logo

“રધુવંશ”માં વર્ણિત ભારતીય સંસ્કૃતિમાં શુકન



      રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વાલ્મીકી રચીત આદિગ્રંથ રામાયણમાંથી ઉતરી આવ્યા છે. રામાયણમાં નિરૂપિત વિવિધ પ્રસંગો, પાત્રો અને કથાઓમાં ભારતીય સંસ્કૃતિનું વિવિધ રીતે દર્શન થાય છે. સંસ્કૃત સાહિત્યના મોટાભાગના કવિઓએ પોતાની કૃતિઓનો આધાર રામાયણને બનાવ્યું છે. મહાકવિ કાલિદાસ રચીત સંસ્કૃત સાહિત્યનું શ્રેષ્ઠ મહાકાવ્ય ‘रघुवंशम्’નું આધારસ્થાન પણ રામાયણ છે. તેમાં રાજા રઘુના વંશના પ્રતાપી રાજાઓના જીવન ચરિત્રની સાથે રામાયણ કાલિન સમાજની સંસ્કૃતિ અને મૂલ્યોનું નિરૂપણ કરેલું છે. પ્રસ્તુત મહાકાવ્યમાં કવિએ અનેક રીતે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આવરી લીધા છે. ભારતીય લોકો જે સંસ્કૃતિનું આચરણ કરે છે તેમાં શુકન-અપશુકન પણ વર્ણાયેલા છે. તે સમય માંડીને વર્તમાન સમયમાં પણ માનવજીવન શુકન-અપશુકનને સ્પર્શે છે. આજે પણ તેનું મહત્ત્વ સ્વીકારવામાં આવે છે. ભારત દેશ પ્રાચીનકાળથી જ ધાર્મિક વિચારસરણીવાળો હતો. રામાયણકાલિન સમાજમાં અર્થ અને કામ પણ ધર્મથી જ મેળવવાનું જણાવ્યું છે. આથી તે સમયે શુકનશાસ્ત્રનું મહત્ત્વ ઘણું જ રહેતું. તેથી મહાકવિ કાલિદાસે રામાયણ આધારિત રઘુવંશ મહાકાવ્યમાં વિવિધ સમયે થતા શુકન અપશુકનનું વર્ણન કર્યં છે. આ ઉપરાંત કેટલાક વિશિષ્ઠ કાર્યો માટે પણ રાજાના સંબંધમાં આ વર્ણન જોવા મળે છે. માટે જ વર્તમાન ભારતીય સંસ્કૃતિમાં શુકન-અપશુકનનું મહત્ત્વ ઘણું છે. રઘુવંશ મહાકાવ્યમાં નીચે પ્રમાણે શુકન અને અપશુકન મળી આવે છે.

(૧) પવનની ગતિ :

      પવનની ગતિ જો અનુકુળ હોય તો શુકન અને પ્રતિકુળ હોય તો અપશુકન ગણવામાં આવે છે. દિલીપ પુત્રપ્રાપ્તિની કામના સાથે વસિષ્ઠના આશ્રમમાં જાય છે. ત્યારે અનુકુળ પવન હોય છે. તેથી વસિષ્ઠ પુત્રપ્રાપ્તિ થશે તેવો ગર્ભિત સંકેત આપે છે. એ જ રીતે રઘુ દિગ્વિજય માટે નીકળે છે, ત્યારે રધુના રથની પતાકાઓ અનુકુળ પવનથી ફરકતી જોઈ તેના દુશ્મનો ગભરાય જાય છે.૧ ભગવાન રામ વિવાહ પછી પોતાના ચારેય ભાઈઓ સાથે અયોધ્યા આવતા હોય છે ત્યારે પ્રતિકુળ પવન ફુંકાય છે, જે અશુભ હોવાના કારણે પરશુરામ સાથે રામનું યુદ્ધ થાય છે.૨ આના કારણે વર્તમાન સમયમાં પણ ભારતીય લોકો પોતાના કોઈપણ કાર્યનો પ્રારંભ કર્યો પહેલા પવન અનુકુળ છે કે પ્રતિકુળ તે જાણે છે. જો પવન સામો હોય તો પોતાના કાર્યમાં ઢીલાસ મુકે છે.

(૨) ગાય સામે મળવી :

      કોઈપણ શુભકાર્ય માટે જતાં સામે રસ્તામાં ગાય મળે તો તે શુભ ફળ આપનારું મનાય છે. દિલીપ પુત્રેચ્છાથી વસિષ્ઠના આશ્રમમાં જાય છે. ત્યારે નન્દિની ગાય સામે આવે છે. તે જોઈને શુકનશાસ્ત્રના જ્ઞાતા વસિષ્ઠ દિલીપનું કાર્ય અવશ્ય સફળ થશે તેમ જણાવે છે.૩ ભારતીય વિવિધ શાસ્ત્રોમાં ગાયને અતિ પવિત્ર માનવામાં આવી છે. ગાયને ‘માતા’ તરીકે સંબોધવામાં આવે છે. કેટલાક લોકો પોતાના કાર્યનો પ્રારંભ કરતા પહેલા અચૂક ગાયનું પૂજન કરે છે. ગાયનું આ વિશિષ્ઠ સ્થાન ભારતીય સંસ્કૃતિમાં દિલીપ અને સુદક્ષિણા દ્વારા થયેલી ગૌ સેવાના કારણે સંભવી શકે છે. એમ માનવામાં આવે છે કે ગાયની અંદર સૃષ્ટિના બધાજ દેવી-દેવતાઓનો આશ્રય છે.

(૩) પ્રસન્નતા :

      મહાન માણસો પ્રસન્નચિત્તવાળા દેખાય તે શુભસૂચક છે. દિલીપ અને સુદક્ષિણા વસિષ્ઠના આશ્રમમાં આવે છે, ત્યારે વસિષ્ઠના કહેવાથી તેઓ પ્રસન્નચિત્તે નન્દિનીની પૂજા કરે છે. ત્યારે તેમની પ્રસન્નચિત્તતા નન્દિની સ્વીકારે છે. તે જોઈને દિલીપને પોતાનું કાર્ય ચોક્કસ સફળ થશે તેમ લાગે છે.૪ આમ આપણે પણ સદા પ્રસન્ન રહેતા માણસોને પ્રસંદ કરીએ છીએ. કોઈ કાર્ય માટે જતાં પહેલાં કોઈ પ્રસન્નચિત્ત માણસ સામે આવે તો તેને સારા શુકન માની આગળ વધીએ છીએ.

(૪) દિશાઓ નિર્મળ થવી : :

      દિશાઓ નિર્મળ થવી તે એક શુભ શુકન દર્શાવે છે. રઘુના જન્મ સમયે દિશાઓ નિર્મળ થાય છે.૫ તે શુભ સંકેતની અસરથી તેમનો ઈક્ષ્વાકુવંશને બદલે આખો વંશ રઘુવંશ તરીકે પ્રસિદ્ધ થાય છે.

(૫) દક્ષિણ દિશા તરફ અગ્નિ જવો :

      રઘુના જન્મ સમયે અનેક શુભ સંકેતો થાય છે. તેમાં અગ્નિની શિખા દક્ષિણ દિશા તરફ જાય છે. તેનાથી દિલીપને ૧૦૦ અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે. સમય જતાં દિગ્વિજય કરવા જતા રઘુએ પોતાના હાથથી વિજય અપાવ્યો.૬ આ પરથી ભારતીય લોકો રસોડામાં સળગાવેલ અગ્નિની દિશા દક્ષિણ તરફ રહે તે પ્રમાણે પહેલેથી આયોજન કરીને આગળ વધે છે.

(૬) મુકુટમાંથી મણિ ખરી પડવા :

      મુકુટમાંથી મણિ ખરી પડવા આ અશુભ ગણવામાં આવે છે. રામના જન્મ સમયે રાવણના મુકુટમાંથી મણિ ખરી પડે છે. પરિણામસ્વરૂપ રામના હાથે રાવણનું મુત્યું થાય છે.૭ આ પરથી ભારતીય લોકોમાં કોઈપણ કાર્યની શરૂઆત પહેલાં જો સોના-ચાંદી કે કિંમતી ધાતુના બનાવેલ આભૂષણો તુટી જાય તો તેને અપશુકન માને છે.

(૭) અંગ-ભંગ વાળી વ્યક્તિ સામે મળવી :

      કોઈપણ મંગલ કાર્ય માટે જતાં આવી વ્યક્તિ સામે મળે તો તે અશુભ ગણાય છે. રામ-લક્ષ્મણ સામે યુદ્ધ કરવા આવતા રાક્ષકોને કનકટી શૂર્પણખા સામે મળે છે. તે અપશુકનના કારણે રાક્ષકો હારે છે.૮ હાલના સમયમાં પણ કોઈપણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં અપંગ વ્યક્તિ સામે આવે તો તેને અપશુકન માનવામાં આવે છે. કદાચ ભારતીય સંસ્કૃતિમાં આ અપશુકનનો એંધાણ રામાયણ જ છે.

(૮) બાજપક્ષી – માંસભક્ષી પક્ષી ઉપર ઉડવાં

      માંસભક્ષી પક્ષીઓ કે બાજપક્ષી કોઈ શુભ કાર્ય માતે જતાં પહેલાં માથા પર ઉડે તો તે અશુભકારી માનવામાં આવે છે. અજ સાથેના અન્ય રાજાઓના યુદ્ધ સમયે તે રાજાઓના મસ્તકોને બાજ પક્ષીઓ પકડે છે. પરિણામે સ્વરૂપ તે અજ સામે હારે છે. એ જ રીતે રામ-રાવણના યુદ્ધ સમયે રાક્ષકોની ધજાને બાજપક્ષીઓ હલાવતાં હતાં. તેના પરિણામસ્વરૂપ તેઓની યુદ્ધમાં હાર થાય છે.૯ વર્તમાન સમયમાં પણ કોઈ શુભ કાર્ય સમયે પક્ષીઓના વિચિત્ર અવાજ અપશુકન માનવામાં આવે છે.

(૯) રજસ્વલા સ્ત્રીનું દર્શન :

      આ પણ અશુભની નિશાની રૂપ છે. રામાદિ ભાઈઓના વિવાહ પછી અયોધ્યા આવતાં રજસ્વલા સ્ત્રી સામે મળવાના કારણે પરશુરામ સાથે યુદ્ધ થાય છે.૧૦ વિવિધ ભારતીય સમાજોમાં પણ કોઈપણ કાર્યની શરૂઆતમાં રજસ્વલા સ્ત્રી જ નહિ પણ કૂલટા નારી, જેનો પતિ મુત્યું પામ્યો છે તેવી સ્ત્રી, બાળકો વિનાની સ્ત્રી વગેરેનું દર્શન થાય તો તેને અપશુકન માનવામાં આવે છે.

(૧૦) શિયાળનું રુદન :

      આ પણ અશુભની નિશાની રૂપ છે. રામાદિ અયોધ્યા પરત આવતાં દક્ષિણ દિશામાંથી શિયાળનું રુદન સંભળાય છે, જે અશુભકારી નીવડે છે. તેથી રામની સાથે પરશુરામ યુદ્ધ થાય છે.૧૧ ભારતીય સંસ્કૃતિમાં શિયાળનું રુદન જ નહિ પણ તેનો અવાજ, પગલા વગેરેને પણ અશુભ માનવામાં આવે છે.

(૧૧) સૂર્યગ્રહણ :

      આ પણ કેટલીક રીતે શુભકારી અને અશુભકારી છે. રામાદિ ભાઈઓ વિવાહ પછી પરત આવતા હતા ત્યારે સૂર્યગ્રહણ થાય છે.૧૨ આથી તેમના વિવાહ પછી અયોધ્યામાં હંમેશા અમંગળ જ થાય છે. રામ-સીતા અને લક્ષ્મણનો વનવાસ, દશરથનું મુત્યું વગેરે આફતો આવે છે.

ઉપસંહાર :

       આમ મહાકવિ કાલિદાસે ‘રધુવંશ’ મહાકાવ્યમાં ભારતીય સંસ્કૃતિ સાથે વિશિષ્ઠ રીતે સંકળાયેલા શુભ અને અશુભ સંકેતો દર્શાવતી કેટલીક બાબતોનું વર્ણન કર્યું છે. તે તેમની શુકનશાસ્ત્રને લગતી નિપુણતા દર્શાવે છે. તે સમયે વિવિધ રાજાઓ પોતાના રાજ્યમાં વિવિધ મંત્રીઓ ઉપરાંત શુકનશાસ્ત્રના વિદ્વાનો પણ રાખતા હતા. જે દરેક કાર્યની શરૂઆતમાં થતા શુકન-અપશુકનની જાણકારી રાજાને આપતા હતા. ‘કુમારસંભવ’ મહાકાવ્યમાં આવતા ઉલ્લેખ પ્રમાણે તારકાસુર જ્યારે યુદ્ધમાં જાય છે ત્યારે શુકનશાસ્ત્રના જાણકાર વિદ્વાનો તારકાસુરને થતા અપશુકનનો સંકેત આપે છે. પરંતુ તારકાસુર તેમની વાતને ગણકારતો નથી.૧૩ પરિણામે દેવ સેનાપતિ કાર્તિકેના હાથે તેનું મુત્યું થાય છે. આમ ભારતીય સંસ્કૃતિના પાયામાં જ ગુંથાયેલા શુકન-અપશુકન ના ખ્યાલને કારણે વર્તમાન વિવિધ ભારતીય લોકો પોતાના કાર્યની પ્રારંભે જ વિવિધ શુકન જાણનારા વિદ્વાનો પાસેથી સલાહ લેવા જાય છે. અને તેમની વિધિ અનુસાર પોતાના કાર્યનો પ્રારંભ કરે છે.

પાદટીપ :
૧. રઘુવશ, ૧-૪૨, ૩-૧૪, ૪-૨૮
૨. રઘુવશ, ૧૧-૫૮
૩. રઘુવશ, ૧-૮૫
૪. રઘુવશ, ૨-૨૨
૫. રઘુવશ, ૩-૧૪
૬. રઘુવશ, ૩-૧૪, ૪-૧૫
૭. રઘુવશ, ૧૦-૭૫
૮. રઘુવશ, ૧૨-૪૩
૯. રઘુવશ, ૭-૪૬, ૧૧-૨૬
૧૦. રઘુવશ, ૧૧-૬૦
૧૧. રઘુવશ, ૧૧-૬૧
૧૨. રઘુવશ, ૧૧-૫૯
૧૩. રઘુવંશ, ૧૬-૧૭

સંદર્ભસાહિત્ય

૧. रघुवंशम्
    પ્રકાશન : સરસ્વતી પુસ્તક ભંડાર
    સંપાદક : પ્રા. નરોત્તમ પારેશ્વર શાસ્ત્રી, ડૉ. પી.યુ. શાસ્ત્રી, પ્રા. એલ.વી. જોષી.
૨. સંસ્કૃત મહાકાવ્ય (સ્વરૂપ ઉદભવ અને વિકાસ)
    વસંતકુમાર મનુભાઇ ભટ્ટ
    પ્રકાશક ; સરસ્વતી પુસ્તક ભંડાર, દ્રિતીય આવૃતિ :૧૯૯૦
૩. रघुवंशम्
     પ્રકાશક : કે. આર. શાહ. આર. જમનાદાસની કંપની
    પ્રથમ આવૃતિ : ૧૯૭૪.


*************************************************** 

મકવાણા મનહરકુમાર અમૃતલાલ
પીએચ.ડી. વિદ્યાર્થી,
HNGU PATAN.
દગાવાડિયા, વિસનગર


Previous index next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us