logo

ત્રણ સવાલ

કવિ સુન્દરમે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાના હેતુ થી બાળકાવ્યો લખેલા, જેને સુઘા સુન્દરમ પાંચ ભાગમાં સંપાદિત કરી 'સમગ્ર બાલકવિતા'શીર્ષક હેઠળ ઇસ ૧૯૩૯ પ્રકાશીત કરે છે.'સમગ્ર બાલકવિતા : ભાગ -૫' મા કવિતાને બાળ કાવ્યો,બાલ –લાડ કાવ્યો,કાવ્યકણિકાઓ ,મિનારા અને પર્વતો એમ વિભાજિત કરવામાં આવી છે. એમાનું એક કથાકાવ્ય તે 'ત્રણ સવાલ' આ કથાકાવ્યમાં એક રાજાને મનમાં સવાલ ઉઠે છે કે- 'મુહૂર્ત સાચું શું હશે કરવા દરેક કામ?

ખરો હશે માણસ ક્યો આવે ખરો જ કામ ? અને
કયું સૌથી વઘુ જરૂર કેરું કામ ?'

રાજા પોતાના સવાલ ના જવાબ મેળવવા માટે પંડિતો,જોષી,બધાને બોલાવે છે.કોઇ સારા સલાહકાર રાખવાની,કોઇ લશ્કરરાખવાની,કોઇ જ્ઞાન પ્રાપ્ત કરવાની,કોઇ સંસારની અસારતાની વાત કરેછે.રાજાને કોઇની વાતથી સંતોષ થતો નથી .એને જંગલમાં રહેતા અને સાદુ જીવન ગુજારતા એક સંત યાદ આવેછે.રાજા સાદો પોષાક ધારણ કરી જંગલમાં જાય છે.રાજા સંતને પોતાના સવાલ પૂછે છે.સંત રાજાના સવાલના જવાબ આપવાને બદલે પોતે જે ક્યારા ખોદવાનું કામ કરતા હતા તે ચાલુ જ રાખે છે.કયારા ખોદતા સંત જ્યારે થાકી જાય છે ત્યારે રાજા સંતના હાથમાંથી કોદાળી લઇ લે છે અને પોતે ક્યારા ખોદવા લાગેછે.સાંજ પડતા સુધી રાજા કામ કર્યાપછી થાકી જાયછે છતાં કામ કરવાનું છોડતો નથી..સાંજે રાજા પોતાના સવાલ દોહરાવતો હોય છે ત્યાંજ એક ઘાયલ માણસ દોડતો દોડતો ત્યાં આવીને રાજા પાસેજ ફસડાઈ પડેછે.રાજા અને સંત મળીને એની સારવાર કરેછે.ઘાયલ માણસ,સંત અને થાકેલો રાજા સંતની ઝૂંપડીમાંજ સૂઈ જાય છે.સવારે રાજા જાગેછે ત્યારે ઘાયલ માણસ રાજાને જોઈ રહ્યો હતો.રાજા તેને કારણ પૂછે છે ત્યારે પેલો માણસ રાજાને જણાવે છે કે 'હું તો તમારો દુશ્મનછું.તમે મારા ભાઈને મારી નાંખેલો તેથી તેનો બદલો લેવાની તક શોધતો હતો.તેવામાં તમને જંગલમાં એકલા સારથી સાથે આવતા જાણી છૂપાઈને તમારી રાહ જોતો હતો ,પણ સાંજ સુધી રાહ જોયા છતા તમે પાછા ન ફર્યા તેથી હું તમને શોધવા ઓથની બહાર નીકળ્યો અને ત્યાં તમારી રાહ જોતા તમારા માણસે મને ઓળખી કાઢ્યો અને મને બાણ મારી આવા હાલ કર્યા પણ તમે તો મને મરતો બચાવ્યો.આથી હવે હું અને મારો પરિવાર આખી જિંદગી તમારા ગુલામ થઈને જીવતા રહીશું.'રાજા આ રીતે સહજમાં દુશ્મનને મિત્ર થતો જાણી ખુશ થઈ જાય છે,અને તેનીવાતનો સહર્ષ સ્વીકાર કરી લે છે.અને સંતને ફરી પોતાના પ્રશ્નનો જવાબ આપવા કહે છે.ત્યારે સંત એને કહે છે કે 'તને તારા પ્રશ્નનો જવાબ તો મળી ગયો છે'. રાજા કહે છે કે 'હું તો કંઈ સમજ્યો નહીં',ત્યારે સંત રાજાને વિગતે સમજાવતા કહે છેકે"તેં મને કામ કરતો જોઈ મારા પર દયા આવવાથી મારી પાસેથી કોદાળી લઈતું પોતે ખોદવા લાગ્યો અને એમ કરતા સાંજ પડી ગઈ અને ત્યાંજ આ ઘાયલ અહીં આવ્યો અને તું એની સારવાર કરવા અહીં જ રોકાઈ ગયો .જો તેં મારા પર દયા ન ખાઘી હોત અને જતો રહ્યો હોત તો આ માણસ પોતાના ભાઈનો બદલો લઈ તને મારી નાખત..અને જો તું એને ઘાયલ થયેલાને છોડીને જતો રહ્યો હોત તો આ દુશ્મની ક્યારેય મિત્રતામા ન પલટાત. માટે

"કરી ઉપકાર તેં મુજથી લીઘું કામ,એજ કામ સૌથી મહત્વનું ગુણધામ,"
સેવા તેં કરી એહની એ ઉપયોગી કામ
માટે મનમાં ધાર તું મુહૂર્ત પ્રમાણ, વર્તમાન –હમણાં જ-એ કાળ ખરો જાણ,
કારણ સત્તા આપણી વર્તમાન પર માત્ર .વળી આપણી પાસમાં,જે જન તેજ સુપાત્ર .
તેજ સર્વથી કામનો ,માણસને નહિં ભાન, ભવિષ્યનાં સંબંઘનું એને તો નહિ જ્ઞાન
"નમજે ,ભજજે,પૂજજે,દેખે જગમાં પ્રાણ જ્યાં"

આમ,નાનકડા કથાકાવ્ય વડે સુન્દરમે સમય, સેવા અને સજ્જનતાની વાત સરળ અને સુંદર રીતે સમજાવી છે. નાના બાળકો જ નહીં આપણે મોટેરા પણ આ વાત આપણા જીવનમાં અપનાવીએ એજ પ્રાર્થના .

સંદર્ભ :-

  1. સુન્દરમ ક્રુત 'સમગ્ર બાલકવિતા ભાગ -૫ ' પ્રુષ્ડ નં ૧૦૭

*************************************************** 

Dr. Archana Pandya
S.L.U Arts & Commerce College,
Ahmadabad .

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us