બદલાતાં સંબંધોની વાર્તા ‘મીનાક્ષીની મોટેલ’  મોહન પરમાર જેને ગુજરાતી ટૂંકીવાર્તાનું ત્રીજું સ્થિત્યંતર ગણાવે છે એવા અનુઆધુનિકયુગની વાર્તાઓમાં માનવ જીવનના સંબંધોમાં કેવાં પરિવર્તનો આવ્યાં છે એ તપાસવાનો મેં અહીં ઉપક્રમ રાખ્યો છે. એના માટે મેં સંદર્ભ તરીકે આનંદ રાવ લિંગાયતની ‘મીનાક્ષીની મોટેલ’ વાર્તાને પસંદ કરી છે. આનંદ રાવ લિંગાયતના બીજા વાર્તાસંગ્રહ ‘...ને સુરજ ઊગ્યો’ (૨૦૦૪)માંથી આ વાર્તા લેવામાં આવી છે. આ સંગ્રહની વાર્તાઓમાં મોટાભાગના પાત્રો એવા છે જે જન્મે તો ભારતીય છે, પરંતુ રહે અમેરિકામાં છે. તેમણે ભારતીય સંસ્કૃતિ જોઈ છે, પણ અત્યારે અમેરિકન સંસ્કૃતિ વચ્ચે શ્વાસ લઈ રહ્યા છે. આથી જ આ વાર્તાસંગ્રહના નામાભિધાન કરતી વખતે લેખક આ વાર્તાસંગ્રહને ‘ઇન્ડો-અમેરીકન જીવન આધારિત વાર્તાસંગ્રહ’ એવું ઉપશીર્ષક આપવાનું પસંદ કરે છે.  આ વાર્તા વિશે વાત કરીએ એ પહેલા એ જોઈ લઈએ કે અનુઆધુનિકયુગ સુધી પહોંચતા ગુજરાતી ટૂંકીવાર્તાઓમાં માનવ સંબંધોમાં કેવાં કેવાં પરિવર્તનો આવ્યા છે. આ રૂપરેખાને ત્રણ વિભાગોમાં વર્ણવી શકાય. ૧. પહેલું સ્થિત્યંતર: આ સમયે માનવ સંબંધો લોહીના તાંતણે બંધાયેલા હતા. પોતાના અને સગા કહી શકાય તેવા પાત્રો અહીં કેન્દ્રમાં હતા. ૨. બીજું સ્થિત્યંતર: આ સમયગાળામાં માનવ સંબંધો સાવ જ તૂટી ગયા. માનવી સાવ જ એકલો પડી ગયો. તે આઉટસાઈડર બની ગયો. નિત્સેએ આ સમયગાળા દરમ્યાન કહેલું કે, ‘GOD IS DEATH’ પરંતુ આ ભગવાન એટલે કોણ ? એવો પ્રશ્ન જરૂર થાય. તો એનો જવાબ એ છે કે આ ભગવાન એટલે કોઈ ચોક્કસ ધર્મના દેવી કે દેવતા નહીં, પણ માણસની અંદર રહેલો છે તે ભગવાન મૃત્યુ પામ્યો છે. એટલે જ માણસ આ સમયે સમાજથી, સંસ્કૃતિથી સાવ જ વિખૂટો પડી ગયો. 3. ત્રીજું સ્થિત્યંતર: આ સમયગાળો એટલે ઉપર જ્ણાવ્યું તેમ અનુઆધુનિકયુગ. આ સમયગાળામાં માનવ સંબંધો ફરી સ્થપાયાં. પણ હવે તે લોહીના તાંતણે નહીં પરંતુ લાગણીના તાંતણે બંધાયેલા હતા. આ સંબંધોમાં કોઈ સ્વાર્થ નહોતાં. કોઈ ઈર્ષાભાવ નહોતાં. હતી તો માત્ર લાગણીઓ અને એકબીજા માટે સહાનુભૂતિ. તો આ પ્રકારના બદલાતાં સંબંધોની અને નારી ચેતનાની એક વાર્તા એટલે કે ‘મીનાક્ષીની મોટેલ’ વિશે વાત કરીએ.  આ વાર્તામાં મુખ્ય ત્રણ પાત્રો છે. મીનાક્ષી પોતે. મીનાક્ષીનો પતિ જતીન અને એક કોલગર્લ તરીકે કામ કરતી જેની નામની સ્ત્રી. વાર્તા આ ત્રણ જ પાત્રોની આસપાસ ગૂંથાયેલી છે. વાર્તાની શરૂઆતમાં જ પુરુષસત્તાક સમાજને લીધે જતીનમાં ઘર કરી ગયેલા વિચારો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પરદેશમાં ઓછા ભણતરને લીધે જતીનને કોઈ સારી નોકરી મળવી મુશ્કેલ હતી. મોટેલ નાની હતી અને મીનાક્ષી અને જતીન બે માંથી કોઈ એક જ વ્યક્તિ પણ તેને સંભાળી શકે એમ હતું. એટલે જ મીનાક્ષી વિચારતી હતી કે જતીને બીજે ક્યાંક નોકરી કરવી જોઈએ. પણ ‘અહમ’ના લીધે જતીન કોઈ લેબરની નોકરી કરવા તૈયાર થતો નથી. બીજો ઉપાય એ હતો કે મીનાક્ષી પોતે ક્યાંક બીજી જગ્યાએ નોકરી કરે. નોકરી કરવા ઘરની બહાર જાય. પણ આ ઉપાય જતીનને મંજૂર નહોતો. મીનાક્ષી બી.એ. પાસ હતી. તેને સારી નોકરી મળી શકે તેમ હતી, પરંતુ જતીનના મનમાં એ જ વિચારો ચાલતાં હતા કે, ‘બૈરી બહાર નોકરી કરવા જાય અને હું ઘરમાં બેસી રહું.’ (પૃષ્ઠ ૫૨) જતીન જેવા એવા કેટલાંય લોકો છે જેમણે ભારત છોડી દીધું છે અને પરદેશમાં રહે છે. છતાંય આજે પણ હજી સુધી તેઓ એવા વિચારોમાંથી છુટ્યાં નથી કે સ્ત્રી એ કોઈ સાધન નથી કે તમે ધારો તેમ તમે એને વાપરી શકો. આ લોકો આજે પણ એ સ્વીકારવા તૈયાર નથી થતાં કે સ્ત્રી પણ સ્વતંત્ર હોઈ શકે. આ વિચારો જેવા અહીં હતાં તેવાં જ રહ્યાં છે. પરદેશમાં મોકળાશ મળવાથી તેમાં કદાચ થોડો ઘણો વધારો થયો હશે પણ ઘટાડો થયો હોય એવું આ વાર્તા વાંચતા લાગતું નથી.  ભારતીય સંસ્કૃતિના અને સમાજના નામે ભણેલી ગણેલી મીનાક્ષી પર બંધનો મૂકી દેવામાં આવ્યા છે. તે હતાશ થઈ આ બંધનો સ્વીકારી પણ લે છે. હતાશ થઈ ગયેલી મીનાક્ષીના આ વિચારો જોઈએ, “એક તો બૈરાંનો અવતાર... એમાંય પાછું ‘વહુ’નું સ્થાન. હંમેશા દબાયેલા રહેવાનું. છતી આવડતે ધણીની પાછળ જ રહ્યાં કરવાનું. છતી શક્તિએ જીવનનો વિકાસ રૂંધ્યા કરવાનો. બુધ્ધિ અને ચાતુર્ય હોવા છતાં જિંદગીને હાથે કરીને કરમાવા દેવાની. ઘરની વહુની જિંદગી હંમેશા ગૌણ જ રહેવાની ! એની શક્તિ અને આવડતની કોઈ કિંમત નહીં ! આ દમનને કેવું સુંદર નામ આપી દેવામાં આવ્યું છે....’વહુની મર્યાદા !’” (પૃષ્ઠ-૫૨) આ બંધનો સ્વીકાર્યા છતાં પણ મીનાક્ષીના મનમાં વિચારો તો સતત ચાલ્યાં કરે છે અને આ વિચારો જ તેને ઝંપવા પણ દેતાં નથી.  વાર્તાનો દોર આગળ વધે છે. જેમાં જેનીનો પરિચય થાય છે. જેની કોલગર્લ હતી એટલે મીનાક્ષી અને જતીનની મોટેલમાં એ અવારનવાર આવતી રહેતી. તે મીનાક્ષીની નિયમિત ઘરાક હતી. વાર્તામાં કહેવાયું છે તેમ ‘ધંધા’માટે એ રૂમ ભાડે રાખતી. મીનાક્ષીના વિચારો જતીન જેવા હલકાં નહોતાં. એટલે એ જેની પ્રત્યે ક્યારેય હીનભાવથી જોતી નહીં. જેની એને હંમેશા એક સ્ત્રી લાગતી, કોલગર્લ ક્યારેય નહીં. એક દિવસ જેની સાથે અચાનક એક અણબનાવ બન્યો. જેમાં અમુક લોકો તેનું પર્સ લઈને ભાગી છૂટયાં. એકલી અને હતાશ થઈ ગયેલી જેની મદદ માટે મીનાક્ષીની મોટેલે આવી. મીનાક્ષીએ તેની પરિસ્થિતિ જાણી તેને સહારો આપ્યો. જેની હંમેશા જે રૂમ ભાડે રાખતી એ રૂમ વગર ભાડે જેનીને તેણે આપી દીધો. ઘરમાં હતું તે ગુજરાતી ભોજન પણ જેનીને જમાડ્યું. જેની આથી બહુ ખુશ થઈ. જમતાં જમતાં જેની અને મીનાક્ષી વચ્ચે જે થોડીઘણી વાતચીત થઈ તે વાતચીતમાં જેનીએ પોતાના જીવનની અમુક કડવી વાસ્તવિકતાઓ જણાવી. જેનીએ પોતાના ઉદાહરણ દ્વારા જણાવ્યું કે જીવનમાં જ્યારે કોઈ સહારો ન હોય ત્યારે જીવન જીવવું કેવું કપરું લાગે છે. જેનીના માતા-પિતા નહોતા, એ કોણ હતા તે પણ તેને ખબર નહોતી. તેને કોઈ સગાંઓ પણ નહોતાં. કોઈ ઓળખીતું નહોતું. એટલે જેની મીનાક્ષીને આ દ્રષ્ટિએ બહુ નસીબદાર માને છે કે તમે ભારતીયોને પ્રેમાળ પરિવાર હોય છે. મીનાક્ષી અને જેનીની વાતચીત આગળ ચાલે છે તેમાં મીનાક્ષી જેનીને એક બહુ માર્મિક સવાલ પૂછી બેસે છે. જેની તેનો જે જવાબ આપે છે તે જવાબમાંથી જેની જેવી અનેક કોલગર્લના જીવનની વાસ્તવિકતા પ્રગટ થાય છે. આ સવાલ જોઈએ,  “Jenny, even married men come to you...Right ?”  “Because they are sick. They are pervert. They are unfaithful. They us do all kinds of wired thing. If their wives did these things to them at home, these men will kick their wives out. And the same men pay us to do these things. Meena, it’s a sick world...” (પૃષ્ઠ – ૫૫) જેનીના છેલ્લા શબ્દો એની અંદર જ સમાઈ ગયા. એ ક્યારેય બહાર નીકળી ન શક્યા. પણ જેની જેટલા શબ્દો બોલી તેમાંથી તેના જીવનની કડવી સચ્ચાઈ પ્રગટ થાય છે. આ બધા સંવાદોમાંથી એ વાત પણ જાણી શકાય છે કે કોલગર્લ જેવા અશ્લીલ ગણાતા વ્યવસાયમાં પણ સ્ત્રીઓ શા માટે જવા મજબૂર થાય છે. જેનીની લાચારી આપણને અહીં આ વાત સમજાવી જાય છે.  બે અઠવાડીયા જેટલા સમય માટે મીનાક્ષીને અચાનક બહાર જવાનું થયું. મીનાક્ષી જે દિવસે પરત ફરી તે દિવસથી એક મહિના સુધી તેને જેની દેખાઈ નહીં. વળી જેની પ્રત્યે હવે વધારે સહાનુભૂતિ હોવાથી તેને જેનીની ચિંતા પણ થવા લાગી. આ ચિંતામાંને ચિંતામાં તે વિચારવા લાગી કે, ‘આ જેનીને કોઈએ મારી તો નહીં નાંખી હોય ને ! એના આ વેશ્યાના, પ્રોસ્ટીટ્યુટના, ધંધામાં આ રીતના ખૂન ખરાબા બહુ થાય છે. એ બધું રોજ ટીવીમાં દેખાય છે. આટલી સારી છોકરીને સંજોગોએ કેવા કીચડમાં ફસાવી દીધી છે !’ (પૃષ્ઠ ૫૬)  છ-આઠ મહિનાઓ પછી જેની અચાનક મીનાક્ષીને મળવા આવી. ખરેખર તો તે મીનાક્ષીને ‘Good Bye’ કહેવા આવી હતી. કારણ કે તે હવે ટેક્સાસ જવાની હતી. વાતવાતમાં મીનાક્ષીએ જેનીને આવું કરવાનું કારણ પુછ્યું ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયાં. જેનીએ આખી વાત પાછળની કારણભૂત ઘટનાને મીનાક્ષી સમક્ષ કહી સંભળાવી. જેનીએ કહ્યું કે મીનાક્ષી આજથી છ આઠ મહિનાઓ પહેલા ઘરથી બે અઠવાડીયા માટે બહાર ગઈ હતી ત્યારે સમયગાળા દરમ્યાન શું શું બન્યું હતું. આ સમયગાળા દરમ્યાન જેની પોતે જ્યારે એકવખત એકલી આ મોટેલમાં આવી હતી ત્યારે જતીન અને તેના મિત્ર દાને સાથે મળીને તેના પર કેવી રીતે અત્યાચાર ગુજાર્યો હતો. અને એના લીધે જ પોતે પછીથી મીનાક્ષીની મોટેલે આવતી બંધ થઈ ગઈ હતી.  આ બધી કડવી વાસ્તવિકતા જાણ્યા પછી મીનાક્ષીની મનોદશાનું વર્ણન લેખકે આ શબ્દોમાં કર્યું છે, ‘ખળખળ ઉકળતા તેલ જેવી જેનીની કરૂણ કથની સાંભળીને મીનાક્ષીનું અંગેઅંગ બળવા માંડ્યુ. એનું હૈયું જાણે ચરરર કરતું તળાઈ ગયું.’ (પૃષ્ઠ ૫૭)  વાર્તામાં આગળ જ્યારે જેનીના પૈસા ચોરી થઈ ગયા હતા ત્યારે તેણે મીનાક્ષીને કહેલું કે, ‘Can I ask you a favour ?’(પૃષ્ઠ ૫૩) પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. અત્યારે મીનાક્ષી જતીનના કુકર્મોની કથની સાંભળ્યા પછી જેની પાસે મદદ માંગે છે. ત્યારે તે પણ કહે છે કે, ‘Can you do me a favour ?’ (પૃષ્ઠ ૫૮) પહેલા મદદની જરૂરિયાત જેનીને હતી. હવે મદદની જરૂરિયાત મીનાક્ષીને પડે છે. આ શબ્દો દ્વારા જીવનની નક્કર વાસ્તવિકતા પણ પ્રગટ થાય છે કે જીવન હંમેશા પરિવર્તનશીલ હોય છે. અહીં ચડાવ અને ઉતાર હંમેશા આવ્યા કરે છે. એટલે જ એક પંક્તિ યાદ આવે કે, ‘અહીં એકસરખા સુખના દિવસો, કોઈના જાતાં નથી.’  જેની મીનાક્ષીની મદદ કરવા તૈયાર થાય છે. મીનાક્ષી જેનીની સાથે મળી એક પ્લાન બનાવે છે; જેથી જતીનને રંગેહાથ પકડી શકાય. મીનાક્ષી જતીનને એવું કહે છે કે પોતે એક અઠવાડીયા માટે બહાર જવા માંગે છે. એમ કહી પોતે મોટેલમાં જ એક રૂમમાં સંતાઈ જાય છે. અગાઉથી નક્કી કર્યા પ્રમાણે જેની શુક્રવારની સાંજે સાત વાગ્યે આવી પહોંચે છે. રૂમ ભાડે રાખે છે. જતીનને પોતાની તરફ આકર્ષિત કરે છે. જતીનને એમ લાગ્યું કે આ તકનો લાભ ફરીથી લેવો જોઈએ. એટલે તે જેનીના રૂમમાં ગયો. રૂમમાં બેડ પર જેનીની જગ્યાએ મીનાક્ષી સૂતેલી હતી તેને એ વાતની જાણ ન હતી એટલે તેણે ચાદર અચાનક ખેંચી લીધી અને આખરે જતીન રંગેહાથ ઝડપાઇ ગયો.  ‘દોરી બળે પણ વટ ન છૂટે’ એ કહેવત અહીં એ રીતે યાદ આવે કે જતીન સાવ રંગેહાથ ઝડપાઇ ગયો હોવા છતાં દોષનો ટોપલો મીનાક્ષીના માથે ઢોળવાની છેલ્લી કોશિશ કરવામાં પણ તે પાછી પાની કરતો નથી. તે મીનાક્ષીને કહે છે કે, ‘સાલી, તું પણ હવે આ ધંધા કરતી થઈ ગઈ ? આ જેનીની સંગતથી તું મોડી વહેલી આ જ કરવાની એની મને ખબર હતી. આજે બરાબર પકડાઈ ગઈ...’(પૃષ્ઠ ૫૯) અહીં પ્રગટ થાય છે પુરુષસત્તાક સમાજની માનસિકતા. વાર્તામાં બીજી એક જગ્યાએ પણ આ જ પ્રકારનો સૂર જતીનના મોઢે સંભળાય છે. જેની જ્યારે ચોરો વડે લૂંટાય છે અને મીનાક્ષી તેની મદદ કરે છે, તેને જમવાનું આપવા જતી હોય છે ત્યારે જતીન અને મીનાક્ષી વચ્ચેનો આ સંવાદ જૂઓ, ‘હવે એ રંડીને....જુઠ્ઠી હોય સાલીઓ.’ (પૃષ્ઠ ૫૪)  વાર્તાનો અંત એ રીતે આવે છે કે મીનાક્ષી સામેથી જતીનને છૂટાછેડા આપે છે. અત્યાર સુધી બનતું એ આવતું હતું કે પતિ પોતાની પત્નીને છૂટાછેડા આપતો આવ્યો છે, જ્યારે અહીં મીનાક્ષી જતીનને છૂટાછેડા આપે છે. આ મીનાક્ષીમાં આવેલું પરિવર્તન છે. તેણે લોહીના સંબંધ કરતાં લાગણીના સંબંધને વધારે મહત્વ આપ્યું.  વાર્તામાં આવતા આ વિધાન કે ‘જેનીને એણે ટેક્સાસ જતી રોકી અને એક ચર્ચમાં નોકરી તથા ભણવાની વ્યવસ્થા કરી આપી હતી.’ (પૃષ્ઠ ૬૦) સામે મને એક પ્રશ્ન એ થાય છે કે જેનીને નોકરી ચર્ચમાં જ શા માટે અપાવવી પડી ? શું હજી સુધી આપણી અને આપણા સમાજની માનસિકતા એટલી નથી બદલાઈ કે એને ચર્ચમાં નહીં પરંતુ સમાજમાં જ સ્થાન આપી શકાય ?
 વાર્તામાં જેનીના મુખે બોલાયેલા શબ્દો અંગ્રેજી ભાષામાં છે, જેથી વાચકને ખ્યાલ આવી જાય છે કે જેની એ મૂળ ભારતીય નથી પરંતુ પશ્ચીમી સંસ્કૃતિમાં ઉછરેલી સ્ત્રી છે.  સમગ્ર વાર્તામાંથી પસાર થતાં એ વાત પણ સમજાય છે કે આજની સ્ત્રી સ્વતંત્ર છે. એને એકલું રહેવું પડે તો તે એકલી રહી શકે છે એ વાતની પ્રતીતિ અહીં આપણને મીનાક્ષીના પાત્ર વડે થાય છે. આજની સ્ત્રી કોઈપણ પ્રકારના અનાચાર કે અત્યાચાર સહન કરવાની નથી; આ અનાચાર અને અત્યાચાર ભલેને પછી બીજા કોઈ પુરુષ દ્વારા નહીં પણ પોતાના પતિ દ્વારા જ થતાં હોય તો પણ તે હવે આ બધા અનાચાર અને અત્યાચારો સામે મક્કમ બનીને સામનો કરવા તૈયાર ઊભી છે, મીનાક્ષીની જેમ જ. [.... ને સોરજ ઊગ્યો(ઇન્ડો-અમેરીકન જીવન ઉપર આધારીત વાર્તા સંગ્રહ), લેખક અને પ્રકાશક : આનંદ રાવ, પ્રથમ આવૃત્તિ: માર્ચ ૨૦૦૪, કિંમત: 7.00 યુ.એસ. ડોલર] ***************************************************
ધોરીયા દિલીપકુમાર આર. |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |