“અનિલ જોશીના ગીતોમાં કાવ્યબાની” અનિલ જોશીને માત્ર ‘કવિ’ એવુ સંબોધન કરવા કરતાં ‘ગીતકવિ’ એવુ સંબોધન કરવુ વધુ ઉચિત રહેશે. તેમના ગીતોના સંપર્કમાં આવનાર કોઈપણ અભ્યાસુ ગીતોમાં અનુભવાતી લયાન્વિત કાવ્યબાની, ભાષાની તાજપ, અભિવ્યક્તિમાં જોવા મળતી સેન્દ્રીયતા, દોલાયમાન કરાવનાર લયને પ્રયોજવાની ફાવટ તથા દૃશ્ય કલ્પન સભર પ્રતીકાત્મક રજૂઆત જેવી ઘણી ખાસિયતોને કારણે અનિલ જોશીને માત્ર ‘કવિ’ નહિ પણ ‘ગીતકવિ’ એવું સંબોધન કરવા તત્પર થશે. બીજું કહીએ તો તેમની પાસેથી એટલા પ્રમાણમાં અને ગુણવત્તામાં ગીતો મળ્યા છે કે જેનાથી હવે આપણે તેમને ‘ગીતકવિ’ની માનદ્ ઉપાધિ આપી દીધી છે. અનિલ જોશીના પ્રાણવાન, કાવ્યત્વથી સભર અને ભાષાની તાજપથી તસતસતા ગીતો ગુજરાતી ગીતકવિતાની સમૃદ્ધિ તથા મહત્ત્વનું પ્રસ્થાન બની રહે છે. અનિલ જોશીની કાવ્ય સર્જનની પ્રવૃત્તિ વીસમી સદીના સાતમા દાયકા પછી ગુજરાતી ગીતકવિતામાં પૂર્ણરૂપે ખીલી જાય છે. એ સમય એટલે રમેશ પારેખ જેવા ગીતકવિStoneનો સમય. બંને ગીતકવિતાના સર્જકો અને વળી મિત્રો. આ રમેશ-અનિલની જોડી પાસેથી ગુજરાતી ભાષાને સરસ મજાના ગીતો મળ્યા છે. જેમાંના કેટલાક ગીતો ખુબ સરસ કમ્પોઝ થઈને હાલમાં ઓડિયો - વિડીયો કેસેટમાં પણ ઉપલબ્ધ છે. ગીતોમાં ભાષાની સજ્જતા દ્વારા ભાવ અને સંવેદનને વિકસાવવામાં વધુ રસ દાખવતા અનિલ જોશી ગીતોમાં ભાષાની તાજપ, તળપદી ભાષાનો લય ઉપરાંત,પ્રતીકાત્મક ભાષામાં અભિવ્યક્તિ, ચિત્રાત્મક દૃશ્ય કલ્પનોની શ્રેણી તેમને સહેજે એક ઉત્તમ ગીત કવિ તરીકે સ્થાપી આપે છે. અનિલ જોશી દ્વારા પ્રયોજાયેલો શબ્દ ગીતને જુદો જ લય બક્ષે છે સુરેશ દલાલ કહે છે
“ અનિલ તારો શબ્દ એ તો પવન ઉપરના પગલા રે...’’ અનિલ જોશીની કાવ્ય સર્જનની પ્રવૃત્તિના ભાગ રૂપે ‘કદાચ’, ‘બરફના પંખી’ જેવા સંગ્રહો ઉપરાંત બંને સંગ્રહોને સમાવી લેતો સંગ્રહ ‘ઓરાં આવો તો વાત કરીએ’તથા સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘ઘેંટા ખોવાઈ ગયા ઊનમાં’ જેવા સંગ્રહોમાં મળે છે.પ્રકૃતિ, પ્રણય, માનવ સ્વભાવ-સંવેદન જેવા ઘણાખરાં કાવ્ય સર્જનના સાશ્વત વિષયોને આવરી લેતા સર્જક, ગઝલ જેવો ઢાળ ધરાવતા, પઠનનમાં અને ગાન બંનેમાં ડોલન ઊભું કરે એવો લય-ઢાળ ધરાવતા ગીતો આપે છે. તેમના ગીતોમાં જોવા જઈએ તો કાવ્યકસબદ્વારા ભાષાની શક્તિનો પરિચય આપે છે, તો કેટલાક ગીતોમાં તળપદી ભાષાના પ્રયોજનથી પણ ગીતના લયમાં અભિવૃદ્ધિ થતી પણ જોવા મળે છે. કવિતા-પદ્યના સર્જનમાં કાવ્યબાની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગદ્ય કરતાં પદ્યમાં કાવ્યાત્મકતા અને સર્જનનું આવિસ્કરણ સીધે સીધું નજરે ચડતું હોય છે. ગદ્ય એ બોલચાલનું માધ્યમ હોવાથી તેમાં વ્યવહારૂ ભાષાની ઝલક નજરે ચડે છે. અને ગદ્યમાં ભાષાની વ્યવહારુતાને કારણે પરિચિતતાનો ભાવ જન્મે છે, આથી એમાં સર્જનલીલા બહુ ઓછા જોઈ શકે છે. જ્યારે કેટલાક તો તેમાં માત્ર કથા કે વક્તવ્ય જ જોઈ શકે છે. જ્યારે પદ્યમાં ભાષા-વાણી વ્યવહારથી દૂરની, સર્જકની પોતાની ભાષા લાગવાથી સર્જનમાં કલા કારીગીરી નજરે ચડે છે. ગીત કે કાવ્યમાં રસ,કલાત્મકતા કે ચમત્કૃતિ કાવ્યબાની દ્વારા પ્રગટ થાય છે. સાહિત્ય-કલા માનવસંવેદનો સાથે કામ પાર પાડે છે. સર્જક કવિતામાં માનવભાવો માનવસંવેદનનું ભાવજગત ઊભું કરતો હોય છે. સર્જક જુદી જુદી ભાવપરિસ્થિતિ સર્જી સૃષ્ટિનું સૌંદર્ય દર્શન કરાવતો હોય છે. કવિતા જેવા સંવેદ્ય અને માનવલાગણીઓની અત્યંત સુક્ષ્મરૂપે રજૂઆત કરતાં સ્વરૂપમાં તો કવિત્વશક્તિનો ભારે મહિમા હોય છે. જો કવિમાં કાવ્યબાનીને પ્રયોજવાની કુશળતા ન હોય તો કવિતામાં રસસંક્રમણ ન થઇ શકે અને કવિતા પોચટ બની રહે. આથી સર્જકે પોતાની કવિત્વશક્તિનો ઉચિત એવો વિનિયાસ કરવો અનિવાર્ય બની રહે છે. અનિલ જોશીના ગીતોમાં વાણીવક્રતા, ઉક્તિવૈચિત્ર્ય, કલ્પન-પ્રતીક અને ઇન્દ્રિયવ્યત્યયનું વિશેષ પ્રયોજન થતું જોઈ શકાય છે.તેમની પાસેથી મળતા ગીતોમાં તેમની કાવ્યબાનીની સાલસતા માણવા જેવી હોય છે. ‘પારણા’, ‘સવાર’, ‘સાંજ’, ‘કીડીએ ખોંખારો ખાધો’, ‘કુવામાં નાખી મીંદડી’, ‘આડી બિલાડી એક ઉતરી’, ‘બીક ના બતાવો’ જેવા ગીતોમાં કાવ્યતત્ત્વ અને ભાષાની માવજત જોવા મળે છે. આમતો સાહિત્ય માનવભાવવિશ્વ સાથે જોડાયેલું છે, એમાં કવિતા જેવા પ્રકારમાં માનવભાવનું કોઈ એક હૃદય ઊર્મિનું સચોટ નિરૂપણ થતું હોય છે.‘ગીત’ રચના માટે લય અને ઢાળ અનિવાર્ય હોય છે.કવિએ શબ્દોમાં સંગીત રચવાનું હોય છે.અનિલ જોશીના ગીતો આ સંદર્ભે વધુ આવકાર્ય બને છે.તેમના ગીતોનું પઠન કરતી વેળાએ જો તમે ખુદ ડોલી ન ઉઠો, તો કહેજો. ગીતોમાં એવો લય હોય છે.જે પઠન કરતી વેળા તમારા શરીરમાં ડોલન ઉભું કરી દે છે. કન્યા વિદાય’ કે ‘સવાર’ ‘સાંજ’ જેવા ગીતોનું પઠન કરી આ અનુભવ કરવા જેવો છે. અનિલ જોશીના ગીતોમાં પ્રણય, પ્રકૃતિ,આધુનિક માણસની વિસંગતિજેવા વિષયમાં તેમની રચનાઓ જોવા મળે છે. ગીતના લયમાં પ્રકૃતિજેવા કવિતાના સનાતન વિષયને અવલોકતા કવિ સ્વરૂપગત ખાસિયત અને વિષય પરત્વેની એકતા બંને જાળવી રાખે છે. પ્રકૃતિના સંધાયે તત્વોને આ લયલુબ્ધકવિ આત્મસાત્ કરાવી શકે છે. તેમના ‘સવાર’, ‘સાંજ’, ‘ગઈ પાનખર પાન સોંસરી’ જેવા ગીતોમાં પ્રકૃતિના તત્વોમાં માનવભાવોનું થયેલું નિરૂપણ જોઈ શકાય છે. જ્યારે ‘છાંટો’, ‘મોરલો અધુરો રહ્યો’, ‘ખાલી શકુંતલાની આંગળી’, ‘પ્રતીક્ષા’ જેવી કૃતિઓ પ્રણયભાવો- પ્રેમની ઉત્કટતાનું, પ્રતિક કલ્પનોની માવજતથી સરસ આકાર રચી આપે છે. તો ‘માણસ જી’, ‘મારી ઉદાસ સાંજ’, ‘રણકતો સૂનકાર’, ઘેંટા ખોવાઈ ગયા ઊનમાં’ જેવા ગીતોમાં આધુનિક માણસની વિસંગતિઓનું તેમના જીવનની સંવેદનાઓનું સૂચક નિરૂપણ કરી આપે છે. ગીત રચનાઓની સાથે સાથે તેમેણ અછાંદસ રચનાઓ પણ આપી છે, પરંતુ એ સર્વેમાં તેમના ગીતોની સંખ્યા વધુ છે. પ્રકૃતિના તત્ત્વોમાં રહેલાસૌંદર્યને અનિલ જોશી જ્યારે ગીતોમાં અભિવ્યક્તિ કરે છે ત્યારે સુંદર દૃશ્યકલ્પન સર્જાય છે. ‘સવાર’ ગીતમાં સવારના દૃશ્યને ઉઘડતું બતાવે છે- “ ઝાકળ ભીના ઝાડ કનેથી વળાંક લઈને સવારનો નીકળતો તડકો કૂદે પ્હાડના પ્હાડ !” ગીતમાં શરૂઆતથી જ અટક્યા વિના સીધીગતિનો લય જોઈ શકાય છે. સાથે સવારના ઝાકળમાં ભીના થયેલા ઝાડ ઉપરના ઝાકળ બિંદુઓથી પરાવર્તિત થતા સૂર્યના કિરણોના દૃશ્ય માટે સર્જકે પ્રયોજેલું ‘વળાંક લઈને’ અને ‘કૂદે પ્હાડના પ્હાડ’ જેવા કથનથી તડકાને-સવારને કૂદતાઉછળતા રમતા છોકરા સાથેની સરખામણી સવારને સજીવ બનાવી દે છે.આજ ગીતમાં આગળ જતાં બીજું એકસુંદર દૃશ્ય સર્જાયું છે. “ પ્હાડ ઉપરથી ગણગણતી કેડીનો પડતો ધોધદૂરની ખોબા સરખી ઝૂપડીમાં બંધાય. પાન પાન વચ્ચે નભના વેરણછેરણ ટૂકડાઓ વીંઝાતા લાગે આ તે કેવું ઝાડ !” અહીંકલ્પન અનેઇન્દ્રિયવ્યત્યયનો વિનિયોગ અનિલ જોશી કરી આપે છે. પ્હાડ ઉપરથી નીચે ઊતરતી કેડીને ‘ગણગણતી’ કહી કેડી પર ચાલતા જન સમૂહનો સંકેત આપી, સાથે એ જન સમૂહને કારણે ‘કેડી’ જેવા નિર્જીવ તત્વને સજીવ કરી આપ્યું છે. કેડી પર થઇ રહેલા સંચારને ‘ઝૂપડીમાં બંધાય’ કહી તે ઝૂપડીવાસીઓના સુચન સાથે કવિતાના વિષયને ઇન્દ્રિયગ્રાહ્ય બનાવે છે.એજ રીતે ઝાડ નીચેથી આકાશ તરફ જોતા પાન પાન વચ્ચેની ખાલી જગ્યામાં આકાશ દેખાય, એ પાન વચ્ચેના આકાશના ટુકડાઓને ઝાડના પાન રૂપે કલ્પી વીંઝાતા ઝાડ સાથે એ આકાશ પણ વીંઝાતું લાગે એવી કાવ્યાત્મક કલ્પના કરતા કવિ અહીં આશ્ચર્ય સાથે અહોભાવ વ્યક્ત કરે છે. સર્જકે આપેલ પ્રકૃતિ ગીતોમાં ‘સવાર’ ગીતની જેમ ‘સાંજ’ ગામડામાં સર્જાતા સંધ્યાકાળનાદૃશ્યને સુંદર રીતે ચિત્રાત્મક કર્યું છે. “ઘણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય “ ગોધૂલી વેળાએ ગોધણ આવી રહ્યું છે. ગાયોના ગળે બાંધેલી ઘંટડીઓના અવાજથી ગામની ભાગોળ-પાદર રૂમ ઝૂમ થઇ ઉઠી છે. કવિ અહીંગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓના અવાજને ઝાંઝરના અવાજ રૂપે કલ્પીને સાંજને કોઈ યુવતીનું રૂપ આપ્યું છે. ગામ છે એટલે પાદરમાં વડલો તો હોવાનો જ. આ વડલાની વડાવાયું પવનમાં ઝૂલી રહી છે. ત્યારે તેની પડછે સુરજ અસ્તાચળ તરફ જઈ રહ્યો છે, એવા આ દૃશ્યનીકલ્પના કરતા તેઓ સાંજને વડવાઈ ઝાલીને હિંચકા ખાતી બતાવી છે. અહીં નોંધી શકાય કે સાંજનું સુંદર દૃશ્યકલ્પન રચવામાં તેમની ભાષા કારગત નીવડી સ્વાસ ચડાવે એવી લાંબી પંક્તિઓઅને તે પણ અટક્યા વિનાનો સીધી ગીતનો લય, તથા એ દ્વારા ઊભું થતું ડોલન તો ખરું જ પણ એ સાથે તેમની કલ્પના સભરતા પણ ગીતોને નોખી સિદ્ધિ અર્પે છે. ‘સવાર’ ગીતમાં ઝાડ નીચેથી જોતા નભના ટુકડાઓ રૂપે વિંઝાતા આભની જે કલ્પના તેમણે કરી હતી એવી જ બીજી કલ્પના અહીં જોવા મળે છે “ સાવ અચાનક કાબરટોળું ડાળ ઉપરથી ઉડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું કાબરટોળા વડે તૂટેલા પાનની જગ્યાએ દેખાતાસંધ્યાકાળના લાલઆભને વડલાના લીલા પાન વચ્ચે એક લાલ પાન બનાવી દેતી કલ્પના,તથાઘઉંના ખેતર વચ્ચે થઈને ગામ પહોંચતી પગદંડી-કેડીને ‘સીમપરીની સેંથી’ સાથેસરખાવવામાં કવિની કાવ્યબાની પ્રયોજવાની સિદ્ધિ ડોકાય છે. તેમની આ ગીત રચનાને બિરદાવતા સુરેશ દલાલ ‘ઘેંટા ખોવાઈ ગયા ઊનમાં’ સંપાદનની પ્રસ્તાવનામાં નોંધે છે - “ સાંજનું ચિત્ર અનિલની કલમ આલેખે છે ત્યારે એ કેવળ દૃશ્ય ચિત્ર નથી રહેતું પણ શ્રાવ્યચિત્ર પણ થાય છે. Poetry is a Speaking Picture અને Poetry is a Musical thought એ બંને વ્યાખ્યાઓ જાણે કે એક જ કાવ્યમાં મૂર્તિમંત થાય છે ” પ્રકૃતિના તત્ત્વોનું નિરૂપણ તો અનિલ જોશીના ગીતોમાં ઠેર ઠેર જોવા મળે છે. ‘સવાર’ અને ‘સાંજ’ બંને ગીતોમાં કવિએ સરસ દૃશ્યકલ્પનો ખડા કરી આપ્યા છે. એ ઉપરાંત એ દૃશ્યોને જીવંત કરતો ભાષાવૈભવ પણ જોવા જેવો છે. શિષ્ટ ગુજરાતી ભાષા અને જરૂર જણાય ત્યાં પ્રાદેશિક બોલી અથવા ઉચ્ચારણ વૈશિષ્ટ્યને પ્રયોજી ગીતને લય અને માધુર્ય આપ્યું છે. ‘સવાર’ અને ‘સાંજ’ ગીતને આંખ કાન જેવી ઇન્દ્રિયગ્રાહ્યતા અર્પવા માટે વપરાયેલી સર્જક બાની એક ગીતકારની કુશળતા છતી કરે છે. અનિલ જોશીના ગીતો પ્રકૃતિના તત્વો બાદ પ્રણયને વિષય બનાવીને આવે છે ત્યારે નોખું ભાવવિશ્વ ઊભું કરી આપે છે. ક્યારેક પ્રણય અને પ્રકૃતિ બંને વિષય એક જ ગીતમાં સાથે પ્રયોજાતા પણ જોઈ શકાય છે. તેમની કવિતામાં પ્રણયભાવની અભિવ્યક્તિ કરતા કેટલાક ગીતો મળે છે. ‘છાંટો’ ગીત તળપદી ભાષાના લયમાં આવિષ્કાર પામતું નાયિકાના મૂક સંવેદનવિશ્વને આલેખતું ગીત છે. વર્ષા એ તો પ્રણયનું સર્વાધિક બળવત્તર ઉદ્દીપન છે. પણ આ વરસાદને અનિલ જોશી જુદા જ અંદાજમાં અને ભાવોમાં ગૂંથીને પ્રકૃતિ સાથે પ્રણયનું અનુસંધાન કરી આપે છે. નાયિકાના ભાવવિશ્વની તથા પ્રણયભાવોની અહીં સુંદર અભિવ્યક્તિ થઇ છે.- “ પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી રે... “ પિયુજી છાપરાને બદલે જો આભ હોત તો બંધાતી હોત હું ય વાદળી રે... નાયિકાના પ્રણયભાવને વ્યક્ત કરતું આ ગીત નાયિકાની વિટંબણા અને તેના મનોભાવોની મીઠી અભિવ્યક્તિ કરે છે. સાસુ-સસરા કાશીની જાત્રાએ ગયા છે ત્યારે મળેલી એકલતામાં પતિનો સહવાસ માણી લેવાની ઉત્કંઠામાં પિયુની નીરસતા નાયિકાની વિટંબણાનું કારણ બને છે.ગીતમાં ભાષાની તળપદતા દ્વારા લોકજીવનને આંબવાનો સર્જકે પ્રયત્ન કર્યો છે. ‘પહેલા’ના સ્થાને ‘પેલ્લા’, ‘વરસાદ’ના સ્થાને ‘વર્સાદ’, ‘મને’ના સ્થાને ‘મુને’, ‘વાગ્યો’ના સ્થાને ‘વાગિયો’ જેવા બોલીના પ્રયોગો ગીતને લોકજીવનનો સ્પર્શ આપે છે. જ્યારે ‘પાટો’, ‘હાલી રે’, ‘વ્હેંત વ્હેંત’ અને ‘ખાલી ’, ‘ખલ્લેલ’,ના પ્રયોજનથી ગીતને લોકગીત જેવો ઢાળ મળ્યો છે. ગીતની કડીઓમાં ‘હાલી– ખાલી’, ‘જાતરા – કાતરા’, વાદળી – ઓગળી’નો અંત્યાનુંપ્રાસ એ સાથે ‘ રે...’ વડે દરેક કડીને આપેલો ગીતના ગાન માટેના ઉપાડનો લય, સર્જકની કવિત્વ શક્તિનું પરિણામ બની આવે છે.તળપદી ભાષાને કારણે આ ગીતને લોકગીત જેવો ઢાળ અને લોકજીવનનો સ્પર્શ મળ્યો છે. એજ રીતે બીજા લોકજીવનનો સ્પર્શ પામીને આવતા ગીતોમાં ‘પારણા’ અને ‘ત્યાગ’ છે. સંયુક્ત કુટુંબમાં રહેતી વહુની કરુણ સ્થિતિનું ચિત્ર ‘પારણા’માં આંખ આગળ ખડું થાય છે. દિવસભર કોઈને કોઈ કામમાં રોકાયેલી રહેતી ઘરની વહુને શાંતિથી જમવાની ફુરસદ પણ મળતી નથી “સત્તર દા’ડાની મુને લાંઘણ હતી તો વળી પારણું કરવાને જરી બેથી. એક પછી એક કામ આવતા જ જાય છે અને ‘બે જીવ સોતી’ નાયિકા-વહુને જમવાનું પડતું મૂકીને કામ પતાવવા ઊઠવું પડે, આ પ્રસંગો દ્વારા ઘરના કામોમાં આગળ રખાતી ઘરની વહુની કરુણતા Drametic રીતે ઉપસી આવી છે. લોકબોલીના પ્રયોજનથી ગીતને જનજીવનનો સ્પર્શ મળ્યો છે. “બે જીવ સોતી બેય આંખ્યુની માટલીમાં નાની અમથીક તૈડ પડતી” માં ગીતની અંતિમ કોટી એ પહોંચતા નાયિકાની કરુણતા વધુ ઘેરી-વધુ તીવ્ર બની જાય છે, લોકજીવનમાંથી જ ઉપસી આવતું આ ગીત લોકજીવનના રંગે રંગાઈને આવ્યું છે. સંસારજીવનના આપણા સમાજના ગૃહજીવનના દૃશ્યનો નજીકથી પરિચય કરાવી જાય છે. ‘મોરલો અધૂરો રહ્યો’માં કવિ કાપડ ઉપર સોય દોરા વડેમોરલો ભરવાની લોકજીવનની ભરત ગૂંથણની પરંપરાને ગીતની કાવ્યાત્મક ક્ષણ માટે ઉપયોગમાં લીધી છે,ગીતમાં નાયિકાની પ્રેમની વાંછના અને અતૃપ્તિને મોરલાના પ્રતિક દ્વારા પ્રગટ કરવામાં આવ્યું છે. “ હું તો અંધારે મોર બેઠી ભરવા ને મોરલો અધૂરો રહ્યો. અનિલ જોશીની કાવ્યાત્મક બાનીનો પરિચય તેમના દરેક ગીતમાંમળી રહે છે. અહીં પણ દરેક કડી-પંક્તિને અંતે પૂર્ણવિરામ મુકીને જે તે કડીમાં જે તે ભાવ યોજી વિધાનને સ્વયં સંપૂર્ણ રીતે પ્રયોજે છે. ગીતમાં લોકતત્ત્વને આણવા માટે પ્રયોજાતું ભાષાકૌશલ અહીં જોઈ શકાય છે. ‘અંધારે મોર બેથી ભરવા’, ‘નથી સોયમાંથી નીકળતો દોરો’, ‘ગૂંચભર્યા દોરાનો ઢગલો’, ‘પડી દોરામાં થોકબંધ ગાંઠયું’ વગેરે જેવા દરેક પંક્તિમાં પ્રથમ કારણ રજુ કરી તેની પાછળ મોરલો અધુરો રહેવાનાકાર્યને પ્રયોજતા કવિ ગીતના આસ્વાદનનો જુદોજ અનુભવ કરાવે છે. પરિસ્થિતિ વક્રતાને પ્રયોજીને કવિએ નાયિકાની અધુરપની વ્યંજના સભર રજૂઆત કરી છે. ‘પ્રતીક્ષા’ ગીતમાં નાયિકાનો પતિ સાથેનો વિરહતથા તે પછીની પ્રતીક્ષાની પરિસ્થિતિનું બયાન થયું છે. વરસાદની ઋતુ છે અને પ્રિયતમની અનુપસ્થિતિ નાયિકાના પ્રેમની પરાકાષ્ઠામાં મોટું વિઘ્ન બને છે, વિરહિણી નાયિકાના મનોભાવોને અભિવ્યક્ત કરવા માટે કવિએ સુંદર દૃશ્ય કલ્પન પ્રયોજ્યું છે. ‘પ્રતીક્ષા’ ગીતમાં નાયિકાનો પતિ સાથેનો વિરહતથા તે પછીની પ્રતીક્ષાની પરિસ્થિતિનું બયાન થયું છે. વરસાદની ઋતુ છે અને પ્રિયતમની અનુપસ્થિતિ નાયિકાના પ્રેમની પરાકાષ્ઠામાં મોટું વિઘ્ન બને છે, વિરહિણી નાયિકાના મનોભાવોને અભિવ્યક્ત કરવા માટે કવિએ સુંદર દૃશ્ય કલ્પન પ્રયોજ્યું છે. “ વર્ષાદ તો ક્યારનો રહી ગયો રે..આ તો વરસે છે લીલું છમ ઝાડ, મારા બાલમા વરસાદ પડતો બંધથઇ ગયા પછીભીંજાયેલા ઝાડ પરથી પડતા પાણીના ટીપા જોતા ઝાડ વરસતું હોય એમ લાગે છે, એજ રીતે કોઈ ઘટાદાર ઝાડની કોઈ ડાળ ઉપર બેસેલું પંખી ટહૂકો કરીને ઉડી જાય પછી એ ડાળ ટહૂકા કરતી લાગે. એમ બંને પંક્તિમાંદૃશ્યકલ્પન લાવી આપે છે. એકાંતના સમયે નાયિકાને પ્રિયતમ સાથે વિતાવેલ પ્રેમસભર ક્ષણોની તીવ્ર યાદને ઉપરોક્ત પંક્તિઓ સૂચિત કરી આપે છે. નાયિકાના હૃદયમાં પડેલા પતિ સાથેના પ્રેમસભર સ્મરણો, પ્રિયતમ સાથે વિતાવેલ સમય એક પછી એક સ્મરણપટ ઉપર આવતી જાય છે. વિરહિણી નાયિકાની વિરહવેદનાનું બયાન કરતા કવિએ આગળ બીજું એક સુંદર કલ્પન પ્રયોજ્યું છે. “ પૈડાં બેસાડી ધક્કા મારજો રે.. પતિની ગેરહાજરીમાં વિરહની મારી નાયિકા માટે સમય જ જાણે થંભી ગયો છે. એ સમયની મંથર ગતિની અભિવ્યક્તિ માટે ‘ગોકળ ગાય’ સૂચક પ્રતીક બની રહે છે.એજ રીતે ઝૂરાપાને કારણે દૂબળી પડી ગયેલ દેહદશાનું બયાન કરવા ‘સળગવાની શિંગ’ જેવું ઘરગથ્થું પ્રતીક સચોટ અભિવ્યક્તિ કરે છે. ગીતમાં થયેલ પ્રતીક-કલ્પન સભર રજૂઆત ઉપરાંત‘મારા બાલમા’ જેવા સંબોધન દ્વારા ગીતનેમળેલો લય-ઢાળ અનેરો છે ‘ખાલી શકુંતલાની આંગળી’ ગીતમાં ‘શાકુંતલમ’ના સંદર્ભ દ્વારા નાયિકાની મૂંઝવણ અને ભાવસંવેદનની અભિવ્યક્તિ સાધી છે.ગીતમાં કવિની તાજપ ભરીકાવ્યબાનીનો પરિચય મળી રહે છે- “ વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાંપીછાં આગળ ‘સવાર’ ગીતમાં કવિએ સવારને કોઈ નાના છોકરાની જેમ કૂદતું રમતું બતાવ્યું છે જ્યારે અહીં ઉઘડતા પરોઢથી શરુ કરી ધીમે ધીમે દિવસ ચઢતો જાય અને સુરજ નીકળતા પ્રભાત પૂર્ણ થવાની ઘટનાને આલેખતા પ્રભાતને પંખી સાથે સાંકળી દિવસ ચઢતા જેમ પ્રભાત પૂર્ણ થાય છે, તેને માટે ‘ખરતા પરભાતિયાનાં પીછાં’ એમ મૂર્ત રૂપ આપવામાં તથા કાગડાને પણ રાતો કરી દેવાની સંભાવનામાં અને ‘સૂર થઈ ઊડી જાય વાંસળી’માં વાસ્તવિક જીવન કરતાંઉફળા ચાલવાનો-ઉક્તિવૈચિત્ર્યને યોજવાનો તેમનો અંદાજ ગીતને તાજપ બક્ષે છે. એજ પ્રકારનું ઉક્તિ વૈચિત્ર્ય ‘કીડીએ ખોંખારો ખાધો’, ‘તુલસીનું પાંદડું’ જેવી અન્ય રચનાઓમાં પણ જોવા મળે છે. “ ક્રાઉં ક્રાઉં કાગડાથી ખીચો ખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો ઉપરોક્ત ગીતમાં કવિએ ‘કાગડાનું ક્રાઉં ક્રાઉં’ને કાનનો વિષય બનાવી ઇન્દ્રિયવ્યત્યય પ્રયોજ્યું છે. તો તેમાં પ્રયોજાયેલી ઉક્તિ વૈચિત્ર્ય અને અતિવાસ્તવભરી રજૂઆત પણ નજરે ચડે છે.ગીતનો લિરીકલ ટોનતો અનુભવી શકાય છે ઉપરાંત ગીતને આધારે કવિએ કરેલું સામાજિક ચિંતન પણ તેમની બાનીમાં અદભૂત રીતે રજૂ થયું છે. ‘અભરે ભરાઈ ગયા’, ‘રિસાઈ જતી છોકરીનું ગીત’, ‘ધૂળ’ જેવા ગીતોમાં પ્રેમનું સંવેદનકાવ્યાત્મક બાનીમાં મૂર્તથતું આવે છે. ભાષાના માધ્યમને સમજનાર અને તેની મર્યાદા અને શક્યતાઓ બંનેના જાણકાર કવિ તેની અસર કારકતા સિદ્ધ કરતા પ્રયોજે છે. આધુનિક ગીતકવિ તરીકેની તેમની છાપભાષાના પ્રયોજનમાં ઠેર ઠેર છતી થાય છે. ‘બીકણ અવાજ’,‘કૂવામાં નાખી મીંદડી’, જેવા ગીતોમાં પણ તેમની કાવ્યબાની જુદાજ રંગ અને અંદાજમાં જોવા મળે છે. ‘બીકણ અવાજ’ ગીતમાં સર્જકે ‘ટીટોડી’ જેવા ગભરું પક્ષીને પ્રતીકાત્મક રીતે રજૂ કરીને પોતાની કવિત્વશક્તિ સિદ્ધ કરી છે. અસ્તિત્વ ખોયાની વેદના માટે પ્રયોજેલ ‘મારાં પીછાં ખોવાઈ ગયા ભીડમાં’ સૂચક રજૂઆત બની છે.પીછા એ કોઈ પણ પંખીને માટે તેની ઓળખ અને તેના અસ્તિત્વની નિશાની છે. ત્યારે પીછા વિનાનું-ઓળખ વિનાના પંખીના રૂપક દ્વારા પોતાના અસ્તિત્વ ખોયાની વાતને રજુ કરે છે. “ હું તો ઊડતી ટીટોડીનો બીકણ અવાજ
મારાં પીછાં ખોવાઈ ગયા ભીડમાં કવિએ સમગ્ર ગીતમાં જુદી જુદી પરિસ્થિતિઓ ઊભી કરી મૂળે એક મૂક વેદનાને વાચા આપી છે. ગીતમાં લય જળવાઈ રહે તે માટે ગીતની દરેક કડીના અંતિમ પદનું પુનરાવર્તન કરી ગીતના લય અને સૌન્દર્યમાં વૃદ્ધિ કરી છે. ઉપર જોઈ ગયા એમ અનિલ જોશીના ગીતોમાં તેમની કાવ્યબાનીમાં ઉક્તિવૈચિત્ર્ય અને વક્રોક્તિ પ્રયોજવાનું વિશેષ જોવા મળે છે. ‘કીડીએ ખોંખારો ખાધો’, ‘તુલસીનું પાંદડું’ જેવા ગીતોની જેમ ‘કૂવામાં નાખી મીંદડી’ અને ‘આડી બોલાડી એક ઉતરી’ જેવા ગીતોમાં પણ ઉક્તિવૈચિત્ર્યનું તત્ત્વ ડોકાય છે. ‘કૂવામાં નાખી મીંદડી’ ગીતમાં હતાશા-નિરાશાના ભાવને જુદા જુદા અંદાજમાં કવિ નિરુપિત કરે છે. “ કૂવામાં નાખી મીંદડી તે આવી ખાલી હાથ રે... કૂવામાં નાખેલી મીંદડીનું ખાલી હાથ આવવું એ નિરાશામાટેનું કારણ છે. એ હતાશાને કવિએ જુદી જુદી પરિસ્થિતિમાં પ્રયોજીને સમગ્ર ગીતમાં વ્યાપ્ત કરી છે. બીજી પંક્તિમાંકૂવામાં દેખાતા આકાશના પ્રતિબિંબ માટે રચેલું કલ્પન પણ કલાત્મક છે. પછીની પંક્તિમાં સર્જકની ઉક્તિવૈચિત્ર્ય દ્વારા ભાવસંવેદનનું થતું નિરૂપણ જોઈ શકાય છે. એજ રીતે ‘આડી બોલાડી એક ઉતરી’ ગીતમાં પણ ઉક્તિવૈચિત્ર્ય દ્વારા અને વ્યવહાર જીવનથી વિરોધાભાસ ઉભો કરીને પોતાની રજૂઆત કરી છે. અનિલ જોશીના ગીતોની વિશિષ્ટતા એ છે કે તેઓ ગીતમાં પ્રત્યક્ષ રીતે કોઈ એક જ ભાવ કે સંવેદનને લઈને ચાલતા નથી હોતા પણ અનેક સંદર્ભો વડે કોઈ એક ભાવને પરોક્ષ રીતે વફાદાર રહેતા હોય છે. તેજ રીતે તેઓ ગીતની શરૂઆત કર્યા બાદ જુદા જુદા અનેક સંદર્ભોમાં તેનો વિસ્તાર કરીને ગીતના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે. ‘ગઈ પાનખર પાનસોંસરી’ગીતમાં વક્રોક્તિભરી કાવ્યબાનીમાં અનેક સંદર્ભો ઉઘડતા નજરે ચડે છે “ રણને દરિયો કરવા ચકલી રોજ સવારે તળાવમાંથી ટીપું લઈને રણમાં જઈને નાખે ‘અભરે ભરાઈ ગયાં’‘ધૂળ’, ‘ઝીણાં ઝીણાં’, ‘બરફના પંખી’, ‘કન્યાવિદાય’, જેવા ગીતોમાં અનિલ જોશીનો ગીતકવિ તરીકેનો આગવો મિજાજ નજરે ચડે છે. ‘કન્યા વિદાય’ તેમેનું ખુબ જ પ્રસંશા પામેલું ઉત્તમ કહી શકાય એ પ્રકારનું ગીત છે. આ ગીતમાં લગ્નના કરુણ-મંગલ પ્રસંગનું માર્મિક આલેખન સાથે સમાજમાં આવા પ્રસંગે રજુ થતી માનસિકતાનું અસરકારક આલેખન કરી આપે છે. નવવધૂ તથા તેની માતાના ભાવોની અભિવ્યક્તિ કરતું આ કરુણ-મંગલ ગીતની સંવેદનસભર પ્રતિકાત્મકરજૂઆત ગીતના ભાવની અભિવ્યંજના સાથે સર્જકનો વાગ્વિલાસ પણ રજુ કરે છે. “ સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે અનિલ જોશીના ગીતોમાં નારી હૃદયની ઊર્મિઓને વાચા આપવાનું મહદંશે વધુ બન્યું છે, તેમના મોટાભાગના ગીતો નારીની સંવેદનાને લઈને આવે છે ‘ફળ’ રચના માતૃત્વની અભિલાસ સેવતી સ્ત્રીની વેદનાને અભિવ્યક્ત કરે છે. ‘ત્યાગ’માં નારીના અસ્તિત્વને લોપી દેતી કરુણતા પ્રગટ થઇ છે. તો ‘પથ્થરની કાયામાં’ પણ ‘ફળ’ની જેમ માતૃત્વની અભિપ્સા પ્રગટ થવા પામી છે. ગીતકવિ અનિલ જોશીની ગીતસંપત્તિ ઉપર દ્દ્રષ્ટિપાત કરીએ તો એક કવિ તરીકેની અનેક સિદ્ધિઓ તેમના ભાષાવૈભવમાં જોઈ શકાય છે. ગીતને તાજપ બક્ષતી ભાષા તથા એ ભાષાને સમૃદ્ધ બનાવતા કલ્પનો, પ્રતીકોથી સભર રજૂઆત તેમની રચનાઓમાં જોવા મળે છે. એજ રીતે તેમને ઇન્દ્રિયવ્યત્યય સભર રજૂઆત કરવામાં પણ વિશેષ રસ છે. વ્યવહારુ જીવનમાંથી આવતા અનેક સંદર્ભોને કવિ ઇન્દ્રિયવ્યત્યયમાં પ્રયોજીને ઇન્દ્રિયગ્રાહ્ય રજૂઆત કરે છે. ભાષાના માધ્યમનો પૂર્ણ રૂપે ઉપયોગ કરવામાં માનનારા આ સર્જક ગુજરાતી ભાષાની ઉચ્ચારણ વિશિષ્ટતાનો તથા ગીતમાં જરૂર જણાય ત્યાં તળપદી ભાષાનો પ્રયોગ કરી આ લયલુબ્ધ કવિએ ગીત સાથેનું સગપણ વધુ મજબુત કર્યું છે. આઠમા દાયકા નો આ ગીતકવિ એના ગીતોની તાજપભરી કાવ્યબાનીને કારણે પણ ચિરંજીવ બની રહેશે. ***************************************************
વણકર ધર્મેશકુમાર વી. |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |