠે છે. એનાથી એ બાબત સહન થતી નથી. એટલું જ નહીં આવેશમાં આવી ઉત્તેજિત થઇ અમૃતા પર હાથ ઉપાડવાની અને એના બ્રેસિયરને ફાડી નાખવા સુધીની ક્રિયા કરી નાખે છે. એનામા પૂર્વગ્રહો અને ખોટી માન્યતાઓ એટલી હદે વ્યાપેલી છે કે તે સત્યને જીવનનાં અંત સુધી સ્વીકારી શકતો નથી. કથાનાં અંતમાં અમૃતાનો સમર્પણભાવ જ ઉદયનના ખોટા ખ્યાલોનો અને પૂર્વગ્રહોનો છેદ ઉડાડે છે.
ઉદયન અધ્યાપક, પત્રકાર અને વાર્તાકાર છે. તે ભૂતકાળ કે ભવિષ્યકાળ કરતા વર્તમાનને વધારે સ્વીકારે છે. પોતાના અસ્તિત્વ પ્રત્યે ખૂબ સજાગ છે. વિષમ પરિસ્થિતિઓમાં તે અકળાઇ ઊઠે છે, છતાં અસ્તિત્વને ખોતો નથી. જો કે એના આ અસ્તિત્વ પ્રત્યેની વિશેષ જાગરુકતા જ એના અહમભાવને પોષતી હોય તેમ લાગે છે. ઉદયન કોઇ પર આધાર રાખવામા માનતો નથી. સ્વબળે જ પોતાનો વિકાસ સાધવાની ઇચ્છાવાળો છે. પરંતું જ્યારે તે ભિલોડામાં ખૂબ બિમાર પડે છે અને અમૃતા એની સાચા હ્રદયથી સેવા કરે છે ત્યારે એને પોતાનાથી ભિન્ન એવા અન્યની સેવાનો સ્વીકાર કરવો પડે છે. હિરોશિમાથી લ્યુકેમિયાની અસાધ્ય બિમારી લઇને આવેલા ઉદયનનુ અમૃતાની સેવાચાકરીથી અને વિશુદ્ધ સમર્પણયુકત પ્રેમથી હ્રદય પરિવર્તન થાય છે. અને તે મૃત્યુ પામતા પહેલા ઇશ્વરનાં અસ્તિત્વમાં માનતો થઇ જાય છે.
અનિકેત વનસ્પતિશાસ્ત્રી હોવાની સાથે સાથે અનેક શાખાનો જ્ઞાતા છે. એ ઇશ્વરમાં આસ્થાવાળો તેમજ ઐન્દ્રિય અને તર્કગત બાબતોનો સ્વીકાર કરનારો છે. અન્યને અનુકૂળ થવા એ હમેશાં તૈયાર રહે છે. એ ઉદાર અને પ્રેમાળ છે. જ્યારે અમૃતા એની પ્રત્યે આકર્ષાય છે તેની પોતાને જાણ થતાં અમૃતા અને ઉદયન વચ્ચે અવરોધરૂપ ન બને એથી એ બન્નેથી દૂર જતા રહેવા વિચારે છે. પરંતું અમૃતાથી દૂર થવાના વિચાર માત્રથી વિવશ-બેચેન બની જાય છે. એનું સમગ્ર અસ્તિત્વ હચમચી થઇ જાય છે. અનિકેત વૈજ્ઞાનિક હોવાની સાથે સુસંસ્કૃત પુરુષ છે. જ્યારે અમૃતા અનિકેતના ઘરે આવે છે ત્યારે અનિકેત જે રીતે એનો આદર-સત્કાર કરે છે, તેમાં અનિકેતની એક સભ્ય અને સંસ્કારી પુરુષ તરીકેની છાપ ઊભી થયા વિના રહેતી નથી.
અમૃતા એ એક એવી આધુનિક સ્ત્રી છે જે પોતાના સ્વાતંત્ર્ય માટે પ્રતિકૂળ પરિસ્થિતિની સામે સંઘર્ષ કરવા તૈયાર રહે છે. જયારે એને ઉદયન અને અનિકેતમાંથી કોઇ એકની પસંદગી કરવાની હોઇ છે, ત્યારે તીવ્ર મંથન અને વિકટ વેદના અનુભવે છે. ઉદયન અમૃતાને ચાહે છે, અમૃતા અનિકેતને પ્રેમ કરે છે અને અનિકેત પણ અમૃતાને ચાહે છે. આમ, આ ત્રણેય પાત્રોના પ્રણયત્રિકોણ રૂપે આ નવલકથા આકાર લે છે.
અમૃતા, ઉદયન અને અનિકેત વચ્ચે સ્ત્રી-પુરુષોનાં સંબંધોને લઇ મુક્ત ચર્ચાઓ થાય છે. ત્રણેય પાત્રો એકબીજાનો સહવાસ ઇચ્છે છે. ત્રણેય પાત્રો એકબીજાને બળજબરીથી મેળવવામાં નહીં પણ સમજણપૂર્વક સ્વીકાર કરવામાં માને છે. ત્રણેય પાત્રો જુદાજુદા સમય, સંજોગો, વાતાવરણ અને પરિસ્થિતિમાથી પસાર થઇ કથા વિકાસમાં વેગ લાવે છે. એ રીતે જોઇએ તો આ અમૃતા, ઉદયન અને અનિકેતની વ્યક્તિકથા બની રહે છે.
લેખકને અહીં ત્રણેય પાત્રોનાં ચિત્રણમાં પાત્રનિરૂપણરીતિ દ્વારા માત્ર પાત્રોનાં પ્રણયભાવને રજૂ કરવાને બદલે પાત્રોના અસ્તિત્વને ઉજાગર કરવાનું વધારે યોગ્ય લાગ્યું છે. એટલે જ અહીં અસ્તિત્વ શોધની મથામણમાં ભટકતા ત્રણેય પાત્રોનો મનોસંઘર્ષ વિશેષરૂપે પ્રગટ થતો જોવા મળે છે. આમ, સમગ્ર રીતે જોઇએ તો, ‘અમૃતા’મા લેખકે ભોળાભાઇ પટેલના મત મુજબ ‘અસ્તિત્વવાદની દાર્શનિક પીઠિકાની સાથે મનોવિશ્લેષણમૂલક નિરૂપણરીતિ’ અપનાવી છે.
***************************************************
ડૉ. હિમ્મત ભાલોડિયા
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ,
સરકારી આર્ટ્સ અને કોમર્સ કૉલેજ,
કડોલી, તા. હિમ્મતનગર, જિ. સા.કાં.