logo

‘ઇર્શાદ’ ની પ્રયોગશીલતા ‘ઇર્શાદગઢ’ માં



ગુજરાતી કવિતામાં સૌથી વધુ ખેડાતા કાવ્યસ્વરૂપો માં ગઝલ તરફ ધ્યાન તરત જ જાય છે.ગુજરાતી ગઝલની પરંપરાથી પરિવર્તન અને પ્રયોગ તરફ ની ગતિ અનેક રીતે વિકસી છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં છઠ્ઠા દાયકામાં જે પરિવર્તનો આવ્યા તેમાં આધુનિકતાનો સ્પર્શ સ્પષ્ટ જોઇ શકાય છે. તેના પરિણામે ગઝલમાં પ્રતીક અને કલ્પનનાવીન્ય, પ્રક્રુતિદર્શન, છંદપ્રયોગ, છંદવૈવિધ્ય, પ્રાદેશિક લોકબોલી, ભાષા સામર્થ્ય વગેરે પ્રયોગો આપણું ધ્યાન ખેંચે છે. આ પ્રયોગો વિષય, અભિવ્યકિત અને ભાષા વડે વ્યક્ત થાય છે. પરંતુ કવિતામાં નવોન્મેષ તો મોટા ભાગે તેની અભિવ્યકિતથી જ થાય છે. સર્જક શ્રી ચીનુ મોદી નું સર્જનકર્મ સતત વિકસતું અને વિસ્તરતું રહ્યું છે. એમણે ‘વાતાયન’,’ક્ષણોના મહેલમાં ‘,ઊર્ણ્નાભ’ ,’શાપિત વનમાં ‘,શ્વેત સમુદ્રો’, વગેરે ગઝ્લસંગ્રહો આપ્યા છે.’ક્ષણોના મહેલમાં’ થી માંડીને ‘ખારા ઝરણ’ સુધી ના સંગ્રહોમાથી એમને જે રચનાઓ ગમી તેને ફરીથી વાંચી, મઠારીને ‘ઇર્શાદગઢ’ માં સમાવી છે. જે ગઝલોમાં મઠારવાની જરૂરિયાત ન જણાઇ એવી ગઝલો એમના એમ જ રહેવા દીધી છે.

ર્ડા.ચિનુ મોદી ‘ઇર્શાદ’ એ ગઝલમાં ગુણવત્તા અને ઇયત્તાની ર્દષ્ટિએ ઘણું જ મહત્વનું કામ કર્યું છે. ઉ.દા. તરીકે ગઝલના શબ્દોને વેદનાના ટાંકણા વડે કંડારતા તે કહે છે-

“આંસુ ઉપર આ કોના નખની થઇ નિશાની ?
ઇચ્છાને હાથપગ છે, એ વાત આજે જાણી.” (1)

એક તો આંસુની વાત, એના ઉપર નખની નિશાની અને એ નિશાની પણ ઇચ્છાએ કરી કેવી સરસ વાત કવિએ કહી છે. ‘આંસુ’ અને ‘નખ’ પ્રતીકો દ્રારા ગઝલમાં એક નવું જ કલ્પન નિર્માણ કર્યુ છે. આંસુની કોમળતા સામે નખની કઠોરતાને મૂકી પ્રણય ની ઉત્કટતા પ્રગટ કરી છે. જેનો ઉઘાડ સાની મિસરામાં થાય છે. ‘ઇચ્છાને હાથપગ છે’ આ ઇંદ્રિયસંવેધ કલ્પન પ્રણય વિચ્છેદ પછીની નાયિકા સ્થિતિ સૂચવી જાય છે.

અભિવ્યકિતની નૂતનતાની ર્દષ્ટિએ ચિનુ મોદીનો આ શેર –

“કાપ કરવત કાપ । મારા આંગળાની છાપને,
હું કબૂલું છું ગુલાબો ચૂંટવાના પાપને.” (2)

અહીં એક ગુનાની કબૂલાત કવિ કરે છે- ગુલાબો ચૂંટવાનો ગુનો. ગુનો પણ કેવો નાજુક છે ? આ શેરમાં અભિવ્યકિતનું નાવીન્ય ધ્યાન ખેંચે છે. સાવ સામાન્ય ઘટના છે – ગુલાબ ચૂંટવાની પણ આટલી સામાન્ય ઘટનાને પણ ઊંચી ભૂમિકાએ મૂકી આપે છે. આ કૌશલ તેમનામાં રહેલી સર્જકચેતના અને સંવેદનાનું પરિણામ છે. સર્જકચેતના દ્રારા કવિએ ભાષાએ ઘડી છે. તેથી ભાષાની સાથે ગઝલની તાજગી માણી શકાય છે.

ચીનુ મોદી એ ગઝલમાં ક્ષણિકા અને તસ્બીનો જે પ્રયોગ કર્યો છે તે નોંધપાત્ર છે. ક્ષણિકા એટલે ચાર શેર ભાવસાતત્ય માટે હોય, અને પહેલા શેરનો કાફિયો છેલ્લા શેરમાં ફરી ઉપયોગમાં લેવામાં આવતો હોય તે. ટૂંકમાં કહી શકાય કે ગઝલના ઘરનું પણ ગઝલથી અલગ એવું સ્વ-તંત્રીય સ્વરૂપ એટલે ક્ષણિકા. નીચે નો શેર જુઓ-

“ભરેલા નગરની હું ખાલીમાં
તને ક્યારનો સાદ પાડું અમસ્થો.
અવાજોની સીમા વટાવી દઇને
અહીં રમ્ય પડઘો થયો પંખી જેવો
નહીં ક્યાંય તે નીડ, ભરચક નગરમાં
અ-વાચક પવન જેમ અથડાયો પડઘો.
ઉતારી લઇ દર્પણોના અચંબી
તને શોધશે કોઇ પડઘો અમસ્થો. (3)

અહીં મત્લાના શેરનો ‘અમસ્થો’ કાફિય છેલ્લા શેરમાં પણ ફરીથી પ્રયોજાયો છે. બીજી ક્ષણિકા જુઓ-

“પાલખીમાં કોણ બેસીને જતું ?
ડૂસકાંને ઊંચકે જાતે પવન.
ગામનું પાધર અજાણ્યું થાય છે,
શ્વાન શેરીમાં ભસે , કેવું પતન ।
એક ચલ્લીને હવે જડતું નથી,
ક્યાં અલોપાઇ ગયું એનું ગગન ?
નગ્ન પડછાયા પહેરીને હવે,
પાંદડું દોડાવીએ , બાંધી પવન.” (4)

અહીં મત્લાના શેરનો ‘પવન’ કાફિયા છેલ્લા શેરમાં પણ પુન: પ્રયોજાય છે. અહીં અનુભવનું એક વર્તુળ પૂરું થાય છે. તે અનુસાર ગઝલના મૂળભૂત નિયમ પ્રમાણે પ્રત્યેક એકમ પોતાની સ્વતંત્રતા જાળવવાની સાથે સમગ્રરૂપે એક થઇ જવાનો ભાવ આપતા પ્રકારને ક્ષણિકા તરીકે ઓળખાવ્યો છે. આ ર્દષ્ટિએ આ પ્રયોગ ગઝલને ભાવર્દષ્ટિ સાંકળવાનો કવિ પ્રયાસ પ્રશંસનીય છે. આમ, ક્ષણિકામાં ગઝલના બધા જ લક્ષણ જોઇ શકાય છે.

તસ્બી એટલે મત્લામાં કવિનું નામ- તખલ્લુસ આવે. એ જ પંકિત મકતાના અગાઉના શેરની બીજી પંકિત સાથે મૂકાઇ છે. તસ્બીની આટલી શરતો છે.

“આંખ પાસે શ્વેત અંતરપટ હજી આવે નહીં
કેમકે ‘ઇર્શાદ’ તારુ ઘર હજી આવે નહી.
................
બંધ દેખાતો થઉં, એ ક્ષણ હજી આવે નહીં
કેમ કે ‘ઇર્શાદ’ તારુ ઘર હજી આવે નહી. (5)

આમ, આ તસ્બીમાં ‘ઇર્શાદ’ તખલ્લુસ મત્લામાં અને મક્તામાં આવે છે. આમ, તસ્બી ગઝલમાં મત્લામાં કવિનું તખલ્લુસ અથવા કવિનો નામનિર્દેશ કરતા સાની મિસરાને મક્તાના સાની મિસરામાં ફરીથી પ્રયોજાય છે. એમ કહીએ તોયે ચાલે કે- આખો સાની મિસરા પુન: પ્રયોજાય છે. જ્યારે મક્તા પહેલા આવતા શેરના ઉલા મિસરામાં પુન: પ્રયોજાય છે જુઓ-

“પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઇર્શાદ’ આપણે તો ઇશ્વરને નામે વાણી.
...............
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
‘ઇર્શાદ’ આપણે તો ઇશ્વરને નામે વાણી.” (6)

આમ, જોઇ શકાય કે તસ્બી ગઝલમાં મત્લા અને મક્તાનું ભાવવિશ્વ એક કરીને તખલ્લુસને દોહરાવીને આરંભ અને અંતને જોડી માળાની જેમ સાંકળવાથી ક્રુતિ પૂર્ણ બને છે. તસ્બીમાં મેરના મણકાથી ઇષ્ટદેવનું સ્મરણ, સ્તુતિ, મંત્રનો જાપ કરી શકાય છે. અને અંતે એ ‘મેર’ પુન: નામસ્મરણ, સ્તુતિ, મંત્રનો જાપ શરૂ કરવામાં આવે છે. આમ, આ રીતે જોતાં કવિએ ગઝલના આ પ્રયોગને તસ્બી નામ આપ્યું છે. માળાના પ્રત્યેક મણકાની જેમ ગઝલનો દરેક શેર સ્વતંત્ર છે, પરંતુ આંતરિક ર્દષ્ટિએ તે એકમેક સાથે સંકળાયેલા જ હોય છે કે “ગઝલમાં ક્ષણિકા અને તસ્બી આ બંને પ્રયોગો ગઝલના અંતરંગ અને બાહ્ય વિશેષોને જાળવીને થયા હોવાથી તેમાં વિશેષ સ્વરૂપ સિધ્ધિ પ્રાપ્ત કર્યાનું કહીં શકાય નહી. પરંતુ એક પ્રયોગ તરીકે એમાં નવોન્મેષ જરૂર પ્રકટ થાય છે.” (7)

આમ, ચિનુમોદીની ગઝલમાં પ્રણય નિરૂપણ અને ભાષાસામર્થ્યની સમ્રુધ્ધિની સાથે સાથે ક્ષણિકા અને તસ્બીનો પ્રયોગ નોંધપાત્ર છે.

ર્ડા. ચિનુ મોદીએ દ્રિરદીફનો પ્રયોગ પણ તેમની ગઝલોમાં કર્યો છે. ‘અકારણ’ અને ‘પછીથી’ નામની ગઝલોમાં તેમને આ દ્રિરદીફનો પ્રયોગ કર્યો છે, તેમાં ગઝલના દરેક શેરની શરૂઆતમાં ‘અકારણ’ અને ‘પછીથી’ રદીફ પ્રયોજ્યા છે અને મિસરાને અંતે ‘છે’ અને ‘અટકે’ રદીફ પ્રયોજ્યા છે. આ રીતે મિસરાના આરંભે અને અંતે રદીફનો બેવડો ઉપયોગ થયો છે. આ પ્રયોગ દર્શાવતો નીચેનો શેર જુઓ-

“અકારણ ‘નથી’ નું જગત નાથવું છે ?
અકારણ ભલે , શાંત મન રાખવું છે.
બધુ શક્ય છે ભીંતને ભાંગવાથી,
અકારણ સરોવર સતત પામવું છે.” (8)
“પછીથી સમય શ્વાસ- ઘડિયાળ અટકે
પછીથી પવન અશ્વનો ફાળ અટકે.” (9)

‘છે’ અને ‘અટકે’ રદીફથી વિચાર શોભે છે અને સાની મિસરાના પ્રારંભે ‘અકારણ’ અને ‘પછીથી’ રદીફથી નવો વિચાર પ્રથમ મિસરાના આરંભે આગળ વધે છે. આ રીતે આ પ્રયોગ નોંધનીય છે.

આ ઉપરાંત પણ આ કવિએ ગઝલમાં અનેક પરિમાણે પ્રયોગ કર્યા છે. ઉપરના શેરમાં આપણે જોયુંકે તેમને દ્રિરદીફનો પ્રયોગ કર્યો તો બીજી બાજુ તે કોઇ ચોક્કસ રદીફ ન પ્રયોજતા ‘અ’ જેવી સંઘાને રદીફ તરીકે પ્રયોજે છે જુઓ-

“આપણી વચ્ચે હતો ‘અ’
એ પછીથી ક્યાં જતો ‘અ’ (10)

અહીં ‘અ’ રદીફ ને તેમનો નવો પ્રયોગ કહી શકાય.

“તણખલાથી ડુંગર ઢાંક્યો છે,
હું મને ઢાંકી શકું એવી જગા ક્યાં છે ?” (11)

કવિને ડુંગરની ઓથ લઇને તણખલું છુપાવવું છે- માથે ચઢાવેલા તણખલાની ઘટનાને ડુંગર વિશે દરિયાવ કહી બિરદાવી છે. તો કવિ કહે છે-

“ડુંગરની ઓથ લઇને તરણું છુપાવવું ‘ તુ
પથ્થરની ખાધી થાપ , કશું પણ નથી હવે.” (12)

હેસિયતથી વધારે મળી ગયેલી મહત્તાથી ફુલાઇને ટોચે બેઠેલું તણખલું સૂરજના ખબર પૂછી, મોટપ દેખાડતું જોઇને...... મીઠું મીઠું હસતો ગેરુઓ થયેલો સૂરજ મૂંગા રહી ડૂબી જવામાં જ એની સાર્થકતા સમજે છે.

કવિ ચીનુ મોદીએ ગઝલમાં કરેલા પ્રયોગો એ એમની આંતરિક જરૂરિયાત છે. એમણે કરવા ખાતર પ્રયોગો કર્યા નથી કે પ્રયોગ કરી ભાવકને આંજી નાખવાની એમની વ્રુત્તિ પણ નથી. ચોક્કસ લક્ષ્ય સાથે કશુંક સિધ્ધ કરવા અને ગઝલમાં નવોન્મેષ પ્રકટાવવા જ એમને આંતર અનુભૂતિને ખપમાં લીધી છે. ગઝલના સ્વરૂપ અને સૌંદર્યને હાનિ ન પહોંચે, ઝંખવાય નહીં કાવ્યત્વને પોષક બની રહે તે રીતના તેમના પ્રયોગો ધ્યાનાર્હ બન્યા છે જુઓ-

“કૈંક વર્ષોથી મુસાફરને મુસાફર હું રહ્યો,
આ નગર ને નગર , નગરે નગર ભૂલો પડ્યો.” (13)

વેદનાથી પીડાતો કવિ આવું કહે છે. ગામની મહેંકતી માટીથી વિખૂટો પડેલો કવિ નગરમાં આવીને વસે છે તે એની વેદનાનું કારણ છે. અહીં માનવસર્જિત પરિબળો માનવશ્વાસને રૂંધવા લાગ્યા છે. અહીં માણસ પોતાની જાતથી એકલો પડી ગયો છે. આજે માણસ એકલતા, શીર્ણ- વિશીર્ણતા, છિન્નભિન્નતા અને ભયગ્રસ્તતા વચ્ચે ઉભો છે, શૂન્યમનસ્ક થઇને ગુજરાતી સાહિત્યના બદલાતા વહેણમાં સ્વાતંત્ર્યોત્તર પ્રવાહે સૌનું ધ્યાન ખેચ્યું છે. એક શેરમાં ચીનુ મોદી એ નારી સંવેદનાને વાચા આપી છે જુઓ-

“એ નદીના તટ ઉપર ફરશું હવે,
જે અમે ભરચક કરી આંસુ દઇ.” (14)

‘નદીને આંસુઓથી ભરવાની’ કવિની વાતમાંથી નારી સંવેદના પ્રગટે છે. તો કવિ એક શેરમાં કહે છે –

“શાપિત ગણાતા શ્હેરમાં , દર્પણની ગલીમાં,
શું કામ તું ય મ્હેલ ક્ષણોનો ધરાર કર.” (15)

અત્યારે વૈશ્વિક પરિસ્થિતિએ માણસને ભીડમાં લીધો છે. માણસને પોતાના અસ્તિત્વને ટકાવવું જ ઘણું મુશ્કેલ બની ગયું છે. માનવસર્જિત પરિબળો શ્વાસનો રૂધવા લાગ્યા છે. માણસ માણસ વચ્ચે પણ જ્યારે લાગણી રહી નથી ત્યારે સાંપ્રત જીવનના દેખાડા પ્રત્યે કવિનો આક્રોશ અહીં પ્રગટ થાય છે કવિ કહે છે કે –

“હું અરીસામાં મને જોઉં અને ના ઓળખુ ।“ (16)

માણસ જ્યારે પોતાની જ ઓળખ ખોઇ બેઠો છે એનાથી વિશેષ પીડા બીજી કઇ હોઇ શકે ? આમ, માણસ પોતાની જાતથી જ છૂટો પડી ગયો હોવાથી તે એકલતા અનુભવે છે. અનામાંથી કશુંક ખૂટી ગયું હોય એવી ખોટ અનુભવી રહયો છે. કેટલીયે ચિંતા અને વિટંબણાઓથી એ ઘેરાયેલો છે. અને એટલે જ કવિએ ઉપર્યુક્ત શેર કહયો છે.

“કૈંક વર્ષોથી મુસાફર રહયો છે” – એવી છિન્નભિન્નતા અને ભયગ્રસ્તતા વચ્ચે તે ઉભો છે ત્યારે તે શૂન્યમનસ્ક થઇને પોકારી ઉઠે છે-

“લાખ જણ લખતા જીવીને કેટલા લખતા ગઝલ,
આપણી પાસે ફક્ત ‘ઇર્શાદ’ નું ર્દષ્ટાંત છે. (17)

ગઝલ બાહ્ય ર્દષ્ટિએ જોંતા આપણને સાવ સરળ લાગે છે પણ તેટલી લખવામાં સરળ નથી જ નથી. તેનો આંતર અને બાહય રીતે ઉઘાડ થવો જરૂરી છે. નવા રૂપે તેને પ્રકટ કરવાની જેટલી જરૂર છે એથી અધિક તો સર્જકની લાગણીને અભિવ્યક્તિ દ્રારા નવીન રીતે પ્રગટ કરવાની.

“હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોઇ દરવાજો કરી દે બંધ તો ?” (18)

જેવા શેરમાં ભાવકને કંઇક નવી જ ચમત્ક્રુતિનો અનુભવ થાય છે. પ્રણયજન્ય વેદનાની તીવ્રતા આલેખતો આ શેર-

“ક્યાંક હું છું, કયાંક તું છે ને સમય જાગ્યા કરે,
આપણી વચ્ચે વહેતું જળ મને વાગ્યા કરે.” (19)

કવિ કહે છે કે આપણી બંનેની વચ્ચે જે લાગણી છે એ મને વાગ્યા કરે છે અને તારી અને મારી વચ્ચે આ સમય સતત જાગ્યા કરે છે. કવિની લાગણી ને ‘વહેતુજળ’ પ્રતીકથી નાવીન્ય પ્રાપ્ત થાય છે. આ શેરમાં અભિવ્યક્તિ અને પ્રતીકની નવીનતા જણાય છે. તો બીજી બાજુ કવિ વારંવાર આવી ફનાગીરી દાખવે છે જુઓ-

“ઠાઠ – ભપકા એ જ છે ‘ઇર્શાદ’ ના,
ઘર બળે તો તાપી જવું જોઇએ.” (20)

અહીં ‘ઘર બળે તો તાપી જવું’ કહેવત નો સુંદર પ્રયોગ થયો છે. આ ઉપરાંત કવિ ક્યારેક ક્યારેક રૂપક સારી રીતે પ્રયોજે છે, નીચેનો શેર જુઓ-

“આમ તો પર્યાપ્ત છે એ આંખનો વિસ્તાર પણ,
પૂર આવેલી નદીને તટ નાનો પડ્યો ઘણો.” (21)

એક બાજુ પર્યાપ્તતા માટે ‘આંખનો વિસ્તાર’ અને બીજી બાજુ અપર્યાપ્તતા માટે ‘નદીનો તટ’ રૂપકોનો પ્રયોગ ધ્યાનાકર્ષક લાગે છે.

કવિએ તેમની ગઝલોમાં અંગ્રેજી શબ્દો નો ઉપયોગ કર્યો છે. અંગ્રેજી શબ્દો સાથેનું કવિનું ભાષાકર્મ જુઓ-

“રોંગ નંબર રોંગ નંબર બસ બમળતાં રાત-દિન,
કોઇ પરવશ, કોઇ ઇચ્છાવશ રમળતા રાત-દિન.” (22)

આ શેરમાં ‘રોંગ નંબર, રોંગ નંબર’ એમ દ્રિરુક્તિનો પ્રયોગ કવિએ કર્યો છે. રોંગ નંબર જેવા અંગ્રેજી શબ્દ વાપરવાની તેમની કળા પણ એક પ્રયોગ છે. વિષાદ વારંવાર કવિની મુખ્ય ભાવસ્થિતિ બને છે, જે નીચેના શેરમાં જોઇ શકાય છે.-

“નામ- સરનામાં હવે ‘ઇર્શાદ’ ના શાં પૂછવાં ?
સાત સૂકા પાંદડા પર આંસુઓની છાપ છે.” (23)

આમ, વિષાદમાં કવિ કહે છે- સૂકા પાંદડા પર આંસુઓનું જે નિશાન છે એ જ મારું સરનામુ એટલે કે કવિનું ચિત્ત વિષાદયુક્ત લાગણીથી ભરેલું ભરેલું છે. આમ, વિષાદ એ કવિનો મુખ્ય ભાવ આ શેરમાં બને છે.

ચિનુ મોદીની ગઝલો એ આધુનિક ગુજરાતી ગઝલોનો એક ઉજળો અધ્યાય છે. કવિ કહે છે-

“પાણી વચ્ચે નાનું અમથું રણ હશે,
આંસુ નું આ કેવું બંધારણ હશે ।“ (24)

ગઝલનો એક શેર કેટલો સૂક્ષ્મ બની શકે છે તેનુ ઉદાહરણ ઉપર્યુક્ત બે પંક્તિઓમાંથી આપણને મળી રહે છે. આ શેરનો એકએક શબ્દ પોતીકું અર્થગૌરવ ધરાવે છે. રણ છે પણ નાનું અમથું ને તેય પાછું પાણીની વચ્ચે. એટલે કે આંસુ ના બંધારણને રણ ના પ્રતીક દ્રારા અભિવ્યક્ત કર્યુ છે આંસુ નો ભીનાશ ને રણ જેવા કોરા, વેરાન પ્રતીક દ્રારા વર્ણવાઇ છે જે વાચકને જોતા જ ગમી જાય તેવી છે. ચીનુ મોદીની મોટાભાગની ગઝલો પાંચ શેરની તેમજ મધ્યમ બહેરની હોય છે. જો કે, તેઓ સ્વરૂપ પ્રત્યે પણ પ્રયોગશીલ વલણ જારી રાખે છે. એમની ગઝલોનું સંવેદન વધુ ચુસ્ત હોય છે.-

“ પછીથી સમય શ્વાસ ઘડિયાળ અટકે “ આ ર્દષ્ટાંત એમના ગઝલ સહજ મિજાજ અને અભિવ્યક્તિની ક્ષમતાને બરાબર પ્રગટ કરે છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અને સ્વયંપર્યાપ્ત હોય છે, છતાં માળા ના મણકાની જેમ તેમનું પરસ્પર આંતરસંયોજન હોય છે. શેરને વેધક બતાવવા માટે વિચારસૌદર્ય, શબ્દમાધુર્ય અને અભિવ્યક્તિની કુશળતા અનિવાર્ય છે. જેમકે-

“આપણો વ્યવહાર જૂઠો આપણી સમજણ, ગલત
લાગણીમય તોય છે, તારી રમત, મારી રમત.” (25)

ચીનુ મોદી વિષયર્દષ્ટિએ ગઝલમાં વૈવિધ્ય લાવીને, બોલચાલની ભાષામાંથી હળવી વાત મૂકીને, ગંભીરતમ એવા તાત્વિક વિશ્વમાં સરી પડે છે. તેમની ગઝલો અનોખા મિજાજ, સૌદર્યાભિવ્યક્તિ અને અનુભૂતિજન્ય સામગ્રીને લીધે આસ્વાધ્ધ બની રહે છે.

“મારી ઇચ્છા તો હંમેશા સીધી સાદી હોય છે,
લાકડી જળમાં ઝબોળી કે તરત વાંકી હતી. (26)

બીજા એક શેરમાં તે કહે છે-

“થાકનું કાળું કબૂતર કયાં ગયું ?
શોધ ભરચક ઊંઘમાં માંડી હતી. (27)

ઉપરના શેરમાં ‘કબૂતર’ પ્રતીક સારી રીતે કવિએ આલેખ્યું છે.

“ચાલું તો કયાં ચાલું હું,
આડુ આવે સાલું હું ।“ (28)
“અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ।“ (29)

કવિ આ શેરમાં પોતાની જાતને જ કહે છે કે હજારો જગ્યાએ પહોંચવાની આપણી ઇચ્છા હોય, આપણે ઘણું બધું કરી નાંખવુ હોય પણ એમની આડે ‘હુ’ આવે છે. ‘સાલું’ શબ્દમાં કવિનો અણગમો અને મિજાજ દેખાઇ આવે છે. કવિને બીજું કોઇ નડતું નથી પરંતુ ‘હુ’ જ નડે છે. બીજા જ શેરમાં કહે છે કે ‘અંતે નક્કિમોત જ છે’ આ મોતની ખબર હોવા છતાં આપણે તો અવિરતપણે ચાલ્યા જ કરવાના છીએ.

“બે બને છે મર્યાદા
ક્યાંથી ફૂલું ફાલું હું.” (30)

અહીં ‘બે’ નો અર્થ એક કવિના અંદરનો ‘હુ’ અને બીજો બહારનો ‘હુ’. આમ, અહીં કવિના બેવડા વ્યક્તિત્વનો પરિચય થાય છે. કવિ કહે છે કે અંદર અને બહારનું ઘમસાણ ચાલું રહેવાનું કેમકે બંને ‘હુ’ ક્યારેય એક થવાના નથી. કવિ કહે છે કે જીવન મળ્યુ મને અને એની સાથે હજાર જાતની પીડાઓ મળી. જીવન સામે ઘણી ફરિયાદો કરવાની ઇચ્છા થઇ અને સાથે સાથે જાત સાથે તો તેનાથીયે વધુ. એટલે જ કવિ કહે છે-

“ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.” (31)

આ એક દ્રંદ યુધ્ધ છે. કવિનું પોતાની જાત સાથેનું યુધ્ધ, જે ઉપરના શેરમાં જોઇ શકાય છે.

આમ, શ્રી ચિનુ મોદીના ‘ઇર્શાદગઢ’ સંગ્રહની ગઝલો પરથી એટ્લું તો ચોક્ક્સપણે કહીં શકાય કે અન્ય કાવ્યસ્વરૂપો કરતાં ગઝલનું સ્વરૂપ એમને વિશેષ ફાવ્યું છે. ગુજરાતી ભાષાની ગઝલક્ષમતા એની ઉચ્ચતમ કક્ષાએ અહીં પામી શકાય છે. જેમકે-

“રાતભર અંધાર વચ્ચે એકલું જાગી શકે,
શૂન્યઘર દીવાલ છોડી કેટલું ભાગી શકે ?” (32)

પાદનોંધ :

  1. ઇર્શાદગઢ, ચીનુ મોદી, પ્રુ.34
  2. એજન, પ્રુ.11
  3. એજન, પ્રુ.23
  4. એજન, પ્રુ.16
  5. એજન, પ્રુ.32
  6. એજન, પ્રુ.12
  7. ગઝલ: પરંપરા,પરિવર્તન અને પ્રયોગ, હરીશ વટાવવાળા, પ્રુ.45
  8. ઇર્શાદગઢ, ચીનુ મોદી , પ્રુ.33
  9. એજન, પ્રુ.11
  10. એજન, પ્રુ.41
  11. એજન, પ્રુ.40
  12. એજન, પ્રુ.26
  13. એજન, પ્રુ.42
  14. એજન, પ્રુ.46
  15. એજન, પ્રુ.9
  16. એજન, પ્રુ.30
  17. એજન, પ્રુ.44
  18. એજન, પ્રુ.17
  19. એજન, પ્રુ.4
  20. એજન, પ્રુ.14
  21. એજન, પ્રુ.15
  22. એજન, પ્રુ.70
  23. એજન, પ્રુ.73
  24. એજન, પ્રુ.21
  25. એજન, પ્રુ.24
  26. એજન, પ્રુ.22
  27. એજન, પ્રુ.66
  28. એજન, પ્રુ.94
  29. એજન, પ્રુ.94
  30. એજન, પ્રુ.94
  31. એજન, પ્રુ.34
  32. એજન, પ્રુ.68

સંદર્ભગ્રંથ:

  1. અમર ગઝલો, ર્ડા. એસ એસ રાહી ,પ્ર. આ. 2013
  2. અરૂઝ- શેર, શૂન્ય પાલનપુરી ,પ્ર. આ .2011
  3. ‘ઇર્શાદગઢ’, ચીનુ મોદી,પ્ર. આ. 2012
  4. ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, ચીનુ મોદી,પ્ર. આ. 2008
  5. ગઝલ: પરંપરા,પરિવર્તન અને પ્રયોગ, હરીશ વટાવવાળા, પ્ર. આ. 2005
  6. ગઝલપ્રવેશિકા , રાજેશ વ્યાસ ‘મિસ્કીન’પ્ર. આ 2012
  7. *************************************************** 



    ભાવનાબેન કે પટેલ
    સહાયક શિક્ષક, નવાગામ પ્રાથમિક શાળા,
    તા. દહેગામ, જિ. ગાંધીનગર

Previous Index Next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us