logo

'સ્વજન’માં 'સ્વ' ને પામવાનો પુરુષાર્થ એટલે બોરસલ્લીની પાનખર'


લેખિકા-સુધામૂર્તિ
ભાવાનુવાદ –સોનલ મોદી

પ્રસ્તાવના

આજની સુશિક્ષીત અને સંસ્કારી યુવતીઓ કે જેઓ ઉચ્ચ અભ્યાસને અંતે પરણીને સાસરીમાં સમાઈ જઈ પતિની પ્રગતિમાં જ પોતાનાય સ્વપ્નને સાર્થક થતું માનીને પોતાના આગવા વ્યક્તિત્વને સંકોરી લે છે એવી યુવતીઓ માટે દીવાદાંડીની ગરજ સારતી નવલકથા એટલે ‘બોરસલ્લીની પાનખર’.

કથાવસ્તુ કંઈક આ પ્રમાણે છે.

નાયિકા સંઘ્યા અભ્યાસમાં પ્રથમનંબરે પાસ થતી અંગ્રેજી પર ફાંકડુ પ્રભુત્વ ધરાવતી અંતર્મુખી બધામાં સરળતાથી ભળી જાય તેવી યુવતી છે. તે અને તેની સાથે જ અભ્યાસ કરતો અને તેના બાજુના જ ઘરમાં રહેતો, વિધવા માતાનો એકનો એક દીકરો, અભ્યાસમાં સંધ્યા પછી તરતના ક્ર્મે આવતો સુનીલ મુગ્ધાવસ્થામાં જ એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે અને એમના આ પ્રેમનું સાક્ષી બન્નેના ઘરની દીવાલ વચ્ચે ઉગેલુ બોરસલ્લીનુ વૃક્ષ બને છે. બારમા ધોરણમાં પ્રથમ આવ્યા છતાં સંધ્યા પોતાને પ્રિય એવા ઈતિહાસ અને સંસ્કૃત સાથે આર્ટ્સમા એડમિશન લે છે અને સુનીલમુંબઈ પવઈના આઈ આઈ ટી માંકમ્પ્યુટર સાયંસ લાઈનમાં પ્રવેશ લે છે.કોલેજકાળ દરમ્યાન સંધ્યાની વિદ્વતાથી પ્રભાવિત પ્રોફેસરસાહેબ તેમના અમેરીકાથી આવેલા અને ભારતના ઐતિહાસીક સ્થળોની મુલાકાતો લેવા ઈચ્છતા પ્રો કોલિંન્સ સાથે સંધ્યાને મોકલે છે. તેઓ પણ સંધ્યાની વિદ્વતાથી પ્રભાવીત થઈતેને અમેરિકા આવી ડોકટરેટ કરવા સલાહ સાથે સ્કોલરશીપ અપાવવા પણ તૈયાર થાય છે. પણ સંધ્યા કારકિર્દી કરતા સુનીલની ઈચ્છાને માન આપતા તેને ટાળે છે. સુનીલને કમ્પ્યુટર ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવી છે. એથી અભ્યાસ પૂરો થતા જ કુટુંબથી દૂર મુંબઈમાં નોકરી મળતા એ સ્વીકારી લઈ, સુનીલને પૈસાદાર ઘરની છોકરી સાથે પરણાવવા માગતા તેની માતાના વિરોઘ વચ્ચે સંઘ્યાને સાદગીથી પરણી મુંબઈમાં મિત્રના નાનકડા ફ્લેટમાં પોતાનો સંસાર શરૂ કરે છે. પોતાની કાર્ય કુશળતા અને અથાગ મહેનતથી છ મહિનાના પ્રોબેશન પર નોકરીમાં લેવાયેલો સુનીલ જોતજોતામાં કંપનીના જનરલ મેનેજરના પદ પર પહોંચી જાય છે. સુનીલની આ પ્રગતિના પથ પર સંધ્યા પોતાના પીએચ.ડી. કરવા જેવા અનેક અરમાનોને બાળીને પણ પતિને સહકાર આપતી રહે છે. તેની સેક્રેટરી હોય એમ તેના કામ કરવામાં જ પોતાની જાતને તેમાં ઓગાળી નાંખે છે. પોતાની કંપનીના કામ અંગે દેશ વિદેશમાં ફર્યા કરતા સુનીલ પાસે હવે સંધ્યા પાસે બેસીને શાંતિથી વાત કરવાનો સમય પણ નથી. એક રૂમના ભાડાના મકાનમાંથી દરિયા કિનારે પોતાના સ્વપ્નના સી-ફેઈસિંગ વિશાલ ફ્લેટમાં રહેવા આવી ગયેલી સંધ્યા ઘરમાં એકલી પડતી જાય છે. તે માતૃત્વ ધારણ કરવા ઈચ્છે છે પણ,'સબ-ફર્ટાઈલ 'હોવાનું નિદાન થાય છે. સંધ્યાને પોતાના બાળકના અશોક, સિધ્ધાર્થ, વિક્ર્માદિત્ય જેવા નામ પાડવાના લગ્ન પહેલા સુનીલ સાથે જોયેલા સ્વપ્ન ભાંગીને ભૂક્કો થઈ જતા લાગે છે. સુનીલ દતક બાળક લેવાના મતનો પણ નથી. સંધ્યા એકલતા અને અવહેલનાનો ભોગ બનતી રહે છે. પોતાના ચોક્ક્સ ખ્યાલો અને એને વળગી રહેવાની તાકાત તથા પોતાને કારણે સુનીલને નસીબદાર ઠેરવતા જૂના મિત્ર નિખિલનો પત્ર સંધ્યાને પોતાની જાત વિશે વિચારવા પ્રેરે છે. સુનીલની કારકિર્દીની વચમાં પોતાની બિમારીને પણ આવવા ન દેતી સંધ્યાને સુનીલનો મિત્ર અંધારામાં ઠોકરો ખાઈને પણ ટોર્ચ બરાબર પકડી રાખતી અને પતિના પથ પર અજવાળા પાથરતી સ્ત્રી સાથે સરખાવે છે. પણ સુનીલ પોતાને મળેલા સંધ્યા રૂપી હીરાને ઓળખી શકતો નથી. જાણી જોઈને પાર્ટીમાં મોડી પહોંચેલી અને સુનીલે જેની પાસેથી ઓર્ડર લેવાનો હતો તેની પત્નીની વાતોનું ખંડન કરતા કરતા નીલના રોષનો ભોગ બનવું પડે છે. સુનીલે ડ્રાઈવરની હાજરીનો ખ્યાલ રાખ્યા વગર ગાડીમાં જ સંધ્યાની અંગત લાગણીઓ પર, તેના પ્રિય વિષય ,પર પ્રહારો કર્યા. સંધ્યાનો રોષ, સમજાવટ કશું જ સુનીલને જાણે સ્પર્શતું જ નથી. એ જાણે પોતાના કામને વરી ચૂક્યો છે. સંધ્યાને લાગે છે સુનીલ માણસમાંથી મશીન બની ચુક્યો છે.

સંધ્યાની અંદર સુઈ ગયેલી કોલેજ સમયની સંધ્યા જાગૃત થાય છે. સુનીલને કારણે પોતે છોડેલો અભ્યાસ , સુનીલના મહેમાનોના સ્વાગત માટે અધુરો છોડેલો પ્રવાસ, સુનીલની માતાએ કરેલ રૂપિયાની માગણી ને પગલે પોતે કરેલી નોકરી, સુનીલની કંપનીના માણસોની સુનીલની ગેરહાજરીમાં પણ સરભરા કરવી, પાર્ટી ન ગમતી હોવા છતાં હાજર રહી બધાની સરભરા કરતા રહેવી, બધાના બદલામાં પોતાના મળી વિશાળ ઘરમાં એકલતા માત્ર. સંધ્યા એને પોતાના પતિનો ખ્યાલ રાખતી ભામતીની અને બદલામાં પતિએ તેને અર્પણ કરેલા પુસ્તકની વાત કરે છે એની પણ સુનીલ પર કોઈ અસર થતી નથી. જુદું પોતાનું પણ એક આગવું વ્યક્તિત્વ છે એનું ભાન સંધ્યાને અંદરથી ઢંઢોળી નાંખે છે. એકવાર સંધ્યા પોતે ગોવા જવાની બે ટીકીટ લઈ આવે છે. એજ સમયે સુનીલને કંપનીના કામ સંદર્ભે ત્રણેક અઠવાડિયા માટે અમેરિકા જવાનું થાય છે. વિદેશ જવાની તૈયારી કરવાની સુચના આપતા સુનીલ ગોવાની ટિકિટો કેંસલ કરવાનું કહે છે. સંધ્યા પોતાનો પત્ની તરીકેનો હક્ક માંગતી તેને અટકાવવાતી કહે છે, "સુનીલ મારા પ્રત્યે તારી જવાબદારી છે તે તું સ્વીકારવા ન માંગતો હોય તો હું આ ઘરમાં એક પળ પણ રહેવા માંગતી નથી"1

પહેલીવાર આ રીતે બોલાયેલા વિધાનને પણ સુનીલનું કામઢું મન ગણકારતું નથી .એ જવાબ આપે છે."તને યોગ્ય લાગે તેમ કરજે. મારે જવું પડશે. "2

સંધ્યાને હવે લાગેછે કે પોતે હવે પારકા ઉજાસથી માત્ર મિસિસ મજમુદાર બનીને સોનાના પાંજરામા જીવી શકશે નહીં. તે વિચારે છે કે પોતે સુનીલના પ્રેમમાં અંધ બનીને મહત્વાકાંક્ષા રાખ્યા વગર જીવી ગઈ. હવે આ ઘરમાં રહેવાનો કોઈ અર્થ નથી. પોતાને પણ ગમતી પ્રવૃતિ કરી આનંદ મેળવવાનો એટલો જ હક છે જેટલો સુનીલને છે. અને તે અમેરિકા પ્રો. કોલિંન્સની મદદથી સ્કોલરશીપ મેળવી અમેરિકામાં ભણવાની વ્યવસ્થા ગોઠવી લે છે. પોતે કરેલા નિર્ણયની યોગ્યતા અંગે વિચારતા આખી જિંદગી ગુસ્સાવાળા પતિનો પડતો બોલ ઉપાડતા દાદી કે બેકાર પતિને પોતાનો પગાર આપી દઈને પણ માન આપતા રહેલી પોતાની માતા જેવી સ્ત્રીઓ પણ તેને પોતાના નિર્ણય માંથી ફેરવી શકતી નથી. તે વિચારે છે

'સ્ત્રી સહન જ કર્યા કરે તે જમાનો હવે ગયો. જ્યારે સ્રીના વ્યક્તિગત સ્વાતંત્ર્યનો ભોગ લેવાય ત્યારેતેણે અજાણી ધરતી પર પગ માંડવાજ પડે છે. 'અમેરિકાથી પાછા આવેલા સુનીલને ઘરની ચાવીઓનો ઝૂડો, પર્સનલ હિસાબની ફાઈલ સોંપી સુનીલને તેની તબિયતની કાળજી રાખવાની ભલામણ કરી ખાલી હાથે નીકળી જાય છે. સંધ્યા જતા જ સુનીલના જીવનમાં ક્ષણ માત્રમાં અંધકાર છવાઈ જાય છે. એની આંખ આગળ વિવેકી વિનમ્ર શાંત કદી કોઈ માંગણી ન કરતી અને આજસુઘી પોતાના પડછાયા સમી સંધ્યાની કુરબાનીની પોતે નોંધ પણ ન લીધી અને એ પોતાના ગર્વનો ભૂક્કો કરીને ચાલી ગઈ એ ક્ષણ તરી આવે છે. સુનીલને સમજાય જાયછે કે સંધ્યા વગરનું પોતાનું જીવન અશક્ય છે. તે તરત જ પોતાના મિત્રને એરપોર્ટ જઈ સંધ્યાને રોકવા કહે છે અને પોતે પણ એરપોર્ટ જવા નીકળતો જ હોય છે ત્યાં સંધ્યા પાછી આવી જાય છે અને કારણ આપે છેકે "પોતે મા બનવાની છે.'એ સમાચાર પોતાને રસ્તામાં ડોકટરે ફોન દ્વારા આપ્યા".સુનીલ પોતાને સંધ્યા દ્વારા મળનારા પ્રમોશને ખુશ થઈ ગયો અને પોતે કરેલા અન્યાય બદલ તેની માફી માંગે છે અને ભેટ રૂપે એવો પ્રોગ્રામ બનાવવાનું પ્રોમિસ આપે છે કે સંધ્યા મુંબઈમાં રહીને અમેરિકાની યુનિ.નો અભ્યાસ કરી શકે.

સંધ્યાનું વ્યક્તિત્વ બોરસલ્લીના ફૂલ જેવું છે. બહુ આકર્ષક નહીં પણ લાંબા સમય સુઘી સુગંધ આપે તેવુ સંધ્યાના જીવનમાં પણ બોરસલ્લીના વૃક્ષની જેમ પાનખર પછીની વસંત આવે છે.એ રીતે શીર્ષક યોગ્ય છે. ગુજરાતીમાં ભાવાનુવાદ પણ એ રીતે થયો છે કે વાંચતી વખતે ખબર જ પડતી નથી કે અનુવાદ છે કે અસલ કૃતિ.

અંતે,

આજનો યુગ વ્યક્તિત્વની આગવી ઓળખનો છે જ. અને એની સમજ દરેક સમજુ અને શિક્ષિત યુવતીને હોવી પણ જોઈએ. પણ એવી ઓળખ ઉભી કરવા જતા પોતાના બાળકનો ભોગ કે પોતાના સંસારનો ભોગ તો નથી લેવાતો ને? એ પણ એણે જોવું જ રહ્યું .પોતાના પતિના પુરુષાર્થ રૂપી હવનકુંડની આહુતિ બની હોમાઈ જવાનું હવે પાલવે તેમ નથી.પોતાના જ્ઞાન રૂપી દીવાથી પોતે અને પોતાના સંસારને અને સમાજને પ્રકાશથી દેદીપ્યમાન બનાવવાનો સમય હવે આવી પહોંચ્યો છે. એ વાત દરેક સ્રીએ સમજવાની છે. પુરુષો પણ પોતાની પ્રગતિમા પોતાની પત્નીના યોગદાનની નોંધ લે તે પણ જરૂરી છે. જીવનમાં પૈસા કે કારકિર્દી જ નહીં સ્વજનો માટે સમય આપવો પણ જરૂરી છે. તોજ સ્વજનમાં રહેલા 'સ્વ' ને પામી શકાશે.સંસાર સુખી બનશે.આ માટે અંગ્રેજીમાં 'And Gently Falls the Bakula Tree' તથા હિન્દીમાં 'और बकुला गिर गया' ગુજરાતીમાં' બોરસલ્લીની પાનખર ' નામે અનુવાદિત નવલકથા વાંચવા ભલામણ કરી વિરમુ છું.

સંદર્ભ-

  1. પ્રુષ્ઠ-147-બોરસલ્લીની પાનખર

*************************************************** 



ડો. અર્ચના પંડ્યા
એસ.એલ..યુ આર્ટ્સ કોલેજ,
અમદાવાદ

Previous Index Next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us