અનુઆધુનિક ટૂંકીવાર્તા: સ્વરૂપ અને વિકાસ
વાર્તા સાહિત્યના બધા સ્વરૂપમાં સૌથી જુનુ સ્વરૂપ છે. પણ આપણે જેને ટૂંકી વાર્તા કહીએ છીએ તે કલા સ્વરૂપ પ્રાચીન નથી, અર્વાચીન સાહિત્ય સ્વરૂપ છે અને આ સ્વરૂપનો ઉદ્દ્ભવ ગુજરાતી સાહિત્યમા 20 મી સદીમા થયો હોવાનું મનાય છે.
ટૂંકીવાર્તાની સંજ્ઞા જોઈએ તો ગુજરાતીમાં 'નવલિકા' શબ્દ વિશેષ પ્રયોજાયો છે. અંગ્રેજીમાં તેને 'Short Story’ કહે છે. હિંદીમાં 'કહાની' શબ્દ જ્યારી બંગાળીમાં તેને 'ગલ્પ' તરીકે ઓળખવામાં આવે છે.
પરંપરાગત ટૂંકીવાર્તાના સ્વરૂપની વાત કરીએ તો ટૂંકીવાર્તાનું સાંપ્રત સ્વરૂપ પાશ્ચાત સાહિત્યના પ્રભાવે આપણે ત્યાં અસ્તિત્વમાં આવ્યું છે અને ભારતીય 'પંચતત્ર' કે પાશ્ચાત્ય ઈસપની 'નીતિ-બોધકથાઓ' વગેરેમાં વાર્તાતત્વ જોવા મળ્યું. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળમાં 'પૃથ્વીચંદ્રચરિત' જેવી ગદ્યકથાનું અસ્તિત્વ કથાનક તરીકે જોવા મળે છે. તેથી ટૂંકીવાર્તાએ માનવચરિત્રની વાર્તા છે એટલે તેમાં ઘટના, પાત્ર, સંવાદ, વર્ણન, પરિવેશ-વાતાવરણ, જીવનસમિક્ષાના અંશનું પણ દર્શન કે ચિંતન ધ્વનિત થાય છે.
આમ, પરંપરાગત ટૂંકીવાર્તા વિષય, સામગ્રી અને સંવેદનાના અનેક સ્તરોમાંથી પસાર થઈ આધુનિક નવિન રચનારીતિની વાર્તાસૃષ્ટિમાં કલ્પન, પ્રતિક અને પુરાકલ્પન દ્વારા વાર્તાઓમાં આધુનિકતાવાદી વલણોને પામી શકાય છે.
આધુનિક ટૂંકીવાર્તાનું સ્વરૂપ જોઈએ તો સુરેશ જોષીનો પ્રવેશ ગુજરાતી સાહિત્ય માટે એક મહત્વનો વળાંક છે. ૧૯૫૦-૫૫માં સ્થગીત થઈ ગયેલી ગુજરાતી વાર્તાના વહેણ-વળાંકો બદલાવામાં સુરેશ જોષીની સિદ્ધી વિશેષ છે.
આધુનિકતાનો સૌથી વધુ પ્રભાવ ટૂંકીવાર્તાના વાર્તા તત્વ પર પડ્યો. કૌટુંબિક-સામાજિક કે દેશકાળની સમસ્યાઓમાંથી વાર્તાકારનો રસ ઊડી ગયો એને સ્થાને અસ્તિત્વની વિચ્છિન્નતા કે વિફલતાની વાત કેન્દ્રમાં આવી. હવે ચિત્તનાં સંવેદનોની સામગ્રી ટૂંકીવાર્તાનો મુખ્યવિષય બને.
આધુનિક ટૂંકીવાર્તા ચિત્તનાં સૂક્ષ્મસંવેદનોને વ્યક્ત કરવા કલ્પનો અને પ્રતિકો અનિવાર્ય બની રહે છે. ડૉ. ઈશ્વરલાલ ર. દવે આ સંદર્ભે કહે છે કે "આજના પ્રતિકો તદ્દન નવિન છે" આજે પ્રતિકોની પસંદગીમાં સૌંદર્ય કરતા જુગુપ્સા તરફનું વલણ વધારે રહે છે. ઉંદર, કાદવ, લોહી, પરુ, પડછાયા, સાપ, મડદું, જંતુઓ, ઘુવડ વગેરે પ્રતિકો તરફ આધુનિકોની પ્રીતિ વધારે છે.૧ (ભાવસેતુ, સંપાદક, ચીમનલાલ ત્રિવેદી, પૃ.૧૦૨)
આપણો રૂઢિગત-પુરોગામી- વાર્તાકાર એવી રચનારીતિ પ્રયોજતો કે વાર્તાસૃષ્ટિમાંથી આપણને સઘળું સ્ફુટ થઈ જતું. જ્યારે આધુનિકવાર્તાકાર ભાવકની બુદ્ધી, કલ્પના અને અનુમાન શક્તિ ઉપર ઘણુંબધું છોડી દે છે.
આધુનિકવાર્તાકાર પત્રલેખન શૈલી, રોજનીશી પદ્ધતિ શૈલી, ઈત્યાદીથી ખૂબ આગળ નીકળી ગયો છે. ‘બાંશી નામની છોકરી’ આપણે ત્યાં કથનરીતિના નવા નિરાળા અભિગમો માટે નોંધપાત્ર બની રહે છે.
આધુનિક વાર્તાકાર શિષ્ટ ભાષાને આઘાત આપતા શબ્દોનો પ્રયોગ કર્યો છે. જેમ કે ટીખળ, વિનોદ, કટાક્ષ વિડંબના અને ઉપાલંભયુક્ત રીતિથી શબ્દ, વાક્ય વગેરેને વાર્તામાં વળ ચડાવવામાં આવે છે.
આમ આધુનિક ટૂંકીવાર્તા ઘટનાનું તિરોધાન, વિષય પરત્વે તેમજ જીવનમૂલ્યો પરત્વે બદલાયેલ અભિગમ, પ્રતિકાત્મક રજૂઆત, આકારપરત્વેની સભાનતા તેમજ રચના રીતિ અને ગદ્યના અવનવા પ્રયોગોને કારણે તે પરંપરાગત ટૂંકીવાર્તાથી જોજનો દૂર નિકળી ગઈ છે.
હવે આપણે પરંપરાગત ટૂંકીવાર્તા, આધુનિક ટૂંકીવાર્તાના સ્વરૂપનો પરિચય મેળવ્યા બાદ અનુઆધુનિક ટૂંકીવાર્તાના સાહિત્યીકસ્વરૂપના પ્રવાહની વાત કરીએ તો આ ધારા ૧૯૮૦ પછી ‘નવી વાર્તા’ ના સ્વરૂપે સાહિત્યમાં સર્વ સ્વીકૃત બની.
એક તો આધુનિકતાવાદ પછીનો આ ગાળો છે એટલે તેને ‘અનુઆધુનિકવાર્તા’ કહેવાનું વલણ યોગ્ય લાગે છે.
અનુઆધુનિક ટૂંકીવાર્તામાં માનવ કેંદ્રમાં આવ્યો અહીં માનવની, તેના આગવા નીજીસંવેદનની, તેના અનુભવની, પરંપરાની, સંસ્કૃતિની વગેરેની વાત અનુઆધુનિકવાર્તામાં વિશેષ પણે પ્રયોજવા લાગી.જેથી અનુઆધુનિકવાર્તા વિશેષપણે વાસ્તવિકતાની ભૂમી પર રચાઈ હોય તેવો અનુભવ થવા લાગ્યો. આમ આધુનિક ટૂંકીવાર્તામાં માનવ કેંદ્રથી દૂર થઈ ગયો હતો, તેફરી પાછો સાહિત્યમાં કેંદ્ર સ્થાને પ્રસ્થાપિત થયો.
અનુઆધુનિકવાર્તા કળામાં ટૂંકીવાર્તામાં ઘટનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું. હવે ટૂંકીવાર્તામાં ઘટનાને નવા રૂપે પ્રયોજવા લાગી. જો કે તેમાં પરંપરાગત ઘટના નિરૂપણ કરતા વિશેષ વ્યંજના સભર ઘટનાનું નિરૂપણ થતું. પરંપરાગત વાર્તામાં માત્ર અભિધાસ્તરે અટકી જતી ઘટનાનું નિરૂપણ થતું હતું પરંતુ અનુઆધુનિક ટૂંકીવાર્તામાં વ્યંજના સભર ઘટના-વિષયવસ્તુનું આલેખન થવા લાગ્યું. અહીં માનવનિમીત્તે સમષ્ઠિ, સમાજ, સંસ્કૃતિની વાત આલેખવા લાગી.
અનુઆધુનિક ટૂંકીવાર્તામાં તળ જીવન, તળ લોકોને એમની સંવેદનાને, તેમજ સ્ત્રી-પુરૂષના જાતિય પ્રશ્નો, ઘર-કુટુંબના તનાવોની અભિવ્યક્તી સંવેદનાના સ્વરૂપે ટૂંકીવાર્તામાં રજૂ થયેલી જોવા મળે છે.
આમ અનુઆધુનિક ટૂંકીવાર્તાને નૂતનની પીઠીકાને ઘડનારાં-પોષનારાં પ્રેરનારા પરિબળો પણ હોવાના. જેમાં એક તરફ છે જીવન પરંપરાઓ, જેમાં ગ્રામજીવનની જડ અને જીદ્દી રૂઢીઓનું નિરૂપણ જ્યારે બીજી તરફ છે શિક્ષણ, શહેરી જીવન તરફથી દોટ, ભૈતિકવાદનું આકર્ષણ વગેરે સમાજમાં વ્યાપક પણે દેખાવા માંડે છે. જે નવો વાર્તાકાર આ બધાને નજરઅંદાજ કર્યા વિના એમાંથી તનાવો સંવેદનોને આલેખે છે જેથી અનુઆધુનિક ટૂંકીવાર્તામાં ત્રણ ધારા પર વિશેષ ભાર મુકે છે. (૧) નારીજીવન (૨) દલિતવાદ (૩) દેશીવાદ.
અનુઆધુનિક ટૂંકીવાર્તાનો વિકાસક્રમ જોઈએ તો નવીનતમ વાર્તાકારોની આ પેઢીમાંજેમના સંચયો (એપ્રિલ ૧૯૯૭ સુધીમાં) પ્રઘટ થઈ ચૂક્યા છે ને જે ધ્યાનપાત્ર છે તેવા વાર્તાકારોમાં હિમાંશી શૈલત, મોહન પરમાર, શિરીષ પંચાલ, જોસેફ મેકવાન, મણીલાલ હ. પટેલ, રમેશ ર. દવે, સુમંત શાહ વગેરેનું સર્જન મૂલ્યવાન છે. આ ઉપરાંત દલિતવાર્તાકાર જે ગ્રંથસ્થ નથી થયા છતાં નવિનતમ વલણોને પોષક એવી વાર્તાઓ આપનાર છે. દલપા ચૌહાણ, હરિશ મંગલમ વગેરેને મુકી શકાય. આમાંથી કેટલાકની વાર્તાઓ ૧૯૯૪-૯૫-૯૬ ની શ્રેષ્ઠવાર્તાઓના સંપાદનોમાં તથા અન્ય વિશેષાંકોમાં પ્રગટ થઈ ચી. કેટલાક હજુ કાચું-પાકું લખે છે. તો કેટલાકની કલમોમાં નિખાર પમાય છે. કોઈકની પ્રતિભા એની સર્જકતાને સહજ રીતે વ્યક્ત કરે છે જે તેમની વિસ્તારથી વાર્તાઓનો વિકાસ જોઈએ તો ખ્યાલ આવશે.
***************************************************
વર્ષા એન. ચૌધરી
સરકારી વિનયન કૉલેજ,
અમીરગઢ.
|