ભાષા અને બોલી
આધુનિક માનવીનાં વિકાસમાં સૌથી મોટું પ્રેરક બળ હોય તો તે છે ભાષા. એટલે કે, આધુનિક યુગમાં જ્ઞાન-વિજ્ઞાને ભાષા સાથે કદમ મિલાવી પોતાની પ્રગતિ સાધી છે. ભાષા વિના માનવીનો વિકાસ શક્ય જ નથી. એવું નથી કે માત્ર આધુનિક યુગનાં વિકાસ માટે જ ભાષા જરૂરી બની છે, પણ પ્રાચીન કાળથી માંડીને આજ સુધીના લાંબા સમય પટ પર નજર નાંખીએ તો જણાશે કે માનવજીવનનો તેમજ તેનાં સમાજ અને સંસ્કૃતિનો વિકાસ ભાષાને કારણે જ શક્ય બન્યો છે. કલ્પના કરીએ કે જો આપણી પાસે ભાષાનું સમર્થ સાધન જ ન હોય તો આપણી પરિસ્થિતિ શું થાય ? ભાષાએ માનવીનાં રોજિંદા જીવનવ્યવહારમાં અને જીવનપ્રવાહમાં વણાઇ ચૂકી છે. માનવીનો એકબીજા સાથેનો કોઇપણ બાબતને લગતો રોજબરોજનો વિનિમય સૌથી વધારે ભાષા દ્વારા જ થાય છે. વિશ્વનાં દરેક સમાજ અને સંસ્કૃતિનાં વિકાસમાં ભાષા એક મૂલ્યવાન પ્રેરણા સ્ત્રોત છે.
ભાષા એ માનવ-મગજની ઉપજ છે. માનવી પોતાનો વ્યક્તિ તરીકેનો વિકાસ ભાષાનાં માધ્યમ દ્વારા જ કરે છે. એટલું જ નહીં સમગ્ર માનવ સમાજનો વિકાસ ભાષાને કારણે જ શક્ય બન્યો છે. માનવ સમાજની સઘળી પ્રવૃત્તિઓ ભાષા ઉપર આધારિત છે. આથી એટલે સુધી કહી શકાય કે જ્યારથી માનવસમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી ભાષા પણ અસ્તિત્વમાં આવી હશે. માણસને જ્યારેથી પોતાનાં સ્વ વિશેનું થોડું ઘણું ભાન થવા લાગ્યું ત્યારથી ભાષાનું જ્ઞાન પણ થવા લાગ્યું હશે. માણસને પોતાનાં સ્વનું ભાન થતાં તેણે એક પ્રકારની જિજ્ઞાસાથી પ્રેરાઇને જગત વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો. ત્યારથી તેમાં ભાષાનાં મૂળ પડેલાં છે.
માનવજીવનનાં વિકાસમાં ભાષા અત્યંત મહત્વની છે. કારણ કે ભાષા દ્વારા માનવી પોતાનાં ભાવો, વિચારો, ઇચ્છાઓ, લાગણીઓ આદિને અભિવ્યક્ત કરે છે. દરેક માણસ પોતાનાં માનવસહજ ભાવોને બીજાની સમક્ષ અભિવ્યિક્તિ આપે છે અને બીજાનાં ભાવોને ગ્રહણ કરે છે. ભાષા દ્વારા આપણે આપણાં વિચારોને સારી રીતે પ્રગટ કરી શકીએ છીએ અને બીજાનાં વિચારોને સમજી શકીએ છીએ. ભાષાનાં માધ્યમ દ્વારા માનવી આવા ભાવોનાં આદાન-પ્રદાનની પ્રક્રિયા કરે છે. એટલા માટે જ માનવજીવનમાં ભાષાની સદા અપેક્ષા રહે છે.
ભાષાને સમાજ સાથે ગાઢ નાતો છે. સમાજ વિના ભાષાની અને ભાષા વિના સમાજની કલ્પના કરવી અશક્ય છે. માનવી સમાજમાં રહીને જ ભાષા પ્રાપ્ત કરે છે. સમાજ પાસેથી જ ભાષા શીખે છે. એટલે કે ભાષાની ઉત્પત્તિ પણ સમાજમાં થાય છે અને ભાષાનો વિકાસ પણ સમાજમાં થાય છે. ભાષા એ ન તો કોઇ આકસ્મિક વસ્તુ છે, કે ન તો એ કોઇની પૈતૃક સંપત્તિ છે. ભાષા એ કોઇ એક વ્યક્તિ દ્વારા નિર્માતી નથી કે ન તો એની પર કોઇ એક વ્યક્તિ હક, દાવો કે અધિકાર જમાવી શકે છે. ભાષા તો સંપૂર્ણ સમાજની સંપત્તિ છે. એ તો માત્ર માનવીય અનુકરણ દ્વારા શીખવાની વસ્તુ છે અને માનવી તેને અનુકરણ દ્વારા જ પ્રાપ્ત કરે છે.
ભાષા આકસ્મિક રીતે આવડી જતી નથી કે સહજ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થઇ જતી નથી. એને શીખવા માટે પ્રયત્ન કરવો પડે છે. એને સમાજ પાસેથી મેળવવી પડે છે. મનુષ્ય જે સમાજમાં કે વાતાવરણમાં રહે છે, તેની જ ભાષા પોતાની બુદ્ઘિશક્તિને આધારે શીખે છે. તે કોઇ એક ભાષા શીખીને જન્મતો નથી. પરંતુ જન્મ્યા પછી જ્યારથી ઉચ્ચારણ કરતાં શીખે ત્યારથી તે જે સમાજમાં રહે છે તેની જ ભાષા બોલવા પ્રયાસ કરે છે. જો કોઇ એક ભાષા બોલતાં પ્રદેશમાં રહેતી વ્યક્તિ કોઇ બીજી ભાષા બોલતા પ્રદેશમાં જઇને રહેવા લાગે તો તે તેની ભાષા બોલતા શીખી લે છે. એટલે કે મનુષ્ય પોતાનાં વાતાવરણને અનુકુળ એક અથવા અનેક ભાષા શીખે છે. દા.ત. વૈદિક સમયમાં ભારતની ભાષા સંસ્કૃત હતી. ત્યારપછી તેમાંથી પાલિ-પ્રાકૃત આવી, તે પછી માગધી, શૌરસેની અને અપભ્રંશ ભાષાઓ ઉદ્ભવી. આ બધી ભાષાઓ દરેક સમયે માણસે અપનાવી છે. એટલું જ નહીં જ્યારે મુસલમાનો ભારતમાં આવ્યા ત્યારે તેમની ફારસી ભાષાને ભારતીયોએ અપનાવી, અંગ્રેજો આવ્યા તો તેમની અંગ્રેજી ભાષા પણ અપનાવી અને મુસલમાનો તેમજ અંગ્રેજોને પણ કેટલીય ભારતીય ભાષાઓ શીખવી પડી. કારણ કે તેઓ પણ ભારતીય સમાજનું એક અંગ બની ગયા હતા. આમ, ભાષાએ અર્જિત સંપત્તિ છે, તેનું અર્જન કરવું પડે છે.
માનવીએ સારી અને સુઘડ રીતે પોતાનો જીવનવ્યવહાર ચલાવવા ભાષાનો આવિષ્કાર કર્યો છે. તેથી ભાષા માનવજીવન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. સમાજમાં દરેક વર્ગનાં લોકો ભાષાનાં માધ્યમથી કોઇને કોઇ રીતે પોત-પોતાનાં જીવનવ્યવહાર ચલાવે છે. માનવી પોતાની આવશ્યકતા અનુસાર ભાષાનો આવિષ્કાર કરે છે. એટલે કે એને જ્યારે જરૂર પડે ત્યારે જ નવા આવિષ્કૃત પદાર્થો, વસ્તુઓ કે વ્યક્તિઓ માટે નવા શબ્દોની રચના કરે છે અને એને ભાષામાં સ્થાન આપે છે. તેથી દિન-પ્રતિ દિન કેટલાય નવા શબ્દો ભાષામાં ઉમેરાયા કરે છે.
દરેક ભાષા જનસંપર્કનાં અસરકારક સાધન તરીકે, સંદેશાવ્યવહારનાં માધ્યમ તરીકે, અભિવ્યક્તિ અને અવગમનનાં સાધન તરીકે તેમજ જ્ઞાન-વિજ્ઞાનનાં માધ્યમ તરીકે પૂરતી સક્ષમ હોય છે. સમાજ અને સંસ્કૃતિ સામે ઊભા થતાં અવનવા પડકારોને ઝીલવાની અને તેનો પ્રતિકાર કરવાની અદમ્ય શક્તિ ભાષામાં હોય છે. વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે ભાષા સમર્થ સાધન છે. ભાષાનાં માધ્યમથી જ લોકોનો રોજિંદો જીવનવ્યવહાર ચાલે છે. તેથી કોઇપણ ભાષાને અસમર્થ, ઉતરતી કે હલકી કક્ષાની ગણી શકાય નહીં. કોઇપણ ભાષાની અવગણના થાય તે ચલાવી લેવાઇ નહીં. દરેક ભાષામાં અભિવ્યક્તિ અને અવગમનની પૂર્ણ સક્ષમતા હોય છે.
કોઇપણ ભાષા મુખ્યત્વે ચાર પ્રકારનાં કૌશલ્ય દ્વારા પ્રત્યક્ષ થાય છે. (૧) શ્રવણ, (૨) કથન, (૩) લેખન, (૪) પઠન. આ ચારેય કૌશલ્ય જે વ્યક્તિએ હસ્તગત કર્યા હોય તે ભાષાને સારી રીતે પામી શકી હોય તેમ કહી શકાય. આનો અર્થ એવો નથી કે જેને આ ચાર કૌશલ્યમાંથી એકાદ-બેનું જ્ઞાન નથી તેની પાસે ભાષાજ્ઞાન નથી જ. પણ એકાદ-બે કૌશલ્ય જેણે પ્રાપ્ત કર્યા હોય તેને પણ સારી એવી ભાષા સમજ તો હોય જ છે. પરંતુ જેણે ચારેય કૌશલ્યોને પોતાનામાં સમાવી લીધા હોય તે ભાષાજ્ઞાનથી સારો એવો વાકેફ હોય એમ તો ચોક્કસ કહી શકાય.
માણસનાં કાન સારા હોય તો તે સૌ પ્રથમ સાંભળવાનું કાર્ય કરે છે. માણસ સાંભળીને ભાષા બોલવાનું શીખે છે. જો એ સારી રીતે સાંભળી શકતો હશે તો જ ભાષા બોલવાનું શીખી શકે છે. એટલે કે કોઇક બોલે છે તેનાં ધ્વનિઓને સાંભળીને તે ગ્રહણ કરે છે અને પછી અનુકરણ દ્વારા તેને બોલવાનો-શીખવાનો પ્રયત્ન કરે છે. આથી, શ્રવણ કૌશલ્યનો વિકાસ એ સૌ પહેલા આવે. ત્યારપછી મનુષ્ય ભાષાનાં માધ્યમથી મૌખિક રીતે પોતાનાં ભાવોનું આદાન-પ્રદાન કરે છે. લિખિતરૂપ તો એને પછી પ્રાપ્ત થાય છે. લિખિત ભાષાની અપેક્ષા એ ઉચ્ચરિત ભાષા વધારે શક્તિશાળી હોય છે. કારણ કે તેમાં આવતાં ધ્વનિઓનાં આરોહ-અવરોહ, હ્રસ્વ-દીર્ઘ ઉચ્ચારણ, સ્વરભાર, પ્લુતિ વગેરે દ્વારા જે રીતે ભાવોને વ્યક્ત કરી શકાય છે તે રીતે લિખિત ભાષામાં રજૂ કરી શકાતા નથી. આથી જ ઉચ્ચરિત ભાષા લિખિત ભાષા કરતાં વધારે મહત્વ ધરાવે છે. બીજું કે ઉચ્ચરિત રૂપને કારણે જ સૌ પહેલાં ભાષામાં પરિવર્તન આવે છે. નવા નવા ધ્વનિઓ કે શબ્દોનું આગમન પણ ઉચ્ચરિત ભાષાને કારણે જ શક્ય બને છે. લિખિત ભાષા તો આવા પરિવર્તનોનું એક પ્રકારનું અનુકરણ માત્ર છે.
પ્રાદેશિક ભાષામાં થતી અભિવ્યક્તિક્ષમતા અન્ય ભાષાઓને મુકાબલે સૌથી શ્રેષ્ઠ અને વધુ વિશ્વાસપૂર્ણ હોય છે. જે તે પ્રદેશની પ્રજાનાં જીવનમાં નૂતન પરિવર્તન લાવવા અને તેનો સર્વાંગી વિકાસ સાધવામાં પ્રાદેશિક ભાષા મહત્વનો ભાગ ભજવે છે. પ્રાદેશિક ભાષાનું સામર્થ્ય જેટલું સમૃદ્ઘ તેટલી તે પ્રજાની વિકાસશીલતા વધારે ગતિમાન. પ્રાદેશિક ભાષાઓ માનવસભ્યતાનો અને માનવસંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. પ્રાદેશિક ભાષાનો વિકાસ થવાથી રાષ્ટ્રીય એકતા જોખમાશે એવો ભય વ્યર્થ છે. વૈશ્વિક સંસ્કૃતિનો વિકાસ આવી પ્રાદેશિક ભાષાઓનાં વિકાસને કારણે જ શક્ય બન્યો છે. ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી માંડીને આજ સુધીનો ભારતનો ઇતિહાસ તપાસીએ તો માલુમ પડશે કે વિવિધ પ્રાદેશિક ભાષાઓનાં પરસ્પર વિનિમયને કારણે ભારતીય સંસ્કૃતિએ વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રાચીન ભારતથી માંડીને આજ સુધીનાં સમયપટ પર દ્રષ્ટિપાત કરીએ તો જણાય કે, તેમાં સંસ્કૃત, પ્રાકૃત, પાલી, માગધી, અર્ધમાગધી, શૌરસેની, અપભ્રંશ, ઉર્દૂ, ફારસી, અરબી અને આજની વિવિધ ભારતીય પ્રાદેશિક ભાષાઓનો સમયાંતરે વિકાસ થતો રહયો છે. આ પરથી એમ પણ જણાય છે કે ભાષા સતત પરિવર્તનશીલ છે. એમાં સતત પરિવર્તન થયા જ કરે છે. આ પરિવર્તન ઝડપી નહિં પણ એટલું ધીમું હોય છે કે તેમાં થતાં ફેરફારોનો આપણને જલ્દી ખ્યાલ આવતો નથી. એ તો એની ફેર તપાસ કરીએ ત્યારે ખબર પડે કે ભાષામાં આટલું મોટું પરિવર્તન થઇ ગયું હશે ?
જેવી રીતે ભારતમાં અનેક પ્રાદેશિક માન્ય ભાષાઓ છે તેવી રીતે તેની અનેક વિવિધ પેટા લોકબોલીઓ કે લોકભાષાઓ પણ છે. દરેક પ્રદેશમાં દરેક લોકબોલી પોતાનું આગવું ગરિમાપૂર્ણ સ્થાન ધરાવે છે. આ લોકબોલીઓ કે લોકભાષાઓની અવગણના કે માનહાનિ કરી શકાય નહીં, તેને ધૃતકારી શકાય નહીં કે તેનાં ગૌરવને હણી શકાય નહીં. એને પણ પોતાનું આગવું માન-સન્માન છે, ગૌરવ છે, ગરિમા છે. જગતની વિશાળ આમજનતા પોતાની આવી આગવી લોકબોલીમાં કે લોકભાષામાં જ પોતાનો વધારે પડતો આદાન-પ્રદાનનો વાગ્-વ્યવહાર કરે છે. વિવિધરંગી બોલીઓ દ્વારા જ દરેક પ્રજાએ પોતાનો વિકાસ સાધ્યો છે. લોકબોલીઓ દ્વારા જ દરેક પ્રજાનાં આચાર-વિચાર, વાણી, સંસ્કાર અને સભ્યતાનો એકબીજાની સાથે સાંસ્કૃતિક સમન્વય થયો છે. લોકબોલીઓ દ્વારા જ લોકઘડતરનું શ્રેષ્ઠ કાર્ય સિદ્ઘ થયું છે. લોકબોલીઓનાં સાંસ્કૃતિક વિનિમય દ્વારા ભારતીય ભાષાઓનું ઘડતર શક્ય બન્યું છે, એનું મજબૂત કાઠુ બંધાયુ છે. પ્રાદેશિક લોકબોલીઓમાં દરેક પ્રજાનું સંસ્કારજીવન રજૂ થાય છે. ભારતનાં હજારો લોકોનો રોજબરોજનો જીવનવ્યવહાર આવી પ્રાદેશિક લોકબોલીઓ દ્વારા જ ચાલે છે. તેથી તેને અસમર્થ, અશિષ્ટ કે અયોગ્ય ન ગણી શકાય. ભારતીય સમાજ અને સંસ્કૃતિનાં અતીતમાં, વર્તમાનમાં અને ભાષા વિકાસમાં આવી પ્રાદેશિક લોકબોલીઓનો મૂલ્યવાન ફાળો છે.
લોકબોલીઓ આમજનતાની લોકજીભે જીવે છે. એણે લોકોનાં હૃદયમાં પોતાનું મજબૂત સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આવી લોકબોલીઓનો વધારે પડતો વિકાસ થશે તો જ આમવર્ગ અને ભદ્રવર્ગ વચ્ચેનાં અંતરમાં ઘટાડો થશે.
આજનાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં યુગમાં ભાષાશિક્ષણની પધ્ધતિઓમાં મોટું પરિવર્તન આવી રહયું છે. દ્રશ્ય-શ્રાવ્ય સાધનોનો ભરપૂર ઉપયોગ કરી ભાષાઓને વૈજ્ઞાનિક ઢબે શીખવા-શીખવવાનો પ્રયાસ થઇ રહયો છે. માતૃભાષાનાં જ્ઞાન સાથે રાષ્ટ્રીય ભાષા અને અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓનું જ્ઞાન પ્રાપ્ત થવા લાગ્યું છે. વિદેશી ભાષાઓની જાણકારી મેળવી શકાય તેવી પધ્ધતિઓ વિકસાવાઇ રહી છે. એટલું જ નહીં દરેક પ્રકારનાં વિજ્ઞાનો, શાસ્ત્રો અને ટેકનોલોજીનો અભ્યાસ ભાષા દ્વારા જ કરી શકાય છે. ભાષા વિના તેનો ઉપયોગ અને જાણકારી અધૂરા બની રહે છે.
***************************************************
પ્રા. ડૉ હિમ્મત ભાલોડિયા
આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
સરકારી વિનયન કોલેજ, ગાંધીનગર. |