“લાગણી”: સારા માણસ થવાની ખેવના વ્યક્ત કરતી સુરેખ કૃતિ
“અમૃતા” અને “ઉપરવાસ” કથાત્રયીથી ખ્યાત થયેલા શ્રી રઘુવીર ચૌધરીનું નામ અને કામ સાહિત્યકારોમાં ખૂબ જ વખાણાયાં છે. કવિતા, વાર્તા, નાટક જેવાં સ્વરૂપોમાં પણ નોંધપાત્ર કામ કરનારા આ સર્જકનું ખરૂં કામ તો નવલકથાના ક્ષેત્રે છે. નવલકથા સ્વરૂપ વિશે પણ ખૂબ સુંદર વિચારણા કરનારા આ સર્જક પાસેથી એટલી જ સુંદર ને સ્વરૂપની શક્યતાઓને પૂરેપૂરી રીતે આત્મસાત કરતી નવલકથાઓ પ્રાપ્ત થાય છે. તેમની નવલકથાઓમાંથી પસાર થતાં એક વાત ઊડીને આંખે વળગે છે તે છે જીવન તરફનો હકારાત્મક દ્રષ્ટિકોણ અને સારા માણસ બનવાની મથામણ, જીવનમાં સદગુણોને કોઈપણ ભોગે વળગી રહી દુ:ખો સહન કરી સંઘર્ષ કરતાં પાત્રો તેમની એકાધિક નવલકથાઓમાં જોવા મળે છે. જીવનના સદ તરફ્ની તેમની શ્રદ્ધા કથાવાર્તાના પાત્રોમાં રસાઈને આવે છે ને તે પણ ચોટદાર રીતે આવે છે. જેથી ભાવકને તેનો સ્પર્શ થયા સિવાય રહેતો નથી. આવાં સદગુણી પાત્રો જીવનની તાવણીમા બરાબર તવાઈને અંત તરફ જતાં શાંતિનો સુખરૂપ અનુભવ પ્રાપ્ત કરે છે તે કવિન્યાયથી સર્જક આલેખિત કરે છે. આ સર્જકની બીજી એક નોંધપાત્ર લાક્ષણિકતા તે ગામડાં તરફનો અનુરાગ, સીમ, ખેતર, વગડો, ખળું, વાડ, વાવેતર, પશુપાલન, છાપરી, છીંડા ને ચોરો જેવી ગ્રામીણ સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડતી વસ્તુઓ તેમની નવલકથાઓમાં આકર્ષક રીતે ગૂંથાય છે. તો ગદ્ય પરની તેમની પકડનો ઉત્તમ નમૂનો આપણે “અમૃતા”નવલકથાનાં ઘણાં પૃષ્ઠો પર જોઈ શકીએ છીએ. એજ આસ્વાદ્ય ને ગમતીલું ગદ્ય અહીં “લાગણી”માં પણ છે. નવલકથાકાર તરીકે આકૃતિમાં સર્જકના વિશેષો કેવી રીતે પ્રગટ્યા છે તે આપણે જોઈએ.
“લાગણી”માં ગ્રામીણ સંસ્કૃતિ ને પરિવેશ તેની વિશેષતા અને મર્યાદા સમેત ઉપસ્થિત થયો છે. તેનો નાયક લાલજી ગામથી દૂર ખેતરમાં ઝૂંપડું બનાવીને પોતાની ભેંસ અને કૂતરા સાથે અત્યંત લાગણીથી જીવન વ્યતિત કરે છે. બાળપણમાં મા-બાપનું મૃત્યુને થોડો સમય બાવાઓની સાથે રહી પરત આવેલો લાલજી થોડું ભણેલો છે ને જોડે જોડે જીવનની પાઠશાળામાં અનુભવના ગણતરજન્ય પાઠ પણ શીખ્યો છે. પોતાનો ભાઈ સંપત્તિ માટે થઈને પોતાના પર ભાભી સાથેના આડા સંબન્ધના વહેમથી મુખ ફેરવી લે છે. ને પોતે એકલો જીવન વ્યતિત કરે છે. લગ્નના કોડ તેનામાં પણ ભારોભાર છે પરંતું વધતી ઉંમર, એકલહુવોર જીવનને સાટા માટેની કન્યાની અછત તથા આર્થિક તંગી તથા સમાજના આગેવાનોની ઉપેક્ષાના કારણે હજી લગ્નનો મેળ પડ્યો નથી. છતાં ચરિત્ર્ય અને માનવીય ગુણોથી ભર્યાભર્યા આ લાલજીનું પાત્ર ભાવકનું પસંદિદા પાત્ર બની રહે છે. ચોરી, લૂંટફાટ કરનારો વીરજી તેનો મિત્ર છે. શવજી ક્પા’ની દવા પીને મૃત્યુ પામ્યો છે ત્યાંથી નવલનો આરંભ થાય છે. મુખી કે પોલીસથી ડર્યા વિના તેનો અંતિમસંસ્કાર લાલજી કરાવી દે છે. ત્યાંથી જ તેનામાં રહેલી હિંમતનો ખ્યાલ આવે છે. કપા’ની દવા પીને માણસ મરે નહીં તે માટે શહેરમાં રહેતા અભુભઈને પત્ર લખે છે. તેમાં માનવજાત માટેની કરુણા છે. લાલજીનાં એકાધિક પાસાંઓ આ કૃતિમાં સરસ રીતે પ્રગટ્યાં છે. અભુભઈ અને નામ પ્રમાણે ગુણ ધરાવતી સુંદરી તેનાં મહેમાન બને છે ત્યારે લાલજી અડધો અડધ થઈ જાય છે. અભુભઈ અને સુંદરીનો પ્રેમ જોઈ તે પોતે આનંદ વિભોર બની જાય છે. સુંદરીએ આપેલું અડધું પાન લેતાં તે પોતાની જાતને કૃતકૃત્ય થતી અનુભવે છે. નાટકના પાત્રોના સંવાદો બોલતાં તે બંનેને જોતો લાલજી એકદમ ભોળો લાગે છે.
વીરજી સાથેની તેની દોસ્તી તો કોઈની પણ ઈર્ષ્યાનું કારણ બને તેવી ગાઢ છે. વીરજી જેવો ભારાડી એક લાલજીનું જ માને એવી પાક્કી ભાઈબંધી આ બંને વચ્ચે છે. એટલે તો મુખી ચોરીના ખોટા આડ દ્વારા વીરજી સાથે લાલજીને પણ જેલમાં પુરાવે છે. ત્યારે વીરજી તેનો બદલો લેવા ઘાસની ઓગલીઓમાં બાંધી દઈને મુખીને સળગાવી દેવા સુધીનું ભયંકર કૃત્ય આચરે છે. આ સમયે લાલજી આવીને વીરજીને એક થપ્પડ મારીને પોતાના વાંકગુના વગર જેલમાં પુરાવનાર મુખીને બચાવે છે. વીરજી લાલજીના કહેવાથી દારૂ પીવાનું અને ચોરી કરવાનું પણ ઓછું કરી દે છે. તો લાલજીના લગ્ન બાબતે વીરજી પણ ઘણી જ ચિંતા કરે છે એટલું જ નહીં લાલજીના રેવા તરફના પ્રેમને જાણીને રેવાનો ભાઈ તેમના સંબંધનો વિરોધ કરે છે ત્યારેત્યારે તેને ઊઠાવી લાવવાનું લાલજીને કહે છે. ને આ કામમાં પોતે ખભે ડાંગ લઈને ઉભો રહેશે તેમ કહે છે. નવલકથાના અંતે નિરાશ લાલજી કપા’ની દવા પી લે છે ત્યારે વીરજી પોતાને ખભે નાખીને દોડતો લાલજીને દવાખાના સુધી લઈ જાય છે ને તે સતત જાગતો રાખે છે. તેના મૃત્યુ વિશે આશંકા પ્રગટાવનાર કંપાઉન્ડરને તમાચો મારી દે છે. આમ આ બંનેની મિત્રતા આ નવલકથાનું આસ્વાદ્ય જમા પાસું છે.
નવલકથામાં પ્રેમનું આલેખન ખૂબ જ સહજતાથી ને સુમધુર રીતે થ્વા પામ્યું છે. એકબાજું અભુભઈ ને સુંદરી વચ્ચેનો લાલજીને પ્રભાવિત કરી ગયેલો પ્રેમ અંતે નિષ્ફળતા પામે છે. તેથી લાલજી આકળાય છે. લાલજીનો પ્રેમ નિસ્વાર્થ ને સામાવાળાની કાળજી રાખનારો છે તે સ્પષ્ટ વરતાઈ આવે છે. રેવા સાથેની તેની મુલાકાત અને રેવાનો હકારાત્મક પ્રતિભાવ તેને અનહદ આનંદનો અનુભવ કરાવે છે. વચ્ચે અન્યો દ્વારા એવી વાત જાણવા મળે છે કે રેવાનું બીજે નક્કી થઈ ગયું છે. ત્યારે પણ તે કહે છે ભલે એ બીજે જઈને સુખી થતી મારા તરફ થોડી લાગણી બતાવી એ જ મારા માટે પુરતું છે. રેવાને અત્યંત ચાહતો લાલજી તેને એકાંતમાં મળે છે ત્યારે પણ પૂરતો સંયમિત રહે છે. બાજુના ગામે કાણે ગયેલ લાલજીને રેવા સાથે તેના ગામ સુધી ચાલતા જવાનું એકાંત પ્રાપ્ત થાય છે ત્યારે તે રેવાને કહે છે, ‘ક્યારનુંય થયા કરે છે કે તમને ઉપાડીને બે ડગલાં ચાલુ’ રેવા એનો પ્રતિભાવ સ્ત્રી સહજ રીતે પ્રગટ કરતાં: ‘રેવા લજામણી શી ઝૂકી પડી. એક ડગલું પાછળ ગઈ. લાલજી સાથે નજર મેળવી ન શકી.પણ પછી હતી ત્યાં જ સ્થિર રહી’ ને લાલજીએ એને ફૂલની જેમ ઊંચકી લીધી. એના કપાળ પર હોઠ મૂકતાંની સાથે સંતોષનો શ્વાસ લીધો ને સાત ડગલાં ચાલીને એને ઉતારી. એના હાથે બચી કરી.’ (પૃ. ૧૧૬) આમ, અ બંને બચ્ચેનો પ્રેમ એકાંતમાં પણ સંયમ તથા સ્વસ્થતાથી પ્રગટે છે. લાલજીનો સંયમ તો ખરે જ વખાણવા જેવો છે. નવલ કથાના અંતિમ દ્રશ્યમાં રેવાના ભાઈની મનાઈની ઉપરવટ તેના સાસુ-સસરાને ખુદ રેવા પણ તેની સાથે ચાલી નીકળવા તૈયાર થાય છે ત્યારે પણ હજુ કાંઈક ઉકેલ આવે ને સામાજિક રીતે લગ્ન થાય તેવી શ્રદ્ધા ગુમાવતો નથી. રેવાનો ભાઈ રેવાને બૂમ મારે છે ત્યારે લાલજી તેને પાછી મોકલે છે જે રેવાને ગમતું નથી. પરંતું લાલજીને આવી રીતે ભાગવું પસંદ નથી. તે રેવાને પાછી મોકલે છે ને પોતે કંકોતરીની રાહ જોશે એમ કહે છે. જોકે લાલજી પણ માણસ છે ને એટલે તેનો મનોમય સંઘર્ષ તેને પીડે જ છે. રેવાને પાછી મોકલી દીધા બદલ ઘરે આવ્યા પછી પસ્તાવો થાય છે. કંકોતરીની રાહ મોડે સુધી જોવે છે ને તે ન આવતાં જીવનમાં ને જીવતા રહેવામાં શ્રદ્ધા ધરાવતો લાલજી પણ કપા’ની દવા પી લે છે. કેવી કરૂણતા? નવલકથાનું આ કરૂણ દ્રશ્ય પણ મુખી, વીરજી, ગગી તથા ગામના અન્યજનોની લાગણીને કારણે આસ્વાદ્ય ને સંવેદનસભર બની રહે છે. કૂતરો પણ દવાખાનામાં લાલજીને અલગ પડવા દેતો નથી. લાલજી બચી જાય છે ને રેવા આવી પહોંચે છે એના સુખદ અંત સાથે કૃતિ પૂરી થાય છે.
પાત્રોનું વૈવિધ્ય અને તેમનું ચરિત્રચિત્રણ સારી રીતે થવા પામ્યું છે. નાયક લાલજી સદગુણોથી ઓપતું ને છતાં માનવીય ધરાતલ પર જ રહેતું ચરિત્ર આકર્ષક છે. વીરજી ચોર હોવા છતાં પોતે જે છે તે સ્વીકારે છે તેને કાંઈ જ છૂપાવવા જેવું નથી. મુખી અને રેવાનો ભાઈ સદ-અસદનાં સંમિશ્રિત માનવો છે ને અંતે સર્જકની સદ તરફની શ્રદ્ધા છે તે જ આ પાત્રોમાં પણ જીતે છે. રેવા પતિ ઈચ્છુક સ્ત્રી, તેનાં માતા-પિતા સરેરાશ મા-બાપ જેવાં પુત્રીના ભવિષ્યની ચિંતા કરનારાં છે. અભુભઈ, સંદરી, ગગી, ડેરીનો ચેરમેન, લાલજીનાં ભાઈ—ભાભી,,કૂતરો, ભેંસ વગેરે આ કૃતિમાં પોતપોતાની આગવી છબી ઉપસાવે છે. ગ્રામીણ પાત્રોમાં પણ શહેરી જીવનના ઘણા અંશો પ્રગટવા લાગ્યા છે છતાં તેમણે જીવનની સચ્ચાઈને પકડી રાખી છે ને એટલે જ દિગીશ મહેતા કહે છે,
“એમને ફરી ફરીને જોવા પડશે, એટલા માટે કે એક અર્થમાં એ સજા છે; એમની અંદરનું બધું અકબંધ છે. ના; એ પાઘડીએ ફૂમતાં ચકડોળમાં મહાલી શકી છે, માટે નહિં.
મિલો, બહુમાળી મકાનોના મજલાઓ, કાચની પ્લેટ પાછળ બેઠેલી ઓફિસો, સાંજ પડયે પાછા ફરતાં ટ્રાફિક સિગ્નલ પાસે થંભી ગયેલાં વાહનોની વણજારો-એ બધાં મહોરાં પહેરી લાંબા સોડ પડેલાં શહેરોના ઉદરમાં જે વિષ ઘોળાય છે-જેમ લાલજીના પેટમાં દવા પીધા પછી સાપ અને શેળાની લડાઈ મંડાય છે-એનો રેલો તેમનામાંથી, ત્યાંથી ગામડેથી નીકળે છે; તેનો ઉત્તર જાણવો હોય તો તેમને જાણવાં પડે.
સેક્સ અને વાયોલન્સ તો ત્યાં પણ છે. ખેતરને શેઢે મડદું રઝળતું મૂકી જવું કે મુખીને ઓઘલીઓ વચ્ચે તાણી બાંધી ફૂટી બાળવો એ તો એમન મન રમત વાત છે.
એમને સજા કહ્યા એનો અર્થ એમ નથી કે બધા સંત મહાત્માઓ છે. ચોરી-તાડી, લુચ્ચાઈ, લફંગાઈ-એ બધું જ ત્યાં છે.
પણ એમનું સુખ એ છે કે જે કાંઈ છે એ છાડેચોક છે; એમની મૂઠી બાંધી નથી, ખુલ્લી છે, જેમ રઘુવીરના વીરજીની.”
નવલકથાનું ગદ્ય જુદાંજુદાં પાત્રો અને પ્રસંગોમાં અવનવીન ભાષાભાત સમેત પ્રગટે છે. શવજીના મૃત્ય સંદર્ભે લાલજી સાંપ્રત સ્થિતિ વિશે વિચારે છે તે જુઓ:”સાલા બાયલા છે બધા મરનારા. મરવું જ હોય તો છાતી તોડીને ન મરે? પણ આતો દવા. દિયોર જીવાત ને મચ્છર તો હવે આ બધી દવાઓથી ટેવાતા જાય છે એકલો માણસ જ મરે છે...” (પૃ. ૧૨) લાલજીની વેદનાને આક્રોશનો અહીં પડઘો પડે છે. તો લાલજી તરફ લાગણી દર્શાવતી ને પતિને બરાબર ઓળખતી લાલજીની ભાભી ગ્રામ્ય બોલીમાં કેવું સ્પષ્ટ ને ધારદાર કહે છે જુઓ; “તમારા ભઈને એમ છે કે –હવે શી વાત કરૂં લાલજીભાઈ, બળી જીભ જ ઉપડતી નથી. પણ મને પાકું વેમ છે, નકર ના કઉં આ તમારા ભઈને તો એમ છે કે તમે પરણીને વસ્તારવાળા થાઓ તો પછી એમને તમારૂં નખ્ખોદિયું ન મળે. હું જાણું ને. આટલાં વરહ એમનાં ભેગાં કાઢ્યાં છે ને ઓળખુંય નહીં? આ જેટલા તમે મારા હશો એટલાય એ તો નહીં. મારા તો શું, કોયનાય નઈં ઠીક, ખેંચ્યે રાખીએ છીએ બધું. બહારથી સારૂં રાખીએ એટલે લોક લખાણે, બાકી, માંયલા ગુણ માધેવજી જાણે. સમજ્યા? માટે મારી વાત ગાંઠે બાંધી લો ને બે પારકાઓને આગળ કરીને જાતે જ જઈ આવો. આ ક્યાં દેશાવર જવાનું છે? સવારે જઈને બપોરે પાછા- વાત પાકી થશે તો રૂપાળા રોટલા ખવરાવીને મોકલશે. (પૃ. ૫૩) ગ્રામ્ય બોલીની લઢણોમાં કહેવાનું છે તે કેવું અસરકારક રીતે પ્રગટે છે. રેવા અને લાલજીના સંવાદોમાં પણ પ્રેમને પ્રગટાવતું અસરકારક ગદ્ય બંને પાત્રોની લાગણીને સચોટ રીતે વહન કરે છે.
આમ, ‘જન્મભૂમિ’માં હપ્તાવાર પ્રગટ થયેલી આ કૃતિ વસતુસંકલન,ચરિત્રચિત્રણ, ભાષાની ઈબારત અને દર્શનના ઘટકોમાં તેનાં ગ્રામીણ પાત્રો તેમનાં ખરાં વ્યક્તિત્વો સમેત પ્રગટ થયાં છે. તેનો નાયક લાલજી તેની સારપની એક આગવી છાપ ભાવક પર છોડી જાય છે.
***************************************************
ડૉ. પ્રવીણ વાઘેલા,
એમ. એમ. ચૌધરી આર્ટસ કોલેજ,
રાજેંદ્રનગર, તા:ભીલોડા(અરવલ્લી)
|