logo

પરંપરાના વિદ્રોહની સંસ્કૃતિ કથા : ઢોલ

પીડિત-શોષિતની વેદનાને યુગે -યુગે મહાન સર્જકોએ વાચા આપવાનું કામ કર્યું છે. અન્યાય અને અત્યાચાર સામે વિદ્રોહના સ્વરમાં પ્રગટેલું દલિતસાહિત્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત થઇ ચૂક્યું છે. ભારતની અનેક યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સ્થાન પામ્યું છે. ભારતીય સાહિત્યમાં મરાઠી, ગુજરાતી, તેલુગુ, પંજાબી, બંગાળી, મલયાલમ અને કન્નડ જેવી ભાષાઓમાં દલિતસાહિત્યનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. હિંદુ સમાજની જડ રૂઢિચુસ્તતાને પડકારવાનું કામ મહારાષ્ટ્રના સમાજ સુધારકો જ્યોતિબા ફૂલે અને બાબાસાહેબે કર્યું. તેમણે પ્રગટાવેલી સુધારક ચેતનાનો પડઘો સૌ પ્રથમ મરાઠીસાહિત્યમાં પડ્યો અને મરાઠી દલિતસાહિત્યનો ઉદય થયો. ઉપેક્ષિતો, વંચિતો અને દલિતોની વ્યથા અને વેદના આક્રોશ સાથે પ્રગટ થયા. આ ક્રાંતિકારી સાહિત્યની અસર ભારતની અન્ય ભાષાઓના સાહિત્યમાં થઇ. દલિતસાહિત્ય મહારાષ્ટ્રની સીમાઓ ઓળંગીને ભારતવર્ષમાં ફેલાઇ ગયું. જે આજે મુખ્યધારાની લગોલગ એક જુદા જ અભિગમ સાથે વિસ્તરી રહ્યું છે.

દક્ષિણ ભારતની મુખ્ય ચાર ભાષાઓ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં દલિત સાહિત્ય સશક્ત સાહિત્યિક પ્રવાહરૂપે સ્થપાઇ ચૂક્યું છે. 12મી સદીમાં થઇ ગયેલા મદારા ચેન્નાઇઆહથી શરૂ થયેલું કન્નડ દલિતસાહિત્ય ઇ.સ.1976ની આસપાસ દલિત કવિ સિદ્ધલિંગપ્પાના ‘હોલે માદિગર હાડુ’ (અછૂતોનું ગીત)થી વેગ પકડે છે.જો કે કન્નડસાહિત્યના પ્રસિદ્ધ મુખ્યધારાના સર્જકો પ્રિ.વિ.કે.ગોકાક, કુ.વે.કુટ્ટપ્પા, કે.એસ.કારંત વગેરેએ દલિત વેદનાને પોતાના સાહિત્યમાં આલેખી છે. કન્નડ કથાસાહિત્યની શરૂઆત ઝુલવાડી, બોબાર, કેરુર, પુટ્ટ્ન્ના જેવા સર્જકોદ્વારા થઇ. વાસ્તવવાદી આરંભથી શરૂ થયેલું કથાસાહિત્ય ક્રમશ: માનવતાવાદ તરફ ઢળે છે. બસવરાજ જેવા મુખ્યધારાના નવલકથાકારે અસ્પૃશ્યતા, કોમવાદ જેવા પ્રશ્નોનું નિખાલસતાથી આલેખન કર્યું છે. તેમના સમય સુધી ઉપેક્ષિત રહેલા પછાત અને દલિત સમાજના જીવનપર પ્રકાશ પાડ્યો છે. અસત્ય અને અન્યાય સામે બંડ પોકારતી ‘ મણ્ણુ મત્તુ હેણ્ણુ ‘( માટી અને સ્રી ) તેમની ઉત્તમ નવલકથા છે. કે.એસ.કારંત સાગરકાંઠાના ગરીબ કુટુંબની ત્રણ પેઢીને ‘ મરળિ મણ્ણિગે‘માં અને ‘કુડિયર કૂસું “માં આદિવાસી સમાજની ધાર્મિક પરંપરા સાથે તેમના સાહસોને ઉજાગર કરે છે. દલિત સર્જકોએ કવિતા, નવલકથા, ટૂંકીવાર્તા, નાટક, આત્મકથા અને નિબંધના ક્ષેત્રે ખેડાણ કરીને કન્નડ દલિતસાહિત્યને સમૃદ્ધ કર્યું છે. એટલું જ નહીં દેવનૂરુ મહાદેવ જેવા દલિત સાહિત્યકાર કન્નડ સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સિદ્ધાલિંગાઇઆહ ,વરગુરુ રામચંદ્ર્પ્પા, ડૉ. બસગર હલ્લી રામણ્ણા, ચેન્નણ વાલીકર , કું. વીરભદ્રપ્પા, પી.વી.નારાયણ, કે.વી. તિરુમલેશ, અગ્રહાર કૃષ્ણમૂર્તિ, શેષનારાયણ, અરવિંદ મલાગત્તિ , સરજૂ કાટકર, ગીતા નાગભૂષણ, બી.ટી.લલિતા નાયક ચિન્નાસ્વામી, કે.બી. સિદ્ધાઇઆહ, સુકન્યા મારુથી, મલ્લિકા ગાન્તી ,એલ.હનુમાન થાઇઆહ અને મોગાલી ગણેશ જેવા સર્જકો દલિતસાહિત્યના વિકાસમાં ઉલ્લેખનીય છે. આ ઉપરાંત કન્નડ દલિત સાહિત્યના વિકાસમાં ‘દલિત’ , ‘સંક્રમણ’ , ‘શુદ્ર’ ,’આંદોલન’ , ‘પઝચમ ‘ જેવા સાહિત્યિક સામયિકોનું પ્રદાન પણ અગત્યનું છે.

