‘अभिज्ञानशाकुन्तलम्’નો ચોથા અંક – એક અધ્યયન “શકુન્તલા જ્યારે તપોવન ત્યજીને પતિગૃહે જાય છે, ત્યારે પદે પદે તે આકર્ષણ અનુભવે છે. પદે પદે તેને વેદના થાય છે. વન અને મનુષ્યનો વિયોગ આટલો માર્માન્તિક, સકરુણ બની શકે છે તે જગતના સમસ્ત સાહિત્યમાં માત્ર અભિજ્ઞાનશકુન્તલાના ચતુર્થ અંકમાં જ જણાય છે. આ કામમાં સ્વભાવ અને ધર્મનિયમનું જેવું મિલન છે તેવું જ મનુષ્ય અને પ્રકૃતિનું મિલન છે. વિસ-દસ વસ્તુઓ વચ્ચે આવા સંપૂર્ણ મિલનનો ભાવ મને લાગે છે કે ભારતવર્ષ સિવાય અન્ય કોઈ દેશમાં સંભવિત થઈ શકે તેમ નથી." રવીન્દ્રનાથ ટાગોર – ‘પ્રાચીન સાહિત્ય’, પૃષ્ટ ૪૪ (૧) પ્રસ્તાવના : મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યનો શ્રેષ્ઠ નાટ્યકાર છે. ‘अभिज्ञानशाकुन्तलम्’ એની પરિણત કૃતિ છે. નાટ્યકાર તરીકેની એની તમામ ઉત્તમ લાક્ષણિકતાઓનો આવિષ્કાર અભિજ્ઞાન શકુન્તલામાં થયેલો છે. સંસ્કૃત નાટ્યસાહિત્યમાં અભિજ્ઞાન શકુન્તલા, એનો ચોથો અંક, અને એ અંકમાંના ચાર શ્લોકોની ઉત્તરોત્તર શ્રેષ્ઠતા દર્શાવતો નીચેનો શ્લોક પ્રાચીન કાળથી ખૂબ જ પ્રસિદ્ધ છે. काव्येषु नाटकं रम्यं तत्र रम्या शकुन्तला । “કાવ્યોમાં નાટક રમણીય છે, નાટકોમાં શકુન્તલા (એટલે કે અભિજ્ઞાનશકુન્તલા) રમણીય છે, એમાં પણ ચોથો અંક અને (ચોથા અંકમાં) પણ ચાર શ્લોકો શ્રેષ્ઠ છે. મહાકવિ કાલિદાસના કવિકર્મનું આ રીતે કરવામાં આવેલું ગૌરવ યથાર્થ છે. સંસ્કૃત સાહિત્યમાં ઘણા કવિઓ અને નાટ્યકારોને અપાયેલી અંજલિઓમાં ઘણી વાર અતિશયોક્તિનું તત્ત્વ નજરે પડે છે પણ મહાકવિ કાલિદાસના ઉત્તમ સર્જનમાં આ રીતે અપાયેલી અંજલિ યથાર્થ અને અનુરૂપ છે. (૨) કથાનક :અભિજ્ઞાનશકુન્તલાના ચોથા અંકમાં નિરૂપાયેલું કથાનક શાશ્વતિક મૂલ્ય ધરાવે છે. દિકરીને ઘેર રખાય નહીં અને સાસરે મોકલતાં જીવ કળિએ કળિએ કપાઈ જાય એ મા-બાપની મોટી વિમાસણ છે. મહાકવિ કાલિદાસે માનવજીવનમાં આવતા આ ખૂબ જ સંવેદનશીલ, માર્મિક છતાં મંગલમય પ્રસંગને પૂરેપૂરી ગંભીરતા અને અને ગરિમાથી વર્ણવ્યો છે. સંસ્કૃત નાટ્યસાહિત્યમાં ઉત્તમ અંકનું ગૌરવ પ્રાપ્ત કરનાર ચોથા અંકનો પ્રારંભ એક લાંબા વિષ્કંભક દ્વારા થાય છે. તેમાં જ દુર્વાસાનો