ફરજને ઠુંઠવતો ‘હિમઝંઝાવાત’ એન્તન ચેખોવે રશિયામાં ઝારના શાસનવાળા વાતાવરણને પોતાની વાર્તાઓમાં પોતાની એક નોખી શૈલીથી રજૂ કર્યું છે.તેમની એક વાર્તાનું અંગ્રેજી શીર્ષક છે- On Official Business.અનુપમ ભટ્ટે આ વાર્તાને ગુજરાતીમાં “હિમઝંઝાવાત” શીર્ષકથી અનુવાદિત કરી છે.અહી એ વાર્તાની ચર્ચા કરવાનો ઉપક્રમ છે.રશિયાના ઝારના રાજ્યના ‘સિરન્યા’ નામના ગામમાં એક આત્મહત્યાનો બનાવ બન્યો છે.સ્થાનિક વહીવટી સંસ્થા ‘ઝેમસ્ત્વો’ના અતિથિગૃહમાં વીમા એજન્ટ સર્યોઝા લેસનીતસ્કીએ પોતાની જ પિસ્તોલમાથી ગોળી ચલાવી આપઘાત કરેલો છે અને 3દિવસથી તેનું શબ ત્યાં પડેલું છે. આ શબનું પરીક્ષણ કરવા માટે અપમૃત્યુના કિસ્સામાં તપાસ કરનાર સરકારના તપાસ અધિકારી કાર્યકારી કૉરનર લીઝીન અને જિલ્લાના વડા ડોક્ટર સ્ટારચેન્કો એ બે વ્યક્તિ ગામના અતિથિગૃહમાં આવે છે.આ વિધિ પૂરી ના થાય ત્યાં સુધી લાશને સ્થળ ઉપરથી ખસેડી શકાય તેમ નથી. અતિથિગૃહમાં લાશ ઉપર નજર રાખનારો પટાવાળો લોશાદીન તપાસ અધિકારીઓને જે વાત કરે છે તે જુઓ-“બહું જ વસમી વાત છે.આકરી સજા છે.ગામલોકો બહુ પરેશાન છે.સાહેબ,ત્રણ રાતથી લોકો ઊંઘ્યા નથી.બાળકો રડ્યા કરે છે.ગાયોને દોહવી પડે તેમ છે,પણ સ્ત્રીઓ ગમાણમાં જતી જ નથી.તેમને બીક લાગે છે...કદાચ અંધારામાં એનું ભૂત સામે આવે તો ! બેશક એ બધી સ્ત્રીઓ મૂરખ છે.પણ કેટલાક પુરુષો શુધ્ધા ડરે છે.રાત પડે પછી એકલ દોકલ આદમી અહીથી નીકળતો નથી,પણ બે-ત્રણના જુથમાં નીકળે છે અને સાક્ષીઓ પણ...”(ચેખોવનો વાર્તાવૈભવ,અનુ.અનુપમ ભટ્ટ,ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય-અમદાવાદ,પ્ર.આ-૨૦૧૦,પૃ.૧૦૪-૧૦૫)
ગામમાં વ્યાપેલો આ ભય તો શબ પરીક્ષણ પૂરું થાય તો જ દૂર થાય તેમ છે.પણ બંને તપાસ અધિકારીઓને બરફના તોફાનને લીધે સિરન્યા ગામ પહોંચતા સાંજ થઈ ગઈ હોવાથી સવાર સુધી રાહ જોવી પડે તેમ છે.ડોક્ટર સ્ટારચેન્કો આધેડ વયનો છે અને કાર્યકારી કૉરનર લીઝીને બે વર્ષ પહેલા જ અભ્યાસ પૂરો કર્યો છે.રાત્રે ડોક્ટર સ્ટારચેન્કો તો બાજુના ગામમાં રહેતા તેના ઓળખીતા મિત્ર એક સમયના સરકારી વકીલ શ્રી વોન ટૂનીત્ઝને ત્યાં ચાલ્યો જાય છે અને યુવાન તપાસ અધિકારી કૉરનર પટાવાળા લોશાદીન સાથે વાતચીત કરીને તેની અને ગામની સ્થિતિ વિશે બધુ જાણે છે.રશિયાની રાજકીય વહીવટી સ્થિતિનો અંદાજ અહી પામી શકાય છે.અહી પટાવાળા લોશાદીનનું પાત્રાલેખન નોંધનીય છે.તે જે કામ કરતો આવ્યો છે તે ખરેખર કપરું છે,ચાલી ચાલીને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને હવે તો જો એ ચાલે નહીં તો એના પગ દુખે એવી સ્થિતિ છે.રાત્રે તેણે મુખીને શબ પરીક્ષણ માટે કૉરનર આવ્યાના સમાચાર આપવા 3માઈલ સુધી જવાનું છે.આ શબ પાસે તે ડર્યા વિના રહી શકે છે.વર્ષો સુધીની નોકરીએ એ વહીવટી બાબતોને પરિપક્વતાથી સમજતો હોય એ રીતે કહે છે- “જુઓ ને આ સામેના ઓરડામાં જે ભાઈ છે એમનું પેટ ચીરવાનો કોઈ અર્થ છે ખરો?તમનેય ખબર છે કે આ બધુ નકામું છે.ખાલી તમે તમારા હાથ ગંદા કરશો.પણ તોય તમે તકલીફ ઉઠાવીને અહી આવ્યા,કારણ કે આ ઔપચારિકતા છે ને ઔપચારિકતા પૂરી કર્યા વિના છૂટકો નથી.છેલ્લા ત્રીસ વરસથી આવી ઔપચારિકતાઓ પૂરી કરવા ખાતર હું ચાલતો રહ્યો છું.***મારા ગામમાં મારી ઓફિસ છે એમાં તો બસ કારકુનના ઘરનો ચૂલો સળગાવો,કારકુનના ઘર માટે પાણી ભરી આવો,કારકુનના જોડાને પૉલિશ કરો-આ સિવાય બીજું કઈ છે જ નહીં! ”(એજન,પૃ.૧૦૮-૧૦૯) લીઝીન આ પટાવાળા લોશાદીન પ્રત્યે સંવેદનશીલ બની મનોમન તેને દયા ખાય છે. લોશાદીન આપઘાત કરનાર વીમા એજન્ટ સર્યોઝા લેસનીતસ્કીને પણ સારી રીતે ઓળખે છે અને કૉરનર લીઝીનને તેના વિષે વિગતે જણાવતા કહે છે-‘પરંતુ યુવાન સર્યોઝાને પોતે જમીનદાર પરિવારનો છે તેનુંઅભિમાન હતું***બધી જાતની સ્વતંત્રતા હોય તેવી જિંદગી જીવવા ચાહતો હતો.”(એજન,પૃ.૧૧૧)એટ્લે જ કપરી પરિસ્થિતિમાં નોકરી સ્વીકારેલી હોવા છતાં આખરે તેણે આપઘાત કર્યો.લીઝીન મનોમન નક્કી કરે છે કે “જેવી સવાર પડે કે તરત શબ-પરીક્ષા શરૂ કરી દઇશું.” અહીથી વાર્તામાં વળાંક આવે છે,ડોક્ટર સ્ટારચેન્કો લીઝીનને પેલા સરકારી વકીલને ત્યાં લઈ જવા માટે આવે છે અને લીઝીન કમને તેની સાથે જાય છે. બરફના તોફાનમાં રસ્તે ભૂલા પડી અટવાતા અટવાતા તેઓ શ્રી વોન ટૂનીત્ઝની જાગીરદારની જૂની હવેલીએ પહોચે છે. સિરન્યા ગામનું અતિથિગૃહ અને આ હવેલી એ બે સ્થળે લીઝીન ખાસ્સો એવો તફાવત નોંધે છે-“આ સઘળું શું સ્વપ્ન સમાન નહોતું?