logo

શિશુપાલવધના મંગલશ્લોકમાં પ્રયુક્ત શબ્દોનું વૈશિષ્ટ્ય

સંસ્કૃતના પંચરત્ન સમાન પંચમહાકાવ્યોમાં બૃહત્ત્રયીની અંદર શિશુપાલવધનો સમાવેશ થાય છે અને માઘ પંડિતયુગના મહાકવિઓની હરોળમાં ટોચનું સ્થાન ધરાવે છે. ભારવિ,શ્રીહર્ષ,માઘ ત્રણેય મહાકવિઓએ પોતાના મહાકાવ્યોમાં વિદ્વત્તાનો સૂપેરે પરિચય કરાવ્યો છે. ભારવિનું અર્થગૌરવ,કાલિદાસની ઉપમા, દંડીનું પદલાલિત્ય અને માઘમાં આ ત્રણેય ગુણવૈશિષ્ટ્ય રહેલું છે.(૧) માઘે શિશુપાલવધમાં દરેક શ્લોકમાં શબ્દચયન,અર્થગૌરવ,પદલાલિત્ય અને વ્યાકરણાત્મક જ્ઞાનને પોતાના મહાકાવ્યમાં સવિનય રજૂ કર્યું છે. તેથી તો નવસર્ગગતે માઘે નવશબ્દો ન વિદ્યતે |(૨). આવી સુદંર પ્રશસ્તિ માઘના નામને વરી છે.ક્રિયાપદ,વિભક્તિ,સમાસ,કૃદંત,વિશેષણ,અવ્યય, અને યોગ્ય શબ્દચયન બાબતે માઘે ઘણા નૂતન પ્રયોગો કર્યા છે.શિશુપાલવધના મંગલશ્લોકથી જ આપણને માઘની વિદ્વત્તના અણસારો મળી રહે છે. તેથી શિશુપાલવધના મંગલશ્લોકમાં વ્યાકરણાત્મક વૌશિષ્ટ્ય રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

શ્રિય:પતિ શ્રીમતિ શાશિતું
જગજ્જગન્નિવાસો વસુદેવસદ્મનિ |
વસન્દદર્શાવતરંતમમ્બરાદ્
હિણ્યગર્ભાંગભુવં મુનિં હરિ: ॥ ૧/૧ શિશુપાલવધ

(જગતનું શાસન કરવાના હેતુથી સમૃદ્ધ વસુદેવના ઘરમાં જીવન વિતાવતા જગતના નિવાસ લક્ષ્મીપતિ હરિએ આકાશમાંથી ઉતરી રહેલા બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલ મુનિ નારદને જોયા )

શિશુપાલવધનો મંગલશ્લોક વસ્તુ નિર્દેશાત્મક છે(૩) ભગવાન કૃષ્ણ આકાશમાંથી ઉતરતા નારદને જૂએ છે. એમ પહેલા જ શ્લોકમાં જણાવી કથાવસ્તુના મહત્વના તથા બીજરૂપ અંશનો કવિ નિર્દેશ કરે છે.મંગલ વિશે ભાષ્યકાર પતંજલિએ પણ કહ્યું છે કે (૪) આ સાથે, પ્રારંભિક શબ્દ ‘શ્રિય:’ મંગલવાચી છે એ ન ભૂલીએ તો ઉપર દર્શાવ્યા મુજબ દેવતા સ્મરણ પણ સમજી શકાય છે. ‘શ્રી:’ શબ્દ માંગલિક અર્થમાં એતલો બધો પ્રચલિત છે. કે, ભારતીય જીવનના પ્રત્યેક પાસામાં તેને સ્થાન મળ્યું છે. શ્રિય:પતિ: લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ આ શબ્દ પ્રયોગ કરવાથી કૃષ્ણ લક્ષ્મી સાથે જ છે એમ સૂચવવાનો કવિનો નિર્દેશ છે. કૃષ્ણના પત્ની રુક્મિણી લક્ષ્મીનો અવતાર હતા.વિષ્ણુપુરાણમાં લખ્યું છે કે, રાઘવત્વે ભવેત્સીતા રુક્મિણી કૃષ્ણજન્મનિ | (૫) .

શ્રી શબ્દના ઉપયોગથી કાવ્યના શ્રીગણેશ માંડતા કવિ આ જ પ્રમાણે ઉપક્રમ કરતા ભારવિ કવિનું અનુસરણ કરે છે. દરેક સર્ગાંતે પણ ‘શ્રી’ શબ્દ વાપરે છે.(૬)

માઘ સાહિત્યપરંપરાને અનુસરતાં શિશુપાલવધના મંગલશ્લોકનો આરંભ ‘શ્રી:’ શબ્દથી કરે છે. સાથે વિશિષ્ટતા એ કે ‘શ્રી’ ની સાથે સાથે ‘પતિ’ શબ્દ તરત જ આવતો હોવાથી વિષ્ણુ અર્થ પણ મળે છે. આથી મંગલ શ્લોકમાં જ વિષ્ણુ અને લક્ષ્મીનું સ્મરણ માઘે કર્યું છે. માઘે મંગલશ્લોકમાં જ પોતાનું શબ્દવૈશિષ્ટ્ય રજૂ કરી દીધું છે. સાથે સાથે યમક અલંકારનું અદ્ભૂત સાયુજ્ય સાધ્યું છે. ‘લક્ષ્મીપતિ’ શબ્દ પ્રસિદ્ધ હોવા છતાં ‘શ્રિય:પતિ:’ નૂતન શબ્દપ્રયોગ વાપરે છે. અને ‘જગન્નાથ’ શબ્દ પણ પ્રચલિત હોવા છતાં ‘જગન્નિવાસ’ શબ્દ વાપરે છે. આમ, શરૂઆતમાં માઘ પોતાની શબ્દપસંદગીનું વૈશિષ્ટ્ય રજૂ કરી દે છે. માઘે શિશુપલવધના મંગલશ્લોકમાં કુલ ૧૪ પદો વાપર્યાં છે.

શ્રિય:પતિ: શ્રીમતિ શાસિતું ‘શ’નું વર્ણસામ્ય દર્શનીય છે. જગજ્જગન્નિવાસ: માં ‘જ’ અને ‘ત’ નું પણ સુંદર વર્ણમામ્ય છે. વસુદેવમાં ‘વ’, વસંદદર્શાવતરન્તમાં ‘વ’ અને ‘દ’ નું પણ વર્ણસામ્ય સરસ છે. વસુદેવસદ્મનિ માં પણ અર્થગૌરવવાળો છે.કૃષ્ણ પોતાના ઘરમાં ન રહેતા માઘે પિતા વાસુદેવના ઘરમાં રહેતા એમ કહ્યું છે. જે અર્થચમત્કૃતિમાં વૃદ્ધિ કરે છે.

માઘનો વિભક્તિ પ્રયોગ પણ જોવા જેવો છે. પ્રાતિપદિકાર્થલિંગપરિમાણવચનમાત્રે પ્રથમા ।(૮) અને કૃત્તદ્ધિતસમાસાશ્ચ । ૨/૩/૪૬ સૂત્રથી પતિ:,જગન્નિવાસ:,વસન:, હરિ: માં પ્રથમા વિભક્તિ થઇ છે. જગત,અવતરંતં હિરણ્યગર્ભાંગભુવં મુનિં માં કર્તુરીપ્સિતતમં કર્મ ।(૯)૧/૪/૪૯ અને કર્મણિ દ્વિતીયા ।(૧૦) ૨/૩/૨ સૂત્રથી કર્મસંજ્ઞા થઇને દ્વિતીયા વિભક્તિ થઇ છે. અમ્બરાત શબ્દમાં ધ્રુવમપાયેડપાદાનં ।(૧૧) ૧/૪/૨૪ અને અપાદાનેડપંચમી ।(૧૨)૨/૩/૨૮ સૂત્રથી અપાદાના સંજ્ઞા થતાં પંચમી વિભક્તિ થઇ છે. શ્રિય: માં શેષે ષષ્ઠી ।(૧૩) ૨/૩/૩૮ સૂત્રથી ષષ્ઠીવિભક્તિ થઇ છે. શ્રીમતિ વસુદેવસદ્મનિ માં આધારોડધિકરણં ।(૧૪) ૧/૪/૪૫ અને અધિકરણે સપ્તમી ।(૧૫) ૨/૩/૩૬ સૂત્રથી અધિકરણ સંજ્ઞા થતાં સપ્તમી વિભક્તિ થઇ છે. માઘે એક જા વાક્યમાં મોટાભગની વિભક્તિનો સમાવેશ કરી લીધો છે.

માઘે પ્રથમ શ્લોકમાં ત્રણ જ સામસિક શબ્દો વાપર્યા છે. જગન્નિવાસ: અને વસુદેવસદ્મનિ માં ષષ્ઠી તત્પુરુષ સમાસ છે.અર્થનું પણ જળવાઇ રહે છે. અને હિરણ્યગર્ભાંગભુવં શબ્દમાં બહુવ્રીહિ સમાસ છે. માઘે વિશેષણપ્રયોગોમાં પોતાની વિદ્વત્તા બતાવી આપી છે. શબ્દપસંદગી કરવામાં માઘ ઔચિત્ય દાખવે છે. અવતરંત વિશેષણ પણ અમ્બરાત સાથે બંધબેસતું પસંદ કર્યું છે.અવતરણ કરતા નારદમુનિ એમ અર્થ થાય છે તેથી આકાશા માટે ઘણા પર્યાય શબ્દોમાંથી અમ્બર શબ્દ પસંદ કરે છે કેમ કે, અવતરંતની સાથે લયબદ્ધતા જળવાય છે.

‘અવતરન્તમ્’ વિશેષણ પણ ‘અમ્બરાત્’ સાથે બંધ બેસતું પસંદ કર્યું છે. અવતરણ કરતા મુનિ નારદ એમ અર્થ થાય છે. તેથી ‘આકાશ’ માટે ઘણા પર્યાય શબ્દોમાંથી ‘અમ્બર’ શબ્દ જ પસંદ કર્યો છે. તેમાં માઘની સુયોગ્ય શબ્દપસંદગી જણાય છે. ‘વસન્’ હરી માટે વપરાયેલું વર્તમાન કૃદંત પણ ઉપસર્ગ વગર વાપર્યું છે. જે ‘વસુદેવસદ્મનિ’ સાથે બંધ બેસે છે. ઘર માટે પણ ‘સદ્મ’ જ શબ્દ પસંદ કર્યો છે.કેમ કે, ‘શ્રીમતિ’ ઘર માટે વિશેષણ તરીકે રૂપ વાપર્યું છે.આમ તો , ‘વેશ્મ’ શબ્દ વાપર્યો હોત તો પણ શબ્દની ચમત્કૃતિ વધુ સરસ લગેત કેમ કે, ‘વસેદેવવેશ્મનિ’ પણ શબ્દરૂપ યોગ્ય લાગે છે.બંને શબ્દપ્રયોગ અર્થચમત્કૃતિમાં વધારો કરનારું બની રહે છે.’જગત્’ શબ્દ આગળ હોવાથી ‘હરિ’ માટે ‘જગન્નિવાસ:’ વિશેષણ પસંદ કરે છે. અહીંયા પણ શબ્દચમત્કૃતિની સાથે અર્થવૈભવમાં પણ વધારો થાય છે. ‘દદર્શ’ ક્રિયાપદના પ્રયોગમાં પણ દર્શન કર્યા એવો પૂજ્યભાવ રહેલો છે. મગંલશ્લોકમા દરેક શબ્દ નવીન અર્થગાંભીર્ય લઇને આવે છે. દરેક પદનું એક આગવું વૈશિષ્ટ્ય રહેલું જણાય છે. આમ, માઘની વિશેષ્ય માટે વિશેષણની પસંદગી ઉચ્ચકોટીની છે. જેમાં માઘની કાવ્યને ઉત્તમ બનાવવાની ઉદાત્ત વિચારસરણી જોવા મળે છે. મતે ઉપરાન્ત માઘે શ્લોકમાં ક્યાંય પણ અવ્યય વાપર્યો નથી. કેમ કે, અલ્પ અવય્યની પસંદગી કાવ્યને વધુ સમૃદ્ધ બનાવે છે અને ક્યાંય પણ પાદપુરક અવ્યયની જરૂર રહેવા પામી દીધી નથી. તે બતાવે છે કે, માઘનું શબ્દકોશનું જ્ઞાન અને શબ્દપ્રયોગનું ચાતુર્ય સર્વોત્તમ છે. આથી જ માહ માટે કહેવાયું છે કે, ‘ મેઘે માઘે ગતં વય: ’ (૧૬)

કૃદંતમાં હેત્વર્થ અને વર્તમાન કૃદંત વાપર્યા છે.વર્તમાન કૃદંત ‘વસન્’, ’અવતરન્તમ્’ વિશેષણ તરીકે વાપર્યું છે તેમજ હેત્વર્થ કૃદંત ‘શાસિતુમ્’ ચતુર્થીના વિકલ્પમાં વાપર્યું છે. એક જ વાક્યમાં માઘે પોતાની શબ્દવૈભવની ઝલક આપી છે.

માઘે પ્રયુક્ત શબ્દોના પર્યાયોનું કૌષ્ટક નીચે મુજબ છે. તેના પરથી માઘની શબ્દ પસંદગીની કુશળતા જોઇ શકાય છે. ઘણા પર્યાય હોવા છતાં માઘનું શબ્દસૌષ્ઠવ અજોડ છે.

અહીંયા માઘે પ્રયુક્ત કરેલ શબ્દચયન સર્વોત્તમ છે તે બતાવવા પર્યાયોને બદલી નવો શ્લોક બનવવાનો લઘુ પ્રયત્ન કરી દુ:સાહસ કર્યું છે આમ તો, માઘે પ્રયુક્ત કરેલા શબ્દોની જગ્યા અન્ય કોઇપણ પર્યાય સ્થાન ન લઇ શકે પણ, આ બન્ને શ્લોકને નજર સામે રાખીને જોવામાં આવે તો માઘની મંગલશ્લોકમાં પ્રયુક્ત શબ્દોનું અર્થગાંભીર્ય સ્પષ્ટ જણાઇ આવશે. માઘના આ શ્લોકની વૈશિષ્ટ્ય ચડિયાતું બતાવવ કોઇ પ્રતિસ્પર્ધી શ્લોક હોય તો વધુ ખ્યાલ આવે કે માઘનો આ મંગલશ્લોક વધુ શબ્દપસંદગીની બાબતમાં બળવાન છે આ હેતુથી જ નવશ્લોકનિર્માણ નો પ્રયત્ન કરેલ છે. ઘણા પ્રર્યાયો હોવા છતાં માઘ પોતાની કાવ્યનિર્માણને આંતરસૂજથી તત્કાલ નવીન શબ્દપ્રયોગ કરી શકે છે. અન્ય પર્યાયોનો પ્રયોગ કરવાથી આ મંગલશ્લોક આ રીતે હોઇ શકે.

રમાપતિ: શ્રીમતિ પાલિતું ધરાં જગન્નિવાસો વસુદેવવેશ્મનિ |
વસન્ચચક્ષાવતરન્તમમ્બરાત્દ્ધિરણ્યગર્ભાંગભુવં મુનિં હરિ: ॥

બન્ને શ્લોકમાં શબ્દાવલી જોતા જણાય છે કે માઘે પ્રયુક્ત શબ્દાવલી વધુ સુંદર ભાસે છે. આ બન્ને શ્લોકને જોતા જણાય છે કે શબ્દપસંદગી અજોડ રીતે કરી શકે છે. એક બીજી વાત કે ફક્ત એક શ્લોકથી માઘની વિદ્વતા ચકાસી શકાય નહિ ,પણ પ્રસ્તુત શોધલેખમાં માઘના મંગલશ્લોકમાં પ્રયુક્ત શબ્દોનું વૈશિષ્ટ્ય રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.છતાં આ એક જ શ્લોક માઘની અસીમ દીર્ઘદૃષ્ટિનો પરિચય કરાવી આપે છે. અંતમાં માઘની વિદ્વતાનો પરિચય કરાવતી સ્વરચિત પ્રશસ્તિ રજૂ કરું છું.

શિશુપાલવધે કાવ્યે નવશબ્દાન્ વિનિર્મિતા: |
મૃતિકતો વિનિર્માતિ કુમ્ભકારો ઘટં યથા ॥ સ્વકીયમ્


અસ્તુ

પાદટીપ

1) માઘે સન્તિ ત્રયો ગુણા: પૃ ૬૨ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ.
2) તત્રૈવ
3) આશીર્વચનનમસ્ક્રિયાવસ્તુનિર્દેશો વાપિ તન્મુખમ્ | પૃ ૪૯ શિશુપાલવધ
4) મંગલાદીનિ હિ શાસ્ત્રાણિ તત્રૈવ
5) તત્રૈવ શ્રિય: કુરુણામધિપસ્ય પાલનીં .....॥૧/૧ કિરાતાર્જુનીય
6) પૃ ૫૧૫ અમરકોશ પૃ ૬૫૭ અમરકોશ
7) પૃ ૨૬૭ સિધ્ધાંતકૌમુદી
8) પૃ ૨૭૦ સિધ્ધાંતકૌમુદી
9) પૃ ૨૭૧૭ સિધ્ધાંતકૌમુદી
10) પૃ ૨૯૫ સિધ્ધાંતકૌમુદી
11) પૃ ૨૯૬ સિધ્ધાંતકૌમુદી
12) પૃ ૩૧૩ સિધ્ધાંતકૌમુદી
13) પૃ ૩૧૪ સિધ્ધાંતકૌમુદી
14) પૃ ૪૯ શિશુપાલવધ

સંદર્ભ ગ્રંથ સૂચિ

1) શિશુપાલવધ ડો.ભગવતી પ્રસાદ પંડ્યા પ્રકાશન સરસ્વતી પુસ્તક ભંડાર અમદાવાદ ૧૯૬૪
2) અમરકોશ કે.કા.શાસ્ત્રી યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ અમદાવાદ
3) સંસ્કૃત હિન્દી શબ્દકોશ વામન શિવરામ આપ્ટે પ્રકાશન ન્યુ દિલ્હી
4) સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ સ6. સુરેશ .જે દવે પ્ર. સરસ્વતી પુસ્તક ભંડાર અમદાવાદ

*************************************************** 

પ્રા.હાર્દિક.એમ.ગોહિલ
મદદનીશ પ્રાધ્યાપક(સંસ્કૃત)
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,
સોનગઢ જિ.તાપી

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us