આપની યાદી – કલાપીના કાવ્યો
(‘આપની યાદી’ – કલાપીના કાવ્યો, સં.હરિકૃષ્ણ પાઠક, ગુજરાત સાહિત્ય અકાદમી, દ્વિ.આ.૧૯૯૯)
સૌરાષ્ટ્રનાં લાઠી રાજ્યનાં રાજકુમાર એવા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’નો જન્મ ૨૬મી જાન્યુઆરી, ૧૮૭૪નાં દિવસે માતા રામબાની કૂખે થયો હતો. બાળ કલાપી ભણવામાં તેજસ્વી અને સ્વભાવે ઉદાર હતા. રાજકોટની રાજકુમાર કૉલેજમાં થોડો સમય અભ્યાસ કરી, આંખની તકલીફને કારણે અધવચ્ચે અભ્યાસ છોડી લાઠી પરત આવી ગયા. પંદર વર્ષની ઉમંરે પોતાનાથી સાત વર્ષ મોટા રમાબા અને બે વર્ષ મોટા આનંદીબા સાથે લગ્ન કરે છે. નાની ઉંમરે જ કલાપીના લગ્ન અને નાની ઉંમરે જ રાજ્યનો વહીવટ ચલાવવાની જવાબદારી આવી પડતાં કલાપી બન્નેમાંથી એકેયને યોગ્ય ન્યાય આપી શક્તા નથી. એમાંય લગ્ન સમયે રમાબાની સાથે આવેલી દાસી મોંઘી એટલે કે, શોભનાનાં પ્રેમમાં કલાપી પડે છે, પણ રમાબાની સ્ત્રી સહજ ઇર્ષાને કારણે કલાપી પ્રેમમાં ઠરીઠામ થતા નથી. વિરહ વ્યાકુલ તેમનું હ્રદય સતત પ્રેમનાં મિલનની તડપન અનુભવ્યા કરે છે. પરંતું આખરે એમાં એમને નિરાશા જ સાંપડે છે. અને એટલે જ પ્રેમભગ્ન હ્રદયની આહટમાંથી જ તેમનાં ઊર્મિશીલ દિલની કાવ્યવાણી પ્રગટે છે. કલાપીએ વિરહભાવને આલેખતા અનેક કાવ્યો લખ્યા છે. જેનો સંગ્રહ ‘કલાપીનો કેકારવ’માં થવા પામ્યો છે. એમને અનેક કવિમિત્રો પણ હતા, તેમની પાસેથી પ્રેરણા મેળવીને પણ કેટલાક કાવ્યો લખ્યા છે.
‘કલાપીનો કેકારવ’ કાવ્યસંગ્રહમાંથી હરિકૃષ્ણ પાઠકે કેટલાક કાવ્યો પસંદ કરી ‘આપની યાદી’ નામનો નાનકડો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો છે. આ સંગ્રહ ખાસ તો કલાપીનાં જન્મની સવા શતાબ્દિ નિમિત્તે પ્રકાશિત કરવામાં આવ્યો હોવાથી ખૂબ જ નજીવી કિંમતે એટલે કે ૨૦ રૂપિયામાં જ પ્રાપ્ય બને છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત આ સંગ્રહની પ્રથમ આવૃત્તિ જાન્યુ. ૧૯૯૯માં પ્રગટ થઇ હતી પરંતું તેની બધી જ નકલો છ મહિનામાં જ ખૂટી જતાં બીજી સંવર્ધિત આવૃત્તિ જુલાઇ ૧૯૯૯માં પ્રકાશિત કરવામાં આવી. એટલે કે આ સંગ્રહની બે હજાર નકલો તો માત્ર છ એક મહિનામાં જ વેચાઇ જતાં એનાં ઉપરથી જ આપણને માલુમ પડે છે કે, કલાપી લોકોમાં કેટલા લોકપ્રિય હતા. ખૂબ જ નાનકડા આ પુસ્તકનાં મુખપૃષ્ઠ પર છોગાળા ફેટામાં અને કોટમાં સજ્જ રાજવી કલાપીની છબિ કંડારવામાં આવી છે.
ખાસ તો આ પુસ્તકને પ્રકાશિત કરવાનો હેતુ એ છે કે, એક તો કલાપી જન જન સુધી પહોંચે અને બીજું કે, કલાપીની સવાસોમી જન્મજયંતીને એ નિમિત્તે યાદ કરી શકાય. પુન:મુદ્રિત કરેલી આ આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિ દરમ્યાન મળેલા સૂચનોને ધ્યાનમાં લઇ સંપાદકે કેટલીક અન્ય કૃતિઓને પણ ઉમેરી આપી છે. અત્યંત સારા કાવ્યો, સ્વચ્છ અક્ષરો, ટકાઉ પાનાઓ અને આકર્ષક મુખપૃષ્ઠ ધરાવતું આ પુસ્તક અવશ્ય વાચકોને ગમી જાય તેવું અને આનંદની લહેર કરાવે તેવું છે, એમાં શંકાને કોઇ જ સ્થાન નથી.
કવિ કાન્તે કલાપીને ‘સુરતાની વાડીનાં મીઠા મોરલા’ કહી ‘કલાપીને ઉદબોધન’ નામનું જે કાવ્ય લખ્યું હતું તેને આ સંગ્રહમાં સૌપ્રથમ સંપાદકે સ્થાન આપ્યું છે. અને સાચે જ કવિ કાન્તનાં કહેવા મુજબ કલાપી ‘સુરતાની વાડીનાં મીઠા અને મોંઘા મોરલા’ જ છે. કારણ કે હંમેશા ગુજરાતી કવિતા જગતમાં એમનો ટહુકાર સંભળાયા જ કરે છે. આથી જ આ સંગ્રહની પ્રસ્તાવતા રૂપે સંપાદકે લખેલા લેખનું નામ પણ ‘બે’ક ટહુકા કલાપીના’ એવું રાખ્યું છે.
કલાપીએ કવિતા ક્ષેત્રે ગઝલ જેવા સ્વરૂપનાં કેટલાક ઊર્મકાવ્યો લખ્યા છે. તેમણે આપેલા ગઝલ સ્વરૂપનાં આવા કાવ્યો ગુજરાતી સમાજમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રચલિત બન્યા છે. કલાપીના કાવ્યોની કેટલીય પંક્તિઓ આજેય લોકોનાં હોઠે અને હૈયે ઝૂલતી જોવા મળે છે. એમાંય યુવાન હૈયાઓની લાગણીઓને તો કલાપીએ સુમધુર રીતે વ્યક્ત કરી છે. એટલે કલાપીને ‘યુવાનોનાં કવિ’ એવું બિરુદ પણ પ્રાપ્ત થયું છે. યુવાનોની સંવેદનાને સ્પર્શે એવા કાવ્યોમાં ‘આપની યાદી’, ‘સનમને’, ‘સનમની શોધ’, ‘આપની રહમ’, ‘તમારી રાહ’ આદિનો સમાવેશ કરી શકાય.
કલાપી મૂળે તો ‘ઇશ્કે મિજાજી’ અને ‘ઇશ્કે હકીકી’નાં ભાવને પ્રગટ કરનારા કવિ છે. તેમણે પોતાનાં કાવ્યોમાં આશિક અને માશૂકની ભાવનાને ધ્વન્યાત્મક રીતે પ્રગટ કરી છે. આથી જ એમનાં કેટલાક કાવ્યો વાંચતાં આપણને એમ થાય છે કે, આ કાવ્ય પ્રણયભાવનાને ઉદ્દેશીને લખાયું હશે કે ઇશ્વરપ્રેમને અનુલક્ષીને લખાયું હશે ? બન્ને ભાવો એમાં સુપેરે વ્યક્ત થાય છે. જેમકે, ‘આપની યાદી’ જ કાવ્ય લઇએ.
“જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની,
આંસું મહીંયે આંખથી યાદી ઝરે છે આપની”
ગઝલનાં સ્વરૂપમાં લખાયેલાં આ કાવ્યમાં આ પંક્તિઓ વાંચતાં આપણે કયો ભાવ અનુભવીએ છીએ ?
કે પછી ....
“પેદા થયો છું ઢૂંઢવા તુંને સનમ !
ઉંમર ગુજારી ઢૂંઢતાં તુંને સનમ !”
આવા કાવ્યોને સ્થૂળ નજરે જોઇએ તો પ્રિયાને ઉદ્દેશીને લખાયા હોય તેમ અવશ્ય લાગે, પરંતું જો સૂક્ષ્મ દ્દષ્ટિથી નિહાળીએ તો જણાય કે એમાં કવિની ઇશ્વરની ખોજ તરફની ગતિ છે. ‘સનમને’ એટલે કે પોતાનાં પ્રિય પાત્રને ઉદ્દેશીને લખાયેલાં ઘણા કાવ્યો છે. જેમાં કલાપીની વિરહની વ્યથા અને વેદના અનુભવવા મળે છે. જેમકે,
“યારી ગુલામી શું કરુ તારી સનમ !
ગાલે ચૂંમુ કે પ્હાનીએ તુને સનમ !”
કે પછી
“તારા બહુ ઉપકાર, રસીલી ! તારા બહુ ઉપકાર
તું ઉરનો ધબકાર, રસીલી ! તું અશ્રુની ધાર.”
“ના આંસુંથી, ના ઝુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી,
દિલ જે ઉઠ્યું રોકાય ના એ વાત છોડો કેદની”
કલાપીએ ઘણા ખંડકાવ્યો પણ આપ્યા છે. કવિ કાન્તની મિત્રતાને કારણે તેમની પાસેથી ખંડકાવ્યો લખવાની પ્રેરણા મેળવી છે. એમનાં ઉત્તમ ખંડકાવ્યો કહી શકાય તેમાં ‘ગ્રામમાતા’, ‘બિલ્વમંગલ’, ‘વીણાનો મૃગ’, ‘સારસીને’, ગણાવી શકાય. આ ખંડકાવ્યોમાં કલાપીએ જુદા જુદા છંદોનો પ્રયોગ પણ કર્યો છે. જેમકે,
“ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં.” (શાર્દૂલવિક્રિડિત)
“કમલવત ગણીને બાલનાં ગાલ રાતા,
રવિ નીજ કર તેની ઉપરે ફેરવે છે.” (માલીની)
“ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી” (મંદાક્રાન્તા)
“રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ,
નહિં તો ના બને આવું, બોલી માતા ફરી રડી.” (અનુષ્ટુપ)
“એ હું જ છું નૃપ, મને કર માફ બાઇ,
એ હું જ છું નૃપ, મને કર માફ ઇશ”(વસંતતિલકા)
કલાપીને છંદનું સારું એવું જ્ઞાન અને ભાન હતું. એટલે જ તેમની મોટાભાગની કવિતાઓ છંદોબદ્ધ છે. છંદનાં બંધારણને ખૂબ જ સભાનતાથી સાચવવાનો પ્રયાસ કરે છે, પરંતું કયાંક ભાવ તૂટતો અનુભવાય તો છંદમાં એને ઢાળવાનો મોહ જતો કરી ભાવને સાચવી રાખે છે.
કાવ્યનાં વિષય, વર્ણનો, છંદ, શૈલી આદિમાં લાલિત્ય અને નજાકત અનુભવવા મળે છે. તેમના વર્ણનોમાં રસ, મસ્તી, તલસાટ અને તરવરાટ જોવા મળે છે, તો કાવ્ય વિષયમાં વિવિધતા રહેલી છે. કાવ્યનાં છંદ અને શૈલીમાં કલા કસબ અને કલ્પનારીતિનાં દર્શન થાય છે. તેમણે પ્રણય, પ્રકૃતિ અને પ્રભુભક્તિને કાવ્યનો વિષય બનાવી વાસ્તવિકતાનો પડઘો પાડવાનો પ્રયાસ કર્યો છે. કાવ્યની પશ્ચાદભૂમા રહીને વાસ્તવિક જગતનું આલેખન કર્યું છે. એમનાં કાવ્યોમાં વિષાદ અને કરુણ મનોદશાનું નિરૂપણ વિશેષ થયેલું જણાય છે. આથી જ તેમના ઘણા કાવ્યો કલાની સુરેખતાને કે કલાનાં સામર્થ્યને પ્રગટ કરી શકતા નથી.
આ સંગ્રહમાં કલાપીનાં ખંડકાવ્યો, ગઝલ અને બીજા અન્ય કાવ્યો મળીને કુલ-૪૩ કાવ્યોને એકત્રિત કરી પ્રકાશિત કરવામાં આવ્યા છે. અને અંતે કલાપીના જીવનની મુખ્ય ઘટનાઓ તેમજ કલાપીના હસ્તાક્ષરમાં લખાયેલું ‘નવો સૈકો’ નામનું કાવ્ય પણ મૂકવામાં આવ્યું છે.
‘આપની યાદી’ની સંવર્ધિત આવૃત્તિને વાચકો અને ભાવકો સમક્ષ મૂકતાં ગુજરાત સાહિત્ય અકાદમીના તત્કાલીન મહામાત્ર દલપત પઢિયારે આનંદની લાગણી વ્યક્ત કરી આ પુસ્તકનાં પ્રકાશનને ઉમળકાભેર વધાવી લેવાનું આહવાન કર્યુ છે.
કાવ્યસંગ્રહનાં અંતિમ પૃષ્ઠ પર ‘આપની યાદી’ વિશે ગુજરાત સાહિત્ય અકાદમીનાં તત્કાલીન અધ્યક્ષ ભોળાભાઇ પટેલે પોતાનો સંક્ષિપ્ત અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે. તેમાં તેઓ કહે છે, ......
“આપણા સાહિત્યમાં કવિ કલાપી એક લેજન્ડ બની ગયા છે, તેમાં આ રાજવી કવિનું એમનાં હ્રદયને મથિત કરી ગયેલું પ્રણયજીવન અને માત્ર ૨૭ વર્ષની વયે થયેલ એમનું કરુણ અવસાન જેટલા કારણભૂત છે, એથી વધારે કારણભૂતછે એમની કવિતા.”
સાચે જ, કલાપીમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓને અને વાંચકોએ નજીવી કિંમતે ઉપલબ્ધ થતું આપની યાદી પુસ્તક વસાવવા જેવું છે.
***************************************************
ડૉ.હિમ્મત ભાલોડિયા,
આસિ. પ્રોફેસર, (ગુજરાતી)
સરકારી વિનયન કૉલેજ,
સેકટર-૧૫, ગાંધીનગર. |