logo

ચૌધરી સમાજની લોકવાર્તા ની સમીક્ષા - ‘મા અને દીકરો’

પ્રસ્તાવના:

લોક સાહિત્યનું વિશિષ્ટ અંગ એવી લોકકથાનું બીજ આપણને વેદ અને ઉપનિષદોમાં આવેલા ઉપાખ્યાનોમાં મળે છે. લોકવાર્તા કહેવાતી હોય છે. ભગવાન બુધ્ધ પોતાના શ્રવણોને એકત્ર કરીને જાતકકથાઓ કહેતા. તીર્થસ્થાને નીકળેલા ઋષિમુનિઓ જ્યાં આરામ માટે રોકાતા ત્યાં એમની સામે ભેગા થયેલા ભક્ત – સમાજને ધાર્મિક વાર્તાઓ કહેતા.આજના જમાનામાં ઘરના વડીલો પોતાના નવી પેઢીના – પૌત્ર – પૌત્રીઓ સામે વાર્તાઓ માંડે છે. બ્રાહ્મણો, બારોટો, ચારણો, ભાટલોકો પણ લોકકથાઓ કહેતા. જ્યાં જ્યાં લોકજીવન છે. ત્યાં લોકકથાઓ છે. માનવસમાજે સ્થિરતા ધારણ કર્યા બાદ આનંદ –પ્રમોદના અને મનોરંજનના સાધન તરીકે જન્મેલી આ લોકકથાની પરંપરા ભારતમાં તો છેક પ્રાચીન કાળથી જોવા માણવા મળે છે.
‘મા અને દીકરો’ લોકવાર્તા સુરત જિલ્લાના ચૌધરી સમાજની છે. લોકવાર્તાનું સ્વરૂપગત સૌંદર્ય તેમજ વાર્તા હાર્દનું સૌંદર્ય કેવું પ્રગટે છે. તે મુખ્ય ઉપક્રમ છે.



લોકવાર્તાનું વસ્તુ અને સંકલન

‘મા અને દિકરો’ વાર્તા આવાજ એક ગુણવત્તા એ ઉમદા ચરિત્રનું મસમોટું વૈભવધન ધરાવતા મા – દીકરાની જીવન કથા છે. તાપી નદીને કિનારે આવેલા એક નાનકડા ગામના એક ઝુપડીમાં મા- દીકરો બે એકલા રહેતા હતાં. દીકરાનું નામ હતું રમેશ. તાપી નદીમાં એકવાર પૂરનાં પાણીથી ગાંડીતુર બની.એ પુરમાં તણાતું એક ઝાડનું થડ રમેશના ઘરની નજીક અટવાઇ ગયું. રમેશે એ થડને બહાર કાઢ્યું. તાણીને એને ઘરે લઇ ગયો.અને જુએ છે તો થડની બખોલમાં એક ગભરાયેલી સ્ત્રી દેખાવે ગંદી ગોબરી લાગે એને જોવાનું મન ના થાય એવી. રમેશની મા એનો તિરસ્કાર કરવાને બદલે એને પ્રેમથી શારીરિક રીતે ચૌખ્ખી કરે છે. એને ખવડાવે છે. જમીને જતી આ સ્ત્રી રમેશને એની માને આશીર્વાદ આપે છે. એક ચમત્કાર ! રમેશ ઝૂપડી એક ક્ષણમાં જ આલિશાન મહેલમાં પરિવર્તિત થાય છે. બધોજ ધનવૈભવ એ મહેલમાં હાજર છે. અરે રમેશને માટે એક સુંદર કન્યા પણ ! સુદામાને ત્યાં કૃષ્ણે તાંદુલકૃપાથી જે ચમત્કાર સર્જ્યો હતો. એવું જ કંઇક જાણે આ મા-દીકરાના ઘર અને જીવનમાં બની ગયું અચાનક ! મા – દીકરા ખૂબજ આનંદથી રહેવા લાગ્યા પણ ગામના એક હજામથી આ મા – દીકરાના જીવનમાં અચાનક આવેલા સુખનાં સુરજની રોશની જોઇ ના ગઇ ઇર્ષ્યાનાં અગ્નિમાં બળબળતાં એણે જોઇને ગામનાં રાજાની આગળ મા – દીકરાનાં વૈભવજીવનની વાત કરી. રાજાએ જાતે આવી ને જોયું તો સાચેજ વૈભવ રમેશ આંગણે આળોટતો હતો. એટલું જ નહી રમેશની રૂપસુંદર પત્નીને જોઇને તો રાજા જાણે કામથી અંધબની બેઠો. અને પછી તો એક રાજાને ન શોભે એવી અને રમેશથી ન પૂરી થાય એવી માગણીઓ એણે મૂક્વાં માંડી. રમેશને એ રીતે પરેશાન કરી એનો ધનવૈભવ અને એની રૂપસુંદર પત્નીને છીનવી લેવાનો એનો ઇરાદો હતો.જાણે એણે રમેશ પાસે ‘હસતું પાન અને બોલતી સોપારી’ મંગાવી, વિયાયેલી વાઘણનું દૂધ’ મંગાવ્યુ રમેશની ચતુર પત્નીની સહાયથી રમેશ એ લઇ આવ્યો. પણ જેનો વિનાશકાળ હોય એની બુધ્ધિ વિપરીત બની જતી હોય છે. એટલે રાજા વાઘણને જ બોલાવી લાવવાનું કામ રમેશને સોંપે છે. રમેશ તરફનાં પ્રેમને વશ વાઘણ આવે છે. પણ વાઘણને પ્રત્યક્ષ જોતા રાજા અને હજામનાં હાજા ગગડી જાય છે. એ બંને ભાગવા જાય છે. પણ વાઘણનો ખોરાક બની જાય છે. અંતમાં રમેશ એની પત્ની અને મા સુખેથી જિંદગી પસાર કરે છે. જીવનમાં હમેશા દુશિતનો પરાજય થતો હોય છે. અને સારપ જીતતી હોય છે. એ વાતને સરસ રીતે વર્ણવતી વાર્તાનું કથાવસ્તું ખૂબજ રસપ્રદ છે. ગૂંથણી પણ એવી રીતે થઇ છે.


પાત્રા લેખન

‘મા અને દીકરો’ લોકવાર્તાની પાત્રસૃષ્ટિ પણ સારા નરસાની બનેલી તેજ-અંધારમય પાત્રસૃષ્ટિ છે. રમેશ અને એની મા આ વાર્તાની પાત્રસૃષ્ટિનાં ભલાપાત્રો છે. કોઇને મદદ કરી છુટવાની ભાવના આ પાત્રોમાં છે. એટલે જ એમની અંદર પડેલી સારપ એમના જીવતરને સુખમય આનંદમય બનાવે છે. નદીના પૂરમાં થડના સહારે તણાઇ આવેલી એક સ્ત્રીને રમેશની માં મદદ કરે છે. એની સારવાર કરે છે. એને ખવડાવે છે. બદલામાં એ સ્ત્રીના દૈવી આશીર્વાદ ગણો કે પછી એ સ્ત્રીજ કોઇ દૈવીશક્તિ હોય અવું માનો પણ ચમત્કાર થાય છે. રમેશ અને તેની માનું ગરીબી ક્ષણમાં નાશ પામે છે. પણ એમનું આ સુખ ગામનાં હજામથી ન જોયું જતાં એ ગામનાં રાજાનાં મનમાં એવું ઝેર રેડે છે. જેને પ્રતાપે રાજા જે ખરેખર તો હોવો જોઇએ રક્ષક, પિતા સમાન એને બદલે એ રમેશની રૂપસુંદર પત્ની ઉપર નજર બગાડી એને પ્રાપ્ત કરવા રમેશને જુદી જુદી રીતે હેરાન કરે છે. પણ છેવટે સારાનું સારુંજ થાય છે. અને ખરાબ ભાવના વાળા રાજા અને હજામનું મૃત્યુ થાય છે.



સંવાદકલા

‘મા અને દીકરાની વાર્તા માં’ માં- દીકરા વચ્ચે અરસપરસ સંવાદ થતા જોવા મળે મા અને દીકરાની મદદ મળવાથી સ્ત્રીએ આપેલા આશીર્વાદથી ચમત્કાર થાય છે. રમેશની ઝૂપડીને જગ્યાએ બંગલો બની જાય છે. આ સુખ ગામના હજામ અને રાજાથી જીરવાતું નથી જેથી રાજા રમેશ પાસે જઇ અશક્ય વસ્તુંઓની માંગણી કરે છે. ત્યારે સંવાદ યોજાય છે. રાજા રમેશને કહે છે. કે હું માંગુ તે મને આપીશ ? રમેશ : મારી પાસે હશે તો હું ચોક્કસ આપીશ. રાજા: ‘મને હસતું પાન અને બોલતી સોપારી લાવી આપ.! રમેશ વિચારે છે. કે શું કરવું ? પરંતુ રમેશની પત્નીની સૂજબુજથી રાજાની પહેલી શરત પૂરી કરે છે. ત્યારે બીજી શરત રાજા મૂકે છે. આમ બે થી ત્રણ શરતો રમેશ પૂરી કરે છે. ક્રમશ પાત્રો ઉમેરાતા જાય છે. ને સંવાદ યોજાતો જાય છે. આમ વાર્તામાં સંવાદ આગળ ચાલે છે. વાર્તા ફલક પણ મોટો ભાગ રોકે છે. એમાં સંવાદો પણ ભરપુર પ્રમાણમાં મૂકવામાં આવ્યા છે. આ બધાજ સંવાદો પાત્રોમાં પ્રાણ પૂરી ધબક્તા રાખવાનું કામ કરે છે.

વહેમ, અંધશ્રધ્ધા , ચમત્કાર, સમકાલીન જીવનનું નિરૂપણ ચૌધરી સમાજની આ લોકવાર્તા આજની વાર્તાઓ નથી આજે તો સમાજમાં ઘણીબધી જાગૃતિ શિક્ષણે આણી છે. પણ આ વાર્તામાં નિરૂપિત સમાજ મોટેભાગે ગ્રામ પ્રદેશનો છે. જ્યાં શિક્ષણનો દીવો હજી ઝગમગ્યો નહોતો. આ લોકો વહેમમાં ખૂબજ માનતા હશે. ઇષ્ટદેવ ઉપર શ્રધ્ધાથી આગળ બધી અંધશ્રધ્ધા સુધીનો વિશ્વાસ પણ ધરાવતા હશે. એવું આ વાર્તામાંથી પસાર થતાં જરૂર અનુભવાય છે. ‘માં અને દીકરો’ વાર્તામાં પણ આપણા મન અને બુધ્ધિ સ્વીકારી ના શકે એવા ચમત્કાર તત્વનું નિરૂપણ મળે છે. માતા અને પુત્રે કરેલી સડેલી સ્ત્રીની સેવાયુક્ત સારવારને પ્રતાપે મળેલા આશીર્વાદથી રમેશની ઝૂંપડી જેવું ઘર એક ક્ષણમાં મહેલ જેવું બની જાય છે. તો રમેશને રૂપસુંદર કન્યા પત્ની રૂપે પણ મળે છે. રાજાની માંગણી પ્રમાણે રમેશ ‘હસતુ પાન અને બોલતી સોપરી પણ લઇ આવે છે. હસતુ પાન ક્યાય જોયું નથી. બોલતી સોપારીની વાત પણ એક ચમત્કાર જ ગણાય ને ?વાઘણના બચ્ચાની વિનંતીથી વાઘણ રમેશને એનું દુધ લેવા દે કે પછી રમેશ વાઘણને ‘મામી’ કહીને સંબોધે એટલે વાઘણ એને કંઇ ના કરે આ વાત બુધ્ધિ ના સ્વીકારે પણ મનને તો અદભુત આનંદ જરૂર આપે જ છે.

આ વાર્તામાં નદીના પૂરમાં તણાઇ આવેલી એક સ્ત્રીને રમેશની મા મદદ કરે છે. બદલામાં એ સ્ત્રીના દૈવી આશીર્વાદથી દુઃખ દુર થઇ જાય છે. એ સુખ ગામના હજામ અને રાજાથી સુખ જોવાતું નથી. જેથી રમેશ સામે રાજા અશક્ય શરતો મૂકે છે. પરંતુ જેમ તેમ કરી એ શરત રમેશ પૂરી કરે છે. વાર્તામાં ભાષા શૈલીના કારણે સુંદર વર્ણન ઉઠાવ પામ્યુ છે. પાત્રને આધારે ભાષા પ્રયોગ સુંદર રીતે કરી જાણે છે.


લોક વાર્તામાં પ્રગટતું જીવન દર્શન

લોકવાર્તાને માત્ર મનોરંજનનું સાધન સમજવાનો સમય હવે જતો રહ્યો છે. આજના વિકસિત, સંસ્કારી અને શિક્ષિત જનસમાજે હવે હવે એમાંથી પ્રાપ્ત થતી મૂલ્ય નિષ્ઠાનું મહત્વ સમજવા માંડ્યુ છે. એમાંથી પ્રાપ્ત થતું જીવન દર્શન એમાંથી મળતો જીવન સંદેશ લોકશિક્ષણનું બહું મહત્વનું કામ કરે છે. લોકવાર્તાઓ મનોરંજનના નિમત્તે લોકોનું મનોરંજન કરતાં કરતાં એમને સ્વીકારવો ગમે એવી રીતનો ઉપદેશ એવી રીતનો જીવન સંદેશ આપી દેતી હોય છે. અક્ષરજ્ઞાન વિહિન લોકોને આવી વાર્તાઓ દ્વારા બોધ, જ્ઞાન ચતુરાઇ, ડહાપણ કે નીતિવિષયક જ્ઞાન મળી રહે છે.

આ વાર્તામાં પણ લોકવાર્તાકારે સારપનો વિજય જ બતાવવાનું તાક્યું છે. તનથી ગરીબ, આર્થિક રીતે નબળા પણ મનના માલદાર માતા પુત્રમાં પડેલી અન્યને મદદરૂપ બનવાની ભાવના, નદીના પાણીમાં લાકડા સાથે તણાઇ આવતી પહેલી નજરે દેખાવે વરવી સ્ત્રીની સારવાર કરી એને જોવી ગમે એવી તો પેલી મા એની સેવા કરીને બનાવે જ છે. પણ સાથે સાથે પોતાના ટૂકડો ખાવાના માંથી પણ પ્રેમથી ખાવાનું આપી યોગ્ય અતિથિ સત્કાર પણ કરે છે. આ મદદ પેલી સ્ત્રીના એવા અંતરના આશીષમાં પરિવર્તિત થાય છે કે આ માતા – પુત્રની બાહ્ય દેખાતી ગરીબી ઘડીના છઠ્ઠા ભાગમાં ગાયબ થઇ જાય છે. ઝૂંપડીની જગ્યાએ મહેલ જર્જરિત દેખાવની જગ્યાએ રૂપ સુંદરતા અને સાથે પુત્રને માટે તો યોગ્ય કન્યા પણ પ્રાપ્ત થઇ જાય છે.

આ સુખ માતા – પુત્રે એમના અંદર પડેલી સારપને કારણે મેળવ્યું હતું. પણ કુદરત કદાચ એમની સારપને થોડી કસોટી ઇચ્છતી હશે.એટલે જ ગામના હજામે આ દરિદ્રમાતા – પુત્ર પાસે આવેલા આવા ભવ્યથી ભવ્ય આર્થિક સુખ જોયુ, પણ એનાથી એ વેઠવ્યું ના ગયુંગામનાં રાજાને જઇને એણે ચાડી ખાધી. અને રાજા પણ સાચા અર્થમાં રાજા જેવો નહીં જ હોવાને કારણે આ માતા – પુત્રને ત્યાં આવીને પુત્રની રૂપરૂપના અંબર સમી પત્ની પર નજર બગાડે છે. સીધી રીતે પુત્રના સુખને છીનવી ન લઇ શકાતું હોવાથી એને એક-એકથી અઘરા કામ સોંપે છે. પણ પેલી દેવસી પત્નીનાં પ્રતાપે રમેશની સામે મૂકેલી બધીજ શરતો પૂરી કરે છે. વાર્તાના અંતે રમેશને વાઘના સકંજામાં ફસાવવા માંગતો રાજા પોતેજ વાઘ દ્વારા મૃત્યુને મેળવે છે. ‘ ખાડો ખોદે તે પડે’ એ કહેવત રાજા માટે સાર્થક બને છે. જીવનમાં થાય તો કોઇનું ભલુ કરવું અને ભલુ ના થાય તો પણ કોઇ નું બુરૂ તો ના જ કરવું એ સંદેશ આ વાર્તામાંથી મળે છે.


*************************************************** 



પ્રા. મંજુલાબેન ચૌધરી
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,
દહેગામ.

Previous Index Next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us