logo

એકાંકીકાર ઉમાશંકર જોશી

અર્વાચીન ગુજરાતી સાહિત્યના બધા જ યુગ વિભાગોમાં ગાંધીયુગ ઘણી બધી રીતે વિશિષ્ટ રહ્યો છે. પુરોગામી યુગોમાં નવા પ્રવેશેલા અને ઉદભવેલા સ્વરૂપો ગાંધીયુગ આવતા તેના સર્જકોના સર્જકીય પ્રયાસો થકી વધુ ચુસ્તતા ધારણ કરે છે. આ યુગમાં કરેલા સર્જનકર્મથી ગુજરાતી સાહિત્યમાં આજે નામી પુરવાર થયેલા સર્જકો વિવિધ સ્વરૂપોમાં પૂરતા સર્જક બળથી ખેડાણ કર્યું છે. જેના પરિપાક રૂપે ગુજરાતી સાહિત્યમાં અમર થવા સર્જાયેલ કૃતિઓ વિવિધ સ્વરૂપોમાં નવી વિભાવનાઓ અને નવા જ સ્થિત્યંતરો સાથે સર્જાયેલ જોવા મળે છે. ગાંધીયુગના આવા નામી સર્જકોમાં ઉમાશંકર જોશી પ્રથમ પંક્તિમાં આવે. ઉમાશંકર જોશીએ સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં હાથ અજમાવ્યો અને વિપુલ ખેડાણ કર્યુ. તેમણે કવિતા, નાટક, એકાંકી, ટૂકીંવાર્તા, વિવેચન, પ્રવાસ સાહિત્ય, નિબંધ એમ વિવિધ સ્વરૂપોમાં સક્ષમ સર્જક સિદ્ધ થાય અને અનુગામીઓનું આદર્શ બની રહે તેવું સર્જન કર્યું છે. પ્રમુખત: કવિ તરીકે જાણીતા ઉમાશંકર જોશીએ નવા આયામો સિદ્ધ કરી શકાય તેવું પ્રદાન વિવિધ સ્વરૂપોમાં આપ્યું છે.

ઉમાશંકર જોશીએ એકાંકી સ્વરૂપમાં સાહજિક વિહાર કર્યો છે. ‘સાહજિક’ એ અર્થમાં કે જાણે અંતરના ઉમળકાથી બહાર આવ્યું હોય એ પ્રમાણે તેમની સર્જકીય છાપ અંકિત થઇ છે. તેમણે ‘સાપના ભારા’(1936), ‘શહીદ’(1948) અને ‘હવેલી’(1977) એ ત્રણ એકાંકી સંગ્રહ આપ્યા છે. ઉમાશંકર જોશીને જેલવાસ દરમિયાન પશ્ચિમિ નાટ્યકારોના નાટકોના અભ્યાસ પછી નાટક-એકાંકી લખવાની પ્રેરણા મળી. એ પછી તો એકાંકી લખવાનો એવો તો કેફ ચડ્યો કે સર્જકચિત્ત જ્યાં જુઓ ત્યાં એકાંકી માટેની ઘટના શોધતું અને ઘટનાઓ મળી પણ રહી. સહજ રીતે મળેલ ઘટનાને સર્જક પોતાના સર્જન કર્મથી એકાંકીમાં કલાત્મકતાથી ઢાળી દેતા. જેના પરિપાક રૂપે જેલમાં જ 1932માં ‘શહીદનું સ્વપ્ન’ અને ‘સાપના ભારા’ રચાયા. શરૂઆતમાં તેમના એકાંકીઓ જેલમાં વિવિધ પ્રાંતમાંથી આવેલા કેદીઓ સમક્ષ વંચાતા રહ્યા. ઉમાશંકર જોશીના શરૂઆતના એકાંકીઓના પ્રથમ ભાવકો એવા આ કેદીઓના અભિપ્રાયો લઇ, જરૂર લાગી ત્યાં સુધારાવધારા પણ કર્યા. જેલમાં જે સજ્જ ભાવકો હતા તેમના અભિપ્રાય અને પ્રસન્નતા સર્જકને વધુ જોશથી એકાંકી સર્જનની પ્રેરણા આપતી.

ઉમાશંકર જોશીના એકાંકીઓમાંથી પસાર થતા જ સમજાય છે કે સર્જકની એકાંકીના સ્વરૂપ વિશેની સમજ સુસ્પષ્ટ છે. જેની પ્રતીતિ આપણને ‘હવેલી’ સંગ્રહની પ્રસ્તાવના તરીકે મુકેલા લેખમાંથી જ થઇ જાય છે. સર્જકને નાટક લખ્યા એ પહેલા રંગભૂમિનો સીધો અનુભવ ન હતો. આમ છતાં દરેક કાર્ય અને ક્રિયા સર્જકે પોતાના મન:ચક્ષુ સમક્ષ બનતી હોય તેવી કલ્પના કરી સર્જન કર્યું છે. સર્જકે પોતાના એકાંકીઓને અભિનયક્ષમ-રંગમંચક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં કેટલાક એકાંકીઓમાં કેટલેક અંશે સફળ પણ થયા છે.

‘સાપના ભારા’ના અગિયાર એકાંકીઓ પૈકી ‘દુર્ગા’, ‘ગાજરની પિપુડી’, અને ‘વિરાટ જનતા’, નગરજીવનને આલેખે છે તો ‘પડઘા’ ગ્રામ-નગરજીવનને લઇને આવે છે. ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘ઊડણ ચરકલડી’, ‘ખેતરને ખોળે’, વગેરે રચનાઓ ગ્રામસમાજના જડ રિતરિવાજો, નારી જીવનની વિષમતાનું-કરુણતાનું ગંભીર ચિત્ર લઇને આવે છે. એમાં નિરૂપાયેલ સમસ્યાઓ ચોક્કસ પ્રદેશના લોકોની હોવા છતાં સાધારણીભૂત રીતે નિરૂપાઇ હોય તેવો અનુભવ કરાવ્યા વગર નથી રહેતી.

મધ્યમ અને નિમ્ન વર્ગના માણસોના નિર્ધન, કંગાળ, અધમ, પતિત અને દુર્જનતાભર્યા જીવનને વિષય બનાવી આવતા એકાંકીઓ કરુણ ગર્ભ બની રહ્યા છે. ગ્રામીણ સમાજની સમ-વિષમ બાજુઓનું ,તેમની વિવિધ સમસ્યાઓનું પ્રતીતિકર નિરૂપણ એમાં કરેલ છે. ગામડું એટલે ગોકુળિયું એવી સંકલ્પનાઓ અને ગાંધીયુગીન ભાવનાઓને ધ્વસ્ત કરતા દુર્જન અને અધમ વર્તન વ્યવહારથી ભરેલ કપટલીલાનું નિરૂપણ સર્જકે દયા અને શ્રદ્ધાની ભાવનાઓ જીવંત રહે તે રીતે કર્યું છે.

ગામડાઓમાં દીકરીની સાપનો ભારો ગણવાનું રૂઢ અને અમાનવીય કહી શકાય તેવું વલણ જોવા મળતું તે સર્જકે ‘સાપના ભારા’ એકાંકીમાં પ્રગટ કર્યું છે. અંબાની વિધવા દીકરી મેના તેના સાસરે ગર્ભવતી થાય,મેનાની સાસુ ધની અને મેનાના મામા દોલતરામ અંબાને ફરજ પાડે કુકર્મ કરનારનું નામ દેવા ફરજ પાડે, શીરામાં કાચ ખવડાવી કાટલું કાઢવાનો ઉપાય સૂચવાય છે પણ અંબા સ્વીકરતી નથી. અંબા મેનાને સમજાવી તેની સાથે કુકર્મ કર્નારનું નામ કઢાવે તો વેવાઇ નંદલાલનું નામ જાહેર કરે. ‘મારી શોક્ય’ ઉચ્ચારી સંકુલતા સર્જતી ધનીની માનસિકતા દ્વારા કાળા કામ સ્ત્રી જ કરે અને ભોગવે પણ એ જ એવું પ્રજામાનસ છતું કર્યું છે.

મધ્યમ અને નિમ્ન વર્ગના માણસોના નિર્ધન, કંગાળ, અધમ, પતિત અને દુર્જનતાભર્યા જીવનને વિષય બનાવી આવતા એકાંકીઓ કરુણ ગર્ભ બની રહ્યા છે. ગ્રામીણ સમાજની સમ-વિષમ બાજુઓનું ,તેમની વિવિધ સમસ્યાઓનું પ્રતીતિકર નિરૂપણ એમાં કરેલ છે. ગામડું એટલે ગોકુળિયું એવી સંકલ્પનાઓ અને ગાંધીયુગીન ભાવનાઓને ધ્વસ્ત કરતા દુર્જન અને અધમ વર્તન વ્યવહારથી ભરેલ કપટલીલાનું નિરૂપણ સર્જકે દયા અને શ્રદ્ધાની ભાવનાઓ જીવંત રહે તે રીતે કર્યું છે.

‘ઊડણ ચરકલડી’ કજોડા લગ્નની વાત લઇ આવે છે. વર કન્યાના મનની વાતનું સત્ય જાણ્યા વગર દહેજ-દગીનાની લાલચમાં વરકન્યાના મા-બાપ યૌવનના આનંદૌલ્લાસ પર થતા દમનનો અને મૂંગી વેદનાનું સબળ આલેખન સર્જકે કર્યું છે. ‘કડલા’માં છતી ખેતીએ પારાવાર ગરીબીમાં જીવતી હેતીને વેવાઇની મહેમાનગતિ માટે, વાણીયાને ત્યાં ઉધાર મકાઇ લેવા પગનાં કડલાં ગીરવે મૂકતાં થતા અપમાન-સંકોચ અને વાણિયાની ધૂર્તતા બખૂબી નિરૂપે શોષક્ની અમાનવીયતા અને શોષિતની લાચારીનું વલોવી નાખે તેવું નિરૂપણ કરે છે. ગામડાંઓમાં રૂઢિવાદી નાતના બંધનો અને કુરિવાજોના કારણે કૂવે પડવાનો વારો આવે તેવું નિરૂપણ ‘ખેતરને ખોળે’ માં કર્યું છે તો ‘શલ્યા’માં દીકરી જન્મે તો પથરો જણ્યો તેવી અંધ લોકરુચિનું નિરૂપણ કર્યું છે.

જોકે ગ્રામીણ સમાજનું આલેખન કરતા એકાંકીઓ કરતાં નગરજીવનને વિષય બનાવતા એકાંકીઓ ઓછા આકર્ષે તેવા છે. અલબત્ત ‘દુર્ગા’માં આદર્શઘેલો પતિ હરનાથ બ્રહ્મચર્યના વ્રતથી દુર્ગાના જીવનને શુષ્ક કરી નાખે છે. હરનાથના નિક્ટના મિત્ર સાથે નિકટતા અનુભવતી અને અનાથ જન્મેલા બાળકનો સ્વીકાર કરતી દુર્ગાની વેદના સુપેરે લેખક પ્રગટાવી શક્યા છે. પોતાના વિચારો દ્વારા જગત આખાને સુધારી નાંખવની મુગ્ધ ઘેલછા ધરાવી જીવતી નવી પેઢી પર કટાક્ષ કર્યો છે.

બીજા સંગ્રહ ‘શહીદ’માં અગિયાર રચનાઓ છે જેમાં બે અનુવાદ તથા એક રેડિયો રૂપક છે. એમાં ‘વિદાય’, ‘પારખું’, ‘માણેકચોક’, અને ‘શહીદ’, મંચનક્ષમ રચનાઓ બની છે. વિદાયમાં ઉમાશંકરનું ‘બળતાપાણી’ કાવ્ય જાણે નાટ્યરૂપ પામ્યું છે. ‘માણેકચોક’ એકાંકીમાં તત્કાલીન અમદાવાદની પરિસ્થિતિનું માણેકનાથ જેવા નગરદેવતાના ભાષ્ય રૂપે કર્યું છે. ‘શહીદ’માં બાળાઅઓના દેહભોગને ઓમનાથ અટકાવવી શકે છે પણ આત્માના ભોગને અટકાવવા માટે એણે પ્રાણની આહુતિ આપી શહીદી વહોરવી પડે છે એવા વસ્તુંને નાટ્યરૂપ આપી મંચનક્ષમ એકાંકી આપ્યું છે. બાકીના એકાંકીઓ સામાન્ય કક્ષાના નિવડ્યા છે.

ઉમાશંકર જોશીનો ત્રીજો એકાંકી સંગ્રહ ‘હવેલી’ માં ‘હવેલી’ તથા ‘હળવા કર્મનો હું નરસૈયો’ જેવા બે મૌલિક તથા યુરિપિડિસકૃત નાટક ‘ઇજિફિનિયા’ના અંતિમ દ્રશ્યના અનુવાદ સમેતનું પુનર્મુદ્રણ છે. ‘હવેલી’માં માનવમનની અતિસંકુલ ગતિવિધિનું રોચક નિરુપણ કર્યું છે. ‘અનાથ’ એ શાંતાક્રુઝના મંડળ માટે બે પેઢીના અંતરને બે સ્થળોમાં વહેચીં તેર પાત્રોને લઇને લખાયેલ અને ભજવાયેલ એકાંકી છે.

એકાંકીકાર તરીકે ઉમાશંકર જોશીની વિશેષતાઓ વિશે જોઇએ તો તેઓ વિષયની પસંદગી માટે પ્રથમ નાટ્યાત્મકક્ષણને પસંદ કરે છે. એકાંકીની શરૂઆત કટોકટીભરી ક્ષણથી કરે છે. ‘સાપના ભારા’માં યુવાન મેનાનું વિધવા અવસ્થામાં ગર્ભવતી થવું અને તેને કારણે ઘરના સભ્યોનું તંગ પરિસ્થિતિમાં આવી જવું, ‘ઊડણ ચરકલડી’માં વાલીના લગ્ન પ્રસંગે ચંદણીનું અણવર કેશુંના પ્રેમમાં પડવું અને તેમાંથી કટોકટી સર્જાવી, ‘કડલાં’માં ઘરે આવેલા વેવાઇનું સ્વાગત કરવા જાનથી પણ વ્હાલા કડલા દલુચંદ શેઠને કાઢી આપતા હેતીની મન:સ્થિતિ, ‘હવેલી’માં આદર્શવાદી કેશવ પ્રધાન બન્યા પછી સામાન્યજનોની પરિસ્થિતિનું માર્મિક ચિત્રણ- આ બધી નાટ્યાત્મક ક્ષણોને પસંદ કરી સર્જકે તેમના એકાંકીઓને કલાત્મક ઘાટ આપ્યો છે.

એકાંકીઓમાં સંવાદનું અત્યંત મહત્વ હોય છે. સંવાદોના માધ્યમથી જ પેક્ષકો પાત્ર-પાત્ર વચ્ચેના સંબંધો અને સંઘર્ષોની જાણ થતી હોય છે અને પાત્રોની ઓળખ ઊભી થતી હોય છે. એકાંકીને ગતિશીલ બનાવવા સંવાદો અગત્યનો ભાગ ભજવતા હોય છે. ઉમાશંકરની વિશેષતા એ છે કે તેમણે સાબરકાંઠાના ઇદર પ્રદેશની તળપદી બોલીનો તેમના એકાંકીમાં સમર્થતાથી પ્રયોગ કર્યો છે. ગ્રામપ્રદેશની બોલીમાં વ્યંગ, કટાક્ષ, તિરસ્કાર, નર્મ-મર્મ વગેરે પ્રગટ કરવા તેમણે જરૂર જણાય ત્યાં રૂઢિપ્રયોગો, કહેવતો, અને સ્થાનિક લોકગીતોના પ્રયોગ દ્વારા ગ્રામિણ વાતાવરણ ખડુ કર્યું છે. લેખકે સંવાદનો ઉપયોગ કરી સામાજિક કુરિવાજો, અજ્ઞાન, દંભ, કુટિલતા, વેરવૃતિ, શોષણખોરી, નારીજીવનની લાચારી અને તેમાંથી સર્જાતી કરૂણતા સફળતાથી ઉજાગર કરી શક્યા છે. સર્જકે યોગ્ય વિષય પસંદગી દ્વારા સંવાદોની ચોક્કસ પસંદગી દ્વારા એકાંકીનો ઉઘાડ કરી ત્વરિત વિકાસ સાધી સંઘર્ષ- કટોકટી નિર્માણનું એવું કુશળ સંકલન કર્યું કે તેમનાં એકાંકીઓ વાચકો પર અવિસ્મણીય છાપ મૂકતા ગયા. તેઓ ભાષામાં લાઘવના આગ્રહી હતા. ઓછામાં ઓછા શબ્દો દ્વારા પ્રભાવક અસર ઊભી કરવાની શક્તિ તેમની ભાષામાં દેખાય છે. જેમ કે ‘ઊડણ ચરકલડી’માં વાલીના લગ્નમાં ચંદણી અને અણવર કેશુ વચ્ચે પ્રેમ થાય, કેશુ પ્રેમના પ્રતીક તરીકે હાર ભેટ આપે પણ ચંદણીના લગ્ન કેશુંના બાપ સાથે ગોઠવાય જેના અંતને તેમણે ભાષાના સમર્થ ઉપયોગ દ્વારા સબળ બનાવ્યો છે.

જીવી : (જવા કરતાં-ચંદણીનો હાથ પકડીને) અલી ચંદણી, કેશુ તો તારો...., કે ભાઇ કે દીકરો?
ચંદણી : (ઉડાવતી) એ તો અમથો અણવર જ...
જીવી : (ઉતાવળી) હીંડ,પગ ઉપાડ, ચંદની!વા...લી...
ચંદણી : દોડ! દોડ! કે...શુ.....
(બંને અદૃશ્ય થતાં હોય ત્યાં સુધી)
જીવી : તું તો રે બેની ઉડણ ચરકલડી....

આમ, લગ્નગીતની મૂળ પંક્તિ ‘અમે રે દાદા ઊડણ ચરકલડી’ ને પણ ચંદણીની વ્યથા પ્રગટ કરવા એકાંકીકાર ‘તુ તો રે બેની ઉડણ ચરકલડી’ એમ શબ્દ ફેર દ્વારા ભાવકપક્ષે પણ સજ્જ્તાની અપેક્ષા રાખી અંતને વિશિષ્ટ ભાષા પ્રયોગથી કેવો સમર્થ બનાવી દીધો છે.

ઉમાશંકરે પાત્રાલેખનમાં કસબ દેખાડ્યો છે. તેમના એકાંકીઓમાં પાત્રો ઓછા છે. મંચ પર દેખાતા પાત્રો તેમના વાણી વર્તન્ને કારણે ચોક્કસ કામગીરી બજાવે તેની સાથે સાથે સૂચિત પાત્રો પણ સબળ કામગીરી બજાવે છે. ‘સાપના ભારા’માં મેના અને નંદરામ, બારણે ટકોરા’માં પરભુ ગોર, ’ઊડણ ચરકલડી’ માં વિઠ્ઠલ ઠાકર, હવેલીમાં કેશવ પ્રધાન, વગેરે પાત્રો સૂચિત હોવા છતાં પણ બનતી ઘટનામાં કેંદ્રમાં રહે છે અને કૃતિની આંતરવ્યથાના જનક બની રહે છે. ઓછા પાત્રો, ઓછા પ્રસંગો, ઓછા પ્રવેશો રાખી તેમણે જ્યાં સંયમ દાખવ્યો છે ત્યાં એકાંકી લક્ષગામી બની શક્યું છે અને તેઓ સફળ થયા છે. ‘દુર્ગા’ને તેના ઉદાહરણ તરીકે લઇ શકાય. મુખ્ય પાત્રોની સાથે ગૌણ પાત્રો પાસેથી પણ તેઓ ધાર્યુ કામ લઇ શક્યા છે. લીલી (સાપના ભારા), ચંચળ (બારણે ટકોરા), જીવી (ઊડણ ચરકલડી), સુખરામ (કડલાં) વગેરે ગૌણ પાત્રો મુખ્ય પાત્રોની વેદના વ્યથા વ્યક્ત કરવા માધ્યમ બની આવે છે. એટલે કે તેમના એકાંકીઓમાં ગૌણ પાત્રો પણ અનિવાર્યતાની એરણ પર આવે છે.

તેમના એકાંકીની આ સિવાયની વિશેષતાઓ જોઇએ તો ઉમાશંકર નાટ્યાત્મક વળાંકો લાવી તેની પ્રરાકાષ્ઠા નિર્માણ કરી અને તેનો ચોટદાર અંત તરફ લઇ જવામાં સારી રીતે ખપમાં લઇ શક્યા છે. ક્યારેક અણધારા વળાંકથી પ્રેક્ષકો વિચાર ચકરાવે ચઢે ત્યાં અણધાર્યો અંત લાવી કલાત્મકતા સિદ્ધ કરી દેખાડે છે. ‘પડઘા’માં માનસશાસ્ત્રીય આલેખન કરી પ્રયોગશીલતા દાખવે છે તો નાટ્યપ્રપંચ પણ ઊભો કરી શકે છે.

જો કે આ બધી ચર્ચાનો મતલબ એવો નથી કે ઉમાશંકરના બધા જ એકાઅંકીઓમાં આ પ્રકારની વિશેષતાઓ જોવા મળે છે. તેમના બધા જ એકાંકીઓ સંતર્પક બની શક્યા નથી. શહેરી વિષયવસ્તું ધરાવતા એકાંકીઓ પ્રમાણમાં નબળા વધુ લાગે છે. સાહિત્યિકતા અને મંચનક્ષમતાનો સુમેળ બધા એકાંકીમાં કરી શક્યા નથી. જ્યાં પાત્ર પ્રસંગોની બહુલતા છે ત્યાં એકાંકીનો વધુ પડતો વિસ્તાર રોકી શક્યા નથી અને એકાંકી પ્રસ્તારી થયા છે . ક્યાંક પ્રસ્તુતિકરણ સંદર્ભે આવતા સૂચનો ક્યારેક અવ્યવહારુબની રહે છે. કેટલાક એકાંકી કલાઘાટની રીતે નબળા પડે છે. જો કે એકાંકીના કલા સ્વરૂપને ઘાટ આપવામાં અને વિકસાવવામાં તેમજ ભાષા પ્રયોગમાં ઉમાશંકરે મોટું યોગદાન આપ્યુ છે. જો સર્જકે આ સ્વરૂપમાં લાંબા સમયપટ પર કલમ ચલાવવાને બદલે ભાવ, ભાષા અને રચના પ્રયુક્તિઓનું સાતત્ય જાળવી સર્જન કર્યું હોત અને અપેક્ષિત મંચીયક્ષમતાઓને ધ્યાને લીધી હોત તો ગુણવત્તાસભર એકાંકીઓ પ્રાપ્ત થયા હોત.

સંદર્ભ ગ્રંથો:

  1. ચગુજરાતી સહિત્યનો ઇતિહાસ : ગુજરાતી સાહિત્ય પરિષદ
  2. અર્વાચીન ગુજરાતી સહિત્યનો ઇતિહાસ : રમેશ ત્રિવેદી
  3. ઉમાશંકર જોશી: નાટકકાર : મનસુખલાલ ઝવેરી
  4. ઉમાશંકર જોશી સર્જ્ક પ્રતિભા : મફત ઓઝા

*************************************************** 

ડૉ. પંકજ પટેલ
ગુજરાતી વિભાગ,
સરકારી વિનયન કૉલેજ, બાયડ
જિ: અરવલ્લી.

Previous index next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us