શાપ અને પછી આગળ શકુન્તલાવિદાયની તૈયારીઓ, શકુન્તલાવિદાયનું દૃશ્ય વગેરેનો સમાવેશ તેના કથાનકમાં થયેલો છે. વિષ્કંભક :નાટકના ચોથા અંકમાં આવતા વિષ્કંભકના પૂર્વાધ અને ઉતરાર્ધ વસ્તુગ્રથનની દૃષ્ટિએ ઘણા મહત્ત્વના અને દૂરોગામી અસર ઉત્પન્ન કરતા બનાવોનું સૂચન થયું છે. શકુન્તલાની બે સખીઓ પ્રિયવંદા અને અનસૂયા ફૂલો વીણે છે. એમના વાર્તાલાપમાંથી આપણને એટલી વિગતો જાણવા મળે છે કે રાજા અને શાકુન્તલાના ગાંધર્વલગ્ન (હાલના પ્રેમલગ્ન) થઈ ગયા છે, એનો સખીઓને સંતોષ છે. રાજા યજ્ઞકાર્ય પૂરું થતાં આજે પાટનગર પાછો ફર્યો છે. નગરમાં જઈને અંતઃપુરની આસક્તિમાં તે શકુન્તલાને ભૂલી જશે તો નહીં ને ? એ વિચારે અનસૂયા વ્યાકુળ છે. પ્રિયવંદા રાજાના મોહક વ્યક્તિત્વની દુહાઈ દઈને એની નિષ્ટામાં શંકા ન લાવવાની અનસૂયાને હૈયાધારણ આપે છે. શકુન્તલા છુપા લગ્ન અંગ્રે મહર્ષિ કણ્વનો પ્રતિભાવ શો હશે તેમાં પ્રિયવંદા તેને સમજાવે છે કે એમાં કંઈ ચિંતા કરવા જેવું લાગતું નથી. કણ્વે શકુન્તલાને યોગ્ય પતિ સાથે પરણાવવાનો નિર્ણય કર્યો હતો. અને આ રીતે કુદરતે અનાયાસે જ એમનો મનોરથ પૂર્ણ કર્યો હોય તો તેઓ ભાગ્યે જ નાખુશ થાય એમ કહીને તે અનસૂયાને હૈયાધારણ આપે છે. બન્ને સખીઓના વાર્તાલાપનું સ્વરૂપ જ કંઈક એવું છે કે એમાં ખૂટતી વિગતો વ્યક્ત થવાની સાથે કંઈક અજુગતું કે અઘટિત બનવાનું છે એવાં એંધાણ દેખાયા કરે છે. “Coming events caste their shadows before” આવનાર બનાવોનાં એંધાણ પહેલેથી જ વરતાતાં હોય છે એ ન્યાયે અહીં સખીઓનું હ્રદય જે તર્ક કરે છે એમાં કોઈ અગમ્ય આપત્તિનાં એંધાણ ડોકાય છે. દુર્વાસાનો શાપ :વિષ્કંભકના ઉતરાર્ધમાં દુર્વાસના શાપનું નિરૂપણ આવે છે. શકુન્તલાના પ્રતિકૂળ દૈવનું શમન કરવા સોમતીર્થ ગયેલા મહર્ષિ કણ્વે જતાં જતાં આશ્રમના અતિમહત્ત્વના અતિથિધર્મના પાલનની જવાબદારી શકુન્તલાને શિરે નાંખી હતી. શકુન્તલા પર્ણકુટિની પાસે બેઠી છે પણ તે આજે જ વિદાય થયેલા પતિના વિચારમાં ખોવાયેલી છે. અનસૂયા કહે છે તેમ તે ‘ह्रदयेन असंनिहिता’ છે. એટલામાં આશ્રમના આંગણે સુલભકોપા (જલદી ગુસ્સે થઈ જાય તેવા) મહર્ષિ દુર્વાસા પ્રધારે છે. પોતે એક-બે વાર સાદ કર્યો હોવા છતાં શકુન્તલાએ પોતાની સામે જોયું નહીં એ જાણી ઋષિ ગુસ્સે થાય છે અને “તું જેને યાદ કરે છે એ જ તને ભૂલી જશે” એવો દરૂણ શાપ આપી બેસે છે. विचिन्तयन्तीव यमनन्यमानसा तपोधनं वेत्सि न मां समुपस्थितम् । શૂન્યહ્રદયા શકુન્તલા આ શાપ સાંભળતી નથી, પણ પ્રિયવંદા એ સાંભળી ચોંકી જાય છે. ગભરાટમાં અનસૂયાના હાથમાંથી પુષ્પોની છાબડી પણ પડી જાય છે. પ્રિયવંદા ઋષિના પગ પકડી લે છે. ઘણા અનુનય પછી ઋષિ કંઈક અનુગ્રહ બતાવે છે અને મારૂં વચન તો મિથ્યા નહીં થાય પણ ઓળખના કોઈ ઘરેણાનું નિશાન જોવાથી એનો શાપ દૂર થશે એવી શાપની અવધિ બતાવી ચાલ્યા જાય છે. રાજા જતાં જતાં શકુન્તલાને વીંટી આપતો ગયો છે તેથી એ વીંટી એનું અભિજ્ઞાન બની રહેશે એ વિચારે સખીઓ આશ્વસ્ત થાય છે. આમ, અભિજ્ઞાનનું સાધન સખીએ હાથવગું હોઈને શાપની વાત કરીને સુકોમળ હ્રદયની સખીને વ્યથિત નથી કરવી એમ વિચારીને બન્ને સખીઓ આ સઘળો બનાવ ગુપ્ત રાખવાનો નિર્ણય કરે છે. શકુન્તલાવિદાયની તૈયારીઓ : વિવિધ વૃક્ષો દ્વારા વનદેવતાએ શકુન્તલા માટે પાનેતર અને અન્ય આભૂષણોની કેવી રીતે ભેટ ધરી એ કૌતુક્મય બાબત હર્ષથી સહુને સંભળાવી શકુન્તલાનો શણગારવિધિ પૂર્ણ થતાં જ મહર્ષિ કણ્વ આવે છે અને શકુન્તલાની વસમી વિદાયની ક્ષણ શરૂ થાય છે. નગરમાં પછા ફરેલા રાજાએ શકુન્તલાને એક ચબરખી સુદ્ધાં લખી નથી એ વિચારે અનસૂયાની વ્યાકુળતા પ્રેક્ષકોને પણ આવનાર પરિસ્થિતિની ગંભીરતાથી વાકેફ કરે છે. અશરીરી વાણી દ્વારા મહર્ષિ કણ્વને શકુન્તલાની સ્થિતિથી માહિતીગાર કરવાની કવિની યુક્તિ અલૌકિક હોવા છતાં અનિવાર્ય અને પ્રતીતિકારક જણાય છે. વનદેવતાઓ દ્વારા વસ્ત્રાભૂષણોની ભેટ વિદાયના પ્રસંગને વધારે અસરકારક બનાવે છે. શકુન્તલાવિદાયના મર્મસ્પશી પ્રસંગની પૂર્વતૈયારીની આ વિગતો મહાકવિ કાલિદાસે બહુ કુશળતાથી નિરૂપી છે. વિષ્કંભક પૂરો થતાં મુખ્ય દૃશ્યમાં એક શિષ્ય રંગમંચ ઉપર પ્રવેશે છે. પ્રવાસેથી પાછા ફરેલા તાત કણ્વે એને દિવસ ઉગવાને કેટલી વાર છે તે જાણવા મોકલ્યો છે. શિષ્યે અસ્ત પામતા ચંદ્ર અને ઉદય પામતા સૂર્યનું રૂપક પ્રયોજે છે તે પણ શકુન્તલાના જીવનના દશાપલટાની વિષમ અવસ્થાનું માર્મિક સૂચન છે. એ પછી રંગમંચ પર પ્રવેશતી અનસૂયા શકુન્તલાને ભૂલી જવાના દુષ્યંતના પગલાંને વખોડી કાઢે છે. એક બાજુ રાજા એને તેડતો નથી અને તે સગર્ભા છે એવી વાત કાશ્યપને કહી શકાતી નથી એની એને મોટી મુંઝવણ છે. અનસૂયા ચિંતામાં ડૂબી હોય છે આ જ સમયે પ્રિયવંદા શુભસમાચાર લઈને આવે છે. તાત કાશ્યપને અશરીરી વાણી દ્વારા શકુન્તલાના ગર્ભાધાનના સમાચાર મળ્યા અને મહર્ષિએ આજે જ શકુન્તલાને વિદાય આપવાનું નક્કી કર્યું છે તે જાણી વિદાય દુઃખની વચ્ચે પણ તે આનંદ અનુભવે છે. અનસૂયાએ ઘણા વખતથી તૈયાર કરેલી બકુલપુષ્પની માળા સીંકામાંથી ઉતારી લેવાનો પ્રિયવંદાને આદેશ આપ્યો અને ગોરોચનાતીર્થની માટી, દુર્વાની કુંપળોઓથી મંગળ શણગારની તૈયારીઓ કરવા માંડી. પ્રિયવંદાએ ફૂલો વીણવાનું શરૂ કર્યું. માંગલિક સ્નાન કરીને ઉપસ્થિત થયેલ શકુન્તલાને વૃદ્ધ તાપસીઓએ આશીર્વાદ આપ્યા. શકુન્તલાની પ્રિય સખીઓ એને મંગળ શણગાર સજાવા બેઠી. ઋષિકુમારો મૂલ્યવાન વસ્ત્રાભૂષણો લઈને હાજર થયાં. અને શકુન્તલાવિદાયનું દૃશ્ય : જે કરૂણમંગલ પ્રસંગના પ્રાસાદિક નિરૂપણને કારણે શકુન્તલાના ચોથા અંકને ઉત્તમ અંકનું ગૌરવ પ્રાપ્ત થયું છે તે શકુન્તલા વિદાયનો પ્રસંગ સાચા અર્થમાં અનન્ય અને અદ્વિતીય છે. મહાકવિ કાલિદાસે એને બને તેટલો મર્મસ્પશી બનાવવાનો પ્રયાસ કર્યો છે. શકુન્તલા વિદાયવ્યથાનો પ્રારંભ ખુદ મહર્ષિ કણ્વની સ્વગતોક્તિથી થાય છે. પોતાની આંતરીક વ્યથાને વાચા આપી કણ્વ પોતે કબૂલે છે કે “કન્યાને વિદાય આપતાં અરણ્યવાસીઓને જો આટલું દુઃખ થતું હોય તો સંસારીનું તો પૂછવું જ શું ?” કણ્વ પગે પડેલી શકુન્તલાને પતિની બહુમાનીતી થવાનો અને ચક્રવર્તીપુત્ર પ્રાપ્ત કરવાનો આશીર્વાદ આપે છે. પ્રાસ્થાનિક મંત્રોની વચ્ચે શકુન્તલા અગ્નિની પ્રદક્ષિણા કરી આગળ વધે છે. તમામ વૃક્ષો અને વેલીઓ સાથે શકુન્તલાને ઉંડો પ્રેમસંબંધ હતો. ઋષિ શકુન્તલાના પ્રેમની દુહાઈ દઈ વૃક્ષને શકુન્તલાને વિદાય આપવા અનુરોધ કરે છે અને કોયલો ટહૂકી ઉઠે છે. જાણે વનદેવી આશીર્વાદ વરસાવે છે. शान्तानुकूलपवनश्च शिवश्च पन्थाः । આશ્રમ છોડતાં તે અપાર દુઃખ અનુભવે છે. એનાં ચરણો મહાપ્રયત્ને આગળ વધે છે. તપોવન પોતે પણ શકુન્તલાને વિદાય આપતાં ભારે દુઃખ અનુભવે છે. હરિણીઓએ દર્ભના કોળિયા છોડી દીધા છે. ઢેલડીઓએ નૃત્ય ત્યજી દીધું છે. વેલીઓ ખરતાં પીળાં પાંદડાંને બહાને જાણે અશ્રુ વહાવે છે. શકુન્તલા તેની અતિવહાલી વનજ્યોત્સના વેલીની રજા લેવા જાય છે અને એની સંભાળનું ખાસ કામ સખીઓને ભળાવે છે. પર્ણકુટિની આસપાસ ફરી રહેલી સગર્ભા હરિણીના સારા સમાચાર પોતાને પહોંચાડવાની વિનંતી પિતાજીને કરવાનું તે ભૂલતી નથી. નાનો અને અનાથ મૃગબાળ શકુન્તલાનું વસ્ત્ર ખેંચે છે અને તેની વ્યથા પરાકાષ્ટાએ પહોંચે છે. શકુન્તલાએ એકલીએ આગળ વધવાનું થતાં તે ભાંગી પડે છે. “મલયપર્વતના તટથી ઉખાડવામાં આવેલ ચંદનવેલની જેમ પિતાજીના ખોળામાંથી વિખૂટી પડેલ હું બીજા પ્રદેશમાં કેવી રીતે જીવી શકીશ ?” એમ કહીને વ્યાકુળ બનતી શકુન્તલાને તાત રાજગૃહનાં સંભવિત સુખોનો નિર્દેશ કરી હૈયાધારણ આપે છે. રાજા ઓળખવામાં વિલંબ કરે તો તેનું નામ લખેલી આ વીંટી બતાવજે એવી છેલ્લી ક્ષણની શિખામણ શકુન્તલાને ઘ્રુજાવી નાખે છે પણ ‘अतिस्नेहः पापशंकी’ એમ કહીને સખીઓ તેની તીવ્રતા ઘટાડી નાંખે છે. મહાકવિ કાલિદાસે ભારે કૌશલ્ય અને પ્રતિભાથી શકુન્તલાવિદાયના દુઃખને વેધક બનાવ્યું છે. આ દૃશ્યમાં આદિથી અંત સુધી કવિએ પ્રસંગોચિત ગંભીરતા અને ગરીમાનું કલાત્મક નિરૂપણ કર્યું છે. એક પછી એક બનતા નાના-નાના પણ મહત્ત્વના પ્રસંગો કન્યા વિદાયની વ્યથાને ક્રમશઃ પરાકાષ્ઠાએ પહોંચાડે છે. વીતરાગી હોવા છતાં શકુન્તલાના નિતાંત કલ્યાણની ઝંખના રાખતા મહર્ષિ કણ્વનો નિર્વ્યાજ પુત્રીપ્રેમ, સખીઓની સહ્રદયતા, વનપ્રકૃતિ સાથે શકુન્તલાનું ભવ્ય તાદાત્મ્ય અને વનના અણુએ અણુમાં પ્રગટેલી શકુન્તલાની સમરસતા આ સમગ્ર પ્રસંગને ભવ્યતા અર્પે છે. (૩) સુરેખ ચરિત્રચિત્રણ :ચોથા અંકના મુખ્ય પાત્રોમાં શકુન્તલા અને તેની બે સખીઓ પ્રિયવંદા અને અનસૂયા, ગર્ભિત રીતે રહેલા દુર્વાસા અને તાત કણ્વ છે. શકુન્તલાના આંતરીક વ્યક્તિત્વનો સહુથી મોટો ઉન્મેષ ચતુર્થ અંકમાં દેખાય છે. શકુન્તલાની વિદાય વેળાએ તપોવનના સમગ્ર વાતાવરણમાં જે વિષાદ અને વ્યથા નિતરે છે તે શકુન્તલા તપોવનના જીવનમાં કેટલી સમરસ બની હતી તે પ્રગટ થાય છે. નાનકડો મૃગબાળ જ્યારે એનું વસ્ત્ર ખેંચીને એના ગમનને અવરોધે છે ત્યારે તો શકુન્તલા માટેનો સમષ્ટિનો સદભાવ જાણે સોળે કળાએ ખીલી ઉઠેલો જણાય છે. નિસર્ગ કન્યા શકુન્તલાનો પ્રકૃતિનો પ્રેમભાવ એના વ્યક્તિત્વનો અતિ ઉજ્જવળ અંશ છે. શકુન્તલાની બન્ને સખીઓ શકુન્તલાના કલ્યાણમાં જ રત છે. બન્નેને શકુન્તલા માટે અનહદ પ્રેમ છે અને છતાં પ્રિયવંદા અને અનસૂયાના મિજાજ ભિન્ન છે. અનસૂયા ગંભીર, સ્વસ્થ અને સાલસ છે જ્યારે પ્રિયવંદા રમતિયાળ , મજાકપ્રિય, વિનોદી અને કંઈક બટકબોલી છે. વીતરાગી ઋષિ કણ્વમાં માતાની અને પિતાની લાગણીઓનો સમંવય જોવા મળે છે. અંકના પ્રારંભમાં આવતા એક મહામુનિ (દુર્વાસા) નિર્દોષ શકુન્તલાની મુગ્ધાવસ્થાનો ખ્યાલ રાખ્યા વિના એને જે રીતે દંડ દે છે એના અનુસંધાનમાં મહર્ષિ કણ્વનું ઔદાર્ય ભાવકોને વધુ પ્રભાવિત કરે છે. તાત કાશ્યપ શકુન્તલાના સગા પિતા નથી પણ સગા પિતાને પણ ન હોય તેટલી ચિંતા એમને છે. શકુન્તલાએ કરેલા અવિનયને માફ કરી દેવાનું ઔદાર્ય એમનામાં છે. પોતે અનાસક્ત અને વનવાસી તાપસ છે તેમ જાણવા છતાં આજે શકુન્તલા સાસરે જશે તે વિચારે તેઓ ઉંડા સંતાપનો અનુભવ કરે છે તેનો તેઓ નિખાલસ એકરાર કરે છે. (૪) નિર્મળ કાવ્યતત્ત્વ :મહાકવિ કાલિદાસની કાવ્યતત્ત્વની નિરૂપણ કળાથી સંપૂર્ણ ચોથો અંક જાણે એક ઉર્મિકાવ્યનું ગૌરવ પામ્યો છે. અહીં કાર્યવેગની ન્યૂનતા જરાપણ ખટકતી નથી. આસક્તિની ઝાળનો સ્પર્શ પામતા મહાઋષિ કણ્વ પોતાના એક અવિભાજ્ય અંગ સમી શકુન્તલાની વિદાયએ અશ્રુ સારતી પ્રકૃતિ, સખી પ્રિયવંદા અને અનસૂયાની અવશતા, વનલતા, હરણી અને મૃગબાળની વિદાય લેતાં શકુન્તલાના હ્રદયમાં જન્મતી આ બધી વિવશતાનું મહાકવિ કાલિદાસે મર્મસ્પર્શી આલેખન કર્યું છે. મહર્ષિ કણ્વે શાર્ગરવ દ્વારા રાજાને મોકલેલો પ્રસંગોચિત સંદેશ અને ઉતમ કૂલવધૂ બની રહેવા માટે શકુન્તલાને આપેલો ઉપદેશ આખા પ્રસંગને ગૌરવ અને ભવ્યતા બક્ષે છે. શકુન્તલાના કલ્યાણ માટે વનજીવનનાં જડ ચેતન તત્ત્વો જે ઉત્કટતા અનુભવે છે અને પડઘો પાડતી હોય તેમ વનદેવતાના આશીષનું મહર્ષિ કણ્વે शान्तानुकूलपवनश्च शिवश्च पन्थाः । એમ કહીને કરેલું આલેખન સંપૂર્ણ અંકના નિર્મળ કાવ્યતત્ત્વની ગરીમાનો ચરમોત્કર્ષ છે. (૫) ભવ્ય પ્રકૃતિનિરૂપણ :કાલિદાસ પ્રકૃતિનો મહાન ગાયક છે. ચોથા અંકમાં વનપ્રકૃતિના વૈભવને મહાકવિએ મન મૂકીને ગાયો છે. વનદેવતા વિદાય લેતી શકુન્તલાને માતાની જેમ વાત્સલ્યરસથી ભીંજવે છે. એને માટે વનદેવતાઓએ વસ્ત્રાભૂષણનું સર્જન કર્યું છે. શકુન્તલાની વિદાય વેળાએ હરણાંએ દર્ભના કોળિયા છોડી દીધા છે. મયુરાએ નાચવાનું ત્યજી દીધું છે અને પીળાં પાંદડા ખેરવતી વેલીઓ જાણે આંસુ સારી રહી છે. अपसृतापाण्डुपत्रा मुच्जन्त्यश्रूणीव लताः । પ્રકૃતિને માનવ સુખે સુખી અને દુઃખે દુઃખી થતી નિરૂપવી એ મહાકવિ કાલિદાસના પ્રકૃતિનિરૂપણની એક ખાસ વિશિષ્ઠતા છે. એ બાબત નોંધપાત્ર છે કે મહાકવિના પ્રકૃતિનિરૂપણની ચર્ચા કરતાં વિદ્વાનોએ શકુન્તલાના ચતુર્થ અંકના ભવ્ય પ્રકૃતિનિરૂપણનો અનિવાર્યપણે ઉલ્લેખ કર્યો છે. (૬) શ્લોકચતુષ્ટય :મહાકવિ નાટ્યકાર હોવા ઉપરાંત એક પ્રતિભાસંપન્ન કવિ છે. એમના ઉત્તમ કાવ્યતત્ત્વનો અહીં સુપેરે પરિચય પ્રાપ્ત થાય છે. ચોથા અંકના ચાર શ્લોકો (श्लोकचतुष्टयम्) ને સર્વોત્તમ ગણવામાં આવ્યા છે. અલબત્ત આ ચાર શ્લોકો કયા તે વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાકના મતે यास्यत्यद्य शकुन्तलेति – શ્લોક-૧૬, शुश्रुषस्व गुरून् – શ્લોક-૧૯, अभिजनवतो – શ્લોક-૧૭, अस्मानसाधु विचिंत्य – શ્લોક-૨૦, भूत्वा चिराय અને अर्थो हि कन्या परकीय શ્લોક-૨૨ માંથી કોઈપણ ચારને ઉત્તમ શ્લોક કહી શકાય. (૭) સુભાષિતો :અંકમાં આવતા કેટલાક સુભાષિતો કાવ્યની શોભામાં અનેકગણો વધારો કરે છે. દા.ત.: को नामोष्णोदकेन नवमालिकां सिच्जति, આમ મહાકવિ કાલિદાસે શકુન્તલાના ચોથા અંકના વસ્તુગ્રંથનમાં ઘણી ચોકસાઈ રાખી છે. જેને પરિણામે સમગ્ર કથાનક સુશ્લિષ્ઠ બન્યું છે અને રસપર્યવસાયી બન્યું છે. ઉંડા અને ગંભીર કથાનકનું આલેખન, સુરેખ ચરિત્રચિત્રણ, ચોટદાર સંવાદો, નિર્મળ કાવ્યતત્ત્વ અને પ્રાસાદિક જીવનદર્શનને કારણે આ અંક સાચા અર્થમાં સંસ્કૃત સાહિત્યનો એક અદ્દભૂત અને અદ્વિતીય અંક બનવા પામ્યો છે. સંદર્ભસૂચી: *************************************************** શર્મિષ્ટાબેન બળદેવભાઈ ચમાર |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |