logo

‘પરંપરા અને નવીનતાનો સ્પર્શ’

કવિ વિષ્ણુ પટેલ કૃત ‘અજાણ્યો જણ’ કાવ્યસંગ્રહ ગીત, ગઝલ, અને છંદ સૉનેટ રચનાઓથી સમૃદ્ધ કૃતિ છે. ગીત અને ગઝલમાં કવિએ જેટલું કૌવત દાખવ્યું છે, છાંદસ રચનાઓની નીરૂપણ જીતિ એટલી જ પ્રશંસનીય છે. પાંચેક જેટલા છાંદસ કાવ્યો અને ‘ખેલ’ નામે એક દીર્ઘ કાવ્ય કવિની નોંખી ભાત પાડનારું કાવ્ય છે.‘ભેટ’(શિખરિણી),‘ચણવાટાણે’(મંદાક્રાંતા),‘ચાહ્યા જેને’(મંદાક્રાંતા),‘નિત્યદુજે’(ભુજંગી), ‘વેસ્ટમિન્સ્ટર પુલ પરથી’(શિખરિણી) એવા પાંચેક કાવ્યો સૉનેટ છે.‘ભેટ’ કાવ્યમાં પત્ની પતિને લગ્નતિથી પ્રસંગનું સ્મરણ કરાવે છે. જીવનભર પોતે પોતાની પત્નીને દુ:ખ સિવાય કશું જ ન આપી શક્યાનો વસવસો પ્રગટ કરતો પતિ બોલી ઉઠે છે,

‘દશા તારી બેઠી પરણી મુજને તેજ દી’થી છે.’ ( પૃ.૫૬ )

આ ઉદગારમાં પતિનો પશ્ચાતાપ વ્યક્ત થયો છે. પોતાની પત્નીને તે ક્યારેય નૃત્ય, નાટ્ય, ચલચિત્ર, ઉદ્યાન, નગર કે નદીવિહાર માટે નથી લઈ જઈ શક્યાનો સંતાપ પતિના હદયનેકઠે છે. એ માટે પોતાની જાતને ‘ધિકધિક’ કહેતો પતિ મન મૂકીને રડે છે. એ જ વેળાએ સૌમ્યતાપૂર્વક પત્ની પતિના દુઝાયેલા ઘાવને પસવારતી તથા પતિના આત્મઘાતીપણાને દૂર કરતા કહે છે,

‘તહીં ચિંધી ભોળું શિશુ લઘુક એ એમ ઉચરી ;
કહો, આનાથી કોન અધિક નમણી ભેટ છે ખરી?’ ( પ્રુ. ૫૬ )

ભારતીય સમાજની સંસ્કારી નારેનો પરિચય પત્નીના ઉદગારમાં અનુભવાય છે. ઉમાશંકર જોશીની પ્રતીતિ કરાવતી શિષ્ટભાષા આ કવિને વરેલી છે. તેથી જ ‘જલધિતટ’, ‘ગિરિશૃંગો’, ઉદ્યાન’, ‘શિલ્પ’, ‘નટ-નટી’ જેવા શબ્દો કાવ્યમાં પ્રયોજાયા છે. નાટ્યાત્મક નિરૂપણ રીતિ કવિની અભિવ્યક્તિની વિશેષતા બને છે. ‘ચણવા ટાણે’ મંદાક્રાંતામાં લખાયેલ સૉનેટ કાવ્ય છે. આ કાવ્યમાં કવિએ પંખીઓની રહેણી કરણી તથા મનુષ્યજીવન વચ્ચેનો ભેદ તુલનાત્મક રીતે આલેખ્યો છે. પંખીઓ સાથે ઊડે, ચણ ચણે ને છતાં લગીરે ક્લેષ ન કરે. સાથે મળી તરુવરો ફરી વળે, ગીત ગાય. ‘મુજ-તુજ’ તણો ભેદ ન રાખે. પરંતુ, આ પ્રકારની રીત ભાત મનુષ્યમાં જવલ્લે જ જોવા મળે. પંખીઓમાં રહેલી એકતા સંપ અને સ્નેહની ગુરુવાણી કોણ જાણે કોણે ફૂંકી હશે એવું ચિંતન કરતા કવિ મનુષ્ય માટે વ્યંગ પ્રગટ કરતા કહે છે,

‘ને આ થોથા ભણી ભણીભૂલ્યોમાનવી ભાન જાણે ;
પીંખી નાખે અનવરત પારેવડાં, દુષ્ટ બાણે’` ( પૃ.૫૭ )

જે પંખીઓ સ્નેહ અને સંપનું પ્રતીક છે. એવા જ પંખીઓને ભણેલો-ગણેલો માણસ શિકાર કરી નાખે ત્યારે તેનામાં રહેલું માણસપણું શૂન્ય બની જંગલીપણું પ્રત્યક્ષ થાય છે. આમ, ઈશ્વરનિર્મિત પંખી અને માણસ વચ્ચેનો ભેદ આ કાવ્યમાં સરસ રીતે ઘૂંટાયો છે.

‘ચાહ્યા જેને’ મંદાક્રાંતામાં લખાયેલ કાવ્ય છે. આ કાવ્યમાં કવિએ જે સ્વજનોને પોતે દિલથી ચાહ્યા’તાં તેઓ જ હદય પર ઘા કરી ગયાની વેદના ઠાલવે છે. ‘ચાહ્યા જેને નિજ હદયસ્પંદનોથી ઝાઝા’ કહેનારા કવિ સઘળું ભૂલી જઈ સ્નેહનો હાથ ઝાલવા તૈયાર થાય છે. બીજી તરફ સ્વજન શત્રુ બન્યાની વેદના ભીતર ધરબાયેલી રાખે છે. શત્રુઓની અવગણના કે નફરતને લીધે કવિ હદય ‘મૃત્યુથીલથબથ’, ’લોહી ચૂંતોશ્વસુ’, તથા ‘ખીલા’, ‘ક્રૂસ’ દ્વારા પોતાની જાતને પરાણે જીવાડવા અને હસાવવામથે છે. સ્નેહીઓને સ્નેહ તરફ પાછા ન વાળી શકવાની વિફળતાનો પણ અહીં સંકેત છે.

‘નિત્ય દૂઝે’ ભુજંગી છંદમાં લખાયેલ કાવ્ય છે. આ કાવ્યમાં કવિએ વર્તમાન પરિસ્થિતિમાં જીવતા હોવા છતાં અતીતરાગને વાગોળે છે. ભૂતકાળ્નાઘાવને ન ભૂલી શકવાની મથામણ આ પંક્તિમાં અનુભવાય છે,

‘હજી તો ઝગે આંખમાં સ્નેહ જ્યોતિ,
હજી તો નિમંત્રી રહ્યું સ્મિત મીઠું’ ( પૃ. ૫૯ )

કુદરતના નિયમમાં બનનાર ઘટનાઓને માણસ ટાળી શકતો નથી. તે ઘાવ વર્તમાન અને ભવિષ્યમાં કણસલાની જેમ કોળ્યાં કરે છે. જેમકે,

‘પડ્યા જે ઊરે ઘા કદી ન રૂઝે,
વહી જિંદગીના વ્રણો નિત્ય દૂઝે!’( પૃ. ૫૯ )

‘વેસ્ટમિન્સ્ટર પુલ પરથી’ કાવ્ય પાશ્ચાત્ય કવિ વિલિયમવડ્ર્ઝવર્થનું ‘Composed upon Westinster bridge’ કાવ્યના શિખરિણીમાં થયેલો અનુવાદ કાવ્ય છે. ગુજરાતી સાહિત્યમાં કેટલાક કવિઓ પાશ્ચાત્ય કવિઓની વિશિષ્ટ રચનાઓને ગુજરાતી ભાષાના ગૌરવપ્રદલીપીમાં અનુવાદિત કરી સાહિત્યનું અનોંખુ કાર્ય કરે છે. એવા કવિઓમાં ચન્દ્રકાંતટોપીવાળા, ધીરુ પરીખ, પ્રવીણ દરજી જેવા સર્જકોનો સમાવેશ કરી શકાય. વર્ડઝવર્થના પ્રકૃતિ કાવ્યને પોતીકી બાનીમાં લય કે છંદ ભંગ કર્યા વિના પ્રવાહિત શૈલીમાં આલેખવાની કવિની અનુવાદ પ્રવ્રુતિ નોંધપાત્ર બની રહે છે.

‘ખેલ’ કાવ્ય પ્રસ્તુત કૃતિનું અંતિમ કાવ્ય છે. પરંતુ તે કૃતિના પ્રથમ કાવ્યને સ્પર્શે છે. પ્રથમ કાવ્યની પંક્તિ કઈંક આવી છે,

‘ઊંઘમાં ઝબકી સતત જાગુ હજી
હું અજાણ્યો જણ મને લાગું હજી’ (પૃ. ૧ )

પોતાની જાતમાં અજાણ્યાપણાને અનુભવતા કવિ આત્મખોજ તરફના માર્ગ પર શબ્દના સહારે ગતિ કરે છે. આ અપરિચિતપણાથી સતત જાગ્રત-અર્ધજાગ્રત રીતે પરિચિત બનતા કવિ અંતિમ કાવ્યમાં આ રીતેઉઘડે છે,

‘ચહેરો અસલી ઓળખવો છે
સંદેશો અંગત લખવો છે.
કહે છે, એના તો નૂર એવા,
કોટી સૂરજ લાજે તેવા
આ ચહેરો જો ના જોવામાં આવે,
ખેલ અધુરો ભવ ભવ ભીખ મંગાવે’ (પૃ. ૬૭ )

માણસ અને કુદરત વચ્ચેના અવકાશને કવિએ પ્રતીકાત્મકરીતે ‘ખેલ’ કાવ્યમાં નિરુપણકર્યુ છે. પોતાની જાતમાં સ્વને અનુભવી રહેલાં જુદા જુદાચહેરાઓ અંતે તો મનની જુદી જુદી ‘છબિ’ઓનો ભાગ છે. અંતે તો ‘હેમનું હેમ’ ની જેમ મદારી, રીંછ, માકડું, ફણાધર, જંતર મંતર કરનારા જાદુગર અને એ સમગ્ર ચહેરાઓમાંથી ઉઘડી આવતો ‘ડુગુડુગુડુગુ’ નો અહાલેક નાદ આત્મસાક્ષાત્કારની પ્રતીતિ કરાવે છે. નાટકમાં બદલાતાંદૃશ્યની જેમ કાવ્યમાં એક પછી એક દૃશ્ય મનની વૃત્તિઓ, ચંચળતા, અહમના ભાગરૂપે ઉઘડતા જાય છે. નાટ્યાત્મકશૈલીથી કવિ કાવ્યના આરંભમાં વાત માંડે છે,

‘વાહ મદારી !
તું શેરીનો શાહ મદારી !’ ( પૃ. ૬૬ )

પહેલા ખંડમાં ‘મદારી’નો સંદર્ભ ઈશ્વર સાથે જોડી શકાય. કેમકે, સમગ્ર કાવ્યમાં મદારી જ જુદા જુદા ખેલ રચનાર કર્તા બને છે. બીજી બાજુ મદારી એ મનની પ્રકૃતિનો પણ સંકેત કરે છે. મન જુદા જુદાચહેરાઓ ધારણ કરે છે. ‘રીંછ’નો સંદર્ભ મનુષ્યદેહ અને ‘માંકડું’ મનની વૃત્તિનો નિર્દેશ કરે છે. બીજા ખંડમાં મન અને માંકડાની સરખામણી કરવામાં આવી છે. ત્રીજા ખંડમાં મદારીએ મહુવર વગાડીને ફણાધરને ઉત્તેજ્યો છે. ફણાધરઅહમનું પ્રતીક છે. જેમ ફણાધર ફૂંફાડો માર્યા વિના રહી શકે નહી તેમ અહમ પણ અંગત સંબંધોને નષ્ટ કરે છે. ચોથા ખંડમાં જંતર મંતર કરનાર જાદુગરનો ઉલ્લેખ છે. જે દુનિયાને પોતાની અલૌકિક શક્તિ કે માયાવી શક્તિથી ચમત્કારીક આનંદ આપે છે. ઠીકરામાંથી દસિયું અને લીલીનોટ કરવાનો જાદુ અન્ય માટે આશ્ચર્ય અને આનંદનો વિષય છે. જ્યારે જાદુગર માટે પેટનો ખાડો પૂરવા જેટલું મહત્વનું કાર્ય છે. અંતે મદારી દ્વારા ચાલતા આ જુદા જુદા ખેલ દૃશ્યોને અધવચ્ચે અટકાવતા કવિચિત્તમાં ચાલતી મથામણ તરફ દૃષ્ટિ કરતા કહે છે,

‘તુ તો તારો ખેલ સમેટીહડફડ ચાલ્યો...
મારી અંદર ચહેરાઓનોએક જમેલો હાલ્યો!’ ( પૃ.૬૭ )

માનવ મનના જુદા જુદા ચહેરાઓ પાછળ વર્તાતો મુખ્ય ચહેરો તો નિજતત્વ (આત્મતત્વ)નો છે. તેનો ઉઘાડ કવિ ચારેય ચહેરાઓના ઉદ્દઘોષથી આપે છે. જેમકે,

‘હું જ રીંછ છું
વનની હિંસક હું જ ચીસ છું!
હું જ રીંછ છું કાળું ભમ્મર
ખુદ અંધારું ખાતુ તમ્મર!’ (પૃ. ૬૪)

‘વનની હિંસક ચીસ’, ‘કાળું ભમ્મર,’ ‘અંધારું ખાતું તમ્મર’ જેવા કલ્પનો આધુનિક બનાવે છે. રીંછ મન છે, તો મદારી આત્મા છે. આત્માના હાથમાં મનની દોર છે તેમ મદારીના હાથમાં રીંછની દોર છે. મન-આત્મા વચ્ચેનો માયાવી પડદો દૂર થાય તો આપો આપ આત્માનો સાક્ષાત્કાર થાય. બીજા ચહેરારૂપે‘માકડા’નો ઉઘાડ કવિ આ રીતે આપે છે,

‘હું તો આઠે પહૉરે જાગું
રેઢું મેલે કે ઝટ ભાગું!’ (પૃ. ૬૪)

મન અને માંકડું ગુલાટ મારવાનું ન ભૂલે. ‘ફણાધર’નો ઉલ્લેખ અહમી પ્રકૃતિ તરફ નિર્દેશ કરે છે.

આ રીતે જુદા જુદા ચહેરાઓને ઉઘાડતા અંતે સ્વ તત્વને પ્રાપ્ત કરવા તરફ કવિનો ધ્યેય રહ્યો છે. માનવ મનના વિવિધ ચહેરાને કવિ ‘પોલાદી પહેરા’ કહે છે. ‘ચહેરો અસલી ઓળખવો છે’ દ્વારા સ્વને જાણવાની તાલાવેલી અનુભવાય છે. ‘ખુદકો ન પાયા તો ક્યા પાયા’ એ કહેવતને સાર્થક કરતું કવિતાનું આ અંતિમ ચરણ આધ્યાત્મિક કવિતાના ભાવને સ્પર્શે છે. જેને પામવા માટે અસંખ્ય જન્મો વીતી જાય છે, એ આત્મતત્વને કવિ ‘કોટિ સૂરજ લાજે તેવા’ કહીને બિરદાવેછે. સ્વને ન જાણનારનો ખેલ અધૂરો સાબિત થાય છે. તેથી કવિ કહે છે,

‘એ ચહેરો જો ના જોવામાં આવે,
ખેલ અધૂરો ભવ ભવ ભીખ મગાવે!
જે જાદુગર લાવે સામે દર્પણ,
એને ‘હોવું’ આખ્ખેઆખ્ખુ અર્પણ!’( પૃ.૬૭ )

આમ, સમગ્ર કાવ્ય કવિચિત્તનો આંતરિક સંવાદ બની રહે છે. રીંછ, માંકડું, ફણધર, જાદુગર વગેરે મનની વિવિધ છાયાઓ છે. પરંતુ અસલી ચહેરો આત્મારૂપે પ્રગટે છે. ત્યારે આ બધી જ છાયાઓભૂંસાતી જાય છે. એવા અસલી ચહેરાને ઓળખવા તરફ કવિનો ધ્યેય છે. કાવ્યનો ધ્વનિ આમ પરંપરાગત અને આમ આધુનિક સુમેળ ધરાવે છે. અંતે કવિની જીવનપર્યંત રહેલી આત્મખોજ દ્વારા જ `તેમની ગઝલોમાય તે ફિલસૂફના મિજાજમાં પ્રગટે છે. જેમકે,

‘ચાલ્યા વિના તો ચાલવાનું કોઈને નથી
પણ શોધ તારી આદરે તો આ ચરણ ગમે.’

કવિની કલમથી શુદ્ધ કવિતાઓની ઝડીઓ વરસતી રહે એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું.

સંદર્ભ : :

(1) ‘અજાણ્યો જણ’ – શ્રી વિષ્ણુ પટેલ (પ્રકાશન વર્ષ- ૨૦૦૨)

*************************************************** 

ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us