ઝેમ્સ્ત્વોના અતિથિગૃહનો ‘કાળો ખંડ’,ખૂણામાં પડેલો સૂકા ઘાસનો ઢગલો,ફર્શ પર આમતેમ ફરતા વંદાઓ,ખંડનું કંગાળ,ધૃણાસ્પદ રચરચીલું,સાક્ષીઓની વાતચીતનો અવાજ,પવન,બરફનું તોફાન,રસ્તામાં ભૂલા પડવાનું જોખમ અને પછી અચાનક આ ભવ્ય,સુપ્રકાશિત ખંડો,પિયાનોના સૂર,સુંદર યુવતીઓ,વાંકડિયા વાળવાળા બાળકો,સુખી પ્રસન્ન હાસ્ય-તેને આ કોઈ પરીકથા જેવુ લાગ્યું.અને આવું પરિવર્તન લગભગ બે માઈલના અંતરે અને ફક્ત એક કલાકની અવધિમાં જ આવી શકે તે માની શકાતું નહોતું.”(એજન-પૃ.૧૨૧) અહી સુખ સગવડના વાતાવરણમાં સૂતેલા લીઝીનને સ્વપ્નમાં વીમા એજન્ટ સર્યોઝા લેસનીતસ્કી અને લોશાદીન એક સાથે દેખાય છે.સ્વપ્નમાં તેઓ ગાતા હોય છે-“અમે ચાલીએ છીએ,ચાલીએ છીએ,ચાલતા જ રહીએ છીએ...તમે હુફાંળી,આરામદાયક,સુખ સગવડોથી ભરેલી પરિસ્થિતિમાં જીવો છો,જ્યારે અમે કાતિલ ઠંડી સહન કરતા,હિમઝંઝાવાતનો સામનો કરતા અને બરફના ઢગલાઓ ખૂંદતા ચાલીએ છીએ...”(એજન,પૃ.૧૨૪) એ બેઉ વ્યક્તિઑ વચ્ચેના સામ્યને લીઝીન જાણે છે.વળી પોતે વીમા એજન્ટ સર્યોઝા લેસનીતસ્કીને ઓળખતો હોવાનું લીઝીનને યાદ આવે છે.પોતાની એક સમયની સારી સ્થિતિને જ સર્યોઝા લેસનીતસ્કી ભૂલી ન શક્યો હોવાની અને વર્તમાનની સામાન્ય નોકરી કરીને જીવવાની સ્થિતિને સહન ન કરી શક્યો હોવાની પ્રતીતિ અહી થઈ રહે છે.લીઝીન પોતે એ નક્કી કરી શકતો નથી કે વીમા એજન્ટ સર્યોઝા લેસનીતસ્કીએ કરેલો આપઘાત એ આત્મહત્યા છે કે પછી એક અનિચ્છનીય ઘટના છે ! પણ લીઝીન પોતાની ફરજ પ્રત્યે ગંભીર અને સંવેદનશીલ છે.આરામદાયક સ્થિતિમાં હોવા છતાં બીજા દિવસે જ્યારે હિમઝંઝાવાતને લીધે તેઓ શબ પરીક્ષણ માટે તે સિરન્યા ગામ પહોચી શકતા નથી ત્યારે સતત તે શબ અને ગામલોકોનો વિચાર કરતો રહે છે-“ લેસનીતસ્કી ત્યાં સૂતો છે,સાક્ષીઓ રાહ જોઈ રહ્યા છે...”(એજન-પૃ.૧૨૭)પણ હિમઝંઝાવાતને લીધે તેઓ પહોચી શકે તેમ નથી.લીઝીને તો પ્રથમ દિવસે સાંઝે ગામના અતિથિગૃહમાં પહોચ્યા ત્યારે જ નક્કી કરી નાખેલું હતું કે –“જેવી સવાર પડે કે તરત શબ પરીક્ષણ શરૂ કરી દઇશું.”(એજન-પૃ.૧૧૬)પણ ડોક્ટર સ્ટારચેન્કોને લીધે તેણે વોન ટૂનીત્ઝને ત્યાં આવવું પડ્યું અને હવે બરફનું તોફાન ફરજમાં બાધારૂપ બની રહ્યું છે.બીજા દિવસની સવાર સુધી રાહ જોવા સિવાય તેઓની પાસે બીજો કોઈ રસ્તો નથી અને એ સમય દરમિયાન લીઝીન સતત પોતાની ફરજ અને પોતાની મજબૂરી વિશે વિચારતો રહે છે. બીજા દિવસે સવારે તોફાન શમ્યું હોવાથી તેઓ વોન ટૂનીત્ઝને ત્યાંથી નીકળે છે ત્યારે પટાવાળો લોશાદીન પણ તેઓને બોલાવવા વોન ટૂનીત્ઝને ત્યાં હાજર થયેલો હોય છે તે કહે છે-“ગામ લોકો બહું જ ચિંતા કરે છે,બાળકો રડે છે...અમને તો થયું કે તમે શહેરમાં પાછા ચાલ્યા ગયા છો.રહેમદિલ સાહેબ,ભગવાનને ખાતર અમારા પર દયા કરો...!”(એજન-પૃ.૧૨૮)વાર્તાનું અંતનું વાક્ય છે-“બરફગાડી સિરન્યા ગામ તરફ દોડવા માંડી.”(એજન-પૃ.૧૨૮)વાર્તામાં ડોક્ટર સ્ટારચેન્કોની વાત-વિચારો ઉપરથી પામી શકાય છે કે તે કાર્યદક્ષ નથી જ્યારે યુવાન લીઝીન કાર્યદક્ષ હોવા છતાં લાચાર બની રહે છે.ચેખોવે અહી સ્થિતિ સામે નબળા પડતાં નાયકનાં આંતરમનને નિરૂપ્યુ છે.વાર્તામાં હિમઝંઝાવાત-તોફાનનું નિરૂપણ પ્રભાવક છે.રશિયાની સ્થિતિને સર્જક-ચિંતકના રૂપે ચર્ચનાર ચેખોવનો નિકટનો પરિચય પામેલ રશિયન લેખક મેકસીમ ગોર્કી નોંધે છે-“અલબત એની ચોપડીઓ રશિયામાં બહુ વંચાય છે.પરંતુ હું જોઉ છું કે,એનું વાંચન રશિયનોમાં કાર્ય પ્રત્યેની પ્રેરણા જગાડી શક્યું નથી.જેણે શ્રમને-કાર્યને માણસની સંસ્કારિતાના પાયા તરીકે ચેખોવની સમગ્રતાથી એના વિવિધ પાસાં ઉથલાવીને જોયો હોય.xxxશ્રમના કાર્યમાં એ કાવ્યનો આનંદ માણતો.”(સાહિત્યિક પ્રતિમાઓ,મૂળ લેખક- મેકસીમ ગોર્કી,અનુવાદ-સુભદ્રા ગાંધી.પ્રકાશન-ચેતન પ્રકાશન ગૃહ પ્રા.લિ. વડોદરા,પ્રથમ આવૃતિ-૧૯૬૩,પૃ.૧૩૮-૧૩૯) આ જ વિચાર જાણે કે લોશાદીનના પાત્રમાં ફલિત થાય છે.લોશાદીન ફરજને લીધે ઔપચારિકતા માટે ઘસાઈ જનારા એકાધિક વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે,અને એક તરફ કામ પ્રત્યે સાવ ઉદાસ વલણ રાખનારા આરામદાયક સ્થિતિમાં રહેનારા લોકો ઉપર પણ અહિં આ વાર્તામાં કટાક્ષ છે.આ હિમઝંઝાવાત સામાન્ય હિમઝંઝાવાત નથી,એ ફરજને ઠૂંઠવતો હિમઝંઝાવાત છે.અહી માત્ર બાહ્ય વાતાવરણ નહીં પણ વ્યક્તિના આંતરિક વાતાવરણનું પણ નિરૂપણ છે. સંદર્ભ પુસ્તક-
***************************************************
ડૉ. મનોજ માહ્યાવંશી |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |