ભાષા,બોલી અને શબ્દના વૈવિધ્યથી ભરી ભરી કૃતિ ‘માનવીની ભવાઇ ’ પન્નાલાલ પટેલનું સર્જકત્વ વૈયક્તિક પ્રતિભાથી પ્રગટેલું હતું.તેમનો સર્જનપિંડ ઉત્તરગુજરાતનાં સમાજ,પરિવેશ,હવા,પાણી,બોલી,રીતિરિવાજ અને ભાષાથી ઘડાયેલો છે.એ સમાજનાં લોકો જે ભાષા,બોલી બોલતા હોય,તે ભાષા-બોલીમાં ‘માનવીની ભવાઈ’ જેવી ચિરંજીવી કૃતિ આપીને પોતાની તથા ગુજરાતી ભાષાની તાકાત દેશ અને દુનિયા સમક્ષ મૂકી આપી છે.સર્જકના હસ્તે પ્રયોજાયેલ શબ્દ વ્યવહારની સામાજિક સંપત્તિરૂપ રહેતો નથી,પરંતુ તેના પર સંસ્કારપટ ચડતાં તે સાહિત્યભાષા બને છે.વ્યાકરણ અને કોશની ભાષા સાહિત્યકારની ભાષા નથી. ‘કોશ’માનો શબ્દ કોલસો છે.સાહિત્ય શબ્દ અગ્નિ છે,સર્જકે પોતાની પ્રતિભાથી હુતાશન પ્રગટાવી નવો જ પ્રકાશ અને નવી ઉષ્મા સાથે ભાષા વૈવિધ્યથી ભરીને કૃતિને જીવંતતા બક્ષી છે. ‘માનવીની ભવાઈ’ કૃતિમાં પન્નાલાલની વિશિષ્ટતા એ ગણાવી શકાય કે તેમણે વ્યવહારની ભાષાને તેનાં સ્વાભાવિક સૌંદર્ય સાથે અનુભૂતિના ઊંડાણ દ્વારા નવું રૂપ આપ્યું છે.આથી જ કૃતિની ભાષાનો શબ્દ વાસ્તવથી વધારે નજીકનો અનુભવાતો હોય છે.કૃત્રિમ લાગતોનથી.કૃતિમાં સંસ્કૃત તત્સમ્, હિન્દી,અરબી,ફારસી,અંગ્રેજી,રાજસ્થાની છાંટવાળી ગુજરાતી અને ઉત્તર ગુજરાતની તળબોલી તેની કહેવત,રૂઢિપ્રયોગ,દોહરો,ગીતો સાથે આવીને નવોન્મેષ પ્રગટાવે છે તેમણે પ્રયોજેલા તળપદા શબ્દોમાં સંયુકત વ્યંજનનો વિશ્લેષ થવાની ઉચ્ચારણનીખાસિયત‘રેલ્વે’(રેલવઈ),‘શ્રાપ’(શરાપ),‘સ્વર્ગ’(સરગ),‘સ્વાર્થ’(સવારથ), ‘શાસ્ત્ર’(શાસતર),‘અક્ષર’(અખ્ખર)જેવા શબ્દોમાં જોઈ શકાય છે.આ ઉપરાંત ‘હ’નો લોપથવાનુંવલણપણ‘લોહી’(લોઈ),‘વહું’(વઉ),‘કહુ’(કઉ),‘હિસાબ’(ઈસાબ),‘હું’(ઉં),વગરે જેવા શબ્દોમાં તથા ‘વિચાર’(વચાર),‘વિઘ્ન’(વિઘન)જેવા શબ્દોમાં આધ્ય સ્વર નો લોપ થયેલો જોઈ શકાય છે. અંગ્રેજી શબ્દોનું દેશ્ય ઉચ્ચારણ આ કૃતિને નાવીન્ય બક્ષે છે.જેમ કે,‘અટલીસ’(એટલીસ્ટ),‘અંગરેશ’(અંગ્રેજ) તો સાથે સાથે ‘કેસ’ જેવા શુધ્ધ અંગ્રેજી શબ્દ પણ પ્રયોજ્યો છે.આ ઉપરાંત ‘અચ્છા’,‘અપને-અપને’,‘ઇધર’,‘ઉધર’,‘ઈતની’,‘કિતના’જેવા હિન્દી ભાષાના શબ્દો અબુધ ગામડિયા બાવાજીના મુખે મુકીને પાત્રને જીવંતતા આપી છે.તો ‘અળે! ળામ ળામ’(અરે!રામ રામ)જેવા પારસી બોલીના શબ્દોમાં પન્નાલાલ પટેલ પાત્રનો પરિચય આપવા કરતાં,તેના પાત્રને તેની બોલી,રીતરિવાજ,રહેણીકરણી,પહેરવેશથી જાતે જ અભિવ્યકત થવા દીધા છે. કૃતિમાં દેશ્ય ભાષા-બોલીની સાથે સંસ્કૃત તત્સમ્ શબ્દો જેવા કે,‘અગણિત’,‘અગમ્ય’,‘ઉચિત’,‘વક્ષસ્થળ’,‘વાનપ્રસ્થ’,‘શુક્લપક્ષ’...વગરે જેવા શબ્દો નવલકથાને પાને પાને પ્રગટ થાય છે.છતાં તે નવલકથાના કથાપ્રવાહમાં ક્યાંય અડચણરૂપ બનતા નથી.તો ‘વઁણ’,‘ઉજાણી’,‘કીડી’,‘ખઁડ’,‘ગાઉ’,‘જખ’,જેવા પ્રાકૃત-અપભ્રંશ શબ્દો પણ અવતર્યા છે.તદ્ઉપરાંત ‘ખાસડા’,‘અડસટ્ટો’,‘તુક્કો’,‘આઇ’,‘આઈયા’જેવા શબ્દો ભાષા સમૃધ્ધિ વધારો છે. ભારતીય ભાષા સિવાયની અન્ય ભાષાઓમાં ‘અક્કલ’,‘આખરે,‘આલમ’,ઈજારો’,‘ઈમાન’,‘તકદીર’,‘સિકલ’ જેવા અરબી શબ્દો અને ‘અફીણ’,અલબત્ત’,‘ગરદન’,‘ચરબી’,‘ચલમ’,‘દીવાર’,‘બદન’,‘લગામ’...જેવા ફારસી શબ્દો પન્નલાલ પટેલની કોઠા સુઝની ઓળખ છતી કરે છે. . પાન્નાલાલ પટેલ આમેય ગામડાના માણસ એટલે તેમના સાહિત્યમાં ગોર,ગોલા,ઘાંચી,ધોબી,નાઈ,રબારી..જેવા તેર તાંસળી અને અઢારેય વર્ણનાલોકો સાથે બેસીને જમતા,રમતા અને ઝઘડો કરતાં આપણને નજરે ચડે છે.વેર-ઝેર,વટ,વચન માટે ધીંગાણા કરતાં અને સમય આવે એકબીજાની મદદે દોડી આવતા ભોળા માણસો છે.. પોતે કૃષિ જીવનનો આત્મા હોવાથી ખેતી અને પ્રીતિ વગર રહી શકતા નથી.આથી ખેતીના કામમાં ઉપયોગમાં આવતા ઓરણી,કોદાળી,નેતરું,પરોણો,હળ જેવા તમામ કૃષિ શબ્દો જોવા મળે છે.આંબેમાંતા,કરશન(કૃષ્ણ),ગણેશ જેવા ગામડાનાં ઘેર-ઘેર પૂજાતા દેવો આવે છે.તો રાણોકુંભો,ભોજો ગુજર,રા’ખેંગાર,રાણકદેવી વગેરે જેવા લોકકથાના પાત્રોનો સંદર્ભ ટાંકીને ઘટના કે પ્રસંગ એની પરાકાષ્ઠાએ પહોંચાડી કૃતિને જીવંત કરે છે. સર્જકની સાચી ઓળખ ભાવ અને ભાષાને કામે લઈને લક્ષાર્થને પ્રગટાવવામાં રહેલી છે.‘માનવીની ભવાઈ’કૃતિને પાને પાને લાક્ષણિકતા જોઈ શકાય છે. જેમ કે,ે •ઉજાણી – વાચ્યાર્થ.- લાપસી રાંધીને કરવાની ઝાયણી.(ઉજાણી). લક્ષ્યાર્થ.- દુષ્કાળના કારણે ભૂખ અને દુ:ખથી પીડાતા લોકો જીવતા ઢોરને મારીને લોહી પી,માંસ ખાઈ તરસ છિપાવતા,ભૂખ સંતોષતા તે રીતે આનંદ માનાવતાને ઉજાણી કરતા.પૃ.૨૯૩ કાળીચૌદશ-વાચ્યાર્થ-તહેવાર લક્ષ્યાર્થ –અપશુકનિયાળ સ્ત્રી. થીંગડું- વાચ્યાર્થ.-કપડાં પર થીંગડું મારવું.> લક્ષાર્થ .- જીવન મહામુસીબતે પસાર કરવુ.. આવા અનેક શબ્દો તારવીને નાની પુસ્તિકા પણ કરી શકાય.અહીં લાક્ષણિક શબ્દાકૃતિની ઉદ્દાતતા પ્રગટ કરે છે.આપણે જ્યારે આ સમગ્ર કૃતિમાથી પસાર થઈએ ત્યારે લગભગ ૧૦૦થી વધારે રૂઢિપ્રયોગો મળી આવે છે. જેમ કે, આકાશ ચગડોળે ચડવું * કાન ઉઘાડા રાખવા * રાફડો ફાટવો * લૂગડાં ઉતારી લેવા * ગામનાં ગધેડા ચારવા * અજવાળા થવા * અટક પર આવવું * અટકળ કરવી *અડસટ્ટો હિસાબ માંડવો * અંગારા સળગવા * હોળીની જાળો ફેંકાવી વગેરે.તો સાથે સાથે એવી કહેવતો જે આપણે ભાગ્યેજ સાંભળી હોય એવી કહેવતો જેવી કે,. રોટલા ઉપર ભાજી ને વહુ તાજી આવી તમામ કહેવતો ઉત્તરગુજરાતનો આગવો પરિવેશ આંખો સમક્ષ ખાડો કરેછે. આમ,આકૃતિમાં સંસ્કૃતથી માંડીને હિન્દી,અરબી,ફારસી,પ્રાકૃત,અપભ્રંશ . જેવી તમામ ભાષાની સાથે સાથે ઉત્તર ગુજરાતની આગવી લોકબોલીનો આપણને પરિચય થાય છે. અહીં ભાષા,બોલી,પાત્ર,પ્રસંગો,અભિવ્યક્તિની રીતિ અને શબ્દોનું વૈવિધ્ય જોવા મળે છે.જે આજના માહિતી અને ટેકનોલોજીના યુગમાં પન્નાલાલ પટેલ જેવા કોઠાસુજવાળા સર્જકની કલમની સફળતા ગણાવી શકાય.એ વાત સાથે આખરે આપણે સહમત થવું જ રહ્યું.સમગ્ર ક્રુતિ વાચતા આપણને કૃત્તિ અને કર્તાની ભાષા બોલીની બળકટતાનો પરિચય થાય છે. સંદર્ભ ગ્રંથ સૂચિ (૧) ‘માનવીની ભવાઈ’ પન્નાલાલ પટેલ ***************************************************
મુકેશ ભૂપત ભાઈ કાનાણી |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |