ખેતરને ખોળે : કહેવતગ્રંથ
દુનિયામાં કોઈક જ એવી ભાષા હશે કે જેમાં કહેવતોનો પ્રયોગ ન થયો હોય. સંસારની વ્યવહાર પટુતા અને સામાન્ય બુદ્ધિનું જેવું જ્ઞાન કહેવતોમાં મળે છે, એવું અન્ય જગ્યાએ મળવં્ મુશ્કેલ છે. કહેવતો માનવસ્વભાવ અને વ્યવહાર કુશળતા માટે બહુ પ્રચલિત છે. સમાજમાં મનુષ્ય કેવી રીતે વ્યવહાર કરે છે, જેમ લોકજીવનની સાથે સાથે એનું વ્યક્તિત્વજીવન પણ કહેવતોમાંથી ઉપસી આવે છે. કહેવતો માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી છે. જેમ જીવનમાં કહેવતોનું સ્થાન છે તેમ સાહિત્યમાં પણ કહેવતોનું સ્થાન છે.
‘કહેવત’ દરેક ભાષામાં જુદી જુદી રીતે બોલાય છે. મધ્યકાલીન ગુજરાતીમાં ‘કહેવત’ને ‘ઉખાણું’, ‘ઉખાણો’ આધુનિક ગુજરાતીમાં ‘કહેવત’, ‘કહેતી’, ‘કહેણી’, ‘લોકોક્તિ’ આમ કહેવત દરેક ભાષામાં તેમજ બોલીમાં બોલાય છે. કહેવત વિશે વ્યાખ્યા આપતાં હેમચંદ્રાચાર્ય કહે છે કે “કહેવત એટલે જીવનસંસારની આચાર સંહિતાનો સાર” તો ઉમાશંકર જોશી “કહેવત એ લોકકવિતાની ધ્રુવપંક્તિ છે.” એમ કહી બિરદાવે છે. ડૉ. જોન્સન કહેવત વિશે “વારંવાર બોલાતા ટૂંકા વાક્યો તે કહેવત” આવી અનેક કહેવતો વિશે વ્યાખ્યા મળે છે.
વિશ્વમાં ઘણી બધી ભાષાઓ છે તો બોલીઓ પણ એટલી જ છે. બોલીની વાત કરીએ તો ‘બાર ગાઉએ બોલી બદલાય’ કહેવત અનુસાર બોલીઓમાં પણ વિશેષતા રહેલી છે. લય, ઢાળની સાથે સાથે રૂઢિપ્રયોગો અને કહેવતો વગેરે બોલીની વિશેષતા દર્શાવે છે. કહેવતો પ્રસંગને અનુરૂપ સચોટ અને સબળ દ્રષ્ટાંત પૂર્તિ માટે વપરાય છે.
ઉત્તર ગુજરાતના સાહિત્યકારોમાં પીતાંબર પટેલનું નામ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે મોખરે છે. તેવા પીતાંબર પટેલની નવલકથા ‘ખેતરને ખોળે’ જે બે ભાગમાં પ્રકાશિત થઈ છે. ‘ખેતરને ખોળે’ ભાગ-૧ અને ભાગ-ર’ માં પ્રસ્તુત થતી કહેવતો રજૂ કરી છે. નવલકથામાં આવતા પાત્રો દ્વારા વાતો કરતા કરતા અનાયાસપણે અને સહજ રીતે મુખમાંથી સરી પડતી કહેવતો જોવાનો આપણે ઉપક્રમ છે. જે નીચે મુજબ છે.
કહેવત : ‘અથાણું બગડ્યુ તેનું વરસ બગડ્યું’ (ભાગ-૧, પ્ર.ર૩, પૃ.રપ૩)
સમજૂતી : જે કાર્યનો પ્રારંભ અશુભ હોય તો તેનો અંત પણ સારો હોતો નથી.
વાક્ય : દેવશંકર પોતે જ આ કસોટીમાંથી પસાર થઈ રહ્યા હતા. આ વિષય પર ખૂબ વાતો કરતા કહે છે કે જયંતી કહેનાર કાંઈ ખોટું નથી કહ્યું “અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું” આપણી કેવી દશા થઈ છે એ આના પરથી સમજી લેવાનું.
કહેવત : ‘કજિયાનું મોં કાળું’ (ભાગ-ર, પ્રકરણ-૯, પૃ.૧ર૦)
સમજૂતી : કલેશથી વેગળા રહેવું સારું
વાક્ય : ‘ભઈ ! હું તો એટલું જાણું કે કજિયાનું મોં કાળું ? ગમે તેમ તોય વાણિયો ગામનો માણસ છે.. ઘરમેળે પતતું હોય તો શીદને કોર્ટના ધક્કા ખાવા ?”
કહેવત : ‘કણબી પાછળ કરોડ” (ભાગ-૧, પ્રકરણ-૧પ, પૃ.૧પ૧)
સમજૂતી : અન્ન પકવનાર ખેડુત સહુને મદદ કરે છે પણ મદદ યાચતો નથી.
વાક્ય : ખેડુત જગતનો તાત છે, એ ધારે તો આ દેશમાં અનાજની કદીય તંગી ન રહે એટલા માટે જ કહ્યું છે કે ‘કણબી પાછળ કરોડ...’
કહેવત : ‘કમાઉ દીકરો માને વહાલો’ (ભાગ-ર, પ્રકરણ-૧, પૃ.૮)
સમજૂતી : કમાતી વ્યક્તિ સ્વજનોને વહાલી લાગે છે.
વાક્ય : ભઇ ! મારું માનતો હોય તો ગામડામાં રહેવાની તો વાતે કરીશ નહિ. તારે સરકારી નોકરી ન કરવી હોય ને માસ્તર થવું હોય તો તેમ કર : પણ અહીં ગામડામાં તો રહેવાનું નામ જ લેતો નહી ? ‘કમાઉ દીકરો માને વહાલો, એટલામાં બધું સમજી જા’
કહેવત : કર ભલા હોગા ભલા (ભાગ-ર, પ્રકરણ-૬, પૃ.૬૮)
સમજૂતી : ભલાઈ કરવાથી સારો બદલો મળે છે.
વાક્ય : આ જ સાચું કામ છે. “કર ભલા... હોગા ભલા !” ભગવાનને ગમે તેવું કામ કરીશ તો ભગવાન હરેક કાર્યમાં સહાય કરશે.’
કહેવત : કાગડો દહીથરું લઈ ગયો. (ભાગ-૧, પ્રકરણ-રર, પૃ.ર૪ર)
સમજૂતી : સારી વસ્તુ અયોગ્ય પાત્રને હાથ જવી.
વાક્ય : શંકરલાલે આવાને ઘરે કેમ નાખી હશે ? બીજા સારા છોકરા ન હતા ? બિચારી મંગુ કેવી થઈ ગઈ છે ? વળી મારકૂટ તે કરાતી હશે ? ભણેલા થઈને ગાળો દેતાંય શરમ નહિ આવતી હોય ? આ તો કાગડો દહીંથરું લઈ ગયો, એના જેવું થયું છે ?”
કહેવત : કૂવાને ગળણું બંધાય છે ? (ભાગ-ર, પ્રકરણ-૧, પૃ.૬)
સમજૂતી : અસંખ્ય લોકોને બોલતા અટકાવી શકાતા નથી.
વાક્ય : ‘ભલે ને થતી ? જ્યારે લોકો સાચી વાત જાણશે ત્યારે એ જ શરમાશે. જેને જે અનુમાન કરવા હોય તે ભલે કરે’. ‘કંઈ કૂવાને ગળણું બંધાય છે ?’
કહેવત : ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા (ભાગ-ર, પ્રકરણ-૪, પૃ.૪૮)
સમજૂતી : ખોટી કરકસર કરવી.
વાક્ય : એ લોકો ખર્ચ નથી કરતાં એવું નથી, પણ એ લોકોને ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા’ જેવું જ હોય છે.
કહેવત : ઘરડા બળદને બગાઈઓ ઘણી (ભાગ-ર, પ્રકરણ-ર, પૃષ્ઠ૧ર)
સમજૂતી : નબળા માણસને વધારે મુશ્કેલીઓ પડે છે.
વાક્ય : પણ જયંત આ કામ હાથ ધરે તે પહેલાં તેની સામે બીજું કામ આવી પડ્યું. ઘરડા બળદને બગાઈઓ ઘણી એમ દુષ્કાળમા લઢાઈ રહેલા માનવીઓ ઉપર કોલેરાએ આક્રમણ કર્યું.
કહેવત : ચોરની મા કોઠીમાં પેસીને રડે (ભાગ-૧, પ્રકરણ-ર૭, પૃ.૩૦૭)
સમજૂતી : ગુનેગાર માણસ પોતાને થયેલું નુકશાન જાહેરમાં કહી શકતો નથી.
વાક્ય : કપૂરચંદ શેઠનો પત્ર લઈ એ ઘેર ગયા, મંગુની માના પણ મોતિયા તો મરી જ ગયા હતા, ચોરની મા કોઠીમાં પેસીને રડે, એવી તેની સ્થિતિ થઈ હતી.
કહેવત : છીંડે આવે તે ચોર (ભાગ-૧, પ્રકરણ-૧પ, પૃ.૧૪૭)
સમજૂતી : ગુનો કરતાં પકડાય એજ ગુનેગાર
વાક્ય : કલેક્ટરથી માંડીને તે પટાવાળા સુધીના ખાય છે, એટલે કોણ કોને કહે ? આ તો છીંડે આવે તે ચોર, એના જેવું છે.
કહેવત : દાળ બગડી એનો દા’ડો બગડ્યો (ભાગ-૧, પ્રકરણ-૨૩, પૃ.રપ૩)
સમજૂતી : જેનો આરંભ ખરાબ હોય તેનો અંત પણ સારો હોતો નથી.
વાક્ય : જયંતી ? કહેનારે કંઈ ખોટું કહ્યું નથી. દાળ બગડી એનો દા’ડો બગડ્યો..
કહેવત : દુઃખનું ઓસડ દા’ડા (ભાગ-૧, પ્રકરણ-૧૭, પૃ.૧૭૩)
સમજૂતી : સમય ગમે તેવા દુઃખને ભૂલાવે છે.
વાક્ય : જયંતે સુસ્મિતા વિશે કેટલાક પ્રશ્નો પૂછયા : દુઃખનું ઓસડ દા’ડા એ રીતે સુસ્મિતા તેને ભૂલી જશે અને સુખી થશે એમ મનને મનાવ્યું.
કહેવત : દાંત આલ્યા છે તો ચાવણું નહિ આલે ? (ભાગ-ર, પ્રકરણ-૧૯, પૃ.ર૬૬)
સમજૂતી : પરમાત્મા દરેક માણસને ખાવા માટે અન્ન આપે છે.
વાક્ય : ‘ખવરાવવાળોય એ છે ને જીવાડવવાળોય એ છે. દાંત આલ્યા છે તો ચાવણું નહિ આલે? એાવા પાપ કરો પછી કયાંથી સારું વરસ આવે?
કહેવત : પાડા લડે ને ઝાડનો ખો નીકળી જાય. (ભાગ-૧, પ્રકરણ-૧૯, પૃ.૧૯૮)
સમજૂતી : બે બળિયા લડે ને નિર્બળને સહન કરવાનું રહે.
વાકય : પણ તમારા ઝઘડામાં મંગુબેન હેરાન થાય છે તેનું શું ? તમારામાં કંઈક કહેવત છે કે ‘પાડા લડે ને ઝાડનો ખો નીકળી જાય ?’ એવું થાય છે.’
કહેવત : પાપ તો છાપરા ઉપર જઈને બોલે (ભાગ-ર, પ્રકરણ-૧, પૃ.૪)
સમજૂતી : ખોટું કાર્ય આખરે જાહેર થયા વિના રહેતું નથી.
વાક્ય : ભલે ને અ વાત છુપાવે, પણ પાપ તો છાપરા ઉપર જઈને બોલે છે.
કહેવત : મન વગર કંઈ માળવે જવાય ? (ભાગ-૧, પ્રકરણ-૧૪, પૃ.૧૩૦)
સમજૂતી : ઈચ્છા હોય તો બધું થાય.
વાક્ય : બંને જણા આટઆટલું કરતાં હતાં, છતાં ભાણો માનતો ન હતો, એટલે મામીએ રીસમાં કહ્યું : ‘રહેવા દો ને ? મન વગર કંઈ માળવે જવાય ?’
કહેવત : ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે (ભાગ-ર, પ્રકરણ-૧ર, પૃ.૧પ૧)
સમજૂતી : બડાઈ હાંકનાર કંઈ કરી શકતા નથી.
વાક્ય : તેણે દોડીને જયંતનો ખભો પકડી લીધો જયંતે હસીને કહ્યું ‘ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે, એ કહેવત ભૂલી ગયા લાગો છો ?’
કહેવત : લાખ ભેગા સવા લાખ (ભાગ-ર,પ્રકરણ-૧૭, પૃષ્ઠ-રર૬)
સમજૂતી : ખર્ચ ભેગું થોડું વધારે ખર્ચ
વાકય : સાથે સાથે ચોરાશી કરીને બ્રાહ્મણોને પણ જમાડી દ્યોને ? લાખ ભેગા સવા લાખ ? નામ રહી જશે અને બધે વાહવાહ થઈ જશે ?’
કહેવત : વાણિયાની મૂછ નીચી (ભાગ-ર, પ્રકરણ-૯, પૃ.૧૧૯)
સમજૂતી : પીછે હઠભરી સ્થિતિ સ્વીકારી લેવી.
વાક્ય : પાનાચંદ શેઠ જયંતને મળતાં સંકોચ અનુભવતા હતા. તેમણે શેર ન ભરવાનો પ્રચાર કર્યો હતો એટલે તેમના પગ પણ ઉપડતા ન હતા, પણ હવે શું થાય ? આખરે વાણિયાની મૂછ નીચી ગણી તે સામે પગલે જયંતને મળ્યા.
કહેવત : સો સો ચુહે મારકે બિલ્લી હવે હજ કરવા ચાલી (ભાગ-ર, પ્રકરણ-૧૧, પૃ.૧૪૮)
સમજૂતી : અનેક દુષ્કૃત્યો કરીને ધર્માત્મા બનવાનો માણસે દંભ કરવો તે.
વાક્ય : અરે એમ કહો કે સો ચુહે મારીને બિલ્લી હવે હજ કરવા ચાલી છે ?’
કહેવત : હું ભલોને મારો ભગવાન ભલો (ભાગ-૧, પ્રકરણ-૧ર, પૃ.૧૧ર)
સમજૂતી : બીજાના કામમાં દખલગીરી ન કરવી.
વાક્ય : પાનચંદ શેઠનું દેવું પતી જાય, એટલે મારા માથા પરથી ભાર ઉતરી જાય. પછી તો હું ભલો ને મારો ભગવાન ભલો.
પીતાંબર પટેલની નવલકથા ‘ખેતરને ખોળે ભાગ-૧ ભાગ-રમાં દર્શાવેલ કહેવતો ઉપર મુજબ જોઈ. કહેવતો તત્કાલીન સામાજિક પરિસ્થિતિને વ્યક્ત કરતી છે. તો સંસારના વ્યવહારને શાણપણ ને લગતી કહેવતો છે. જેમ કે ‘કજિયાનું મોં કાળું’, ‘કર ભલા હોગા ભલા’ વગેરે કહેવતોમાં નૈતિકતા કર્મફળનો સિદ્ધાંત સામાન્ય દેખાય છે.
કેટલીક કહેવતોમાં પરિસ્થિતિની અભિવ્યક્તિ ખૂબ સારી રીતે કરી છે. ‘અથાણું બગડ્યું તેનું આખું વરસ બગડ્યું’, ‘દાળ બગડી એનો દા’ડો બગડ્યો’, ‘ચોરનીમાં કોઠીમાં બેસીને રડે’, ‘ઘરડા બળદને બગાઈઓ ઘણી’, ‘પાડા લડેને ઝાડનો ખો નીકળી જાય’ વગેરે કહેવતોમાં માણસના જીવન સંસારની એક પરિસ્થિતિ વણી લેવાનો પ્રયાસ થયો છે. ‘મન વગર માળવે ન જવાય’ તેવી કહેવતોમાં માણસના મનની વાત કરી છે.
પીતાંબર પટેલને ગુજરાતી અને હિન્દી મિશ્રણવાળી કેટલીક કહેવતો યોજી છે. ‘કર ભલા હોગા ભલા’, ‘સો સો ચુહે મારકે બિલ્લી હવે હજ કરવા ચાલી’ છતાં આપણને આ કહેવતો પારકી લાગતી નથી. કેટલીક ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દર્શાવતી કહેવત ધ્યાન ખેંચે છે. ‘હું ભલોને મારો ભગવાન ભલો’
પીતાંબર પટેલની નવલકથા ‘ખેતરને ખોળે ભાગ-૧-ર’ ઉત્તર ગુજરાતની બોલીમાં લખાયેલી છે. જેમાં આવતી ઉત્તરગુજરાતની કહેવતો અને રૂઢિપ્રયોગો લેખકની ભાષાને આગવી બનાવે છે. નવલકથામાં યોજવામાં આવેલ કહેવતો એ પાત્રના મુખમાંથી સહજતાથી સરે છે. આમ, સંસારના વ્યવહારો, શાણપણ, ગ્રામ્યજીવન તો ગુજરાતી હિન્દી મિશ્રિત એવી કહેવતો આ નવલકથામાંથી પ્રાપ્ત થાય છે. આપણે પીતાંબર પટેલના સમગ્ર સાહિત્ય સર્જનને ધ્યાનમાં રાખીને જો કહેતવો તારવવામાં આવે તો એક આખો ઉત્તર ગુજરાતનો કહેવત કોશ થવા યોગ્ય છે.
સંદર્ભ સૂચિ
- ખેતરને ખોળે ભાગ-૧, પીતાંબર પટેલ
- ખેતરને ખોળે ભાગ-ર, પીતાંબર પટેલ
- કહેવતકોશ, રતિલાલ સાં.નાયક
***************************************************
અનોખી કનુભાઈ પટેલ
M.A.,M.Phil, Ph.D., (cont)
|