logo

“અણસાર” - અંધકારમય જીવનમાં આશાનું એક સૂર્યકિરણ



નારી સંવેદનાને જુદા-જુદા પાસાને પોતાની કૃતિમાં વ્યકત કરતી લેખિકા વર્ષા અડાલજાની પ્રત્યેક રચનામાં નારી સંવેદનાનો સુર સંભળાય છે.ઈ.સ. ૧૯૮૫મા દિલ્હી સાહિત્ય અકાદમી એવોડ પ્રાપ્ત કરનાર કુન્દનિકા કાપડીયાની “સાત પગલા આકાશમાં” કૃતિ બાદ સ્ત્રી દ્વારા ફરી એકવાર અન્યાય સમક્ષ બાથ ભીડવાની વાત લેખિકા વર્ષા અડાલજા દ્વારા ઈ.સ. ૧૯૯૫મા દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત કરનાર નવલકથા “અણસાર”માં કહેવાઈ છે. કોઈ સ્ત્રી એક દીકરી તરીકે જ્યારે જન્મ લે છે ત્યારે એ પિતાના છત્ર-છાયા નીચે જીવે છે. પુક્ત થતા પતિના આશરે અને ઘડપણમાં પુત્રનાં આશ્રયમાં જીવનારી સ્ત્રી સમર્પણની ભાવના રાખી સર્વસ્વ જીવન સ્વજનોને અર્પણ કરતી હોવા છતાં જ્યારે એને સહરાની જરૂર પડે છે, ત્યારે તેનો જ બહિષ્કાર કરવામાં આવે આ તે કેવો ન્યાય.?આ કડવી હકીકતને સમાજની સમક્ષ મુકીને લેખિકાએ અસાધ્ય રક્તપિત્તનાં રોગ સાથે કુટુંબથી બેઘર કરાયેલી સ્ત્રીનાં જીવનમાં સમાજસેવા સમું આશાનું કિરણ જગાવી દુનિયામાં એક સ્ત્રીની જિંદાદિલીને દર્શાવી છે.

માણસને વળગતા બધા જ વ્યાધિઓમાંથી એક રકતપિત રોગ છે. જેમાં દર્દી, સ્વજનો દ્વારા કરુણાનું પાત્ર બનવાને બદલે ધૃણાનું પાત્ર બને છે. અને એવા જ માનવજગતમાં ડોકિયું કરવા લેખિકાએ “શ્રમમંદિર”ની પત્રિકામાં પ્રગટ થતા સાચા પ્રસંગમાંથી એક પાત્ર પસંદ કર્યું રૂપાનું, નવલકથાના લેખનના હેતુને સ્પષ્ટ કરવા અર્થે લેખિકાએ નવલકથાના આરંભે બાબાસાહેબ આમ્ટે અવતરણોને ટાંકતા ઉમેરે છે કે...’કેન્સર અને રકતપિત કરતા પણ “મહાભયંકર વ્યાધિ” જે તે રોગોની થતી ઉપેક્ષાનો છે.’ તેમની આ વાત અંગે મધર ટેરેસા કહે છે કે....

        “વિશ્વમાં સૌથી મોટો રોગ કેન્સર કે રક્તપિત નથી, પણ માનવજાતમા મારી કોઈને જરૂર નથી, મને કોઈ ચાહતું નથી, અને મારી કોઈને પડી નથી. એ રીતની પેદા થતી લાગણી જ ‘મહાભયંકર વ્યાધિ’ છે.”

“અણસાર” નવલકથાની લેખિકાનો મહત્વકાંક્ષી પ્રયાસ છે. રકતપિત્તનાં દર્દીની દારુક દાહકતા આલેખતી આ નવલકથા ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ સ્થાનની અધિકારી બની છે. નવલકથાની મુખ્ય નાયિકા રૂપાનું દામ્પત્ય જીવન આનંદ અને સુખમય દિવસોમાં ચાલી રહ્યું હતું. ડોકટર પતિ અને સમાજસેવિકા સાસુ, લાડકો દિયર અનૂપ અને વહાલસોયો અને મીઠડો પુત્ર યશ અને બાજુમાં રહેતી સગી જેવી નણંદ સખી તોરલ. આ બધા વચ્ચે સુખની છોળોમાં રૂપા જીવનને મ્હાલતી હતી. ત્યાં અચાનક રૂપાના શરીરમાં એક સફેદ ચકામું પતિના નઝરે પડે છે. ડોકટરની સલાહ લેતા એ રક્તપિત છે એવું માલુમ પડતા પહેલા તો રૂપાને પુત્ર યશથી દુર કરાય છે.તેને વારંવાર યશને દૂધ પીવડાવતા અટકાવાય છે. તેમ છતાં તે કશું કહી શકતી નથી. અંતે પોતાને દુર કરવાની સાસુની મંછાને જાણી જતા પતિ પાસે ઘરમાં રહેવાની ભીખ માંગે છે. પુત્રથી માતાને દુર નહિ કરવા આજીજી કરે છે અને પતિ શૈલેષને પ્રશ્ન કરે છે કે....

        “એમને શું સલાહ આપી તમને? હું ઝેરી સાપ હોઉં અને તમને ડંખ દેવાની હોઉં એમ મને લાકડી લાકડીએ મારી નાખવાની..? મારું ઘર, મારો દીકરો, મારું સમગ્ર જીવન લુંટી લેવાની..? બોલો શૈલેષ બોલો”

પરંતુ એનાં પ્રશ્ન માત્ર દીવાલો સાથે જ અથડાઈ રહે છે. અને સાસુ અને પતિ દ્વારા એક યુક્તિ ગોઠવી તેને હોસ્પિટલ લઈ જવાને બહાને હમેશ માટે એનો બહિષ્કાર કરાય છે.અને એ સમયે....

        “રૂપારાણી જાણે કે....કદરૂપા રાણી થઈ ઉઠી.. નિ:શબ્દતાના ટાપુ પર... રેતમાં ઉંધી પડેલ; હોળીની જેમ સરી પડવાના” સદી રહેવાના જેનો કોઈએ અંત ન હોય એવી ક્ષણ પર આવી ઉભી રહે છે. ‘ખંડિત પ્રાચીન મૂર્તિ શી ! ભવ્ય લગ્ન ભૂતકાળનો માત્ર અવશેષ અને ન વર્તમાન હતો, ન ભવિષ્ય”

પતિ અને ઘરથી તરછોડાયેલી રૂપા જ્યારે “માતૃશ્રી કાશીબા રક્તપિત્ત હોસ્પિટલ”માં પ્રવેશતા રૂપા પ્રત્યક્ષ રહેતા પતિનાં પડધા સમાં એંધાણ આવવા લાગ્યા. હોસ્પિટલનાં આવા ઘેરા કરુણામય અને વિસાદપૂર્ણ વાતાવરણમાંનાં લોકો વચ્ચે રૂપા રહે છે અને અત્યારસુધી સુખપૂર્ણ જીવનાર અને છપ્પનભોગ ખાનારા રૂપાને હોસ્પિટલમાં ધર્માદાની મીઠાઈ ખાવાનો વારો આવે છે ત્યારે તે ચિત્ર જાણે જે મેલોડ્રામાંથી સભર અને કરુણ જણાય છે ત્યારે વિધિવક્રતામાંથી જન્મતી પરિસ્થિતિવક્રતાની પરાકાષ્ઠા વાચક સમક્ષ છાતી થઈ જાય છે. આવી અનેક વક્રતામાંથી જન્મેલી આ કૃતિનું ન્યુક્લિયશ કેન્દ્ર જ વક્રતા રહ્યું છે એનું એક ઉદાહરણ આ મુજબ છે કે..એક વખત એક દર્દીનું મૃત્યું થાય છે ત્યારે એક બાઈ રૂપાના કાનમાં કહે છે કે...

        “ ઈ પતી જાય તો તો ખાટલો મને મળી જાય”

આ સાંભળી ફક્ત રૂપા જ નહિ પરંતુ પ્રેત્યેક વાચકપણ ઘેરો આઘાત અનુભવે છે કે..
રૂપાને સમય જતા “માતૃશ્રી કાશીબા રક્તપિત્ત હોસ્પિટલ”માંથી જુનાગઢની હોસ્પિટલમાં ખસેડવાનું કહેવામાં આવે છે. એના માટે આ નિર્ણય કેમ લેવાયો એ સ્પષ્ટ ન થતા અંતે તેની ધીરજ શક્તિ અને સહનશીલતાની ચરમસીમા પહોચતા તે ત્યાંથી અડધી રાત્રે ભાગી છુટે છે. અને વડોદરા આવી પહોચે છે. પોતાના ઘરે જાય છે. પરંતુ ત્યાં ઘર બંધ જોતા જ નંણદ સમી સખી તોરલને પૂછે છે.પરંતુ તોરલ પણ તેને ઓળખી શકતી નથી. પરીણામે એ સ્થળ એના ‘સુખનું સરનામું નથી’ એમ સ્વીકારી ત્યાંથી નીકળી જાય છે. એક સોનીના ત્યાં જઈ પોતાનું મંગળસુત્ર વેચી નાખે છે. અને એક હોટલમાં રૂમ રાખી રહે છે.પરંતુ ત્યાં તે રૂપા નામ બદલી ‘કુસુમ’નામ ધારણ કરે છે પરંતુ ત્યાંએ સુખેથી રહી નથી શકતી. પોલીસની રેડ પડતા એ ફરી એ જ હોસ્પિટલનાં નર્ક સમા વાતાવરણમાં જઈ પહોચે છે. ફરી એજ પથારી, દવાની ગોળીઓ, જખમ ,ઉજ્જડ ચહેરાઓ, હલકા નિશ્વાસ, જેવી ઉદાસીન સંધ્યા, આમ એકલતાના ટાપુ પર સાવ નિર્જન રણની માફક સ્વજનોથી ત્યજાયેલી રૂપા હોસ્પિટલમાં રહેતા અબ્દુલ પઠાણ, છોટુકાકા, મનુદાદા, ભીખો, રૂબી, યશોદા, સાથે ભળી જાય છે અને હોસ્પિટલની સિસ્ટર જેસિકા સાથે તે વિશેષ લાગણી અનુભવે છે. તે જેસિકાને કહે છે કે હવે તેને ઈશ્વરમાં શ્રધ્ધા રહી નથી. તેમજ તેના અસ્તિત્વ અને શ્રધ્ધા અંગેના થતા પ્રશ્નોના ઉત્તર જેસિકાને પૂછે છે. ત્યારે જેસિકા જણાવે છે કે .......

        “આજે જે નથી સમજાતું , યોગ્ય છે તે કદાચ ક્યારેક સમજાશે.માત્ર એ કાળ સુધી તારી શ્રધ્ધાનો દોરો તુટવા નહિ દેતી. રાતનો અંધકાર ગમે તેટલો ગાઢ હોય, પણ સૂર્ય ઉગતા જ ઉજાશ ફેલાઈ જાય છે.”

થોડા સમય બાદ જેસિકા હોસ્પિટલમાંથી ચાલી જતા જાણે રહ્યું સહ્યું એક સ્વજન પણ છીનવાઈ ગયાનો આધાત રૂપા અનુભવે છે.અને એક દિવસ તો રૂપા ભૂખના કારણે કેળા પણ ચોરી કરીને ખાઈ લે છે.પોતે પકડાઈ જશે એ ડરથી હોસ્પિટલમાંથી ભાગી જાય છે. અંધારામાં મોટર સાથે અથડાતા તેનો પગ ભાંગી જાય છે.ફરી કોઈ હોસ્પિટલમાં પહોચે છે ત્યાં તેને ગોમતી નામની નર્સનો પરિચય થાય છે. જે રૂપાની સારવાર કરે છે. રૂપા અહી પણ પોતાની ઓળખાણને છુપાવે છે અને પોતાનું નામ બદલીને “સાવિત્રી” કહે છે. વિધિના કારમાં ઘા એટલા સહન કરવા પડે છે, કે એક રોગે તેનાથી તેની ઓળખાણને પણ જાણે કે છીનવી લીધી છે એવું અનુભવે છે. તેનો પગ સાજો થઈ જતા તે વિદાય લે છે. એક નવા પડાવ પર ચાલી નીકળે છે. ગાડીમાં બેસવા જાય છે. પણ લોકો તેને બેસવા નથી દેતા અને રસ્તા પર પણ તેનો આવતા જતા લોકો વડે તિરસ્કાર થાય છે. ખાવાના પુરતા પૈસા આપવા છતાં તેને યોગ્ય ખાવાનું મળતું નથી ત્યાં પણ તેને ધુત્કારી દેવાય છે. ચા વાળો પણ લોકો ને કહે છે કે જો આ પતિયણ (રક્તપિત્તયાણી) અહી બેસશે તો ધંધો નહિ થાય. અને તેને ધક્કો મારી દે છે. અને એ જ સમયે ત્યાગરાજ નામનો ગુંડો ત્યાં આવીને રૂપાનું બાવડું પકડી તેને રિક્ષામા બેસાડીને લઈ જાય છે. એક ગુંડા સાથે જતા રૂપા બહુ જ ભયભીત થઈ જાય છે. પરતું જ્યારે ત્યાગરાજ તેને ખુલાસો કરે છે કે બહેન આ રક્તપિત્તયાઓની જ વસાહત છે. તને અહીંથી કોઈ કાઢશે નહિ. આથી રૂપા પણ વસાહતમાં સૌ સાથે રહેવા લાગે છે. વસાહતમાં એક દિવસ એને અબ્દુલ અને રૂખી સાથે મુલાકાત થાય છે.અને તે રૂપાને અહી કઈ રીતે પહોચી? તે અંગે પૂછે છે ત્યારે રૂપા જણાવે છે કે.....

        “ભાગ્યની રેખા સૌને ક્યાંથી કયા લઈ જાય છે?”

અહી રૂપાના પ્રસ્તુત વિધાન દ્વારા તેની પરિસ્થિતિ અને જીવનમાં આવેલ પરિવર્તનોની મૂક સાક્ષી પૂરે છે.
રક્તપિત્તયાની વસાહતમાં આવતા રૂપાના જીવનને એક નવો વણાંક મળે છે. આ વસાહતમાં રોગીની સેવા માટે આવતા મધુભાઈ, રમેશભાઈ અને સુધાબેન ઝરીનાને સમજાવી લોકોને ભીખ ન માંગવા કહે છે. અને તેમના માટે એક અલગ કોલોનીની બનાવી છે ત્યાં આવી રહેવા લોકોને સમજાવા કહે છે. પરંતું રૂપાને તેમનો વિશ્વાસ આવતો નથી. માત્ર નામ કમાવવા આવું કરે છે, એવું માને છે અને તેનો વિરોધ કરે છે પરંતું રમેશભાઈ એને શાંત ચિત્તે સમજાવતા કહે છે કે......

        “માણસ એની જીંદગી, એનું શરીર, એનું નામ પાછુ આપવાનો, માણસ તરીકે જીવવાનો અધિકાર આપવાનો. અમે તો યજ્ઞ આદર્યો છે. એમાં હાડકું નાખવું કે ઈંધણ હોમવું એ માણસે નક્કી કરવાનું છે.”

આમ, કોઈપણ સ્વાર્થ વિના નિસ્વાર્થ સેવા કરવાની ભાવનાને અહી લેખિકાએ રમેશભાઈનાં શબ્દોમાં રજુ કરી આપે છે.આ શબ્દો રૂપાના જીવનનો સાર બની જાય છે. ઝૂપડપટ્ટીમાં તેને ભગત, ચંપા, ઝરીના, કાન્તા , મીરાં વગેરે સાથે પરિચયમાં આવે છે. બધાની કથા અને વ્યથા લગભગ સરખી છે.અને ધીરે ધીરે રૂપા આ બધા સાથે તેમની વ્યથાની નજીક પહોચે છે.

નવલકથાના મધ્યમાં મીરાના બાપુ ભગતનું અવસાન થતા મીરાં રૂપા (સાવિત્રી)ની વધુ નજીક આવે છે. ત્યારબાદ બધા નવી વસાહતમાં રહેવા ચાલ્યા જાય છે અને ત્યાં ત્યાગરાજના મૃત્યુથી ઝરીના પર દુ:ખનો પહાડ તૂટી પડે છે. પરંતુ રૂપા ઝરીનાને પોતાના બાળકને જ ત્યાગરાજની નિશાની સમજી જીવવા પ્રેરિત કરે છે અને વસાહતના લોકો એકબીજાના સાથ સહકારથી કોલોનીને નવો આકાર આપે છે. મીરાં પણ યુવાન થઈ જાય છે અને ભણી ગણી હોશિયાર થઈ ચુકી છે. બીજી તરફ સુધાબેન દ્વારા હોસ્પિટલનો ચાર્જ રૂપાને સંભાળવા કહે છે. મીરાં હોસ્પિટલ માટે ફંડ એકઠું કરવા એક કાર્યક્રમ કરવા વિચારે છે પરંતુ તેના માટે ઘણો ખર્ચ થાય એમ હતો. મીરાને વિશ્વાસ હતો કે એ થઈ પડશે અને ત્યાં જ આકસ્મિક રીતે તેને કોઈ દંપતી યાત્રા માટે એકઠા કરેલ ચોળાયેલ નોટોની થેલી આશ્રમમાં આપી જાય છે. એ પૈસા ગણાતા એક લાખ જેટલા થાય છે. આમ, મીરાની શ્રધ્ધાને સાચી પડતા જોઈ સુધાબેન રૂપાને જણાવે છે કે......

        “તે મને એક વાર પ્રશ્ન પૂછ્યો હતો ને સાવિત્રી! કે હરિ જો હોય તો એની એંધાણી મને કેમ મળતી નથી.? આ રહી તે એંધાણી સાવિત્રી”

નવલકથા અંત તરફની ગતિ કરતા જાણે રૂપાને તેનાં પુણ્યનું ફળ મળવાનું છે. તેવો આભાસ વાચકને થઈ જાય છે અને એક આશાનું કિરણ જાગે છે. જે નવલકથાને અણધાર્યો વણાંક આપે છે. અહી શ્રમ મંદિરમાં દાન કરવાને અર્થે રૂપાનો દિયર અનૂપ તેની પત્ની મરિયમ તેમજ સાથે રૂપાના પુત્ર યશને લઈને આવે છે. યશ પણ હવે યુવાન થઈ ચુક્યો છે. અહી રૂપાની ઓળખ રૂપાના દિયરને તેના હાથના બનેલ ઉપમાથી થઈ જાય છે. તો બીજી તરફ રૂપા પોતાની ઓળખ છુપાવે છે. પરંતુ દિયરનું અચાનક આકસ્મિક મિલન થતા રૂપાના અનૂપ બધી હકીકત કહે છે કે તેના પતિ અને સાસુનું મૃત્યુ થયું છે અને આખી જીંદગી શૈલેષએ પશ્ચ્રાતાપ જ કર્યો છે અને હાલ પોતે ભાઈની અંતિમ સમયની ઇચ્છાને પૂરી કરવા રક્તપિત્તયાની હોસ્પિટલમાં દાનકરવા આવેલ છે. અહી તે ભાભી રૂપાને પોતાની સાથે ઘરે પાછા લઈ જવાની વાત કરે છે. પરંતુ રૂપા સાથે જવાની નાં કહે છે. કારણ કે તે પુત્રનાં મનમાં પિતાની છબીને ચહેરાવા નથી માંગતી. આશ્રમમાં રહેવાનો નિર્ધાર કરે છે. અહી એક નારીની સેવામૂર્તિ અને સ્વજનહિતાર્થની સાક્ષાત ગરિમા છતી થાય છે. અંતે રૂપા યશના લગ્ન મીરાં સાથે કરાવે છે. આમ નવલકથાનો અંત મંગળાત બને છે.

પરંતુ અંતે એટલું કહી શકાય કે સમાજ જે વ્યક્તિ તરફ નાકનું ટીચકું ચઢાવે છે. તેમને ધુત્કારે છે. અત્યંત ધૃણા બતાવે છે. તેઓ રોગોનો શિકાર તો બન્યા જ છે. સાથે જ તિરસ્કારનાં પણ શિકાર બન્યા છે. એવા આપણા કહેવાતા સુસંસ્કૃત સમાજમાં માનવતાના નામે શુન્યતાવાદ સર્જાય છે. ક્યાંક ક્યાંક સુસંસ્કૃતતા માનવતા, દયા, સહાનુભુતિ, મમતા, દયા, પ્રેમ, વગેરેનું અસ્તિત્વ ટકી રહ્યું છે. આ બધાની પ્રતીતિ નામી અનામી વ્યક્તિઓ દ્વારા થાય છે. તેમાં સુધાબેન, રમેશભાઈ, મધુભાઈ, દિલીપભાઈ, વગેરેનો સમાવેશ થાય છે. જે આ કુષ્ઠ રોગીઓ પ્રત્યે પેમ અને સહાનુભુતિ દ્વારા તેઓને જીવન જીવવા અંગેનું મૂળ તત્વ પૂરું પાડે છે. એવા આ રોગીઓં માટે તેઓ “જીવનનું સૂર્યકિરણ” બને છે. તેમજ લાચાર અને સ્વજનોથી તરછોડાયેલ લોકોના જીવનમાં આશાનો દીપ પ્રગટાવે છે.અને જીવનના આ વરવા સત્ય તરફ અડગ રહીને જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડે છે.આવા સેવાભાવી વ્યક્તિઓ રોગીઓને રોગ સામે પડકાર ઝીલવા હિમંત આપતા કહે છે કે...

“કાળ તણા વાદળને ભેદી,
કરી ધરાને ઝળહળ....
નીજના ભાગ્યને પડકારે અહીં...
ભીતરનું કોઈ બળ ....
જીવનનું સૂર્યકિરણ...”

આમ, “અણસાર” લખવા પાછળનો લેખિકાનો મૂળ ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે- તેઓ વાચકોની કશી માહિતી પૂરી પાડતા નથી. કારણ કે જો એવું હોય તો નવલકથા દસ્તાવેજી રચના બની જાય તેવું નવલકથા વાંચતા જણાયું નથી. પરંતુ નવલકથા વાચકોના ચિત્ત રક્તપિત્તનાં ભોગ બનેલા દર્દીઓ પ્રત્યે સહજ અનુકંપા જન્માવે છે. એ જ વસ્તુ લેખિકાનાં નિર્માણનું કેન્દ્ર બન્યુ છે. આથી જ તેઓ ઈચ્છે છે કે, ભાવકો અને વાચકો દ્વારા નવલકથા વાંચતા એમના હૃદયમાં અનુકંપા જાગે તો કથાનો મૂળ ઉદ્દેશ્ય પૂર્ણ થાય, એમ લેખિકાનો મુખ્ય આશય રહ્યો છે અને તે સુપેરે પાર પણ પડ્યો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.

સંદર્ભ:-

  1. અણસાર, વર્ષા અડાલજા, આર.આર.શેઠની કંપની, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ- ૧૯૯૨, પૃષ્ઠ નંબર- ૩
  2. એજન, પૃષ્ઠ નંબર-૬૦
  3. એજન, પૃષ્ઠ નંબર-૧૪૯
  4. એજન, પૃષ્ઠ નંબર-૧૮૫
  5. એજન, પૃષ્ઠ નંબર- ૨૯
  6. એજન, પૃષ્ઠ નંબર-૨૯૬

*************************************************** 

મનીષા.જી.ચાવડા
સિનીયર એકેડમિક એસોસિએટ (ગુજરાતી)
કેલોરેક્ષ ટીચર્સ યુનિવર્સીટી, અમદાવાદ

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us