logo

ભગવદજ્જુકીય – જનસાધારણનું નાટક


પભગવદજ્જુકીય એક પ્રહસન છે. પ્રહસન રૂપકનો એક પ્રકાર હોઇ તેની સફળતા –નિષ્ફળતા રંગમંય દ્વારા જ જાણી શકાય. મને શંકા નથી કે ભગવદજ્જુકીય રંગમંચ પર સફળ નીવડી શકે તેવું પ્રહસન સાબિત થયું હશે. સુંદરમે નોંધ્યું છે તેમ ભગવદજ્જુકીય ભજવાયું ત્યારે નાટકના વસ્તુના પ્રતાપે તથા અભિનેતાઓની શક્તિને લીધે તેનો હાસ્યરસ ખૂબ સફળતાથી ખીલેલો.

આ પ્રહસન ભાગમાં વહેચાયેંલું છે.

( 1 ) ગણિકા વસંતસેનાના પ્રવેશ પૂવેનો શાણ્ડિલ્ય અને પરિવ્રાજકના સંવાદરૂપે આલેખાયેલો અંશ અને

( 2 ) ગણિકા સાથેનો પ્રસંગ.

પ્રથમ અંશમાં ગતિશીલતા ઓછી છે. તેની સફળતાનો આધાર સંવાદો પર, ખાસ Dialogue Delivery પર છે. અહીં લેખકનું નામ ધર્મ-દર્શન પરના કટાક્ષ દ્વારા હાસ્ય નિષ્પન્ન કરવાનું છે. તે કાળમાં ધાર્મિક લાગણી દૂભાય તેવાં આળાં ભાવક પ્રેક્ષકો નહીં હોય, નહિતર આ પ્રહસન પર પ્રતિબંધ મૂકાયો હોત. ભગવદ્ગીતાથી માંડી બધાં દર્શનશાસ્ત્રોની ઠેકડી ઉડાવી છે. એના લેખકે વૈદકને પણ છોડ્યું નથી. એટલું ચોક્કસ કે આ હાસ્ય કોઇ વિશિષ્ટ વર્ગ માટે નથી કારણ કે શાણ્ડિલ્ય જન-સાધારણનો પ્રતિનિધિ છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ એની સમજમાં ઊતરતો નથી. આસક્તિ કે ફળની સ્પૃહા વિના કોઇ ધર્મ – કર્મ એ કલ્પી શકતો નથી. સાંખ્યનાં તત્વોનો પાર પણ એ પામી શકતો નથી, પામી શકવાનો પણ નથી. એને તો તત્વનાં ટૂપણાં તુચ્છ લાગે છે. એના વ્યવહારમાં પેટ ભરવું અને જીવવું એ જ કેન્દ્રસ્થાને છે.

આ વૃતિને કારણે શાણ્ડિલ્યનું પાત્ર વિદૂષકની બૃહદ આવૃત્તિ જેવું બન્યું છે. એ આહારને પ્રાધાન્ય આપનાર બુદ્ધનો જય બોલાવે છે. અને એનો એકરાર કરતાં અચકાતો નથી. એની આ નિખાલસતા આપણને આકર્ષે છે. એણે પેટને ખાતર જ બૌદ્ધ ધર્મ સ્વીકાયો હતો. શાણ્ડિલ્યની સામે પારિવ્રાજકનું પાત્ર હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઇ જાય છે. એની તાત્વિક ચર્ચા પણ હાસ્ય નિષ્પત્તિનું આલંબન બને છે. જેને રંગમંચનો ખ્યાલ હોય તે સમજી શકશે કે બે પાત્રોમાં પરિવ્રાજક હાસ્યનું કેન્દ્ર છે. અને એનો શિષ્ય શાણ્ડિલ્ય હાસ્ય નીપજાવનાર, ગુરુભાવે ઉચ્ચારાતાં પરિવ્રાજકનાં કથન પણ એને કોઇ રીતે ગૌરવાન્વિત કરી શકે એમ નથી. જેમ કે પરિવ્રાજક કહે છે

પરિવ્રાજક – અહીં બેસીએ

શાણ્ડિલ્ય – ચોખ્ખું નથી અહીં તો

પરિવ્રાજક – અરણ્ય પવિત્ર ગણાય છે. પૃથ્વી નિર્દોષ ગણાય.

શાણ્ડિલ્ય – એમ કહોને કે થાક લાગે ને બેસવું હોય ત્યારે બધું જ પવિત્ર થઇ જાય છે.

પરિવ્રાજક – ના,ના શ્રુતિનું પ્રમાણ છે હું નથી કહેતો. સાંભળ કહ્યું છે કે બીજાઓના અહિત સામે હિત કરનારાઓ પોતે જ પ્રમાણરૂપ છે.

શાણ્ડિલ્ય – પણ આમ બહુ બડબડ કર્યા કરનારાનો મત પ્રમાણરૂપ હોઇ જ ન શકે.

આમ આ બે પાત્રો તેની વિશેષતાને કારણે આ પ્રથમ અંશને જીવંત રાખી શકે છે. તેમાં Dramatic actions નથી. અને તે વિના નાટકમાં સંવાદ નીરસ બન્યો નથી. આ ખંડના અંતભાગમાં શાણ્ડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતાં વાઘથી ભયભીત થાય છે. તેમાં સ્ટેજ પર કાર્યવેગની શક્યતા છે..

બીજા ખંડમાં તો Situation દ્વારા જ હાસ્ય નિષ્પન્ન થાય એમ છે. પરિવ્રાજકનો આત્મા ગણિકાના મુખે બોલતો હોય અને પરિવ્રાજકમાં ગણિકા બોલતી હોય તે પરિસ્થિતિ જ હાસ્ય નિષ્પત્તિ માટે પર્યાપ્ત છે. શેક્સપીયરના “ ટવેલ્ફથ નાઇટ “માં આ મોટીફનો ઉપયોગ થયો છે. ગુજરાતીમાં શ્રી કનૈયાલાલ મુનશીના ’’ છીએ તે જ ઠીક ’’ નાટકમાં પણ આ જ મોટીફ વપરાયો છે. જેણે આ નાટકને ભજવાતાં જોયું હશે તેને આ પરિસ્થિતિ દ્વારા પ્રવેશ એ મોટીફ જૂનો છે. પણ બોધાયન અહીં હાસ્યનિષ્પત્તિ માટે તેનો ઉપયોગ કરે છે. તેમાં એની હાસ્યસૂઝ વ્યક્ત થાય છે. જો કે બોધાયન આ Situation વધારે લંબાવી શક્યા હોત. પરંતુ પ્રારંભિક કટાક્ષયુક્ત ખંડ વધારે ભાગ રોકે છે.

એક નાટ્યવિવેચકે નોંધ્યું છે કે

“ The principal function of the theatre is to give pleasure. It is not the principal function of the theatre to strengthen peace or to improve morality or to establish a good social system, churches already exist for these purpose. It is the duty of the theatre not to make men better but to render them harmlessly happy.”:

Harold Hobson. Sunday Times ( 25 October 1959 )

બતોલ્ટ બ્રેકટનો Didactic theatreમાં પણ enter taining ને પ્રાધાન્ય આપે છે. સારાં સંસ્કૃત નાટકોમાં આ જોઇ શકાય છે અને પ્રહસન તો Entertaining માટે જ હોય છે. તેના આલંબન તરીકે એ સમાજના કોઇ પણ અંગને લઇ શકે, વ્યક્તિની કોઇ પણ ખાસયિતને લઇ શકે. અહીં ધર્મ – દર્શન તથા ગુરુપદ પર કટાક્ષ દ્વારા હાસ્ય નિષ્પન્ન કયું છે..

બોધાયનમાં સચોટ સંવાદ આલેખનશક્તિ, પાત્રાનુસારી ભાષા, કયાંક વ્યક્ત થતું તેનું કવિત્વ એ બધાની વાત કરવાનું હું જતું કરું છું. માત્ર એના નિમિત્તે પ્રહસનના કથાવસ્તુમાં આવતી અવાસ્તવિકતાની થોડી ચર્ચા કરવા ધારું છું.

Realism નો થાંભલો પકડીને ઊભા રહેલા વાચકો અને વિવેચકો અનેકવાર આવા પ્રશ્ર્નો ઊભા કરતા હોય છે કે આવું કયાંય બનતું હશે પહેલી વાત કે આવા મૂર્ખ શિષ્યને આવો વિદ્વાન અને ચમત્કારી યોગી ગુરુ ક્યાંય સંભવે ? ને વળી આ ગુરુ પરકાયાપ્રવેશ પણ સાધી બતાવે છે. પાત્રોમાં યમદૂત પણ આવે છે. આવાં અલૌકિક તત્વોને શી રીતે માની શકાય

આજના Theatre of the Absurd નાં નાટકોમાં પણ ન બની શકે તેવું ઘણું બધું આવે છે. જેમ કે ઇયોનેસ્કોના એમેડીમાં શબ મોટું થતું આવે છે ને મુખ્ય પાત્રોના દીવાનખાનામાં એનો પગપેસારો થાય છે. આવાં તો ઘણાં દશ્યો કહી શકાય. માર્ટિન એસ્લીન એને poetic Image ગણે છે. અહીં એવું કશું અર્થઘટન સંભવિત ખરું ? કહેવાય છે કે.

Each of the playwrights concerned Seek to express ho more and no less than his own personal vision of the world.

ભગવજ્જુકીયમાં બોધાયનનું vision શું એવો પ્રશ્ર્ન પણ થાય. એનો જવાબ આપવો મુશ્કેલ નથી. પરંતુ અહીં બનતા પ્રસંગોમાં કશી કશી સ્પષ્ટ સાંકેતિકતા નથી તે કબૂલવું જોઇએ. જો કે એનાથી નાટકને કોઇ રીતે ખમવું પડતું હોય એમ હું માનતો નથી. સાહિત્યની એક આગવી reality હોય છે. સર્જકમાત્ર હંમેશ એ વાસ્તવિકતાને આધારશીલા બનાવી એના ઉપર પોતાના સર્જનને સ્થાપતો હોય છે. બોધાયને ગુરુપદ પર અસરકારક કટાક્ષ કરી નાટક સિદ્ધ કયું છે..

પરિવ્રાજક શાણ્ડિલ્યને શિષ્ય બનાવવા પરકાયા – પ્રવેશનો પ્રંપચ આદરે છે. અને તેમાં જ એના કાળના સમાજ ઉપર એણે ધાર્યો કટાક્ષ કયો છે. તે સમયની ધાર્મિક સ્થિતિનાં પણ અહીં દર્શન થાય છે. પરંતુ બોધાયને સર્જેલું શાણ્ડિલ્યનું પાત્ર સામાન્ય મનુષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. એ ગણિકાને જોતાં કહે છે. ધવ વાતોને મોજ છે. આપણી પાસે ધન હોત તો તેના યુગથી માંડી આજ સુધીમાં કેટલા અબજ માણસોએ એક યા બીજી રીતે નિઃશ્ર્વાસોમાં વીંટાળી આ વાક્ય કહ્યું હશે અને તેથી જ આ પાત્ર આપણો સમભાવ પામે છે. આપણને સ્પશે છે એ અર્થમાં હું ભગવદજ્જુકીયને Communist drama કહીશ.

પોતાના ગુરુનું સ્નેહ વિનાનું વર્તન એ વેઠી શકતો નથી. કોઇ મનુષ્ય વ્યક્તિના મરણને કશી પણ લાગણી વિના ગુરુ જોઇ રહે છે. ત્યારે શાણ્ડિલ્ય ઉશ્કેરાઇ જાય છે ને પ્રશ્ર્ન કરે છે. મન પણ તમારા જેવો ( નિષ્ઠુર ) કરી મૂક્યો છે બિચારીની કાંઇક ચિકિત્સા તો કરો.

શાણ્ડિલ્ય માટે પેટ ભરવા – જીવવા માટે કોઇક ગુરુનું શિષ્યપદ સ્વીકારવા સિવાય બીજો ઉપાય નથી. એને અંતરથી એ ગમતું નથી. એનું અંતર તો આસક્તિમાં જ રમે છે. રાગ એ જ સર્વસ્વ છે એને મન, પરંતુ આજીવિકા અથે એ શિષ્યપણાનો પ્રંપચ આદરે છે. શાણ્ડિલ્યની પ્રામાણિકતા વિશે પ્રશ્ર્ન ન થવો જોઇએ. એ પરિવ્રાજક સામે કશું છૂપાવતો નથી. એ સ્પષ્ટ કહી શકે છે કે તમે ધ્યાન ધરો. હું ભોજનનું ધ્યાન ધરું છું. સાધારણજન માટે તો રોટલાનો પ્રશ્ર્ન સૌથી મોટો હોય.

બીજી તરફ કૂરૂપ પણ ધનવાન રામીલક, વસંતસેના જેવી સ્વરૂપવાન ગણિકા સાથે આનંદ ઉપભોગ માણી શકે છે. બે વર્ગનું આલેખન પણ બોધાયનને અભિપ્રેત હશે જ, એક ધન વૈભવથી ભોગમાં આળોટનારો વર્ગ અને બીજો ભૂખ્યાં જનોનો વર્ગ, જે સંપત્તિના સ્વચ્છંદ ઉપભોગને સકામ નજરે તાકી રહે છે.

ગણિકાના મૃતદેહનો સ્પર્શવાની શાણ્ડિલ્યની વૃતિમાં કોઇને Neerophila પણ જણાય. પરંતુ આ વિકૃતિ નથી. જીવંત નહિ તો મૃત અવસ્થામાં પણ ગણિકાને સ્પર્શી જોવાની વૃતિમાં એની ગરીબી જ કારણરૂપ હશે.

ભગવદજ્જુકીયમાં હાસ્યની સાથે તેના લેખકે આ પણ આલેખ્યું છે. દંભી લાલચી ચેલા તો છે જ પરંતુ અહીં ચેલાની લાલચનાં મૂળ પણ છતાં થાય છે. ભગવદજ્જુકીયનું હાસ્ય ભૂલી શકાય એવું નથી.

*************************************************** 

Dr. Varsha H. Patel
Arts college, Shamlaji
Dist – Aravali
Taluka – Bhiloda
Pin - 383355

Previous index next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us