logo

આયુર્વેદમાં ઔષધિઓની સંજ્ઞાની વિશિષ્ટતા

નિરુક્ત નામના વેદાઙ્ગમાં યાસ્કે શબ્દપ્રયોગની મીમાંસા કરતાં જણાવ્યું છે કે શબ્દો ટૂંકા અને સરળ હોવાને કારણે તેના વડે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું સંજ્ઞાકરણ કરવામાં આવે છે. આવા સંજ્ઞાકરણ પછી જ લોકમાં તે વ્યક્તિ કે વસ્તુની સાથે વ્યવહાર કરવામાં આવે છે. આ સંજ્ઞાકરણ પાછળ કેવાં કેવાં પરિબળો હોઈ શકે? તો એ સન્દર્ભમાં શાસ્ત્રકારોએ મુખ્યત્વે બે પરિબળોને જાહેર કર્યાં છે. જેમ કે, 1. નામો. આખ્યાતજ (= ક્રિયાપદોમાંથી જન્મેલાં) હોય છે, અર્થાત્, જે-તે વ્યક્તિએ કે વસ્તુએ અમુક પ્રકારની ક્રિયા કરી હોય અથવા કરતી હોય એ ક્રિયાને આધારે વ્યક્તિનું કે વસ્તુનું નામ પાડવામાં આવે છે. દા.ત., अश्नोति अध्वानम् इति अश्वः । જે માર્ગને વ્યાપી વળે છે તે अश्व. અથવા વ્યક્તિઓનાં અને વસ્તુનાં નામો યાદૃચ્છિક પણ હોય છે. એટલે કે વ્યક્તિ અને વસ્તુઓનાં અમુક જ ‘નામ’ પાડવા માટે કશો વિશેષ હેતુ હોતો નથી. એ તો મનુષ્યના મનનો સ્વેચ્છાચાર હોય છે. જેમ કે ચિન્ટુ વગેરે નામો પાડવા પાછળ પોતાની ઇચ્છા સિવાય કોઈ કારણ જણાતું નથી.

પરંતુ પ્રાચીન સાહિત્યજગતમાં ડોકિયું કરીએ છીએ ત્યારે આવાં યાદૃચ્છિક નામોને બદલે ગુણવાચક નામો પાડવાની પ્રવૃત્તિ સવિશેષ ધ્યાન પર ચઢે છે. દા.ત., યુધિષ્ઠિર (જે યુદ્ધમાં સ્થિર રહે તે), દુર્યોધન (જેની સાથે લડવું મુશ્કેલ છે તે), એવી જ રીતે જે-તે દેશવિશેષના નિવાસી તરીકેનું કે ગોત્ર નામોનું પ્રાચુર્ય પણ જોવા મળે છે. દાત., પાંચાલી (પાંચાલ દેશની પુત્રી), ગાંગેય (ગંગાનો પુત્ર), ગાર્ગ્ય (ગર્ગ કુળમાં જન્મેલો). આવા પ્રકારનું સંજ્ઞાકરણ સંસ્કૃત સાહિત્યમાં છેક રામાયણ-મહાભારતથી શરૂ કરીને ઉત્તરવર્તી કાવ્ય-નાટકાદિમાં પણ વ્યાપકપણે જોવા મળે છે. સંસ્કૃત કવિઓ પણ પોતાની કૃતિનાં નાયક-નાયિકાદિ પાત્રોનાં જુદાં જુદાં નામ પાડે છે, તે પણ ગુણવાચક હોય છે. અલબત્ત, તે ચરિત્રચિત્રણકલાના એક ભાગ તરીકે વિનિયોજાયેલાં હોય છે.

તે જ રીતે, આયુર્વેદના ગ્રન્થોમાં પણ અષ્ટાંગચિકિત્સાના વર્ણનમાં ભાવપ્રકાશ, ચરકસંહિતા, અષ્ટાંગહૃદય વગેરે ગ્રન્થોમાં જે-તે રોગના નિવારણમાં અમુક અમુક ઔષધિઓનો પ્રયોગ જણાવેલો છે. તે ઔષધિઓના સંજ્ઞાકરણમાં પણ વિશિષ્ટતા જોવા મળી છે. દા.ત., મહારાસ્નાદિક્વાથ, તિલકાદિક્વાથ, લાક્ષાદિ તૈલ, ચ્યવનપ્રાશ, પંચારવિન્દ ઘી, નારાયણ ચૂર્ણ, વડવાનલ ચૂર્ણ, સંજીવની ગુટિકા, મહાજ્વરાકુંશ રસ, ઇચ્છાભેદી રસ, ત્રિવિક્રમ રસ, મદનકામદેવ રસ, વસન્તકુસુમાકર રસ, કન્દર્પસુન્દર રસ, વગેરે... આ તો નમૂનારૂપ નામમાત્ર છે. આવી અનેકાનેક સંજ્ઞાઓવાળી ઔષધિઓનું વર્ણન આયુર્વેદના ગ્રન્થોમાં મળે છે.

આ સંજ્ઞાકરણ વિશે વિચારતાં જણાય છે કે, ગ્રન્થકારે જે ઔષધિ એટલે કે ક્વાથ, ચૂર્ણ, અવલેહ કે ગુટિકાની પાછળ આદિ શબ્દ જોડ્યો છે, દાત., મહારાસ્નાદિક્વાથ, તેમાં સંજ્ઞામાં આવી જતાં ઔષધ ઉપરાન્ત બીજાં અનેક ઔષધો વપરાય છે. પણ જેના દ્વારા જે-તે ઔષધિને તે સંજ્ઞા પ્રાપ્ત થઈ છે તે ઔષધિ તેમાં મુખ્ય હોય છે. તેના અપવાદ રૂપ કોઈ પણ ઔષધિ તેમાં વપરાતી નથી.

કેટલાંક નામો ગુણવાચક પણ જોવા મળ્યાં , જેમ કે, વૈશ્વાનર ચૂર્ણ.

लवणयवानीदीप्यक कणनागरमुत्तरोत्तरं वृद्धम् ।
सर्वसमांशहरीतकी चूर्णं वैश्वानरः साक्षात् ।। (અષ્ટાંગહૃદય ગુલ્મચિકિત્સા) શ્લોક 34, પૃ. 572)

સિંધવ, યવાની અજમો, અજમોદ, પીપર, સૂંઠ એ પાંચ ઔષધ ઉત્તરોત્તર એક એક ભાગ વધારે લેવો અને તેના સપ્રમાણ હરડે લઈ તેનું ચૂર્ણ કરવું તે સાક્ષાત્ વૈશ્વાનર અગ્નિ જેવું છે, અર્થાત્ જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારું છે.

ઉપરાન્ત, એક શાર્દૂલ ચૂર્ણનો પણ ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે, शार्दूलः प्रसभं प्रमथ्थ हरति व्याधीन् मृगौधानिव । જેમ શાર્દૂલ સિંહ હરણનાં ટોળાંનો પકડી પકડીને નાશ કરે છે તેમ આ શાર્દૂલ (ચૂર્ણ) પણ રોગ રૂપી હરણનાં ટોળાંનો નાશ કરે છે.

અષ્ટાંગહૃદય નામના ગ્રન્થ માં ઉત્તરસ્થાન નામના અધ્યાય 6માં મહાપૈશાચક ઘૃતનો ઉલ્લેખ છે, જે તાવ, ગાંડપણ, વળગાડ તથા વાઈનો નાશ કરે છે. તે અમૃત જેવું છે, બુદ્ધિ-મેધા અને સ્મરણશક્તિ આપે છે તથા બાળકોને ઉપકારી છે.

ચ્યવનપ્રાસ અવલેહ બનાવવાની પદ્ધતિ જણાવતાં શાર્ઙ્ધરસંહિતા માં જણાવાયું છે કે આ ચ્યવનઋષિનો કહેલો ચ્યવનપ્રાશ અવલેહ છે, જેનાથી ચ્યવનઋષિને યૌવનની પ્રાપ્તિ થઈ હતી, તે રીતે આ અવલેહના સેવનથી ત્રિદોષનો નાશ થઈ પ્રસન્નતા પ્રાપ્ત થઈ જરાનો નાશ થાય છે.

અવલેહ વર્ણનમાં એક અગત્સ્ય અવલેહનો ઉલ્લેખ છે, જે ક્ષય રોગમાં વપરાય છે. તેમાં જણાવાયું છે કે આ અવલેહ અગત્સ્યમુનિએ કહેલો છે.

बलवर्णकरः पुंसामवलेहो रसायनम् ।
विहिताऽगत्स्यमुनिना सर्वरोगप्रणाशनः ।37।। (શાર્ઙ્ગધરસંહિતા, મધ્યમ ખંડ, પૃ. 322)

આમ, જે-તે ઋષિએ સૂચવેલ ઔષધિ તે ઋષિના નામ થકી જ પ્રચલિત બની છે.

સર્વ પ્રકારના વાતરોગ પર નારાયણ તેલ વપરાય છે. જેના વર્ણનમાં કહેવાયું છે કે, यथा नारायणो देवो दुष्टदैत्यविनाशनः । तथैव वातरोगाणां नाशनं तैलमुत्तमम् । અર્થાત્ જેમ નારાયણદેવ દુષ્ટદૈત્યોનો નાશ કરે છે તેમ આ નારાયણ તેલ વાયુના રોગોનો સંપૂર્ણ નાશ કરે છે.

રેચ માટે એક ઇચ્છાભેદી રસ નામના ઔષધનું વિધાન છે. આ રસ ઇચ્છાનુસાર રેચ લાવી શકે છે માટે તેનું નામ ઇચ્છાભેદી રસ છે.

પથરીના રોગો પર ત્રિવિક્રમ રસ વાપરવાના ઉલ્લેખો મળે છે. જેમ ચીભડાનું બીજ રેતીને તોડીને તેમાંથી પાણી ખેંચે છે તેમ આ ઓસડિયાનું અનુપાન પથરીને તોડી નાખે છે અને મૂત્રાશય તથા કીડનીમાંથી બે વાલ જેવડી પથરી આખી ને આખી નીકળી જાય છે. આમ, ત્રણ વિક્રમ કરનારી ઔષધિને ત્રિવિક્રમ એવી સંજ્ઞા અપાઈ છે.

વાજીકરણ માટે વપરાતાં ઔષધોમાં મદનકામદેવ રસ તથા કન્દર્પસુંદર રસ મુખ્ય છે. જેના સેવનથી તેના નામમાં સૂચવેલ છે તેમ કામદેવ જેવું સૌન્દર્ય તથા બળ પ્રાપ્ત થાય છે.

આમ, આ આયુર્વેદશાસ્ત્રમાં ઔષધિઓને આપેલી સંજ્ઞાઓ સાભિપ્રાય છે. ક્યાંક તે ઔષધિઓનું નામકરણ તેમાં વપરાતી ઔષધિઓનો નિર્દેશ કરે છે. દા.ત., પંચતિક્ત ચૂર્ણ, પથ્યાદિક્વાથ, ક્યાંક પુરાણપ્રસિદ્ધ કથા અથવા ઋષિના નિર્દેશ દ્વારા તે ઔષધિનું સંજ્ઞાકરણ થયું છે. જેમ કે, ચ્યવનપ્રાસ, નારાયણ તૈલ, ક્યાંક અપાયેલી સંજ્ઞા જેવું કાર્ય તે ઔષધિથી થવાનું છે તે સૂચવાય છે, જેમ કે શાર્દૂલ ચૂર્ણ. ક્યારેક આપવામાં આવેલી સંજ્ઞા ગુણવાચક નામ બની તેના નામકરણને યથાર્થ ઠેરવતાં રોગો પર જે-તે ઔષધિઓ સૂચવેલી છે. જેમ કે, ધાતુપુષ્ટિ માટે વસન્તકુસુમાકર રસ, વાજીકરણ માટે કન્દર્પસુંદર રસ, આંખોના રોગો તથા આંખમાં ઠંડક પહોંચાડવા વપરાતી ચન્દ્રપ્રભાવર્તી વગેરે ગુણવાચક સંજ્ઞાનાં ઉદાહરણો છે. અંતતોગત્વા ઔષધિના નામકરણનો હેતુ તેના વિશિષ્ટ ઉપયોગોને સચોટતાથી સમજાવવાનો જ છે. તેમાં પણ એક વિશિષ્ટ પ્રકારની મેધાનો ઉપયોગ થયો હોય તેમ જણાય છે. અહીં ધ્વન્યાલોકકારનું કથન યાદ આવ્યા વિના રહે નહીં...

सुपतिङवचनसम्बन्धैस्तथा कारकशक्तिभिः
कृततद्वितसमासैश्च द्योत्योऽलक्ष्यक्रमः क्वचित् । (ધ્વન્યાલોક, 3/16)

અર્થાત્ સુબન્તતિઙ્ન્ત કે વચનાદિના સમ્બન્ધોથી તથા વિભિન્ન કારકશક્તિઓથી અને કૃદન્ત, તદ્વિત અને સમાસો વડે પણ ક્યાંક અલક્ષ્યક્રમ વાળો ધ્વનિ દ્યોતિત થાય છે.

સંદર્ભ સૂચિ

  1. अणीयस्त्वाच्च शब्देन संज्ञाकरणं व्यवहारार्थं लोके । निरुक्तम्, अध्याय 1 (प्रथमः पादः)
  2. तत्र नामान्याख्यातजानीति शाकटायनो नैरुक्तसमयश्च । न सर्वाणीति गर्ग्यो, वैयाकरणानां चैके ।। निरुक्तम्, अध्याय 1
  3. जटिला पूतना केशी चारटी मर्कटी वचा ।
    त्रायमाणा जया धीरा चोरकः कटुरोहिणी 34, 35, 36
    महापैशाचकं नाम धृतमेतद्यथाऽमृतम्
    बुद्धिमेधास्मृतिकरं बालानां चाङ्गवर्धनम् ।।37।। (અષ્ટાંગહૃદય, પૃ. 719)
  4. શાર્ઙ્ધરસંહિતા, મધ્યમ ખંડ, પૃ. 320
  5. શાર્ઙ્ધરસંહિતા, મધ્યમ ખંડ, પૃ. 346, શ્લોક 99થી 108
  6. શાર્ઙ્ધરસંહિતા, અધ્યાય 12, રસાદિ ઔષધો, પૃ. 457
  7. શાર્ઙ્ધરસંહિતા, અધ્યાય 12, શ્લોક 169-171, પૃ. 464
  8. શાર્ઙ્ધરસંહિતા, મધ્યમ ખંડ, અધ્યાય 12, રસાદિ ઔષધો, શ્લોક 256-263, પૃ. 481
  9. શાર્ઙ્ધરસંહિતા, મધ્યમ ખંડ, અધ્યાય 12, શ્લોક 264-271

સંદર્ભ-ગ્રન્થો

  1. अष्टांगहृदय, महर्षि वाग्भट्ट, પ્રકા. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, પ્ર.આ. સન 1952
  2. चरकसंहिता, महर्षि अग्निवेश, अनु. शास्त्री गिरजाशंकर मयाशंकर, પ્રકા. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, પ્ર.આ. સન 1959
  3. ध्वन्यालोक, आनंदवर्धन, संपा. थानेशचंद्र उप्रति, परिमल पब्लिकेशन, दिल्ली, प्र.सं. 1987
  4. निरुक्तम्, संपा. प्रो. वसंतकुमार भट्ट, सरस्वति प्रकाशन, अहमदाबाद
  5. सुश्रुत आयुर्वेद, भाग 2, प्रथमावृत्ति, પ્રકા. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, મુંબઈ
  6. शार्ङ्धरसंहिता, महर्षि शार्ङ्धर, अनु. वैद्य रसिकलाल परीख, પ્રકા. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, પ્ર.આ. સન 1955

*************************************************** 

ડો. કિન્નરી ડી. પંચોલી
આસિ. પ્રોફેસર, સંસ્કૃત,
સરકારી વિનયન કોલેજ-ખોખરા,
મણિનગર, અમદાવાદ

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us