માનવતાવાદ તરફ ઢળેલા કન્નડ કથાસાહિત્યમાં દલિત-પીડિતને કેન્દ્રમાં રાખીને નવલકથાઓ રચાય છે. દલિત નવલકથા ક્ષેત્રે દેવનુરુ મહાદેવ, સિદ્ધલિંગાઇઆહ , ચેન્નન વાલીકરે મહત્વનું ખેડાણ કર્યું છે. સાહિત્યના ક્ષેત્રે રાજકારણી હોય અને ઉત્તમ સર્જક હોય તેવું જવલ્લે જ જોવા મળે છે. ભારત સરકારના હાલના કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીશ્રી એમ.વીરપ્પા મોઇલીએ કવિતા અને નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર ખેડાણ કર્યું છે. તેમણે ચાર કાવ્યસંગ્રહો ( હલુ જેનુ મથ્થે , નદેપાલી સમારા , યક્ષાપ્રાશ્ને ,શ્રી રામાયણા મહાવેશનામ ) , ત્રણ નાટકો ( મિલાના , પરાજિથા , પ્રેમાવેન્દારે ) અને ચાર નવલકથાઓ ( સાગારા દીપા , કોટ્ટા , તેમ્બરે ,સુલીગાલી ) દ્વારા કન્નડ સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ‘ ધ હિંદુ “ માં નિયમિત કોલમ લખે છે. તેમની ચાર પૈકીની મોટાભાગની નવલકથાઓ અન્ય ભારતીય અને અંગેજી ભાષામાં અનુવાદ પામી છે. ઇ.સ. 1999માં કન્નડભાષામાં પ્રગટ થયેલી ‘ તેમ્બરે ‘ તેમની પ્રસિદ્ધ નવલકથા છે. તેનો અંગ્રેજી અનુવાદ ‘ એજ ઑફ ટાઇમ ‘ પ્રો.સી.એન. રામચંદ્રને અને હિંદીમાં બી.આર.નારાયણે ‘ઢોલ’ નામે કર્યો છે. ‘ઢોલ ‘નવલકથા કર્ણાટકના સાગર કિનારે વસતા ‘ પમ્બદ ‘ સમુદાયની ધરી ઉપર રચાઇ છે. કર્ણાટકની સાંસ્કૃતિક અને સામાજિક પરંપરાનો લેખકને નીજી અનુભવ હોવાથી દલિત સમાજની સાંસ્કૃતિક પરંપરા અને તેના પરીણામો નવલકથાના કેન્દ્રમાં છે. કર્ણાટકના પછાત પમ્બદ સમાજનું પરંપરાને નામે શાહુકારો (જમીનદારો) દ્વારા થતું શોષણ અને અત્યાચાર ‘ભૂત આરાધના’ જેવી સામાજિક-સાંસ્કૃતિક પરંપરાને કેન્દ્રમાં રાખીને લેખકે આલેખ્યું છે. પમ્બદ સમાજની ‘ભૂત આરાધના’ (પરંપરિત અંધશ્રદ્ધા) નવલકથાના કેન્દ્રમાં છે. ભૂત આરાધનાની પરંપરા પમ્બદ સમાજને પરંપરાગત રીતે વારસામાં મળી છે. જેની કઠોર સાધનાદ્વારા વ્યક્તિને તોડી નાખવામાં આવે છે. નવલકથાકારે આ પરંપરાગત ‘ભૂત આરાધના ‘ને પમ્બદ ભાઇઓના માધ્યમથી આલેખવાનો પ્રયત્ન કર્યો છે. એક ભાઇ પરંપરાનો વિદ્રોહ કરે છે જ્યારે બીજો ભાઇ પરંપરાને પોષે છે. બહેન પરંપરા તોડીને કાયદાના શિક્ષણદ્વારા સમગ્ર જીવન સ્રી અને દલિતોના અધિકાર માટે સમર્પિત કરે છે. લેખકે સામાજિક પરંપરાઓના સ્વાનુભવ અને તેના પ્રત્યેની આત્મીયતા દ્વારા સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચિંતન પ્રક્રિયાને વેગ આપ્યો છે. જેમાં તેમના રાજકીય અનુભવોની છાપ સ્પષ્ટ દેખાઇ આવે છે. આમ, એક જ પરિવારમાં જુદી-જુદી વિચારધારાઓના સમન્વયને લેખકે યોગ્ય દિશા આપવાનું સફળ આયોજન હાથ ધર્યું છે. નવલકથાનો આરંભ યક્ષગાનથી થાય છે. યક્ષગાન સાગરકાંઠાના કર્ણાટકની પરંપરિત વિશેષતા છે. આરંભે મીથકનો ઉપયોગ કરી શિવના તાંડવનો ઉલ્લેખ કરતા સામાજિક વિષમતાઓને સળગાવી દેવાનો સંકેત આપ્યો છે. જેમાં લોકવિરોધી ધર્મનો નાશ કરી નવા માનવધર્મની સંકલ્પનાની પ્રતીતિ થાય છે. રંગમંચપર પ્રોફેસર તલવાર અને લકનની બૌદ્ધિક ચર્ચાથી આરંભાતી કથામાં લકનના સંસ્મરણોદ્વારા દાદા મોટા પમ્બદ અને પિતા પિજનની કઠોર ભૂત આરાધના અને સાંસ્કૃતિક સમાજના યથાર્થ પરિવેશની અભિવ્યક્તિ કરવામાં આવી છે. પોતાના પૂર્વજોની પરંપરાગત ભૂત આરાધના સામે શરણાગતિ સ્વીકારવાને બદલે લકન અધિકારી બને છે. નાનોભાઇ એતા વડવાઓએ કંડારેલી કેડીપર સત્યના રસ્તે ચાલે છે. બહેન તોમૂ વકીલ બની સમાજસેવાનો ભેખ ધારણ કરે છે.સમગ્ર નવલકથામાં આવતા જુદા-જુદા વિધિ વિધાન પમ્બદ સમાજની સંસ્કૃતિનો નજીકથી પરિચય કરાવે છે. ‘ભૂત આરાધના’ (પરંપરાગત અંધશ્રદ્ધા) પમ્બદ જાતિનો પ્રસિદ્ધ ઉત્સવ છે. જેને ‘કોલ નેમ’ પણ કહેવામાં આવે છે. ભૂતનો વેશ ધારણ કરનાર કડું ,સાંકળ, વસ્ત્રો વગેરેને પહેરતો હોવાથી તેને ‘ફલીભૂત’નો વેશ કહેવામાં આવે છે. પમ્બદ સમાજની કૂળદેવી ‘પંજુર્લિ’ દેવી છે. ભૂત આરાધનાના સમયે ઢોલ (તેમ્બરે-એક પરંપરાગત વાધ) વગાડવામાં આવે છે. સાથે પમ્બદ સ્રી સંધિગાન ગાય છે. જેના દ્વારા વ્યક્તિમાં અલૌકિક શક્તિનો સંચાર થાય છે તેવું દઢપણે માનવામાં આવે છે. દરિયાકાંઠાની પમ્બદ, પરવ, નલીકે, પાનારા,અજલી વગેરે જેવી જાતિઓ ભૂત પૂજા કે આરાધના કરે છે. આ પ્રત્યેક જાતિને પોતાનો કૂળદેવતા હોય છે. જેને મરઘી,બકરી સાથે કેટલાક દેવતાઓને દારુ પણ ચઢાવવામાં આવે છે. ભૂત આરાધનાનો કોઇપણ વ્યક્તિ વિરોધ કરી શકતું નથી. ભૂલે ચૂકે જો કોઇ વ્યક્તિ વિરોધ કરે તો તેને ભયંકર દંડ આપવામાં આવતો. લકનના દાદા મોટા પમ્બદે વિરોધ કર્યો તો તેમના બંન્ને હાથ કાપી નાખવામાં આવ્યા. મોટા પમ્બદને ચીલે ચાલનાર લકનના પિતા પિજન પણ રહસ્યમય રીતે મૃત્યું પામ્યા. વળી, ભૂતનો વેશ ધારણ કરનારે કેટલાક આકરા નીતિ-નિયમોનું પાલન કરવું પડતું. ઘરના એકાંત ખૂણામાં રહીને જાતે રસોઇ બનાવી જમવું પડતું. 41 દિવસ સુધીનો શોક પાડવાનો રહેતો. એટલું જ નહીં આ સમય દરમ્યાન કોઇ સ્વજનનું મૃત્યું થાય તો સ્પર્શી શકાતું નહીં કે કાંધ પણ આપી શકાતી નહીં. સમસ્ત માનવીય સંબંધો વેગળા મૂકીને ભૂત જેવું એકાંત જીવન જીવવું પડતું. આજ તેમની ઓળખાણ હતી. ’ફલીભૂત’નો વેશ ધારણ કરનારને જો કોઇ સ્પર્શી જાય તો વેશધારી મરી જાય તેવી દઢ માન્યતા આ સમાજ ધરાવે છે. મૈરાની પત્ની કેન્સરથી મૃત્યું પામી, ત્યાંપણ્ણ એકદમ જમીનપર પડી ગયો , દિકરો મૃત્યું પામ્યો જેવી ધટનાઓ આ અંધશ્રદ્ધાને પુરવાર કરતા ઉદાહરણો છે. જેને કારણે લોકોની પરંપરિત માન્યતા દઢ થાય છે. લકનની ભણેલી પત્નિ તનિયારુ પોતાને લકન જેવો પતિ મળવા પાછળ ‘પંજુર્લિ’ દેવીનો પ્રસાદ માને છે. જીવનમાં મળતા તમામ સુખ દુ:ખ ‘પંજુર્લિ’ દેવીને આભારી છે તેવી દઢ માન્યતા પમ્બદ સમાજ ધરાવે છે. આ પરંપરાનું શિક્ષિત વિદ્ધાનવર્ગ પણ અંધવિશ્વાસુ બની પાલન કરતો જોવા મળે છે.

પમ્બદ સમાજ વ્રતના પ્રત્યે નિષ્ઠા ,સત્ય અને નૈતિક્તા ધરાવે છે. સત્યના પાલન માટે ભૂત સામે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. ગત્તુ, બીડુ, ગ્રામ, માગણે જેવા સમાજના પ્રમુખો પોતાના રાજકીય, સામાજિક અને ધાર્મિક અધિકારની સ્વીકૃતિ માટે ભૂત સામે સત્ય પાલનની પ્રતિજ્ઞા લે છે. જેના કારણે ધાર્મિક માન્યતાની મ્હોર વાગે છે.

બાળપણમાં લકને જોયેલી નર્કાગાર જેવી ‘ભૂત આરાધના’ની ભયાનક વિભીષિકા તેને સતત પીડે છે. પિતાજીના મૃત્યું પછી માતા મૈરીની સ્થિતિ તેણે જોઇ છે. વર્તમાન અને ભવિષ્યમાં શ્રદ્ધા ધરાવતો લકન પૂર્ણરૂપે પરંપરા સાથે નાતો તોડીને ફરીથી નવી સંસ્કૃતિના નિર્માણનું સપનું જુએ છે. પિતાનું દર્દ, માતાના આંસુ સાથે ધર્મ,જાતિ,વર્ણની સમસ્યાઓનો અભ્યાસ કરે છે.ભણીને કલેક્ટર થયા બાદ સામંતવાદી અત્યાચારનો ભોગ બનતો રહે છે.સામાજિક અમાનવીય વ્યવહારોથી ક્ષુબ્ધ લકન બહાર નીકળવાની સતત મથામણ કરે છે.નાનોભાઇ એતા દાદા મોટા પમ્બદના રસ્તે સત્ય નિષ્ઠાથી ચાલે છે. પોતે ક્યારેય જમીનદારોના હાથની કઠપૂતળી નહીં બને એવા દઢ નિર્ધાર સાથે ‘ભૂત આરાધના’ કરે છે. ભૂત આરાધનાને શોષણવિહીન કરવાનું તેનું સપનું છે. પરંપરામાં તે અડગ વિશ્વાસ ધરાવે છે. દેવના પ્રતિનિધિ તરીકે સત્ય અને પરંપરાનું રક્ષણ કરવું તેને પોતાની જવાબદારી સમજે છે. પરંતુ આ પરંપરાને વળગી રહેતા બદમૂલ્યને દેવનો ન્યાય તો અપાવે છે પણ સામંતશાહીની ક્રુરતા સામે તેને બચાવી શકતો નથી. એટલું જ નહીં પરંપરા અને સત્યનું જતન કરતા પોતાનું ધર અને માતાને પણ ગુમાવે છે. બહેન તોમૂ પણ દલિત અને સ્રીઓના પડખે લડતા સતત સંધર્ષનો સામનો કરે છે.

નવલકથામાં લેખકે ભારતીય સમાજનો જાતિવાદી ચહેરો ખુલ્લો પાડ્યો છે. ભૂત આરાધના કરવાવાળા દલિત સમાજના અને કરાવવા વાળા ઉચ્ચવર્ણના ? વળી, ભૂત આરાધના કરનાર લકનના પિતા રાત્રે પુજ્ય અને દિવસે અસ્પૃશ્ય ગણાય. શાળામાં સવર્ણ બાળકો લકનને તિરસ્કારથી જોતા અને સંપર્ક રાખવાનું ઇચ્છતા નહીં. કલેક્ટર બન્યા પછી પણ જાતિવાદી અત્યાચારનો ભોગ બને છે. ચક્કીનો માલિક ગિરજાપતિ અને મંત્રી જાતિની ઓથ લઇને લકનનું અપમાન કરે છે. તેને સસ્પેન્ડ પણ કરે છે. લેખક કહે છે,’ઇન્ડિયન સિવિલ સર્વિસ નહીં પણ ઇન્ડિયન કાસ્ટ સર્વિસ વહીવટની કડી બનીને કામ કરે છે.’.તેની પત્નીને સુવાવડ કરાવવા માટે કોઇ આવવા તૈયાર નથી. સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીને કારણે પુત્ર અપંગ જન્મે છે. ખરાબ જગ્યાએ તેની બદલી કરી દેવામાં આવે છે. પોતાની માતા અને બદમૂલ્યની હત્યાની ફરીયાદ કોઇ અધિકારી સાંભળતું નથી અને ઉલટાનું પોલીસ અધિકારી જાતિના કારણે તેની સાથે અપમાનજનક વ્યવહાર કરે છે. લેખકે અહીં પોલીસ અને પ્રજા ઉપર સત્તાનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે. રાજકારણની ગતિવિધિ પર પ્રકાશ પાડી લોકશાહીનો ચહેરો ખુલ્લો પાડ્યો છે. આ બધી જ સમસ્યાઓના મૂળમાં જાતિ છે. એતા સત્યનો રાહ પકડે છે પણ ચેલુવય્યા શેટ્ટી જેવા જમીનદારની મરજી વિરુદ્ધનો સાચો ન્યાય આપતા ધર અને માને ગુમાવે છે. તોમૂ વકીલ બને છે પણ જાતિના કારણે અસ્પૃશ્ય ગણાય છે. એટલું જ નહીં સમગ્ર વકીલ આલમ તેના બહિષ્કાર સાથે કોટ ઉપર પાનની પિચકારી મારે છે. ઓફિસના ટેબલ ખુરશી તોડી નાખે છે. તેણે દાખલ કરેલા કેસને પાછો ખેંચવા માટે ધણાં પ્રયત્નો થાય છે. સમગ્ર સરકારી મશીનરી કામે લાગે છે. મેજીસ્ટેટને ખરીદવાનો પ્રયત્ન પણ થાય છે. ભૂતની ઇચ્છામાં ખપાવી પિંજનને કડુ પહેરાવી તેની વૈયક્તિક સ્વતંત્રતાનો નાશ કરે છે. લેખક કહે છે, “ જાતિ એક પ્રકારની ઢાલ છે. ભલે પછી રાજનીતિ હોય કે આર્થિક કે સામાજિકક્ષેત્ર હોય. તેમાં કામ કરવાવાળા જાતિનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે. દેશનું બંધારણ જે પ્રકારે કેટલાક લોકો માટે રીયાસત છે એવા પ્રકારે આ લોકો જાતિને આધારે પરોક્ષરૂપમાં રીયાસત મેળવે છે.’(પૃ.111-ઢોલ). આગળ જતા કહે છે, ” શુદ્રની બૌદ્ધિકતા અને પુરોહિત શાહીની સવારી હજારો વર્ષોથી ચાલી આવી છે. ગઝનીનો મોહમ્મદ ગઝનવી બે વાર આપણા દેશમાં ક્રુર અને ભયંકર આક્રમણ કરીને અમૂલ્ય હીરા, ઘરેણાં અને સોનું લૂંટીને ચાલ્યો ગયો. પરંતુ દલિત જાતિ પર હજારો વખત, હજારો વર્ષોથી આ આક્રમણ ચાલ્યું આવે છે. આગળ પણ બૌદ્ધિક , સાંસ્કૃતિક અને આર્થિક આક્રમણ નિરંતર ચાલતું રહેશે. “ (પૃ.115-ઢોલ ). તેમની આ દલીલને સમજાવતા કહે છે , “ વીસમી સદી હવે એકવીસમી સદી તરફ પગ માંડી રહી છે છ્તાં સાંપ્રદાયિકતા અને જાતિનું બંધન આ દેશમાંથી જવાનું નામ લેતું નથી. જો આવું જ ચાલુ રહેશે તો એક દિવસ લોકશાહી આ દેશમાંથી પૂર્ણરૂપે લુપ્ત થઇ જશે .” (પૃ.૧૧૨-ઢોલ). નવલકથામાં બનતી ઘટનાઓ અને લેખકનું ચિંતન સબળ જાતિવાદનો પુરાવો આપે છે. લોકશાહીની ચોથી જાગીર સમૂહમાધ્યમો પણ મૂક રહે તે વિધિની વિડંબણા છે. કેવળ શક્તિશાળીને જ જીવવાનો હક્ક છે એ ફલિત કરે છે.

આ નવલકથામાં પમ્બદ સમાજની નારી ચેતનાનો પડઘો પણ પડ્યો છે. સ્રી દેવતાનો વેશ પુરુષ ધારણ કરે છે પરંતુ પરંપરાગત ભૂત આરાધનામાં સ્રી મહત્વની હોવા છતાં કેન્દ્રમાં નથી. તે ઢોલ વગાડે, સન્ધિ ગાય, નારીયેળના પાંદડા તૈયાર કરી તીરી ,અણી વગેરે બનાવે છતાં તેને મહત્વ આપવામાં આવતું નથી. પિજનને ભૂતવિધિ માટે તૈયાર કરતી મૈરે પતિને સ્થાન અપાવવામાં જ પોતાની જાતને ધન્ય ગણે છે. આ સમાજમાં સ્રીને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે. સ્રીનું કામ માત્ર લગ્ન કરીને સંતાનો પેદા કરવાનું તેવું દઢપણે માને છે. તોમૂ વધારે ભણે છે ત્યારે મૈરે લકનને કહે છે,’ આપણી જાતિમાં બધી છોકરીઓ ભણશે તો ભણેલો-ગણેલો છોકરો ક્યાંથી મળશે ?’. મૈરેનો આ વેધક આજે પણ ઘણાં અંશે સાચો લાગે છે. પમ્બદ સમાજની સ્રી કોઇ પુરુષ સાથે વાત ન કરી શકે તો લગ્નની પસંદગી ક્યાંથી કરી શકે ? તોમૂને જોવા આવ્યા ત્યારે લેખક કહે છે, “ છોકરાવાળા જોવા આવ્યા ત્યારે એક ઢીંગલી જેવી હતી. તેણે ગાયું નહીં, નાચી નહીં,ચિત્ર પણ ન બનાવ્યું ત્યાં સુધી કે હસી પણ નહીં અને અંતમાં રડી પણ નહીં.ભાવના રહીત પથ્થરની મૂર્તિની જેમ ઉભી રહી. તેની સાથે કોઇએ વાત પણ કરી નહીં. તેની પસંદ ના પસંદ વિશે કોઇએ પૂછ્યું સુદ્ધા નહીં.”(74-ઢોલ્). પરણ્યા પછી તેનો પતિ અંગાર ચિત્ર અને સંગીતકળાને નફરત કરે છે. પતિદ્વારા થતા દૈહિક ,માનસિક, લૈંગિક અત્યાચારથી તોમૂ છૂટકારો ઇચ્છે છે પણ એક પમ્બદ સ્રી વિવાહના બંધનમાંથી મુક્ત થઇ શકે ? તોમૂ પણ માની જેમ દર્દના ઢોલ વગાડતી રહેશે ? તોમૂ પરંપરાના બંધનો તોડીને સ્વતંત્રતાની ઉડાન ભરે છે. પ્રસિદ્ધ વકીલ બની ગરીબો , દલિતો અને સ્રીના અધિકાર માટે સતત લડતી રહે છે.સાથે સાથે લેખકે લોકકથામાં આવતી સિરિની કથાદ્વારા પુરુષજાતિના હક્ક અને અધિકારનો તિરસ્કાર કરીને નવી પરંપરાની ઇંટ મૂકનાર દર્શાવી છે. ‘ઢોલ’ આ વસ્તુને કેન્દ્રમાં રાખીને સ્રી ચેતનાનો આવિષ્કાર કરે છે.

પમ્બદ સમાજની સંસ્કૃતિનો વિગતે પરિચય નવલકથામાં થાય છે. ખેડૂતો ‘ કેડ્ડસ ’ના તહેવારની ઉજવણીમાં ચોખા સાથે અન્ય અનાજ દળીને ટોપરું તથા ગોળ ભેગા કરીને ‘ નન્નેરી ‘ નામે પ્રસાદ બનાવે છે. જે પ્રથમ ધરતી માતાને અર્પણ કરવામાં આવે છે. આ દિવસોમાં જમીન ખેડાય નહીં. એવી લોક વાયકા છે કે, પ્રાચીન સમયમાં આ તહેવારે હળ ચલાવતા એક વ્યક્તિનું મૃત્યં થયું હતું. વળી છોકરાના જન્મ સમયે વાટકો ( કટોરી ) વગાડવામાં આવે છે. એવી માન્યતા છે કે આવું કરવાથી બાળકના મનમાંથી ડર જતો રહે છે. ચાલીસમાં દિવસે બાળકને સ્નાન કરાવી મંદિરે લઇ જઇ ફળ-ફૂલ ચડાવ્યા બાદ તેજ દિવસે પારણામાં સુવડાવવાની વિધિ થાય છે. છોકરી પ્રથમવાર રજસ્વલા થાય ત્યારે કેટલાય પ્રકારની સંસ્કારવિધિ કરી ઋતુમતિ દેવીને મનાવવામાં આવે છે. આ ઉપરાંત ભીષ્મના ઇચ્છા મૃત્યુંની વાત , બલિરાજાની કથા વગેરેમાં પમ્બદ સમાજની બહુવિધ સંસ્કૃતિનો પરિચય થાય છે.

પ્રસ્તુત નવલકથામાં પમ્બદ સમાજના સામાજિક પ્રસંગો ,પરંપરા ,વિધિ-વિધાન , લોકકથાઓ , રાજકારણ વગેરેને કથનાત્મક શૈલીમાં લેખકે સરસ રજૂ કરી છે. તેમના વિલક્ષણ જીવનનો પરિચય કરાવી લેખકે પરોક્ષરૂપે સમાજ સુધારણાનું કામ કર્યું છે. જાતિ અને પરંપરા પ્રત્યેનો છૂપો વિદ્રોહ હદયદ્રાવક નિરૂપણદ્વારા ઢોલના માધ્યમથી પ્રગટાવ્યો છે. કેવળ ધાર્મિક શ્રદ્ધાના કારણે ઊભી થયેલી સામાજિક અંધવ્યવસ્થા સામે માનવીય અભિગમ પ્રગટાવી સ્રી અને દલિત પ્રત્યે ઊંડી સંવેદના પ્રતિબદ્ધતા સાથે વ્યકત કરી છે. આમ, ‘ઢોલ’ સફળ સામાજિક –સાંસ્કૃતિક નવલક્થા બની રહે છે.

સંદર્ભ સાહિત્ય :::

(1) લેખક : એમ.વીરપ્પા મોઇલી - ઢોલ , 2008 હિન્દી અનુવાદ : બી.આર.નારાયણ
(2) દક્ષિણી ભાષાઓમાં દલિત સાહિત્ય - રમણ વાઘેલા ,નિસબત-2011
(3) હિન્દી વ કન્નડ દલિત ઉપન્યાસકારો કે ઉપન્યાસ મેં દલિત ચેતના - ડૉ. સિજમા ટી. રોડાનવાર , દલિત સાહિત્ય – 2012 (વાર્ષિકી)
(4) જનજાતિકે વિલક્ષણ જીવન કા નિરૂપણ - ડૉ. સોમાભાઇ પટેલ ,કલમ(ડિસેમ્બર-2012)
(5) કન્નડ દલિત સાહિત્ય – ભી.ન. વણકર , દલિત સાહિત્ય – 2005 (6) કન્નડ સાહિત્યના ઇતિહાસની રૂપરેખા , આર. એસ. મુગળી -1977

( મુંબઇ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગદ્વારા આયોજિત “ દલિત સાહિત્ય “ વિષય અંગેના આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં તા.5/12/2013 ના રોજ રજૂ કરેલું સંશોધન પેપર )

*************************************************** 

ડૉ. હર્ષદ પરમાર
અધ્યક્ષ ,
ગુજરાતી વિભાગ ,
સરકારી વિનયન કૉલેજ,
ગાંધીનગર. (ગુજરાત)

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us