logo
Untitled Document

‘પરોઢ થતાં પહેલાં’ જાતને તાવીને સત્યને પામવાની કથા

('પરોઢ થતાં પહેલાં', લે. કુન્દનિકા કાપડીઆ, પ્ર.આ. 1968, પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર-અમદાવાદ)


‘સ્નેહધન’ ઉપનામધારી કુન્દનિકા કાપડીઆની ત્રણ નવલકથાઓ પૈકી પ્રથમ નવલકથા ‘પરોઢ થતાં પહેલાં’ ઈ.સ. ૧૯૬૮માં પ્રગટ થઈ હતી. જીવનમાં પડેલાં દુઃખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરૂપ સાથે શી રીતે અનુસંધાન કરી શકે એ મૂળભૂત પ્રશ્ન ચર્ચીને (છેડીને) કલાત્મક ધ્વનિયમતાથી પરોઢના આશાકિરણની ઝાંખી કરાવતી આ કથા છે.
આ કથામાં સુનંદા એ મુખ્ય પાત્ર (નાયિકા) છે. દેવદાસ સાથે તેનાં લગ્ન થાય છે પરંતુ દેવદાસ 'શુદ્ધ આજ'માં માને છે, તેથી તે સુનંદાને કોઈ ક્ષણે છોડીને જર્મની ચાલ્યો જાય છે. કુમાર એ સુનંદાનો આસિસ્ટન્ટ (કમ્પાઉન્ડર) છે. તે ગામની પરિસ્થિતિથી સુનંદાને સતત ચેતવે છે. તો અંજનાશ્રી અને સત્ય એ આ કથાનાં ચમકતાં ઉજ્જ્વળ નક્ષત્રો છે. સુનંદાનું હૃદય અનાયાસે જ સત્ય તરફ ખેંચાય છે, જે પળે સત્યના આગમનના ભણકારા વાગે છે ત્યારે જ દેવદાસનો પત્ર આવે છે. ત્યારે પ્રકાશ ઝંખતું તેનું હૃદય પુકારી ઊઠે છે, ''હરિ માધવ! ઓ અનંતવ્યાપી અજ્ઞાત દેવતા! આ અનિશ્ચિતતાને પાર કરીને કોઈક સુનિશ્ચિત દ્વારે મને પહોંચાડી દે.'' આ કથામાં સુનંદાના અંતરની સઘન વ્યથા અને ગામના માણસોનાં દુઃખ-દર્દ-દારિદ્રયનો તીવ્ર અનુભવ લેખિકાએ આપણને કરાવ્યો છે.
સુનંદા અંધારી રાતની યાત્રા કરી પરોઢ ભણી જઈ રહી છે. પોતાની વ્યથા અને બીજાનાં દુઃખદર્દનાં ઊંડાં અંધારાં તાગ્યા પછી તે ધીરે ધીરે સમજની અને તેથી પ્રકાશની સપાટી પર આવી રહી છે. પણ અહીં એક વસ્તુ દીવા જેવી સ્પષ્ટ દેખાય છે કે જ્યાં માણસની સુખ પામવાની ઇચ્છા ત્યાં જ એનું બંધન અને તેથી ત્યાં જ દુઃખનો પ્રહાર (થાય) છે.
અહીં એક જૈન સંપ્રદાયનાં સાધ્વી છે, તો બીજો સર્વ સંપ્રદાયથી મુક્ત પરિવ્રાજક, અને છતાં બંનેના જીવનમાંથી સહજ રીતે આનંદનો અભિન્ન સૂર ઊઠે છે. બંને પોતપોતાની રીતે પ્રવાસ કરીને એક જ સમજના બિંદુએ પહોંચ્યાં છે.
સુનંદા નાનકડા માયાળુ કુટુંબનો સ્નેહ અને મર્યાદિત કલ્પનાઓ વડે ઘડેલી એક સલામત સુંદરતાની સૃષ્ટિમાં વીસ વર્ષ વિતાવ્યા બાદ એકવીસમા વર્ષે તેણે દેવદાસ સાથે લગ્ન કર્યાં હતાં. સ્વેચ્છાથી આજે તે એને સ્વેચ્છા કહે છે, પણ ત્યારે એણે એને ‘પ્રેમ’ એવું નામ આપ્યું હતું અને એ પ્રેમમાં પૂરેપૂરા સાચા બની રહી, જીવનને સુંદર ને ચરિતાર્થ બનાવવાનું તેનું સ્વપ્ન હતું. પણ પ્રેમના એ પરસ્પર બોલને સાંધી રાખવાની ગાંઠ દેવદાસે તોડી નાખી હતી. પ્રેમ વડે, સઘળા અંર્તિવરોધોને ઓળંગી, મહાઆનંદના આકાશલોકમાં પહોંચવાની તેની ઇચ્છાને દેવદાસે પોતાના હાથમાં લઈ મસળી નાખી હતી.
સુનંદાનું જીવન એક પ્રચંડ આઘાતથી છિન્નભિન્ન થઈ જાય છે. જયાં હૃદયનું રતન, ત્યાં જ તેના પર કારમો ઘાવ થયો છે. વિધાતાએ તેને આ સંસારમાં ઘવાયેલી હરિણીની જેમ ધકેલી દીધી છે.
સુનંદાએ સ્વેચ્છાથી દેવદાસ સાથે લગ્ન કર્યું હતું. પરંતુ લગ્નના એક જ વરસમાં દેવદાસ તેને છોડીને જર્મની ચાલ્યો જાય છે. જર્મની ગયા પછી ત્રણેક મહિના સુધી તેના પ્રેમથી ભરેલા પત્રો આવે છે. પણ પછી અચાનક જ પત્રો આવતા બંધ થઈ ગયા. સુનંદાને એ દિવસોની અસહ્ય, અંગેઅંગને ગૂંગળાવી નાખતી પીડા આજે પણ જેવીતેવી યાદ છે. તેનું આખું જીવન ટપાલ આવવાના ત્રણ સમય પર કેન્દ્રિત થઈ જાય છે. રાહ જોતાં તે થાકી જતી, ઢળી પડતી, વળી ઝબકીને જાગી જતી.
આમ, એક ખોટા માણસ સાથે તેણે બાંધેલો સચ્ચાઈનો દોર તૂટી જાય છે અને આવા સચ્ચાઈના દોરને આધારે જ ઊંચે ને ઊંચે ચડવા ઝંખતું તેનું મન કપાયેલી પતંગની જેમ ગડથોલાં ખાય છે. સુનંદાના ઉદાસ ચહેરા પર સ્મરણોના ઉઝરડા પડી જતા. દેવદાસનાં વાક્યોમાંથી જ આપણને તેનો પરિચય મળી જાય છે. એક બુદ્ધિમાન સોહામણો, પણ અંતરના સત્ત્વ વિનાની, મેરુદંડ વિનાની સૃષ્ટિનો માનવી સુનંદાને સાંભરી આવે છે. દેવદાસ સુનંદાને કહેતો, "ત્યારે મારી ને આકાશની વચ્ચે કશો અંતરાય નહિ રહે અને પછી હું આકાશમાં ઊડી જઈશ." અને ખરેખર સુનંદાના જીવન પર અંધકારનો એક ઘેરો પડદો નાખીને તે ચાલ્યો જાય છે.
માત્ર એક જ વર્ષનું લગ્નજીવન. પણ, સાત ડગલાંના એ સખ્યનું દેવદાસને મન કશું જ મૂલ્ય નહોતું. આ વાતને અગિયાર વરસના વાયરાએ સૂકાં પાનની જેમ ઉડાડી મૂકવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં લીલીકાચ વ્યથાની જેમ બહુ ઊંડે ચોંટીને તે સુનંદાના અંતરને કોચ્યા કરે છે. બહારથી જે કાવ્યમય લાગે તે વચનોમાં કેટલી તો વંચના હોય છે. તેનો સુનંદાને ત્યારે ખ્યાલ નહોતો. દેવદાસનાં ચિત્રોમાં જે આકારરહિત રંગનાં ટોળાં ઘૂમતાં હતાં તે એની વૃત્તિઓનાં જ રંગબેરંગી વાદળ હતાં, જેના પર તે ઘસડાતો હતો. દેવદાસ પર સુનંદા ને તેનો ભાઈ વારી જાય છે ત્યારે અનુભવી મા કહે છે, "આ બધા બુદ્ધિના ગુણો છે, હૃદયના નહીં."
સુનંદા અગિયાર વર્ષ (દેવદાસની રાહ જોયા) પછી પોતે એક ગામમાં ડોક્ટર તરીકેની સેવા આપવા જાય છે. એક ગાડીવાળો તેને મ્યુનિસિપાલિટીના દવાખાના સુધી મૂકી આવે છે અને કહે છે, "તમે આવ્યાં તે બહુ સારું થયું, બેન!" આ સર્વથા અપરિચિત, એક પણ આત્મીયજન વગરના ગામમાં, ગાડીવાળાના આ શબ્દો તેને માટે પહેલું આશ્વાસન બની રહે છે.
ગાડીવાળો માણસ, મ્યુનિસિપાલિટીનો કાળુ અને રફીક - આ ત્રણેનો તેને જે સહજ સંપર્ક થાય છે તે સુખદ હતો. પ્રથમ મુલાકાતે આ ત્રણેય સુનંદાને સ્પર્શી જાય છે. અને કુમાર. તે કોણે હશે? કેવો હશે? જેવા જાત જાતના પ્રશ્નો તેને થાય છે. પણ કુમારને જોયા પછી - "કુમાર-બાવીસ વર્ષનો જુવાન. પહોળું કપાળ, કંઈક નાનું, સીધું નાક, હાસ્યને વેરવા તૈયાર હોઠ અને આંખોમાં ઘણી બધી સરળતા - સુનંદાને દેખાય છે."
બીજા દિવસે સુનંદાની શિવશંકર સાથે મુલાકાત થાય છે. પ્રથમ દૃષ્ટિએ સુનંદાને તે નખશિખ દંભી લાગે છે અને તેથી સુનંદા આગળ આટલો સુઘડ દેખાવાનો તે પ્રયત્ન કરે છે. સુનંદાને કુમારના શબ્દો યાદ આવે છે, "દીદી આ ગામમાં ઘણાં સારાં માણસો છે (અમીના-અબ્દુલ) અને ઘણા ખરાબ માણસો પણ છે. એમાંથી કેટલાક ખુલ્લા ખરાબ છે અને કેટલાક છાના, આ શિવશંકરથી સંભાળજો. તમે બહુ ભોળાં છો, એટલે આગળથી કહી દઉં છું."
સાંજના સમયે સુનંદા નદીના સામાકાંઠે બેસે છે ત્યારે તેને દેવદાસ યાદ આવે છે. દેવદાસ ઘણીવાર ઊડી જવાની વાત કરતો હતો. તે સુનંદાને કહેતો, "તું વાત કરે છે એટલે, સું! નહિ તો મને કોઈ મકાન-ફકાનમાં રસ નથી. મને તો મુક્ત રહેવું ગમે. જિંદગી આખી એક મકાનમાં રહેવાની હું કલ્પના જ કરી શકતો નથી. મારી કલા મારું જીવન છે અને તે એક સ્થળે બંધાઈ રહી શકે નહિ. વિવિધ અનુભૂતિની ખોજમાં તેને મુક્ત ભ્રમણ જોઈએ. જીવનને કશાથી બાંધી રાખવાનો પ્રયત્ન કરવો મિથ્યા છે. કારણ કે દરેક વસ્તુ ક્ષણમાં જ જીવતી હોય છે. હું તો દરેક જિવાતી ક્ષણના અસ્તિત્વમાં જ માનું છું. હું શુદ્ધ 'આજ'માં જીવું છું, જેના પર ગઈ કાલ કે આવતી કાલની કોઈ છાયા નથી."
આ વાત પરથી આપણને દેવદાસ બૌદ્ધિક માણસ લાગે છે. તેને સુનંદાની લાગણીઓ કે હૃદય સાથે કોઈ જ લેવા-દેવા નથી. એટલે જ તો તે લગ્નના એક વરસમાં સુનંદાને છોડી જર્મની ચાલ્યો જાય છે. તેથી સુનંદાના જીવનમાં જે એકલવાયો સૂનકાર ભરાઈ બેઠો છે, તે જ તેનો સૌથી મોટો પ્રશ્ન છે. ત્યાર પછી તે ફરીથી ભણે છે. ડોક્ટર બને છે.
કુમારે સુનંદાને સત્ય વિશે વાત કરી હતી. સુનંદાએ હજુ તો જેનું મુખ પણ જોયું નથી, એના નામમાત્રથી જ સુનંદાના પ્રાણ આકૂળ થઈ ઊઠે છે. સુનંદાએ જીવનમાં જે કાંઈ સ્વચ્છ અને સભર કલ્પ્યું હતું, તેની ઝાંખી સત્યના વ્યક્તિત્વમાં થાય છે. સદાયે સ્નેહને ઝંખતું અને સ્નેહની એક પરિપૂર્ણ સભરતામાં જીવનની સાર્થકતા જોતું સુનંદાનું હૃદય અનાયાસ સત્ય તરફ ખેંચાય છે. પણ એને એક એક પગલે, જે સાંકળ તૂટી ગઈ છે તેનો ભાર જકડી રાખે છે.
સત્યનું નામ સાંભળ્યું હતું ત્યારથી અને છેલ્લે છેલ્લે તેને બેભાન અવસ્થામાં જોયા પછી સુનંદાનું સમગ્ર સ્ત્રીત્વ અસંશયપણે સત્યને જ પુકારે છે. પણ તેને વારંવાર થાય છે, "એક વાર પૂરી સચ્ચાઈથી પ્રેમ કર્યો હોય, પછી ફરી વાર શું એટલી જ સચ્ચાઈથી પ્રેમ કરી શકાય?"
સત્યે કુમારને કહેલું, "... માણસ કાંઈ પણ કરે, તેનું જીવન નિરંતર ઊઘડતું, વિકસતું પ્રફુલ્લતું રહેવું જોઈએ... ધખધખતી જવાળા વચ્ચેથી પણ જેના હૃદયનું ફૂલ ખીલી શકે છે, તેને હું નમસ્કાર કરું છું."
દેવદાસ સુનંદાને છોડીને ચાલ્યો જાય છે. છતાં એ દુઃખની કઠોરતાથી તેનું મન જડ નથી થઈ ગયું. ઊલટાનું બીજા લોકો પ્રત્યે તે વધારે કરુણતાથી ઊઘડ્યું છે. પણ એના અંતરતમ પ્રદેશનું બધું જ જાણે વેરાન બની ગયું છે ત્યાં આનંદનું ફૂલ ખીલતું નથી. એટલે પોતાની નોટમાંથી પાનું ફાડી સુનંદાને સંદેશ મોકલતાં સત્યે કુમારને કહેલું, "તારા દીદીને વંચાવજે. તેં એમને સ્નેહ ને કરુણાનાં મૂર્તિ કહેલાં. હું ઇચ્છુ છું કે તે આનંદની મૂર્તિ બને."
કુમાર સુનંદાને પોતાના અને સત્યને વિશે તુલના કરતાં કહે છે, "હું દુનિયાને જેવી છે તેવી જોઉં છું, પણ તેથી મને ગુસ્સો ચઢે છે, હતાશા થાય છે. તિરસ્કાર આવે છે. મારામાં ને સત્યભાઈમાં એટલો ફેર છે કે એ પણ દુનિયાને જેવી છે તેવી જોઈ શકે છે. પણ તેથી તે ક્ષુબ્ધ થતા નથી. એમના અંતરના મૂળને ક્યાંક ચિર આનંદના ઝરણાને જાણે સ્પર્શ થઈ ગયો છે, તેથી તે નિષ્ઠુર થયા વગર આનંદમાં રહી શકે છે. તે સમર્થ છે, પણ કઠોર નથી, સ્નિગ્ધ છે પણ દુર્બળ નથી. છતાં બીજાનાં તુચ્છ દુઃખોનો પણ તે કદી અનાદર કરતા નથી. સત્યભાઈ તો સક્રિય રીતે જીવે છે, બીજાનું કલ્યાણ કરે છે. તેમના જેવા સમર્થ માણસ મેં બીજા જોયા નથી. ગમે તેવા રડતા માણસને તે હસાવી દે. તેમની પાસે આનંદનો એક અક્ષરભંડાર છે. તે શક્તિ અને ઉલ્લાસના ગાયક છે."
કુમાર સુનંદાને પણ પોતાની શક્તિ વિશે જણાવતાં કહે છે, "તમારામાં પણ કલ્યાણ કરવાની ઘણી શક્તિ છે. પણ તમે હમેશાં જાણે કશાક ભાર નીચે રહ્યાં કરો છો. તમારું મોં જોઈને એમ જ થાય, જાણે તમે અંદરથી સુખી નથી.. તમારામાં આટલી બધી શક્તિ, પણ તે કાદવમાં સૂતેલા કમળની જેમ સુપ્ત છે, ગુપ્ત છે."
સુનંદા જેવી એક અત્યંત સંવેદનશીલ અને સઘન વ્યથાથી પીડિત વ્યક્તિ પાસેથી આપણે દુઃખના વિવિધ સ્તરોને ભેદીને દુઃખના પરિવર્તનની ઝાંખી પામીએ છીએ. આ નાનકડા ગામમાં જાણે સમસ્ત વેદનાને સમેટી કોઈએ વેરી દીધી છે. તેથી કુમાર સુનંદાને કહે છે, "... આ ગામનો નાનો સમાજ આખાયે માનવસમાજનું પ્રતિબિંબ પાડે છે. દુનિયાના કોઈ પણ ખૂણે જે હોય નિર્દય, નઠોર હિંસાથી માંડી પ્રેમ ને માનવતાનો શ્રેષ્ઠ આવિર્ભાવ તે અહીં છે. હા, આ ગામમાં તોફાન, અશાંતિ, તકરારો થશે અને આ બધાં દંભનાં આવરણો ચિરાઈ જશે. બે સમૂહ વચ્ચે કેટલો પ્રેમ હોઈ શકે તે ત્યારે જણાશે. શિવશંકર અને ગફૂરમિયાં જેવા દંભી, લોભી અને હત્યારાઓ તો બીજી બાજુ અંજનાશ્રી અને સત્ય જેવા માનવતાના અમૃતમેઘ આ જ ગામમાં એકીસાથે જોઈએ છીએ ત્યારે આપણને કુમારની વાત માનવી પડે.
આજે હવે સુનંદા બધી રીતે જાગૃત અને સભાન છે. તેમ છતાં વ્યક્તિનિષ્ઠા ને જીવનનિષ્ઠા વચ્ચેનો આ અતિકઠોર સંગ્રામ... વ્યક્તિ પ્રત્યેની નિષ્ઠા તેને દેવદાસની સ્મૃતિ સાથે બાંધી રાખે છે, વિષાદની શિલા તળે કચડી રાખે છે. તો જીવન પ્રત્યેની નિષ્ઠા તેને તેની સઘળી શક્તિઓને જગાડીને શક્યતાના ચરમ સુંદર શિખર પર પહોંચવા માટે સાદ કરે છે.
સુનંદા વિચાર કરતી નદીકાંઠે બેઠી છે, ત્યાં અચાનક તેને પોતાની સાથે કોઈ હોવાની અનુભૂતિ થાય છે. તેને એક ધ્વનિ સંભળાય છે... "હું સત્ય છું, તમારા પોતાના જ હૃદયનું સત્ય."
રાતના ઠંડા અંધારામાં ધીમા પગલે સત્યની યાદ તેની સમીપ આવીને બેઠી હતી. આ માણસ માટે તેનું મન અતિશય ખેંચાણ અનુભવે છે. સુનંદાનું સમગ્ર સ્ત્રીત્વ સત્ય માટે પોકારી ઊઠ્યું, તેના મૂક સાંનિધ્યમાં સર્વાંગ નહાઈ રહ્યું. જાણે એ પોતાના મનનો જ માણસ, વર્ષોથી શૂન્ય રહેલા હૃદયની સમૃદ્ધ તૃપ્તિનો સ્વર.
સુનંદાએ દેવદાસને કહેલું, "જીવનના અંત સુધી હું તારી જ છું અને છતાં આજે હૃદય દિવસ-રાત સત્યને ઇચ્છે છે. તેનું હૃદય જીવવા ઇચ્છે છે. અંધારા ખૂણામાં ઊભેલું કમળ સૂર્યને ઝંખે તેમ તે જીવવાની સાર્થકતાને ઝંખે છે.
સુનંદાનું હૃદય સત્ય તરફ એટલું બધું ખેંચાય છે કે તેને થાય છે, "હૃદય જો એક વસ્ત્ર હોત તો ફાટીને તેના લીરાલીરા થઈ ગયા હોત. તે એક પથ્થર હોત તો કરોડો કણમાં તેને ભુક્કો થઈ ગયો હોત."

**************************************************************************

ડો. શિવાંગી પંડ્યા, 
પ્લોટ નં. ૧૦૦૦/૧, 
સેક્ટર નં. ૨(ડી), ગાંધીનગર,
પિન કોડ નં. ૩૮ ૨૦ ૦૭

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us