‘નિત્યક્રમ’ અને ‘વળાંક’-‘સંબંધો અને મૂલ્યોને નેવે મૂકતી વાર્તાઓ’ (પન્ના નાયક) ડાયસ્પોરા અને નારીવાદ એવા બંનેય વલણોને એક સાથે તાક્તા એવા વાર્તાકાર પન્ના નાયકનું કવિતા, વાર્તા એમ વિવિધ ક્ષેત્રે જાણીતું નામ છે. મૂળ ભારતના-ગુજરાતનાં એવા પન્ના નાયક અમેરિકમાં વસે છે. નારીને કેન્દ્રમાં રાખીને લખાતી વાર્તાઓ આપને ત્યાં આરંભકાળથી મળે છે. પરંતુ પન્ના નાયકની વાર્તાઓમાં વિદેશમાં રહેલી ભારતીય નારીની સમસ્યાઓ-વ્યથાઓની વાત જોવા મળે છે. 1980-પછી વાર્તા ક્ષેત્રે નારીવાદી વાર્તાઓ આપનાર અને ડાયસ્પોરા સર્જકોની સંખ્યા પણ હવે વધી રહી છે. તેમાં પન્ના નાયક બધાથી જુદા છે. એક બાજુ ભોગવાદ–ભૌતિકવાદની વચ્ચે મૂલ્યોનું થતું પતન તથા સ્ત્રી-પુરુષના સંબંધો અને તેમાં પણ વિશ્વાસ, પ્રેમ, સમર્પણ જેવા મૂલ્યોનો થતો હાસ, તેમની વાર્તાઓનો મુખ્ય સૂર છે. ‘પન્ના નાયકનો વાર્તાલોક’ (સં- મણિલાલ હ. પટેલ) તેમની વાર્તાઓનું સંપાદનમાંથી મારે બે વાર્તાઓની વાત કરવી છે એક ‘નિત્યક્રમ’ અને બીજી ‘વળાંક’. ‘નિત્યક્રમ’ વાર્તા સંકેતસભર છે. વાર્તાની શરૂઆત ‘તમે જુઓ છો; તમને લાગે છે, તમને ગમે છે ’ જેવી પ્રયુક્તિથી વાર્તા કહેવાઈ છે. ‘પ્રેરણા’ નામની સ્ત્રી દર બુધવારે ‘મટિને શો’માં ફિલ્મ જોવા જાય છે. આ સ્ત્રીને તમે એકવાર તમારા મિત્ર સાથે મળ્યા છો, તમને એ ગમે છે. પ્રેરણાનું વ્યક્તિત્વ એવું છે કે તમને મળવાનું ગમે છે. આવા સ્વભાવવાળી પ્રેરણાને તમે કોફી-નાસ્તા માટે મળો છો. લેખિકાએ નોંધ્યું છે કે –તમારે પત્ની છે. અને પ્રેરણાને પતિ પણ છે. તમે તેને નાસ્તા પર મળો છો અને તમારી મિત્રતા વધે છે, પ્રેરણાનો પતિ (અરૂણ)એ ‘વેડિંગ એનિવર્સરી’ પર કમ્પ્યુટર ભેટમાં આપ્યું છે. જેને શીખવાડવા માટે તમને આમંત્રણ આપે છે. એ બહાને તે તમારી સાથે બેડરૂમમાં સહશયન માણે છે. નાયક બોસ પાસે ખોટું બોલીને પ્રેરણાને મળવા જાય છે. જ્યારે પત્નીને વહેલા ઘરે આવવા પાછળનું કારણ માથું દુ:ખવાનું આપે છે. તમારા (નાયકના) અને પ્રેરણાના બુધવારના મિલન દરમિયાન પ્રેરણાના પતિનો (અરુણનો) ફોન આવવાથી યુવાન-નાયક ગભરાય છે. પરંતુ પ્રેરણાની સાહજિકતા અને વાતચીત કરવાની શૈલી યુવાનને અચંબામાં મૂકી દે છે. કેમકે-
“તમે કોઈ દિવસ પરસ્ત્રીને પ્રેમ કર્યો નથી. અચાનક ફોનની ઘંટડી વાગે છે. પ્રેરણા તંદ્રામાંથી જાગીને ફોન લે છે. ફોન અરુણનો છે. તમને પેશાબ થઈ જશે એટલે ભય તમારા શરીરમાં વ્યાપી વળે છે. તમે થરથર કાંપો છો. તમારું હદય બમણી ઝડપે ધડકે છે. તમને ભયંકર અપરાધભાવ જાગે છે. ધરતી માર્ગે આપે તો સમાઈ જવાનું મન થાય છે. પ્રેરણા તમારો હાથ પંપાળતી પંપાળતી ઠંડે કલેજે વાત કરે છે. ‘ડાર્લિંગ, કેમ છે તું ? શું કર્યું આજે ? લંચ ખાધો? ટપાલમાં કશું નથી. સાંજે કેટલા વાગ્યે આવીશ? જમવાનું શું બનાવું? દાળઢોકડી? ચો....ક્ક.....સ અત્યારે શું કરું છું? તું એટલું વહાલ કરે છે કે મને સુખના સોજા આવ્યા છે. બ્લાઉઝના આંતરસેવા ખોલું છું’ પ્રેરણાનો હાથ છોડીને તમે ત્વરાથી ઊઠો છો. કપડાં પહેરી લો છો. તમે કહો છો કે તમારે જવું પડશે. પ્રેરણા દરવાજે આવીને હળવું ચુંબન કરીને આવજો કહે છે. તમે ગાડી સ્ટાર્ટ કરો છો.’ (પૃ.-10, પન્ના નાયકનો વાર્તાલોક સં. મણિલાલ હ. પટેલ) વાર્તામાં યુવાનની પરિસ્થિતિ અને પ્રેરણાની સહજતાએ નોંધપાત્ર છે. પરંતુ આ ટેવ પહેલીવાર જેને કઠિન લાગે છે, જેનું હદય ધબકારો ચૂકી જતું હતું- તેવો યુવાન બુધવારની રાહ જોવે છે.–બુધવારનો વિચાર કરે છે. –જેવો વાર્તાનો અંત ભાવકને એક જુદી સ્થિતિમાં લઈ જાય છે. બુધવારે કમ્પ્યુટર શીખવાને બહાને પરપુરુષને બેડરૂમ સુધી સહશયન માટે લઈ જતી નારી-સ્ત્રી અને તેમાં તેની સહજતા, એ વાર્તાનાયકને ચોકાવી મૂકે છે. પરંતુ પછી તે પણ ટેવાય જાય છે. આ નારીએ વિદેશની છે. અહીં મૂલ્યો બધા નેવે મૂકેલા છે. જરૂરીયાત માણસની પ્રથમ જોવામાં આવે છે. પ્રેરણાના પતિ અરુણનું બહાર રહેવું એ વાર્તાના આરંભમાં નિર્દેશ થયેલો છે. અને એકલી એવી સ્ત્રી યુવાનનો સાથ માણે છે. અહીં સ્ત્રી-પુરુષના સંબંધોમાં સંકુલતા રહેલી છે. વાર્તામાં યુવાન બચી જતો નથી. પરંતુ યંત્ર સંસ્કૃતિ અને ભોગવાદનો ભોગ બને છે. અને પછી તે બુધવારની રાહ જોવે છે. આ વાર્તામાં મૂલ્યોનું સ્થાન નથી. મૂલ્યોનો હાસ થતો જોવા મળે છે. પતિ- અરુણની સાથે બેવફાઇ આદરતી પ્રેરણાને માટે આ બધુ સાહજિક બની ગયું છે. ને બધુ ‘નિત્યક્રમ’ મુજબ ચાલે છે. તે અર્થમાં આ વાર્તા સ્ત્રી-પુરુષના સંબંધોને રજૂ કરે છે. જયારે ‘વળાંક’ વાર્તાનું વસ્તુ તેનાથી થોડું વિરોધી છે. ‘નિત્યક્રમ’માં પત્નીની બેવફાઇ છે. જયારે ‘વળાંક’ વાર્તામાં પતિ પત્નીને મારી નાખવાના પ્રયાસો કરે છે. પશ્ચિમી સંસ્કૃતિની અસર ધરાવતો પતિ પોતાની પત્નીને મરાવી નાંખવા માટે ભાડૂતી માણસો રોકીને કોન્સર્ટમાં ગાડી લઈ જતી પત્નીની પાછળ મોકલે છે. પરંતુ પોલીસની સાવચેતીથી તે ગાડીને પકડી લે છે. અને પોલીસ પતિને પણ પકડી લે છે. બાળકોને આન્ટીના ઘેરે છોડી આવીને પોલીસ સ્ટેશન પર ગુડાઓને ઓળખવા ગયેલી પત્ની, પતિને જોવે છે અને ત્યાં આવક બની જાય છે. વાર્તાના અંતે ઘટસ્ફોટ થાય છે કે –‘એણે પેલા માણસોને પૈસા આપેલા ? મને મારી નાંખવા ? હોય નહીં. વી આર હેપિલી મેરીડ. વી આર વેરી હેપી. તમે ભૂલ કરો છો. તમારી પાસે પ્રૂફ છે? ઓહ માઈ ગોડ.....’(પૃ.-17) પત્નીને જાણ થાય છે કે પતિ એ જ ગુડાઓ મોકલ્યા હતા. ત્યારે તેના આશ્ચર્યનો પાર રહેતો નથી. વાર્તાનો અંત નાટ્યાત્મકતાની ઢબે રજૂ થયો છે. પણ અંતે જે વળાંક વાર્તા લે છે તે ભાવકને વિચારતો કરી મૂકે છે. બાળકોને મૂકવા જતી નાયિકના વિચારોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે માન પ્રગટે છે. રસ્તામાં બાળકો સાથેની વાતચીત દરમિયાન તે વ્યક્ત થાય છે. સંગીત પ્રત્યે, ગુજરાતી ગીત પ્રત્યે, ભારતીય પોશાક-શણગાર પ્રત્યે માન આપતી-ધરાવતી એવી નાયિકા પતિને પણ એટલું જ માન આપે છે. પરંતુ આ વાર્તા એ વાતની પ્રતીતિ કરાવે છે કે માણસ અને તેનું મન, બંનેય બગડી ચૂક્યાં છે. માણસાઈ મરી પરવારી છે. જે મૂલ્યોને લીધે માણસ ઓળખાતો હતો તે ભૂલી ગયો છે. મૂલ્યોહીન થતો માનવી અને તેની છબી ‘વળાંક’ વાર્તામાંથી મળે છે. જે માણસે અગ્નિની સાક્ષીએ પોતાની રક્ષા કરવાના વચનોથી બંધાયો હતો, તે જ તેને મારવાના મનસૂબા ઘડે છે. ‘લગ્ન’ જેવા પવિત્ર સંબંધથી બંધાયેલા આ બંનેય વાર્તાના પાત્રો- સંબંધો અને તેની ગરિમાને જાળવી શક્યા નથી. ‘નિત્યક્રમ’ની નાયિકા ‘પ્રેરણા’ને શું ભારતીય નારી કહી શકાય ? તો શું ‘વળાંક’ વાર્તાના પતિને શું ભારતીય પુરુષ કહી શકાય ? – આ પ્રશ્નો આપણે વિચારતા કરી મૂકે છે. ભોગવાદને લીધે સ્ત્રી-પુરુષના સંબંધોમાં જોવા મળતી સંકુલતા અને ખોખલાપણું આ વાર્તાઓ આવા સવાયા સત્યોને રજૂ કરે છે. નવાયુગની તાસિર પન્ના નાયકની આવી અનેકાધિક વાર્તાઓમાં ઝિલાઈ છે. તે અર્થમાં તે જુદા વાર્તાકાર છે. ***************************************************
નીતિન રાઠોડ |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |