logo

પદકવિતા: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું લોકપ્રિય સ્વરૂપ


       આપણે જાણીએ છીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ આજના યુગ કરતાં અલગ જ રીતે આપણી સમક્ષ રીતે રજૂ થાય છે. મધ્યકાલીન સાહિત્ય અર્વાચીન યુગના સાહિત્ય કરતાં અલગ જ રીતે અસ્તિત્વ ધરાવતું હતું અને વિકાસ્યું પણ હતું. મધ્યકાલીન તમામ સ્વરૂપો અને તેમાં સર્જાયેલ સાહિત્યને જોતાં જો કોઇ સ્વરૂપને એના જમાનાના કવિઓએ-સાહિત્યકારોએ લાડ લડાવ્યા હોય તો તે પદ તરીકે ઓળખાતું લઘુ કાવ્ય સ્વરૂપ હતું. અન્ય ભાષાના સ્વરૂપોની જેમ જ મધ્યકાલીન પદકવિતાની પણ સમૃદ્ધ પરંપરા ગુજરાતી સહિત્યમાં પણ જોવા મળે છે.

       આમ,તો ‘પદ’ એ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય છે ચરણ એટલે કે પંક્તિ. બે ચરણ કે બે પંક્તિ મળી એક કડી બને, અને એ પંક્તિ કે કડીઓનો સમૂહ એ પદ કહેવાય. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત સાહિત્યમાં ‘ષટપદી’ કે ‘અષ્ટ્પદી’ જેવા પદ પ્રકારો પ્રચલિત હતા. અર્થાત પદ એટલે બે કે ચાર પંક્તિવાળા મુક્તકથી થોડોક વિસ્તાર ધરાવતું કાવ્ય સ્વરૂપ. પરંતું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિકસેલ પદ એ સંસ્કૃત પદનું સીધું અનુકરણ નથી પણ ઘણી બધી રીતે અલગ પડે તેવું લઘુ અને ગેય કાવ્ય સ્વરૂપ છે.

       આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ જે પ્રમાણે વિકસ્યું અને વિસ્તર્યુ તેમાં સૌથી મોટો ફાળો મધ્યકાલીન ભક્તિ કવિતાનો છે, સાથે સાથે તત્કાલીન લોકજીવને પણ પદને ઘડ્યું છે. લોકજીવનને કારણે જ લોકગીતના ઢાળ અને રચના પ્રયુક્તિઓ પદમાં પ્રયોજાઇ. જેના લીધે પદમાં એક પ્રકારની ગેયતા આવી છે જે તેની સૌથી મોટી લાક્ષણિકતા બની. જેનો સૌથી મોટો લાભ એ મળ્યો કે પદમાં ગેયતા ઉમેરાતાં તે કંઠસ્થ કરી શકાય તેવા બન્યા અને કંઠોપકંઠ રીતે પ્રસાર પણ પામ્યા. ભક્તિના વિષયને લઇને ચાલતા પદ આ રીતે લોકજીવનની પણ વધુ નજીક આવ્યા. જેનાથી લોકજીવનના આચારવિચાર, રીતરિવાજ, પ્રથા પ્રણાલિકાનું આલેખન પદમાં પણ થતું રહ્યું. આવા પ્રાદેશિક વિશેષોને લીધે પદનું સામાજિક-સાંસ્કૃતિક અભ્યાસની દ્રષ્ટિએ પણ મોટું મૂલ્ય ઊભું થયું.

       મધ્યકાળમાં જે રીતે પદ વિકસ્યાં તેમાં ધર્મ સંપ્રદાયોના અને દેવમંદિરોના ફાળાને પણ અવગણી શકાય તેમ નથી. જૈન-સ્વામિનારાયણ-વૈષ્ણવ-શિવ સંપ્રદાયોમાં પૂજા અર્ચનાની વિવિધ વિધિઓ અને પ્રસંગોએ ગાવા માટે તેના અનુયાયી કવિઓએ પદરચનાઓ કરી હતી. જેમકે મંગલા આરતીના, રાજભોગના, શણગારના, હિંડોળાના, શયનના વગેરે વિષય પર પદો રચાયા. જેનાથી મધ્યકાલીન પદ પરંપરા સમૃદ્ધ થતી રહી. વિવિધ પૂજાવિધિ પ્રસંગે પદ ગાવાની પરંપરાતો દરેક સંપ્રદાયમાં આજે પણ જળવાઇ રહી છે જેણે પદ સાહિત્યને લોકહૈયે ટકાવવામાં મહત્વનો ભાગ ભજ્વ્યો છે.

       આવા પદનું સૌથી અગત્યનું ઘટક એ તેની ધ્રુવપંક્તિ છે. જે સમસ્ત પદ માટે આધારનું કાર્ય કરે છે. દરેક કડીના આંતરે તે ફરી ફરી ગવાતી હોય છે. આ ધ્રુવપંક્તિની આસપાસ જ સમગ્ર પદની ગેયતાનો આધાર રહેલો છે, તેની ગેયતા ઉપાડ માટે ધ્રુવપંક્તિ જ દિશાસૂચક બની રહે છે. એટલે જ તેને ટેકની પંક્તિ પણ કહે છે. કારણ કે દરેક કડીના ગાન પછી પુન: પુન: આરંભની એ પંક્તિનો ટેકો લેવાતો હોય છે. અર્થાત પદગાનમાં પ્રથમ ધ્રુવપંક્તિના ગાન પછી કડીનું ગાન અને કડીનું ગાન પુરૂ થાય પછી ધ્રુવપંક્તિનું ગાન કરે છે. આ બીજા વખતના ગાનમાં સાથી ગાયકો અને શ્રોતાઓ પણ જોડાય છે. જેનાથી તેની પ્રસ્તુતી પ્રભાવક બની રહે છે. એ રીતે પદમાં ધ્રુવપંક્તિનું ઘણું મહત્વ હોય છે. સમગ્ર પદની પ્રભાવકતાનો આધાર તેના પર હોય છે. એટલે જ મધ્યકાળમાં આકર્ષક, સુંદર અને મનોહારી ધ્રુવપંક્તિવાળાં પદ ઘણા સફળ થયા છે. એવી કેટલીય ધ્રુવપંક્તિઓ લોકજીભે આજે ય સાંભળવા મળે છે.

       ક્યારેક એવું પણ બને કે સમગ્ર પંક્તિના કોઇ ખંડનું આવર્તન થતું હોય છે. આવા ધ્રુવખંડના આવર્તનના બદલે ઘણીવાર પદપ્રસ્તુતિ મધુર સૌંદર્યવાળી બની રહે છે. જેમ કે ‘ ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાંખી દેવાય....(મીરાં)માં પંક્તિખંડનું આવર્તન જોઇ શકાય છે. ક્યારેક આરંભની પંક્તિના શબ્દનાં આવર્તનો દ્વારા નાદ સૌંદર્ય નિષ્પન્ન કરવામાં આવે છે. ‘પ્રેમની પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની રે......(મીરાં), બોલ મા બોલ મા બોલ મા રે ,રાધા કૃષ્ણ સિવાય બીજુ બોલ મા રે.....(મીરાં)માં શબ્દ પુનરાવર્તન દ્વારા નાદ પ્રભાવ ઊભો કરવામાં આવતો. પદમાં ધ્રુવપદ કે ધ્રુવખંડ ઉપરાંત અંત્યાનુપ્રાસ યોજનાનું પણ પદલાલિત્ય અને લયનિર્માણમાં ઘણું મહત્વ હોય છે. તો સાથે સાથે જરુર જણાય ત્યાં ‘રે’, ‘લોલ’, ‘જી’, જેવી લોકગીત પ્રયુક્તિઓની પણ પદમાં જુદે જુદે સ્થાને વિલક્ષણ યોજના કરવામાં આવતી હોય છે. જેનાથી લયબંધ માટે વ્યક્તિગત કે સમૂહ ગાન માટે અવકાશ રચાય છે.

       પદમાં બીજી મહત્વની લાક્ષણિકતા તેમાં થતું ભાવ સંવેદન છે. તેમાં માનવ હ્રદયના કોઇ ને કોઇ ભાવ સંવેદનનું સઘન નિરૂપણ થાય છે. પદમાં કથનાત્મક, વર્ણનાત્મક, અને ક્યારેક નાટ્યાત્મક અભિવ્યક્તિ થતી. જેમ કે નરસિંહ મહેતાના ’સુદામા ચરિત્ર’ કથનાત્મક છે, ‘રાસસહસ્ત્રપદીનાં પદો’ વર્ણનાત્મક છે, જ્યારે ‘નાગદમન’ સંવાદાત્મક-નાટ્યાત્મક અભિવ્યક્તિવાળું પદ છે. પદમાં બોધ-ઉપદેશનું તત્વ પણ આલેખાતું. જેના થકી જનસમૂહને સાદી-સરળ ભાષામાં જીવનરીતિ અને નીતિ શીખવાડવાનું પ્રયોજન રહેતું. નરસિંહનું ‘વૈષ્ણવજનતું તેને રે કહીએ રે.......’કે પછી મીરાંનું ‘ જૂનું રે થયું રે દેવળ.........’આ પ્રકારના ઉપદેશાત્મક પદ છે. પદમાં ક્યારેક આત્મકથનાત્મકતા પણ જોવા મળે છે. મધ્યકાળના બધા કવિઓએ આવી રચનાઓ કરી છે. ‘એવા રે અમો એવા રે........’ (નરસિંહ), ‘ઝેર તો પીધાં છે જાણી જાણી.......’(મીરાં) આત્મકથનાત્મક પદોના ઉદા. તરીકે લઇ શકાય.

       પદમાં વિવિધ રસોના આલેખનને પણ અવકાશ રહેતો. પરંતુ શાંતરસ અને શૃંગારરસને વિશેષ અવકાશ રહેતો. વીરરસ અને અદભૂત રસને પણ પદમાં અવકાશ રહેતો. પ્રેમલક્ષણા ભક્તિમાં માધુર્યની પ્રધાનતા હોઇ તેમાં શૃંગારનું પ્રાધાન્ય રહેતું. કૃષ્ણ અને ગોપીના પદોમાં સંયોગ શૃંગાર અને વિરહના પદોમાં વિપ્રલંભ શૃગારનું આલેખન જોવા મળે છે. જ્ઞાન વૈરાગ્યના પદોમાં મોટેભાગે શાંતરસનું આલેખન રહેતું. જેમ કે નરસિંહના' ‘ નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો.....’કે ધીરાનું ‘તરણા ઓથે ડુંગર, ડુંગર કોઇ દેખે નહીં....’ માં શાંતરસનું આલેખન જોવા મળે છે.

       પદકવિતાની આટલી પૂર્વભૂમિકા જોયા પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ સાહિત્યની સમૃદ્ધિનો પરિચય એના પ્રમુખ કવિઓને લક્ષ કરી ક્રમશ: સમયાનુક્રમમાં જોઇએ.

      મધ્યકાલીન પદકવિતા ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ એમ બે મુખ્ય ધારામાં વહેચાયેંલી જોઇ શકાય છે. ઉપરાંત સાંપ્રદાયિક કવિઓ, સ્ત્રી કવિઓ, મુસ્લિમ કવિઓ, અને લોક્વાણીના સંત કવિઓએ પદસાહિત્યમાં આગવું પ્રદાન કર્યું છે. આમ એકાધિક સ્તરે મધ્યકાલીન ગુજરાતી પદકવિતા સમૃદ્ધિ વિસ્તરેલી છે. જે નરસિંહ, મીરાં, અને દયારામ જેવા પ્રેમલક્ષણા ધારાના પ્રમુખ કવિઓ દ્વારા સમૃદ્ધિના શિખરે પહોચીં હતી.

      નરસિંહ મહેતા (ઇ.સ.15મી સદી)નું સમગ્ર સર્જન પદમાં થયું છે. તેમના કેન્દ્રમાં કૃષ્ણભક્તિ છે. નરસિંહે બાળકૃષ્ણને વિષય બનાવી જશોદા અને ગોપીઓના વાત્સલ્યભાવને લઇને વાત્સલ્યપ્રીતિ અને બાળકૃષ્ણની લીલાને લગતા પદો રચ્યા છે. ‘આ પેલો ચાંદલિયો, માં મુને રમવાને આલો.....’ હોય કે પછી ‘ જળકમળ છાંડી જાને બાળા.....’ ઉત્તમ બાળલીલાનાં પદો તરીકે ખ્યાત થયા છે. ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના પ્રણયભાવને વ્યક્ત કરતા શૃંગારનાં પદો ‘ચાલ રમીએ સહી, મેલ મથવું મેલી....’કે ‘ સફલ રજની હવી, આજની અભિનવી.....’માત્ર નરસિંહના જ નહીં પણ સમગ્ર મધ્યકાલીન કવિતાનું અણમોલ રતન સિદ્ધ થયા. તો સાથે સાથે ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યના પદો (પ્રભાતિયાં) પણ તેની સર્જકતાને નવું પરિમાણ બક્ષે છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોક્માં નહી રે........’ કે પછી ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટુંપણું તુચ્છ લાગે.....’ જેવી રચનાઓ યુગસંદર્ભે અદ્વિતિય કહી શકાય તેવી રહી. શૃંગારના પદો નરસિંહની સર્જકશક્તિની છોળો ઉડતી અનુભવાય તેવા સક્ષમ બન્યા છે.

      મીરાં (16મી સદી)ની કવિકીર્તિ મુખ્યત્વે એમના પદસર્જન પર જ નિર્ભર છે. ગુજરાતી, રાજસ્થાની, અને વ્રજભાષાની મળી લગભગ 1400 રચનાઓ એના નામે મળે છે. એમાંથી ભલે કેટલાકનું કર્તૃત્વ શંકાસ્પદ હોય પણ જે પદ નિશ્ચિત રૂપે મીરાંના છે તે તો સમગ્ર પ્રેમલક્ષણા કાવ્યધારાનો મહત્વનો અંશ છે. તેમના પદોને સમગ્ર રીતે જોઇએ તો તેમાં પ્રેમલક્ષણા ભક્તિની કૃષ્ણભક્તિની કવિતામાં જે ભાવ વૈવિધ્ય જોવા મળે છે તેનો અભાવ જોવા મળે છે. જો કે તેના પદોમાં સ્વયં નારી હોઇ ગોપીભાવ અનાયાસે આવતો અનુભવાય છે. તેના પદોમાં વાત્સલ્યપ્રીતિનું આલેખન નથી. તેના શૃંગારના પદોમાં વિરહભાવ પ્રમુખ રહે છે. નરસિંહ જેવો પ્રગલ્લભ શૃગાર તેનામાં નથી. કદાચ સ્ત્રી સહજ લજ્જાને કારણે પણ આવું હોઇ શકે. પરંતુ કૃષ્ણ મિલન માટેનો તીવ્ર તલસાટ , વિહવળતા અને વ્યાકુળતાનો ભાવ એમના પદોમાં એવો ઘૂંટાઇને પ્રગટ થાય છે કે તેની તીવ્રતા, ગહનતા અને કોમળતા ભાવકહ્ર્દયને સ્પર્શી જાય છે. તેના પદનો ઉપાડ-ધ્રુવપંક્તિ અને ભાવની પરાકાષ્ટા સૂચવતો અંત આકર્ષક હોય છે. લયને પ્રાસરચના કલાત્મક રહી છે. જેથી તો મીરાં માત્ર રાજસ્થાનની જ નહીં સમગ્ર ભારતની પ્રથમ પંક્તિની સ્ત્રી કવિ બની રહે છે.

      દયારામ (18-19મી સદી) મધ્યકાળના છેલ્લા મહત્વના પદ કવિ હતા. દયારામના પદો તેમાંના સંગીત તત્વના વિશેષોને લીધે ‘ગરબી’ તરીકે ઓળખાય છે. એમની રચનાઓમાં ભાવ-સંવેદનની સઘન અભિવ્યક્તિ સધાઇ છે. તેમના ગરબી-પદની વિશેષતા એ છે કે મોટાભાગની રચનાઓ ગોપીના ઉદગાર રૂપે રચાઇ છે તો કેટલીક કૃષ્ણ-ગોપીના સંવાદરૂપે રચાઇ છે. દયારામે નારી હ્રદય ઊંડી સૂઝ સાથે ગોપીઓની આસક્તિ, મુગ્ધતા, વ્યાકુળતા, માનુનીપણું, રીસ અને રોષ જેવા અનેકવિધ હ્રદયભાવો-મનોભાવોનું રસાત્મક આલેખન થયુ છે. ભાવ, ભાષા અને લયનું અનોખું સાયુજ્ય સાધતી ગરબીઓ માનવભાવોથી ધબકતી અને પ્રગલ્લ્ભ શૃંગારવાળી બની છે.

      કવિ ભાલણ (15મી સદી) એ બધાથી જુદા પડી પદ સર્જન કર્યુ છે. તેઓએ કૃષ્ણભક્તિ ઉપરાંત રામભક્તિને પોતાના પદોમાં વિષય બનાઅવ્યા છે. તેમણે ‘રામબાલચરિત’માં 40 જેટલા પદો આપ્યા છે. રામજન્મથી માંડી સીતાસ્વયંવર સુધીના પ્રસંગોનું એમાં આલેખન છે. કૌશલ્યાના માતૃહ્રદયના ભાવોનું સબળ અને અપૂર્વ આલેખન એમના પદોમાં જોવા મળે છે. જેના આધારે ભાલણને વાત્સલ્યરસના ગાયક પણ કહેવામાં આવે છે. ઉપરાંત તેમણે 500 જેટલા પદોમાં ‘દશમસ્કંધ’ની રચના કરી છે. જેમાં વાત્સલ્ય અને કરુણ રસના આલેખન દ્વારા ઉંચી કવિત્વશક્તિ પ્રગટાવી શક્યા છે. આખ્યાન સાહિત્ય સ્વરૂપ ઘડતરમાં મોટું યોગદાન આપી ‘આખ્યાનના પિતા’ તરીકેનુ બિરૂદ મેળવનાર ભાલણે આખ્યાનમાં પણ પદપરંપરાને સાચવી પદની લોકપ્રિયતાને કાયમ રાખી છે.

      પદ પરંપરામાં મધ્યકાળમાં મીરાં બાદ ગવરીબાઇ (18મી સદી), દિવાળીબાઇ(18મી સદી), કૃષ્ણાબાઇ(18મી સદી), રાધાબાઇ(18મી સદી), વગેરે સ્ત્રી કવિઓએ પણ પદલેખન કર્યું છે. જો કે તેમની પદરચનાઓ મીરાંની બરોબરી કરી શકે તેમ નથી. ગવરીબાઇના જ્ઞાનમાર્ગી પદોમાં સાકાર-નિરાકારનો સમન્વય સધાયો છે. દિવાળીબાઇએ કથનાત્મક પદો રચ્યા છે જે વાત્સલ્યભાવના નિરૂપણની દ્રષ્ટિએ નોધનીય છે. રાધાબાઇ એ કૃષ્ણભક્તિ અને જ્ઞાનવૈરાગ્ય એમ બંને ધારામાં પદરચના કરી છે. મધ્યકાળમાં ગૌણ સ્ત્રી તરીકે પદને એક કદમ આગળ લઇ જઇ સાહિત્યના ઇતિહાસમાં અનેરૂ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

      આ સિવાય પદ કવિતામાં આપેલા પ્રદાનની રીતે જોઇએ તો પુષ્ટિ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, કબીરપંથી સંપ્રદાય, અને જૈન સંપ્રદાયના કવિઓએ પદમાં કરેલા પ્રદાનને નજર અંદાજ કરી શકાય નહીં.

      સ્વામિનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદ (ઇ.સ.1766-1848), બ્રહ્માનંદ (ઇ.સ.1772-1832), ભૂમાનંદ (1796-1868), દેવાનંદ(1803-1854), પ્રેમસખી પ્રેમાનંદ(18-19મી સદી) વગેરે પ્રમુખ કવિઓએ ભાવપ્રધાનતા અને સંગીતતત્વને પ્રાધાન્ય આપી પ્રેમલક્ષણા ભક્તિ પરંપરામાં પોતાનું યોગદાન આપ્યુ છે. આ સર્વેમાં પ્રેમસખી પ્રેમાનંદનું પદ સર્જન ઊંચી કોટિના કવિને છાજે તેવું છે. એજ પ્રમાણે જૈન ધર્મના સાધુ કવિઓ સમયસુંદર(16મી સદી), યશોવિજય(17મી સદી), આનંદધન(17મી સદી), ઉદયરત્ન(17મી સદી), અને વીરવિજય(18મી સદી) જેવા કવિઓએ વિશિષ્ટ પ્રદાન કર્યુ છે. મોટે ભાગે જૈન પદકવિઓએ સ્નાંત્રપૂજા, ચૈત્યવંદના, સજ્ઝાય જેવા વિધિવિધાનોને અનુલક્ષીને લઘુકદની અનેક પદરચનાઓ કરી છે. તો ત્યાગી અને વિરક્ત સાધુ મહાત્માઓને વિષય બનાવી પદ રચનાઓ પણ કરી છે. જો કે જૈન કવિઓની રચનાઓ સાંપ્રદાયિક વિષય છોડી બહાર આવી શકી નથી અને સફળ કાવ્ય તરીકે લોકહ્રદયમાં સ્થિર થતા નથી તે નોંધવું જોઇએ.

      જ્ઞાનમાર્ગી કવિઓએ પણ તત્વજ્ઞાન અને અનુભવજ્ઞાનનું આલેખન કરતાં માર્મિક પદની રચના કરી છે. જ્ઞાની કવિ અખો (17મી સદી) પાસેથી ઘણી મોટી સંખ્યામાં પદ મળે છે. તેણે ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ મોટી સંખ્યામાં પદોની રચના કરી છે. ભ્રહ્માનુંભવનું અલૌલિક વર્ણન કરતાં તેનાં પદ અપૂર્વ ભાષાબળથી શોભે છે.’ શા શાં રૂપ વખાણું રે.....’ અને ‘અભિનવો આનંદ આજ.....’ તેનાં ઉત્તમ ઉદાહરણ છે. આત્મબોધનાત્મક, ઉદબોધનાત્મક, અને રૂપકાત્મક શૈલીએ રચાયેલા પદો ચિત્રાત્મક વર્ણનો અને સચોટ દ્ર્ષ્ટાંતોથી સભર બની રહ્યા છે. વ્યવહાર જીવનાના દ્ર્ષ્ટાંતો અને તળપદી ભાષાના આશ્રયે અખો તેના પદોમાં ગૂઢ અને ગહન વિષયને સરળતાથી અને અસરકારકતાથી આલેખી શક્યો છે.તેના પદોમાં કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય રચાયો છે.

      ઉપરાંત તેનો પુરોગામી નરહરી (17મી સદી), અનુભવાનંદ(17મી સદી), પ્રીતમ(18મી સદી), ધીરો(18મી સદી), ભોજો ભગત(18મી સદી), નરભેરામ(18મી સદી) અને બાપુ સાહેબ ગાયકવાડ(18મી સદી) વગેરેએ પોતાના સર્જનો દ્વારા પદ કવિતાને એક ડગલું આગળ વધારવામાં પોતાનું યોગદાન આપ્યું છે. આ જુથમાં પ્રીતમનાં ‘પદો’, ભોજાના ‘ચાબખા’, અને ધીરાની ‘કાફીઓ’ તરીકે ઓળખાતી રચનાઓમાં કવિઓ પોતાના આધ્યાત્મ અનુભવને લોકગમ્ય ભાષામાં રજૂ કરી શક્યા છે.

      મધ્યકાલીન પદ સાહિત્યની આ લિખિત પરંપરાની સાથે સાથે કંઠપરંપરાના ભજનિકો પણ એટલું જ મહત્વ ધરાવે છે. મધ્યકાલીન ગુજરાતના ગામડાઓમાં રાત વખતે ભજન મંડળીઓ, મંદિરોને ચોતરે ભજન આરાધના થતી. એ પરંપરા કેટલેક અંશે આજે પણ જળવાઇ રહી છે. આ ભજનમંડળીઓ લોકસમાજમાંથી આવેલા સંત કવિઓની વાણીને રજૂ કરતી. એટલે તેને ભજનવાણી કે સંતવાણી પણ કહેવામાં આવે છે. જેની સમૃદ્ધ પરંપરા પણ આપણે ત્યાં છે. એમાં કબીરપંથી સંપ્રદાયના ભજનિક કવિઓ અને રામદેવ પીરનાં નિજારપંથી ભજનિક કવિઓ એવી બે સમૃદ્ધ ધારાઓ પ્રવર્તે છે. જેમાં અનેક કવિઓ પોતાનું યોગદાન આપ્યું છે. રવિસાહેબ, ખીમસાહેબ, મોરારસહેબ, ભીમસાહેબ, ત્રીકમસાહેબ, દાસી જીવણનું પ્રદાન નોધનીય છે. ઉપરાંત અરજણદાસ, દેવાયત પંડિત, જેઠીરામ જેવા કવિઓએ કરેલ પદ સર્જન ભજન મંડળીઓમાં શ્રોતઓ અને ગાયકોને અતિલોકપ્રિય બની રહ્યા.સાથે સાથે ગંગા સતી, સતી લોયણ, તોરલ, રૂપાંદે, અમરબાઇ જેવી સ્ત્રી કવિઓ પણ સંતવાણીમાં પોતનું પ્રદાન આપે છે.તો અત્તર શાહ, કાજી મામદશા, કાયમુદ્દીન, નૂર સતગાર જેવા મુસ્લિમ કવિઓ પણ પદ પરંપરામાં પોતાનું યોગદાન આપી તેને નવી ઉંચાઇએ લઇ જાય છે.

      પદ કવિઓ જ્યારે કથનપ્રધાન પદ રચના તરફ વળ્યા ત્યારે કથા વિસ્તારને લીધે એકાધિક પદો રચવાની જરૂર જણાઇ. કથાનક એક પદમાંથી અનેક પદમાં વિસ્તાર સાધતું ગયું. જેથી પદમાળાઓ અસ્તિત્વમાં આવી. નરસિંહ મહેતા રચિત ‘સુદામા ચરિત્ર’ અને ‘હારમાળા’નાં પદો તેનાં આરંભકાલીન ઉદાહરણો છે. ભાલણે આખ્યાનોમાં પણ પદમાળાનો સફળ પ્રયોગ કર્યો છે. જો કે આ પ્રક્રિયા પણ પદના ઉદભવની સાથે સાથે જ થઇ અને વિકસી. સમય જતા કથાત્મક પરંપરામાં આખ્યાન જેવું સ્વરૂપ ઉદભવ્યું, વિકસ્યું અને લોકપ્રિય બન્યું. જેથી કથનપ્રધાન પદમાળાનું પ્રમાણ ઘટ્યું પણ ‘પદ’નું મહત્વ ઘટ્યું નહીં. આખ્યાન કવિઓએ પણ તેમના આખ્યાનોમાં પદનું સંયોજન અવશ્ય કર્યું છે. એટલે કે મધ્યકાલીન પદ એકસરખી સર્જકતાથી સર્જાયું અને વિકસ્યું. મધ્યકાલીન 700 વર્ષના સમયગાળામાં અનેક સ્વરૂપો ઉદભવ્યા, વિકસ્યા અને રૂપાંતરિત થયા પણ દરેક તબક્કે પદનો પ્રભાવ એવો ને એવો જ રહ્યો. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે મધ્યકાળનું અડધું સાહિત્ય પદમાં સર્જાયું છે. તે જેટલું જનપ્રિય રહ્યું છે તેટલું કવિપ્રિય પણ રહ્યું છે. આમ લઘુ કાવ્ય સ્વરૂપ હોવા છતાં પણ ઘણો મોટો પ્રભાવ સાહિત્યજનો પર રહ્યો છે.

સંદર્ભ ગ્રંથો :
1.ગુજરાતી સહિત્યનો ઇતિહાસ : ગુજરાતી સાહિત્ય પરિષદ
2.અર્વાચીન ગુજરાતી સહિત્યનો ઇતિહાસ : રમેશ ત્રિવેદી
3.મધ્યકાલીન ગુજરાતી ભક્તિ કવિતા : ડૉ. જગદીશ શાહ
4.સ્વામિનારાણ સંપ્રદાયની કવિતા : ડૉ. મહેન્દ્ર પંડ્યા
5.સત કેરીવાણી : સં. મકરંદ દવે

*************************************************** 

ડૉ.પંકજ પટેલ
ગુજરાતી વિભાગ
સરકારી વિનયન કોલેજ,
બાયડ જિ:અરવલ્લી

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us