logo

મહર્ષિ દયાનન્દ સરસ્વતીના 'પશુરક્ષા' વિષયક વિચારો પર વેદોનો પ્રભાવ


મહર્ષિ દયાનન્દ સરસ્વતીને ૧૯મી સદીના નવોત્થાનના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. મહર્ષિની વિચારવાની અને કાર્ય કરવાની પદ્ધતિ તેમના સમકાલિન અન્ય સુધારકો કરતાં ઘણી વિશિષ્ટ અને વ્યાવહારીક હતી.

૧૯મી સદીના કાલખન્ડ દરમ્યાન ભારતદેશ હજારો વર્ષોની સંચિત રૂઢીઓ, અંધવિશ્વાસ અને કુરીતિઓમાં ડુબેલો હતો. સંપ્રદાયવાદ, બહુદેવતાવાદ, અવતારવાદ, પશુબલિ, નરબલિ વગેરે જેવા આડમ્બરોથી ધર્મનું સ્વરૂપ વિકૃત બન્યુ હતુ. વેદોમાં નિરૂપીત નરમેધ, અશ્વમેધ, અજામેધ, ગોમેધ આદિના અયોગ્ય અર્થ કરી માંસ ભક્ષણની અનુજ્ઞાથી ધર્મ સમેટાઇને રહી ગયો હતો.આવા સમયની અનેક બદીઓની સામે મહર્ષિ દયાનન્દ સરસ્વતીએ પોતાના ક્રાન્તિકારી વિચારો થકી સુધારણા લાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે ધર્મને સાર્વભૌમિકતા અને મનુષ્યમાત્રના સર્વાંગિણ વિકાસના પક્ષે જુએ છે.તેથી જ તેમને ‘ધર્મ સંશોધક’ પણ કહેવાયા છે.

મહર્ષિઁએ વેદોની સત્યતાને પણ વિજ્ઞાનની દ્રષ્ટીએ જોઈ. તેમણે યજ્ઞોમાં થતી હિંસાનો વિરોધ વેદોના જ ઉદ્ધરણો તેમના વેદો પરના ભાષ્યોમા ટાંકી કર્યો છે. આ સંદર્ભમાં પ્રસ્તુત શોધલેખમાં મહર્ષિના વિચારોની ચર્ચા કરવામાં આવી છે.

પશુરક્ષા-

૧૯મી સદીમાં યજ્ઞોમાં પશુઓની હિંસાનું એક કારણ માંસભક્ષણ પણ હતું તેથી મહર્ષિએ માંસભક્ષણનો સખત વિરોધ કર્યો છે. તેમના ગ્રન્થ ‘સત્યાર્થપ્રકાશ‘ માં દશમ સમુલ્લાસમાં ભક્ષ્ય-અભક્ષ્યાદિ ભેદોમાં તેમણે માંસને અભક્ષ્ય અંતર્ગત સમાવિષ્ટ કર્યું છે. તેઓએ જણાવ્યું છે કે જેમાં ઉપકારક પ્રાણીઓની હિંસા થાય તેવી માંસભક્ષણની ક્રિયા કયારેય ન કરવી જોઈએ. યજ્ઞોમાં જે પશુઓની હિંસા થાય છે તે સંદર્ભમાં અશ્વમેધ યજ્ઞનો અર્થ કરતાં તેઓ જણાવે છે કે ‘જે ન્યાયથી રાજ્યનું પાલન કરે તે જ સાચો અશ્વમેધ છે પરન્તુ, ઘોડાને મારીને તેના અંગોનો હોમ કરવો તે અશ્વમેધ નથી.’ ઊપરાંત, વેદો પશુહિંસાને નહીં પરન્તુ પશુરક્ષાના સમર્થક હોવાનું સાક્ષ્ય મહર્ષિ વેદોના જ કેટલાક મન્ત્રોને આધારે આપે છે. ચારેય વેદોમાંથી પશુહિંસા વિરોધી મન્ત્રોનો નિર્દેશ આ પ્રમાણે છે.

पशुन पाहि (यजु-1.1), मा हिंसी:पुरुषं जगत् (यजु-3.91),
मा हिंसोस्तन्वा प्रजा:(यजु-12.32),पशुं स्त्रोयेथाम्(6.11),
द्विपादव चतुस्पात् पाहि, इमे साहस्त्रं शतधारमुत्सं व्यच्यमाने शरिरस्य मध्ये।
धतं दुहानामदितिं जनायाग्ने मा हिंसी:परमे व्योमन् ।। (यजु- 13.49)

અહીં, પૃથ્વી પરના બે પગવાળા તથા ચાર પગવાળા ઉપયોગી પશુઓની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે. ઉપરાંત, એવો પણ નિર્દેશ કર્યો છે કે જો કોઇ જંગલી પશુઓથી ગ્રામના પશુઓ, ખેતી અને મનુષ્યોને હાની થાય તો રાજપુરૂષો તેમને મારે અને બંધન કરે(यजु- 13.47)

અથર્વવેદમાં પણ तस्य व्रातस्य। यो दस्य षष्ठ प्राण: प्रियो नाम त इमे पशव:। (15.15.8)માં પશુઓને વ્રતપતિ પરમેશ્વર અથવા જીવાત્મા યજમાનના પ્રિય પ્રાણ કહ્યા છે.વળી, અથર્વવેદ(૧.૧.૬૪)માં કહ્યું છે કે જો કોઇ વ્યક્તિ ગાય, અશ્વ કે પુરુષની હત્યા કરે તો તેને સીસાની ગોળીથી ઉડાવી દેવો જોઈએ. સામવેદના મન્ત્રોને પણ ઉદાહરણ તરીકે ટાંકીને મહર્ષિ દયાનન્દ સરસ્વતીએ કહ્યું છે કે વેદો ક્યારેય જીવને હણવાની અનુમતી આપતા નથી. વળી, તેઓ પશુને હણનાર તથા માંસ ખાનારને જ નહીં પરન્તુ મારવાની સલાહ આપનારને, કાપવાવાળાને,વેચવાવાળાને, રાંધવાવાળાને, પીરસવાવાળાને પણ એટલા જ પાપી કહેતા મનુસ્મૃતિના મન્ત્રને પણ ટાંકે છે .

अनुमन्ता विशसिता निहन्ता क्रयविक्रयी।
सन्सकर्ता चोपहर्ता च खादकश्चेति घातक:।। (मनु-5.51)

ગૌરક્ષા:-

મહર્ષિ દયાનન્દ સરસ્વતીની દ્રષ્ટીએ ગાય એ અન્ય પશુઓની તુલનામાં વધુ પવિત્ર છે.વળી, ગાયનું નામ પંચ પશુઓની તુલનામાં વધુ પવિત્ર છે. ગાયને આપણી સંસ્કૃતિમાં આદિકાલથી માતૃસ્વરૂપા માનવામાં આવે છે. મહર્ષિના મતે વેદોમાં ગાયને ‘અહન્યા’ કહેવામાં આવી છે. જેનો અર્થ ‘ન મારવા યોગ્ય, ન હણવા યોગ્ય’. વળી, મહાભારતમાં પણ શાન્તિપર્વમાં ગાયને अहन्या કહે છે. તેમણેચારેય વેદોમાં ગાયને ન હણવા વિષયક મન્ત્રોનાં સંદર્ભો આપ્યા છે .

गां मा हिसीरदितिं विराजम् (यजु- 13.43),
गोस्तुमात्रा न विद्यते(यजु- 13.43),
पयोधेनुनां रसमौषधिनां कवयो य इन्वथ (अथर्व-4.23.3),
पय:पशुनां रसमौषधिनां बृहस्पति:सविता मे नि यच्छात् (अथर्व-19.31.5),
स्तोता मे गोसखा स्यात्(ऋग्वेद- 8.101.15),
गां मा मावृक्त मर्त्यो दम्रचेता: (ऋग्वेद- 8.101.16)

ઉપરાંત, વેદોમાં ગાયને હણનાર માટે સજાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે કે,

य:पौरुषेयेण ऋतिषा समंक, यो अश्व्येन पशुना यातुधान:।
यो अधन्याया:भरति थक्षक्क्षीरभग्ने (ऋग्-10.87.16)धघध

આ રીતે ઋગ્વેદમાંતો ગાયને હણનારના શીરચ્છેદ કરવા સુધીની સજા ફરમાયેલી છે. મહર્ષિ દયાનન્દ સરસ્વતીનાં વિચારો પર વેદોનાં આવા મન્ત્રોનો અતિશય પ્રભાવ રહેલો છે. તેમણે ‘સત્યાર્થપ્રકાશ’માં પણ ગાયોની રક્ષા વિષયક ચર્ચા કરી છે. એક ગાય જીવનભર મનુષ્યને દુધ વળે તૃપ્ત કરે છે. ઉપરાંત, તેના વાછરડાઓના જન્મ થવાથી તે પણ ઉપયોગી થાય છે. બળદ પણ ધાન્યની ખેતીમાં ઉપયોગી થાય છે.વળી, તેમણે ગાયના દુધને ભેસના દુધની સરખામણીએ વધુ શ્રેષ્ઠ જણાવ્યું છે. આ પ્રમાણે વેદોમાં નિરૂપિત ગાયના મહત્વને મહર્ષિએ વ્યાવહારીક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

મહર્ષિએ માત્ર ઉપદેશથી જ નહીં પરંતુ પ્રત્યક્ષરીતે ગૌરક્ષા સંદર્ભમાં કાર્ય પણ કર્યુ. તેમણે પંજાબ રાજપુતાના અને ઉત્તરપ્રદેશમાં અનેક ગૌશાળાઓ સ્થાપી હતી. ઉપરાંત, તેઓ ગૌરક્ષા સંદર્ભે એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ કર્નલ બ્રુકનું પણ ધ્યાન દોર્યુ હતું. તેમણે અનુરોધ પણ કર્યો હતો કે ભારતમાં ગૌહત્યાના નૃશંસ અત્યાચારમાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરે. તેમણે એક ગૌરક્ષીણી સભાની સ્થાપના પણ કરી હતી. વિદ્વાનોના મતે તેઓ ગૌવંશની હત્યા સામે અવાજ ઉઠાવવાવાળા પ્રથમ ભારતીય હતાં.

મહર્ષિ દયાનન્દ સરસ્વતીએ પશુહિંસાના પરિણામો તરફ પણ નજર દોડાવી છે કે જ્યારથી ઉપયોગી પશુઓની હિંસા વધી ત્યારથી દુધ-ઘી અને અન્નરસો ઘટ્યા છે . વળી, પશુઓ તો મુળ રૂપે આપણાં જીવનમાં ઉપયોગી છે. જો તેમનો નાશ થાય તો જેમ મુળમાંથી વૃક્ષ નાશ પામે તો ફળ કે પુષ્પ ક્યાથી મળે એવી સ્થિતી ઉદ્દભવે.

नष्टे मुले नैव फलम् न पुष्पम् (चाणक्य नीति-10.13)

સંદર્ભગ્રંથ :-

  1. राजा राममोहनराय एवं महर्षि दयानन्द सरस्वती – व्यक्तित्व एव कृतित्व(पृष्ठ-88)
  2. सत्यार्थ प्रकाश, महर्षि दयानन्द सरस्वती, डो. दिलीप वेदालंकार, चरोतर प्रदेश आर्यसमाज,आणंद,1976(पृष्ठ-175)
  3. दयानन्द सुक्ति और सुभाषित, स्वामी जगदीश्वरानन्द सरस्वती,गोविन्दराम हासानन्द,नई दिल्ली-6,वर्ष- 1985(पृष्ठ-28)
  4. गो:करुणानिधि:,स्वामी दयानन्द सरस्वती,आर्ष पुस्तक पब्लिकेशन, अजमेर,1981(पृष्ठ-viii,Preface)
  5. दयानन्द सुक्ति और सुभाषित(पृष्ठ-114)
  6. राजा राममोहनराय एवं महर्षि दयानन्द सरस्वती – व्यक्तित्व एव कृतित्व(पृष्ठ-88)
  7. गो:करुणानिधि:(पृष्ठ-ix,Preface)
  8. राजा राममोहनराय एवं महर्षि दयानन्द सरस्वती – व्यक्तित्व एव कृतित्व(पृष्ठ-89)
  9. राजा राममोहनराय एवं महर्षि दयानन्द सरस्वती – व्यक्तित्व एव कृतित्व(पृष्ठ-88)
  10. गो:करुणानिधि:(पृष्ठ-xi,Preface)
  11. सत्यार्थ प्रकाश (पृष्ठ-175)
  12. नवजागरण के पुरोधा दयानन्द सरस्वती,डो.भवानीलाल भारतीय,वैदिक पुस्तकालय, अजमेर, वर्ष- 1983(पृष्ठ-175)
  13. सत्यार्थ प्रकाश (पृष्ठ-176)

*************************************************** 

સોનિયા બી. પટેલ
રીસર્ચ ફેલો, કે.સી.જી, અમદાવાદ &
પીએચ.ડી. સ્ટુડન્ટ (સંસ્કૃત),
ગુજરાત યુનિવર્સિટી.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us